શું પ્રેમલગ્ન પહેલાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવી જોઈએ?

ઇમેજ સ્રોત, Thinkstock
- લેેખક, સુશીલા સિંહ અને જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારથી કહ્યું છે કે પ્રેમલગ્નમાં માતા-પિતાની સહમતી લેવાનું જરૂરી બનાવવાની સરકાર સંભાવનાઓ શોધી રહી છે ત્યારથી ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું પ્રેમલગ્ન માટે માતા-પિતાની પરવાનગી લેવી જરૂરી છે કે નહીં?
આ મામલે ગુજરાતીઓ સામ-સામે છે. એક પક્ષનું કહેવું છે કે લગ્ન જેવા ‘પવિત્ર બંધન’માં બંધાતાં પહેલાં માતા-પિતાની પરવાનગી અને આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ કારણ કે તેઓ જ બાળકોનો ઉછેર કરે છે.
તો કેટલાકનો મત છે કે જો યુવક અને યુવતી પુખ્ત વયના હોય તો તેઓ પોતાનો નિર્ણય જાતે જ લઈ શકે છે.
કેટલાકનો મત એવો છે કે એવા ઘણા કેસો બન્યા છે જેમાં પ્રેમલગ્નને કારણે યુવતી કે પછી યુવકનું જીવન બરબાદ થઈ ગયું હોય તેથી આવા કેસોને રોકવા માટે માતા-પિતાની પરવાનગી જરૂરી બનાવવી જોઈએ.
જ્યાં બીજો પક્ષ એ તર્ક આપે છે કે યુવક અને યુવતી જ્યારે પુખ્ત હોય તો તેઓ પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. જીવનસાથીની પસંદગીમાં માતા-પિતાની પરવાનગીની અનિવાર્યતા ફરજિયાત નથી.
પ્રેમલગ્ન પહેલાં પરવાનગી લેવાની વાત પરની આ ચર્ચા હવે ઉગ્ર બની રહી છે. આ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.

ચર્ચા ક્યાંથી શરૂ થઈ?

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમુદાયના મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું, "બંધારણ હેઠળ રહીને સરકાર પ્રેમલગ્નમાં માતા-પિતાની સહમતીને અનિવાર્ય બનાવવાની સંભાવના પર વિચાર કરી રહી છે.”
આ સમારંભમાં તેમણે કહ્યું હતું, "અહીં આવતા પહેલાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તેમને લગ્ન માટે યુવતીઓની ભાગી જવાની ઘટનાઓનું અધ્યયન કરવાનો અનુરોધ કર્યો હતો. આ દિશામાં બંધારણ ન નડે અને પ્રેમલગ્નમાં વાલીઓની સહમતી ફરજિયાત બનાવવાની દિશામાં કંઈક થાય તે માટે પ્રયાસ કરીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પાટીદારોના સંમેલનને સંબોધતા કહ્યું કે આ મામલે સરકાર 'હકારાત્મક પરિણામ' આવે તે દિશામાં પ્રયાસ કરાશે. 'બંધારણ ન નડે તથા મા-બાપની સહમતી પણ હોય' તે માટે સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે પાટીદાર સમાજના કેટલાક નેતાઓ દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે પ્રેમલગ્ન થાય ત્યારે કોર્ટમાં મેરેજ સર્ટિફિકેટમાં વાલીની સહી ફરજિયાત બનાવવામાં આવે.
પાટીદારનું જ આ સંમેલન હતું ત્યારે મુખ્ય મંત્રીએ જે સંકેતો આપ્યા તેને કારણે ન માત્ર ચર્ચાઓ શરૂ થઈ પરંતુ વિવાદ પણ.

ભાજપનો તર્ક શો છે?

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપનાં પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત બીબીસી સાથે વાતચીતમાં જણાવે છે, "રાજ્યમાં એવું પણ જોવામાં આવી રહ્યું છે કે સ્કૂલ કે કૉલેજમાં અભ્યાસ કરનારી છોકરીઓ પૈસાદાર ખાનદાનમાંથી આવતી હોય તો કેટલાક છોકરાઓ તેનું મેપિંગ કરે છે. પછી જૂઠી ઓળખ અને જાણકારી આપીને તેની સાથે સંપર્કો વધારે છે અને લગ્ન કરે છે."
શ્રદ્ધા રાજપૂત ઉમેરે છે, "આ મામલાઓમાં અમે જોયું છે કે જે છોકરાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તેમની નજર છોકરીની સંપત્તિ પર હોય છે."
તેઓ કહે છે કે 'ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય' છે પરંતુ ગૃહ મંત્રાલય પાસે આવા મામલાની ઘણી ફરિયાદો આવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું, "આવા મામલામાં ઘણી પોલીસ ફરિયાદ પણ થઈ અને તે પૈકી કેટલાક મામલા ‘લવ જેહાદ’ના પણ છે."
શ્રદ્ધા રાજપૂતના કહેવા પ્રમાણે તેઓ ઇચ્છે છે કે છોકરીઓ ભણે અને સશક્ત બને.
"અમે નથી ઇચ્છતા કે છોકરીઓની સાથે મારપીટ થાય તેનું જબરજસ્તી ધર્માંતરણ થાય. જો અમારી દિકરીઓ સાથે આવું થઈ રહ્યું હોય તો અમે તે નહીં છવા દઈએ. અમે તેમનું પુનર્વસન કરાવીશું."
આની પહેલાં તારીખ 18 મેના રોજ ગુજરાતના મોરબીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં કહ્યું હતું, "જો કોઈ સલીમ, સુરેશ બનીને આપણી ભોળી દીકરીઓને ફસાવશે તો તેમનો ભાઈ બનીને અહીં આવ્યો છું. અને જો કોઈ સુરેશ, સલીમ બનીને પ્રેમ કરે તો તે પણ ખોટું છે."
તેમણે કહ્યું હતું કે આવી કોઈ ફરિયાદ આવશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે.
આ નિવેદન બાદ પણ રાજ્યમાં વિવાદ થયો હતો. જોકે કેટલાક લોકોએ હર્ષ સંઘવીના નિવેદનને વધાવ્યું પણ હતું.

કેટલાક પાટીદાર નેતાઓની હતી માગ

ઇમેજ સ્રોત, @purneshmodi
ઘણા વખતથી કેટલાક પાટીદાર નેતાઓ પ્રેમલગ્નની નોંધણી મામલે રજિસ્ટ્રેશનના નિયમો બદલવાની માગ કરી રહ્યા હતા.
હવે જ્યારે મુખ્ય મંત્રીએ આ મામલે ઘટતું કરવા અંગેનું નિવેદન આપ્યું છે ત્યારે પાટીદારોમાં તેને આવકાર મળી રહ્યો છે.
પાટીદાર નેતા અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલ કહે છે કે પ્રેમલગ્નમાં સામાજિક સંરચના તૂટી જાય છે કારણ કે નવા રીતિરિવાજ નિભાવવા છોકરી માટે સરળ નથી હોતા. યુવતીઓને સમાજનાં ટોણાં સહન કરવા પડે છે.
આર. પી. પટેલ કહે છે, "ગુજરાતમાં જાતિ અને ધર્મ બહાર લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. આવા મામલાઓમાં યુવતીઓ અનેક સમાધાનો કરવાં પડે છે, કેટલાક સંજોગોમાં તે ન કરવાનું કરી બેસે છે."
તેઓ કહે છે કે,"હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અંતર્ગત પુત્રીને પિતાની સંપત્તિમાં ભાગ આપવાની જોગવાઈ પ્રમાણે મળતા હિસ્સાને પચાવી પાડવાનું ષડયંત્ર શરૂ થઈ ગયું છે."

વિપક્ષનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના નેતાઓમાં આ મામલે બે ફાંટા પડી ગયા છે. કેટલાક કૉંગ્રેસ નેતાઓ ભૂપેન્દ્ર પટેલના નિવેદનનું સમર્થન કરે છે તો કેટલાક તેની ટીકા.
કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે કોઈ પણ બિનજરૂરી મુદ્દાને મુદ્દો બનાવવો ભાજપની પ્રકૃતિ છે.
તેઓ કહે છે, "કૉંગ્રેસ પાર્ટી કાયદાને માને છે અને વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે."
ભાજપની આલોચના કરતા તેઓ કહે છે, "ભાજપ પોતાને રાષ્ટ્રવાદી પાર્ટી માને છે પરંતુ તે લોકોના મનમાં પ્રેમની જગ્યાએ નફરત ભરીને અલગાવવાદની રાજનીતિ કરે છે."
"ચૂંટણી આવે છે એટલે આ પ્રકારના મુદ્દા યાદ આવે છે, હિન્દુ-મુસ્લિમને મુદ્દો બનાવીને ધ્રુવીકરણની રાજનીતિ કરે છે અને તેનો ફાયદો ઉઠાવે છે."
જોકે, પાર્ટીલાઈનથી અલગ પડીને જમાલપુર ખાડિયા બેઠકથી ચૂંટાઈ આવેલા રાજ્યના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ભૂપેન્દ્ર પટેલના નિવેદનને સમર્થન આપે છે.
ખેડાવાલાના મત પ્રમાણે જો ગુજરાત સરકાર વિધાનસભાના ચોમાસું સત્રમાં આ મામલે કોઈ બિલ લઈને આવે તો તેઓ તેનું સમર્થન કરશે. તેમના મત પ્રમાણે તેમને આ ભાજપનો લવ જેહાદનો મુદ્દો નથી લાગતો.
તેઓ ઉમેરે છે, "તેમની પાસે ઘણા વાલીઓ આવે છે અને ફરિયાદ કરે છે કે તેમની છોકરી ભાગી ગઈ."
"પછી ખબર પડે છે કે તેમણે લગ્ન કરી લીધાં. પછી કે હિન્દુ મા-બાપ હોય કે મુસ્લિમ મા-બાપ. તેઓ તેમના સંતાનોનું હિત જ જોતાં હોય છે."
"આવામાં પ્રેમલગ્નમાં માતા-પિતાની અનુમતિને બંધારણ હેઠળ ફરજિયાત બનાવવામાં આવે તો ખોટું નથી."
વાવનાં કૉંગ્રેસ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પણ ભૂપેન્દ્ર પટેલના આ નિવેદનને સમર્થન આપ્યું છે.
પાટિદાર નેતા અને હવે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ભૂપેન્દ્ર પટેલના આ નિવેદનને આવકાર્યું છે.

બંધારણમાં ફેરફાર થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી દીધું હોય કે તેઓ બંધારણ હેઠળ રહીને પ્રેમલગ્નમાં માતા-પિતાની પરવાનગી અનિવાર્ય બનાવવા અભ્યાસ કરવાની વાત કહી હોય પરંતુ શું આ બાબત શક્ય છે ખરી?
અમે આ મામલે બંધારણ અને કાયદાના નિષ્ણાતો સાથે વાત કરી.
ભારતીય કાયદા પ્રમાણે લગ્ન માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ અનિવાર્ય છે.
આ કાયદો કહે છે કે કાયદાકીય રીતે પુખ્ત યુવક-યુવતી ઇચ્છે તે ધર્મ કે જાતિના પાત્ર સાથે લગ્ન કરી શકે છે.
જો બંને પાત્રોના ધર્મ અલગ-અલગ છે તો તેઓ સ્પેશિયલ મેરેજ ઍક્ટ અંતર્ગત લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તે માટે રજિસ્ટ્રેશન કાર્યાલય બહાર 30 દિવસની નોટિસ લાગે છે જેથી કોઈકને જો વાંધો હોય તો તેઓ આવીને નોંધાવી શકે. આવા મામલામાં પણ બે સાક્ષીઓ સમક્ષ લગ્નનું રજિસ્ટ્રેશન થઈ જાય છે.
બંધારણના જાણકાર અને હૈદરાબાદની નલસર લૉ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ફૈજાન મુસ્તફા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે બંધારણ પ્રમાણે આવું ન થઈ શકે.
તેઓ વધુમાં કહે છે, "જો યુવક અને યુવતી પુખ્ત છે અને એકબીજાને પસંદ કરે છે. બંને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છે છે તો આવા મામલામાં માતા-પિતાની કોઈ ભૂમિકા નથી."
ભારતના બંધારણમાં દેશના નાગરિકને ઘણા અધિકારો આપવામાં આવ્યા છે.
- કલમ 19માં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે.
- અનુચ્છેદ 21માં વ્યક્તિગત જીવનને ગૌરવપૂર્ણ જીવવાનો અધિકાર.
કાયદાના જાણકારો કહે છે કે જો સરકાર પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવે તો આ મૂળભૂત અધિકારોનું હનન થાય છે.
કાયદાના જાણકાર રાજેન્દ્ર શુક્લ કહે છે, "તમે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકો? તમે લગ્નની બાબતમાં હસ્તક્ષેપ કરીને સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારોનો છેદ ઉડાવવા માગો છો?"
આર. પી. પટેલ આ મામલે સૂચન કરતા કહે છે, "જ્યારે લગ્નનું રજિસ્ટ્રેશન થાય ત્યારે માતા-પિતાને સાક્ષી તરીકે બોલાવવા ફરજિયાત બનાવવા જોઈએ."
"જેથી જો યુવક-યુવતી માતા-પિતાની જાણબહાર લગ્ન કરતા હોય તો તેમને સમયસર તેની જાણ થાય. યુવતીનાં માતા-પિતાને એ જાણવાનો હક છે કે તેમની દિકરીનો જીવનસાથી કોણ છે?"
તો ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગનાં વડાં સોનલ પંડ્યા કહે છે કે કાયદાની જગ્યાએ કાઉન્સેલિંગની વધુ જરૂર છે.
તેઓ કહે છે, "એક તરફ સમરસતાની વાતો થાય છે પણ જ્યાં સુધી તમે રોટી-બેટીનો વ્યવહાર નહીં કરો ત્યાં સુધી સમાજમાં સમરસતા નથી. યુવક-યુવતી માટે મેરેજ કાઉન્સેલિંગ યુનિટની જરૂર છે જે માતા-પિતા તથા અન્ય જાણકારો સાથે તેમનું કાઉન્સેલિંગ કરે. જે તેમને બાહ્ય દેખાવ કે પછી આર્થિક પરિબળને આધારે થતી પસંદગીથી અલગ લગ્નજીવન જીવનભર કેવી રીતે નિભાવી શકાય તેની સમજણ આપે."
તેઓ વધુમાં ઉમેરે છે, "માતા-પિતા હંમેશાં બાળકોનું સારું જ વિચારતા હોય છે પરંતુ તેમની મરજી ફરજિયાત ન બનાવી શકાય. માત્ર બે ટકા આંતરજ્ઞાતિય લગ્ન થતાં હોય છે તેમાં પણ અડધામાં તો માતા-પિતા માની જતાં હોય છે."
"એટલે મારા મત મુજબ કાયદા કરતા કાઉન્સેલિંગની વધારે જરૂર છે."
કેટલાક જાણકારો એમ પણ કહે છે કે આ પ્રકારના કાયદો જો લાવવો હોય તો તેના માટે બંધારણમાં ઘણા ફેરફારો કરવા પડી શકે છે જે બહુ જટીલ અને હાલ અસંભવ લાગે તેવી બાબત છે.

"રાજનીતિક મુદ્દા બનાવવાની કોશિશ"

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક જાણકાર કહે છે કે સત્તાધારી પાર્ટી આવનારી લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દા પર રાજનીતિ કરવા માગે છે.
તેમના અનુસાર, "ભાજપ આવો મુદ્દો લાવીને લોકોની ભાવનાઓ ભડકાવવા માગે છે. દેશમાં બેરોજગારી, કાયદાવ્યવસ્થાના મહત્ત્વના મુદ્દા પરથી ધ્યાન ભડકાવવા માગે છે અને યુસીસી લાવવાનો પ્રયાસ આ દિશામાં એક પગલું છે."
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે, "રાજ્ય સરકાર પ્રેમલગ્ન મામલે જે નિવેદનબાજી કરે છે કે ન વ્યવહારિક છે, ન આધુનિક જમાનામાં સંભવ છે."
તેઓ કહે છે, "પહેલાં પેટે ચાંદલા કરવાનો રિવાજ હતો. બાળપણમાં લગ્ન કરી લેવાતા હતા. હવે પ્રેમલગ્નનું ચલણ વધ્યું છે. આ કોઈ સમસ્યા નથી કે તેમાં સુધાર કરવાની જરૂર પડે."
તેમના મત પ્રમાણે આજકલના અરેન્જ્ડ મૅરેજમાં પણ યુવક-યુવતીની મંજૂરી પૂછવામાં આવે છે, માત્ર માતા-પિતાની મંજૂરી નથી ચાલતી.
તેઓ કહે છે કે આવા મુદ્દા ઉઠાવીને લોકોને ભડકાવવામાં આવે છે જેનો લાભ ઉઠાવી શકાય.
આ અગાઉ પણ જ્યારે વર્ષ 2021માં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું હતું અને જબરજસ્તી કે ગેરકાયદે ધર્માંતરણને દંડનીય અપરાધ બનાવવામાં આવ્યું હતું ત્યારે પણ વિવાદ થયો હતો.
સંશોધિત અધિનિયમમાં દોષિતોને 10 વર્ષ સુધીની સજા આપવાની જોગવાઈ હતી.
જોકે ગુજરાત હાઇકોર્ટે આ અધિનિયમની વિવાદિત જોગવાઈઓ પર રોક લગાવી હતી. ત્યારબાદ હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
હાલ આ મામલો સુપ્રીમ કોર્ટના વિચારાધીન છે.














