ગાઝામાં ભૂખમરો: દિવસોથી ભૂખ્યાં ટળવળતાં બાળકો, પાણી માટે જમીન ખોદતા લોકો

ઇઝરાયલ ગાઝા હમાસ પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લ્યુસી વિલિયમસન
    • પદ, બીબીસી ન્યૂઝ, જેરુસલેમ

ગાઝાના અંતરિયાળ ઉત્તર વિસ્તારમાં રહેતા લોકોએ બીબીસીને કહ્યું છે કે બાળકો દિવસોથી ખોરાક વિનાનાં છે, કારણ કે મદદ માટેના કાફલાને પ્રવેશવાની પરમિટ પણ નકારી દેવામાં આવે છે. કેટલાક રહેવાસીઓએ જીવિત રહેવા માટે પશુઓના ખોરાકનો આશરો લીધો છે, પરંતુ તે અનાજનો સ્ટૉક પણ હવે ઘટી રહ્યો છે.

લોકો હવે પીવા માટેનું પાણી મેળવવા માટે જમીન ખોદવા મજબૂર થયા છે.

યુનાઇટેડ નેશન્સે કિશોરોમાં ઉત્તર ગાઝામાં કુપોષણનો વધારો થયાનું નોંધ્યું છે અને તે યુનાઇટેડ નેશન્સની નિશ્ચિત સીમા 15 ટકાને આંબવામાં છે.

યુએનની માનવસહાય એજન્સી ઑકા જણાવે છે કે, “ઉત્તર ગાઝામાં અડધાથી વધુ મદદ માટેની ઑફર નકારી દેવામાં આવી હતી અને પરવાનગી આપવામાં આવી ન હતી. ઇઝરાયલી સુરક્ષા દળો ક્યાં અને કેવી રીતે મદદ પહોંચશે તેમાં ખૂબ હસ્તક્ષેપ કરી રહ્યા છે.”

એવા અહેવાલો મળી રહ્યા છે કે ઉત્તર વિસ્તારમાં રહેતા અંદાજે ત્રણ લાખથી વધુ લોકો સુધી મદદ પહોંચી રહી નથી અને તેઓ એક ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિનો ભોગ બનવા જઈ રહ્યા છે.

ઇઝરાયલી મિલિટરી એજન્સીના પ્રવક્તાએ ગત મહિનાના અંતે કરેલી પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ગાઝામાં ભૂખમરો નથી. કૉગટ એજન્સીએ વારંવાર કહ્યું છે કે તેણે ગાઝામાં જઈ રહેલી માનવસહાયને રોકી નથી.”

ઇઝરાયલ ગાઝા હમાસ પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીએ ગાઝા સિટી અને બેત લાહિયામાં રહેતા ત્રણ લોકો સાથે વાતચીત કરી હતી તથા જબાલિયામાં સ્થાનિક પત્રકારોએ કરેલા ઇન્ટરવ્યૂ અને ફૂટેજની તપાસ કરી હતી.

બેત લાહિયામાં કામ કરતા સ્થાનિક મેડિકલ સહાયક મહમૂદ શલાબી કહે છે કે, “લોકો પ્રાણીઓને આપવામાં આવતા અનાજનો લોટ દળી રહ્યા છે, પણ હવે તો એ પણ ખૂટી રહ્યો છે. બજારમાં એ પણ મળતો નથી. ઉત્તર ગાઝા અને ગાઝા સિટીમાં એ ખાલી થઈ ગયો છે.”

તેઓ કહે છે કે પૅકેજ્ડ ફૂડ પણ ખલાસ થઈ ગયાં છે.

“નવેમ્બર મહિનામાં અમને જે સહાય મળતી હતી તેની સરખામણીએ હવે ખૂબ ઓછી માત્રામાં મળી રહી છે. લોકો અત્યારે માત્રને માત્ર ભાત ખાઈ રહ્યા છે.”

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે બીબીસીને જણાવ્યું હતું કે તેમના દ્વારા ઉત્તર વિસ્તારમાં લઈ જવાયેલા પાંચમાંથી ચાર મદદ માટેના કાફલાને ઇઝરાયલી સેનાએ જવા દીધા ન હતા. જેના કારણે ગાઝામાં બે અઠવાડિયાં સુધી મદદ પહોંચી શકી ન હતી.

દુષ્કાળનો અતિ ભયાવહ ખતરો

ઇઝરાયલ ગાઝા હમાસ પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ક્ષેત્રીય વડા મૅટ હૉલિંગવર્થે જણાવ્યું હતું કે,

"અમે જાણીએ છીએ કે ગાઝામાં દુષ્કાળનું ખૂબ જ ગંભીર જોખમ છે. જો અમે નિયમિત ધોરણે ખાદ્યસહાયની ખૂબ નોંધપાત્ર માત્રા પૂરી નહીં પાડીએ તો પરિસ્થિતિ વણસી શકે છે."

યુએન ઑફિસ ફોર ધ કૉ-ઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (ઓકા)એ જણાવ્યું હતું કે ઉત્તર ગાઝામાં જેમનો પ્રવેશ નકારી દેવામાં આવ્યો હોય તેવા મદદ માટેના મિશનની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. જાન્યુઆરીમાં 56% પ્રવેશ નકારવામાં આવ્યા હતા, જે ઑક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે 14% હતા.

તેમણે એમ પણ કહ્યું હતું કે ઇઝરાયેલી સૈન્યે આહારના જથ્થા જેવી સહાયની માત્રા પર ઘટાડો લાદ્યો હતો.

બીબીસીએ ઇઝરાયેલની સેના પાસે જવાબ માગ્યો હતો પણ તેમણે અમને કોગાટ તરફ નિર્દેશિત કર્યા. પરંતુ કોગાટે કહ્યું કે અમારા પ્રશ્નોનો જવાબ સૈન્ય જ આપશે.

બેત લાહિયામાં ચાર બાળકોનાં માતા દુહા અલ-ખાલિદીએ બે અઠવાડિયા પહેલાં બીબીસીને જણાવ્યું હતું કે તેમનાં બાળકો ત્રણ દિવસથી ભૂખ્યાં હતાં એટલે પછી તેઓ ગાઝા શહેરમાં તેમની બહેનના ઘરે છ માઈલ (9.5 કિમી) ચાલીને ખોરાકની શોધમાં આવ્યાં હતાં.

"મારી પાસે પૈસા નથી અને જો પૈસા હોય તો પણ શહેરના મુખ્ય બજારમાં કંઈ નથી."

તેમણે કહ્યું. "મારી બહેન અને તેનો પરિવાર પણ પીડાઈ રહ્યો છે. તેણે તેના ઘરમાં પાસ્તાનો છેલ્લો જથ્થો હતો તે મારી સાથે વહેંચ્યો."

તેમની બહેન વાદે કહ્યું, "અમને લાગે છે કે હવે મૃત્યુ અનિવાર્ય બની ગયું છે. અમે અમારા ઘરનો સૌથી ઉપરનો માળ ગુમાવી દીધો છે. બાકીનું ઘર તૂટી પડવાનો ડર હોવા છતાં અમે અહીં રહીએ છીએ. બે અઠવાડિયાંથી અમને બજારમાં કંઈ પણ મળ્યું નથી. અને જો થોડી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ હોય તો તે તેમની સામાન્ય કિંમત કરતાં દસ ગણી વધારે કિંમતમાં મળે છે."

દુષ્કાળના જોખમનું મૂલ્યાંકન યુએનની ઘણી એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

એવો અંદાજ છે કે ઉત્તરી વિસ્તારોમાં લગભગ ત્રીજા ભાગના રહેવાસીઓ હવે ખોરાકના અભાવનો સામનો કરી શકે છે. જોકે, આ વિસ્તાર સુધી પહોંચવા માટેનાં નિયંત્રણો ત્યાં મદદ પહોંચાડવી મુશ્કેલ બનાવે છે.

ઉત્તરના વિસ્તારોના પરિવારો પાણી પુરવઠો શોધવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

મહમૂદ સલાહ બેત લાહિયાની પરિસ્થિતિ સમજાવતા કહે છે, "અમારામાંથી ઘણા લોકો હવે ખરાબ પાણી પી રહ્યા છે. ત્યાં કોઈ પાઈપ નથી, અમારે પાણી જમીન ખોદવી પડે છે."

ઇઝરાયલ ગાઝા હમાસ પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, REUTERS

ગાઝા સિટીની ઉત્તરે જબાલિયામાં ફિલ્માવવામાં આવેલ વીડિયોમાં દેખાય છે કે રહેવાસીઓ બૉમ્બવિસ્ફોટને કારણે ચારે તરફ વિખેરાયેલા કાટમાળની વચ્ચે બેઠા છે અને ભૂગર્ભમાંથી પાણી કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

યુસૂફ અલ-આયોતી કહે છે કે, "અમને અહીં દર 15 દિવસે એક વાર પાણી મળે છે. પાણી ગંદું છે. ગંદા પાણીથી અમારાં બાળકોને સોજા આવે છે અને તેમના દાંતમાં ક્ષાર બાઝી જાય છે. તેમાં માટી છે અને પાણી પણ ખૂબ ખારું છે."

ચાર મહિનાના યુદ્ધ પછી ભૂખમરાને રોકવા માટે કરવામાં આવી રહેલા હંગામી પ્રયાસો પણ હવે નબળા પડી રહ્યા હોય તેવું દેખાય છે.

યુદ્ધ પહેલાં પ્રદેશ ખોરાક સહાય પર નિર્ભર હતો. હવે તેનો મોટા ભાગનો કૃષિઉદ્યોગ બરબાદ થઈ ગયો છે.

વ્યાપક સ્તરે થયો છે વિનાશ

ઇઝરાયલ ગાઝા હમાસ પેલેસ્ટાઇન

ઇમેજ સ્રોત, Reuters

યુએને આપેલા નવા આંકડા પ્રમાણે દર અલ-બલાહના મધ્યવર્તી વિસ્તારોમાં આવેલી અડધાથી વધુ ખેતીવાડીની જમીન નષ્ટ થઈ ચૂકી છે.

બસીમ યુનૂસ અબુ ઝાયેદની જમીનનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓ કહે છે, “એવું લાગે છે કે કોઈ ધરતીકંપ આવ્યો હોય અને પછી વેરાયેલો આ વિનાશ હોય. જ્યાં જુઓ ત્યાં વિનાશ છે. આસપાસની ઇમારતો, ખેતરો, પ્રાણીઓ બધું જ નષ્ટ થઈ ગયું છે. અમને 80-90 ટકા જેવું નુકસાન થઈ ગયું છે. આ માત્ર એક વર્ષનું નુકસાન નથી, આવનારાં ઘણાં વર્ષો સુધી અમે તેમાંથી બહાર નહીં આવી શકીએ.”

દક્ષિણમાં આવેલા રફાહ શહેરમાં પણ દસ લાખથી વધુ લોકોનું સ્થળાંતર થયું છે અને તેઓ હવે બીજી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં વસ્તી પહેલેથી જ વધારે છે.

ગાઝાનાં દક્ષિણી કેન્દ્રોમાં વ્યસ્ત બજારો અને રેસ્ટોરાંના તાજેતરના ફૂટેજ ઇઝરાયલની સેના નિયમિતપણે પ્રકાશિત કરે છે. ગાઝાના દક્ષિણી વિસ્તારોમાં મોટા ભાગના 114 સહાય મિશન ગયા મહિને પસાર થવામાં સફળ થયા હતા. પરંતુ રહેવાસીઓ અને સહાય એજન્સીઓ કહે છે કે ઘણા લોકો હજી પણ ભૂખ્યા છે. આશ્રય, સ્વચ્છતા અને તબીબી સંભાળના અભાવ સાથે જાહેર આરોગ્ય સંકટ ઊભું થઈ રહ્યું છે.

લડાઈને કારણે અમલદારશાહીને કારણે અથવા તો ચારેકોર પથરાયેલા કાટમાળને કારણે સહાય અવરોધિત થાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ગાઝામાં ઉત્તર તરફ જવા માટે રાહ જોઈ રહેલા માનવસહાયના કાફલાને નૌકાદળના ગોળીબારથી રોકવો પડ્યો હતો.

શનિવારે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુએનની એજન્સીએ ઇઝરાયલ પર દસ લાખથી વધુ ગાઝાના લોકો માટે એક મહિનાના ખોરાકને રોકવા માટે નાણાકીય પ્રતિબંધોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.

યુએનઆરડબ્લ્યુએએ જણાવ્યું હતું કે, “તુર્કીમાંથી મોકલાયેલાં 1000થી વધુ શિપિંગ કન્ટેનર એક બંદરમાં રાખી મૂકવામાં આવ્યાં હતાં. તેમણે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, કસ્ટમ વિભાગ દ્વારા સ્થાનિક કૉન્ટ્રાક્ટરને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ કોઈ પણ યુએનઆરડબલ્યુએના માલને આગળ ન જવા દે.”

ઇઝરાયલે સહાય કરતાં જૂથો પર કર નાખ્યો

ગાઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલે જવાબ આપ્યો નથી પણ ગુરુવારે કટ્ટર જમણેરી નાણામંત્રી બેલાઝેલ સ્મૉટ્રિચે યુએનઆરડબલ્યુએ માટે કસ્ટમ્સ અને અન્ય કરરાહતો રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, ઇઝરાયલ આતંકવાદી સહાયકોને કર લાભો આપશે નહીં. ઇઝરાયલે યુએનઆરડબલ્યુએ સ્ટાફ પર 7 ઑક્ટોબરના હુમલામાં ભાગ લેવાનો આરોપ પણ લગાવ્યો છે.

મેટ હૉલિંગવર્થ કહે છે, “ગાઝાના લોકોની વધતી જતી નિરાશાને કારણે ડિલિવરી કરવી પણ જટિલ છે.”

તેઓ કહે છે, "અમારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને ઉકેલવાની જરૂર છે, જેથી અમારે ભયંકર ભૂખ્યાં લોકોનાં ટોળાં સાથે અમારી રીતે વાટાઘાટ ન કરવી પડે. અન્ય લોકો સુધી અમે હજી સુધી પહોંચી શક્યા નથી,"

"આ કદાચ લાચારીનું નિમ્ન સ્તર છે. લોકોએ હવે આશા જ ગુમાવી દીધી છે."

ઇઝરાયલે રફાહ પર બૉમ્બમારો કર્યો હતો. પરંતુ ત્યાં વ્યાપકપણે જમીની આક્રમણ પહેલાં બંને તરફના નેતાઓ ગાઝામાં ફસાયેલા લોકોની પીડાને સમાપ્ત કરવાના દબાણ હેઠળ છે.