પતિની સંપત્તિમાં પત્નીને બરાબરીનો હક મળી શકે? કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
મદ્રાસ હાઈકોર્ટના એક નિર્ણયથી ગૃહિણીને પતિની સંપત્તિમાં બરાબરીનો હિસ્સો મળવાનો રસ્તો સ્પષ્ટ થઈ શકે છે.
21 જૂને મદ્રાસ હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં ગૃહિણીઓના સંપત્તિના અધિકારનો વિસ્તાર વધારતા કહ્યું કે તેઓ પતિના સંપત્તિમાં બરાબરીનાં હકદાર છે.
મહિલા અધિકારીઓના નિષ્ણાતોએ આને મોટો નિર્ણય ગણાવ્યો છે, કારણ કે દેશમાં પહેલી વાર કોઈ અદાલતે પતિની કમાણીમાં પત્નીના યોગદાનને માન્યતા આપી છે.

શું છે મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
મદ્રાસ હાઈકોર્ટે જે મામલામાં આ આદેશ આપ્યો છે તે તામિલનાડુના એક દંપતી સાથે સંકળાયેલો છે.
આ જોડાનાં લગ્ન 1965માં થયાં હતાં. પરંતુ 1982 પછી પતિને સાઉદી અરેબિયામાં નોકરી મળી ગઈ અને તેઓ ત્યાં જ રહેવા લાગ્યા.
પરંતુ તામિલનાડુમાં રહેતાં તેમનાં પત્નીએ પતિની કમાણીથી અહીં અનેક સંપત્તિ ખરીદી લીધી.
આ સંપત્તિઓ પતિના મોકલેલા પૈસાથી ખરીદાઈ હતી. પત્નીની કોઈ કમાણી નહોતી.
1994માં ભારત પરત ફર્યા પછી પતિએ આરોપ મૂક્યા કે પત્ની તમામ સંપત્તિઓ પર પોતાની માલિકીનો દાવો કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પતિએ કહ્યું કે પત્નીને તેઓએ જે દાગીના આપ્યા હતા તે પણ સંતાડી દીધા છે.
સાથે જ પત્નીએ પોતાના કથિત પ્રેમીને પાવર ઑફ ઍટર્ની આપીને એક સંપત્તિ વેચવાની કોશિશ કરી હતી.
આ કેસમાં પાંચ સંપત્તિઓને લઈને વિવાદ હતો. ચાર સંપત્તિ પત્નીના નામે ખરીદવામાં આવી હતી. જેમાં કડલૂરમાં એક ઘર અને એક પ્રૉપર્ટીનો સમાવેશ થતો હતો. પાંચમી સંપત્તિમાં સોનાનાં બિસ્કિટ, ઘરેણાં અને સાડીઓ હતાં, જે પતિએ પત્નીને ગિફ્ટરૂપે આપ્યાં હતાં.
પતિએ 1995માં નીચલી અદાલતમાં કેસ કરી આ પાંચે પાંચ સંપત્તિ પર પોતાની માલિકીના હકને લઈને દાવો કર્યો હતો. જેમાં પત્નીને ગિફ્ટમાં આપેલા સોનાનાં બિસ્કિટ, ઘરેણાં અને સાડીઓ પણ સામેલ હતાં. ગિફ્ટ આપ્યા પછી આ સંપત્તિ પત્નીની થઈ ગઈ હતી.
પતિએ દાવો કર્યો કે તમામ સંપત્તિઓ તેમના પૈસાથી ખરીદવામાં આવી છે અને પત્ની માત્ર તેમના ટ્રસ્ટી છે. વર્ષ 2007માં આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને પછી તેમનાં બાળકોએ આ સંપત્તિ પર પોતાનો દાવો કર્યો.

અદાલતે આપ્યા રસપ્રદ તર્ક

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અદાલતે કહ્યું કે પત્ની ઘરનું કામ કરીને સંપત્તિ બનાવવામાં યોગદાન આપે છે. એમાં કોઈ ફેર નથી પડતો કે સંપત્તિ પત્નીના નામે ખરીદવામાં આવી હતી કે પતિના નામે. પતિ અથવા પત્નીએ પરિવારની સારસંભાળ રાખી છે તો સંપત્તિમાં બરાબરીના હકદાર હશે.
અદાલતે કહ્યું કે પત્નીના ઘરકામ કરવાના કારણે પતિના પૈસામાં પરોક્ષ રીતે વધારો થયો છે, જેનાથી સંપત્તિ મેળવવામાં મદદ મળી હશે.
અદાલતે કહ્યું કે પતિ આઠ કલાક નોકરી કરે છે, પરંતુ પત્ની 24 કલાક કામ કરે છે. જો ગૃહિણી ન હોય તો પતિને ઘણી વસ્તુઓ માટે પૈસા ખરચવા પડ્યા હોત. જ્યારે ગૃહિણી ઘરમાં અનેક ભૂમિકાઓ નિભાવે છે. તેઓ ખાવાનું બનાવે છે, ઘરમાં ડૉક્ટર, ઇકૉનૉમિસ્ટ સહિત ઘણા લોકોનાં કામ એકસાથે કરે છે. જેનાથી પતિને નોકરી કરવામાં સરળતા રહે છે.
અદાલતે કહ્યું કે, “આ તમામ કામોને લઈને પત્ની ઘરનું વાતાવરણ આરામદાયક બનાવે છે. આ રીતે પરિવારમાં તેમનું યોગદાન નિશ્ચિત રૂપે એક મહત્ત્વનું છે. તેઓ કોઈ રજા લીધા વગર 24 કલાક કામ કરે છે. તેમની સરખામણી પતિના આઠ કલાકની ડ્યૂટી સાથે ન કરી શકાય.”
અદાલતે કહ્યું કે એક મહિલા લગ્ન પછી પોતાની નોકરી છોડી દે છે તો એમની સામે ‘અણગમતી મુશ્કેલીઓ’ આવી જાય છે. જેના લીધે તેઓ પોતાના નામે સંપત્તિ ખરીદી નથી શકતી.
આ તર્કોના આધારે કોર્ટે કહ્યું કે પાંચમાંથી ત્રણ સંપત્તિમાં પતિ-પત્નીનો બરાબરીનો હક છે. ભલે એવો કોઈ કાયદો નથી જે ગૃહિણીઓના યોગદાનને પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે રેખાંકિત કરે પરંતુ એવો પણ કોઈ કાયદો નથી જે જજોને આને રેખાંકિત કરવાથી અટકાવે.
એક સંપત્તિના મામલામાં કોર્ટે પત્નીને આના હકદાર માન્યાં, કારણ કે તેમણે લગ્ન વખતે પિતાએ આપેલાં ઘરેણાંને ગીરવે મૂકીને ખરીદ્યું હતું. હિન્દુ કાયદા મુજબ આના પર માત્ર તેમનો જ માલિકીહક રહેશે.
પતિએ પત્નીને આપેલી ગિફ્ટ પણ પાછી માગી. પતિએ કહ્યું કે ગિફ્ટ તેમણે જાતે નહોતી આપી પરંતુ પત્નીએ એની માગ કરી હતી. પરંતુ અદાલતે તેમની આ દલીલ માની નહીં.

અગત્યનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા નિષ્ણાતોએ આ નિર્ણયને સીમાચિહ્ન રૂપ ગણાવ્યો છે. મહિલા અધિકારોની તરફેણ કરનારાં વકીલ અને કાયદાનાં નિષ્ણાત ફ્લેવિયા એગ્નેસે કહ્યું કે, “આ ઘણો યાગ્ય નિર્ણય છે, કારણ કે આ મહિલાઓના ઘરકામને માન્યતા આપે છે.”
પારિવારિક અને સંપત્તિ સાથે સંકળાયેલ મામલાનાં જાણીતાં વકીલ માલવિકા રાજકોટિયા કહે છે કે, “આ ઘણો જ અગત્યનો નિર્ણય છે. આ એક સીમાચિહ્ન રૂપ છે. આ મહિલાઓને સતત પોતાના અધિકારો માટે લડત આપતા રહેવાનું પરિણામ છે.”
રાજકોટિયાએ જણાવ્યું કે, “ગાડીઓની દુર્ઘટનાના મામલામાં ક્લેમ નક્કી કરતા સમયે જજોએ ગૃહિણીઓની એક અંદાજે આવક નક્કી કરી છે. પરંતુ એ એટલી ઓછી છે કે એનો કોઈ ખાસ મતલબ નથી રહેતો”
“પહેલી વાર ગૃહિણીના અધિકારોને ખરા અર્થમાં માન્યતા આપવામાં આવી છે.”
અગાઉ બીબીસીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાલતોએ ઘણા કેસમાં ગૃહિણીઓના ઘરકામની કિંમત દર મહિને 5000થી 9000 રૂપિયા વચ્ચે આંકી હતી.

નિર્ણય પર રહેશે નજર?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકોટિયાએ કહ્યું કે, “આ નિર્ણયની આગળ મોટી અસર થઈ શકે છે. ભારતમાં છૂટાછેડાના મામલામાં ‘જીવનશૈલી નિયમો’ સંદર્ભ આવે છે. જો ભરણપોષણ અને ગુજરાન ચલાવવાની રકમ મહિલાની જીવનશૈલી પ્રમાણે છે તો બીજા અન્ય દાવા બેનામી થઈ શકે છે.”
રાજકોટિયાએ કહ્યું કે કાયદો પતિની સંપત્તિમાં પત્નીના હકને સામાન્ય રીતે સ્પષ્ટ નથી કરતો. તે એ વાતને માન્યતા નથી આપતો કે પત્ની ઘરનું કામ કરીને જે પૈસા બચાવે છે, તે પતિની સંપત્તિ સાથે જોડાય છે. અને તે એને સંપત્તિ ખરીદવામાં મદદ કરે છે.
રાજકોટિયા કહે છે કે આ નિર્ણય એક એવા અધિકારને સામે લાવે છે, જે મહિલાને ‘જીવનશૈલી નિયમો’થી બહાર જઈ સંપત્તિ મેળવવાનો વિકલ્પ આપે છે.
છૂટાછેડાના મામલાને છોડી દઈએ તો પર્સનલ લૉ બોર્ડના હિસાબથી એક પતિનું વસિયત વિના મોત થઈ જાય તો પત્ની અને બાળકોને તેમની સંપત્તિમાં ભાગીદારી મળશે.
જોકે એગ્નેસ કહે છે કે આ એક હાઈકોર્ટનો નિર્ણય છે. અને બીજી હાઈકોર્ટ આની ઊલટ નિર્ણય આપી શકે છે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આના પર નિર્ણય નથી આપતી ત્યાં સુધી અલગ-અલગ હાઈકોર્ટ આમાં કોઈ અલગ વલણ અપનાવી શકે છે.
રાજકોટિયા પણ કહે છે કે હવે જોવાનું એ રહેશે કે આ રીતના અલગ-અલગ મામલામાં આ નિર્ણયની અસર થાશે કે કેમ.
તેઓ કહે છે કે, “એ જોવું રહ્યું કે અદાલત કેવી રીતે આના આધારે નિર્ણય કરે છે. જોકે કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે અદાલત એક ગૃહિણીના શ્રમનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરે છે.”














