અફઘાનિસ્તાનની 'સિક્રેટ સુપરસ્ટાર' : બુરખામાં ગીતો ગાઈને તાલિબાનનો વિરોધ કરતી બહેનો

ઇમેજ સ્રોત, Last Torch
- લેેખક, કાવૂન ખામૂશ
- પદ, બીબીસી 100 વીમેન
ઑગસ્ટ, 2021માં જ્યારે દુનિયા અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પાછા ફરવાનાં દૃશ્યો જોઈ રહી હતી, ત્યારે કાબુલમાં રહેતી બે બહેનોની માફક દેશની લાખો મહિલાઓ એવું અનુભવતી હતી કે નવું શાસન તેમના પરની પકડને મજબૂત કરશે.
તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પાછળ ઊભા રહીને તમાશો નહીં જોવે. તેમણે પ્રતિકાર માટે તેમના અવાજનો ગુપ્ત રીતે ઉપયોગ શરૂ કર્યો.
પોતાની જાતને જોખમમાં મૂકીને તેમણે સોશિયલ મીડિયા પર ગીતો ગાવાનું એક આંદોલન શરૂ કર્યું, જે 'લાસ્ટ ટૉર્ચ' તરીકે ઓળખાય છે.
બે બહેનોમાંથી એકે તેમના રેકોર્ડેડ વીડિયોમાં કહ્યું હતું, “અમે ગાવાનું શરૂ કરી રહ્યા છીએ, પરંતુ તેને કારણે અમારો જીવ જઈ શકે છે.”
એ વીડિયો ઑગસ્ટ-2021માં તાલિબાને સત્તા કબજે કરી તેના થોડા દિવસોમાં રિલીઝ કરવામાં આવ્યો હતો અને ફેસબૂક તથા વૉટ્સઍપ પર ઝડપભેર વાઇરલ થયો હતો.
આ બહેનો ટૂંક સમયમાં સંગીતની દુનિયામાં એક ઘટનાની જેમ છવાઈ ગઈ. તેમણે સંગીતની પદ્ધતિસરની કોઈ તાલીમ લીધી નથી અને તેઓ તેમની ઓળખ છુપાવવા બુરખા પહેરે છે.
‘ગુપ્ત રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું’
બે બહેનો પૈકીની નાની બહેન શકાયેક (નામ બદલ્યું છે) કહે છે, “અમારી લડાઈ તાલિબાનના શાસન હેઠળ અને તાલિબાન સામે શરૂ થઈ હતી.”
“તાલિબાન સત્તા પર આવ્યા એ પહેલાં અમે ક્યારેય એક કવિતા પણ લખી નહોતી. તાલિબાને અમારી સાથે આવું કર્યું હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સત્તા પર પાછા ફર્યા પછી તાલિબાનને અફઘાનિસ્તાન માટેના તેના વિઝનને અમલમાં મૂકવામાં 20 દિવસથી ઓછો સમય લાગ્યો હતો.
તેમની પ્રાથમિકતામાં રોજિંદા જીવનમાં શરિયા (ઇસ્લામિક ધાર્મિક કાયદો)ના અમલ અને મહિલાઓનાં શિક્ષણ લેવા પર પ્રતિબંધનો સમાવેશ થતો હતો.
મહિલાઓ વિરોધ કરવા કાબુલ અને અન્ય મોટાં શહેરોની શેરીઓમાં ઊતરી હતી, પરંતુ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
શકાયેક કહે છે, “અમારા માટે એ મહિલાઓ આશાના પ્રકાશનું છેલ્લું કિરણ હતી. તેથી જ અમે તેમની સાથે અમારી લડાઈ ચાલુ રાખવાનું અને અમારી જાતને લાસ્ટ ટૉર્ચ તરીકે ઓળખાવવાનું નક્કી કર્યું હતું. અમે ક્યાંય જઈ શકીશું નહીં, એવું વિચારીને અમે ઘરમાંથી ગુપ્ત રીતે વિરોધ શરૂ કરવાનું નક્કી કર્યું હતું.”
‘હરતુંફરતું પાંજરું’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ જોડીએ ટૂંક સમયમાં જ બીજાં ગીતો રજૂ કર્યાં હતાં, જે તેમણે પહેલા ગીતની માફક બ્લુ બુરખા પહેરીને જ ગાયાં હતાં.
તેમાં એક સદ્ગત નાદિયા અંજુમનની કવિતા હતી. તેમણે એ કવિતા 1996માં તાલિબાન અફઘાનિસ્તાનમાં પ્રથમ વખત સત્તા પર આવ્યા તેના વિરોધમાં લખી હતી.
“મારું મોં ઝેરથી ભરેલું હોય ત્યારે હું મધની વાત કેવી રીતે કરી શકું?
મારું મોં ક્રૂર મુઠ્ઠીએ છૂંદી નાખ્યું છે.
ઓહ, એક દિવસ હું પાંજરું તોડી નાખીશ,
આ એકલતામાંથી મુક્ત થઈશ અને આનંદનાં ગીતો ગાઈશ.”
તાલિબાને મહિલાઓનાં શિક્ષણ લેવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી નાદિયા અંજુમન અને તેમના દોસ્તો ગોલ્ડન નીડલ નામની એક ભૂગર્ભ શાળામાં મળતાં હતાં. ત્યાં તેઓ સીવણકામ શીખતાં હોવાનો ઢોંગ કરતાં હતાં અને પુસ્તકો વાંચતાં હતાં. તેઓ પણ અફઘાનિસ્તાનમાં ચાદરી તરીકે ઓળખાતો બ્લુ બુરખો પહેરતા હતા.
બે ગાયિકા બહેનો પૈકીની મોટી મશાલ (અસલી નામ નથી) બુરખાને “હરતુંફરતું પાંજરું” ગણાવે છે.
મશાલ કહે છે, “તે એક કબ્રસ્તાન જેવું છે, જ્યાં હજારો મહિલાઓ અને છોકરીઓનાં સપનાંને દફનાવી દેવામાં આવે છે.”
શકાયેક કહે છે, “આ બુરખો એ પથ્થર જેવો છે, જે તાલિબાનોએ 25 વર્ષ પહેલાં મહિલાઓ પર ફેંક્યો હતો. સત્તા પર પાછા ફર્યા પછી તેમણે ફરીથી એવું જ કર્યું.”
“અમે તેમના પ્રતિબંધો સામે લડવા માટે, તેમણે અમારી વિરુદ્ધ જે હથિયારનો ઉપયોગ કર્યો હતો, એ જ હથિયારનો ઉપયોગ કરવા ઇચ્છતાં હતાં.”
તાલિબાનનાં નિયંત્રણ સામે પ્રતિકાર કરવાની નોખી રીત

ઇમેજ સ્રોત, Bakhter News Agency
આ બહેનોએ અત્યાર સુધીમાં સાત ગીતો રજૂ કર્યાં છે અને દરેક ગીતમાં દેશભરની મહિલાઓની લાગણીનો મજબૂત પડઘો સાંભળવા મળ્યો છે. શરૂઆતમાં તેમણે અન્ય લેખકોનાં ગીતોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ શકાયેકના કહેવા મુજબ બાદમાં તેઓ એવા બિંદુએ પહોંચ્યાં હતાં કે “કોઈ કવિતા અમારી લાગણીને અભિવ્યક્ત કરી શકતી નથી એવું લાગ્યું હતું.” તેથી તેમણે જાતે ગીતો લખવાનું શરૂ કર્યું હતું.
તેમનાં ગીતોનો કેન્દ્રીય વિચાર મહિલાઓના દૈનિક જીવન પરના ગૂંગળાવતાં નિયંત્રણો, કર્મશીલોને કારાવાસ અને માનવાધિકારોના ઉલ્લંઘનનો હોય છે.
ચાહકોએ તેમનાં ગીતો પર પોતાનાં પર્ફૉર્મન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિભાવ આપ્યો છે. કેટલાક કિસ્સામાં તેમણે બુરખા પણ પહેર્યા હતા, જ્યારે દેશની બહાર રહેતા અફઘાન સ્કૂલ સ્ટુડન્ટ્સના એક જૂથે સ્કૂલના સભાગારમાં એક સંસ્કરણ રેકર્ડ કર્યું હતું.
આ બધું તાલિબાન જે હાંસલ કરવા માગે છે તેનાથી વિપરીત છે.
તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા પછી લીધેલાં પ્રથમ પગલાં પૈકીનું એક મહિલા બાબતોનાં મંત્રાલયને બંધ કરીને તેના સ્થાને સદ્ગુણોના પ્રચાર તથા દુર્ગુણ નિવારણ મંત્રાલય શરૂ કર્યું હતું. આ મંત્રાલયે મહિલાઓને બુરખા પહેરવાની ફરજ પાડી છે એટલું જ નહીં, પરંતુ ઇસ્લામના મૂળને નષ્ટ કરવા બદલ સંગીતની નિંદા પણ કરી છે.
આ મંત્રાલયના એક પ્રચાર વીડિયોમાં જોવા મળેલા એક અધિકારી સવાબગુલે કહ્યું હતું, “સંગીત ગાવું અને સાંભળવું ખૂબ જ નુકસાનકારક છે. તે લોકોને અલ્લાહની બંદગીથી વિચલિત કરે છે. દરેક વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ.”
એ પછી ટૂંક સમયમાં તાલિબાનના કાર્યકરો દ્વારા સંગીતનાં સાધનો સળગાવવાનાં અને ધરપકડ કરાયેલા સંગીતકારોની પરેડના સંખ્યાબંધ વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર મળે છે ધમકી

શકાયેક અને મશાલે અફઘાનિસ્તાનમાંના પોતાના ઘરમાંથી ગીતો રિલીઝ કરવાનું ચાલુ રાખીને મોટું જોખમ વહોર્યું હતું.
શકાયેકના જણાવ્યા મુજબ, તાલિબાન તેમને ઓળખી કાઢશે એ ભયે તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
મશાલ કહે છે, “અમે સોશિયલ મીડિયા પર તેમની ધમકીઓ જોઈ છે. તેઓ ધમકી આપે છે કે એકવાર અમે તમને શોધી કાઢીશું પછી તમારી જીભને ગળામાંથી કેવી રીતે કાઢી લેવી એ અમે જાણીએ છીએ.”
“અમારાં માતાપિતા આવી કૉમેન્ટ્સ વાંચે છે, ત્યારે ડરી જાય છે. તેઓ કહે છે કે કદાચ આટલું પૂરતું છે અને અમારી અટકી જવું જોઈએ, પરંતુ અમે તેમને કહીએ છીએ કે અમે એવું કરી શકીએ નહીં, આવી રીતે જીવવાનું પાલવે નહીં.”
આ બહેનોએ પોતાની સલામતી માટે ગયા વર્ષે અફઘાનિસ્તાન છોડી દીધું હતું, પરંતુ તેઓ ટૂંક સમયમાં સ્વદેશ પાછા ફરવાની આશા રાખે છે.
હાલ કૅનેડામાં રહેતા અફઘાનિસ્તાનનાં પ્રોફેશનલ રેપર સોનીતા અલીઝાદા એવાં લોકો પૈકીનાં એક છે, જેમણે વિદેશમાંથી લાસ્ટ ટૉર્ચના વીડિયોઝની પ્રશંસા કરી છે.
સોનીતા કહે છે, “મેં બે મહિલાઓને બુરખા પહેરીને ગાતી જોઈ ત્યારે હું ખરેખર રડી પડી હતી.”
તાલિબાને અફઘાનિસ્તાનમાં પ્રથમવાર સત્તા કબજે કરી ત્યારે એટલે કે 1996માં સોનીતાનો જન્મ થયો હતો અને તેઓ બાળવયનાં હતાં ત્યારે તેમનો પરિવાર ઈરાન ભાગી ગયો હતો. ત્યાં તેમના માતાએ તેમને બળજબરીથી પરણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોનીતાએ સંગીત મારફત પોતાનો માર્ગ શોધી કાઢ્યો હતો. લાસ્ટ ટૉર્ચની બે બહેનોની માફક સોનીતા પણ તાલિબાનનો વિરોધ કરતી મહિલાઓને આશાની નિશાની માને છે.
‘બંને બહેનો ક્રાંતિ ઉદ્દીપક બનશે’

બે બહેનોના એક ગીતમાં વિરોધીઓનો સીધો ઉલ્લેખ છે.
“તમારી લડાઈ સુંદર છે, તમારી સ્ત્રી ચીસો.
તમે બારીમાંની મારી તૂટેલી તસવીર છો.”
સોનીતા કહે છે, “અફઘાનિસ્તાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે, કારણ કે અમે દાયકાઓથી પ્રગતિ કરી નથી, પરંતુ અંધકારમાં હજુ પણ પ્રકાશનો દીપક ટમટમી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે લોકો તેમની પોતાની પ્રતિભા વડે લડી રહ્યા છે.”
બીબીસીએ અફઘાનિસ્તાનનાં સૌથી વિખ્યાત ગાયિકાઓ પૈકીનાં એક ફરિદા માહવાશને પણ બે બહેનોનું એક ગીત દેખાડ્યું હતું. હાલમાં નિવૃત્તિ લેતા પહેલાં તેમની કારકિર્દી 50થી વધુ વર્ષની છે.
તેમણે કહ્યું હતું, “બન્ને ગાયિકાઓ બેમાંથી ચાર અને પછી દસ તથા ત્યાર બાદ 1,000 થશે. એક દિવસ તેઓ મંચ પર જશે તો હું લાકડીના ટેકે ચાલતી હોઈશ તો પણ તેમની સાથે ચાલીશ.”
કાબુલમાં છેલ્લા એક વર્ષથી વિરોધ પ્રદર્શનો સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલાઓ દ્વારા રેલી યોજવા પર અધિકારીઓએ પ્રતિબંધ લાદ્યો છે અને પ્રતિબંધનું ઉલ્લંઘન કરતા લોકોની ધરપકડ કરવામાં આવે છે.
બે બહેનોના નવીનતમ ગીતો પૈકીનું એક એવી મહિલા કાર્યકર વિશેનું છે, જેમને તાલિબાને કેદ કર્યાં હતાં અને હ્યુમન રાઇટ્સ વૉચે જેને “અપમાનજનક પરિસ્થિતિ” ગણાવી હતી એમાં રાખ્યાં હતાં.
“સ્ત્રીના અવાજના તરંગોએ
જેલનાં તાળા અને સાંકળોને તોડી નાખ્યાં છે.
અમારા લોહીથી ભરેલી આ કલમ
તમારી તલવારો અને તીરોને તોડી નાખશે.”
શકાયેક કહે છે, “આ કવિતાઓ અમારા હૃદયમાં રહેલી પીડા અને દુઃખનો માત્ર એક નાનો હિસ્સો છે. તાલિબાનના શાસન હેઠળનાં વર્ષોમાં અફઘાનિસ્તાનના લોકોએ જે દુઃખ સહન કર્યું છે તે કોઈ કવિતામાં વર્ણવી શકાતું નથી.”
સંયુક્ત રાષ્ટ્રસંઘનું કહેવું છે કે તાલિબાન તેની વર્તમાન નીતિઓનો અમલ ચાલુ રાખશે તો તે જાતિગત રંગભેદ માટે જવાબદાર ગણાશે. તેના જવાબમાં તાલિબાને જણાવ્યું હતું કે અમે શરિયાનો અમલ કરી રહ્યા છીએ અને દેશની આંતરિક બાબતોમાં તે બહારની દખલગીરી સ્વીકારશે નહીં.
શકાયેક અને મશાલ તેમનાં આગામી ગીતો પર કામ કરી રહ્યાં છે. તેઓ અફઘાનિસ્તાનમાં મહિલાઓની આઝાદી તથા શિક્ષણ તેમજ કામ કરવાના અધિકારની લડાઈમાં તેમના અવાજનો પડધો પડવાની આશા રાખે છે.
“અમારા અવાજને દબાવી શકાશે નહીં. અમે થાક્યાં નથી. આ તો અમારી લડાઈની શરૂઆત જ છે.”
(બહેનોના નામ તેમની સલામતી માટે બદલવામાં આવ્યાં છે)















