એ દેશ, જ્યાં પેલેસ્ટાઇનવાસીઓએ સૌથી વધુ આશ્રય લીધો છે

પૅલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝામાં ઇઝરાયલના આક્રમણના શરૂઆતના દિવસો પછી ચિલીમાં પૅલેસ્ટિનિયન સમુદાયના સભ્યોનું લા મોનેડા મહેલની સામે પ્રદર્શન
    • લેેખક, ફર્નાન્ડા પોલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચરમપંથી જૂથ હમાસે ઇઝરાયલ પર સાતમી ઑક્ટોબરે હુમલો કર્યો ત્યારથી લેટિન અમેરિકાનો ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન સમુદાય મધ્ય પૂર્વની ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1,400 ઇઝરાયલીઓ અને લગભગ 10,000 પેલેસ્ટિનિયનોનાં મોત થયાં છે ત્યારે લેટિન અમેરિકાનાં મુખ્ય શહેરોમાં ઇઝરાયલ તથા પેલેસ્ટાઈનની તરફેણમાં પ્રદર્શનો થતા રહે છે.

આ સંદર્ભમાં ગત શનિવારે સાન્ટિયાગો ડી ચિલીમાં યોજાયેલી કૂચમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. તેનું મહત્ત્વ એટલા માટે છે કે આરબ વિશ્વની બહાર પેલેસ્ટાઈની મૂળના સૌથી વધુ લોકો રહે છે તે દેશમાં આ કૂચ યોજાઈ હતી.

પૅલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, PALESTINIAN COMMUNITY OF CHILE

ઇમેજ કૅપ્શન, ગાઝામાં સંઘર્ષની વચ્ચે, ચિલીની સૌથી ઊંચી ઇમારત (કોસ્ટેનેરા સેન્ટર) "પૅલેસ્ટિનિયન એકતા" વાક્યથી પ્રકાશિત કરાઈ હતી

વિશ્વના સૌથી જૂના દેશો પૈકીના આ દેશમાં તે સમુદાયના આશરે પાંચ લાખ લોકો વસે છે. ચિલીમાંના પેલેસ્ટાઈની સમુદાયના એક્ઝિક્યુટિવ ડિરેક્ચર ડિયેગો ખામિસે બીબીસી મુન્ડોને કહ્યું હતું, “ગાઝામાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી અમે અત્યંત વિચલિત છીએ.”

દક્ષિણ અમેરિકન દેશમાંના પેલેસ્ટાઈનના રાજદૂત વેરા બબૌનના જણાવ્યા મુજબ, “ચિલીમાંના પેલેસ્ટાઈની લોકો પેલેસ્ટાઈન પર થતા તમામ પ્રકારના અત્યાચારનો અસ્વીકાર કરે છે.”

તેમને સૌથી વધુ આઘાત લાગ્યો હોય તેવી ઘટનાઓ પૈકીની એક સાત વર્ષના ઘાસાન સાહુરીના ગૂમ થવાની હતી.

પેલેસ્ટાઈનનો આ છોકરો ગાઝામાંથી દિવસો સુધી ગૂમ થઈ ગયો હતો. ચિલીમાં રહેતા તેના કાકાએ બાદમાં અખબારોને જણાવ્યું હતું કે ઘાસાન એક સ્થાનિક હૉસ્પિટલમાંથી મળી આવ્યો હતો.

સવાલ એ થાય કે ચિલીને પેલેસ્ટાઈની સમુદાય સાથે આટલો ગાઢ સંબંધ કેવી રીતે બંધાયો? પેલેસ્ટાઈનથી લગભગ 13,000 કિલોમીટર દૂર આવેલા આ દેશમાં વસવાટનો નિર્ણય પેલેસ્ટાઈની મૂળના સંખ્યાબંધ લોકોએ કેવી રીતે કર્યો?

આ સવાલોના જવાબ આ અહેવાલમાં.

ચિલી શા માટે?

ચિલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝામાં ઇઝરાયલના બૉમ્બ ધડાકામાં 9,000થી વધુ પૅલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેલેસ્ટાઈની લોકોના ચિલીમાં સ્થળાંતરની ઘટનાને સમજવા માટે આપણે 19મી સદીના અંત સુધી જવું પડશે.

જૉર્ડન નદી અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચે આવેલા પેલેસ્ટાઈન પ્રદેશને ઓટ્ટોમન સામ્રાજ્યના મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને કૅથલિક લોકો પવિત્ર ભૂમિ ગણે છે. એ દરમિયાન પારસ્પરિક તણાવનો સમય પણ આવ્યો હતો.

ચિલી યુનિવર્સિટીના સેન્ટર ફૉર આરબ સ્ટડીઝના શિક્ષક રિકાર્ડો માર્ઝુકાએ 2021માં એક મુલાકાતમાં બીબીસી મુન્ડોને જણાવ્યું હતું, “આર્થિક કટોકટી, ઓટ્ટોમન સામ્રાજ્યના પતન અને એ વિસ્તારમાંની સૌપ્રથમ આરબ રાષ્ટ્રવાદી ચળવળમાં દમનની પરિસ્થિતિમાં પેલેસ્ટાઈન, સીરિયા તથા લેબનનના લોકોનું સ્થળાંતર શરૂ થયું હતું.”

આ રીતે હજારો પેલેસ્ટાઈની યુવાનો જમીન માર્ગે યુરોપ અને સમુદ્ર માર્ગે બ્યુનોસ એરેસ પહોંચતા થયા હતા, પરંતુ આર્જેન્ટિનાની આ સમૃદ્ધ તથા વધારે યુરોપિયન રાજધાનીમાં રહેવાને બદલે કેટલાક એન્ડેસ પાસ કરીને કદાચ વધુ અજાણ્યા સ્થળ ચિલી તરફ આકર્ષાયા હતા અને ત્યાં પહોંચ્યા હતા.

‘ધ આરબ વર્લ્ડ ઍન્ડ લેટિન અમેરિકા’ નામના લોરેન્ઝો એગર કોર્બિનોસ્લાના પુસ્તકમાં જણાવ્યા મુજબ, 1885 અને 1940ની વચ્ચે ચિલીમાં 8,000થી 10,000 આરબો વસતા હતા. એ પૈકીના અડધોઅડધ પેલેસ્ટાઈનીઓ હતા અને એ પૈકીના મોટા ભાગના માત્ર ત્રણ શહેર બેથેલહેમ, બૈત જાલા અને બૈત સહૌરના હતા.

પહેલા વિશ્વયુદ્ધ પછી ઓટ્ટોમન સામ્રાજ્યનું વિઘટન થયું અને બીજા વિશ્વયુદ્ધ પછી 1948ની 14 મેએ ઇઝરાયલનું સર્જન થયું એ પછી સ્થળાંતરનો પ્રવાહ વધ્યો હતો.

ઇઝરાયલની સ્થાપનાને પેલેસ્ટાઈનીઓ માટે એક નવું નામ આપવામાં આવ્યું હતું, નકબા. તેનો અર્થ આપત્તિ, રાષ્ટ્રીય દુર્ઘટનાની શરૂઆત એવો થાય છે. એ સમયે આશરે સાડા સાત લાખ પેલેસ્ટાઈનીઓ અન્ય દેશોમાં ભાગી ગયા હતા અથવા યહૂદી સૈન્ય દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા.

અન્ય યુવા દેશોની માફક ચિલીને પણ પોતાના અર્થતંત્ર તથા પ્રદેશ પરનો અંકુશ મજબૂત કરવા ઇમિગ્રન્ટ્સની જરૂર હતી.

ચિલીના ભદ્ર વર્ગે યુરોપના લોકોને પસંદ કર્યા હતા અને તેમને 19મી સદીના આરંભથી જમીન તથા બીજા અધિકાર આપ્યા હતા. ઘણા આરબો અને પેલેસ્ટાઈનીઓએ પણ તેનો લાભ લીધો હતો.

મર્કુઝાએ કહ્યું હતું, “એક પ્રકારની ચક્રીય અસર હતી. ચિલીમાં ચોક્કસ જૂથો આવ્યાં હતાં અને તેમના પરિવારજનોને લાવ્યા હતા.”

તેમણે ઉમેર્યું હતું, “અહીં તેમના વસવાટને વેગ મળવાનાં કારણોમાં હવામાન, સ્વાતંત્ર્ય અને આર્થિક સમૃદ્ધિનો સમાવેશ થાય છે. અહીંનું હવામાન પેલેસ્ટાઈન જેવું છે. ઓટ્ટોમન સામ્રાજ્યના તથા બાદમાં બ્રિટિશ શાસનના દમનને લીધે તેઓ લાંબા સમયથી સ્વાતંત્ર્ય ઝંખતા હતા.”

કાપડ ઉદ્યોગ

પૅલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૅલેસ્ટિનિયન મૂળના કાપડ 70ના દાયકાના અંત સુધી ચિલીમાં આર્થિક, રાજકીય અને સામાજિક યુગને ચિહ્નિત કરે છે

મધ્ય પૂર્વમાંથી આવેલા લોકોએ વેપાર તથા કાપડની પસંદગી કરી હતી. આ નિર્ણય તેમની સમૃદ્ધિ તથા વસાહતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ હતો. તેઓ તેમની પરંપરાને અનુસર્યા હતા.

તેઓ ‘સોદાબાજી’ કરવાનું જાણતા હતા અને તેમણે બાકી માગણી પર પણ ધ્યાન આપ્યું હતું. તેઓ પાર્સલ આઇટમ્સ સાથે દૂરના ગ્રામ્ય વિસ્તારો અથવા ચિલીનાં શહેરોમાં પહોંચ્યા હતા. એ વિસ્તારોમાં ખરીદી કરવા જેવી બહુ ઓછી ચીજો મળતી હતી.

માર્કુઝાએ કહ્યું હતું, “પેલેસ્ટાઈનના લોકો પ્રારંભ શેરીઓમાં ફેરિયાઓ તરીકે કામ કરતા હતા. પછી તેઓ નાના ધંધામાં પ્રવેશ્યા હતા અને ત્યાર બાદ 1930ના દાયકામાં આ પરિવારોએ કાપડના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.”

આ રીતે અબુમોહોર પરિવારના પૂર્વજો જથ્થાબંધ માલ વેચતા વેપારીઓ તરીકે ચિલીમાં ફરી વળ્યા હતા. અબુમોહોર પરિવાર આજે વાણિજ્ય, નાણાકીય ક્ષેત્ર અને સોકર ક્ષેત્રે પણ ચિલીના સૌથી મોટા આર્થિક જૂથો પૈકીનું એક છે.

પૅલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્લબ ડિપોર્ટિવો પૅલેસ્ટીનો એ ચિલીમાં લોકપ્રિય વ્યાવસાયિક સોકર ટીમ છે જેની સ્થાપના 1920માં કરાઈ હતી

અન્ય એક ઉદાહરણ કાસા સાઈહ નામની કંપની છે. તેના માલિક પેલેસ્ટાઈન મૂળના છે અને તેની સ્થાપના 1950ના દાયકામાં તાલ્કા શહેરમાં થઈ હતી. તેના વારસદારો બાદમાં વિખ્યાત બિઝનેસમેન બન્યા.

અલ્વારો સાઈહ કોર્પ ગ્રૂપના માલિક તથા પ્રૅસિડેન્ટ છે. આ જૂથે ફાઈનાન્શિયલ, રિટેલ સેક્ટર ઉપરાંત મીડિયા ક્ષેત્રે પણ મોટું રોકાણ કર્યું છે. આ જૂથ લા ટેર્સેસા અખબારનું માલિક છે.

ચિલી આવેલા અન્ય પેલેસ્ટિનિનોએ કપાસ અથવા સિલ્કનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને સ્થાનિક કારીગરી અથવા મોંઘી યુરોપિયન આયાતનું સ્થાન લીધું હતું અને હિરમાસ, સઈદ યારુર અને સુમાર જેવી પેલેસ્ટાઈની અટકો શક્તિશાળી કાપડ ઉદ્યોગનો પર્યાય બની ગઈ.

1980 અને 1990ના દાયકામાં અર્થતંત્રના દરવાજા દુનિયા માટે ખોલવામાં આવ્યા પછી તેમજ જોરદાર ચીની સ્પર્ધા સામનો કરીને મોટા ભાગના પૅલેસ્ટાઈની લોકોએ પોતાનું નસીબ ચમકાવ્યું હતું અને નાણાકીય, રિયલ એસ્ટેટ, ખેતી, વાઇન, ફૂડ અને અખબાર ક્ષેત્રે પોતપોતાનો બિઝનેસ વિસ્તાર્યો હતો.

આર્થિક વિકાસમાં યોગદાન આપવા ઉપરાંત તેમણે વિવિધ પ્રકારની સંસ્થાઓ પણ વિકસાવી, જેમાં ફૂટબૉલ ટીમ ધ પેલેસ્ટાઈન ક્લબથી માંડીને સખાવતી સંસ્થાઓ અને સાંસ્કૃતિક સંગઠનોનો સમાવેશ થાય છે. તેઓ સમગ્ર ચિલીનાં વિવિધ શહેરોમાં સારી રીતે સ્થાયી થયા, જે ચિલીના વૈવિધ્યસભર સમાજ સાથે સંબંધ સ્થાપવાની ચાવી છે.

સાન્ટિયાગોમાં તેમણે પ્રખ્યાત ‘પેટ્રોનાટો નેબરહૂડ’ને ફતેહ કર્યું. આ વિસ્તારની રેસ્ટોરાં સ્ટફ્ડ વાઇન લીવ્ઝ અથવા લોકપ્રિય આરબ મીઠાઈ ઑફર કરે છે અને આ ડાયસ્પોરાના સંગીતના ધ્વનિને લીધે તે નાના પેલેસ્ટાઈન તરીકે ઓળખાવા લાગ્યું.

બૈત જાલાથી 1952માં ચિલી આવેલા મૌરિસ ખામિસે બીબીસી મુન્ડોને કહ્યું હતું, “એક કહેવત છે, જે ચિલીમાં તે વારંવાર કહેવામાં આવે છેઃ દરેક પ્રાંતમાં એક ચોક, એક ચર્ચ, એક પોલીસ ચેકપૉઇન્ટ અને એક નાગરિક હોય છે. અમે એ બધા સાથે સંકળાયેલા છીએ.”

પેલેસ્ટિનિયનોની અટક ન્યાય, રાજકારણ, સંસ્કૃતિ અને બિઝનેસના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.

અગાઉ ઉલ્લેખિત લોકો ઉપરાંત ચિલી, પેરુ અને કોલંબિયામાંના શૉપિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલી સઈદ પરિવારની પાર્કે અરૌકો જેવી કંપનીઓ કે બૅન્કો ડી ક્રેડિટો ઈ ઈનવર્ઝન પણ બિઝનેસ ક્ષેત્રે જાણીતી છે. બૅન્કોની સ્થાપના જુઆન યારૂર લોલસે 1937માં કરી હતી અને તેનો સમાવેશ મોટી બૅન્ક્સમાં થાય છે.

ઘણા પેલેસ્ટાઈની લોકો મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિઓ, પક્ષના નેતાઓ, સંસદસભ્યો, ડેપ્યુટીઝ, મેયર અને કાઉન્સિલર્સ પણ છે.

રાજદૂત વેરા બબૌનના કહેવા મુજબ, “ચિલીમાંના પેલેસ્ટાઈની સમાજની બાબતમાં સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે તેઓ ચિલીના લોકો સાથે સંપૂર્ણપણે ભળી ગયા છે, પરંતુ તેની સાથે માતૃભૂમિ પ્રત્યેનો લગાવ પણ તેમણે જાળવી રાખ્યો છે અને પેલેસ્ટાઈની ઉદ્દેશને તેમની જીવનમાં જીવંત રાખ્યો છે.”

‘ટર્કોફોબિયા’

પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચિલીમાં પેલેસ્ટિનિયન સમુદાય મૂળ સમાજોથી ક્યારેય વેગળો થયો નથી

જોકે, બધું એટલું સરળ પણ નહોતું.

ઇતિહાસકારો અને નિષ્ણાતો ભારપૂર્વક કહે છે કે પેલેસ્ટિનિયનોનું ચિલીમાં સ્થળાંતર અત્યંત સફળ રહ્યું છે, પરંતુ તેમાં કેટલીક જટિલ ક્ષણો પણ આવી હતી.

આરબ વિશ્વના લોકોએ, ખાસ કરીને સ્થળાંતરનાં પ્રારંભિક વર્ષોમાં ચિલીના લોકોના અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો, જે લાંબા સમય સુધી ચાલ્યું હતું અને તેને કારણે તેમનું રોકાણ મુશ્કેલ બન્યું હતું.

તેમને અપમાનજનક રીતે “તુર્ક” કહેવામાં આવતા હતા, જે પેલેસ્ટાઈની કૉલોની માટે આઘાતજનક હતું. તેનું કારણ તેમને આપવામાં આવેલી ખોટી રાષ્ટ્રીયતા નહીં, બલકે તેમને ઓટ્ટોમન સામ્રાજ્ય દરમિયાન જુલમીઓના સાથીદાર ગણવામાં આવતા હતા.

આ સંદર્ભે સ્પષ્ટતા કરતાં માર્ઝુકાએ કહ્યું હતું, “લેટિન અમેરિકામાં તેમજ વિશ્વના મોટા ભાગના દેશોમાં સંસ્કૃતિનાં પ્રાચ્યવાદી ઉદાહરણો પ્રચલિત હતાં અને ટર્કોફોબિયા તરીકે ઓળખાતી ઘટના બની હતી.”

“યુરોપિયનોએ બનાવેલા જાતિના વર્ગીકરણને કારણે આરબ સ્થળાંતરીઓનો અસ્વીકાર થયો હતો. તે યુરોપમાંથી આવેલું સાંસ્કૃતિક પ્રતીક હતું.”

તેમણે ઉમેર્યું હતું, “તે ચિલીના ભદ્ર વર્ગના લોકો દ્વારા કરવામાં આવેલો અસ્વીકાર હતો. ત્યાં પેલેસ્ટિનિયનોને નાપસંદ કરવામાં આવ્યા હતા. એવું કહેવાતું કે તેઓ સમાજમાં યોગદાન નહીં આપે, તેઓ મહત્ત્વાકાંક્ષી છે અને કામુક છે.”

આ ‘ટર્કોફોબિયા’ પર ઘણા અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાની વાત સાથે ચિલીમાંના પેલેસ્ટિનિયનો સહમત હોવા છતાં હમાસ દ્વારા ઇઝરાયલ પરના હુમલા અને ગાઝામાં ઇઝરાયલના હુમલા પછી આ સમુદાય ફરી એક વાર થોડા ભેદભાવનો સામનો કરી રહ્યો છે.

ડિએગો ખમીસે કહ્યું હતું, “આ ઘટના સાથે અમને પેલેસ્ટાઈન ફોબિયા, મૂળના આધારે પર ભેદભાવની લાક્ષણિકતા દેખાવા લાગી છે, જે અમે લાંબા સમયથી જોઈ ન હતી.”

“બાળકો માટે નવા લોકપાલ (જે બાળકોના અધિકારનું રક્ષણ કરતી ચિલીની સાર્વજનિક સંસ્થાનું નેતૃત્વ કરે છે) કોણ હશે તે બાબતે ચર્ચા થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ અનુઅર ક્વેસિલ વેરાને મત નહીં આપી શકે, કારણ કે તેઓ પેલેસ્ટાઈની મૂળના છે.”

ચિલી

ઇમેજ સ્રોત, PALESTINIAN COMMUNITY IN CHILE

ઇમેજ કૅપ્શન, ચિલીમાં પૅલેસ્ટિનિયનોએ 10 ઑક્ટોબરે ગાઝાના સમર્થનમાં "વેલેટન" યોજ્યું હતું

ડિએગો ખમીસે કહ્યુ હતું, “અમે ચિંતિત છીએ, ટર્કોફોબિયા પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લેવામાં આવ્યો હોવાનું અમે માનીએ છીએ અને ચિલીમાં પેલેસ્ટિનિયન વર્ષોથી રહેતા હોવા છતાં આ પ્રકારના ભેદભાવનો પ્રકોપ અસ્વીકાર્ય છે,”

ઇઝરાયલ પર હમાસના હુમલા વિશે પેલેસ્ટાઈની સમુદાય શું માને છે, એવા સવાલના જવાબમાં ખમીસે જણાવ્યું હતું કે તેઓ માત્ર પેલેસ્ટાઈન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (પીએલઓ)ને જ પૅલેસ્ટાઈની લોકોનું કાયદેસરનું પ્રતિનિધિ માને છે.

તેમણે કહ્યું હતું, “હમાસ પીએલઓનો હિસ્સો નથી. રાજકીય પગલાં માટે હિંસા વાજબી પદ્ધતિ છે એવું અમે ચિલીમાં કે પેલેસ્ટાઈનમાં માનતા નથી.”

પેલેસ્ટાઈની નેતાએ આ સંદર્ભમાં ઉમેર્યું હતું, “ચિલીમાંની યહૂદી સંસ્થાઓ પર હુમલાની હાકલ કરવામાં આવી હતી અને યહૂદી સંસ્થાઓ પરના કોઈ હુમલાને કે હુમલાની હાકલને અમે એક ક્ષણના વિલંબ વિના વખોડી કાઢી હતી.”

પેલેસ્ટાઈનને દાયકાઓથી અસર કરતી રહેલી આ કટોકટી બહુ લાંબી ખેંચાઈ છે, જે ચિલીના અને પેલેસ્ટિનિયન લોકોના તેમની માતૃભૂમિ સાથેના ગાઢ સંબંધને આંશિક રીતે સમજાવે છે.

રિકાર્ડો માર્ઝુકાના જણાવ્યા અનુસાર, તેઓ તેમના મૂળ સમાજથી ક્યારેય વિખૂટા પડ્યા જ નથી.

મોરિસ ખમીસના કહેવા મુજબ, “એક સમય હતો, જ્યારે ચિલીમાં પેલેસ્ટિનિયનોની લાગણી સ્પષ્ટ ન હતી, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. આજે ત્યાં જે બની રહ્યું છે તે પારદર્શક છે અને સમસ્યા દેખાઈ રહી છે.”

“અમે અહીં ગમે તેટલા આત્મસાત થઈ જઈએ, પરંતુ લોહી ક્યારેય પાણી બનતું નથી. રક્તનું ખેંચાણ શાશ્વત હોય છે.”

બીબીસી
બીબીસી