ડંકી, 3 ઇડિયટ્સ, પીકે: હિરાણીની એ હિટ ફૉર્મ્યુલા જેણે છેલ્લાં 20 વર્ષમાં બધી ફિલ્મો હિટ બનાવી

ઇમેજ સ્રોત, RED CHILLIES ENTERTAINMENT
- લેેખક, વંદના
- પદ, સીનીયર ન્યૂઝ એડિટર, એશિયા
જો તમે નેવુંના દાયકાની જાહેરાતો જોઈ હોય તો તમને લ્યુનાવાળી એ જાહેરાત યાદ હશે જેમાં એક વ્યક્તિ તેનું બે પૈડાનું વાહન ચલાવતા કહે છે કે – ‘ચલ મેરી લૂના’
ફેવિકોલવાળી એ જાહેરાત પણ યાદ હશે કે જેમાં એક વ્યક્તિ કહે છે, ‘યે ફેવિકોલ કા મજબૂત જોડ હૈ, ટૂટેગા નહીં’.
આ જાહેરાતોમાં કામ કરનારા અભિનેતાનું નામ છે રાજકુમાર હિરાણી. એ જ રાજકુમાર હિરાણી કે જેમણે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘ડંકી’ બનાવી છે. આ ફિલ્મ આજે ભારતમાં રિલીઝ થઈ છે અને તે પણ હિટ જશે તેવું લાગી રહ્યું છે.
રાજકુમાર હિરાણી એક એવા નિર્દેશક છે કે જેઓ અનોખા મુદ્દાઓને ફિલ્મોમાં પરોવવાની મહારત ધરાવે છે.
તેમની ફિલ્મોમાં દર્દીને માનસિક અને શારીરિક રીતે સાજા કરી દે તેવું જાદુ રહેલું છે તેવું લાગે છે, તો ક્યારેક તેઓ લેખો અને પુસ્તકોથી ગાંધીને બહાર કાઢીને ‘ગાંધીગીરી’ કરાવે છે. ફિલ્મોમાં તેઓ ગાંધીને ‘બંદે મેં હૈ દમ’ કહેવાની તાકાત પણ ધરાવે છે.
તો ક્યારેક તેઓ ‘થ્રી ઇડિયટ્સ’ માં ડિગ્રીઓ પાછળ નહીં પરંતુ સ્વપ્નો પાછળ ભાગવાની તમન્ના જગાવે છે.
ફિલ્મ પીકેમાં તેઓ એક એલિયન મારફતે ધરતી પરના લોકોને ધર્મની શીખ આપે છે.
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર રામાચંદ્રન શ્રીનિવાસન કહે છે કે હિરાણી એક એવા નિર્દેશક છે કે જેમણે 20 વર્ષોમાં જેટલી ફિલ્મો બનાવી તે બધી પાંચ ફિલ્મો સુપરહિટ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિરાણીની હિટ ફૉર્મ્યુલા

ઇમેજ સ્રોત, RED CHILLIES ENTERTAINMENT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પણ એવું શું છે કે જેના કારણે તેમની દરેક ફિલ્મ સફળ થઈ રહી છે?
બીબીસી સહયોગી મધુ પાલ સાથે વાતચીતમાં વરિષ્ઠ ફિલ્મ વિશ્લેષક ગિરીશ વાનખેડે કહે છે કે તેમની ફિલ્મોમાં હાસ્યની સાથે સાથે સામાજિક મુદ્દાઓ પણ હોય છે.
તેઓ કહે છે,"જે લોકો ફિલ્મ એડિટરમાંથી નિર્દેશક બને છે તેમની ફિલ્મોમાં કંઈક અલગ જ વાત હોય છે. રાજકુમાર હિરાણીના કિસ્સામાં પણ કંઇક એવું જ હોય છે. આ પ્રકારના લોકોની ફિલ્મમાં ખાસ પ્રકારની સહજતા હોય છે, આકસ્મિકતા હોય છે, સ્ક્રિપ્ટ પર પકડ હોય છે."
"હિરાણીના લેખનમાં હાસ્ય સાથે સમાજના ગંભીર મુદ્દાઓને પણ વણી લેવામાં આવે છે. કથાવસ્તુ એટલી રસપ્રદ હોય છે કે તમે તેમાં ખોવાઈ જાઓ છો."
તેઓ કહે છે, "પીકે એક ગંભીર પ્રકારની ફિલ્મ હતી પરંતુ તેમના સ્ક્રીન-પ્લેથી હિરાણીએ તેને મનોરંજક બનાવી દીધી."
"મુન્નાભાઈની કહાણી પણ અતિશય સાધારણ હતી પરંતુ તમને આજે પણ તેનાં પાત્રો યાદ છે. દર્શકોને શું ગમશે એ હિરાણીને ખબર છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ જોખમ લેવાથી ડરતા નથી."
આ એક વિચિત્ર સંયોગ છે કે 20 વર્ષ પહેલાં ડિસેમ્બરમાં હિરાણીની પહેલી ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ' રિલીઝ થઈ હતી અને રાજુ હિરાણીએ તેના માટે શાહરુખ ખાન સાથે વાત કરી હતી.
તે સમયે શાહરૂખ ‘દેવદાસ’ નું શૂટિંગ કરી રહ્યા હતા. પરંતુ પોતાના ઇલાજને કારણે શાહરૂખ ‘મુન્નાભાઈ’ ન કરી શક્યા.
જોકે, ફિલ્મની કહાણીને લઈને બંનેમાં ઘણી વાતો થતી હતી અને મુન્નાભાઇ ફિલ્મના ક્રેડિટ્સમાં પણ તમને શાહરુખ ખાનનું નામ દેખાશે.
વાઇરસથી ફૂનસુક વાંગડુ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
'મુન્નાભાઈ એમબીબીએસ', 'લગે રહો મુન્નાભાઈ', 'થ્રી ઇડિયટ્સ', 'પીકે' અને 'સંજુ'... આ બધી અલગ-અલગ પ્રકારની ફિલ્મો હતી.
સર્કિટ, વાયરસ સહસ્રબુદ્ધે, ફૂનસુખ વાંગડુ જેવા આ ફિલ્મોના પાત્રો પણ અનોખા હતા અને સંવાદો પણ પંચ લાઈનોથી ભરપૂર હતા.
જ્યારે મુન્નાભાઈનું પાત્ર ડૉક્ટરી શીખતી વખતે કહે છે, "206 ટાઇપ કી તો સિર્ફ હડ્ડી હૈ, તોડતે ટાઇમ અપુન લોગ સોચતે થે ક્યા?"
કે પછી મૃત્યુ અંગેનો આ ફિલસૂફીભર્યો ડાયલૉગ, "લાઇફ મેં જબ ટાઇમ કમ રહતા હૈ ન, ડબલ જીને કા ડબલ."
થ્રી ઇડિયટ્સનો ફરહાન જ્યારે કહે છે કે "દોસ્ત જબ ફેલ હો જાયે તો દુ:ખ હોતા હૈ લેકિન દોસ્ત જબ ફર્સ્ટ આયે તો જ્યાદા દુ:ખ હોતા હૈ" ત્યારે તે દર્શકોને ફિલ્મ સાથે જોડી દે છે.
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર રામાચંદ્રન શ્રીનિવાસન પ્રમાણે, ‘ડંકી’ માં શાહરૂખ જેવા સફળ સ્ટાર અને હિરાણી જેવા નિર્દેશકનું સાથે આવવું એ એક સ્પેશિયલ ઘટના છે.
વિભાજન સમયે પાકિસ્તાનથી આવ્યો હતો પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
હિરાણીના અંગત જીવનની વાત કરવામાં આવે તો દેશના વિભાજન સમયે તેમનો સિંધી પરિવાર પાકિસ્તાનથી આગ્રા પહોંચ્યો હતો અને નાગપુરમાં વસ્યો હતો. ત્યાં તેમના પિતાએ ટાઇપરાઇટિંગ શીખવવાનું કામ શરૂ કર્યું.
શાળાકીય અભ્યાસ પૂરો કર્યા પછી તેમને ઇજનેરીમાં પ્રવેશ ન મળતાં તેમણે કૉમર્સ અને સીએનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ તેમને અંક ગણિત સમજાતું ન હતું.
પછી એ જ થયું જે તેમણે તેમની ફિલ્મોમાં બતાવ્યું. ‘થ્રી ઇડિયટ્સ’ના ફરહાન કુરેશીએ તેમના પિતાને કહ્યું હતું, "મને એન્જિનિયરિંગમાં નથી ખબર પડતી. રૅન્ચો બહુ સિમ્પલ વાત કરે છે. જે કામમાં મજા આવે તેને તમારું પ્રૉફેશન બનાવો. પછી એ કામ કામ નહીં, રમત લાગશે."
રાજુ હિરાણીએ પણ તેમના પિતાને આવી જ વાત કહી અને તેમના પિતાએ બહુ સહજતાથી કહી દીધું કે ‘તો મત પઢો’.
પછી પિતાની સલાહ માનીને જ તેઓ પુણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં ગયા. જોકે, તેમને પહેલા વર્ષે ફિલ્મ નિર્દેશનમાં એડમિશન ન મળ્યું તો બીજા વર્ષે તેમણે એફટીઆઈઆઈમાં એડિટિંગમાં પ્રવેશ લીધો.
પહેલા ફિલ્મોના પ્રોમો એડિટ કરતા હતા

ઇમેજ સ્રોત, Getty Images
એડિટિંગની કળાએ જ રાજકુમાર હિરાણીની ફિલ્મ કારકિર્દીનો પાયો નાખ્યો જ્યાં તેમણે ટૂંકી ફિલ્મો વગેરેનું એડિટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી જાહેરાતો બનાવી.
જ્યારે વિધુ વિનોદ ચોપરા '1942 અ લવ સ્ટોરી' બનાવી રહ્યા હતા, ત્યારે હિરાણીને તે ફિલ્મનો પ્રોમો બનાવવા મળ્યો અને ત્યારપછી હિરાણીએ 'કરીબ'નો પ્રોમો પણ બનાવ્યો.
વર્ષ 2000માં હિરાણીને 'મિશન કાશ્મીર' એડિટ કરવાની તક મળી અને ત્યારથી હિરાણીએ નક્કી કર્યું કે તેઓ પોતાની ફિલ્મ બનાવશે.
લગભગ એક વર્ષ સુધી, હિરાણીએ કોઈ કામ કર્યું ન હતું અને માત્ર એક સ્ટોરી પર કામ કર્યું હતું જે મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા તેમના અસલ મિત્રોની આસપાસ ફરતી હતી.
અનિલ કપૂર, વિવેક ઑબેરૉયથી લઈને શાહરુખ સુધીના અનેક લોકો સાથે વાતચીત પછી રાજકુમાર હિરાણીએ સંજય દત્ત સાથે પોતાની પહેલી ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ' બનાવી.
રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં શરૂઆતમાં સંજય દત્ત એ રોલ કરી રહ્યા હતા જે જીમી શેરગિલે કર્યો હતો.
પરંતુ એવું નથી કે હિરાણી ટીકાથી પર છે. જ્યારે સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ 'સંજુ' આવી ત્યારે રણબીર કપૂરના કામની પ્રશંસા કરવામાં આવી હતી અને વિવેચકોએ તેને મનોરંજક ફિલ્મ ગણાવી હતી.
પરંતુ હિરાણીના ઘણા ચાહકોએ તેને 'પ્રોપગેન્ડા ફિલ્મ' પણ ગણાવી હતી.
ફિલ્મ ‘સંજુ’ ની થઈ હતી ટીકા

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ વિવેચક ઍના વેટ્ટિકાડે 2018માં ફર્સ્ટપોસ્ટ માટે લખેલી તેમની ફિલ્મ સમીક્ષામાં જણાવ્યું હતું કે, "રણબીર કપૂરે અદ્ભુત કામ કર્યું છે પરંતુ આ સંજય દત્તની એક અપ્રામાણિક બાયોપિક છે."
"રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીએ સંજય દત્તના જીવનમાંથી તેમની પસંદગીનાં તથ્યો લીધાં છે અને તે હકીકતોને પોતાના પ્રેમમાં ભીંજવી છે અને પછી હીરોને પડદા પર લાવવામાં આવ્યા છે."
"સંજય દત્તની ખામીઓ કે જે પહેલેથી જ જાણીતી છે, તેને હળવી કૉમેડી શૈલીમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવું હિરાણી જેવા દિગ્દર્શકે કર્યું કે જેમણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે."
ગિરીશ વાનખેડે કહે છે, "ઘણા લોકોએ સંજુની ટીકા કરી હતી કે એક વિવાદાસ્પદ અને જીવિત સ્ટાર પર ફિલ્મ કેવી રીતે બની શકે."
"એ ફિલ્મ એક પ્રચાર જેવી હતી કે જેમાં જેલમાં ગયેલી વ્યક્તિની વાર્તામાં વીરતા ઉમેરવામાં આવી હતી. પરંતુ હિરાણીએ આ પડકારને સ્વીકાર્યો અને તેને પણ સફળ બનાવી."

ઇમેજ સ્રોત, Getty Images
રાજકુમાર હિરાણીએ એડિટિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે પણ તેઓ તેમની ફિલ્મોને જાતે જ એડિટ કરે છે.
પોતાની ફિલ્મની કહાણી પણ તેઓ તેમના સાથી અભિજાત જોશી સાથે મળીને ખુદ લખે છે. હવે તો તેમનું પોતાનું પ્રૉડક્શન હાઉસ પણ છે.
ક્યારેક રાજ કપૂર, ઋષિકેશ મુખર્જી જેવી હસ્તીઓ પણ હતી જેમના નામ સાથે એવું લખવામાં આવતું હતું કે – નિર્દેશક, નિર્માતા, સ્ક્રીન-પ્લે, એડિટર.
આ બધા લોકોની સરખામણી કરવાની વાત નથી પરંતુ આજના સમયમાં રાજકુમાર હિરાણી પણ આ કાબેલ લોકોની લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યા છે.
એમ માની લો કે જાણે એ પણ તેમની ફિલ્મ થ્રી ઇડિયટ્સનો એક ડાયલૉગ યાદ કરી રહ્યા છે કે, ‘બચ્ચા કાબિલ બનો કાબિલ, કામયાબી તો ઝક માર કે પીછા કરેગી’.












