સેક્સ પ્લાનિંગ સાથેનું વધુ આનંદ આપે કે સહજ જાતીય આવેગવાળું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એમી મ્યુઝ અને કેટરિના કોવાસેવિક
- પદ, બીબીસી મુંડો
ટેલિવિઝન અને ફિલ્મોમાં સંભોગનું આવેગમય અને સ્વયંસ્ફૂરિત (સ્પોન્ટેનિયસ) નિરૂપણ કરવામાં આવે છે. તેમાં વિચાર કે આયોજનનો અભાવ હોય તેવું લાગે છે.
એ દૃશ્યો એવો મૅસેજ આપે છે કે જુસ્સાદાર અને પરિપૂર્ણ સેક્સની એક લાક્ષણિકતા સ્વયંસ્ફુરણા છે.
અમે અમારા અભ્યાસ દરમિયાન અમેરિકા તથા કૅનેડાનાં યુગલોને તેમના સેક્સુઅલ પ્રેફરન્સિસ બાબતે સવાલ કર્યો ત્યારે મોટા ભાગના લોકોએ જણાવ્યુ હતું કે સુનિયોજિત સંભોગને બદલે સ્વયંસ્ફુરિત સંભોગ વધારે સંતોષકારક હોય છે.
સ્વયંસ્ફુરણા વિશેની માન્યતાઓ
સવાલ એ છે કે સ્વસંસ્ફુરિત સંભોગ ખરેખર વધારે સંતોષકારક હોય છે?
અલબત્ત, કેટલાક લોકો માને છે કે સ્વયંસ્ફુરણા ઉત્કટતાનો સંકેત હોઈ શકે છે, પરંતુ તેનું મૂલ્યાંકન ખામીયુક્ત હોઈ શકે છે.
નવી રિલેશનશિપમાં જાતીય ઇચ્છા તીવ્ર હોઈ શકે છે અને સંભોગ કોઈ આયોજન વિના નિયમિત રીતે કરવામાં આવતો હોય છે, પરંતુ સંભોગનું પ્રમાણ સમય જતાં ઘણી વખત ઘટતું જાય છે.
સંભોગ કરતાં પહેલા પાર્ટનરની ઇચ્છા છે કે નહીં તેની રાહ જોતા દીર્ઘ કાળથી સંબંધ ધરાવતાં યુગલો કદાચ ઓછા પ્રમાણમાં સંભોગ કરે તે શક્ય છે.
જાતીય સમાગમનું પ્લાનિંગ કરવાનું ભલે ઓછું સેક્સી ગણવામાં આવતું હોય, પરંતુ સમયની અન્ય માગ વચ્ચે સેક્સ માટે પ્લાનિંગ કરવું જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંભોગ ક્યારે કરવાનો છે તેની ખબર હોય તો સ્ત્રી-પુરુષ બન્નેને વસ્ત્રો, સ્નિગ્ધ સામગ્રી અને ગોપનિયતા સંબંધી તૈયારી કરવામાં મદદ મળી શકે અને તેનાથી સંભોગ વધારે સારી રીતે થઈ શકે.
અમેરિકન સંસ્કૃતિ, માનસ અને મીડિયામાં આદર્શ સ્પોન્ટેનિટીનો ખ્યાલ સારી રીતે ફેલાયેલો હોવા છતાં સુઆયોજિત સેક્સની સરખામણી સ્વયંસ્ફુરિત સંભોગ સાથે કરતા હોય તેવાં સંશોધનો બહુ ઓછા થયાં છે.
કૅનેડાની યોર્ક યુનિવર્સિટીની સેક્સુઅલ હેલ્થ અને રિલેશનશિપ લૅબોરેટરી ખાતેની અમારી રિસર્ચ ટીમે અમેરિકા તથા કૅનેડાનાં 303 લોકો તથા 102 યુગલોની ભરતી કરી હતી.
“મારા જીવનસાથી જોડે સ્વયંસ્ફુરિત સંભોગ કરું છું ત્યારે તે વધારે સંતોષકારક હોય છે” અને “ક્યારે સંભોગ કરવાનો છે તે અગાઉથી જાણવું મને પસંદ છે,” આવાં નિવેદનો સાથે પોતે કેટલા સહમત છે તે જણાવવા અમે સંશોધનમાં ભાગ લેનાર લોકોને પૂછ્યું હતું.
પછી અમે તેમને એ સવાલ કર્યો હતો કે તમે છેલ્લી વખત સંભોગ કર્યો તે સુઆયોજિત હતો કે નહીં. અમે તેમને એ પણ પૂછ્યું હતું કે તમે તમારી સમગ્ર રિલેશનશિપમાં અને તાજેતરના સંભોગથી જાતીય રીતે સંતુષ્ટ છો કે નહીં.
અમે ત્રણ સપ્તાહના તેમના રોજિંદા અનુભવની નોંધ પણ કરી હતી.

સ્પોન્ટેનિટી અને સંતોષ

ઇમેજ સ્રોત, Getty Images
બંને અભ્યાસમાં લોકોએ જણાવ્યું હતું કે સ્વયંસ્ફુર્ત સંભોગ આદર્શ હોય છે, પરંતુ તેમની માન્યતાથી વિપરીત, એ સ્પોન્ટેનિયસ સેક્સ ખાસ કરીને સંતોષકારક ન હતું.
સ્પોન્ટેનિટીને આદર્શ માનતા લોકોએ અમારા પ્રથમ અભ્યાસમાં જણાવ્યું હતું કે તે સંભોગ વધારે સંતોષકારક હતો. તેમની વચ્ચે તાજેતરનો જાતીય સંબંધ સ્વયંભૂ ઇચ્છાથી બંધાયો હતો, પણ એ તેમને સુનિયોજિત સંભોગ કરતાં વધારે સંતોષકારક જણાયો ન હતો.
ઘણી વાર સુનિયોજિત સંભોગ તદ્દન સેક્સી ન હોય તેવું બની શકે, પરંતુ એ તો સંભોગ માટે આયોજન કરવું યોગ્ય નથી એવું માનતા લોકો માટે હતું.
તાજેતરના સંભોગના અનુભવને સુનિયોજિત ગણવાનું એકંદરે ઓછું સંતોષકારક હતું, પરંતુ સુનિયોજિત સંભોગ વધુ સંતોષકારક હોય છે એવું માનતા લોકોના કિસ્સામાં આવું ન હતું. (રસપ્રદ વાત એ છે કે પ્રત્યેક પાંચ પૈકીના એક યુગલે જણાવ્યું હતું કે તેમણે કરેલો છેલ્લો સંભોગ સુનિયોજિત હતો)
બીજા અભ્યાસમાં અમે યુગલોના જાતીય અનુભવની નોંધ 21 દિવસ સુધી કરી હતી. સંભોગ સુનિયોજિત હોય કે સ્વયંસ્ફુરિત, તેમના સંતોષમાં કોઈ ફરક પડ્યો ન હતો. સ્વયંસ્ફુરિત સંભોગને આદર્શ માનતા લોકો પણ આ બાબતમાં અપવાદ ન હતા.
સંભોગના આનંદમાં સ્પોન્ટેનિટી અને પ્લાનિંગનો કેટલો ફાળો હોય છે, એ પણ અમે જાણવા ઇચ્છતા હતા.
લોકોએ જણાવ્યું હતું કે સ્પોન્ટેનિટીને લીધે તેમની જાતીય ઉત્તેજના, ઉત્કટતા, અર્થ અને ઇચ્છામાં વધારો થયો હતો. ઘણા લોકોએ એમ પણ જણાવ્યું હતું કે સંભોગનું આયોજન કરવાથી અપેક્ષા અને જાતીય ઇચ્છા બંનેમાં વધારો થઈ શકે છે.
સુનિયોજિત સંભોગને લીધે દબાણનું તત્ત્વ ઉમેરાય છે અને સ્પોન્ટેનિટી કાયમ જુસ્સાદાર સેક્સની ખાતરી આપતી નથી એવું કેટલાક લોકોએ જણાવ્યું હતું, જ્યારે કેટલાકે એમ જણાવ્યું હતું કે સંભોગનું આયોજન ન કર્યું હોય ત્યારે, તેમને લિંગપ્રવેશની તૈયારી માટે પણ પૂરતો સમય મળ્યો ન હતો. માનસિક વિક્ષેપ અને ગોપનિયતા સુનિશ્ચિત કરવાની વાત તો દૂર રહી.

ઉત્કટતા વિશેની ધારણાઓ

ઇમેજ સ્રોત, Getty Images
લોકો સ્પોન્ટેનિટીને વધારે મહત્ત્વ આપે છે તેનું એક કારણ એ છે કે તેઓ તેને રિલેશનશિપના પ્રારંભિક તબક્કાની માફક વધુ સાચી ઉત્કટતા અને ઇચ્છા સાથે સાંકળે છે.
તમારી સાથે પણ આવું થાય તો એક વાત યાદ રાખવી જોઈએ કે રિલેશનશિપના પ્રારંભિક તબક્કામાં પણ સેક્સ તમે વિચાર્યું હતું તેના કરતાં વધુ સુયોજિત હતું.
જાતીય સંભોગની તૈયારીના સંદર્ભમાં રૉમેન્ટિક અથવા મનોરંજક મુલાકાતોના તમામ આયોજન બાબતે જ વિચારો. બીજી તરફ સુનિયોજિત સંભોગ જવાબદારી, ફરજ અને નિષ્ઠા જેવી કામવાસના વિરોધી લાગણી જન્માવી શકે છે. એ બધું રોમાન્સ નવલકથાનો હિસ્સો હોતું નથી.
અલબત્ત, અમારું સંશોધન દર્શાવે છે કે સુનિયોજિત સંભોગના મૂલ્યને સમજવાથી યુગલોને ઇરાદાપૂર્વકનો જાતીય સંતોષ જાળવી રાખવામાં મદદ મળી શકે છે.
રૉમેન્ટિક પાર્ટનર સ્પોન્ટેનિટી પડકારજનક હોય એવા સમયગાળામાંથી એટલે કે કામમાં વ્યસ્ત હોય અથવા બાળકનો જન્મ થયો હોય ત્યારે ઉપરોક્ત વાત યાદ રાખવી જરૂરી છે.
ઈરાદો

ઇમેજ સ્રોત, Getty Images
સેક્સુઅલ કનેક્શન બાબતે સંઘર્ષ કરતા યુગલોની સારવાર કરતા નિષ્ણાતો, તેમના દર્દીઓને સંભોગ સંદર્ભે વધારે ઇરાદાપૂર્વકનો અભિગમ અપનાવવાની તરફેણમાં સેક્સુઅલ સ્પોન્ટેનિટીના વિચારને લાંબા સમયથી પડકારતા રહ્યા છે.
આપણા જીવનમાં મોટા ભાગની બાબતોમાં આયોજન મહત્ત્વનું હોય છે. દાખલા તરીકે, તમારા છેલ્લા વૅકેશન બાબતે વિચારો. તમે એ પ્રવાસનું પ્લાનિંગ કર્યું હશે અને તે વધારે આનંદદાયક પણ હશે.
તમે અને તમારા પાર્ટનર સેક્સને મૂલ્યવાન સમજતા હો તો પ્લાનિંગ તમારા જાતીય જોડાણને અગ્રતા આપવાનો એક ભાગ બની શકે.
તારાઓ એક હારમાં ગોઠવાઈને આવેગની ક્ષણ જન્માવી શકે તેમ સંભોગનું પ્લાનિંગ પણ સંતોષકારક જાતીય મેળાવ માટે સમય તથા પરિસ્થિતિનું સર્જન કરી શકે.
સેક્સ માટે પ્લાનિંગનો અર્થ એ નથી કે અમુક સમયે તે કરવું જ જોઈએ. ભાવનાત્મક આત્મીયતાની પળ શૅર કર્યા પછી અથવા કામમાં ઓછો તણાવ હોય ત્યારે અને એ કનેક્શન બાબતે સમય કાઢવા સંમત થવાની જેમ તે તમારા જીવનસાથીના હૈયા સુધી પહોંચવાની, તેની ઇચ્છા સમજવાની બાબત હોઈ શકે.
હવે ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે ત્યારે આ બાબત તમારા કામના શેડ્યૂલમાં ફેરફાર જેટલી સરળ હોઈ શકે, જેથી તમે બપોરે પ્રાઇવેટ ટાઈમનો આનંદ માણી શકો.
રાત્રીભોજન પછી ઊંઘી જવાનું હોય તેવા કિસ્સામાં તમને કે તમારા પાર્ટનરને સવારે કે બપોરે સેક્સ માણવામાં વધારે રસ પડે તે શક્ય છે.
મોટા ભાગના યુગલો માટે સેક્સ તેમના કનેક્શનને જાળવી રાખવાનો અને મજબૂત બનાવવાનો એક માર્ગ હોય છે. ડેટ નાઈટ્સ અને વીકેન્ડ ગેટવેઝની માફક લાંબા ગાળાની રિલેશનશિપમાં તેનું આયોજન જરૂરી છે.
સારી વાત એ છે કે આયોજિત સંભોગ સ્વયંસ્ફુરિત સેક્સ જેટલું જ સંતોષકારક હોય છે.
(કેટરિના કોવોસેવિક કેનેડાની યોર્ક યુનિવર્સિટીના સોશિયલ એન્ડ પર્સનાલિટી સાયકોલૉજીનાં પીએચડી સ્ટુડન્ટ છે, જ્યારે એમી મ્યુઝ કૅનેડાની યોર્ક યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનનાં પ્રોફેસર છે)














