હમાસે ઇઝરાયલ પર ‘ઘાતક હુમલો’ કરવા માટેનું લશ્કર કેવી રીતે ઊભું કર્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અબ્દેલાલી રેગદ, રિચાર્ડ ઈરવિન-બ્રાઉન, બેનેડિક્ટ જર્મન અને સીન સેડ્ડોન
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક અને બીબીસી વેરિફાય
બીબીસીનું વિશ્લેષણ દર્શાવે છે કે 2020થી લશ્કરી શૈલીની કવાયતમાં એક સાથે તાલીમ લીધા પછી પાંચ સશસ્ત્ર પેલેસ્ટાઇનિયન જૂથો ઇઝરાયલ પરના સાતમી ઑક્ટોબરના હુમલામાં હમાસ સાથે જોડાયાં હતાં.
આ જૂથોએ ગાઝામાં સંયુક્ત કવાયત હાથ ધરી હતી, જે ઘાતક હુમલા દરમિયાન અપનાવવામાં આવેલી વ્યૂહરચના સાથે ઘણી મળતી આવે છે અને તેમાં ઇઝરાયલની કાંટાળી વાડથી એક કિલોમીટરથી ઓછી દૂર આવેલી એક સાઇટનો પણ સમાવેશ થાય છે. જૂથોએ તે કવાયતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો હતો.
એ કવાયત દરમિયાન તેમણે લોકોને બંધક બનાવવાની, પરિસરોમાં દરોડા પાડવાની અને ઇઝરાયલની સંરક્ષણ વ્યવસ્થાને તોડી પાડવાની પ્રૅક્ટિસ કરી હતી. એ પૈકીની છેલ્લી કવાયત હુમલાના માત્ર 25 દિવસ પહેલાં હાથ ધરવામાં આવી હતી.
હમાસે કેવી રીતે ગાઝાનાં જૂથોને તેમની લડાઈ પદ્ધતિમાં સુધારો કરવા માટે એકત્ર કર્યા હતા અને આખરે ઇઝરાયલ પર કેવી રીતે હુમલો કર્યો હતો તે બીબીસી અરેબિક અને બીબીસી વેરિફાઇએ એકત્ર કરેલા પુરાવા દર્શાવે છે. એ હુમલાને પગલે આ પ્રદેશ યુદ્ધમાં ધકેલાઈ ગયો છે.
‘એકતાની નિશાની’

ઇમેજ સ્રોત, TELEGRAM
હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઇલ હનીયેહે 2020ની 29 ડિસેમ્બરે ગાઝાનાં વિવિધ સશસ્ત્ર જૂથો વચ્ચે “મજબૂત સંદેશ અને એકતાની નિશાની”ના સ્ટ્રૉંગ પિલરના સાંકેતિક નામ સાથેની ચાર પૈકીની પ્રથમ કવાયતની જાહેરાત કરી હતી.
ગાઝાનાં સશસ્ત્ર જૂથોમાં સૌથી શક્તિશાળી જૂથ તરીકે હમાસ આ ગઠબંધનમાં પ્રભાવી બળ હતું. તે જૉઈન્ટ ઑપરેશન રૂમની દેખરેખ હેઠળની વૉર ગેમ્સ શૈલીની કવાયતમાં પેલેસ્ટાઇનના દસ જૂથોને એકત્ર કરી લાવ્યું હતું.
ગાઝાનાં સશસ્ત્ર જૂથોનું સેન્ટ્રલ કમાન્ડ હેઠળ સંકલન કરવા માટે 2018માં માળખાની રચના કરવામાં આવી હતી.
પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ (પીઆઇજે) ગાઝાનું બીજું સૌથી મોટું સશસ્ત્ર જૂથ છે અને બ્રિટન તથા અન્ય દેશોએ તેને હમાસની માફક આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ પીઆઇજે સાથે હમાસે 2018 પહેલાં ઔપચારિક રીતે સંકલન સાધ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉના સંઘર્ષોમાં હમાસ અન્ય જૂથોની સાથે લડ્યું હતું, પરંતુ 2020ની કવાયતને અનેક જૂથો એક સાથે આવી રહ્યાં હોવાના વ્યાપક પુરાવાનો પ્રચાર ગણવામાં આવી હતી.
હમાસના નેતાએ જણાવ્યું હતું કે પહેલી કવાયત સશસ્ત્ર જૂથો “સદા તૈયાર” હોવાનું સૂચવે છે.
2020ની કવાયત પછીના ત્રણ વર્ષમાં યોજાયેલી ચાર કવાયતો પૈકીની પહેલી હતી. દરેક કવાયતનું વીડિયો શૂટિંગ બહુ સારી રીતે કરવામાં આવ્યું હતું અને તેના વીડિયો સોશિયલ મીડિયા ચેનલો પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.
બીબીસીએ મૅસેજિંગ ઍપ ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફૂટેજમાંથી સ્ટ્રૉંગ પિલર કવાયતમાં હમાસની સાથે ભાગ લેનાર પીઆઇજેનાં દસ જૂથોને તેમના માથા પરની પટ્ટી અને પ્રતીકો મારફત ઓળખી કાઢ્યાં છે.
સાતમી ઑક્ટોબરના હુમલા પછી તેમાં પોતે ભાગ લીધો હોવા દાવો કરતા વીડિયો પાંચ જૂથોએ પોસ્ટ કર્યા હતા. અન્ય ત્રણે તેમાં ભાગ લીધો હોવાના દાવા સાથે ટેલિગ્રામ પર લેખિત નિવેદન પોસ્ટ કર્યાં હતાં.
સાતમી ઑક્ટોબરે અન્ય જૂથો દ્વારા ઇઝરાયલમાંથી અનેક સ્ત્રીઓ તથા બાળકોને બંધક બનાવીને ગાઝામાં લઈ જવાયા હોવાનું માનવામાં આવે છે. આ સ્ત્રીઓ તથા બાળકોને શોધવા માટે હમાસ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે ત્યારે ઉપરોક્ત જૂથોની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
એ દિવસે હમાસની સાથે પીઆઇજે, મુજાહિદ્દીન બ્રિગેડ્સ અને અલ-નાસર સલાહ અલ-દીન બ્રિગેડ નામનાં ત્રણ જૂથોએ ઇઝરાયલીઓને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
ગાઝામાં અસ્થાયી યુદ્ધવિરામ લંબાવવાના પ્રયાસોનો આધાર હમાસ બંધકોને કેટલા સમયમાં શોધી કાઢે છે તેના પર હોવાનું માનવામાં આવે છે.
આ જૂથો કટ્ટર ઇસ્લામવાદથી માંડીને પ્રમાણમાં બિનસાંપ્રદાયિક કહી શકાય તેવી વ્યાપક વૈચારિક ભૂમિકાને અનુસરે છે, પરંતુ ઇઝરાયલ સામે હિંસાનો ઉપયોગ કરવાની તૈયારી બધા દર્શાવતાં રહ્યાં છે.
હમાસનાં નિવેદનોમાં ગાઝાનાં વિવિધ સશસ્ત્ર જૂથો વચ્ચે એકતા સાધવા પર વારંવાર આગ્રહ કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ પર હુમલો કરવાની યોજનામાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવા સાથે હમાસે તેમને જણાવ્યું હતું કે સંયુક્ત કવાયતમાં બધા સમાન ભાગીદાર છે.
પહેલી ડ્રિલના ફૂટેજમાં એક બંકરમાં માસ્કધારી કમાન્ડરો કવાયત કરતા જોવા મળે છે અને તેની શરૂઆત સંખ્યાબંધ રૉકેટ છોડવા સાથે થાય છે.
તે સુસજ્જ સશસ્ત્ર લડવૈયાઓને ખતમ કરી નાખે છે અને ઇઝરાયલના ધ્વજ સાથેની ટૅન્કને ઊથલાવી નાખે છે. તેની ચાલક ટુકડીના સભ્યોને પકડીને કેદી તરીકે ખેંચી જાય છે તેમજ ઇમારતો પર હુમલો કરે છે.
આ વીડિયો અને ઘટનાના સાક્ષીઓનાં નિવેદન પરથી એવું સમજાય છે કે બન્ને યુક્તિઓનો ઉપયોગ સાતમી ઑક્ટોબરે સૈનિકોને પકડવા તથા નાગરિકોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. એ ઘટનામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને અંદાજે 30 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
જગતને જાણ કરી

ઇમેજ સ્રોત, TELEGRAM
બીજી સ્ટ્રૉંગ પિલર ડ્રિલ લગભગ એક વર્ષ પછી યોજવામાં આવી હતી.
હમાસની અધિકૃત સશસ્ત્ર પાંખ ઈઝેદિન અલ-કાસમ બ્રિગેડ્સના કમાન્ડર અયમાન નોફાલે જણાવ્યું હતું કે 2021ની 26 ડિસેમ્બરે યોજવામાં આવેલી કવાયતનો હેતુ “પ્રતિરોધક જૂથો વચ્ચેની એકતા સુનિશ્ચિત” કરવાનો હતો.
તેમના જણાવ્યા મુજબ, આ કવાયત દુશ્મનોને કહેશે કે “ગાઝા સરહદ પરની દીવાલો અને એન્જિનિયરિંગના ઉપાયો તેમનું રક્ષણ કરી શકશે નહીં.”
હમાસના એક અન્ય નિવેદનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે “ગાઝા નજીકની વસાહતોની મુક્તિના હેતુસર સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી.” હમાસ ઇઝરાયલી સમુદાયોનો ઉલ્લેખ આ રીતે કરે છે.
આ કવાયતનું પુનરાવર્તન 2022ની 28 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. લશ્કરી થાણાની પ્રતિકૃતિ જેવી દેખાતી ઇમારતો ખતમ કરવાની અને ટૅન્કોને ઊથલાવી નાખવાની પ્રૅક્ટિસ કરતા લડવૈયાઓની પ્રચારના હેતુસરની છબિઓ આ ઘટનાને ચિહ્નિત કરવા પ્રકાશિત કરવામાં આવી હતી.
આ કવાયતના સમાચાર ઇઝરાયલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેથી દેશની વ્યાપક ગુપ્તચર એજન્સીઓએ તેના પર ચાંપતી નજર ન રાખી હોય તે માની શકાય તેવું નથી.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે (આઇડીએફ) હમાસની અગાઉની તાલીમ પ્રવૃત્તિઓમાં વિક્ષેપ સર્જવા માટે હવાઈ હુમલા કર્યા હતા. તેમણે પ્રથમ સ્ટ્રૉંગ પિલર ડ્રિલ માટેના સ્થળ પર એપ્રિલ-2023માં બૉમ્બમારો કર્યો હતો.
ગાઝા સરહદ નજીકના મહિલા સર્વેલન્સ સૈનિકોએ ભારે પ્રમાણમાં ડ્રોનસંબંધી પ્રવૃત્તિ થતી હોવાની ચેતવણી હુમલાના એક સપ્તાહ પહેલાં આપી હતી. હમાસ ઇઝરાયલની સૈનિક ચોકીઓ કબજે કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જોકે, ઇઝરાયલી મીડિયાના અહેવાલ અનુસાર, એ ચેતવણીની અવગણના કરવામાં આવી હતી.
ગાઝામાં આઇડીએફના ભૂતપૂર્વ ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અવીવીએ બીબીસીને કહ્યું હતું, “તેઓ આ કામની તાલીમ લઈ રહ્યા હોવાની ઘણી બધી ગુપ્ત માહિતી હતી. તેમના વીડિયો સાર્વજનિક હતા અને ઇઝરાયલ સાથેની કાંટાળી વાડથી સેંકડો મીટર દૂર આ બધું ચાલી રહ્યું હતું.”
તેમના જણાવ્યા મુજબ, ઇઝરાયલી સૈન્ય આ ડ્રિલ વિશે જાણતું હતું, પરંતુ “તેઓ શા માટે તાલીમ લઈ રહ્યા છે એ જાણ્યું ન હતું.”
આઇડીએફએ જણાવ્યું હતું કે 2023ની 17 ઑક્ટોબરે અમે નોફાલને ખતમ કરી નાખ્યો હતો. નોફાલ સંઘર્ષ દરમિયાન માર્યો ગયેલો હમાસનો પ્રથમ વરિષ્ઠ લશ્કરી અગ્રણી હતો.
જાહેર છતાં ગુપ્ત

ઇમેજ સ્રોત, REUTERS/IBRAHEEM ABU MUSTAFA
આ કવાયત વાસ્તવિક હોવાનું સુનિશ્ચિત કરવા માટે હમાસે ઘણા પ્રયત્નો કર્યા હતા.
2022માં લડવૈયાઓએ ઇરેઝ ક્રોસિંગથી માત્ર 2.6 કિલોમીટર દૂર બાંધવામાં આવેલી ઇઝરાયલી લશ્કરી થાણાની પ્રતિકૃતિ પર હુમલાની પ્રૅક્ટિસ કરી હતી. ગાઝા અને ઇઝરાયલ વચ્ચેના માર્ગમાંના ઇરેઝ ક્રોસિંગ પર આઇડીએફનું નિયંત્રણ છે.
આ વિસ્તાર ગાઝાની ઉત્તરે માત્ર 800 મીટર દૂર આવેલો હોવાનું બીબીસી વેરિફાઇએ ટ્રેનિંગ ફૂટેજની એરિયલ ઇમેજીસમાં જોવા મળતી ભૌગૌલિક વિશેષતાઓ સાથે સરખાવીને નિર્ધારિત કર્યું છે. નવેમ્બર, 2023 સુધી આ સાઇટ બિંગ મૅપ્સ પર જોવા મળતી હતી.
ટ્રેનિંગ કૅમ્પ ઇઝરાયલી ઑબ્ઝર્વેશન ટાવર અને એલિવેટેડ ઑબ્ઝર્વેશન બોકસની નજર હેઠળના 1.6 કિલોમીટર અંદર હતો. સલામતી બહેતર બનાવવાના હેતુસરના એલિવેટેડ ઑબ્ઝર્વેશન બોક્સના નિર્માણમાં ઇઝરાયલે કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે.
હમાસની મોક ડ્રિલ બેઝ જમીનથી ઘણી મીટર નીચે ખોદવામાં આવેલો વિસ્તાર છે. તેથી તે ઇઝરાયલની નજીકની કોઈ પણ પેટ્રોલિંગ ટુકડીની નજરે ન પડ્યો હોય તે શક્ય છે, પરંતુ વિસ્ફોટને કારણે સર્જાયેલો ધુમાડો તો ચોક્કસ દેખાયો હશે. વળી આઇડીએફ એરિયલ સર્વેલન્સના ઉપયોગ માટે વિખ્યાત છે.
હમાસે આ સાઇટનો ઉપયોગ ઇમારતોમાં ઘૂસવાની, લોકોને બંદૂકની અણીએ બંધક બનાવવાની અને તમામ સુરક્ષા અવરોધોને પાર કરવાની તાલીમ લેવા માટે કર્યો હતો.
ગાઝામાંની નવ જુદી-જુદી 14 ટ્રેનિંગ સાઇટ્સને શોધવા માટે બીબીસી વેરિફાઇએ સેટેલાઇટ ઇમેજરી સહિતની સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સહાય એજન્સીના વિતરણ કેન્દ્રથી માત્ર 1.6 કિલોમીટર દૂર આવેલી સાઇટ પર પણ તેમણે બે વખત ટ્રેનિંગ લીધી હતી. તે ડિસેમ્બર, 2022માં એજન્સી દ્વારા પ્રકાશિત સત્તાવાર વીડિયોની પશ્ચાદ્ભૂમાં જોવા મળે છે.
જમીન, સમુદ્ર ને હવા

ઇમેજ સ્રોત, TELEGRAM
કથિત જૉઈન્ટ કમિટી રૂમે તેની ટેલિગ્રામ ચેનલ પર લશ્કરી ગણવેશમાં સજ્જ તેના સૈનિકો ગાઝા વાડ ખાતેના લશ્કરી થાણાઓ પર નજર રાખતા હોવાની છબિઓ 2023ની 10 સપ્ટેમ્બરે પ્રકાશિત કરી હતી.
બે દિવસ પછી ચોથી સ્ટ્રૉંગ પિલર લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાતમી ક્ટોબર સુધીમાં, અભૂતપૂર્વ હુમલા માટે ઉપયોગમાં લેવાનારી તમામ વ્યૂહરચનાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
લડવૈયાઓને સફેદ ટોયોટા પિકઅપ ટ્રકોમાં સવારી કરતા ફિલ્માવવામાં આવ્યા હતા. એવી ટ્રકોમાં તેઓ મહિના પછી દક્ષિણ ઇઝરાયલમાં ફરતા જોવા મળ્યા હતા.
પ્રચાર વીડિયોમાં બંદૂકધારીઓને નકલી ઇમારતો અને અંદરના લક્ષ્યાંકો પર ગોળીબાર કરતા તેમજ બોટ તથા અન્ડરવૉટર ડાઇવર્સનો ઉપયોગ કરીને બીચ પર હુમલાની તાલીમ લેતા દર્શાવવામાં આવ્યા હતા. ઇઝરાયલે જણાવ્યું હતું કે તેના કિનારા પરના હમાસના બોટ લેન્ડિંગના પ્રયાસને સાતમી ક્ટોબરે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
જોકે, હમાસે સ્ટ્રૉંગ પિલર કવાયતના પ્રચારના ભાગરૂપે મોટરસાઇકલ અને પેરાગ્લાઇડર સાથેની તેની તાલીમ બાબતે કશું જાહેર કર્યું ન હતું.
સાતમી ઑક્ટોબરના હુમલાના ત્રણ દિવસ પછી હમાસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક પ્રશિક્ષણ વીડિયો દર્શાવે છે કે મોટરસાઇકલ આગળ વધી શકે એ માટે વાડ અને અવરોધને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ યુક્તિનો ઉપયોગ તેમણે દક્ષિણ ઇઝરાયલનાં સમુદાયો સુધી પહોંચવા માટે કર્યો હતો. અમે આ પ્રકારના બીજા વીડિયોને આઇડેન્ટિફાઈ કર્યા નથી.
પેરાગ્લાઇડિંગ સાધનોનો ઉપયોગ કરતા લડવૈયાઓનું ફૂટેજ પણ સાતમી ઑક્ટોબરે હુમલાની તૈયારી હતી ત્યાં સુધી પ્રકાશિત કરવામાં આવ્યું ન હતું.
હુમલાના દિવસે શેર કરવામાં આવેલા એક પ્રશિક્ષણ વીડિયોમાં બંદૂકધારીઓને દક્ષિણ ગાઝામાં રફાહની ઉત્તરે આવેલી એક ઍર સ્ટ્રિપ પરના બનાવટી કિબુત્ઝમાં ઊતરતા જોવા મળે છે.
બીબીસી વેરિફાઇએ સ્થાપિત કર્યું છે કે તેનું રેકૉર્ડિંગ 2022ની 25 ઑગસ્ટના થોડા સમય પહેલાં કરવામાં આવ્યું હતું અને તે ઇગલ સ્ક્વોડ્રન નામની કમ્પ્યૂટર ફાઇલમાં સ્ટોર કરવામાં આવ્યું હતું. હમાસ તેનો ઉપયોગ તેના ઍરિયલ ડિવિઝન માટે કરે છે. તે સૂચવે છે કે પેરાગ્લાઇડર્સની યોજના એક વર્ષથી વધુ સમયથી ચાલી રહી હતી.
આશ્ચર્યનું તત્ત્વ
આઇડીએફ કમાન્ડરોને ટાંકતાં અહેવાલો અનુસાર સાતમી ઑક્ટોબર પહેલાં ગાઝા સ્ટ્રીપમાં હમાસ પાસે લગભગ 30,000 લડવૈયાઓ હોવાનું માનવામાં આવતું હતું. હમાસ નાનાં જૂથોમાંથી વધુ લડવૈયાઓ મેળવી શકે છે, એવું પણ માનવામાં આવતું હતું.
અન્ય જૂથોનું સમર્થન ન હોય તો પણ હમાસ પેલેસ્ટાઇનનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી સશસ્ત્ર જૂથ છે. અન્ય જૂથોનો સાથ મેળવવાનો તેનો હેતુ મુખ્યત્વે, ગાઝામાં પોતાની સંખ્યા શક્ય તેટલી વધારવાનો હતો.
આઇડીએફે અગાઉ એવું અનુમાન કર્યું હતું કે સાતમી ઑક્ટોબરના હુમલામાં 1,500 લડવૈયાઓ સામેલ હતા. ટાઇમ્સ ઓફ ઈઝરાયલે આ મહિનાની શરૂઆતમાં એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે વાસ્તવમાં એ સંખ્યા 3,000ની નજીક હોવાનું આઇડીએફ હવે માને છે.
સાચી સંખ્યા ભલે ગમે તે હોય, પરંતુ તેનો અર્થ એ છે કે ગાઝામાં સશસ્ત્ર લડવૈયાઓની કુલ સંખ્યાના નાના હિસ્સાએ હુમલામાં ભાગ લીધો હતો. હુમલામાં કે સ્ટ્રૉંગ પિલર ડ્રિલમાં નાનાં જૂથોના કેટલા લડવૈયાઓએ ભાગ લીધો હતો તેની ચોક્કસ સંખ્યાની ચકાસણી કરવી શક્ય નથી.
હમાસ હુમલા માટે ક્રોસ-ફેક્શન સપૉર્ટ બનાવી રહ્યું હતું ત્યારે લેબનીઝ સેનાના ભૂતપૂર્વ બ્રિગેડિયર જનરલ અને હવે મિડલ ઇસ્ટ સેન્ટર ફૉર સ્ટડીઝ ઍન્ડ રિસર્ચમાં સલામતી વિશ્લેષક તરીકે કાર્યરત હિશામ જાબેર જણાવે છે કે અંતિમ યોજના વિશે માત્ર હમાસ જ જાણતું હતું અને “તેણે હુમલાના દિવસે અન્ય જૂથોને તેની સાથે જોડાવા કહ્યું હતું,” એવું તેઓ માને છે.
લંડનની કિંગ્ઝ કૉલેજમાં સિક્યૉરિટી સ્ટડીઝના વરિષ્ઠ વ્યાખ્યાતા એન્ડ્રિયાસ ક્રિગે બીબીસીને કહ્યું હતું, “આયોજન સેન્ટ્રલાઇઝ્ડ હતું, પરંતુ અમલ ડી-સેન્ટ્રલાઇઝ્ડ હતો. દરેક ટુકડીએ તેમને યોગ્ય લાગે તે રીતે યોજનાનો અમલ કર્યો હતો.”
તેમના જણાવ્યા મુજબ, હમાસના લોકો ઇઝરાયલની સંરક્ષણ સંબંધી નબળાઈથી આશ્ચર્યચકિત થઈ ગયા હોવાનું કહેવાય છે. આતંકવાદીઓએ ઓફલાઈન વાતચીત કરીને ઈઝરાયલની સર્વેલન્સ ટેકનૉલૉજીને થાપ આપી હતી.
યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્શના મિડલ ઇસ્ટના વિશ્લેષક હ્યુજ લોવેટે જણાવ્યું હતું કે ઇઝરાયલ સંયુક્ત તાલીમ કવાયતથી વાકેફ હશે, પરંતુ તેને પેલેસ્ટાઇનિયન પ્રદેશોમાં અર્ધલશ્કરી જૂથોની રાબેતા મુજબની કવાયત ગણીને ઇઝરાયલે ખોટો નિષ્કર્ષ કાઢ્યો હતો. તેને “મોટા હુમલાનો સંકેત ગણ્યો ન હતો.”
આ લેખમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ વિશે પૂછવામાં આવતાં ઇઝરાયલનાં સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે “હાલ અમારું ધ્યાન આતંકવાદી સંગઠન હમાસે સર્જેલા જોખમને ખતમ કરવા પર કેન્દ્રિત છે.” સંભવિત નિષ્ફળતા વિશેના સવાલો બાબતે “બાદમાં વ્યાપક વિચારણા કરવામાં આવશે.”
ઇઝરાયલ સાતમી ઑક્ટોબરના હત્યાકાંડને રોકવાની તક ચૂકી ગયું હતું કે કેમ તે નક્કી કરવામાં વર્ષો લાગશે.
તેના સૈન્ય, ગુપ્તચર સેવાઓ અને સરકાર માટેના સૂચિતાર્થોની અસર ધરતીકંપ જેવી હોઈ શકે છે.
(પૂરક માહિતીઃ પોલ બ્રાઉન, કુમાર મલ્હોત્રા અને અબ્દિરાહિમ સઈદ. વીડિયો પ્રોડક્શનઃ સોરાયા અઉર)














