છોકરાઓ અને પુરુષોએ પિરિયડ્સ વિશે જાણવું જોઈએ કેમ કે...

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નાસિરુદ્દીન
    • પદ, બીબીસી હિંદી માટે

તાજેતરમાં મહારાષ્ટ્રના ઉલ્લાસનગરથી એક સમાચાર સામે આવ્યા હતા કે 12 વર્ષની છોકરીને પહેલી વખત પિરિયડ્સ આવ્યા.

સમાચાર માત્ર આટલા જ નથી. પિરિયડ્સના લોહીના ડાઘા એ છોકરીનાં કપડાં પર લાગેલા હતા. અહેવાલો મુજબ એ ડાધા તેના ભાઈએ જોયા અને તેણે એ બાબત જાતીય સંબંધ સાથે જોડી લીધી. જે સીધા પરિવારની ઇજ્જત પર ગયું અને છેવડે એ બાબત બાળકી પર જુલમનું કારણ બની. આ જુલમે બાળકીનો જીવ લીધો.

દેખીતી રીતે, જ્યારે સ્ત્રી પર હિંસા થાય છે, ત્યારે તેનાં ઘણાં કારણો હોય છે. પોલીસે ભાઈ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પરંતુ આ કિસ્સામાં માસિક સ્ત્રાવ વિશેની ઓછી માહિતીની વારંવાર ચર્ચા કરવામાં આવી રહી છે.

આજના યુગમાં છોકરાઓને પિરિયડ્સ વિશે જાણ ન હોવી એ આશ્ચર્યજનક બાબત છે, પણ સત્ય છે, ભલે ને તે પરિણિત પુરુષ હોય. ઘણા પુરુષો પિરિયડ્સને સ્ત્રીના લોહીનો એક ભાગ જ ગણે છે. તેમના માટે સ્ત્રીના શરીરમાંથી રક્તસ્ત્રાવનો અર્થ ફક્ત જાતીય સંબંધો છે.

હકીકતમાં જ્યારે માસિક સ્ત્રાવ એટલે કે પિરિયડ્સ વિશે સંપૂર્ણ જ્ઞાન ન હોય ત્યારે ઊભી થતી સમસ્યાઓ વિશે પણ વ્યક્તિને બિલકુલ જ્ઞાન ન હોય એવું બની શકે.

પિરિયડ્સ કોઈ રોગ નથી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શું છોકરાઓ અને પુરુષો જાણે છે કે પિરિયડ્સ એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે?

પિરિયડ્સ સામાન્ય છે. તે કોઈ રોગ નથી. આ પ્રક્રિયા સ્ત્રીઓમાં દર મહિને એક વખત જોવા મળે છે. આ એક ચક્ર છે. જે સરેરાશ 28 દિવસનું હોય છે.

પિરિયડ્સ સામાન્ય રીતે 12થી 35 દિવસમાં ગમે ત્યારે આવી શકે છે. માસિક સ્ત્રાવ દરમિયાન ગર્ભાશયની અંદરથી લોહી બહાર આવે છે.

પિરિયડ્સ શરૂ થવાનો અર્થ એ છે કે સ્ત્રીનું શરીર ગર્ભાવસ્થા માટે તૈયાર થવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે.

તે સ્ત્રીના શરીરમાં થતા હૉર્મોનલ ફેરફારોને પણ દર્શાવે છે.

બીબીસી ગુજરાતી

વિવિધ ગેરસમજો વચ્ચે સ્ત્રીઓનું જીવન

પિરિયડ્સને લઈને આપણા સમાજમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે. તેમાં એવા પણ ઘણા રિવાજો છે જે મહિલાઓના જીવને જોખમમાં મૂકી શકે છે.

ઘણા સમાજો અને ધર્મોમાં પિરિયડ્સ દરમિયાન મહિલાોને અપવિત્ર માનવામાં આવે છે. એટલા માટે તેમને પૂજા અને પ્રાર્થનાથી દૂર રહેવું પડે છે, રમજાનના મહિનામાં ઉપવાસથી દૂર રહેવું પડે છે.

કેટલીક જગ્યાઓએ પિરિયડ્સ દરમિયાન મહિલાઓને અલગ રાખવાનો પણ રિવાજ છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પિરિયડ્સ વિશે વાત કરવાનો અર્થ નથી કે 'પૅડ' વિશે વાત કરવી

છોકરા હોય કે પુરુષો તેમને આ મહત્ત્વપૂર્ણ વાત એક સહસ્ય જેવી લાગે છે. જોકે, ટીવી પર આવતી જાહેરાતો અને પિરિયડ્સને લઈને વધી રહેલી ચર્ચાએ ચોક્કસપણે જાગૃતિ વધારી છે.

જોકે, આ જાગૃતિ સેનેટરી પૅડ્સના અવકાશ સુધી મર્યાદિત રહી છે એટલે કે પિરિયડ્સ જેવી કોઈ વસ્તુ હોય છે. એ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. પૅડ સિવાય બીજું કંઈ વાપરવું ન જોઈએ. પણ વાત અહીં સુધી સીમિત નથી. આ તો છોકરીઓના પ્રજનન અને જાતીય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વાત છે, જે વર્ષો સુધી દર મહિને તેમના જીવનને એક ચોક્કસ માળખામાં બાંધવાનો પ્રયાસ કરે છે.

છોકરાઓએ શા માટે પિરિયડ્સ વિશે જાણવું જોઈએ

પુરુષો અને છોકરાઓને સ્ત્રીઓનાં પ્રજનન અને જાતીય સ્વાસ્થ્ય વિશે શું જાણકારી હોય છે? શું તેમને ખબર છે કે છોકરીઓ માટે જીવનભર મહિનાના એ છ-સાત દિવસો કેવા હોય છે? જો ન ખબર હોય તો જાણવું પડશે.

તેના વગર આપણે પોતાની બહેન, સ્ત્રી મિત્ર કે પછી પત્નીનો સ્વભાવ એટલે કે મૂડ વિશે જાણી શકીશું નહીં.

દર મહિનાના આ ગણતરીના દિવસો એ વાતનો અહેસાસ છે કે છોકરી એ કરવાની તાકાત રાખે છે જે પુરુષો ભલે ગમે તેટલી પૌરુષત્વ દેખાડે, કરી શકતા નથી.

આ દિવસો દરમિયાન શરીરમાં અંદર એક પ્રક્રિયા ચાલે છે. આ પ્રક્રિયા મહિલાઓને અપવિત્ર નથી બનાવતી.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રે લાઇન

પિરિયડ્સ દરમિયાન શરીર અને મગજમાં થતા ફેરફાર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ પ્રક્રિયા શરૂ થતા પહેલાં છોકરીઓ કે પછી સ્ત્રીઓમાં ઘણા પ્રકારના ફેરફાર આવે છે. તેને પિરિયડ્સ પહેલાંની પરેશાની કહી શકાય છે.

અંગ્રેજીમાં તેને પીએમએસ અથવા તો 'પ્રી-મૅન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે. તેમાં મનની સાથેસાથે શારીરિક ફેરફાર પણ થાય છે.

મેડિકલ સાયન્સ તો એ કહે છે કે આ ફેરફાર 200 પ્રકારના હોઈ શકે છે. તે 'રોલર કોસ્ટર રાઇડ' જેવું લાગી શકે છે. આ દરમિયાન છોકરીઓના મૂડમાં ખૂબ જ ઝડપ ફેરફાર આવે છે. ચીડિયાપણું સખત વધી જાય છે. ભારે દુખાવો થાય છે. એને વાતવાત પર રડવાનું મન થાય છે. સતત તણાવ અને ચિંતા વધતી રહે છે. ઊંઘ આવતી નથી. માથાનો દુખાવો, થાક રહે છે અને સંભોગની ઈચ્છા વધતી-ઘટતી રહે છે.

આ તકલીફો સિવાય શારીરિક તકલીફ પણ જોવા મળે છે. જે આનાથી ઓછી હોય છે. શારીરિક તકલીફો માટે દવા લઈ શકાય છે પણ માનસિક તકલીફો માટે દવા લઈ શકાતી નથી.

આ માટે એ દિવસોને જાણવા જરૂરી છે

આ તમામ લક્ષણો દરેક છોકરી કે સ્ત્રીમાં જોવા મળે એ જરૂરી નથી. એટલે એ વાત જાણવી જરૂરી છે કે પુરુષો પોતાના ઘરમાં છોકરીઓ તેમજ મહિલાઓને આ દિવસો દરમિયાન વધુ સમજવા પ્રયાસ કરે.

જ્યારે છોકરાઓ તેમજ પુરુષોને એ દિવસો વિશે જાણ હશે તો તેઓ એ દરમિયાન સ્ત્રીઓના વર્તન અને મૂડને સમજી શકશે. એ જ રીતે તેઓ ખુદના વ્યવહારમાં પણ ફેરફાર લાવશે.

જો આવું કંઈ ના કરવામાં આવે તો? આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આ ફેરફાર છોકરીઓના સામાન્ય વ્યવહારના કારણે નથી પરંતુ પ્રકૃતિના એક ચક્ર સાથે જોડાયેલો ફેરફાર છે.

આપણે એ નક્કી કરવાનું છે કે પ્રકૃતિના આ ચક્રના કારણે થતા ફેરફાર દરમિયાન દર મહિને આપણે આપણી માતા, બહેન, મિત્ર તેમજ પાર્ટનરની કેવી રીતે અને કેટલી મદદ કરી શકીએ.

જો પુરુષો આ ખાસ દિવસોમાં તેમનો મૂડ અને તેમની વાતોને સમજ્યા તો ચોક્કસપણે દુનિયામાં સારા માણસો સાબિત થઈશું.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પિરિયડ્સ સમયે પુરુષોએ શું કરવું જોઈએ

એ વાત વધારે સારી રહેશે કે આપણે એ દિવસો દરમિયાન સ્ત્રીઓ પર વધારે ધ્યાન આપે. તેમને સંવેદનશીલ રીતે સમજીએ. તેમને એ દુખાવા અને તકલીફો સાથે જીવવા અને રોજની જેમ જીવવામાં મદદ કરીએ.

તેમની સાથે કોઈ પ્રકારના ભેદભાવ ન કરવામાં આવે. તેમને આરામ કરવા દેવામાં આવે. તેમના ખાવાપીવાનું ધ્યાન રાખવામાં આવે.

આ તમામ વસ્તુઓ કરવા માટે આપણે ઘરનાં એ તમામ કામ કરવાં પડશે, જે આપણે સામાન્ય રીતે મહિલાઓ પર છોડી દઈએ છીએ.

ખાસ કરીને આ સમય દરમિયાન તેમના સ્વભાવનું ધ્યાન રાખવું જોઈએ. કંઇક સહન કરવાની તાકાત પેદા કરવી પડશે નહીં તો ઘણી વખત અજાણતામાં વાત બગડી શકે છે.

જ્યારે આપણને ખબર હશે તો આપણે એ સમયની તમામ વાતોને નજરઅંદાજ કરવાનું પણ શીખી જઈશું. આ જ કારણથી નોકરી કરનારી છોકરીઓને પિરિયડ્સ દરમિયાન રજા આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવે છે.

અહીં એ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે કે પિરિયડ્સનો મુદ્દો માત્ર સ્વચ્છતા કે પૅડનો મુદ્દો નથી. એ તેનાથી વધારે મોટો મુદ્દો છે. તેમાં શું આપણે પુરુષો પિરિયડ્સ દરમિયાન છોકરીઓ અને સ્ત્રીઓને મદદ કરવા તૈયાર છીએ?

રેડ લાઇન
રેડ લાઇન