આ યુવાન યુગલો નથી ઇચ્છતાં બાળકો, કેમ વધી રહ્યું છે 'ચાઇલ્ડ-ફ્રી' રહેવાનું ચલણ?

ચાઇલ્ડ ફ્રી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આદર્શ રાઠોડ
    • પદ, બીબીસી હિન્દી માટે

"મેં એને કહ્યું, જો, હું બાળકો નથી ઇચ્છતો. હું નહીં ચાહું કે તું તારી ઇચ્છાઓ દબાવે અથવા પછીથી મારી ઉપર કોઇ પણ દબાણ કરવામાં આવે."

નોઇડામાં એક સમાચાર ચેનલમાં કામ કરતા નિશાંત (નામ બદલ્યું છે) કબૂલે છે કે આ વાત તેમણે શ્વેતાને (નામ બદલ્યું છે) પ્રપોઝ કરતાં કરી હતી.

આ પહેલાં પાછલી રિલેશનશિપમાં જ્યારે નિશાંતે પોતાનાં ગર્લફ્રેંડને કહ્યું કે તેઓ લગ્ન કરવા તો ઇચ્છે છે પણ બાળકો નથી ઇચ્છતા.

નિશાંતને ડર હતો કે આ વખતે પણ એવું કંઈક જ થશે. પણ તેમના માટે જ્યારે શ્વેતાએ પણ કહ્યું કે "તેઓ પણ બાળકો નથી ઇચ્છતાં", તો એ નિશાંત માટે સુખદ આશ્ચર્ય હતું.

આજે બન્નેનાં લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે અને તેઓ બાળકો વગર એટલે કે "ચાઇલ્ડ-ફ્રી" રહીને હસી-ખુશીથી જીવી રહ્યાં છે.

ગ્રે લાઇન

ચાઇલ્ડ-લેસ અને ચાઇલ્ડ-ફ્રી વચ્ચેનો તફાવત

ચાઇલ્ડ-ફ્રી એ પુખ્ત છે જે પોતાની મરજીથી નક્કી કરે છે કે તેઓ બાળકો નથી ઇચ્છતાં

ઇમેજ સ્રોત, THE CHILDFREE CONNECTION

ઇમેજ કૅપ્શન, ચાઇલ્ડ-ફ્રી એ પુખ્ત છે જે પોતાની મરજીથી નક્કી કરે છે કે તેઓ બાળકો નથી ઇચ્છતાં

જે પુખ્ત વયનાં યુગલોને હજી બાળકો નથી પણ આગળ ચાલીને બાળકો પેદા કરવાં ઇચ્છે છે કે પછી જે ઇચ્છીને પણ બાળકો પેદા નથી કરી શકતાં તેમને ચાઇલ્ડ-લૅસ કહેવાય છે.

ઘણી વખત લોકો તબીબી સમસ્યાના કારણે બાળકોને જન્મ આપી શક્તા નથી. તેવી જ રીતે જીવનસાથી ન મળવા અથવા લગ્ન ન કરવા જેવાં સામાજિક કારણોને લીધે વ્યક્તિ નિ:સંતાન હોઈ શકે છે.

આનાથી વિપરીત, ચાઇલ્ડ-ફ્રી એ પુખ્ત છે જે પોતાની મરજીથી નક્કી કરે છે કે તેઓ બાળકો નથી ઇચ્છતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાદા શબ્દોમાં કહીએ તો, જેઓ પોતાની મરજીથી બાળકો ઇચ્છતા નથી તેઓને ચાઇલ્ડ-ફ્રી કહેવાશે અને જેમને કોઈ કારણસર સંતાન ન હોય તેઓને ચાઇલ્ડ-લેસ કહેવાશે.

‘ચાઇલ્ડ-ફ્રી' શબ્દનો ઉપયોગ 1900ના દાયકાના પ્રારંભથી થઈ રહ્યો છે, પરંતુ 1970ના દાયકામાં આ વલણે વેગ પકડ્યો હતો.

નારીવાદીઓએ તેનો ઉપયોગ મહિલાઓના જૂથને અલગ પાડવા માટે કર્યો જેઓ સ્વેચ્છાથી ચાઇલ્ડ-લેસ હતા.

નારીવાદીઓએ તેનો ઉપયોગ મહિલાઓના એ જૂથને અલગ પાડવા માટે કર્યો જેમને સ્વેચ્છાથી બાળકો નહોતા જોઈતા.

'ચાઇલ્ડ'ની આગળ 'ફ્રી' શબ્દ મૂકવામાં આવ્યો જેથી તેમને સ્વતંત્રતાનો અનુભવ થાય અને એવું ન લાગે કે બાળકોને જન્મ ન આપીને તેમણે કોઈ જવાબદારી પૂરી કરી નથી.

એલિઝાબેથ હિન્ટ્ઝ અમેરિકાની ક્નેક્ટિકટ યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર છે અને તેમણે ચાઇલ્ડ-ફ્રી વિષય ઉપર ઘણું સંશોધન કર્યું છે.

તેઓ કહે છે કે મોટા ભાગનાં સંશોધનમાં, ચાઇલ્ડ-લૅસ અને ચાઇલ્ડ-ફ્રી બંનેને સમાન શ્રેણીમાં મૂકવાને કારણે તુલનાત્મક ડેટા એકત્ર કરવામાં સમસ્યા આવે છે. તેમ છતાં, સોશિયલ મીડિયાના આ યુગમાં, ચાઇલ્ડ-ફ્રી હોવાની ઓળખ ઝડપથી વધી છે કારણ કે જેમણે બાળકો ન રાખવાનો નિર્ણય લીધો છે તેઓ ખુલ્લેઆમ આગળ આવી રહ્યા છે.

સંશોધન એ પણ સૂચવે છે કે જે પશ્ચિમી દેશોમાં સ્વેચ્છાએ બાળકો ન પેદા કરવા માગતા હોય તેવા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

પ્યુ રિસર્ચ સેન્ટરે અમેરિકામાં વર્ષ 2021માં એક સંશોધન કર્યું હતું. આમાં બાળકો વિનાના 18 થી 49 વર્ષના લોકોનું કેહવું છે કે એમને નથી લાગતું કે તેઓ ભવિષ્યમાં બાળકો પેદા કરશે. આવું કહેનારા લોકોની સંખ્યા 2018ના સંશોધનમાં 37 ટકા હતી.

તેમાંથી કેટલાકે આરોગ્ય સંબંધિત કારણો ગણાવ્યાં તો કેટલાકે કહ્યું કે તેઓ બાળકને એકલાં ઉછેરવા નથી માગતા. પરંતુ અડધાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેઓ બાળકો પેદા કરવાં જ નથી માગતા.

એ જ રીતે, ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં, યૂગાઁવએ 2020 માં સંશોધન હાથ ધર્યું હતું, જેમાં જાણવા મળ્યું કે 35 થી 44 વર્ષની વયના લોકો જેમને બાળકો નથી, એમાંથી અડધાથી વધુ લોકો ભવિષ્યમાં પણ બાળકો નથી ઇચ્છતા.

સંશોધન સૂચવે છે કે જે પશ્ચિમી દેશોમાં સ્વેચ્છાએ બાળકો ન જોઇતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધન સૂચવે છે કે જે પશ્ચિમી દેશોમાં સ્વેચ્છાએ બાળકો ન જોઇતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે
ગ્રે લાઇન

આનાં કારણો શું છે ?

મનોવૈજ્ઞાનિક ડૉ. પૂજા શિવમ જેટલી જણાવે છે કે સંતાન ન કરવાનો નિર્ણય લેવા પાછળ ઘણા કારણો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનોવૈજ્ઞાનિક ડૉ. પૂજા શિવમ જેટલી જણાવે છે કે સંતાન ન કરવાનો નિર્ણય લેવા પાછળ ઘણાં કારણો છે

ચાઇલ્ડ-ફ્રી શ્રેણીમાં કેટલાક લોકો એવા છે કે જેઓ હંમેશાથી બાળકો નહોતા ઇચ્છતા, જ્યારે કેટલાક એવા પણ છે કે જેઓ પછીથી બાળકો ન કરવાનો નિર્ણય કરે છે અને તેના પર અડગ રહે છે.

કેટલાક લોકો એવા પણ છે જેમને ક્યારેક લાગે છે કે તેમને બાળકો નથી જોઈતા અને ક્યારેક લાગે છે કે તેમને જોઈએ છે.

નિશાંત અને શ્વેતા પ્રથમ શ્રેણીમાં આવે છે અને તેઓને સંતાન ન કરવાના કારણો એક જેવા જ છે.

શ્વેતા કહે છે કે, "અમે માત્ર એટલા માટે બાળકોને જન્મ ના આપી શકીએ કેમ કે બધાં એવું કરે છે. એવું નથી કે અમને બાળકો પસંદ નથી. વાત એ છે કે બાળકો વિના પણ અમારું જીવન સારું ચાલે છે અને અમને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી લાગી."

દિલ્હી સ્થિત મનોવૈજ્ઞાનિક ડૉ. પૂજા શિવમ જેટલી જણાવે છે કે સંતાન ન કરવાનો નિર્ણય લેવા પાછળ ઘણાં કારણો છે.

તે કહે છે, "કેટલાક લોકોને લાગે છે કે તેમની આર્થિક સ્થિતિ સારી નથી અથવા તેમને મિત્રો કે પરિવારનો ટેકો નથી. કેટલાક લોકો ગર્ભાવસ્થા અને પ્રસવ સાથે સંકળાયેલા જોખમો વિશે બેચેન રહે છે."

"બીજી બાજુ, કેટલાકને લાગે છે કે તેઓ ફક્ત પોતાની અને તેમના જીવનસાથીની જવાબદારી જ લઈ શકે છે. આવી સ્થિતિમાં તેઓ બાળકો માટે માનસિક રીતે તૈયાર હોતા નથી."

ડૉ. જેટલીએ બીજું કારણ આપ્યું જેના લીધે ઘણા લોકો 'ચાઇલ્ડ-ફ્રી' બનવાનું પસંદ કરી રહ્યા છે.

તે કહે છે, "આજની યુવા પેઢી માટે અંગત જીવનના અનુભવો સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માગે છે. તેઓ સ્વતંત્રતા ઇચ્છે છે."

"એક યુગલ મારી પાસે આવ્યું, જેમાં મહિલા એ નક્કી કરી શકતાં ન હતાં કે તેમને બાળકો જોઈએ છે કે નહીં, જ્યારે તેમના જીવનસાથીને બાળકો જોઈતાં નથી."

"તેમણે કહ્યું કે તેઓ દુનિયા ફરવા માગે છે પરંતુ બાળકો સાથે આવતી જવાબદારીઓ આ સ્વપ્નને મુશ્કેલ બનાવશે."

અમુક દંપતીને એવું પણ લાગ્યું કે દુનિયાના સંજોગો એવા નથી કે અહીં બીજું બાળક લાવવામાં આવે.

આવું અન્ય લોકો પણ વિચારે છે. 2021 માં પ્યુ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં, બાળકો વિનાના નવ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ વિશ્વની સ્થિતિને કારણે ભવિષ્યમાં બાળકો જન્મ આપવા માગતા નથી. પાંચ ટકા લોકોએ આ માટે ક્લાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કર્યો છે.

ગ્રે લાઇન

ચાઇલ્ડ-ફ્રી લોકોની મુશ્કેલીઓ

પાંચ ટકા લોકોએ બાળકો જન્મ ન આપવા પાછળ ક્લાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કર્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાંચ ટકા લોકોએ બાળકો જન્મ ન આપવા પાછળ ક્લાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કર્યો છે

27 વર્ષની માર્સેલા મુનોઝ 'ચાઇલ્ડ-ફ્રી મિલેનિયલ' નામથી ટિકટૉક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ હેૅન્ડલ ચલાવે છે. તેઓ એવા ઇન્ફ્લુએંસર્સમાંના એક છે જે તેમના કન્ટેન્ટ દ્વારા સમજાવે છે કે તે કેમ બાળકો નથી ઇચ્છતાં.

તેઓ કહે છે, "હું એવા લોકો સાથે ભેદભાવ કરતી નથી જેમને બાળકો છે. મારા ઘણા મિત્રોને બાળકો છે. પરંતુ મને ખુશી છે કે લોકો હવે માતા-પિતા બનતાં પહેલાં ઊંડાણપૂર્વક વિચારી રહ્યા છે."

મુનોઝ તેમના ટિકટૉક પર રમુજી લહેજામાં કન્ટેન્ટ બનાવે છે, પરંતુ ત્યાં ઘણા ગંભીર પાસાઓની ચર્ચા પણ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, તેમના કેટલાક ફૉલોઅર્સ બાળકો નથી ઇચ્છતા પરંતુ તે ડરતા હોય છે કે જો તેઓ બાળમુક્ત રહેવાનું નક્કી કરે છે, તો તેનાથી તેમની મિત્રતા તૂટી શકે છે અથવા માતાપિતા નિરાશ થઈ શકે છે.

નિશાંત અને શ્વેતા સાથે પણ આવું જ થયું. બાળકોને જન્મ ન આપવો એ સામાજિક ધારાધોરણો તોડવાવાળો નિર્ણય છે, પરંતુ તેમ છતાં તેઓ તેમની વાસ્તવિક ઓળખ જાહેર કરવા માગતા નથી.

કારણ સમજાવતા નિશાંત કહે છે, "અમે અમારા નિર્ણય પર અડગ છીએ પરંતુ વૃદ્ધ માતા-પિતાને દુઃખ પહોંચાડવા નથી માગતાં. એકવાર મેં ઘરે આ વિશે વાત કરી તો ઘણા દિવસો સુધી ટેન્શન રહ્યું."

"એટલા માટે અમે તેમને હાલમાં કહ્યું છે કે અમે હમણાં બાળકોને જન્મ નહીં આપી શકીયે, આના વિશે પછી વિચારીશું."

ગ્રે લાઇન

સમાજના નિશાના પર

કેટલાંક યુગલો બાળકો સાથે આવતી જવાબદારીઓ ઉઠાવવા માગતા નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાંક યુગલો બાળકો સાથે આવતી જવાબદારીઓ ઉઠાવવા માગતા નથી

સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ રેડિટ પર 'ગ્લોબલ ચાઇલ્ડ-ફ્રી' નામનું એક ગ્રૂપ છે જેના 1.5 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

અહીં ચાઇલ્ડ-ફ્રી લોકો તેમના અનુભવો શેર કરે છે. કેટલાક કહે છે કે તેમને માતા-પિતા, અને ત્યાં સુધી કે અજાણ્યા લોકોના ટોણા પણ સાંભળવા પડે છે.

એવું કહેવાય છે કે 'તમે તમારી કારકિર્દી પર વધુ પડતું ધ્યાન આપો છો અથવા તમે પાછળથી તમારો અભિપ્રાય બદલશો.'

ચાઇલ્ડ-ફ્રી કન્ટેન્ટ સર્જક મુનોઝને પણ તેમના કન્ટેન્ટ માટે ઑનલાઇન નફરતનો સામનો કરવો પડે છે. કેટલાક કહે છે કે તમે બાળકવિરોધી છો, સ્વાર્થી છો, તમને પસ્તાવો થશે, એકલી મરીશ, વૃદ્ધાવસ્થામાં તમારી સંભાળ કોણ રાખશે, તમે ક્યારેય સાચા પ્રેમનો આનંદ માણી શકશો નહીં, વગેરે. ધાર્મિક સંદર્ભો આપીને પણ તેઓ કોસતા હોય છે.

પ્રોફેસર એલિઝાબેથ હિન્ટ્ઝ કહે છે કે, "ચાઇલ્ડ-ફ્રી લોકોને, ખાસ કરીને મહિલાઓને બાકીના સમાજ તરફથી સખત પ્રતિક્રિયાઓ અને ટીકાઓનો સામનો કરવો પડે છે."

તે કહે છે, “બાળકોને જન્મ આપવાનો નિર્ણયો ઘણીવાર મહિલાઓ પર થોપવામાં આવે છે. માતૃત્વ અને સ્ત્રીત્વ એકબીજા સાથે ગૂંથવામાં આવ્યાં છે."

"આવી સ્થિતિમાં મહિલાઓ પર જીવનની પરંપરાઓનું પાલન કરવાનું વધુ દબાણ હોય છે. એવા દેશોમાં પણ જ્યાં લિંગ સમાનતા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે."

પરંતુ નિષ્ણાંતોને આશા છે કે આવનારા સમયમાં ચાઇલ્ડ-ફ્રી થવું એ સામાન્ય બાબત બની જશે. જ્યારે લોકો વધુ ચાઇલ્ડ-ફ્રી લોકોને મળશે, ત્યારે એવા મિથ દૂર કરવામાં મદદ થશે કે તેઓ સ્વાર્થી છે અને ફક્ત પોતાના વિશે જ વિચારે છે.

જોકે, આ બાબતમાં ક્યાં અને કેટલું પરિવર્તન આવશે તે તે સ્થળના મીડિયા પર અને ત્યાંના રાજકીય અને ધાર્મિક વાતાવરણ પર પણ નિર્ભર રહેશે.

રેડ લાઇન
રેડ લાઇન