તરબૂચ કેવી રીતે પેલેસ્ટાઇનના સમર્થન અને ઇઝરાયલના વિરોધનું પ્રતીક બની ગયું?

ઇઝરાયલ પેલેસ્ટાઇન ગાઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલ-ગાઝા યુદ્ધ દરમિયાન તરબૂચ પેલેસ્ટાઇન મુદ્દાના સમર્થન માટેનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું છે.

તરબૂચનો લાલ, કાળો, સફેદ અને લીલો રંગ માત્ર એ રસદાર ફળનો જ રંગ નથી પરંતુ પેલેસ્ટાઇનના ઝંડાનો પણ રંગ છે. તરબૂચ ફરી એકવાર પેલેસ્ટાઇન સમર્થક રેલીઓ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યું છે.

તરબૂચ કઈ રીતે પેલેસ્ટિનિયન એકતાનું આટલું મજબૂત પ્રતીક બન્યું? આવો તેના પાછળનો ઇતિહાસ જાણીએ.

“પેલેસ્ટાઇનમાં પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવવો અપરાધ છે. પેલેસ્ટાઇનના લાલ, કાળા, સફેદ અને લીલા રંગને કારણે ઇઝરાયલી સૈનિકો સામે તરબૂચનો ટુકડો બતાવવામાં આવે છે.”

આ પંક્તિઓ અમેરિકી કવિ અરાસેલિસ ગિર્મેની એક કવિતા ‘ઑડ ટુ ધી વૉટરમેલન’માં છે. તેઓ પેલેસ્ટાઇન સમસ્યાના ભાગરૂપે ફળના પ્રતીકાત્મક અર્થનો ઉલ્લેખ કરે છે.

લાલ, કાળો, સફેદ અને લીલો રંગ ન માત્ર તરબૂચ પરંતુ પેલેસ્ટાઇનના ધ્વજનો પણ રંગ છે. એટલા માટે ગાઝામાં ઇઝરાયલના હુમલાઓ દરમિયાન દુનિયાભરમાં પેલેસ્ટાઇન સમર્થક પદયાત્રાઓ, રેલીઓ અને અગણિત સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રતીકવાદ દેખાય છે.

પરંતુ તરબૂચ કઈ રીતે પ્રતીક બન્યું તેનો એક રસપ્રદ ઇતિહાસ છે.

પેલેસ્ટાઇનના ધ્વજ પર પ્રતિબંધ એટલે તેનો વિકલ્પ?

ઇઝરાયલ પેલેસ્ટાઇન ગાઝા

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1967ના આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી જ્યારે ઇઝરાયલે ગાઝા અને વેસ્ટ-બૅન્ક પર નિયંત્રણ કરી લીધું ત્યારે તેણે જીતેલા વિસ્તારોમાં પેલેસ્ટિનિયન ધ્વજ અને તેના રંગો જેવા રાષ્ટ્રીય પ્રતીકો રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ધ્વજ લઈ જવો એક અપરાધ બની જવાથી તેના વિરોધમાં પેલેસ્ટિનિયનોએ તરબૂચના ટુકડાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.

વર્ષ 1993માં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયનો વચ્ચે થયેલા ઓસ્લો કરાર પછી ધ્વજને પેલેસ્ટિનિયન ઓથોરિટીએ માન્યતા આપી હતી. આ ઓથોરિટીને ગાઝા અને વેસ્ટ બૅન્કના કેટલાક ભાગોમાં શાસન કરવા માટે બનાવવામાં આવી હતી.

‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના પત્રકાર જૉન કિફનરે ઑસ્લો કરાર પર સહી થયા બાદ કહ્યું હતું, “ગાઝામાં ફરી એકવાર કેટલાક યુવકોની કપાયેલું તરબૂચ લઈ જવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકો લાલ, કાળા અને લીલા પેલેસ્ટિનિયન રંગોને પ્રદર્શિત કરતા હતા અને પેલેસ્ટાઇનના ધ્વજ સાથે તેમણે એક સરઘસ કાઢ્યું હતું. તેમણે ત્યાં ઊભેલા સૈનિકો સાથે ગાળાગાળી કરી હતી.”

કેટલાક મહિનાઓ પછી ડિસેમ્બર 1993માં, અખબારે નોંધ્યું હતું કે અહેવાલમાં ધરપકડના દાવાઓની પુષ્ટિ થઈ શકી નથી. જોકે, એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ઇઝરાયલ સરકારના પ્રવક્તાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આ વાતને નકારતા નથી કે આવી ઘટનાઓ બની હશે.

ત્યારથી કલાકારોએ પેલેસ્ટિનિયનો સાથે એકતામાં તરબૂચ દર્શાવતી કલા પ્રદર્શિત કરવાનું ચાલુ રાખ્યું છે.

તરબૂચના ટુકડાઓ

ઇઝરાયલ પેલેસ્ટાઇન ગાઝા

ઇમેજ સ્રોત, INSTAGRAM/KHALED HOURANI

સૌથી વધુ પ્રસિદ્ધ કલાકૃતિઓમાંથી એક ખાલિદ હુરાનીની કૃતિ છે. તેમણે 2007માં ‘સબ્જેક્ટિવ ઍટલાસ ઑફ પેલેસ્ટાઇન’ નામના એક પુસ્તક માટે તરબૂચના એક ટુકડાને ચિન્હિત કર્યું.

‘ધી સ્ટોરી ઑફ ધી વૉટરમેલન’ નામનું આ પેઇન્ટિંગ દુનિયાભરમાં છવાયું. મે-2021માં ઇઝરાયલ-હમાસના સંઘર્ષ દરમિયાન તેને વધુ પ્રસિદ્ધિ મળી.

તરબૂચના ચિત્રણમાં વધુ એકવાર ઊછાળો આ વર્ષની શરૂઆતમાં ત્યારે આવ્યો જ્યારે જાન્યુઆરીમાં ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન ગ્વિરે પોલીસને સાર્વજનિક સ્થળોએથી પેલેસ્ટાઇનના ઝંડાને હઠાવવાનો નિર્દેશ આપ્યો.

તેમણે કહ્યું કે પેલેસ્ટાઇનના ઝંડાને લહેરાવવો આતંકવાદને સમર્થન આપવા જેવું કામ છે. ત્યારપછી ઇઝરાયલ વિરોધી રેલીઓમાં તરબૂચની તસવીરો દેખાવા લાગી.

ઇઝરાયલી કાયદો પેલેસ્ટાઇનના ધ્વજને ગેરકાનૂની નથી કહેતો પરંતુ પોલીસ અને સૈનિકોને તેને હઠાવી દેવાનો અધિકાર છે. જ્યારે તેમને એવું લાગે કે તેનાથી સાર્વજનિક સુરક્ષા વ્યવસ્થાને ખતરો છે તો તેઓ તેને હઠાવી શકે છે.

આ વર્ષે જુલાઇમાં જેરૂસલેમમાં આયોજિત એક વિરોધપ્રદર્શનમાં પેલેસ્ટાઇનના પ્રદર્શનકારીઓએ પેલેસ્ટાઇનના ઝંડાના રંગમાં તરબૂચ અને સ્વતંત્રતા શબ્દનાં પ્રતીક રાખ્યાં હતાં.

જ્યારે ઑગસ્ટમાં પ્રદર્શનકારીઓના એક સમૂહે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ન્યાયિક સુધાર યોજનાઓના વિરોધ માટે તેલ અવીવમાં તરબૂચના ફોટાવાળી ટી-શર્ટ પહેરી હતી.

હાલમાં જ ગાઝા યુદ્ધનો વિરોધ કરનારી સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં તરબૂચના ચિત્રોનો ઉપયોગ થયો છે.

પેલેસ્ટાઇન સમર્થનમાં આગળ આવ્યા કલાકારો

ઇઝરાયલ પેલેસ્ટાઇન ગાઝા

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટિશ મુસ્લિમ કૉમેડિયન શુમિરુન નેસ્સાએ ટિકટૉક પર તરબૂચનાં ફિલ્ટર બનાવ્યાં અને તેમના ફૉલોઅર્સને તેમની સાથે વીડિયો બનાવવા માટે પ્રેરિત કર્યાં. તેમણે ગાઝાને મદદ કરવા માટે કમાણીનું દાન કરવાનું પણ વચન આપ્યું.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પેલેસ્ટિનિયન ધ્વજને બદલે તરબૂચ એટલા માટે પોસ્ટ કરે છે કારણ કે તેમને એ વાતનો ડર છે કે તેમના એકાઉન્ટ્સ અથવા વિડીઓઝ સોશિયલ નેટવર્ક દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવશે.

ભૂતકાળમાં, પેલેસ્ટાઈન તરફી યુઝર્સે ઇન્સ્ટાગ્રામ પર 'શેડો બૅન' લાદવાનો આરોપ મૂક્યો હતો. શેડો બૅનમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ હસ્તક્ષેપ કરે છે જેના કારણે અમુક પોસ્ટ અન્ય લોકોની ફીડ્સમાં દેખાતી નથી.

પરંતુ બીબીસીના સાયબર અફેર્સ સંવાદદાતા જૉ ટિડી કહે છે કે અત્યારે આવું થઈ રહ્યું છે તેના કોઈ પુરાવા નથી.

તેઓ કહે છે, "એવું લાગતું નથી કે પેલેસ્ટાઈન તરફી પોસ્ટ કરનારા યુઝર્સ પર શેડો બેન લાદવાનું કોઈ કાવતરું છે."

તેઓ કહે છે, "લોકો સોશિયલ મીડિયા પોસ્ટમાં તરબૂચનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ પેલેસ્ટિનિયન ધ્વજનો ઉપયોગ કરી રહ્યા છે અને સંઘર્ષ વિશે ખુલ્લેઆમ લખી રહ્યા છે."

પેલેસ્ટાઈનમાં દાયકાઓ સુધી તરબૂચને રાજકીય પ્રતીક માનવામાં આવતું હતું, ખાસ કરીને પ્રથમ અને બીજા વિદ્રોહ દરમિયાન.

આજે, તરબૂચ એ માત્ર અતિ લોકપ્રિય ખોરાક જ નથી, પણ પેલેસ્ટિનિયનોની પેઢીઓ અને તેમના સંઘર્ષને ટેકો આપનારાઓ માટે એક શક્તિશાળી પ્રતીક પણ છે.