વિવાહિત મહિલાઓ ખરેખર ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ કરી રહી છે?

કલમ 498-એ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા કેટલાક મહિનામાં ઓછામાં ઓછા એવા સાત કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દેશની અનેક હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 498-એના દુરુપયોગ પર અફસોસ વ્યક્ત કર્યો છે.

આ કાયદો મહિલાઓને ઘરેલુ હિંસાથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે.

અદાલતોએ કરેલી ટિપ્પણીઓ પર લોકોના મિશ્ર પ્રતિભાવો મળ્યા છે.

એક તરફ અનેક ‘પુરુષ અધિકાર સમૂહો’એ કહ્યું કે આ ટિપ્પણીઓથી કાયદાના દુરુપયોગની હકીકતને સ્વીકાર્યતા મળી છે.

બીજી તરફ અનેક મહિલા વકીલો અને કાર્યકર્તાઓએ કોર્ટની આ પ્રકારની ભાષા પર અફસોસ વ્યક્ત કર્યો છે.

તેમનું કહેવું છે કે એક એવા કાયદાનું ખરાબ ચિત્રણ કરવામાં આવી રહ્યું છે જેને લાગુ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બીબીસી ગુજરાતી

અદાલતોએ શું ટિપ્પણી કરી?

અદાલતો

ઇમેજ સ્રોત, Getty Images

કોલકાતા હાઈકોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે કલમ 498-એનો દુરુપયોગ કરીને મહિલાઓએ 'કાનૂની આતંક' મચાવ્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટ પણ આ શબ્દપ્રયોગ કરી ચૂકી છે.

બૉમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે ઘણી વાર આ કેસોમાં પતિના એ તમામ સંબંધીઓ કે જેઓ તેની સાથે રહેતા પણ નથી તેમને આરોપી બનાવવામાં આવે છે. કોર્ટે પતિ અને તેના પરિવારના સભ્યો સામેનો કેસ ફગાવી દીધો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આવા ઘણા કેસોમાં અદાલતોએ નોંધ્યું છે કે આરોપો 'સામાન્ય અને બહુઅર્થી' અને 'અસ્પષ્ટ' હતા. કોલકાતા હાઈકોર્ટ સમક્ષ આવેલા કેસમાં કોર્ટે કહ્યું કે હિંસા થઈ હોવાનું સાબિત કરતા કોઈ પુરાવા મળ્યા નથી. ઉદાહરણ તરીકે પત્નીની સારવારની નોંધમાં ઈજાનો કોઈ ઉલ્લેખ નહોતો.

ઉત્તર પ્રદેશમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં પત્નીએ આરોપ લગાવ્યો હતો કે સાસરિયાંએ 50 લાખ રૂપિયાના દહેજની માગણી કરી હતી અને જ્યારે તેઓ આટલા પૈસા લાવી ન શક્યાં તો તેમના પતિ અને સાસરિયાંએ તેમને માર માર્યો અને તેમની સંમતિ વિના સેક્સ કરવા દબાણ કર્યું હતું.

જોકે, કોર્ટે કહ્યું કે આ કેસ પતિના પરિવાર સામે બદલો લેવા માટે લાવવામાં આવ્યો છે એવું પ્રતીત થાય છે, કારણ કે શારીરિક હિંસા અને દહેજની માગને લઈને પત્નીના નિવેદનમાં અનેક વિસંગતતા છે.

આ સિવાય સાસુ અને સસરા ખૂબ જ ઓછા સમય માટે દંપતી સાથે રહ્યાં હતાં. કોર્ટે સાસુ અને સસરા સામેનો કેસ ફગાવી દીધો હતો પરંતુ પતિ સામેનો કેસ ચાલુ રહ્યો હતો.

ગુજરાતના એક કેસમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓમાંથી એક પત્નીની 86 વર્ષીય સાસુ સામેની કાર્યવાહી હેરાન કરનારી હતી. તેમની સામેના આરોપો સામાન્ય પ્રકૃતિના છે અને પતિ સામેનો કેસ પહેલેથી જ ચાલી રહ્યો છે એમ કહીને કોર્ટે સાસુ સામેનો કેસ ફગાવી દીધો હતો.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઘરેલુ હિંસાના વિવાદોમાં આ કાયદો સામાજિક માળખામાં અવરોધો ઊભા કરી રહ્યો છે.

અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે 'લગ્ન સંબંધિત દરેક કેસ'ને દહેજ સંબંધિત ઉત્પીડનના આરોપો સાથે મામલો મોટો બનાવીને રજૂ કરવામાં આવે છે. ઘણા યુગલો તેના બદલે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે જે 'કોઈપણ કાનૂની જવાબદારીઓ વગર તણાવ મુક્ત સહચર્ય' છે.

કોર્ટની ટિપ્પણીમાં એમ કહેવામાં આવ્યું છે કે જો તેનો દુરુપયોગ આ રીતે ચાલુ રહેશે તો તે લગ્નસંસ્થાનો 'સંપૂર્ણપણે નાશ' કરશે.

બીબીસી ગુજરાતી

કાયદો શું કહે છે?

કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પત્નીઓ સામે ક્રૂરતા અને દહેજ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સામે આવ્યા ત્યારે ભારતીય દંડ સંહિતામાં કલમ 498-એને 1983માં સામેલ કરવામાં આવી.

આ કાયદા અનુસાર જો કોઈ પતિ કે તેના સંબંધીઓ પત્નીનું ઉત્પીડન કરે છે તો તેમને ત્રણ વર્ષની સજા થઈ શકે છે.

આ કલમ કૉગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર છે. એટલે કે જામીન પણ ન મળે અને પોલીસ કોઈ વૉરંટ વગર પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે.

આ કાયદો ન માત્ર દહેજ સંબંધિત બાબતોમાં રક્ષણ આપે છે, પરંતુ ક્રૂરતા સામે પણ રક્ષણ આપે છે.

ક્રૂરતા એટલે દહેજ માટે મહિલાને હેરાન કરવી અથવા એવી કોઈ વર્તણૂક કે જે મહિલાને માનસિક અથવા શારીરિક નુકસાન પહોંચાડે અથવા તેને આત્મહત્યા કરવા મજબૂર કરે.

પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોમાં અદાલતોએ તેના દુરુપયોગને રોકવા માટે ઘણી સૂચનાઓ આપી છે.

વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિવાહિત અથવા પારિવારિક વિવાદમાં કોઈ પણ એફઆઇઆર નોંધતા પહેલા પોલીસે પ્રાથમિક તપાસ કરવી જોઈએ.

વર્ષ 2014માં કલમ 498-એ હેઠળ ધરપકડનો મામલો એક સામે આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પોલીસે કોઈ વ્યક્તિની પોતાની રીતે ધરપકડ ન કરવી જોઈએ અને તેણે પહેલા તેને નોટિસ મોકલવી જોઈએ અને તે પછી મૅજિસ્ટ્રેટે તે વ્યક્તિની ધરપકડને મંજૂરી આપવી જોઈએ.

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે સૂચના આપી હતી કે આ કેસોની તપાસ કરવા અને સમાધાન સુધી પહોંચવા માટે દરેક જિલ્લામાં એક પરિવાર કલ્યાણ સમિતિ હોવી જોઈએ.

બીબીસી ગુજરાતી

શું કાયદાનો હકીકતમાં દુરુપયોગ થઈ રહ્યો છે?

દહેજ

ઇમેજ સ્રોત, Getty Images

પુરુષોના અધિકાર માટે કામ કરતા સમૂહોએ આ કાયદાના દુરુપયોગ અંગે હાઈકોર્ટની ટિપ્પણીને સમર્થન આપ્યું છે.

એક એનજીઓ મેન્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ અમિત લાખાણીએ જણાવ્યું હતું કે, "માત્ર એક નિવેદન પર પતિ અને તેમના પરિવારને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તેમની કારકિર્દી, આત્મવિશ્વાસ અને આજીવિકા બધું જ છીનવાઈ જાય છે."

તેમણે કહ્યું કે આમાંથી ઘણા લોકોને વર્ષો પછી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જે ન્યાયના અભાવને દર્શાવે છે.

તેમના મતે, 'જેન્ડર ન્યુટ્રલ કાયદાઓ'ની સખત જરૂર છે.

'અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંધ'ના પ્રમુખ દશરથ દેવડાના જણાવ્યા અનુસાર, "કાયદો તેની જગ્યાએ સાચો છે પરંતુ અમે જે ખોટા આરોપો લગાવવામાં આવે છે તેનો વિરોધ કરી રહ્યા છીએ."

તેઓ વધુમાં ઉમેરે છે કે કેટલાક કિસ્સાઓમાં પતિ પત્નીને હેરાન કરી શકે છે પરંતુ આખા પરિવાર સામે કેસ દાખલ કરવો એ ખોટું છે.

કલમ 498-એના દુરુપયોગ માટે જે મુખ્ય દલીલો આપવામાં આવી રહી છે તેમાંની એક મુખ્ય દલીલ એ છે કે આ કેસોમાં દોષિત ઠેરવવાનો દર ખૂબ ઓછો છે.

ઉદાહરણ તરીકે નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યુરોના 2021ના અહેવાલ મુજબ, ટ્રાયલ પછી માત્ર 17% આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હત્યાના કેસોમાં દોષિત ઠેરવવાનો દર 42% હતો.

સજાના દરને ટાંકીને ઘણા પુરુષ અધિકાર કાર્યકર્તાઓ દાવો કરે છે કે કલમ 498-એ હેઠળ દાખલ કરાયેલા મોટા ભાગના કેસો ખોટા છે.

બીબીસી ગુજરાતી

શું મામલાઓ ખોટા હોય છે?

કલમ 498-એ

ઇમેજ સ્રોત, Getty Images

જો કે આ ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા ઘણા વકીલો અને સંશોધકો કહે છે કે આ કાયદાનો દુરુપયોગ નથી થઈ રહ્યો. દોષિત ઠેરવવાનો દર જમીની વાસ્તવિકતાનું ખોટું ચિત્ર રજૂ કરે છે.

દિલ્હીના ફોજદારી બાબતોના વકીલ અપર્ણા ભટ કહે છે, “હું દુરુપયોગની વાત સાથે સહમત નથી. ખરેખર, કલમ 498-એ હેઠળ કેસ જ ઘણો મુશ્કેલ છે."

વરિષ્ઠ વકીલ અને મહિલા અધિકાર નિષ્ણાત ઇન્દિરા જયસિંહે તાજેતરમાં જ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખ્યો હતો કે 'કાનૂની આતંક' શબ્દનો ઉપયોગ એ આ મુદ્દાને 'એક રૂઢિ બનાવી દેવાનો પ્રયત્ન' અને 'મુદ્દાને સામાન્ય બનાવી દેવાનું' એક વિશિષ્ટ ઉદાહરણ છે.

મહિલાઓ વિરુદ્ધ હિંસા પર વ્યાપકપણે કામ કરનાર અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના રિસોર્સ સેન્ટર ફૉર ઇન્ટરવેન્શન ઑન વાયોલન્સ અગેઇન્સ્ટ વુમન(RCI-VW)ના સંયોજક બળવંતસિંહ કલમ 498-એના દુરુપયોગની વાત સાથે અસંમત છે.

તેઓ રાજસ્થાનના ચાર પોલીસ સ્ટેશનોમાં કલમ 498-એ હેઠળ નોંધાયેલા 300 કેસ પર અભ્યાસનો ભાગ રહ્યા છે.

આ કેસો કોર્ટમાં પહોંચતા પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસે તેને 'ખોટા' અને 'ગેરસમજણ'નું પરિણામ ગણાવીને બંધ કરી દીધા હતા.

બળવંતસિંહ કહે છે કે, "અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બંધ કરવામાં આવેલા મોટા ભાગના કેસોમાં મહિલાઓને તેમના પતિ અને સાસરિયાં તરફથી હિંસાનો સામનો કરવો પડ્યો હતો."

તેમના મતે, “કલમ 498-એ નો ઘણો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ધારણા તમામ પક્ષોની પિતૃસત્તાત્મક વિચારસરણીને કારણે બની છે. પોલીસ આ કેસોને અંગત વિવાદોમાં જ ગણે છે કે જેને માત્ર ઉકેલવાની જ જરૂર છે.”

બીબીસી ગુજરાતી

કલમ 498-એને લાગુ કરવામાં પડતી મુશ્કેલીઓ

કલમ 498-એ

ઇમેજ સ્રોત, Getty Images

અપર્ણા ભટે કહ્યું કે 498-એ હેઠળ કેસ નોંધવો એ જ મહામુશ્કેલીનું કામ છે, કારણ કે પોલીસ વારંવાર એફઆઇઆર નોંધતા પહેલાં વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરે છે.

અગાઉના અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે પોલીસ એફઆઈઆર નોંધતા પહેલાં સમાધાન કરવાનો પ્રયાસ કરે છે અને દંપતીને 'પરિવારને બચાવી લેવાની' સલાહ આપે છે.

ઘણા કિસ્સાઓમાં શારીરિક શોષણના સ્પષ્ટ સંકેત મળ્યા પછી જ પોલીસ ફરિયાદ નોંધે છે.

બળવંતસિંહ કહે છે, “પોલીસ કેસ નોંધવામાં આનાકાની કરે છે. ઘણા કિસ્સાઓમાં મહિલાઓને કેસ નોંધાવવા માટે મૅજિસ્ટ્રેટ પાસે જવું પડતું હતું."

અપર્ણા ભટ કહે છે કે, “જો એફઆઈઆર નોંધવામાં આવે તો પણ મહિલાઓ પર તેમના પરિવારજનો, પોલીસ અને ન્યાયાધીશો તરફથી પણ સમાધાન માટે ભારે દબાણ હોય છે.”

તેમના મતે, "પરિવાર બાળકોની કસ્ટડીનો ઉપયોગ સમાધાન માટેના હથિયાર તરીકે કરે છે, જે મહિલાઓ પર સમાધાનનું દબાણ વધારે છે."

બળવંતસિંહે જણાવ્યું હતું કે સંબંધીઓના દબાણમાં અથવા પતિ છૂટાછેડા માટે સંમત થવાને કારણે અથવા સ્ત્રીને તેના પિયરે મોકલવાની વાતને કારણે સ્ત્રીઓ ઘણી વાર તેમના કેસને આગળ વધારવામાં પોતાને લાચાર અનુભવે છે.

કેસ આગળ વધે તો પણ હિંસા થઈ છે એ સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે.

અપર્ણા ભટના કહેવા પ્રમાણે શારીરિક, માનસિક અને આર્થિક હિંસા અનેક પ્રકારની હોય છે. તેમાં મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ તબીબી પુરાવા હોતા નથી.

ઘણા કિસ્સાઓમાં મહિલાઓને કેસ નોંધવામાં આવે તે પહેલા લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને ત્યાં સુધીમાં પુરાવા એકત્ર કરવામાં પણ ઘણો સમય વેડફાયો હોય છે.

બળવંતસિંહ કહે છે કે સતામણી બંધ દરવાજા પાછળ થાય છે. તેથી પુરાવા રજૂ કરવા ખૂબ મુશ્કેલ છે અને કેસ લાંબા સમય સુધી ચાલે છે તેથી સજા મળવી પણ મુશ્કેલ છે.

બીબીસી ગુજરાતી

દુરુપયોગની હકીકત

જ્યાં સુધી કાયદાના દુરુપયોગની વાત છે ત્યારે મોટા ભાગના નિષ્ણાતો માને છે કે તે કોઈ પણ કાયદામાં થતો હોય છે. જોકે, 498-એના દુરુપયોગનો મામલો ચર્ચામાં એટલે આવ્યો કે તે મહિલાઓને વિશેષ સુરક્ષા પ્રદાન કરે છે.

ગુજરાતના ભૂતપૂર્વ એડીજી ડૉ. રાજન પ્રિયદર્શી કહે છે, “કલમ 498-એ મહિલાઓ માટે ખૂબ જ ક્રાંતિકારી કાયદો છે. તેણે મહિલાઓ પર થતા અત્યાચારને રોકવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

તેઓ કહે છે કે, "કોઈ પણ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે."

બળવંતસિંહના જણાવ્યા અનુસાર 'ખોટા' અથવા 'ગેરસમજણ'ના આધારે બંધ કરાયેલા કેસોમાં પતિ અથવા તેમના પરિવાર તરફથી હિંસા થઈ હતી એ પછીથી સામે આવ્યું હતું.

જોકે, વકીલોએ તેમને કહ્યું હતું કે કલમ 498-એ લાગુ કરવા માટે તેમાં દહેજનો આરોપ ઉમેરવો પડશે, જ્યારે આ કાયદામાં આવી કોઈ જરૂર નથી.

તેમણે કહ્યું, “આમ, કેસ નોંધવા માટે દહેજના દાવાઓ એવા કિસ્સામાં પણ અતિશયોક્તિપૂર્ણ છે કે જ્યાં આવી કોઈ ઘટના બની નથી. બાદમાં આ કેસો બરતરફ કરવામાં આવે છે. જોકે, આનો અર્થ એ નથી કે કેસ ખોટા હતા અને કોઈ હિંસા થઈ નથી."

આમાંની મોટા ભાગની મહિલાઓ નીમ્ન સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિની હતી અને સાધારણ સાક્ષર હતી. તેઓ વકીલ અથવા તેના પરિવારના કોઈ પુરુષ સભ્ય અથવા તો કોઈ ધાર્મિક નેતા અથવા ગામના સરપંચની સલાહને અનુસરતી હતી.

બળવંતસિંહ કહે છે, “તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ઘરમાં હિંસા રોકવાનો હતો. જોકે, 498-એ હેઠળ સમાધાન થયું હોવા છતાં મોટા ભાગના કિસ્સાઓમાં હિંસા ફરીથી શરૂ થઈ ગઈ હતી."

“તેથી એ કહેવું ખોટું છે કે આ કલમનો દુરુપયોગ થઈ રહ્યો છે. હકીકતમાં ન્યાયિક પ્રણાલી મહિલાઓની ચિંતાઓને યોગ્ય રીતે સંબોધતી નથી."

(ઇનપુટ: રુચિતા પુરબિયા)

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી