ઇઝરાયલની મોસાદે સોવિયેતનું વિમાન મિગ-21 કેવી રીતે ચોર્યું હતું?

ઇમેજ સ્રોત, JEWISH VIRTUAL LIBRARY
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
મેર આમેત 1963ની 25 માર્ચે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના વડા બન્યા ત્યારે તેમણે સંરક્ષણ વિભાગના અનેક અધિકારીઓને પૂછ્યું હતું કે ઇઝરાયલની સલામતી માટે મોસાદનું સૌથી મોટું યોગદાન શું હોઈ શકે?
બધાનું કહેવું હતું કે તેઓ સોવિયેત વિમાન મિગ-21 કોઈ રીતે ઇઝરાયલ લાવી શકે તો બહુ સારું થશે. એઝેર વાઈઝમન ઇઝરાયલી વાયુ સેનાના પ્રમુખ બન્યા ત્યારે ખરી કહાણી શરૂ થઈ હતી.
તેઓ દર બે-ત્રણ સપ્તાહે મેર આમેત સાથે સવારનો નાસ્તો કરતા હતા. એવી જ એક મુલાકાત દરમિયાન મેર આમેતે તેમને પૂછ્યું હતું કે તમે મારા માટે શું કરી શકો? વાઈઝમેને એક ક્ષણનો વિલંબ કર્યા વિના કહ્યું- “અમને મિગ-21 જોઈએ છે.”
મેર આમેત તેમના પુસ્તક ‘હેડ ટુ હેડ’માં લખે છે, “મેં વાઈઝમનને કહ્યું, તમે પાગલ થઈ ગયા છો? સમગ્ર પશ્ચિમી જગતમાં એકેય મિગ વિમાન નથી. વાઈઝમન પોતાની વાતને વળગી રહ્યા અને કહ્યું, ગમે તે થાય અમને મિગ-21 જોઈએ છે. તે મેળવવા માટે તમારા તમારી તમામ તાકાતનો ઉપયોગ કરવો જોઈએ.”
આમેત લખે છે, “તેં તેની જવાબદારી રહવિયા વર્ડીને સોંપી દીધી. તેઓ ઇજિપ્ત અને સીરિયાથી વિમાન લાવવાના અસફળ પ્રયાસ કરી ચૂક્યા હતા. અમે એ યોજના પર મહિનાઓ સુધી કામ કર્યું. અમારી સૌથી મોટી સમસ્યા તે યોજનાને સાકાર કરવાની હતી.”

મિગ-21ની સલામતીની જવાબદારી

ઇમેજ સ્રોત, Getty Images
સોવિયત સંઘે આરબ દેશોને મિગ-21 આપવાનું 1961થી શરૂ કર્યું હતું.
ડોરોન ગેલરે ‘સ્ટીલિંગ એ સોવિયેત મિગ ઑપરેશન ડાયમંડ’ શીર્ષક હેઠળના લેખમાં લખ્યું છે, “1963 સુધીમાં મિગ-21 ઇજિપ્ત, સીરિયા અને ઇરાકના હવાઈ દળનું મહત્ત્વપૂર્ણ અંગ બની ચૂક્યાં હતાં. રશિયનો આ વિમાન બાબતે ઉચ્ચ કક્ષાની ગુપ્તતા જાળવતા હતા.”
“તેમણે આરબ દેશોને વિમાન આપવા સામે સૌથી મોટી શરત એ મૂકી હતી કે વિમાન ભલે તેમના દેશમાં રહે, પરંતુ વિમાનોની સલામતી, પ્રશિક્ષણ અને જાળવણીની જવાબદારી સોવિયેત અધિકારીઓની હશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પશ્ચિમના દેશોમાં મિગ-21ની ક્ષમતા બાબતે કોઈ કશું જાણતું ન હતું.
ગેલર લખે છે, “વર્ડીએ આ વિશે આરબ દેશોમાં તપાસ શરૂ કરી દીધી. અનેક સપ્તાહ બાદ તેમને ઈરાનમાં ઇઝરાયલના મિલિટરી એટેશે યાકોવ નિમરાદીનો એક રિપોર્ટ મળ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ એક ઇરાકી યહૂદી યોસેફ શિમિશને ઓળખે છે અને તેનો દાવો છે કે ઇરાકનું મિગ-21 ઇઝરાયલ લાવી શકે તેવા એક ઇરાકી પાઇલટને તેઓ ઓળખે છે.”
શિમિશ અવિવાહિત હતા અને આનંદમય જીવન પસાર કરવાના શોખીન હતા. તેમનામાં લોકો સાથે દોસ્તી કરવાની અને તેમનો વિશ્વાસ જીતવાની અદભુત ક્ષમતા હતી.
બગદાદમાં એક ખ્રિસ્તી મહિલા શિમિશના દોસ્ત હતા. તેમની બહેન કમીલાએ ઇરાકી હવાઈ દળના એક ખ્રિસ્તી પાઇલટ કૅપ્ટન મુનીર રેદ્ફા સાથે લગ્ન કર્યાં હતાં.
શિમિશને ખબર હતી કે મુનીર અસંતુષ્ટ છે, કારણ કે ઉત્કૃષ્ટ પાઇલટ હોવા છતાં તેમને બઢતી આપવામાં આવી ન હતી. તેમને તેમના જ દેશમાં કુર્દ લોકોનાં ગામો પર બૉમ્બમારો કરવાનો આદેશ આપવામાં આવતો હતો.
તેમણે આ સંદર્ભે તેમના ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી હોવાને કારણે તેમને બઢતી નહીં મળે અને તેઓ ક્યારેય સ્ક્વોડ્રન લીડર નહીં બને.
રેદ્ફા બહુ મહત્ત્વાકાંક્ષી હતા. તેમણે નક્કી કરી લીધું હતું કે તેમના માટે ઇરાકમાં રહેવાનો કોઈ અર્થ નથી. શિમિશ લગભગ એક વર્ષ સુધી યુવા પાઇલટ રેદ્ફા સાથે વાત કર્યા પછી તેમને ઍથેન્સ જવા માટે તૈયાર કરવામાં સફળ થયા હતા.
શિમિશે ઇરાકી અધિકારીઓને જણાવ્યું હતું કે રેદ્ફાનાં પત્નીને ગંભીર બીમારી છે અને પશ્ચિમના ડૉક્ટરો પાસે સારવાર કરાવીને જ તેમને બચાવી શકાય તેમ છે. તેથી તેમને તત્કાળ ગ્રીસ લઈ જવા જોઈએ.
તેમની સાથે તેમના પતિને પણ ત્યાં જવાની પરવાનગી આપવી જોઈએ, કારણ કે પરિવારમાં તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે, જે અંગ્રેજી બોલી શકે છે.
ઇરાકી અધિકારીઓએ તેમની વાત માની લીધી અને મુનીર રેદ્ફાને તેમનાં પત્ની સાથે ઍથેન્સ જવાની પરવાનગી આપવામાં આવી.

દસ લાખ ડૉલર આપવાની ઑફર

ઇમેજ સ્રોત, SHEBA MEDICAL CENTER
ઍથેન્સમાં રેદ્ફાને મળવા માટે મોસાદે ઇઝરાયલી હવાઈ દળના એક અન્ય પાઇલટ કર્નલ ઝીવ લિરોનને મોકલ્યા હતા.
મોસાદે રેદ્ફાનું નામ રાખ્યું હતું ‘યાહોલોમ’, જેનો અર્થ થાય છે હીરો. આ સમગ્ર મિશનને ઑપરેશન ડાયમંડ નામ આપવામાં આવ્યું હતું.
એક દિવસ લિરોને રેદ્ફાને પૂછ્યું, “તમે એક દિવસ તમારા વિમાન સાથે ઇરાકની બહાર ચાલ્યા જાઓ તો વધુમાં વધુ શું થાય?”
રેદ્ફાનો જવાબ હતોઃ “એ લોકો મને મારી નાખશે. એકેય દેશ મને શરણ આપવા તૈયાર નહીં થાય.”
તેની સામે લિરોને કહ્યું, “એક દેશ છે, જે ખુલ્લા દિલે તમારું સ્વાગત કરશે. એ દેશનું નામ છે ઇઝરાયલ.”
એક દિવસ વિચાર કર્યા બાદ રેદ્ફા ઇરાકથી મિગ-21 વિમાન સાથે બહાર નીકળવા તૈયાર થઈ ગયા હતા.
લિરોને બાદમાં એક ઇન્ટરવ્યૂમાં રેદ્ફા સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો.

અરબી ગીત બન્યું કોડવર્ડ

ઇમેજ સ્રોત, JEWISH VIRTUAL LIBRARY
ગ્રીસથી એ બન્ને રોમ ગયા. ત્યાં શિમિશ અને તેમના મહિલા મિત્ર પણ પહોંચી ગયા. થોડા દિવસ પછી ઇઝરાયલી હવાઈ દળના ગુપ્તચર વિભાગના રિસર્ચ ઑફિસર યેહૂદા પોરટ પણ ત્યાં પહોંચ્યા.
ઇઝરાયલી ગુપ્તચર અને રેદ્ફા વચ્ચે સંવાદ કેવી રીતે સ્થાપિત કરવો તે રોમમાં જ નક્કી થયું હતું.
માઈકલબાહ ઝોહર અને નિસિમ મિસહાલે તેમના પુસ્તક ‘ધ ગ્રૅટેસ્ટ મિશન ઑફ ધ ઇઝરાયલી સિક્રેટ સર્વિસ મોસાદ’માં લખ્યું છે, “રેદ્ફા ઇઝરાયલના રેડિયો સ્ટેશન પરથી વિખ્યાત અરબી ગીત ‘મરહબતેં મરહબતેં’ સાંભળશે ત્યારે તેમના ઇરાક છોડવાનો સંકેત હશે એવું નક્કી થયું હતું, પરંતુ તેમને ખબર ન હતી કે રોમમાં મોસાદના વડા મેર આમેત પોતે તેમની પર નજર રાખી રહ્યા હતા.”
રેદ્ફાને બ્રીફિંગ માટે ઇઝરાયલ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેઓ માત્ર 24 કલાક રહ્યા હતા. એ દરમિયાન તેમને આખી યોજના વિગતવાર જણાવવામાં આવી હતી. મોસાદે તેમને ગુપ્ત કોડ આપ્યો હતો.
ઇઝરાયલી જાસૂસ તેમને તેલ અવીવના મુખ્ય માર્ગ એલનબી સ્ટ્રીટ પર લઈ ગયા હતા. સાંજે તેમને તફાની શ્રેષ્ઠ રેસ્ટોરાંમાં ભોજન કરાવવામાં આવ્યું હતું.
રેદ્ફા ત્યાંથી ઍથેન્સ ગયા હતા. પછી ત્યાંથી પ્લેન બદલીને બગદાદ પહોંચ્યા હતા અને યોજનાના છેલ્લા તબક્કાની તૈયારી કરવા લાગ્યા હતા.
બીજી સમસ્યા પાઇલટના પરિવારને ઇરાકની બહાર, પહેલાં ઇંગ્લૅન્ડ અને પછી અમેરિકા કેવી રીતે મોકલવો તે હતી.
રેદ્ફાની અનેક બહેનો તથા બનેવીઓ હતાં. રેદ્ફા રવાના થાય એ પહેલાં તે બધાને ઇરાકની બહાર મોકલવા જરૂરી હતું, પરંતુ તેમના પરિવારને ઇઝરાયલ લઈ જવામાં આવશે તે નક્કી થઈ ગયું હતું.
માઈકલબાર ઝોહર અને નિસિમ મિસહાલ લખે છે, “રેદ્ફાનાં પત્ની કમીલાને આ યોજનાની જરા સરખી ખબર પણ ન હતી અને રેદ્ફા તેમને સાચું કહેતા ગભરાતા હતા.”
તેમણે લખ્યું છે, “રેદ્ફાએ તેમને એટલું જ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમય માટે યુરોપ જઈ રહ્યા છે. તેઓ તેમનાં બે સંતાન સાથે પહેલાં એમ્સટર્ડમ ગયાં હતાં.”
“ત્યાં રાહ જોઈ રહેલા મોસાદના એજન્ટો તેમને પેરિસ લઈ ગયા હતા, જ્યાં ઝીવ લેરોન તેમને મળ્યા હતા. એ લોકો કોણ છે, એ રેદ્ફાનાં પત્નીને ત્યાં સુધી ખબર પડી ન હતી.”

રેદ્ફાનાં પત્નીએ રડવાનું શરૂ કર્યું

ઇમેજ સ્રોત, JAICO PUBLISHING HOUSE
એ ઘટનાને યાદ કરતાં લિરોને બાદમાં જણાવ્યું હતું, “અમે એ લોકોને એક નાના ઍપાર્ટમેન્ટમાં રાખ્યા હતા. તેમાં માત્ર એક ડબલ બૅડ હતો. અમે એ પલંગ પર બેઠા હતા.”
“ઇઝરાયલ જવા રવાના થવાની એક રાત પહેલાં મે કમીલાને જણાવ્યું હતું કે હું એક ઇઝરાયલી અધિકારી છું અને બીજા દિવસે તેમના પતિ પણ ઇઝરાયલ પહોંચવાના છે.”
“કમીલાએ બહુ નાટકીય પ્રતિભાવ આપ્યો હતો. તેઓ આખી રાત રડતાં અને ચીસો પાડતાં રહ્યાં હતાં. તેમણે કહેલું કે તેમના પતિ ગદ્દાર છે અને તેણે શું કર્યું છે તેની ખબર તેના ભાઈઓને પડશે ત્યારે તેઓ તેને મારી નાખશે.”
લિરોન લખે છે, “તેમને ખબર પડી ગઈ હતી કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સૂજેલી આંખો અને એક બીમાર બાળક સાથે અમે પ્લેનમાં બેઠા અને ઇઝરાયલ પહોંચ્યા.”
1966ની 17 જુલાઈએ યુરોપમાં મોસાદના એક સ્ટેશનને મુનીર તરફથી મોકલવામાં આવેલો એક કોડેડ પત્ર મળ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે ઇરાકથી પ્લેન લઈને ઊડવાની તૈયારી કરી લીધી છે.
મુનીર રેદ્ફાએ 14 ઑગસ્ટે મિગ-21 પ્લેન સાથે ઉડાન ભરી હતી, પરંતુ ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખરાબી હોવાને કારણે તે પ્લેનને ફરી રશીદ ઍરબેઝ પર ઉતારવું પડ્યું હતું.
મુનીરને બાદમાં ખબર પડી હતી કે પ્લેનમાં ગંભીર ખરાબી ન હતી. વાસ્તવમાં તેમની કોકપિટમાં એક ફ્યૂઝ સળગવાથી ધુમાડો ફેલાયો હતો, પરંતુ મુનીર કોઈ જોખમ લેવા ઇચ્છતા ન હતા. તેથી તેમણે પ્લેનને રશીદ ઍરબેઝ પર ઉતારી દીધું હતું.
બે દિવસ પછી તેમણે ફરી એ જ મિગ-21માં ઉડાન ભરી હતી અને અગાઉથી નક્કી થયેલા હવાઈ માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.
માઈકલબાર ઝોહર અને નિસીમ મિસહાલ લખે છે, “પહેલાં મુનીર બગદાદ તરફ આગળ વધ્યા હતા અને પછી વિમાન ઇઝરાયલ ભણી આગળ વધાર્યું હતું. ઇરાકી કન્ટ્રોલ રૂમે તેની નોંધ લીધી હતી અને વારંવાર સંદેશા મોકલીને મુનીરને પાછા ફરવા જણાવ્યું હતું.”
“મુનીર પર તેની કોઈ અસર ન થઈ ત્યારે તેમના વિમાનને તોડી પાડવાની ધમકી આપવામાં આવી હતી. એ પછી મુનીરે તેમનો રેડિયો ઓફ્ફ કરી દીધો હતો.”
બે ઇઝરાયલી પાઇલટોને આ મિશનની જવાબદારી સોંપવામાં આવી હતી, જેથી તેઓ ઇરાકી પાઇલટને તેનું વિમાન ઇઝરાયલની સીમામાં પ્રવેશે કે તરત એસ્કોર્ટ કરીને ઇઝરાયલી ઍરબેઝ પર લઈ જાય.

વિમાન ઇઝરાયલના કબજામાં આવી ગયું

ઇમેજ સ્રોત, JEWISH VIRTUAL LIBRARY
આ રીતે રેદ્ફાને એસ્કોર્ટ કરવાની મુખ્ય જવાબદારી ઇઝરાયલના ઉત્તમ પાઇલટ ગણાતા રેન પેકરને સોંપવામાં આવી હતી.
રેને હવાઈ દળને સંદેશો મોકલ્યો, “આપણા અતિથિએ પ્લેનની ગતિ ઘટાડી દીધી છે અને તેઓ અંગૂઠા વડે મને સંકેત આપી રહ્યા છે કે તેઓ ઉતરાણ કરવા ઇચ્છે છે. તેમણે તેમના પ્લેનની પાંખો પણ હલાવી છે, જે તેમનો ઈરાદો પ્રામાણિક હોવાનો એક આંતરરાષ્ટ્રીય કોડ છે.”
બગદાદથી ઉડાન ભર્યાની બરાબર 65 મિનિટ પછી આઠ વાગ્યે વિમાને ઇઝરાયલના હેઝોર ઍરબેઝ પર ઉતરાણ કર્યું હતું.
‘ઑપરેશન ડાયમંડ’ શરૂ થયાના એક વર્ષમાં અને 1967નું છ દિવસનું યુદ્ધ શરૂ થવાના છ માસ પહેલાં એ સમયનું વિશ્વનું સૌથી આધુનિક મિગ-21 વિમાન ઇઝરાયલી હવાઈ દળ પાસે પહોંચી ગયું હતું.
મોસાદની ટીમે અશક્યને શક્ય કરી દેખાડ્યું હતું, ઉતરાણ પછી પરેશાન અને દિગ્મૂઢ મુનીરને હેઝોર ઍરબેઝના કમાન્ડરના ઘરે લઈ જવામાં આવ્યા હતા.
મુનીરની માનસિક અવસ્થા કેવી છે એ સમજ્યા વિના ઇઝરાયલના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ત્યાં તેમને પાર્ટી આપી હતી. મુનીર એક ખૂણામાં બેઠા રહ્યા હતા અને એક શબ્દ બોલ્યા ન હતા.
મુનીર રેદ્ફાની પત્રકારપરિષદ

ઇમેજ સ્રોત, Getty Images
થોડો સમય આરામ કર્યા પછી નિશ્ચિંત થઈ ગયા બાદ તેમનાં પત્ની અને બાળકો ઇઝરાયલ આવતા વિમાનમાં બેસી ગયાં હતાં.
મુનીર રેદ્ફાને એક પત્રકારપરિષદને સંબોધવા લઈ જવામાં આવ્યા હતા. ઇરાકમાં ખ્રિસ્તીઓ પર કેવો જુલમ કરાઈ રહ્યો છે અને તેઓ કેવી રીતે પોતાના જ કુર્દ લોકો પર બૉમ્બમારો કરતા હતા તેની વિગત રેદ્ફાએ ત્યાં જણાવી હતી.
પત્રકારપરિષદ બાદ મુનીરને તેલ અવીવની ઉત્તરમાં સમુદ્ર કિનારે આવેલા હર્ઝીલિયા શહેરમાં તેમના પરિવાર સાથે ભેટો કરાવવા લઈ જવામાં આવ્યા હતા.
મેર આમેતે બાદમાં લખ્યું હતું કે મેં તેમને શાંત કરવા, પ્રોત્સાહિત કરવા અને એમણે જે કંઈ કર્યું તેનાં ભરપૂર વખાણના પ્રયાસ કર્યા હતા.
મેં તેમને ખાતરી આપી હતી કે અમારાથી શક્ય હશે તે બધું જ અમે તેમના તથા તેમના પરિવાર માટે કરીશું, પરંતુ મુનીરનો પરિવાર અને ખાસ કરીને તેમનાં પત્ની તેમને સહકાર આપવા તૈયાર ન હતાં.
મુનીર મિગ-21 વિમાન ઇઝરાયલમાં લાવ્યાના થોડા દિવસ બાદ તેમનો ઇરાકી હવાઈ દળમાં ઑફિસર તરીકે કામ કરતો સાળો ઇઝરાયલ પહોંચી ગયો હતો.
તેમની સાથે શિમિશ અને તેમની પ્રેમિકા કેમિલા પણ આવ્યાં હતાં. તેમને જણાવાયું હતું કે તેમની બહેન બહુ બીમાર છે અને તેમને યુરોપ લઈ જવામાં આવી રહ્યાં છે, પરંતુ ઇઝરાયલમાં તેમની મુલાકાત બનેવી મુનીર સાથે કરાવવામાં આવી ત્યારે તેમણે જાત પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
બનેવીને ગદ્દાર કહીને સાળો તેમના ઉપર કૂદ્યો હતો અને તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તેમની બહેન પણ આ કાવતરામાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોતાની બહેનને આ યોજનાની જરાય ખબર ન હતી એ વાત માનવા તેઓ તૈયાર ન હતા. તેમની બહેને સ્પષ્ટતાના અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેની તેમના પર કોઈ અસર થઈ ન હતી. થોડા દિવસ પછી તેઓ પાછા ઇરાક ચાલ્યા ગયા હતા.
ઇઝરાયલી પાઇલટે મિગ-21 ઉડાડ્યું

ઇમેજ સ્રોત, JEWISH VIRTUAL LIBRARY
તે મિગ-21 વિમાન સૌથી પહેલાં ઇઝરાયલી હવાઈ દળના સૌથી વધુ વિખ્યાત પાઇલટ ડેની શપીરાએ ઉડાડ્યું હતું.
વિમાન લૅન્ડ થયાના એક દિવસ બાદ હવાઈ દળના વડાએ તેમને બોલાવીને જણાવ્યું હતું કે તમે મિગ-21 ઉડાવનારા સૌપ્રથમ પશ્ચિમી પાઇલટ હશો. તમારે વિમાનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો પડશે અને તેની ખામી તથા ખૂબી શોધી કાઢવી પડશે.
ડેની શપીરાએ બાદમાં કહ્યું હતું, “અમે હતઝોરમાં મળ્યા હતા. મિગ-21 ત્યાં હતું. રેદ્ફાએ મને તમામ બટન વિશે માહિતી આપી હતી. અમે વિમાન ચલાવવા વિશેની તમામ સૂચના વાંચી હતી. એ અરબી તથા રશિયન ભાષામાં લખેલા હતા.”
“હું પ્લેન ઉડાવવા જઈ રહ્યો છું એવું મેં તેમને એક કલાક બાદ કહ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તમે વિમાન ઉડાડવાનો કોર્સ પૂર્ણ કર્યો નથી. મેં તેમને જણાવ્યું હતું કે હું ટેસ્ટ પાઇલટ છું. તેમણે કહ્યું હતું કે તેઓ મારી સાથે રહેશે. મેં કહ્યું હતું કે સારું.”
મિરાજ-3થી એક ટન હળવું હતું મિગ-21

ઇમેજ સ્રોત, Getty Images
માઈકલબાર ઝોહર અને નિસિમ મિસહાલ લખે છે, “મિગ-21ની પહેલી ઉડાન જોવા માટે ઇઝરાયલી હવાઈ દળના તમામ વરિષ્ઠ અધિકારી હતઝોર પહોંચ્યા હતા.”
“હવાઈ દળના ભૂતપૂર્વ વડા એઝેર વાઈઝમન પણ ત્યાં હાજર હતા. તેમણે શપીરાને સાવધ કરતાં જણાવ્યું હતું કે કોઈ સ્ટંટ કરવાનો પ્રયાસ કરશો નહીં અને વિમાનને સલામત રીતે ઉતારજો. રેદ્ફા પણ ત્યાં હાજર હતા.”
શપીરાએ વિમાન ઉડાડીને તેનું ઉતરાણ કર્યું કે તરત જ મુનીર રેદ્ફા દોડતા તેમની પાસે ગયા હતા. તેમની આંખોમાં આંસુ હતાં. તેમણે કહ્યું હતું કે તમારા જેવા પાઇલટ હશે તો આરબો તમને ક્યારેય હરાવી શકશે નહીં.
થોડા દિવસની ઉડાન પછી હવાઈ દળના નિષ્ણાતો સમજી ગયા હતા કે પશ્ચિમમાં મિગ-21 વિમાનને આટલો આદર શા માટે આપવામાં આવે છે.
એ પ્લેન બહુ ઊંચાઈ પર ઝડપભેર ઊડી શકતું હતું અને મિરાજ-3 યુદ્ધવિમાન કરતાં તેનું વજન એક ટન ઓછું હતું.
યુદ્ધમાં ઇઝરાયલને ફાયદો થયો

ઇમેજ સ્રોત, JEWISH VIRTUAL LIBRARY
અમેરિકનોએ તે વિમાનનો અભ્યાસ કરવા અને તેને ઉડાડવા માટે નિષ્ણાતોની એક ટુકડી ઇઝરાયલ મોકલી હતી, પરંતુ ઇઝરાયલીઓએ તેમને વિમાનની પાસે ફરકવા સુધ્ધાં દીધા ન હતા.
તેમણે અમેરિકા સમક્ષ શરત મૂકી હતી કે પહેલાં અમારી સાથે સોવિયેત વિમાનભેદી મિસાઇલ સેમ-2ની ટેક્નૉલૉજી શેર કરો. પછી અમેરિકા એ માટે તૈયાર થયું હતું.
અમેરિકન પાઇલટ ઇઝરાયલ પહોંચ્યા હતા. તેમણે મિગ-21નું નિરીક્ષણ કર્યું અને ઉડાડીને પણ જોયું હતું.
મિગ-21નું રહસ્ય જાણ્યા બાદ ઇઝરાયલી હવાઈ દળને ભરપૂર ફાયદો થયો હતો. એ પ્લેને ઇઝરાયલને આરબ દેશો સાથેના છ દિવસના યુદ્ધની તૈયારીમાં મદદ કરી હતી.
એ મિગ-21ના રહસ્યે ઇઝરાયલના વિજયમાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી અને થોડા જ કલાકોમાં ઇઝરાયલે આરબોના સમગ્ર હવાઈ દળનો સફાયો કરી નાખ્યો હતો.
મુનીર રેદ્ફાએ ઇઝરાયલ છોડ્યું

ઇમેજ સ્રોત, JEWISH VIRTUAL LIBRARY
મુનીર રેદ્ફા અને તેમના પરિવારે આ પ્રકરણમાં મોટી કિંમત ચૂકવવી પડી હતી.
માઈકલબાર ઝોહર અને નિસિમ મિસહાલ લખે છે, “મુનીરે ઇઝરાયલમાં આકરું, એકાકી અને દુખી જીવન પસાર કરવું પડ્યું હતું. પોતાના દેશની બહાર નવી જિંદગી જીવવાનું તેમના માટે અશક્ય થઈ ગયું હતું. મુનીર અને તેમનો પરિવાર ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. આખરે તેમનો પરિવાર તૂટી ગયો હતો.”
તેઓ લખે છે, “મુનીરે ઇઝરાયલને પોતાનું ઘર બનાવવાના પ્રયાસ ત્રણ વર્ષ સુધી કર્યા હતા અને ઇઝરાયલી ઑઇલ કંપનીઓ માટે ડાકોટા વિમાન પણ ઉડાડ્યું હતું, પરંતુ ત્યાં તેમનું મન લાગ્યું નહીં.”
ઇઝરાયલમાં તેમને નિરાશ્રિતની ઓળખ આપવામાં આવી હતી, પરંતુ તેઓ ખુદને ઇઝરાયલના જીવનમાં ઢાળી શક્યા ન હતા. થોડા દિવસ બાદ તેમણે ઇઝરાયલ છોડી દીધું હતું અને નકલી ઓળખ સાથે એક પશ્ચિમી દેશમાં વસી ગયા હતા.
એ દેશમાં સલામતી રક્ષકોથી ઘેરાયેલા હોવા છતાં તેઓ એકલતા અનુભવતા હતા. ઇરાકની કુખ્યાત મુખાબરાત તેમને પોતાનું નિશાન બનાવશે તેનો ડર તેમને કાયમ લાગતો હતો.
મુનીર માટે ઇઝરાયલીઓ રડ્યા

ઇમેજ સ્રોત, JEWISH VIRTUAL LIBRARY
મિગ-21 ઉડાડીને ઇઝરાયલ લઈ ગયાનાં 22 વર્ષ બાદ ઑગસ્ટ, 1988માં મુનીર રેદ્ફાનું હૃદયરોગના હુમલાને કારણે તેમના ઘરમાં અવસાન થયું હતું.
મોસાદે મુનીરના માનમાં એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. તે ક્યારેય ન ભૂલી શકાય તેવું દૃશ્ય હતું. ઇઝરાયલની ગુપ્તચર એજન્સી ઇરાકી પાઇલટના મૃત્યુનો શોક મનાવી રહી હતી.
એ પછી રેદ્ફાના જીવન પર બે બહુચર્ચિત ફિલ્મો બની હતી. તેનાં નામ ‘સ્ટીલ ધ સ્કાય’ અને ‘ગેટ મીન મિગ-21’ હતાં.
રેદ્ફા જે મિગ-21 વિમાન લાવ્યા હતા તેને ઇઝરાયલના હાતેઝરિન ઍરફૉર્સ મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યું હતું. એ આજે પણ ત્યાં રાખવામાં આવ્યું છે.














