લગ્ન વિના સાથે રહેવાના 'લિવ-ઇન' સંબંધમાં લગ્ન જેવી સુરક્ષા મળે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં જ લિવ-ઇન રિલેશનશિપના એક મામલામાં ટિપ્પણી કરતા કહ્યું છે કે લગ્નસંસ્થાઓ કે જે સુરક્ષા, સામાજિક સ્વીકાર્યતા, પ્રગતિ અને સ્થાયિત્વ એક વ્યક્તિને આપી શકે છે એ લિવ-ઇન રિલેશનશિપ ક્યારેય આપી શકતી નથી.
લિવ-ઇન રિલેશનશિપ એટલે કે લગ્ન વગર જ એક છોકરો અને છોકરી સાથે રહે જેની સામે ભારતીય સમાજમાં હંમેશાં સવાલો ઉઠતા રહ્યા છે.
જ્યાં એકબાજુ તેના પક્ષધરો તેને બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અને પ્રાઇવસી સાથે જોડે છે તો બીજી બાજુ તેનો વિરોધ કરનારા લોકો તેને સામાજિક મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને તેને ખરાબ બાબત ગણાવે છે.
સમાજ આ પ્રકારના સંબંધોમાં રહેતી મહિલાઓને એક અલગ ચશ્માથી જુએ છે, જ્યાં સમાજમાં તેને નૈતિકતાને આધારે પણ પરખવામાં આવે છે.
જોકે, લિવ-ઇન રિલેશનશિપને બાબતે સંસદે કોઈ કાયદો બનાવેલ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના ચુકાદાઓથી આ પ્રકારના સંબંધો પર તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે.
પરંતુ આ મામલે વિભિન્ન અદાલતોનાં અલગ-અલગ વલણ જોવા મળ્યાં છે.

અલ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આવા એક કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું કે આ દેશમાં લગ્નસંસ્થાને નષ્ટ કરવા માટે એક "વ્યવસ્થિત ડિઝાઇન" છે. અમુક ફિલ્મો અને ટીવી સિરિયલો સમાજને અસ્થિર કરવા અને દેશની પ્રગતિને અવરોધવા માટે દેખાડવામાં આવી રહી છે. તેઓ લગ્ન જેવી સંસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે.
કોર્ટે કહ્યું કે વિવાહિત સંબંધોમાં પાર્ટનર સાથે બેવફાઈ અને ફ્રી લિવ-ઇન રિલેશનશિપને પ્રગતિશીલ સમાજ તરીકે દર્શાવવામાં આવે છે અને યુવાનો તેના તરફ આકર્ષાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટે કહ્યું કે, "લિવ-ઇન સંબંધો ત્યારે જ સામાન્ય માનવામાં આવશે જ્યારે આ દેશમાં લગ્નસંસ્થાઓ નકામી બની જશે. ઘણા વિકસિત દેશોમાં લગ્નસંસ્થાઓને સાચવવી એ એક મોટી સમસ્યા બની ગઈ છે."
કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિના પરિવારમાં સૌહાર્દપૂર્ણ સંબંધો ન હોય તો તે દેશની પ્રગતિમાં યોગદાન આપી શકે નહીં.
કોર્ટે એમ પણ કહ્યું કે કોઈ દેશની સામાજિક, રાજકીય અને આર્થિક સ્થિરતા તે દેશના મધ્યમ વર્ગ અને તેની નૈતિકતા પર નિર્ભર હોય છે.

પણ કોર્ટે આ ટિપ્પણી કેમ કરી?

ઇમેજ સ્રોત, RANJANA KUMARI/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાસ્તવમાં એક મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી.
મહિલાએ કોર્ટમાં પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે આરોપીએ પહેલા તેની સાથે મિત્રતા કરી અને જ્યારે તે એક વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં હતી ત્યારે તેણે લગ્નનું ખોટું વચન આપ્યું અને તેની સાથે બળાત્કાર કર્યો.
આ મહિલાએ અરજીમાં એમ પણ કહ્યું હતું કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેને ગર્ભપાત માટે દવા આપવામાં આવી હતી. આ પછી જ્યારે અરજદારે આરોપી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો તેણે ના પાડી દીધી.
કોર્ટમાં આવેલા આ કેસમાં આરોપીને જામીન મળી ગયા હતા પરંતુ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપ વિશે પોતાનો મત રજૂ કર્યો હતો.
કોર્ટે કહ્યું, "ઉપર-ઉપરથી લિવ-ઇન રિલેશનશિપ ખૂબ જ આકર્ષક લાગે છે અને તે યુવાનોને આકર્ષે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે અને તેઓ મધ્યમ વર્ગના સામાજિક નૈતિકતાના નિયમોનો સામનો કરવા લાગે છે. આવા યુગલોને પછીથી એવું લાગવા માંડે છે કે તેમના સંબંધોની સામાજિક સ્વીકૃતિ થઈ શક્તિ નથી એટલે તેઓ સામાન્ય સામાજિક જીવન જીવી શકતા નથી.”
કોર્ટે કહ્યું કે બ્રેકઅપ પછી મહિલા માટે સમાજનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. મધ્યમવર્ગીય સમાજ આ સ્ત્રીને તેના સંબંધથી અલગ થયેલી સ્ત્રી તરીકે જોતો નથી.
ન્યાયાધીશ સિદ્ધાર્થે કહ્યું, "સામાજિક બહિષ્કારથી લઈને અભદ્ર ટિપ્પણીઓ લિવ-ઇન રિલેશનશિપ પછી મહિલાના જીવનનો એક ભાગ બની જાય છે. પછી તેઓ કોઈ ને કોઈ રીતે આ લિવ-ઇન રિલેશનશિપને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે કે જેથી તેમને સામાજિક સ્વીકૃતિ મળે."

લિવ-ઇન રિલેશનશિપ પર લોકોના મત

કોર્ટનું કહેવું હતું કે પુરુષને બીજી મહિલા લિવ-ઇન-પાર્ટનર કે પત્ની શોધવામાં કોઈ તકલીફ થતી નથી પરંતુ મહિલાને લગ્ન માટે પુરુષ પાર્ટનર શોધવામાં મુશ્કેલી પડે છે.
જોકે, જાણકારો કહે છે કે લિવ-ઇન રિલેશનશિપ સદીઓથી સમાજનો એક ભાગ રહ્યું છે અને આવા સંબંધોને સમાજમાં સ્વીકાર્યતા પણ મળી છે.
સેન્ટર ફોર સૉશિયલ રિસર્ચના ડાયરેક્ટર અને મહિલા સંગઠનો સાથે જોડાયેલાં રંજના કુમારીનું કહેવું છે કે કોર્ટની આવી ટિપ્પણીઓ લિવ-ઇન રિલેશનશિપની વિરુદ્ધ છે અને મહિલાઓ સાથે અન્યાય છે.
રંજના કુમારી આ અંગે વિગતવાર જણાવે છે અને કહે છે કે ભારતીય સમાજમાં આ ખાસ પ્રકારની માનસિકતા હજુ પણ યથાવત છે જેમાં લગ્નને સામાજિક અને પારિવારિક માન્યતા આપવામાં આવે છે. અને એવી માન્યતા પણ છે કે સ્ત્રીને ગમે તેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે, તે લગ્ન જળવાઈ રહે તેવો પ્રયાસ કરશે.
તેમના મતે, "લિવ-ઇન રિલેશનશિપમાં સ્ત્રીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે, તે પોતાની શરતો પર મુક્તપણે જીવી શકે છે. પરંતુ લગ્નમાં તમે તેનો સ્વીકાર કરો છો પરંતુ તેનું શોષણ પણ કરતા રહો છો.”
તે જ સમયે, નિષ્ણાતો એમ પણ કહે છે કે સમાજને આ સ્વીકારવામાં સમય લાગશે કે જ્યાં સ્ત્રીનો નિર્ણય, વ્યક્તિત્વ અને સ્વતંત્રતા દેખાય. કારણ કે ભારતીય સમાજમાં લગ્ન જીવનમાં સ્ત્રીને દબાવીને રાખવી એ સામાન્ય માનવામાં આવે છે.
ભારતીય બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે જેમાં સ્વતંત્રતા, જીવન જીવવાનો અધિકાર અને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર સામેલ છે. તો પછી સ્ત્રીને તેના અધિકારોથી કેવી રીતે વંચિત રાખી શકાય?
છેલ્લા આઠ વર્ષથી પૂણેમાં ‘રાઈટ ટુ લવ’ અભિયાન ચલાવી રહેલા કે. અભિજીતના કહેવા પ્રમાણે, "જો કોઈ મહિલા લગ્ન પહેલા છોકરા સાથે રહેવા માંગતી હોય અને તેના પછી તે જ પાર્ટનર સાથે લગ્ન કરવા માંગતી હોય તો એ તે તેની મરજી છે. જો તે ઇચ્છે તો આવા સંબંધમાંથી બહાર પણ નીકળી શકે છે અથવા તે સંબંધને આગળ લઈ જઈ શકે છે.

લિવ-ઇન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો

ઇમેજ સ્રોત, ANI
ગત વર્ષે શ્રદ્ધા વાલકર અને આફતાબના મામલામાં આખો દેશ ચોંકી ગયો હતો અને લિવ-ઇન રિલેશનશિપની ચર્ચા શરૂ થઈ હતી.
જો કે આ અંગે કે. અભિજીતનું કહેવું છે કે એ કહેવું ખોટું હશે કે મહિલાને લગ્નમાં જે સુરક્ષા મળે છે તે લિવ-ઇન રિલેશનશિપમાં નથી મળી શકતી.
તેઓ કહે છે, “વિવાહિત સંબંધમાં જે થઈ શકે છે તે લિવ-ઇન રિલેશનશિપમાં પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં એ કહેવું ખોટું હશે કે લગ્નમાં વધુ સુરક્ષા છે કારણ કે તે અંતે જે-તે વ્યક્તિ પર નિર્ભર છે.
વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે મહિલાઓને ઘરેલુ હિંસાથી બચાવવા માટે PWDV ઍક્ટ 2005 હેઠળ જ લિવ-ઇન રિલેશનશિપની વાત કરી હતી.
તેની કલમ 2-ઍફ ઘરેલું સંબંધોને વ્યાખ્યાયિત કરે છે.
મહિલાઓના મુદ્દાઓ પર બોલતા વકીલ સોનાલી કડવાસરા કહે છે, "ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ કાયદેસર છે અને 2005ના કાયદા પ્રમાણે એવા સંબંધો કે જેની પ્રકૃતિ લગ્ન જેવા સંબંધોની હોય, જેમાં થોડું સ્થાયિત્વ હોય એવા સંબંધોમાં મહિલાઓને એ અધિકારો આપવામાં આવ્યા છે જે એક લગ્ન થઈ ગયા હોય એ મહિલાને મળે છે.”
તેમના કહેવા પ્રમાણે, "જો લિવ-ઇન રિલેશનશિપમાં આવી મહિલાઓની કોઈપણ પ્રકારની શારીરિક, માનસિક કે આર્થિક સતામણી થઈ રહી હોય તો મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ પણ કરી શકે છે. બીજી તરફ, જો તેને એવું લાગે છે કે તેના કોઈ ફોટા કે વીડિયો લીક થઈ શકે છે તો તેઓ આઈટી ઍક્ટ હેઠળ તેની ફરિયાદ પણ કરી શકે છે."
એક સ્વૈચ્છિક સંસ્થા ‘ધનક’ના સ્થાપક આસિફ ઈકબાલનું કહેવું છે કે આવી ટિપ્પણીઓ કરવી એ એક પ્રકારનું દબાણ દર્શાવે છે.
વિશ્વ હિંદુ પરિષદના નેતા વિનોદ બંસલનું કહેવું છે કે તેઓ લિવ-ઇન રિલેશનશિપની વિરુદ્ધ નથી.
તેઓ કહે છે, “લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓને લગ્નમાં જે અધિકાર મળે છે તેવો અધિકાર નથી મળતો. સાથે જ એ પણ સમજવું જરૂરી છે કે આવા સંબંધ ક્યાં સુધી આગળ વધશે અને આ સંબંધને લગ્ન તરીકે ગણી શકાય કે નહીં. કારણ કે કાયદામાં લગ્નની પણ અલગથી વ્યાખ્યા કરવામાં આવી છે.
નિષ્ણાતો માને છે કે લિવ-ઇન રિલેશનશિપને લઈને સમાજ બે જૂથોમાં વહેંચાયેલો છે જ્યાં બંને પક્ષોના પોત-પોતાના મંતવ્યો અને દલીલો છે. પરંતુ સમાજનું જ એક સત્ય એ પણ છે કે આવા સંબંધોમાં રહેતા યુવાનો હજુ પણ તેમના વિશે ખુલીને વાત કરતા નથી. તેઓ હજુ પણ ખચકાટ અનુભવે છે.














