ગાઝા ડાયરી: 'અમે રાહ જોઈએ છીએ કે ક્યારે બૉમ્બ પડે અને બધા મરી જઈએ, જેથી શાંતિ મળે'

ઇમેજ સ્રોત, FARIDA
ચાર લોકો બીબીસી વર્લ્ડ સર્વિસ માટે ડાયરી લખી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે બૉમ્બમારા વચ્ચે ગાઝામાં તેમનું જીવન કેવી રીતે પસાર થઈ રહ્યું છે. કેવી રીતે આખો દિવસ તેઓ ખાવાપીવાની ચીજોને શોધી રહ્યા છે, હવાઈ બૉમ્બમારાથી બચવા માટે નાઇટ શૅલ્ટરોમાં આશ્રય લઈ રહ્યા છે અને સવાર સુધી જીવતા રહેવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સાત ઑક્ટોબરથી જ ઇઝરાયલી સેના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાઓ કરી રહી છે. હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકો ઇઝરાયલના હુમલામાં મૃત્યુ પામ્યા છે.
આ હવાઈ હુમલાઓ ઇઝરાયલ પર હમાસના હુમલા પછી કરવામાં આવી રહ્યા છે. જેમાં 1200 લોકો માર્યા ગયા હતા અને 242 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
નબળા ફોન નેટવર્ક અને કૉમ્યુનિકેશન બ્લૅકઆઉટને કારણે સંપર્ક જાળવી રાખવો ખરેખર મુશ્કેલ કામ છે પરંતુ જ્યારે પણ સંભવ થયું ત્યારે અમને કેટલાક લોકોએ મૅસેજ અને વીડિયો મોકલ્યા.
(ચેતવણી: આ લેખમાં તમને વિચલિત કરી શકે તેવી વિગત હોઈ શકે છે.)
શુક્રવાર, 13 ઑક્ટોબર – એક અઠવાડિયા સુધી અમે ચાલતાં રહ્યાં

ઇમેજ સ્રોત, ADAM
ઇઝરાયલી વિમાનોએ ઉત્તર ગાઝાના લોકોને ‘પોતાના બચાવ અને સુરક્ષા’ માટે જમીની હુમલાઓ પહેલાં દક્ષિણ ગાઝા તરફ ખસી જવાની ચેતવણી આપતી પત્રિકાઓ આપી હતી.
ફરીદા: ગાઝા સિટીમાં રહેતાં 26 વર્ષનાં અંગ્રેજી શિક્ષક છે. તેમણે તેમના પહેલા મૅસેજમાં લખ્યું હતું કે, “મારા પડોશનાં ત્રણ ઘર તબાહ થઈ ચૂક્યાં છે. અમારે બધાને અહીંથી નીકળવું છે પણ અમે નથી જાણતા કે ક્યાં જઈએ.”
"અમારી પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી. મારા ઘણા મિત્રો ગુમ છે, તેઓ માર્યા ગયા હશે. મારાં માતા-પિતાનો પણ કોઈ પત્તો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ તેમનાં છ નાનાં બાળકો અને ભાઈ-બહેનો સાથે દક્ષિણ તરફ પગપાળા નીકળ્યાં હતાં. તેઓ લગભગ એક અઠવાડિયા સુધી ચાલતાં રહ્યાં, રસ્તાઓ પર રાત વિતાવી.
તેઓ વાદી ગાઝાની બીજી બાજુના વિસ્તારમાં જવા માગતાં હતાં જે વિસ્તારને ઇઝરાયલે સુરક્ષિત જાહેર કર્યો હતો.

ઇમેજ સ્રોત, ABDELHAKIM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍડમ: દક્ષિણ ગાઝામાં આવેલા ખાન યુનિસ સિટીમાં રહેતા એક યુવાન કામદાર ઍડમ બચવા માટે એક જ દિવસમાં પાંચમી વાર સુરક્ષિત જગ્યાએ જવા માટે નીકળી રહ્યા છે.
તેઓ કહે છે, "ઉત્તરી ગાઝામાંથી 10 લાખથી વધુ લોકોને દક્ષિણ તરફ જવા માટે કહેવામાં આવ્યું હતું, ખાસ કરીને ખાન યુનિસ તરફ જવાનું કહેવાયું હતું. પરંતુ ખાન યુનિસમાં પણ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. મારા ઘર પાસે જ બૉમ્બ આવીને પડ્યો હતો.”
ગાઝા પટ્ટી પર ઇઝરાયલ દ્વારા સંપૂર્ણ નાકાબંધી કર્યા બાદ ખાદ્યપદાર્થો, દવા અને પેટ્રોલનો સ્ટૉક ઝડપથી ખૂટી રહ્યો છે. ઍડમ તેમના વૃદ્ધ પિતાની સંભાળ માટે જરૂરી ચીજો મેળવવામાં પણ અસમર્થ છે. તેમના પિતા પાર્કિન્સન્સ રોગથી પીડાય છે.
તેમજ તેમને હૉસ્પિટલમાં બૅડ પણ મળી શકે તેમ નથી. રાત્રે તેઓ હૉસ્પિટલના પરિસરમાં જમીન પર સૂઈ ગયા હતા.
ખાલેદ: તેઓ જબાલિયા, ઉત્તરી ગાઝામાં તબીબી સાધનોના સપ્લાયર છે. ચેતવણીની પત્રિકાઓ મળવા છતાં ખાલિદે તેના પરિવાર સાથે આ જગ્યા છોડીને જવાનો ઇનકાર કર્યો હતો.
એક વીડિયો સંદેશમાં તે કહે છે, “અમે ક્યાં જઈશું? કોઈ જગ્યા સુરક્ષિત નથી. પરિસ્થિતિ દરેક જગ્યાએ એકસમાન છે. કોઈ પણ સંજોગોમાં અમને મારી નાખવામાં આવશે.”
તેમના આ સંદેશની પૃષ્ઠભૂમિમાં બૉમ્બવિસ્ફોટના અવાજો સાંભળી શકાય છે.
ખાલિદ તેના પિતરાઈ ભાઈના બે નાનાં બાળકોની પણ સંભાળ લઈ રહ્યા છે જેઓ નજીક આવેલી બજારમાં થયેલા એક હુમલામાં બચી ગયા હતા.
તેઓ કહે છે, “મોટી સંખ્યામાં ઘાયલોને કારણે દવાઓની ભારે અછત છે. કેટલીક દવાઓને ઓછા તાપમાને સંગ્રહિત કરવાની જરૂર હોય છે. પરંતુ વીજળીના અભાવે આ દવાઓ નકામી બની ગઈ છે આ બધી દવાઓ ઇમરજન્સી દવાઓ છે.”
તેઓ કહે છે કે જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી તેઓ તબીબી સાધનોનો પુરવઠો પૂરો પાડી શક્યા નથી.
સોમવાર, 16 ઑક્ટોબર – દક્ષિણમાં પણ હુમલા ચાલુ

ઇમેજ સ્રોત, Getty Images
સલાહ અલ-દિન સડકથી દક્ષિણ તરફ જઈ રહેલા વાહનોના કાફલા પર બૉમ્બ વરસ્યા હતા. આ રસ્તો સુરક્ષિત જાહેર કરવામાં આવેલા રસ્તાઓમાંથી એક છે.
પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ હુમલામાં સાત લોકો મૃત્યુ પામ્યા હતા તેમાં મોટાભાગના લોકો મહિલાઓ અને બાળકો છે. ઇઝરાયલી સેનાએ આ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.
દક્ષિણમાં જે રીતે હુમલા થઈ રહ્યા છે એ જોતાં મોટાભાગના પેલેસ્ટિનિયન લોકો ઉત્તરમાં તેમના ઘરોમાં જ રોકાવાનો નિર્ણય કરી રહ્યા છે. જે લોકોએ દક્ષિણમાં જવાનો નિર્ણય કર્યો એ લોકો પણ હવે પણ પાછા ફરી રહ્યા છે.
ફરીદા: ઘણા દિવસો સુધી રસ્તા પર રાતો વિતાવ્યા પછી ફરીદા હિંમત હારી ગયાં છે. તેઓ કહે છે, “હું જે અનુભવું છું અને અહીં જે થઈ રહ્યું છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. અમારી આસપાસ સતત બૉમ્બ ધડાકા થઈ રહ્યા છે અને બધા બાળકો રડી રહ્યાં છે. અમને ખબર નથી કે ક્યાં જવું."
તેઓ કહે છે, “ગાઝામાં તમે જાણતા નથી કે તમે સવારે જીવતા હશો કે નહીં. તમારે કોઈપણ હવાઈ બૉમ્બમારાનો સામનો કરવા માટે તમારી જાતને કાયમ તૈયાર રાખવાની જરૂર છે."
મંગળવાર, 17 ઑક્ટોબર – 'ત્રણ દિવસથી મેં કંઈ ખાધું નથી'

ઇમેજ સ્રોત, ABDELHAKIM
ગાઝા શહેરની અલ અહલી હૉસ્પિટલ પર થયેલા હુમલામાં 471 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતાં જેમણે હૉસ્પિટલ પરિસરમાં આશ્રય લીધો હતો. ઇઝરાયલે કહ્યું હતું કે આમાં તેની કોઈ સંડોવણી નથી અને વિસ્ફોટ પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદીઓનાં રૉકેટનાં મિસફાયરને કારણે થયો હતો.
અબ્દેલહકીમ:
અબ્દેલહકીમે યુદ્ધ શરૂ થયાના થોડા મહિના પહેલાં જ સોફ્ટવેરમાં ડિગ્રી મેળવી હતી. તેઓ મધ્ય ગાઝામાં અલ બુરૈઝ શરણાર્થી શિબિરમાં રહે છે.
તેમનું કહેવું છે કે જ્યારે હૉસ્પિટલમાં વિસ્ફોટ થયો ત્યારે તેમના ઘણા મિત્રો ત્યાં હતા. તેમાંથી એક ઘાયલ થયો હતો, જ્યારે બીજાનો આખો પરિવાર માર્યો ગયો હતો.
ટોર્ચલાઇટમાં રેકૉર્ડ કરાયેલા વીડિયોમાં તે કહે છે, “હું 23 વર્ષનો છું અને અત્યારે હું જીવિત છું. મને ખબર નથી કે મારી કહાણી પ્રકાશિત થશે ત્યારે હું જીવિત રહીશ કે નહીં. હું ગમે ત્યારે આકાશમાં ઊડતા અને બૉમ્બ વરસાવતાં યુદ્ધ વિમાનોનો શિકાર બની શકું છું.”
“અમારી પાસે પાણી નથી, દવા, વીજળી કે અન્ય કોઈ જરૂરી ચીજવસ્તુઓ નથી. મારા અને મારા ભાઈ-બહેન વચ્ચે વહેંચાયેલા બ્રેડના ટુકડા સિવાય, મેં ત્રણ દિવસથી કંઈ ખાધું નથી. છેલ્લા 12 દિવસમાં, હું અને મારો પરિવાર માંડ 10 કલાક ઊંઘી શક્યા છીએ. અમે ખૂબ થાકેલા છીએ. ચિંતાને કારણે અમે આરામ પણ કરી શકતા નથી."
અબ્દેલહકીમ અને અન્ય વૉલન્ટિયર્સ તેમના ઘરેથી જ લોકોની મદદ કરી રહ્યા છે.
તેઓ કહે છે, “અમે સહાય કરવા માટે પૅકેટ અને ધાબળા તૈયાર કરી રહ્યા છીએ. બાળકો પણ મદદ કરે છે. અમે ઇજિપ્તથી મદદ માટે આવી રહેલી ટ્રકોની રાહ જોવાને બદલે જાતે જ પહેલ કરવાનું નક્કી કર્યું."
શુક્રવાર, 20 ઑક્ટોબર - 'મૃત્યુની રાહ જોઈ રહ્યા છીએ'

ઇમેજ સ્રોત, EPA
ઇઝરાયલના હવાઈ હુમલામાં અબ્દેલહકીમનું ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું અને તેમણે તેના પડી ગયેલા ઘરનો વીડિયો મોકલ્યો હતો. કાટમાળમાંથી લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાથી વીડિયોની પૃષ્ઠભૂમિમાં લોકોની ચીસો સંભળાય છે.
અબ્દેલહકીમ: "અમે બધા બેઠા હતા જ્યારે એક રૉકેટ અચાનક અમારા ઘર પર આવીને પડ્યું. અમે માંડ માંડ ઘરની બહાર નીકળી શક્યા. અમારા પડોશીઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. અમે તેમને શોધવા ગયા, પરંતુ અમને કોઈ મળ્યું નહીં."
"હું અને મારો પરિવાર કોઈ ચમત્કારને કારણે જીવિત છીએ. અમે અમારા બાકી બચેલા ઘરના ભાગોને ગોઠવી રહ્યા છીએ જેથી અમે અહીં રહી શકીએ અને અમારા મૃત્યુની રાહ જોઈ શકીએ."
બુધવાર, 25 ઑક્ટોબર- બગડેલો ખોરાક ખાઈને ગુજારો

ઇમેજ સ્રોત, KHALID
અબ્દેલહકીમના પડોશમાં બીજીવાર હવાઈ હુમલો થયો હતો.
ગાઝામાં અત્યાર સુધીમાં 6,972 પેલેસ્ટિનિયન લોકો માર્યા ગયા છે.
અબ્દેલહકીમ: આ વખતે તેઓ માત્ર આંસુભર્યા અવાજમાં વૉઇસ નોટ્સ અને કેટલાક ટેક્સ્ટ મૅસેજ મોકલી શક્યા.
તેમણે લખ્યું, “હું મદદ કરવા માટે કંઈ ન કરી શક્યો, ચારેબાજુ શરીરના ટુકડા જોઈને હું સુન્ન થઈ ગયો હતો. અહીં કોઈ સુરક્ષિત નથી, અમે બધા મરી જવાના છીએ.”
ઇજિપ્ત સરહદે આવેલા રફાહ ક્રોસિંગે સહાય પુરવઠો વહન કરતી ટ્રકોને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ ગાઝામાં વિસ્થાપિત થયેલા લોકોની જરૂરિયાતોની તુલનામાં આ પહોંચતો માલ કંઈ જ નથી.
યુનાઈટેડ નેશન્સનું અનુમાન છે કે 14 લાખથી વધુ લોકોને તેમનાં ઘર છોડવા પડ્યાં છે.
ઍડમ: તેના પરિવાર માટે ખોરાક શોધવાનો વિચાર તેમને કાયમ કોરી ખાય છે. “મારે લાઇનમાં ઊભા રહીને ભોજન મેળવવા માટે દરરોજ વહેલા ઉઠવું પડે છે. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે."
"જ્યારે તમે શાળાના પરિસરમાં સૂતા હોવ છો, ત્યારે તમને એવું લાગે છે કે તમારી આ ચીજ છીનવાઈ ગઈ છે. જ્યારે તમે હૉસ્પિટલમાં સૂતા હોવ ત્યારે તમને એવું લાગે છે કે તમે કંઇક બીજું ગુમાવી દીધું છે. જ્યારે તમે રોટલી માટે લાઈનમાં ઊભા હોવ છો અને પાણી માટે આજીજી કરો છો, ત્યારે એમ લાગે છે કે કંઈ જ બચ્યું નથી."
ખાલિદ: "તેઓ સતત અમારા પર બૉમ્બમારો કરી રહ્યા છે અને અમને ખબર નથી કે ખોરાક મેળવવા માટે ક્યારે બહાર જવું. ખોરાકનો સંગ્રહ કરવા માટે કોઈ ફ્રીજ નથી. અમે બગડેલો ખોરાક, સડેલાં ટામેટાં ખાઈએ છીએ. અમારી પાસે કોઈ વિકલ્પ નથી. પરંતુ એ જ ખાવાનું છે કારણ કે અહીં બીજું કંઈ નથી. સડેલી વસ્તુઓ દૂર કર્યા પછી જે બચે છે તે અમારે ખાવું પડે છે."
ફરીદા: તેમનો પરિવાર ઉત્તર ગાઝામાં તેમના ઘરે પરત ફરવાનું નક્કી કરે છે.
તેઓ કહે છે, "દક્ષિણમાં અમારી પાસે રહેવા માટે કોઈ જગ્યા ન હતી અને અમારી પાસે મૂળભૂત જરૂરિયાતો પણ ન હતી. અમે જ્યાં હતા ત્યાં મોટા બૉમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા. અમે અમારી ઇજ્જત ન લૂંટાય એ ડરે પાછા ફરવાનું નક્કી કર્યું."
દિવસમાં ચાર-પાંચ મિનિટ ક્યાંક શાંતિથી બેસીને મિત્રો અને કુટુંબીજનોનો સંપર્ક કરવાનો સમય મળી જાય તો પણ અમે ખૂબ ખુશ થઈ જઈએ છીએ.
તેમના પરત ફર્યાના થોડા સમય બાદ તેમની શેરી બૉમ્બ ધડાકાથી નાશ પામી હતી અને તેમના ઘરનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.
શુક્રવાર, 27 ઑક્ટોબર

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલે જમીની હુમલાને વધુ તીવ્ર બનાવતાં ગાઝામાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. જેના કારણે 48 કલાક સુધી સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. અમે ઍડમ, અબ્દેલહકીમ, ફરીદા અને ખાલેદનો સંપર્ક કરી શક્યા નહોતા.
જ્યારે સંદેશાવ્યવહાર નેટવર્ક પુનઃસ્થાપિત કરવામાં આવ્યું, ત્યારે તેમણે પરિસ્થિતિનું વર્ણન કર્યું.
અબ્દેલહકીમ: "ગઈ રાત્રે જોરદાર બૉમ્બ ધડાકો થયો હતો. અહીં કોઈ સંદેશાવ્યવહારની લાઇન નથી અને ઍમ્બુલન્સ લોકો સુધી પહોંચી શકતી નથી. તેથી જેના પર બૉમ્બ વરસે છે તેનું તે જ સ્થળે મૃત્યુ થાય છે."
ઍડમ: "ભગવાનનો આભાર કે હું સલામત છું. પરંતુ જ્યારે આપણી વાતચીત બંધ હતી, ત્યારે મારા પિતાનું અવસાન થયું છે. તેમના આત્માને શાંતિ મળે. એ સમયે હું સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો હતો અને મારા નજીકના લોકોને પણ કહી શક્યો ન હતો. એ સમયે શું થયું હતું એ પણ કહી શક્યો નહીં."
ફરીદા: "મારો મિત્ર મૃત્યુ પામ્યો છે અને મારું ઘર નાશ પામ્યું. આંસુઓ સાથે તેઓ કહે છે કે મારો ભાઈ ઘાયલ થઈ ગયો છે. આ દુઃખ મારા હૃદયને કોરી ખાય છે. અમે સંપૂર્ણપણે ભાંગી ગયાં છીએ."
ખાલિદ: "દિવસ કંઈક અંશે સામાન્ય હતો પરંતુ જ્યારે ઇન્ટરનેટ પુનઃસ્થાપિત થયું, અમને સમાચાર મળવા લાગ્યા. આખેઆખા ઘરો અને મકાનોના બ્લૉક્સ નષ્ટ થઈ ગયા. કેટલાય પરિવારો માર્યા ગયા. પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે. તેમણે પહેલા અમને દુનિયાથી કાપી નાખ્યા અને પછી આ હત્યાકાંડ શરૂ થયો."
સોમવાર, 30 ઑક્ટોબર

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી ટૅન્કો ગાઝા સિટીની નજીક પહોંચી રહી છે અને સલાહ અલ-દિન રોડથી તે સ્પષ્ટપણે દેખાય છે. તે ઉત્તર ગાઝાથી દક્ષિણ તરફ જનારો મુખ્ય સુરક્ષિત રોડ છે.
ખાલિદ: "હું ક્યાંય નથી જઈ રહ્યો. હવે અમે એ જ રાહ જોઇએ છીએ કે હવે પછીનો બોમ્બ ક્યારે પડશે જેથી અમે બધા મરી જઈએ અને અમને શાંતિ મળે."
આ ખાલિદ તરફથી અમને મળેલો છેલ્લો મૅસેજ હતો. તે જ્યાં રહે છે ત્યાં જબાલિયામાં 31 ઑક્ટોબરે ઇઝરાયલના હવાઈ હુમલા પછી અમારો સંપર્ક તૂટી ગયો.
પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 101 લોકો માર્યા ગયા અને 382 લોકો ઘાયલ થયા.
ઇઝરાયલે કહ્યું કે તેઓ હમાસના કમાન્ડરોને નિશાન બનાવી રહ્યા છે, નાગરિકોને નહીં.
ઇઝરાયલનો આરોપ છે કે આ સંગઠને તેના સભ્યોને નાગરિકો રહે છે તે વિસ્તારોમાં રાખ્યા છે. હમાસને ઈઝરાયલ, અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન અને અન્ય ઘણા દેશો દ્વારા ઉગ્રવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
ફરીદા: "મારાં કેટલાંક સપનાં છે. મારી પાસે કુટુંબ અને મિત્રોનું એક મોટું વર્તુળ છે. બહુ સારી જિંદગી છે."
"જ્યારે અમે મરી જઇશું ત્યારે કોઈને ખબર નહીં પડે કે શું થઈ રહ્યું છે. કૃપા કરીને હું જે કહું તે બધું તમે લખજો. હું મારી કહાણી દુનિયાને કહેવા માંગું છું."
ઍડમ: "હું તમને આ આખી કહાણી સંભળાવવા માંગું છું, જેથી તે આ દુનિયામાં નોંધાયેલું રહે. જેથી વિશ્વ કાયમ માટે શરમ અનુભવે કે જે પણ અમારી સાથે બન્યું તે તેમણે બનવા દીધું."
યુએન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગાઝામાં નરસંહારને રોકવા માટેનો સમય ઝડપથી હાથમાંથી નીકળી રહ્યો છે.
પ્રથમ ચાર અઠવાડિયામાં 10,000 થી વધુ પેલેસ્ટિનિયનો, જેમાં મોટાભાગના નાગરિકો જ માર્યા ગયા હતા. જેમાં 4,000થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
(ગાઝામાં મૃત્યુઆંક હમાસ શાસિત આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રદાન કરવામાં આવે છે.)
(હાયા અલ બાદરનેહ અને મેરી ઓ'રેલી દ્વારા આ રિપોર્ટ માટે આવશ્યક વધારાનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.)












