ઇઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદઃ જ્યારે ગાંધીજીએ કહ્યું કે, "જો હું યહૂદી હોત તો..."

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કુમાર પ્રશાંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
10 મે 2021ના રોજ શરૂ થયેલું ઇઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ 11 દિવસ સુધી ચાલ્યું હતું જેમાં પેલેસ્ટાઈનમાં 60થી વધુ બાળકો સહિત 240થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત બે હજાર લોકોને ઈજા થઈ હતી.
આ દરમિયાન પેલેસ્ટાઈનના રોકેટ હુમલામાં ઇઝરાયલમાં બાળકો સહિત કેટલાક નાગરિકોનું મૃત્યુ થયું હતું. હવે બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.
યુદ્ધની જાહેરાત કોણે કરી તે સવાલનો કોઈ અર્થ નથી, તેવી જ રીતે યુદ્ધવિરામની જાહેરાત કોણે કરી તે સવાલનો પણ કોઈ અર્થ નથી.
આ બંને પક્ષો વચ્ચે યુદ્ધ, વિરામ અને ફરી યુદ્ધનો અંતહીન ઘટનાક્રમ ચાલતો રહે છે. તેની પાછળ આ બે પક્ષો ઉપરાંત એવા લોકો પણ છે જેઓ યુદ્ધ અને યુદ્ધવિરામ બંને સંજોગોમાં માલામાલ થાય છે.
અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિન્કેને યુદ્ધવિરામ પછી તરત બંને પક્ષો સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી અને કહ્યું કે ઇઝરાયલની સુરક્ષા, શાંતિ અને સન્માન માટે અમેરિકા વચનબદ્ધ છે.
તેમણે એમ પણ કહ્યું કે બૉમ્બમારાથી ભાંગીને ભુક્કો થયેલા ગાઝા પટ્ટીને મલમ પટ્ટી લગાડવા અને પેલેસ્ટાઈનવાસીઓના સંપૂર્ણ વિકાસ માટે અમેરિકા 75 અબજ ડૉલરની મદદ કરશે.
તેનો માત્ર એક અર્થ નીકળે છેઃ "યુદ્ધ પણ અમારી મુઠ્ઠીમાં છે અને યુદ્ધવિરામ પણ અમારી મુઠ્ઠીમાં છે!"

ઇઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ પર મહાત્મા ગાંધીની બારીક નજર

ઇમેજ સ્રોત, PAUL ADAMS
ઇઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ પર શરૂઆતથી જ યહૂદીઓના બહાને મહાત્મા ગાંધીની બારીક નજર હતી. તેઓ ખાસ કરીને યુરોપમાં યહૂદીઓની સ્થિતિથી ઘણા પ્રભાવિત થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1938માં સીમાંત પ્રદેશના પ્રવાસેથી પરત આવ્યા પછી તેમણે આ વિષય પર 'ઇસાઈયતના અછૂત' નામે પોતાનો પ્રથમ તંત્રીલેખ લખ્યો હતો.
તેમણે લખ્યું, "મારી સંપૂર્ણ સહાનુભૂતિ યહૂદીઓની સાથે છે. હું દક્ષિણ આફ્રિકાના દિવસોથી તેમને નજીકથી ઓળખું છું."
"તેમાંથી કેટલાક લોકો સાથે મારી જીવનભરની મિત્રતા છે અને તેમના દ્વારા જ મેં તેમના પર થયેલા અત્યાચારો વિશે જાણ્યું છે. આ લોકોને ખ્રિસ્તીધર્મના અછૂત બનાવી દેવાયા છે."
"સરખામણી જ કરવાની આવે તો હું કહીશ કે ખ્રિસ્તીઓએ યહૂદીઓ સાથે જે વ્યવહાર કર્યો છે તેવો વ્યવહાર હિંદુઓએ અછૂતો સાથે કર્યો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"અંગત મિત્રતા ઉપરાંત વ્યાપક આધાર પર પણ યહૂદીઓ સાથે મારી સહાનુભૂતિ છે. પરંતુ તેમની સાથેની મારી ગાઢ મિત્રતા મને ન્યાયને જોતા અટકાવી શકતી નથી."
"તેથી યહૂદીઓની 'પોતાના રાષ્ટ્રીય ઘર'ની માંગણી મને યોગ્ય નથી લાગતી. તે માટે બાઇબલનો આધાર આપવામાં આવે છે અને પછી તે આધારે પેલેસ્ટાઈનમાં પરત જવાની વાત ઉઠાવવામાં આવે છે."
"પરંતુ વિશ્વના તમામ લોકો કરે છે તેવું યહૂદીઓ કેમ નથી કરતા? તેમનો જ્યાં જન્મ થયો છે અને તેઓ જ્યાં રોજીરોટી કમાય છે તે જગ્યાને તેઓ પોતાનું ઘર કેમ નથી માનતા?"

યહૂદીઓ સાથે ખ્રિસ્તીઓને અછૂત જેવો વ્યવહાર

ઇમેજ સ્રોત, Getty Images
મહાત્મા ગાંધીનું કહેવું હતું કે, "અંગ્રેજો માટે જે રીતે ઇંગ્લેન્ડ છે અને ફ્રેન્ચ માટે ફ્રાન્સ છે, તેવી જ રીતે આરબો માટે પેલેસ્ટાઈનનો પ્રદેશ છે."
"આરબો પર યહૂદીઓને જબરદસ્તીથી થોપી બેસાડવામાં આવે તે ખોટું પણ હશે અને અમાનવીય પણ હશે. યહૂદીઓ જ્યાં પેદા થયા છે અને જ્યાં કમાઈ-ખાઈ રહ્યા છે ત્યાં તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર થાય તે જ યોગ્ય ગણાશે."
"જો યહૂદીઓને પેલેસ્ટાઈનની જગ્યા જોઈતી હોય તો શું તેમને તેઓ આજે જ્યાં છે ત્યાંથી દુનિયાની તમામ જગ્યાએથી હઠાવવામાં આવે તે સારું લાગશે?"
"કે પછી તેઓ પોતાની મનમોજ માટે પોતાના બે ઘર ઇચ્છે છે? 'પોતાના માટે રાષ્ટ્રીય ઘર'ના દેકારાને બહુ આસાનીથી એવો રંગ આપી શકાય છે કે આ કારણથી જ તેમને જર્મનીમાંથી બહાર કાઢવામાં આવતા હતા."
"જર્મનીમાં યહૂદીઓ સાથે જે થયું તેનો દાખલો ઇતિહાસમાં ક્યાંય જોવા નથી મળતો."
"જૂના જમાનાનો કોઈ અત્યાચારી આટલી હદે નહોતો ગયો જે હદે હિટલર ગયા છે, અને તે પણ ધર્મ-કાર્યના ઉત્સાહની સાથે."
"જાણે તેઓ એક ખાસ પ્રકારના શુદ્ધ ધર્મ અને સૈન્ય રાષ્ટ્રીયતાની સ્થાપના કરી રહ્યા છે જેની સાથે તમામ અમાનવીય કાર્ય પણ માનવીય કાર્ય બની જાય છે."
"તેનું પુણ્ય અત્યારે જ અથવા ભવિષ્યમાં ક્યારેક મળશે જ. માનવતાના નામે અને તેની સ્થાપના માટે ક્યારેય જો એવું કોઈ યુદ્ધ થાય જેનું નિર્વિવાદપણે ઔચિત્ય હોય તો તે જર્મની સામે કરવામાં આવેલું મહાયુદ્ધ છે."
"તેણે એક જાતિના સંપૂર્ણ વિનાશને અટકાવ્યો."
"પરંતુ હું કોઈ પણ યુદ્ધમાં વિશ્વાસ નથી કરતો. તેથી આવા યુદ્ધનું ઔચિત્ય કે અનૌચિત્યનો વિચાર જ મારા માનસ પટલ પર સમાતો નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"જર્મનીએ દુનિયાને બતાવી દીધું કે હિંસા જ્યારે માનવીયતાની બનાવટી નબળાઈઓમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય ત્યારે તે કેટલી 'કુશળતા'થી કામ કરી શકે છે."
"તે એ પણ દર્શાવે છે કે નગ્ન હિંસા કેટલી પાપજન્ય, ક્રૂર અને ડરામણી હોઈ શકે છે."
"શું યહૂદીઓ આ સંગઠિત અને બેશરમીપૂર્વકના દમનનો મુકાબલો કરી શકતા હતા?"
"શું એવો કોઈ રસ્તો છે જેનાથી તેઓ પોતાનું આત્મસન્માન બચાવી શકતા હોત જેથી તેઓ આટલા અસહાય, ઉપેક્ષિત અને એકલા ન પડ્યા હોત? હું કહીશ કે હા, છે."
"જે વ્યક્તિને ઇશ્વર પ્રત્યે પૂર્ણ જીવિત શ્રદ્ધા હશે તે ક્યારેય આટલી લાચારી અથવા એકલવાયાપણું અનુભવી જ ન શકે."
"ખ્રિસ્તિઓ, મુસલમાનો અને હિંદુઓના ભગવાનો કરતા યહૂદીઓના યહોવા (પરમેશ્વર) ક્યાંય વધારે માનવતરફી છે."
"જોકે, હકીકત તો એ છે કે આત્મતઃ તે બધામાં હોય છે અને સમાન છે. કેટલાકમાં તે સમજથી પણ આગળ છે. પરંતુ યહૂદી પરંપરામાં ઇશ્વરને વધારે માનવીય સ્વરૂપ આપવામાં આવ્યું છે."
"એવું માનવામાં આવે છે કે તે તેમની તમામ પ્રવૃત્તિઓનું નિયમન કરે છે, તેથી તેમણે આટલી અસહાયતા અનુભવવી જ શા માટે જોઈએ."

ગાંધીજી યહૂદી હોત તો શું કર્યું હોત

ઇમેજ સ્રોત, Getty Images
મહાત્મા ગાંધીનું કહેવું હતું કે, "જો હું યહૂદી હોત અને જર્મનીમાં પેદા થયો હોત અને ત્યાંથી આજીવિકા મેળવતો હોત તો હું દાવો કરું છું કે જર્મની મારું એવી જ રીતે ઘર છે જે રીતે તે કોઈ પડછંદ જર્મનનું ઘર છે."
"મેં તેમને પડકાર ફેંક્યો હોત કે તમે મને ગોળી મારી દો અથવા જેલમાં બંધ કરી દો, હું મને અહીંથી ક્યાંય કાઢી મૂકવામાં આવે અથવા કોઈ ભેદભાવપૂર્વક વ્યવહાર કરવામાં આવે તેને સ્વીકારવા તૈયાર નથી."
"અને મેં એ વાતની રાહ પણ ન જોઈ હોત કે બીજા યહૂદીઓ પણ આવે અને આ સિવિલ અસહકારમાં મને સાથ આપે. તેનાથી ઉલ્ટું હું એ વિશ્વાસની સાથે આગળ વધી જાત કે અંતમાં બધા મારા રસ્તા પર જ ચાલશે."
"મેં બતાવેલા ઉપાયનો ઉપયોગ કોઈ એક યહૂદીએ કર્યો હોત, અથવા તમામ યહૂદીઓએ કર્યો હોત તો આજે તેમની હાલત જેટલી દયનીય છે, તેનાથી વધુ દયનીય તો ન જ હોત."
"દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની હાલત બિલકુલ એવી જ હતી જેવી સ્થિતિ જર્મનીમાં યહૂદીઓની છે. ત્યાં પણ દમનને એક ધાર્મિક રંગ આપવામાં આવ્યો હતો."
"રાષ્ટ્રપતિ ક્રૂઝર કહેતા હતા કે શ્વેત ખ્રિસ્તિઓ ઇશ્વરના પસંદ કરાયેલા સંતાનો છે, જ્યારે ભારતીયો ઉતરતી કક્ષાના છે, જેઓ ગોરા લોકોની સેવા માટે પેદા થયા છે."
"ટ્રાન્સવેલના બંધારણમાં એક પાયાની કલમ એ હતી કે શ્વેત અને અશ્વેત લોકો વચ્ચે કોઈ પણ પ્રકારની સમાનતા નહીં રાખી શકાય, જેમાં અશ્વેતોમાં તમામ એશિયનો પણ સામેલ હતા."

દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયો સાથે તુલના

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE/GAMMA-KEYSTONE VIA GETTY IMAGES
"દક્ષિણ આફ્રિકામાં પણ ભારતીયોને તેમના દ્વારા નિર્ધારિત વસાહતોમાં જ રહેવું પડતું હતું. જેને તેઓ 'લોકેશન' કહેતા હતા."
"બાકીની બધી અસમાનતાઓ લગભગ જર્મનીમાં યહૂદીઓ સાથે જે વર્તન કરવામાં આવે છે તેવી જ હતી. ત્યાં મુઠ્ઠીભર ભારતીયોએ સત્યાગ્રહનો રસ્તો અપનાવ્યો જેને બહારની દુનિયા કે ભારત સરકારનું કોઈ સમર્થન ન હતું."
"આઠ વર્ષ ચાલેલી લડાઈ બાદ વિશ્વ જનમત અને ભારત સરકાર સહાયતા માટે આગળ આવ્યા."
"પરંતુ જર્મનીમાં યહૂદીઓની સ્થિતિ દક્ષિણ આફ્રિકાના ભારતીયોની સરખામણીમાં ઘણી વધુ સારી છે. યહૂદી જાતિ જર્મનીમાં એક સંગઠિત જમાત છે."
" દક્ષિણ આફ્રિકાના ભારતીયોની સરખામણીમાં તેઓ વધારે આવડત ધરાવે છે અને પોતાની લડાઈના ટેકામાં વૈશ્વિક જનમત એકત્ર કરી શકે છે."
"મને વિશ્વાસ છે કે તેમાંથી કોઈ વ્યક્તિ સાહસ અને સમજણની સાથે ઊભી થશે અને અહિંસક કાર્યવાહીમાં તેમનું નેતૃત્વ કરશે, તો એક પળમાં જ તેમના નિરાશાના દિવસો પૂરા થશે અને તેમાં આશા ચમકી ઊઠશે."
"એ બાબતમાં મને કોઈ શંકા નથી કે પેલેસ્ટાઈનના વિસ્તારમાં રહેતા યહૂદીઓ ખોટા રસ્તે જઈ રહ્યા છે. બાઇબલમાં જે પેલેસ્ટાઈનની વાત કરવામાં આવી છે તેનો આજે કોઈ ભૌગોલિક આધાર નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
"આરબોની સદભાવનાથી જ તેઓ અહીં વસી શકતા હતા. તેમણે આરબોનું દિલ જિતવાની કોશિશ કરવી જોઈએ."
"આરબોના હૃદયમાં પણ એ જ ઇશ્વર વસે છે જે યહૂદીઓના હૃદયમાં વસે છે."
"તેઓ આરબોની સામે સત્યાગ્રહ કરે અને તેમની વિરુદ્ધ એક આંગળી પણ ઊઠાવ્યા વગર પોતાની જાતને સમર્પિત કરી દે, ભલે પછી તેઓ તેમને ગોળીઓથી વીંધી નાખે કે સમુદ્રમાં ફેંકી દે."
"હું આરબો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોનો બચાવ નથી કરતો, પરંતુ હું એવું માનું છું કે તેઓ પોતાના દેશમાં થતી અયોગ્ય દખલગીરીનો યોગ્ય રીતે જ વિરોધ કરી રહ્યા છે."
"હું એ પણ ઇચ્છું છું કે તેમણે અહિંસક રીતે તેનો મુકાબલો કરવાની જરૂર હતી. પરંતુ યોગ્ય અને અયોગ્યની જે સર્વમાન્ય વ્યાખ્યા બનાવવામાં આવી છે, તે દૃષ્ટિએ જોવામાં આવે તો અનેક પ્રતિકૂળતા વચ્ચે આરબોએ જે રીતે પ્રતિકાર કર્યો છે તેની તમે કઈ રીતે ટીકા કરી શકશો.."
"તેથી હવે યહૂદીઓ પર એ વાતનો આધાર છે કે તેઓ પોતાની વંશીય શ્રેષ્ઠતાનો દાવો કરે છે, તેને અહિંસક રીતે કરીને વિશ્વની સામે આ વાતનો પુરાવો આપે."

જ્યારે જર્મનીમાં ગાંધીજીનો ભારે વિરોધ થયો હતો

ઇમેજ સ્રોત, RAZA FOUNDATION
ગાંધીજીના આ નિવેદન પછી જે થવાનું હતું તે થયું. જર્મનીમાં ગાંધીજીનો ઉગ્ર વિરોધ શરૂ થયો.
ગાંધીજીએ ફરી કહ્યું, "જર્મનીમાં યહૂદીઓ સાથે થતા વ્યવહાર અંગે મારા લેખની સામે ગુસ્સાથી ભરેલી પ્રતિક્રિયા જોવા મળી છે. હું તેની અપેક્ષા કરી રહ્યો હતો."
"મેં તો યુરોપની રાજનીતિ અંગે મારું અજ્ઞાન પહેલેથી સ્વીકારી લીધું હતું. પરંતુ યહૂદીઓની બીમારીનો ઇલાજ જણાવવા માટે મારે યુરોપના રાજકારણના જાણકાર થવાની જરૂર ક્યાં હતી."
"તેમના પર થઈ રહેલા અત્યાચારો વિવાદથી આગળ છે. મારા લેખ અંગે તેમનો ગુસ્સો ઓછો થશે અને તેમની મનોસ્થિતિ થોડી શાંત થશે ત્યારે મારા પર સૌથી વધુ ગુસ્સો કરનારા જર્મન પણ સમજી શકશે કે મેં જે લખ્યું હતું તેમાં મારા મનમાં જર્મનો પ્રત્યે દુર્ભાવના નહીં, પરંતુ મિત્રતાનું ઝરણું જ વહી રહ્યું છે."
"મારા લેખથી, મારું, મારા આંદોલનનું કે ભારત-જર્મની સંબંધોનું કોઈ ભલું નથી થયું એવું કહેવું તેમાં મને કોઈ પણ પ્રકારનો તર્ક નથી લાગતો."
"મને તો તેમાં ધમકી જેવું કંઇક છુપાયું હોય તેમ લાગે છે. મને મારા અંતરના ઊંડાણથી જે સલાહ 100 ટકા ખરી લાગતી હોય તે સલાહ હું મને બચાવવા, પોતાના દેશને બચાવવા કે ભારત-જર્મની સંબંધોને બચાવવા માટે ન આપું તો હું મારી જાતને કાયર સમજીશ."
"બર્લિનના તે લેખકે તો કમાલનો સિદ્ધાંત બનાવી દીધો છે કે જર્મની બહારની કોઈ પણ વ્યક્તિએ મિત્રતાના ભાવે પણ જર્મનીના કોઈ પણ પગલાંની ટીકા કરવી ન જોઈએ."
"હું મારા માટે તો કહી જ શકું છું કે જર્મની કે કોઈ પણ દેશની કોઈ પણ વ્યક્તિ ભારતની ટીકા કરવા માટે દૂરથી કોડી શોધી આવશે તો પણ હું તેમનું સ્વાગત કરીશ."

પેલેસ્ટાઈનની જમીન પર કબ્જાથી નારાજગી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
1946ના મધ્યમાં ગાંધીજી આરામ કરવા માટે પોતાના મનપસંદ સ્થળ પંચગની પહોંચ્યા ત્યારે 14 જુલાઈ 1946ના રોજ તેમણે યહૂદી અને પેલેસ્ટાઈન શીર્ષક હેઠળ એક તંત્રીલેખ લખ્યો.
તેમણે લખ્યું કે, "યહૂદીઓ અને આરબો વચ્ચેના વિવાદમાં જાહેરમાં કંઈ પણ બોલવાનું હું ટાળતો આવ્યો છું, અને તેના કારણો છે."
"આ મામલામાં મને કોઈ રસ નથી તે કારણ નથી, પરંતુ મને લાગે છે કે આ મામલે મારી જાણકારી અપૂરતી છે. આવા જ કારણોથી હું આંતરરાષ્ટ્રીય સવાલો પર પોતાની વાત મૂકવાનું ટાળું છું."
"મારી પાસે આમેય જીવ બાળવા માટે ઘણું બધું છે. પરંતુ એક અખબારમાં છપાયેલા ચાર લીટીના સમાચારે મને મૌન તોડવાની ફરજ પાડી છે, અને તે પણ જ્યારે એક મિત્રે તેના તરફ મારું ધ્યાન દોરવા માટે તેનું કટિંગ મોકલ્યું."
"હું માનું છું કે દુનિયાએ યહૂદીઓની સાથે બહુ ક્રુર અત્યાચાર કર્યા છે. મારી જાણકારી મુજબ યુરોપના અનેક વિસ્તારોમાં યહૂદીઓની વસાહતોને 'ઘેટો' કહેવામાં આવે છે."
"તેમની સાથે જે નિર્દયતાપૂર્વક વ્યવહાર થયો, તે વ્યવહાર થયો ન હોત તો તેમને ક્યારેય પેલેસ્ટાઇનના પ્રદેશમાં પાછા ફરવાની જરૂર પેદા થઈ ન હોત. પોતાની વિશિષ્ટ પ્રતિભા અને આવડતના કારણે આખી દુનિયા તેમનું ઘર હોત."

ઇમેજ સ્રોત, Getty Images
"પરંતુ તેમણે સૌથી મોટી ભૂલ એ કરી કે તેમણે પેલેસ્ટાઈનના પ્રદેશ પર બળજબરીથી પોતાને થોપી બેસાડ્યા. સૌથી પહેલા અમેરિકા અને બ્રિટનની મદદથી અને હવે નગ્ન આતંકવાદની તાકાતથી."
"તેમની વિશ્વ નાગરિકતા તેમને વિશ્વના કોઈ પણ દેશના સન્માનિત નાગરિક બનાવી શકતી હતી. તેમની કુશળતા, તેમની બહુમુખી પ્રતિભા અને સમજણપૂર્વક કામ કરવાની મહાન ક્ષમતાને કોણ નથી બિરદાવતું!"
"ખ્રિસ્તિ ધર્મના માટે આ વાત કલંક સમાન છે કે તેણે 'ન્યૂ ટેસ્ટામેન્ટ'ના ખોટા અભ્યાસ અને તેની ખોટી વ્યાખ્યા કરીને યહૂદી સમાજને નિશાન બનાવ્યો કે એક યહૂદી કોઈ ભૂલ કરે તો પણ આખા યહૂદી સમાજને તેનો અપરાધી ગણવામાં આવશે."
"આઈન્સ્ટાઈન જેવા કોઈ એક યહૂદી મહાન સંશોધન કરે અથવા કોઈ સંગીતકાર અભૂતપૂર્વ સંગીતની રચના કરે તો તેને એક વ્યક્તિની સફળતા માનવામાં આવશે, તેના માટે તેમના સમુદાયને શ્રેય નહીં આપવામાં આવે."
"કોઈને એ વાતનું આશ્ચર્ય હોવું ન જોઈએ કે યહૂદીઓને જે તકલીફદાયક સ્થિતિમાં નાખવામાં આવ્યા છે તે કારણથી મારી સહાનુભૂતિ તેમની સાથે છે."

ઇમેજ સ્રોત, Getty Images
" પરંતુ હું એ પણ વિચારું છું કે પ્રતિકૂળ પરિસ્થિતિ આપણને શાંતિનો પાઠ પણ ભણાવે છે."
"જ્યાં તેમનું સહજ સ્વાગત નથી તેવી જગ્યાએ જવાની અને ત્યાંના લોકો પર પોતાની જાતને અમેરિકન સંપત્તિ અને બ્રિટિશ હથિયારોના બળે થોપી બેસાડવાની શું જરૂર હતી?"
"પેલેસ્ટાઈનની જમીન પર પોતાની બળજબરીપૂર્વકની સ્થિતિને મજબૂત બનાવવા માટે આતંકવાદી ઉપાયોનો સહારો લેવાનું યહૂદીઓને કેમ ગમ્યું?"

ગાંધીજીએ આશંકા વ્યક્ત કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images
5 મે 1947ના રોજ સમાચાર એજન્સી રૉઈટરના દિલ્હી સ્થિત સંવાદદાતા ડૂન કૅમ્પબેલે ગાંધીજીનું ધ્યાન ફરીથી પેલેસ્ટાઇનના મુદ્દે ખેંચ્યું હતું.
તેમણે સવાલ કર્યો કે પેલેસ્ટાઈનના પ્રશ્નમાં તમને શું ઉપાય દેખાય છે?
તે સમયે ગાંધીજીએ કહ્યું હતું કે, "આ એવી સમસ્યા બની ગયું છે જેનો લગભગ કોઈ ઉકેલ નથી."
"જો હું યહૂદી હોત તો મેં તેમને કહ્યું હોત, 'એવી મૂર્ખતા ન કરતા કે તેના માટે તમારે આતંકનો રસ્તો અપનાવવો પડે. આવું કરશો તો તમે પોતાના મામલાને જ બગાડી મૂકશો જે આમ તો માત્ર ન્યાયનો વિવાદ છે.' જો આ માત્ર રાજનૈતિક ખેંચતાણ હોય તો હું કહીશ કે આ બધું વ્યર્થ થઈ રહ્યું છે."
"યહૂદીઓએ આગળ વધીને આરબો સાથે મિત્રતા કરવી જોઈએ અને બ્રિટિશ હોય કે અમેરિકન, કોઈની પણ સહાયતા વગર યહોવાના વારસદારોએ તેમને મળેલી શીખ અને તેમનો વારસો સંભાળવો જોઈએ."
પરંતુ કોઈને કોઈનો વારસો નહોતો સંભાળવો. બધાને ગાદી જ સંભાળવી હતી.
ગાંધીજી સત્તાની આ ભૂખને ઓળખી ગયા હતા. તેથી તેઓ કૅમ્પબેલને એવું કહી દીધું, "આ એક એવો પ્રશ્ન બની ગયો છે જેનો લગભગ કોઈ ઉકેલ નથી."
આમ તો ઇઝરાયલની સ્થાપના, એટલે કે 14 મે 1948થી ત્રણ મહિના અગાઉ જ ગાંધીજીની હત્યા કરી દેવામાં આવી હતી.
પરંતુ ગાંધીજીએ જે આશંકા વ્યક્ત કરી હતી તેને લગભગ 75 વર્ષ પૂરા થવાના છે.
યુદ્ધ અને યુદ્ધવિરામ વચ્ચે ભીંસાતા પેલેસ્ટાઈનવાસીઓ-ઇઝરાયલી હજુ સુધી કોઈ ઉકેલ સુધી નથી પહોંચ્યા.
વિશ્વની મહાસત્તાઓ અને બંને પક્ષના સત્તાધીશો પાછળ ખસી જાય તો જેરૂસલેમના સંતાનો પોતાની જાતે પોતાનો રસ્તો શોધી લેશે.
પરંતુ તેમને કોઈ આવું કરવા દેશે ખરું?
(આ લેખકના અંગત વિચારો છે. લેખક ગાંધી પિસ ફાઉન્ડેશનના ચેરમેન છે.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












