ફિયરલેસ નાદિયાઃ પુરુષો માટે બોલીવૂડ ફિલ્મોમાં સાહસિક સ્ટંટ કરનાર વિદેશ મહિલાની કહાણી

નાદિયા

ઇમેજ સ્રોત, ALAMY

ઇમેજ કૅપ્શન, ચાલીસના દાયકાના મધ્યભાગના શાળાના બાળકો માટે નિડર નાદિયાનો અર્થ હિંમત, શક્તિ અને આદર્શવાદ હતો
    • લેેખક, મેરીલ સેબાસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ, કોચી

વિખ્યાત ભારતીય નાટ્યકાર અને દિગ્દર્શક ગિરીશ કર્નાડે 1980માં લખ્યું હતું, "મારા બાળપણનો સૌથી વધુ યાદગાર અવાજ ‘એય..’ હતો. તે અવાજ પોતાના અશ્વ પર શાહી રીતે સવાર ફિયરલેસ નાદિયાનો હતો, તેમનો હાથ હવામાં હતો અને તે ખરાબ લોકો પર ત્રાટકતી હતી."

"ચાલીસના દાયકાની મધ્યમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે નિર્ભીક નાદિયાનો અર્થ હિંમત, શક્તિ અને આદર્શવાદ હતો."

ફિયરલેસ નાદિયાના નામે વિખ્યાત આ અભિનેત્રી અને સ્ટંટવુમનનું મૂળ નામ મૅરી ઍન ઇવાન્સ હતું. તેમણે 1935માં હિન્દી ફિલ્મ હન્ટરવાલી સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તોફાન મચાવ્યું હતું.

ઑસ્ટ્રેલિયન મૂળની ગોરી, બ્લુ આંખોવાળી આ મહિલાએ હાથમાં ચાબુક સાથે કેપ, ચામડાના શૉર્ટ્સ અને ઘૂંટણ સુધીના બૂટ સાથે ફિલ્મી પડદે ધૂમ મચાવી હતી.

‘બૉમ્બે બિફૉર બોલિવૂડ’ પુસ્તકના લેખિકા રોઝી થૉમસના જણાવ્યા અનુસાર, ઇવાન્સનો જન્મ ઑસ્ટ્રેલિયાના પર્થમાં 1908માં થયો હતો. તેમના માતા ગ્રીક અને પિતા બ્રિટિશ હતાં. ઇવાન્સ તેમના પિતાના આર્મી યુનિટ સાથે 1911માં ભારત આવ્યાં હતાં, પરંતુ પિતાના મૃત્યુ પછી પોતાના પરિવાર સાથે બૉમ્બે(હવે મુંબઈ)માં સ્થાયી થયાં હતાં.

રોઝી થોમસના જણાવ્યા મુજબ, નૃત્ય અને ઘોડેસવારીની તાલીમ બાળપણથી જ લેતા રહેલાં ઈવાન્સે રશિયન બેલે ટ્રુપ સાથે ભારતનો પ્રવાસ કર્યો હતો અને થોડા સમય માટે સર્કસમાં કામ કર્યું હતું.

આ યુવા કળાકાર ગાયિકા અને નૃત્યાંગના તરીકે જાણીતા થયાં હતાં. તેમણે દેશભરમાં તમામ પ્રકારના સ્થળોએ કળા પ્રદર્શન કર્યું હતું.

1930ના દાયકાની શરૂઆતમાં તેઓ થિયેટર અને સર્કસમાં કામ કરતાં હતાં ત્યારે વિખ્યાત હિન્દી ફિલ્મ દિગ્દર્શક જેબીએચ વાડિયાએ તેમને શોધી કાઢ્યાં હતાં.

નાદિયા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, નાદિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાડિયાએ શરૂઆતમાં તેમને પોતાના વાડિયા મૂવીટોન સ્ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્મોમાં નાની ભૂમિકાઓ આપી હતી. વાડિયા તેમનો સ્ટુડિયો તેમના ભાઈ હોમી સાથે મળીને ચલાવતા હતા.

જેબીએચ વાડિયાના પૌત્ર રોય વાડિયાના કહેવા મુજબ, ઇવાન્સ અદભૂત સ્ટન્ટ કરતા હતા અને "હું કંઈ પણ કરી શકું," એવો અભિગમ ધરાવતા હતા.

તેથી વાડિયા બંધુઓએ ઇવાન્સને હન્ટરવાલી ફિલ્મમાં તેમનો પ્રથમ લીડ રોલ આપ્યો હતો. એ ફિલ્મમાં ઈવાન્સે બદલો લેતી રાજકુમારીની ભૂમિકા ભજવી હતી, જે એક દુષ્ટ અધિકારીના હાથે થયેલા તેના પિતાના મોતનો બદલો લેતી વખતે માસ્ક પહેરેલા જાસુસમાં બદલાઈ જાય છે.

જોકે, તેઓ પોતાના નવા સ્ટાર માટે રોમાંચિત હતા ત્યારે અન્ય લોકો તેમનો દ્રષ્ટિકોણ સ્વીકારવા તૈયાર ન હતા.

રોય વાડિયા કહે છે, "પારસી બંધુઓની ફિલ્મમાં એક ગોરી, બ્લુ આંખોવાળી શ્વેત મહિલા મુખ્ય ભૂમિકા ભજવશે. તે હોટ પેન્ટ તથા ચામડાનું વેસ્ટ પહેરશે. તેના હાથમાં હન્ટર હશે અને તે બધા ખરાબ લોકોને ફટકારશે, એ વાતથી ફિલ્મના ફાઇનાન્સર્સ બહુ ભયભીત હતા."

તેથી તેઓ પાછા હટી ગયા અને વાડિયા બંધુઓએ પોતે જ ફિલ્મ રિલીઝ કરી.

રોઝી થૉમસના જણાવ્યા મુજબ, એ ફિલ્મ 1935ની મોટી હિટ હતી. તે સપ્તાહો સુધી થિયેટર્સમાં હાઉસફૂલ રહી હતી અને ઇવાન્સ 1930 અને 1940ના દાયકાના ટોચના બૉક્સ ઑફિસ સ્ટાર બની ગયાં હતાં.

આ ફિલ્મની સફળતાએ વાડિયા મૂવીટોનને એક એવા સ્ટુડિયોમાં બદલી નાખ્યો, જે શાનદાર સ્ટંટ્સ અને નાટકિયતાવાળી ફિલ્મો માટે વિખ્યાત છે. ઈવાન્સની વિખ્યાત બૂમ “એય..” એક તકિયાકલામ બની ગઈ હતી.

નાદિયા

ઇમેજ સ્રોત, FILM AND TELEVISION INSTITUTE OF INDIA

ઇમેજ કૅપ્શન, નાદિયા

રોય વાડિયા કહે છે, "તેમણે જે પાત્રો ભજવ્યાં અને મારા દાદાજીએ તેમના માટે જે પટકથાઓ સર્જી તે મુક્તિ વિશેની, સ્વાતંત્ર્ય સંગ્રામ વિશેની, સાક્ષરતા વિશેની અને ભ્રષ્ટાચારના વિરોધ વિશેની હતી. આ તમામ બાબતો તે સમયના (ભારતીય સ્વતંત્રતા ચળવળ) વ્યાપક સામાજિક પરિવર્તન અને અશાંતિના સમયને અનુરૂપ હતી."

રોઝી થૉમસ લખે છે, "કડક બ્રિટિશ સેન્સરશિપે સ્વાતંત્ર્ય ચળવળ વિશેના સ્પષ્ટ સંદર્ભો પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ 1930 અને 1940ના દાયકાના ફિલ્મ નિર્માતાઓ સાઉન્ડ ટ્રેક અથવા સ્ક્રીનમાં કૉંગ્રેસ (પક્ષ)ના ગીતો તથા પ્રતીકો સરકાવી દેતા હતા."

"નાદિયાએ પડદા પર તથા તેની બહાર પોતાની ભૂમિકાને રાષ્ટ્રવાદી ચળવળના સમર્થનકર્તાની ગણી હતી અને સ્પષ્ટપણે કહ્યું હતું. દરેક ફિલ્મમાં એક પ્રચાર સંદેશ હતો. લડવા માટે કંઈક હતું. દાખલા તરીકે લોકોને ખુદને શિક્ષિત કરવા માટે અથવા મજબૂત રાષ્ટ્ર બનવા માટે કશુંક હતું."

નાદિયાને તેમની ભૂમિકાઓમાં એક કૉસ્મોપૉલિટન મહિલા તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. તેઓ ફિલ્મોમાં ખલનાયક સામે શારીરિક લડાઈ કરતા હતાં અને ઘણી વખત વજનદાર પુરુષોને ઊંચકીને ફેંકતા હતા.

રોય વાડિયા કહે છે, "તેઓ ધોધ પરથી, પ્લેન પરથી કૂદકા મારતાં હતાં. ઘોડેસવારી કરતાં હતાં, ઝુમ્મર પર ઝૂલતાં હતાં, કિલ્લાની છત પરથી 30 ફૂટ નીચે કૂદકો મારતાં હતાં. આ બધા સ્ટન્ટ તેમણે જાતે કર્યા હતા."

"એ દિવસોમાં કોઈ સેફ્ટી નેટ્સ ન હતી. કોઈ બૉડી ડબલ્સ ન હતાં અને કોઈ વીમો તો હતો જ નહીં."

સ્ટંન્ટમાં ચપળતા અને કૌશલ્યએ નાદિયાને તેમના ઓન-સ્ક્રીન વ્યક્તિત્વ તરફ પ્રેક્ષકોને આકર્ષવામાં મદદ કરી હતી, પરંતુ એ કામ કાયમ આસાન ન હતું.

ગિરીશ કર્નાડ સાથેની 1980ની મુલાકાતમાં નાદિયાએ એક ફિલ્મના શૂટિંગ દરમિયાનની સૌથી ભયાનક ક્ષણોની વાત કરી હતી. તેઓ 1942ની જંગલ પ્રિન્સેસ નામની ફિલ્મ માટે શૂટિંગ કરતાં હતાં. તેમાં એક સિંહ સાથે તેમણે દૃશ્ય ભજવવાનું હતું.

"અમે શૂટિંગ શરૂ કર્યું અને અચાનક સુંદરી નામની સિંહણે જોરદાર ગર્જના કરીને કૂદકો માર્યો. તે મારા, હોમીના અને સિનેમેટોગ્રાફરના માથા પરથી કૂદકો મારીને પાંજરામાંથી ધસી ગઈ. તેનું માથું અને આગળના પંજા બહાર લટકતા અને બાકીનું શરીર અંદર."

લાયન ટ્રેનરે તેમને સહીસલામત બહાર કાઢ્યાં હતાં.

ઇવાન્સ પોતાની ફિલ્મોમાં પશ્ચિમી વસ્ત્રોમાંથી ભારતીય પોશાકમાં ઘણીવાર આસાનીથી સ્વિચ કરતાં હતાં. રોય વાડિયા કહે છે, "તેમની સેન્સ ઑફ હ્યુમર અને આંખમાંની ચમક જણાવતા હતા કે તેઓ કાચંડા જેવાં છે, પરંતુ ખરેખર તેઓ બદલાતા નથી, કારણ કે આ બધામાં તેઓ જરાય બદલાતા નથી."

ઇવાન્સ આખરે પ્રેમમાં પડ્યાં અને હોમી વાડિયાના જીવનસાથી બન્યાં. એ સંબંધ વાડિયા પરિવારમાં ઘણાને મંજૂર ન હતો, પરંતુ હોમી અને ઈવાન્સને જેબીએચ વાડિયોને મજબૂત ટેકો હતો. જોકે, વાડિયાના મૃત્યુ પછી જ તેઓ પરણ્યાં હતાં.

રોય વાડિયા, ઇવાન્સને એક વિનમ્ર અને અદ્ભુત રમુજવૃત્તિ ધરાવતા સામાન્ય મહિલા તરીકે યાદ કરે છે. "તેમનું હાસ્ય બહુ મોટું હતું અને તમામ પ્રકારના જોક્સ બનાવતાં હતાં. તોફાની જોક્સ પણ."

ઇવાન્સ અને હોમી વાડિયા તેમના જુહુ ખાતેના ઘરમાં દર વર્ષે ક્રિસમસ પાર્ટી આપતાં હતાં. એ પાર્ટીમાં તેઓ ફિલ્મઉદ્યોગના સાથીદારો અને પરિવારોથી માંડીને મિત્રો સુધી દરેકનું મનોરંજન કરતાં હતાં.

રોય વાડિયા કહે છે, "હોમી સાન્તા ક્લૉઝનો પોશાક પહેરતા હતા અને તમામ પ્રકારની નાટકીય રીતે પોતાની હાજરી નોંધાવતા હતા. તેમના બધાં કામોમાં મૅરી ઇવાન્સ તેમનાં સાથી હતાં."

આ યુગલને કોઈ સંતાન ન હતું, પરંતુ હોમી વાડિયાએ ઇવાન્સના અગાઉના સંબંધમાંથી થયેલા પુત્રને દત્તક લીધો હતો. ઇવાન્સ તેમના 88મા જન્મદિવસ પછી તરત 1996માં મૃત્યુ પામ્યાં હતાં. તેઓ હિન્દી ફિલ્મોમાં કલ્ટ સ્ટેટસ પ્રાપ્ત કરનાર કદાચ સૌપ્રથમ વિદેશી મહિલા હતાં.

બીબીસી
બીબીસી