ઇન્ટરનેશનલ કોર્ટે ઇઝરાયલને ગાઝામાં નરસંહાર ગણાય એવાં કૃત્યો ન કરવાનો આદેશ આપ્યો

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે) એ ઇઝરાયલના હુમલાનો સામનો કરી રહેલા ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની દક્ષિણ આફ્રિકાની વિનંતીને સ્વીકારી નથી.

જોકે, નેધરલૅન્ડ્સના હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી કરી રહેલા 17 ન્યાયાધીશોએ કહ્યું કે ઇઝરાયલે પોતાની ક્ષમતા અનુસાર દરેક પગલાં લેવાં જોઈએ જેથી કરીને પેલેસ્ટાઇનના લોકોને મૃત્યુ, શારીરિક અને માનસિક ઈજાથી બચાવી શકાય.

કોર્ટે કહ્યું કે ઇઝરાયલે એવું એક પણ પગલું ન લેવું જોઈએ જે પેલેસ્ટાઇનની ગર્ભવતી મહિલાઓને બાળકોને જન્મ આપવામાં અવરોધરૂપ બને.

નરસંહાર પર અદાલતનો આ અંતિમ નિર્ણય નથી. એવું લાગે છે કે એ વિશે નિર્ણય લેવામાં વર્ષો લાગશે.

ઇઝરાયલ આંતરરાષ્ચટ્રીય અદાલતનાં આ નિર્ણયને લાગુ કરવા માટે બાધ્ય છે. જોકે, આ નિર્ણયોને લાગુ કરવા માટે કોઈ વ્યવસ્થિત સિસ્ટમ નથી. યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો ચાલુ છે.

ઇઝરાયલ કોર્ટ સમક્ષ દલીલ કરી શકે છે કે તે કોર્ટની માંગણીઓ પર પહેલાથી જ પગલાં લઈ રહ્યું છે કારણ કે ગાઝામાં માનવતાવાદી સહાય ઉપલબ્ધતા સુધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સાત ઑક્ટોબરની રાત્રે પેલેસ્ટાઇનના ઉગ્રવાદી જૂથ હમાસે ઇઝરાયલ પર હુમલો કરી દીધો. ઇઝરાયલ પર થયેલો આ હુમલો અભૂતપૂર્વ હતો.

ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે હમાસના હુમલામાં લગભગ 1,400 લોકોનાં મૃત્યુ થયાં હતાં. હમાસના ઉગ્રવાદી 200 કરતાં વધુ લોકોને બંધક બનાવીને લઈ ગયા હતા.

જવાબી પ્રતિક્રિયામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં કાર્યવાહી ચાલુ છે. હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયનાં આઠ જાન્યુઆરીના નિવેદન પ્રમાણે ગાઝામાં 22 હજારથી વધુ લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગનાં મહિલાઓ અને બાળકો છે.

આંતરરાષ્ટ્રીય અદાલતે શું કહ્યું?

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આંતરરાષ્ટ્રીય અદાલતે જણાવ્યું કે ઇઝરાયલે એવું એક પણ કૃત્ય ન કરવું જોઈએ જેની ગણતરી નરસંહાર તરીકે કરી શકાય. આ ઉપરાંત ઇઝરાયલની સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ઇઝરાયલી સૈન્ય પણ એવું કૃત્ય ન કરે જેને નરસંહાર ગણી શકાય.

અદાલતે સુનાવણીમાં ઇઝરાયલને કહ્યું કે ગાઝામાં નરસંહારને સમર્થન આપતાં જાહેર નિવેદનો અટકાવાં જોઈએ અને નિવેદન કરનાર લોકોને સજા આપવી જોઈએ.

આ ઉપરાંત ઇઝરાયલને કહેવામાં આવ્યું છે કે ગાઝામાં દરેક પ્રકારની માનવીય સહાય સુનિશ્ચિત કરવી જોઈએ.

ઇઝરાયલને આ સુનાવણીના એક મહિનાની અંદર આંતરરાષ્ટ્રીય અદાલતને એક રિપોર્ટ સબમિટ કરવો પડશે.

ઇઝરાયલને નરસંહારને લગતા કોઈપણ પુરાવાને નષ્ટ ન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય અદાલતનાં નિર્ણય વિશે બીબીસીનાં આંતરરાષ્ટ્રીય એડિટર જેરેમી બોવને જણાવ્યું કે આ નિર્ણય દક્ષિણ આફ્રિકાના વકીલોની જીત અને ઇઝરાયલની હાર છે.

જેરેમી બોવને ઉમેર્યું કે, “કોર્ટે ઇઝરાયલને કહ્યું નહોતું કે તમારે યુદ્ધવિરામ કરવો પડશે કારણ કે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ યોગ્ય સંજોગોમાં અને કાયદાકીય માળખામાં યુદ્ધ કાયદેસર છે અને ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, અદાલતે કહ્યું છે કે ઇઝરાયલ જે રીતે યુદ્ધનું સંચાલન કરે છે તેને પાયાથી બદલવાની જરૂર છે. ઇઝરાયલ સતત કહે છે કે તેની લડાઈ યુદ્ધના કાયદાનું સન્માન કરે છે. જોકે, ન્યાયાધીશની ટિપ્પણી સૂચવે છે કે કોર્ટ ઇઝરાયલ સાથે સંમત નથી.”

બીબીસીનાં આંતરરાષ્ટ્રીય એડિટરના મત પ્રમાણે, આ ચુકાદાથી ઇઝરાયલ રોષે ભરાશે અને દક્ષિણ આફ્રિકાના લોકો ખુશ થશે કેમકે તેમણે જે કેસ કર્યો છે તે કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યો, અને કેસ હવે આગળ વધશે.

દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયલ પર કયા-કયા આરોપો લગાવ્યા?

 નાલેદી પેન્ડોર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી નાલેદી પેન્ડોર

દક્ષિણ આફ્રિકાએ આંતરરાષ્ટ્રીય અદાલતમાં એક 84 પાનાંની અપીલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીની પ્રકૃતિ નરસંહારની છે કારણ કે તેમનો ઇરાદો ગાઝામાં વધુમાં વધુ લોકોને તબાહ કરવાનો છે.

આ અપીલમાં ઇઝરાયલ પર આરોપ લગાડવામાં આવ્યા છે કે તેમનો ઇરાદો ગાઝાના લોકોની હત્યા ઉપરાંત તેમની માનસિક અને શારીરીક સ્થિતિને નુકશાન પહોંચાડીને તેમને સામૂહીક રીતે તબાહ કરવાનો છે.

દક્ષિણ આફ્રિકાએ કરેલી અપીલ અનુસાર ઇઝરાયલના અધિકારીઓનાં નિવેદનોમાં પણ તેમના નરસંહારના ઇરાદાઓ સાફ નજરે પડે છે.

આંતરરાષ્ટ્રીય અદાલતનાં નિર્ણય પર દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી નાલેદી પેન્ડોર કહ્યું કે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ વગર કોર્ટનાં નિર્ણયનું પાલન શક્ય નથી.

કોર્ટની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું ઇચ્છતી હતી કે ચુકાદામાં યુદ્ધવિરામ શબ્દનો સમાવેશ કરવામાં આવે પરંતુ જે નિર્દેશો આપવામાં આવ્યા છે તેનાથી હું સંતુષ્ટ છું.

એક પત્રકાર દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે શું ઇઝરાયલ આદેશોનું પાલન કરશે?

તેંમણે જવાબ આપ્યો કે તેઓ ઇઝરાયલ વિશે ખરેખર આશાવાદી નથી. પરંતુ આશા છે કે ઇઝરાયલના "શક્તિશાળી મિત્રો" તેને આદેશનું પાલન કરવાની સલાહ આપશે.

દક્ષિણ આફ્રિકાની સરકારે પણ અદાલતના આદેશોનું સ્વાગત કરતું નિવેદન બહાર પાડ્યું છે અને ચુકાદાને "સીમાચિહ્નરૂપ ચુકાદો" ગણાવ્યો છે.

ઈઝરાયલે આંતરરાષ્ટ્રીય અદાલતમાં શું કહ્યું?

બેન્જામિન નેત્નયાહુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્નયાહુએ

ઇઝરાયલના કાનૂની સલાહકાર તાલ બેકરે અદાલતમાં કહ્યું કે દક્ષિણ આફ્રિકા સત્યને તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ વિશે "સત્ય કરતાં વ્યાપક કથા" રજૂ કરી રહ્યું છે.

તાલ બેકરે 12 જાન્યુઆરીના રોજ અદાલતમાં પોતાની દલીલની શરૂઆત કરતા સ્વીકાર્યું હતુ કે ગાઝાનાં સામાન્ય નાગરીકોને જે કષ્ટ સહન કરવો પડ્યો છે તે એક ત્રાસદી છે.

જોકે, તેમણ્ ઉમેર્યું કે પેલેસ્ટાઇનનું ચરમપંથી સંગઠન ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના લોકોને થઈ રહેલું નુકસાન વધારવા માંગે છે, જ્યારે ઇઝરાયલ આ નુકશાનને ઘટાડવા માંગે છે.

તાલ બેકરે કોર્ટ સમક્ષ કહ્યુ, “તે દુઃખદ છે કે દક્ષિણ આફ્રિકાએ કોર્ટ સમક્ષ અત્યંત વિકૃત તથ્ય અને કાયદાકીય ચિત્ર રજૂ કર્યું છે. આ સમગ્ર મુદ્દે ઇરાદાપૂર્વક વર્તમાન સંઘર્ષની વાસ્તવિકતાના વર્ણનનો સંદર્ભ બદલવામાં આવ્યો છે.”

આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદા પર ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યહુએ નિવેદન આપતા કહ્યું, “આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવાની સાથે-સાથે અમે અમારા દેશ અને નાગરિકોને બચાવવાના દરેક પ્રયત્નો કરીશું.”

તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ આ યુદ્ધ ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી હમાસે પકડેલો દરેક બંધક પાછો ન આવે.

પેલેસ્ટાઈનના વિદેશ મંત્રીએ શું કહ્યું?

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સનાં અહેવાલ અનુસાર, પેલેસ્ટાઇનનાં વિદેશ મંત્રી રિયાદ અલ-મલિકીએ આંતરરાષ્ટ્રીય અદાલતનાં નિર્ણયને આવકાર્યો છે.

તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું, “આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોએ હકીકતો અને કાયદાનું મૂલ્યાંકન કર્યું, માનવતા અને આંતરરાષ્ટ્રીય કાયદાની તરફેણમાં ચુકાદો આપ્યો.”