એનિમલ: મારધાડવાળું મનોરંજન કે સ્ત્રીઓ માટે ભયાનક આલ્ફા પુરુષનું મહિમાગાન

ઇમેજ સ્રોત, TWITTER/@ANIMALTHEFILM
ચેતવણી – આ બ્લોગમાં એનિમલ ફિલ્મના કેટલાંક દૃશ્યો અને વાક્યોનો ઉલ્લેખ કર્યો છે.
એનિમલ ફિલ્મની ચર્ચા આજકાલ ચોતરફ છે. આ ફિલ્મના નિર્દેશક સંદીપ વેંગા રેડ્ડી છે, જ્યારે મુખ્ય કલાકારો રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ છે.
એ દાવો પણ કરવામાં આવે છે કે ફિલ્મ હિટ છે અને ખૂબ કમાણી કરી રહી છે. વેપારની દૃષ્ટીએ સફળતાનો મતલબ તો બૉક્સ ઓફિસ પરની કમાણી જ હોય છે.
આ ફિલ્મ શું બતાવવામાં સફળ રહી છે? અને તે કેવા પ્રકારનાં સમાજની કલ્પના કરે છે?
આ ફિલ્મ વૈચારિક સ્તરે ખૂબ જ ખતરનાક દેખાઈ રહી છે. એને કોઈ પણ રીતે માત્ર મનોરંજન ન ગણી શકાય. આ સામાજિક સ્તરે ભયાનક છે અને સમાજનાં પૂર્વાગ્રહોને મજબૂત કરે છે.
આ આધુનિક સ્ત્રીઓની કહાણી છે, પરંતુ તેમની જિંદગી પર તેમનું નિયંત્રણ નથી. મુસલમાનોની એક ખાસ છબી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મ હિંસક અને દબંગ મર્દાનગીને પ્રોત્સાહન આપે છે.
હિંસા અને રક્તપાતની ભયાનક માયાજાળ

ઇમેજ સ્રોત, T-SERIES
આ ફિલ્મનાં કેન્દ્રમાં હિંસા અને વેર વાળવાની ભાવના છે. નાની-મોટી હિંસા નહીં, પરંતુ તેનુ ખૂબ જ પ્રભાવી સ્તર છે. મોટા પડદા પર આ ફિલ્મ ગોળીઓ અને રક્તપાતની માયાજાળ રચે છે.
હિંસાનું સૌથી બિભત્સરૂપ જોવા મળે છે અને ક્રૂર વ્યવ્હાર દેખાય છે. ફિલ્મમાં હત્યાની ભયાનક રીતો દેખાડવામાં આવી છે અને એવું કોઈ વિલન જ નહીં, પરંતુ ફિલ્મનો હીરો જ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે કામ પડદા પર હીરો કરે છે, તે જ તેની ખૂબીઓ કે ખાસિયત છે, અને ઘણી વખત તે પડદાની બહાર માણસોના વ્યવહારનો માપદંડ બની જાય છે.
એટલે સહજ સવાલ ઉઠે છે કે પડદા પર હિંસા કેમ દેખાડવામાં આવે છે? શું ફિલ્મમાં હિંસાનો મહિમા ગવાય છે કે પછી તેમાંથી બોધપાઠ લેવાનો કોઈ પ્રયાસ છે?
આ ફિલ્મમાં એવુ કશું જ નથી દેખાતું. પરંતુ તે હિંસાને ઉકેલ તરીકે રજૂ કરે છે. જેથી આ હિંસા, કોઈપણ સંજોગોમાં અસહ્ય હોવી જોઈએ.
પરંતુ દર્શકો આ હિંસા અને ચહેરા પર ઉડતા લોહીનો આનંદ માણે છે અને આ હિંસામાં સામેલ થઈ જાય છે.
'આલ્ફા પુરુષ'ની રચના

ઇમેજ સ્રોત, T-SERIES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મનો પાયો માત્ર એક શબ્દ છે – આલ્ફા પુરુષ! આ આલ્ફા પુરુષ શું છે?
ફિલ્મમાં રણબીર કપૂર રશ્મિકાને કહે છે કે સદીઓ પહેલાં આલ્ફા પુરુષો કેવા હતા – મજબુત પુરુષો. તેઓ જંગલમાં જઈને શિકાર કરતા અને તે શિકાર બીજા લોકોને વહેંચવામાં આવતો.
હીરો હિરોઈનને કહે છે કે મહિલાઓ રસોઈ કરતી અને બાળકો અને અન્યોને જમાડતી.
તે માત્ર જમવાનું જ નહોતી બનાવતી, પરંતુ તે એ પણ નક્કી કરતી શિકારીઓમાંથી કયા પુરુષ સાથે તે બાળક પેદા કરશે. કોણ તેની સાથે રહેશે અને તેનું રક્ષણ કરશે? સમુદાય આ જ રીતે ચાલતો.
હીરો જાણકારી આપે છે કે નબળા પુરુષો એનાથી ઊલટા હતા. તે શું કરતા? તેમની પાસે સ્ત્રીઓ શું કામ જતી?
તો નબળા પુરુષોએ કવિતા લખવાની શરૂ કરી હતી. તેઓ સ્ત્રીઓને મનાવવા માટે કવિતાઓમાં તારાઓ તોડીને લાવતા. સમાજ માટે જે કાંઈ પણ કરતા તે આલ્ફા પુરુષો કરતા અને નબળા પુરુષો માત્ર કવિતા લખતા.
માત્ર આ જ નહીં, હીરોના મતે શારીરિક રીતે નબળા લોકો સમાજ માટે બેકાર છે અને તેમની કોઈ જરૂરત નથી.
એટલા માટે સમાજમાં એવા જ લોકોનો જન્મ થવો જોઈએ જે શક્તિશાળી છે. આ વિચાર જ ખૂબ ભયાનક છે.
ફિલ્મનાં એક દૃશ્યમાં હીરો હિરોઇનને જોઈને અંગ્રેજીમાં કહે છે, “તારા નિતંબ ખૂબ જ મોટા છે. તું પોતાના શરીરમાં સ્વસ્થ બાળકોને જન્મ આપી શકે છે.”
હિરોઇનની સગાઈ એક યુવક સાથે નક્કી થઈ ચૂકી હતી. હીરોએ સૂચવ્યું કે તેનો મંગેતર કવિતા કરનારો એક નબળો માણસ છે. બીજી બાજુ, હીરો આલ્ફા પુરુષ છે. જેથી હિરોઇને હીરો સાથે જવું જોઈએ. અને અંતે હિરોઇન હીરો સાથે જાય છે અને લગ્ન પણ કરે છે.
આ આલ્ફા પુરુષ સ્ત્રીઓને શું બતાવી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
સદીઓ જૂની વાતો કેમ આજની સ્ત્રીઓને કેમ કહેવામાં આવી રહી છે? પુરુષ તેમને કેમ કહે છે કે સ્ત્રીઓને કેવા પુરુષ સાથે રહેવું જોઈએ? ક્યો પુરુષ મર્દ છે અને કોણ નહીં? આ વાત તેઓ આજની પેઢીની સ્ત્રીઓને કેમ કહી રહ્યો છે?
આ ફિલ્મમાં રણબીર કપૂરને એક મોટી બહેન છે જેણે વિદેશથી એમબીએ કર્યું છે. તેનાં લગ્ન થઈ ગયાં છે અને તે ઘરે રહે છે. રણબીરને તેનો પતિ બિલકુલ પસંદ નથી.
તે કહે છે, “હું નાનો હતો નહીંતર આ લગ્ન ન થવા દેત.” આ બનેવી હીરોનાં પિતાની હત્યા કરવાનાં કાવતરામાં સામેલ હતો.
આ રીતે ફિલ્મ બહેનનાં નિર્ણયને પણ ખોટો અને હીરોની વાતને સાચી સાબિત કરે છે.
આ ફિલ્મમાં હીરો એક દૃશ્યમાં પોતાની નાની બહેનને કહે છે કે, “જે હાથ તારી માંગમાં સિંદૂર ભરશે, તે પહેલા હું એ હાથની દરેક રેખાઓની ચકાસણી કરીશ. હું તારા માટે સ્વયંવર કરાવીશ.”
એટલું જ નહીં, તે પોતાની બહેનને કયો દારૂ પીવો જોઈએ તે પણ કહે છે. આ પિતૃસત્તાનું મધુર સ્વરૂપ છે, જ્યાં તે પ્રેમ દેખાડીને લોકોની જિંદગીને નિયંત્રિત કરે છે.
આલ્ફા એટલે દબંગ, ગુંડાછાપ ઝેરી મર્દાનગી

ઇમેજ સ્રોત, Getty Images
આવા મર્દ દબંગ હોય છે, તેઓ લોકો પર નિયંત્રણ રાખે છે. તેઓ સ્ત્રીઓ પર નિયંત્રણ રાખે છે. લોકો તેમનાથી ડરે છે અને ડરીને સમ્માન કરે છે.
આ ફિલ્મનો હિરો બધાનો રક્ષક બનવાની કોશિશ કરે છે. તેની પાસે બધી સમસ્યાનું સમાધાન હિંસા છે.
તે આવું જ સમાધાન સ્કૂલમાં કરે છે. જ્યારે તે સ્કૂલમાં ભણતો હતો, ત્યારે તેની બહેનને કૉલેજના થોડા છોકરાઓ ખૂબ પરેશાન કરતા હતા.
જ્યારે રણબીરને આ વાતની ખબર પડે છે ત્યારે તે ભરેલી ક્લાસમાં મોટી બહેનને લઈને પહોંચી જાય છે. ક્લાસમાં ગોળીઓ ચલાવે છે, અને ખૂબ જ ગર્વથી કહે છે કે, “તારી સુરક્ષા માટે હું કઈ પણ કરી શકું છું.”
મોટી બહેનની સુરક્ષા નાના ભાઈના હાથમાં છે. તે જાણીને તેના પિતા અનિલ કપૂર ખૂબ જ નારાજ થાય છે. ત્યારે તે પિતાને કહે છે આવી સંપત્તિનો શું ફાયદો જ્યારે હું મારી બહેનની સુરક્ષા પણ ન કરી શકું. પિતા પછી તે જ છે, જેણે પરિવારની રક્ષા કરવાની છે.
કેમ? કેમકે તે મર્દ છે. ભલેને ઉંમરમાં નાનો હોય.
આ ફિલ્મ પિતૃસત્તાનું સ્પષ્ટ ઉદાહરણ છે

ઇમેજ સ્રોત, Getty Images
પિતૃસત્તાનાં મૂળ આટલાં ઊંડા કેમ છે તે આ ફિલ્મ સમજાવે છે.
પિતૃસત્તા કેમ કામ કરે છે આ ફિલ્મ તેનું ઉદાહરણ છે. પિતા અને માત્ર પિતા જ આ ફિલ્મની બનાવટમાં સામેલ છે.
ફિલ્મની શરૂઆતથી જ પુત્રનો પિતા માટે પ્રેમ દેખાય છે, પરંતુ આ પ્રેમ એક માતા-પિતા પ્રત્યેનો સામાન્ય પ્રેમ નથી. તેને પિતા જેવું બનવું છે. માં તેના જીવનમાં ગૌણ છે. તે પિતા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તે પિતાના જન્મદિવસ પર ભેટરૂપે પોતાના લાંબા વાળ કપાવી નાખે છે.
તે બળવો કરીને ઘર છોડીને વિદેશ ચાલ્યો જાય છે, પરંતુ જ્યારે તેના પિતા પર હમલો થાય છે ત્યારે તેનું વેર વાળવા માટે તે વિદેશથી પાછો આવી જાય છે.
આ ફિલ્મમાં તેના દાદા, તેના ભાઈ, ભાઈનાં દીકરાઓ એટલે કે પુરુષોની દુનિયા સક્રિય છે અને આ દુનિયામાં સ્ત્રીઓને માત્ર કઠપુતળીઓની જેમ દેખાડવામાં આવે છે.
આવી સમાનતાથી સ્ત્રીઓને કશું નહીં મળે

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મમાં હિરોઇનને કેટલાંક દૃશ્યોમાં બરાબરી સાથે વિવાદ કરતા અને એક-બે જગ્યાએ થપ્પડ મારતી પણ દેખાડવામાં આવે છે. આ કેવી સમાનતા છે?
આ પ્રકારની સમાનતામાં કોઈ સમાનતા નથી. કારણ કે અંતે તો સ્ત્રી પુરુષનાં નિયંત્રણ હેઠળ જ રહે છે.
એક દૃશ્યમાં હીરો કહે છે, પતિ-પત્નીનાં સબંધમાં પતિનો ડર હોવો જોઈએ. ડર ગયો તો બધું જ ગયું.
એક વખત હિરોઇન પોતાની મરજી પ્રમાણે એક ગાઉન જેવું વસ્ત્ર પહેરે છે. આ વાતનો હીરો વિરોધ કરે છે. હિરોઇન આખી ફિલ્મમાં સલવાર સૂટ કે સાડીમાં જ દેખાય છે. તે સંસ્કારી છે અને ધાર્મિક રીતરિવાજોનું પાલન કરે છે.
આલ્ફા મર્દાનગી અને સેક્સ

ઇમેજ સ્રોત, Getty Images
દબંગ મર્દાનગીનો સેક્સ સાથે ઊંડો સંબંધ છે. આલ્ફા પુરુષ જાતીય સબંધોને લઈને ખૂબ જ ચિંતિત હોય છે અને સાથે-સાથે તે એ પણ સાબિત કરવાં માંગે છે કે જાતીય સંબંધોમા તે કેટલો શક્તિશાળી છે.
તેની જાતીય ઇચ્છાઓ કેટલી મજબુત છે અને એ ક્રિયામાં તે કેટલો સક્ષમ છે. આ ફિલ્મમાં એ વાત અનેક સ્તરો પર વારંવાર જોવા મળે છે. જાતીય સંબંધોનાં પ્રદર્શનની વાત પણ વારંવાર આવે છે.
હીરો જ નહીં વિલન પણ જ્યારે મન થાય અને જ્યાં મન થાય ત્યાં જાતીય સબંધ બનાવે છે. માત્ર એટલું જ નહીં તે લગ્ન પછી પણ બીજી સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો રાખે છે અને તે દરમિયાન પોતાના શરીર પર પડેલાં નિશાનોને ગર્વથી દેખાડે છે.
આ તેની આલ્ફા પુરુષ હોવાની નિશાની છે. જ્યારે જાતીય સબંધ દરમિયાન સ્ત્રી નિષ્ક્રિય દેખાય છે. જે કાંઈ પણ કરવાનું છે, તે પુરુષે કરવાનું છે. ફિલ્મનો એક પ્રભાવી સ્વર આ એક દબંગ મર્દાનગીભરેલો જાતીય સંબંધ પણ છે.
દુશ્મન પોતાનું ધર્માંતરણ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
રણબીર કપૂર જે પરિવારમાં જન્મે છે તે ખૂબ જ અમીર છે. પિતા અનિલ કપુરનો સ્ટીલનો વેપાર છે. કંપનીનું નામ સ્વસ્તિક છે અને શક્તિ, પ્રગતિ અને વિજય તેનું સૂત્ર છે.
આ એક મોટો સંયુક્ત પરિવાર છે. પરિવારમાં એક ભાઈ વર્ષો પહેલાં સંપતિના ઝઘડાને કારણે અલગ થઈ જાય છે. તે માત્ર અલગ થયા હોત તો આ વાત સામાન્ય હોત.
તે વિદેશ જઈને મુસલમાન બની જાય છે. મતલબ, દુશ્મન પોતાનું ધર્માંતરણ કરે છે અથવા તો બીજા ધર્મવાળા દુશ્મન હોય છે.
ફિલ્મ એ પણ દર્શાવે છે કે તેઓ ધર્માંતરણ કરીને મુસલમાન બન્યાં છે એટલે તેમની ઘણી પત્નીઓ અને બાળકો છે. માત્ર એટલું જ નહીં તેમનાં પુત્રની પણ ત્રણ પત્નીઓ છે. શું તમને કંઈ ધ્યાનમાં આવ્યું? કોઈ નફરત ભરેલા સૂત્રોચ્ચાર ધ્યાનમાં આવ્યા?
જેવા કે – અમે પાંચ અને અમારા પચ્ચીસ! આ જે પરિવાર ધર્માંતરણ કરીને મુસલમાન બની ગયો છે તે સ્વસ્તિક પર કબજો કરવા માંગે છે. તેઓ બીજા લોકો માટે ખતરો છે. તેઓ ક્રૂર છે.
તેમને ખતમ કરવા માટે સંયુક્ત પરિવારના બાકીના સભ્યો એકસાથે મળી જાય છે. જે પરિવારના જ એક મોટા મુસલમાન દુશ્મનને ખત્મ કરે છે. પરંતુ આ દુશ્મનનો ખતરો ટળ્યો નથી અને સ્વસ્તિકને હાલ પુરતી બચાવી લેવાઈ છે અને આગળ પણ આ રીતે બચાવી શકાય છે.
આ ફિલ્મની લોકપ્રિયતા શું આપણા સમાજ વિશે કશું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી મોટો સવાલ એ છે કે આજનાં સમયમાં આ ફિલ્મ આટલી લોકપ્રિય કેમ થઈ રહી છે?
ફિલ્મનાં દર્શકોમાં એક મોટો વર્ગ છોકરીઓ અને સ્ત્રીઓનો પણ છે. તે આ પ્રકારની મર્દાનગીને કેવી રીતે જોઈ રહી છે?
ફિલ્મ એક શક્તિશાળી માધ્યમ છે. તે લોકોના દિલ અને મગજ પર અસર કરે છે, અને તે સમાજનું દર્પણ છે. આપણે કેવો સમાજ બનાવવા ઇચ્છીએ છીએ તે બતાવવાનું માધ્યમ પણ છે.
આપણો દેશ અને સમાજ હાલમાં દબંગ મર્દાનગીનાં સમયમાંથી પસાર થઈ રહ્યો છે. રાષ્ટ્ર, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ બધામાં આ દબંગ અને ગુંડાછાપ મર્દાનગીની અસર જોઈ શકાય છે.
આ બધાથી સ્ત્રીઓ અને તેમની જિંદગી વણસ્પર્શી નથી રહી શકતી.
આ ફિલ્મ પર ચર્ચાની જરૂર શું છે?

ઇમેજ સ્રોત, T-SERIES
આ હિટ ફિલ્મ પર એટલા માટે ચર્ચા જરૂરી છે કારણ કે આવી ફિલ્મ સામાન્ય રીતે ચર્ચાનો વિષય બનતી હોય છે. અને આ વિષય છે, સ્ત્રીઓને કેટલી આઝાદી મળવી જોઈએ અને પુરુષ કેવા હોવા જોઈએ.
તેની સાથે જ જોડાયેલી એક વાત તે પણ છે કે આવી ફિલ્મો કેવા સમાજની કલ્પના કરતી હોય છે. એનિમલ ફિલ્મ જે રીતે આલ્ફા પુરુષોને દર્શાવે છે, તે પુરુષોનાં એક ખાસ વર્ગને એક ચોક્કસ પ્રભાવશાળી ઢાંચામાં કેદ કરે છે.
માત્ર એટલું જ નહીં, આલ્ફા પુરુષો સ્ત્રીઓને પણ એક ચોક્કસ ભૂમિકામાં કેદ કરીને રાખે છે. તે સ્વતંત્રતા આપે છે, પરંતુ સ્ત્રીની સ્વંતત્રતાની દોરી તેમનાં હાથમાં છે.
છોકરીઓ પાસે આધુનિક તાલીમો છે, પણ તેમની પ્રાથમિક જવાબદારીઓ શું છે, તે આલ્ફા પુરુષ નક્કી કરી રહ્યા છે. તે માતા, બહેન કે પત્ની બનીને તે ઘરનાં લોકોનાં ભરણ-પોષણની જવાબદારી સંભાળે છે.
તેઓ શું પહેરશે, શું પીશે, તે પોતે નક્કી નથી કરતી. તેમની રક્ષાની જવાબદારી વર્ષો પહેલાં પણ પુરુષો પાસે જ હતી અને આજે પણ છે. પરંતુ ધ્યાનમાં રહે કે તે પુરુષ કોઈ સામાન્ય મર્દ નથી. તે આલ્ફા છે. દબંગ છે. શારીરીક રીતે બળવાન છે. વેર વાળનારો અને લોહીથી રમવાનારો છે.
ફિલ્મ અનુસાર જે પુરુષો આવા નથી તે નબળા અને કવિતા કરનારા પુરુષો છે. આ એક ભયાનક વિચાર છે. સમાજમાં મોટાભાગનાં પુરુષો આવા જ છે.
આલ્ફા પુરુષો જન્મ નથી લેતા, તેમને આલ્ફા બનાવવામાં આવે છે. પુરુષોનું આલ્ફા બનવું પુરુષો અને સ્ત્રીઓ અને સમાજ માટે નુકશાનકારક અને ભયાનક છે.
આ ફિલ્મ ઘણાં સ્તરો પર વાત કરી રહી છે, એટલે આ ફિલ્મમાં અનેક એવી વાતો છે, જેના વિશે વિસ્તૃત ચર્ચા શક્ય છે.
અંતમાં, કોઈ પણ માણસને ‘એનિમલ’ એટલે કે જાનવર શું કામ કહેવો જોઈએ? કેવા પ્રકારના માણસોને જાનવર કહેવા જોઈએ? જો આવા માણસોનાં ગુણો કે અવગુણોની યાદી બનાવવામાં આવે તો તે યાદી કેવા પ્રકારની હશે?
આ યાદી જોઈને પ્રાણીઓનો કોઈ સમૂહ વાંધો ઉઠાવશે ત્યારે શું થશે? શું આ તુલના પશુઓના અધિકારના દાયરામાં છે કે તેમની સાથે અન્યાય છે?
માત્ર એટલું જ નહીં, જેને એનિમલ કહેવામાં આવી રહ્યો છે, આ ફિલ્મ તે એનિમલ પ્રત્યે આકર્ષણ ઊભું કરે છે. એનિમલ જ હીરો છે.
મતલબ કે આવા દબંગ અને ઝેરી મર્દાનગીવાળાં વર્તનને કોઈ જાનવર કહે તો તેને ટીકા નહીં પણ પ્રશંસા ગણવી જોઈએ.












