યુવાન દંપતીઓની જિંદગીમાંથી કેમ ગાયબ થઈ રહ્યું છે સેક્સ?

પરિણીત કપલોમાં સેક્સની રુચિ કેમ ગાયબ થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આદર્શ રાઠોર
    • પદ, બીબીસી હિન્દી માટે

"જો અમને સમયસર યોગ્ય કાઉન્સેલિંગ ન મળ્યું હોત, તો અમારાં લગ્ન કદાચ તૂટી ગયાં હોત."

ગુરુગ્રામમાં રહેતા ઍન્જિનિયર મનીષ (નામ બદલ્યું છે)નાં લગ્ન 2013માં થયાં હતાં, પરંતુ સાત વર્ષની અંદર એટલે કે વર્ષ 2020 સુધીમાં પત્ની સાથેના સંબંધો ખરાબ થઈ ગયા હતા.

તેમણે કહ્યું હતું કે, "બધું બરાબર હોવા છતાં, અમારી વચ્ચે બહુ ઓછા શારીરિક સંબંધો હતા. લગભગ પાંચ વર્ષ સુધી આવું જ ચાલ્યું અને પછી તેની અસર સંબંધો પર દેખાવા લાગી. અંતે અમારે મૅરેજ કાઉન્સેલરની મદદ લેવી પડી."

મનીષ અને તેમનાં પત્ની બંને નોકરી કરે છે. તેમની સાથે જે થયું તે અસામાન્ય વાત નથી.

દુનિયાભરમાં જોવા મળે છે કે યુવા યુગલો, ખાસ કરીને વિવાહિત યુવાનોમાં સેક્સ પ્રત્યે અરુચિ વધી રહી છે. ખાસ કરીને મિલેનિયલ્સ કહેવાતી પેઢીમાં.

1980 ના દાયકાની શરૂઆતથી 1990ના દાયકાના અંત વચ્ચે જન્મેલા લોકોને મિલેનિયલ્સ અથવા જનરેશન Y કહેવામાં આવે છે. તેમની ઉંમર હાલ 25થી 40 વર્ષ વચ્ચે છે.

એવું માનવામાં આવે છે કે આ એ ઉંમર છે, જ્યારે મનુષ્ય શારીરિક સંબંધોને લઈને સૌથી વધુ સક્રિય હોય છે. તેને જાતીય પ્રાઇમ ટાઇમ પણ કહેવામાં આવે છે. પરંતુ આ દરમિયાન તેમનામાં સેક્સની ઇચ્છા ઘટી જવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

બીબીસી ગુજરાતી

સેક્સની રુચિમાં ઘટાડો

યુવાઓ સેક્સમાં કેમ રૂચિ ધરાવતા નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયાના યુનિવર્સિટીની કિન્ઝી ઇન્સ્ટિટ્યૂટ અને સેક્સ ટૉય વેચતી કંપની ‘લવ હની’એ વર્ષ 2021માં 18થી 45 વર્ષની વયના અમેરિકન યુવાનોમાં એક સરવે કર્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સરવે અનુસાર ગયા વર્ષે વિવાહિત યુગલોમાં સેક્સની ઇચ્છા ઘટવાની સમસ્યા સૌથી વધુ મિલેનિયલ્સમાં જોવા મળી હતી.

આ મુજબ, પરિણીત મિલેનિયલ્સમાં 25.8 ટકા લોકોને સેક્સમાં રસ ઓછો થઈ ગયો હતો, જ્યારે તેમના પછીની પેઢી (જનરેશન Z)માં 10.5 ટકા અને તેમની પહેલાંની પેઢી (જનરેશન X)માં 21.2 ટકાને જ આ ફરિયાદ હતી.

1965 અને 1980ની વચ્ચે જન્મેલા લોકોને જનરેશન X અને 1990ના દાયકાના અંત અને 2010 ના દાયકાની શરૂઆતમાં જન્મેલા લોકોને જનરેશન Z ગણવામાં આવે છે.

મનોવૈજ્ઞાનિક શિવાની મિસ્ત્રી સાધુ દિલ્હીમાં કપલ થેરાપિસ્ટ એટલે કે કપલ્સ કાઉન્સેલિંગ તરીકે કામ કરે છે.

તેઓ પણ મિલેનિયલ્સમાં સેક્સ પ્રત્યે અરુચિના મામલમાં વધારો જોઈ રહ્યાં છે.

તેમણે કહ્યું કે, "ઓછી ઉંમરના વિવાહિત કપલો, ખાસ કરીને મિલેનિયલ્સ જણાવે છે કે તેમનામાં સેક્સની ઇચ્છા ઘટી છે અને તેઓ શારીરિક સંબંધો પણ ઓછા બનાવી રહ્યા છે."

પરિણીતોમાં શારીરિક સંબંધો બાંધવાનું પ્રમાણ ખૂબ ઘટી જવા અથવા બંધ થઈ જવાને સેક્સલેસ મૅરેજ કહેવામાં આવે છે, એટલે કે એવાં લગ્ન જેમાં પતિ પત્ની લગભગ ન બરાબર જાતીય સંબંધો બાંધતા હોય.

નિષ્ણાતોના મતે, જો દંપતી વર્ષમાં 10 કરતા ઓછી વખત સેક્સ કરે છે, તો આવાં લગ્નને સેક્સલેસ મૅરેજ માનવામાં આવે છે.

કિન્ઝી ઇન્સ્ટિટ્યૂટના સંશોધક જસ્ટિન લેહમિલર કહે છે કે, "જ્યારે પતિ-પત્નીમાંથી એક અથવા બંનેમાં સેક્સની ઇચ્છા ઓછી થઈ જાય, ત્યારે તેમનામાં શારીરિક સંબંધો ઓછા થાય છે. સેક્સની ઇચ્છાનો અભાવ લગ્નને સેક્સલેસ બનાવી શકે છે."

બીબીસી ગુજરાતી

કપલોમાં કેમ વધી રહ્યું છે ‘અંતર’

પરિણીત યુવાઓમાં કેમ અંતર વધી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના કૅલિફોર્નિયામાં સેક્સ થેરાપિસ્ટ ક્રિસ્ટીન લોઝાનો કહે છે કે, "ઇચ્છાઓમાં અસંતુલન એ એક એવો વિષય છે કે જેની પર ધ્યાન આપવામાં ન આવે તો સમય સાથે તે વધતું જાય છે. જો કોઈ વ્યક્તિ વારંવાર પહેલ કરે અને તેમના પાર્ટનર તેમને ગણકારે નહીં, તો તેમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે."

"સાથે ન ગણકારનારા સાથીને પણ પસ્તાવો થશે. જેના કારણે એવી સ્થિતિ સર્જાય છે કે જાતીય ઉત્તેજના પ્રભાવિત થવા લાગે છે."

તેઓ કહે છે કે, "અન્ય તબીબી અથવા માનસિક કારણો પણ છે જેનાથી સેક્સ કરવું અશક્ય, પીડાદાયક, મુશ્કેલ અથવા અરુચિકર થઈ જાય છે."

"વ્યસ્તતા, કામનો બોજ અને બાળકોના કારણે પણ સેક્સમાં ઘટાડો થઈ શકે છે. પતિ-પત્નીનું એકબીજાની ઇચ્છાઓ વિશે વાત ન કરવું એ પણ એક કારણ છે."

એવું નથી કે માત્ર એક પેઢીને જ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ નિષ્ણાતો આ મામલે મોટો ફેરફાર જોઈ રહ્યા છે.

સાન ફ્રાન્સિસ્કોમાં સેક્સ થેરાપિસ્ટ સેલેસ્ટ હર્શમૅન કહે છે કે, "પહેલાં, લગ્નનાં 10-15 વર્ષ પછી શારીરિક સંબંધો બાંધવાનું પ્રમાણ ઘટતું હતું, પરંતુ હવે આવું લગ્નનાં ત્રણથી પાંચ વર્ષે ઘટી રહ્યું છે."

છેલ્લાં 30 વર્ષથી સેક્સ થેરાપિસ્ટ અને કૅલિફોર્નિયા યુનિવર્સિટીમાં મનોરોગ ચિકિસ્તાના આસિસ્ટન્ટ પ્રોફેસર કિંબરલી એન્ડરસન કહે છે કે, "30 વર્ષ પહેલાં મારી પાસે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો આવી સમસ્યા લઈને આવતા હતા. આ એવા લોકો હતા જેમની જાતીય ઇચ્છા વય-સંબંધિત રોગો અથવા હોર્મૉનમાં ફેરફારોને કારણે ઓછી થતી જતી હતી. પરંતુ આજકાલ 45 વર્ષથી ઓછી ઉંમરના કપલોના લગ્ન પણ સેક્સલેસ થઈ રહ્યા છે."

બીબીસી ગુજરાતી

અન્ય ઘણા પ્રકારના ફેરફારો

પરિણીત યુવાઓમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની કન્ઝિ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક જસ્ટિન લેહમિલર કહે છે કે, "વધુ પડતો સ્ટ્રેસ એટલે કે તણાવની પણ જાતીય ઇચ્છા પર ઊંડી અસર પડે છે અને મિલેનિયલ્સ તેમની અગાઉની પેઢી કરતાં વધુ તણાવનો સામનો કરી રહ્યા છે."

આ તણાવનાં ઘણાં કારણો પણ છે. જેમ કે યુકે સ્થિત કાઉન્સેલિંગ નેટવર્ક ‘રિલેટ’ દ્વારા 2018માં કરવામાં આવેલા અભ્યાસ મુજબ, "30થી 40 વચ્ચેની ઉંમરના 61 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના નાનાં બાળકોની સંભાળ રાખવાને કારણે ઓછું સેક્સ કરી શકે છે. 31 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમની જાતીય ઇચ્છા બાળકના જન્મ પછી ખતમ થઈ ગઈ છે."

આ સિવાય મિલેનિયલ્સ પર કારકિર્દીમાં સફળ અને આર્થિક રીતે મજબૂત બનવાનું પણ દબાણ રહે છે. કામના ભારને કારણે તેઓ તણાવનો પણ સામનો કરી રહ્યા છે.

ગ્લોબલ કન્સલ્ટિંગ કંપની ‘ડેલૉઈટ’ દ્વારા પાંચ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, "38 ટકા મિલેનિયલ જણાવે છે કે તેમની પર કામનું દબાણ ખૂબ વધારે રહે છે. આ તણાવ સહન કરવામાં પુરુષો (36 ટકા) કરતાં મહિલાઓ (41 ટકા) ની સંખ્યા વધુ છે."

જસ્ટિન લેહમિલરના જણાવ્યા મુજબ, "મોટા ભાગના મિલેનિયલને તેમની કારકિર્દીની શરૂઆત મંદી દરમિયાન (2008)માં કરી હતી અને હવે તેમને કોરોના મહામારીનો ફટકો પણ ઝેલવો પડ્યો હતો.”

સાથે જ્યારે ટેકનૉલૉજી પણ ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે તેમને પહેલાં કરતાં વધુ મહેનત કરવી પડશે. તેઓ વર્કોહૉલિક બની ગયા છે.

વધુ પડતું કામ કરવાને કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે તેઓ દિવસના અંતે સેક્સ કરવા માટે ખૂબ થાકી ગયા હોય છે.

બીબીસી ગુજરાતી

સોશિયલ મીડિયા અને પોર્ન

યુવાઓ શેની પર વધુ ધ્યાન આપી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

યુવાનોની સેક્સ લાઇફ પર સોશિયલ મીડિયા અને પોર્નની અસરને અવગણી શકાય નહીં.

નિષ્ણાતો કહે છે કે સોશિયલ મીડિયા પર ઘણા બ્યુટી ફિલ્ટર્સ હોય છે. એવામાં વાસ્તવિક જીવનમાં કેટલાક લોકો તેમના શરીરને લઈને હીનભાવના અનુભવે છે.

કાઉન્સેલિંગ નેટવર્ક ‘રિલેટ’ ના એક સરવે અનુસાર, "30 વર્ષથી ઓછી ઉંમરના જે યુવાનો ઓછું સેક્સ કરી રહ્યા હતા, તેમનામાં 37 ટકા તેમના શરીરને લઈને હીનભાવનાનો શિકાર હતા."

સાથે ન્યૂયૉર્કના સેક્સ થેરાપિસ્ટ સ્ટીફન સ્નાઈડર કહે છે કે, "મોટા ભાગના મિલેનિયલ્સ જ્યારે મોટા થઈ રહ્યા હતા, ત્યારે ઇન્ટરનેટ પર પોર્નની ઉપલબ્ધતા વધી રહી હતી. હવે એ જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો વાસ્તવમાં સેક્સ કરતાં પોર્ન જોઈને વધુ આનંદ અનુભવ કરે છે."

બીબીસી ગુજરાતી

શું છે સમાધાન?

સેક્સને લઈને ઊભી થઈ રહેલી સમસ્યાઓનું શું છે સમાધાન

ઇમેજ સ્રોત, Getty Images

તણાવ પેદા કરતાં કારણો સંપૂર્ણપણે જીવનમાંથી દૂર કરી શકાતાં નથી અને પોર્ન કે સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ દૂર કરી શકાતો નથી. તો આ કારણોસર લગ્નને સેક્સલેસ બનતા કેવી રીતે બચાવવું?

મનોવૈજ્ઞાનિક શિવાની મિસ્રી સાધુ કહે છે કે, "જરૂરી છે કે શારીરિક સંબંધોમાં પતિ-પત્ની બંનેની ઇચ્છાઓ સામેલ હોય અને બંનેને સંતોષ મળે."

"તમારે એકબીજા સાથેનો સંવાદ, વિશ્વાસ અને એક બીજાની ઇચ્છાઓ અને સીમાઓનું ધ્યાન રાખવું જોઇએ. સંબંધ કેટલી વાર બને છે તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તમારી વચ્ચે સંબંધો કેવી રીતે બની રહ્યા છે, તેમાં આનંદ, આત્મીયતા અને ખુશી છે કે નહીં."

નિષ્ણાતોનું કહેવું છે કે સારી સેક્સ લાઇફ તેને કહી શકાય જેમાં સંવાદ, આનંદ, સંતોષ અને સંબંધને લઈને સંપૂર્ણતાનો ભાવ હોય.

સત્ય એ છે કે શારીરિક સંબંધોમાં રસનો અભાવ એક એવો વિષય છે જેના પર લોકો તેમના પાર્ટનર સાથે વાત કરતા શરમાય છે. પરંતુ નિષ્ણાતો સલાહ આપે છે કે જો આવું હોય તો મૅરેજ કાઉન્સેલર અથવા સેક્સ થેરાપિસ્ટની મદદ લેવી જોઈએ.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી