90 વર્ષના દાદાને યુપીના દલિતોના હત્યાકાંડમાં દોષિત ઠેરવવામાં 42 વર્ષ કેમ લાગ્યાં?

પ્રેમવતીનાં ત્રણ સંતાનો આ હુમલામાં મૃત્યુ થયાં હતા

ઇમેજ સ્રોત, JITENDRA KISHORE

ઇમેજ કૅપ્શન, પ્રેમવતીનાં ત્રણ સંતાનો આ હુમલામાં મૃત્યુ થયાં હતાં
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ઉત્તર પ્રદેશના એક ગામનાં 90 વર્ષનાં વૃદ્ધાને 42 વર્ષ પહેલાં 10 લોકોની હત્યાના ગુના બદલ ગયા સપ્તાહે આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી.

પીડિતોના પરિવારનું કહેવું છે કે "અદાલતે બહુ મોડો ચુકાદો આપ્યો છે અને તેમના માટે તે અર્થહીન છે. કાયદા નિષ્ણાતો કહે છે કે આ ઘટના ‘વિલંબિત ન્યાય એ ન્યાયના નકાર સમાન છે’ તે ઉક્તિનું ઉત્તમ ઉદાહરણ છે."

ઉત્તર પ્રદેશના સાધુપુર ગામના જૂના રહેવાસીઓની સ્મૃતિમાં 1981ની 30 ડિસેમ્બરની સાંજ બરાબર કોતરાયેલી છે.

પ્રેમવતી કહે છે, "સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પુરુષોનું એક ટોળું મારા ઘરના કમ્પાઉન્ડમાં ધસી આવ્યું હતું અને તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો." પ્રેમવતીને પોતાની ચોક્કસ વયની ખબર નથી, પરંતુ તેઓ 75 વર્ષની આસપાસની વયનાં હોવાં જોઈએ એવું તેઓ માને છે.

પ્રેમવતી કહે છે, "તેમણે અમને કશું પૂછ્યું ન હતું. તેઓ અમારા પર ગોળીબાર કરવા લાગ્યા હતા."

"ગણતરીની મિનિટોમાં મારાં ત્રણ સંતાન, 10 તથા 8 વર્ષના બે પુત્ર તેમજ 14 વર્ષની પુત્રી, માર્યાં ગયાં હતાં."

કોર્ટના આદેશ પછી ફોટોગ્રાફર્સ તથા કૅમેરામેને ગામની મુલાકાત લીધી ત્યારે તેમને પ્રેમવતીએ તેમનો જમણો પગ દેખાડ્યો હતો. તે પગમાં ગોળી વાગી હતી. તેનો ઘા રુઝાઈ ગયો છે, પરંતુ ડાઘ યથાવત છે.

એ સાંજે માર્યા ગયેલા દલિત સમુદાયના 10 લોકોમાં પ્રેમવતીનાં ત્રણ સંતાનનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બે મહિલામાં પણ પ્રેમવતીનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી

એક જ આરોપી જીવિત

ગંગા દયાળ

ઇમેજ સ્રોત, JITENDRA KISHORE

ઇમેજ કૅપ્શન, આ ઘટનાના એકમાત્ર જીવંત આરોપી યાદવ જ્ઞાતિના ગંગા દયાળને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફિરોઝાબાદ શહેરની જિલ્લા અદાલતના ન્યાયમૂર્તિ હરવીર સિંહે આ ઘટનાના એકમાત્ર જીવંત આરોપી, યાદવ જ્ઞાતિના ગંગા દયાળને ગયા બુધવારે આજીવન કારાવાસની સજા ફરમાવી હતી.

દંડ પેટે રૂ. 55,000 ચૂકવવાનો આદેશ પણ ગંગા દયાલને આપવામાં આવ્યો હતો. તેઓ દંડ નહીં ચૂકવે તો તેમણે વધુ 13 મહિના જેલમાં પસાર કરવા પડશે.

ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે આ કેસના 10માંથી નવ આરોપી અદાલતી ખટલા દરમિયાન મૃત્યુ પામ્યાં હતાં. સરકારી વકીલ રાજીવ ઉપાધ્યાયે આ સંવાદદાતાને જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષના ઘણા સાક્ષી પણ આ સમયગાળામાં મૃત્યુ પામ્યા હતા.

અપરાધ અને તેની સજા વચ્ચે ચાર દાયકાથી વધુ સમય વીતી ગયો હોવાથી આ કેસની રૂપરેખા અસ્પષ્ટ બની ગઈ છે.

પ્રેમવતી અને અન્ય દલિત ગ્રામજનો કહે છે કે તેમના પરિવારોને કોઈ સાથે દુશ્મનાવટ નથી, પરંતુ રાજીવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે યાદવ જ્ઞાતિના સભ્યની માલિકીની રાશનની દુકાન બાબતે કેટલાક દલિતોએ ફરિયાદ કરી હતી. તેના પરિણામ દલિતો તથા યાદવો વચ્ચેના સંબંધમાં તિરાડ પડી હતી અને હિંસા થઈ હતી, એવું માનવામાં આવે છે.

આ ઘટના અખબારોમાં ચમકી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમણે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહની મુલાકાત લીધી હતી તથા તેમણે તેમને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું.

ગ્રે લાઇન

ઇન્દિરા ગાંધી, અટલબિહારી વાજપેયીએ પીડિતોની મુલાકાતે આવ્યાં હતાં

પ્રેમવતી

ઇમેજ સ્રોત, JITENDRA KISHORE

ઇમેજ કૅપ્શન, પ્રેમવતી પોતાનાં ઘા બતાવી રહ્યાં છે

તત્કાલીન વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ હત્યાના વિરોધમાં ગામ તરફ કૂચ કરી હતી.

પ્રેમવતી કહે છે, "અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે તેઓ અમારા મૃત સંબંધીઓને પાછા લાવી શકે તેમ નથી. તેમણે અમને ન્યાય મેળવવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું."

તેમણે ઉમેર્યું હતું કે કોર્ટના ચુકાદા પછી ગામલોકોનો પ્રતિભાવ મેળવવા આવેલા એક પત્રકાર પાસેથી તેમને અદાલતે ગંગા દયાળને થયેલી સજા બાબતે જાણવા મળ્યું હતું.

પ્રેમવતીએ તેમને કહ્યું હતું કે "આને ન્યાય કહેવાય કે નહીં એ ભગવાન જ જાણે છે."

પ્રેમવતીના બહુ નાની વયના પાડોશી મહારાજ સિંહે પણ તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા હતા અને તેઓ આ હત્યાકાંડની વાતો સાંભળીને મોટા થયા છે.

મહારાજ સિંહ કહે છે, "આખરે ન્યાય મળ્યો તેને અમે આવકારીએ છીએ, પરંતુ તે યોગ્ય સમયે મળ્યો નથી. સમયસર ન્યાય મળ્યો હોત તો વધારે ખુશી થાત."

તેઓ ઉમેરે છે, "ચુકાદો આપતાં અદાલતને 42 વર્ષ થયાં. દોષિતોને પાંચ-છ વર્ષમાં સજા થઈ હોત તો અમારા વડીલો શાંતિથી મૃત્યુ પામ્યા હોત."

ગ્રે લાઇન

કેસનો ચુકાદો આવવામાં આટલાં વર્ષો કેમ લાગ્યાં?

દલિત પરિવારો

ઇમેજ સ્રોત, JITENDRA KISHORE

ઇમેજ કૅપ્શન, દલિત પરિવારોને પત્રકારો પાસેથી કોર્ટના ચુકાદાની જાણી થઈ હતી

રાજીવ ઉપાધ્યાયના કહેવા મુજબ, "આ કેસનો ચુકાદો આવવામાં લાંબો સમય થયો તેનું કારણ એ છે કે હત્યાકાંડ સર્જાયો ત્યારે આ ગામ મૈનપુરી જિલ્લાનો ભાગ હતું, પરંતુ 1989માં તે નવરચિત ફિરોઝાબાદ જિલ્લાનો હિસ્સો બન્યું હતું. "

આ કેસની ફાઈલો 2001 સુધી મૈનપુરીમાં જ પડી રહી હતી. અલાહાબાદ હાઈકોર્ટના આદેશને પગલે કેસને ફિરોઝાબાદ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

રાજીવ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, "અદાલતોનો બૅકલૉગ દૂર કરવા અને જૂના કેસોની કાર્યવાહી તાકીદના ધોરણે હાથ ધરવાની રાજ્ય સરકારની ઝૂંબેશના ભાગરૂપે આ કેસની સુનાવણી 2021માં શરૂ થઈ હતી."

તેઓ કહે છે, "સરકાર અને ન્યાયતંત્ર લોકોને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગુનેગારોને કાયદો છોડશે નહીં."

જોકે, વકીલ અક્ષત વાજપેયી માને છે કે ન્યાય સમયસર મળવો જોઈએ.

તેઓ કહે છે, "આ કેસ વિલંબિત ન્યાય તે અન્યાય સમાન છે એવી ઉક્તિને દૃઢ બનાવે છે. લોકો બે-ત્રણ વર્ષનો વિલંબ સહન કરી શકે, પરંતુ 40 વર્ષનો વિલંબ?"

તેઓ ઉમેરે છે, "ખાસ કરીને પ્રેમવતી જેવા લોકોને, જેઓ દલિત છે અને હાંસિયામાં ધકેલાયેલા લોકોમાંના એક છે, સમયસર ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે."

તેઓ કહે છે, "પીડિતો અને તેમના પરિવારોએ 42 વર્ષ સુધી યાતના સહન કરવી પડી તે ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીની નિષ્ફળતા છે."

આટલો લાંબો સમય ચાલ્યો હોય તેવો આ એકમાત્ર કેસ નથી. ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થા વિલંબ માટે જાણીતી છે અને ઘણા નાગરિકો જણાવે છે કે કોર્ટ કેસ ઘણીવાર વર્ષો કે દાયકાઓ સુધી ચાલતા રહે છે તેનાથી તેઓ નારાજ છે.

ગામના રહીશ મહારાજ સિંહ કહે છે કે સમયસર ન્યાય મળ્યો હોત તો વધારે ખુશી થાત

ઇમેજ સ્રોત, JITENDRA KISHORE

ઇમેજ કૅપ્શન, ગામના રહીશ મહારાજ સિંહ કહે છે કે સમયસર ન્યાય મળ્યો હોત તો વધારે ખુશી થાત

તેને કારણે વણઉકેલાયેલા કેસોનો જંગી ભરાવો થયો છે. સરકારે ફેબ્રુઆરીમાં સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય અદાલતોમાં લગભગ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે.

ભારતીય ફોજદારી કાયદાના નિષ્ણાત અને લાઈવ લો વેબસાઈટના સ્થાપક એમ એ રશીદ જણાવે છે કે વિલંબનું સૌથી મોટું કારણ ન્યાયાધીશોની અપૂરતી સંખ્યા છે.

તેઓ કહે છે, "ભારતમાં લોકોના પ્રમાણમાં ન્યાયાધીશોનો રેશિયો બહુ ઓછો છે અને પ્રત્યેક ન્યાયાધીશ પર કામનો જંગી બોજ છે. તેથી ખટલો પૂર્ણ થવામાં લાંબો સમય થાય છે."

એમ એ રશીદ આ માટે ‘જરીપુરાણી પ્રક્રિયા’ને દોષી ઠેરવે છે. એ પ્રક્રિયા બહુ સમય માંગે છે અને સાક્ષીઓની તપાસમાં બહુ વિલંબ થાય છે. દાખલા તરીકે, ટેક્નોલોજીનો આગમન છતાં ન્યાયાધીશોએ જુબાની હાથથી જ લખવી પડે છે.

તેમના કહેવા મુજબ, "હાઈકોર્ટમાં કોઈ અપીલનું ફાઈનલ સુનાવણી માટે લિસ્ટિંગ થવામાં કમસેકમ પાંચથી દસ વર્ષ થાય છે. એ પછી સુપ્રિમ કોર્ટમાં પણ એટલો જ સમય લાગે છે. "

તેઓ ઉમેરે છે, "તેથી અપીલના તબક્કે 20 કે 30 વર્ષ પછી દોષીત નિર્દોષ છૂટી જાય તેવા કિસ્સા દેશમાં અસામાન્ય નથી."

રેડ લાઇન
રેડ લાઇન