સેક્સ માટે ભવિષ્યમાં રૉબોટનો ઉપયોગ થશે અને રૉબોટ સાથે સેક્સ માણી શકાય?

સેક્સ રોબોટ ભવિષ્ય

ઇમેજ સ્રોત, EX MACHINA/A24

ઇમેજ કૅપ્શન, EX MACHINA ફિલ્મમાં રૉબોટ અને માનવ વચ્ચેના પ્રેમ સંબંધને દર્શાવવામાં આવ્યો છે
    • લેેખક, રોઝ એવ્હલેથ
    • પદ, કટાર લેખક, બીબીસી ફ્યુચર

સેક્સ માટે રૉબોટનો ઉપયોગ થશે એવી ભવિષ્યવાણી સાચી સાબિત થવાનાં એંધાણ મળી રહ્યાં છે, પરંતુ રૉબોટ અને માણસ વચ્ચેનો સંબંધ હંમેશાંથી બહુ જટિલ રહ્યો છે.

‘હર’ અને ‘એક્સ મશીન’ નામની હોલીવુડની બે ફિલ્મમાં એક અલગ જ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. શું મનુષ્ય રૉબોટના પ્રેમમાં પડી શકે? રૉબોટ સાથે સેક્સ માણી શકે?

અલબત, કૃત્રિમ વસ્તુઓ સાથેના માનવસંબંધનો આ વિચાર નવો નથી. ગ્રીક કથાઓમાં ‘પિગ્મેલિયન’નો ઉલ્લેખ છે, જેમાં આ વિચારને સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો હતો.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રૉબોટિક્સ ક્ષેત્રે જે રીતે પ્રગતિ થઈ રહી છે તે જોતાં કેટલાક લોકો માને છે કે સેક્સ માટે ડિઝાઇન કરાયેલા રૉબોટ્સ વાસ્તવિક્તા બની શકે છે.

'લવ ઍન્ડ સેક્સ વિથ રૉબોટ્સ' પુસ્તકમાં લેખક ડેવિડ લેવી કહે છે કે 2050 સુધીમાં રૉબોટ્સ સાથે સેક્સ સામાન્ય બાબત થઈ જશે. જોકે, આમ થવું આસાન નથી. સેક્સ માટેના રૉબોટનું નિર્માણ વાસ્તવમાં મુશ્કેલ છે. સૌથી અઘરી બાબત એ છે કે રૉબોટ્સ કદરૂપા નહીં, પરંતુ આકર્ષક દેખાવા જોઈએ.

સૌપ્રથમ તો એ જોવું પડશે કે કોઈ રૉબોટ કેવી રીતે સેક્સ રૉબોટ બની શકે. ટેકનીકલી તો જેની સાથે સેક્સ કરી શકાય તેને સેક્સ રૉબોટ કહેવાય.

આ પ્રકારનાં યંત્રો ક્યારનાં ઉપલબ્ધ છે. સેક્સ ટૉય્ઝ છે, માણસને ઉત્તેજિત કરતાં અને રિમોટ કંટ્રોલથી ચાલતાં વાઇબ્રેટરો છે.

ગ્રે લાઇન

સેક્સ ટૉય અને સેક્સ રૉબોટમાં શું અંતર?

સેક્સ રોબોટ ભવિષ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ક્ષેત્ર ઘણું આગળ વધ્યું હોવા છતાં, AI હજી પણ સેક્સ દરમિયાન અનુભવાતી લાગણીઓનું નિર્માણ કરી શકતું નથી

ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં માનવ સંબંધ, સેક્સ અને સેક્સ ટૉય્ઝનો અભ્યાસ કરી રહેલાં શેલી રોનિન કહે છે, “માનવ શરીરની નજીક જઈને જાતીય આનંદ તથા જાતીય આનંદ પર સંપૂર્ણ નિયંત્રણની સુવિધા આપતી અનેક વસ્તુ ઉપલબ્ધ છે.”

એ પૈકીનાં કેટલાંક સેક્સ ટૉય્ઝ સફળ સાબિત થયાં છે અને કેટલાક નિષ્ફળ સાબિત થયાં છે. દાખલા તરીકે 2009માં ‘રીઅલ ટચ’ નામનું એક યંત્ર બજારમાં આવ્યું હતું. તે પુરુષો માટેનું હતું. તેમાં એક ઉપકરણ હતું, જે પોર્ન વીડિયો સાથે જોડાયેલું હતું અને તેનો વપરાશ કરતા પુરુષો પડદા પર દેખાતા લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા.

ટેકનૉલૉજી મૅગેઝિન ‘ગિઝમેગે’ લખ્યું હતું કે તે અનુભવ ખરેખર વાસ્તવિક હતો, પરંતુ તે અનુભૂતિ જ સેક્સ ટૉય માટે નુકસાનકારક સાબિત થઈ હતી. એ કારણે તેનું વેચાણ જ થયું નહીં. એક કાયદાકીય મામલામાં સપડાયા બાદ 2013માં રિઅલ ટચનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું.

જોકે, સેક્સ ટૉય્ઝ સેક્સ રૉબોટ નથી. લોકો માને છે કે સેક્સ રૉબોટ એવું મશીન છે, જે માનવીય લાગે છે, સેક્સ કરી શકે છે કે જાતીય ક્રીડા કરી શકે છે અને તેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હોય છે તેથી તે ‘વિચાર’ કરી શકે છે.

સંપૂર્ણપણે હ્યૂમનોઇડ રૉબોટ હાલ કૅલિફોર્નિયાની અબિસ ક્રિએશન જેવી કંપનીઓ દ્વારા નિર્મિત એક સેક્સ ડૉલ છે. એબિસ ‘રિઅલ ડૉલ’ નામે તે હ્યૂમનોઇડ મૉડલનું વેચાણ કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ડૉલમાં અનેક કસ્ટમાઇઝ્ડ ફિચર્સ છે. તેનો રંગ, ત્વચાની બનાવટ, વાળ, શરીરના વળાંકો સહિતનું બધું ગ્રાહકો પોતાની મરજી મુજબ બનાવડાવી શકે છે. આ રીતે તેઓ પોતાની પસંદની સેક્સ ડૉલ બનાવી શકે છે.

‘રીઅલ ડૉલ’ના અનેક પ્રશંસક છે. તેમનું જૂથ એકમેકની સાથે વાતો કરે છે, એકમેકના સંપર્કમાં રહે છે અને પોતપોતાની ‘રીઅલ ડૉલ’ સાથેના સંબંધનાં વિવિધ પાસાં વિશે એકમેકને જણાવે છે.

‘ડૉલ ડોક્ટર્સ’ નામનું એક અન્ય જૂથ પણ છે, જે તૂટી ગયેલી ‘રીઅલ ડૉલ્સ’ રીપેર કરી આપવા માટે સમગ્ર અમેરિકામાં ફરતા રહે છે, પરંતુ તેઓ તોતિંગ ફી વસૂલે છે. તૂટેલી ડૉલ તેમની પાસે રીપેર કરાવવાનું ગજવાં પર ભારે પડી શકે છે.

છતાં ‘રીઅલ ડૉલ’ સેક્સ રૉબોટ તો નથી જ.

અસલી કહેવાય તેવો સેક્સ રૉબોટ તેના વપરાશકર્તાની લાગણીને સમજશે, તેના હાવભાવને આધારે પ્રતિક્રિયા આપશે અને તેના વપરાશકર્તાને મહત્તમ જાતીય આનંદ મળે તે સુનિશ્ચિત કરશે.

માણસને તેના પાર્ટનર સાથે સેક્સ માણતી વખતે જે ભાવનાત્મક અનુભૂતિ થાય તેવી જ અનુભૂતિ સેક્સ રૉબોટ તેના પાર્ટનરને કરાવશે.

એવી ફ્લોક્સ એક પત્રકાર છે. તેઓ સેક્સ, કાયદો અને ટેકનૉલૉજી વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. તેઓ કહે છે, “સેક્સ રૉબોટ એ સેક્સ ડૉલ નથી. તે મશીન નથી. તેને બનાવવા માટે અનેક પ્રકારની ટેકનૉલૉજીનો ઉપયોગ કરવો પડશે.” માનવ શરીરની ત્વચા જેવી જ ચામડી બનાવવા માટે નેનો ટેકનૉલૉજીની જરૂર પડશે. રૉબોટની માણસની બોડી લૅંગ્વેજ, હાવભાવ અને તેના પ્રતિભાવને સમજી શકે એટલા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો પડશે.

ગ્રે લાઇન

ક્યા પડકારો છે સામે?

સેક્સ રોબોટ ભવિષ્ય

ઇમેજ સ્રોત, Getty Images

સેક્સ રૉબોટ બનાવવામાં પહેલો સૌથી મોટો પડકાર એક હ્યૂમનોઈડ ફિગર બનાવવાનો છે, જે કોઈના આધાર વિના જાતે ઊભો રહી શકે. હાલ બજારમાં ઉપલબ્ધ સેક્સ ડૉલ્સ કે અન્ય હ્યુમન ફિગર્સ વજનદાર હોય છે. એક ‘રીઅલ ડૉલ’નું વજન 50 કિલો હોઈ શકે છે. એ ડૉલ જાતે ઊભી રહી શકતી નથી કે હલનચલન કરી શકતી નથી.

જાતે હલનચલન કરી શકે તેવો રૉબોટ બનાવવાનું આસાન નથી. રૉબોટિક્સનું વિજ્ઞાન હજુ સુધી આવા રૉબોટ બનાવી શક્યું નથી.

બીજી મોટી અડચણ માનવ ત્વચાનું પોત તૈયાર કરવાની છે. સિલિકોનનો સ્પર્શ કર્યો છે એ બધા જાણે છે કે તે માનવ ત્વચા જેવું હોતું નથી. વળી સિલિકોનને સાફ કરવાનું મુશ્કેલ છે.

માનવ ત્વચા બનાવવાનું કામ માત્ર ત્વચાનું પોત બનાવવા પૂરતું મર્યાદિત નથી. ત્વચાને સ્પર્શ કર્યા પછી જે અનુભૂતિ થાય તે સુનિશ્ચિત કરવાનું, તેમાં લવચિકતા લાવવાનું પણ આસાન નથી.

સિંગાપુરના વિજ્ઞાનીઓએ 2015માં જણાવ્યું હતું કે તેમણે કૃત્રિમ ત્વચા તૈયાર કરી છે, જે તેને દાબવામાં આવે ત્યારે પ્રતિસાદ આપે છે, પરંતુ એ ત્વચા ઉષ્ણતાનો અનુભવ કરી શકતી નથી, તે લવચિક નથી અને માનવ ત્વચાને સ્પર્શથી જે અનૂભૂતિ થાય તેવી તેને સ્પર્શવાથી થતી નથી.

રૉબોટના બહારના દેખાવની સાથે તેની આંતરિક રચના પણ એટલી જ મહત્ત્વની છે. રૉબોટ માટે કૃત્રિમ દિમાગ તૈયાર કરવું પડશે, જે તેના પાર્ટનરના પ્રતિસાદને પામી શકે અને પાર્ટનરને કઈ રીતે રાજી રાખવો તે જાણી શકે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ તે સેક્સ દરમિયાન સર્જાતી લાગણીનું સર્જન કરી શકી નથી. કમ્પ્યુટર ચેસમાં માણસને હરાવી શકે, પરંતુ સેક્સ પાર્ટનર સાથેના લયબદ્ધ નૃત્ય જેવું હોય છે.

સેક્સ દરમિયાન પ્રત્યેક પાર્ટનરે તેના સાથીની લાગણી, ઉષ્મા, પ્રતિભાવ, દૃષ્ટિકોણને સમજવો પડે છે અને તે મુજબ પ્રતિસાદ આપવો પડે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આ સંદર્ભમાં માનવ દિમાગની બરાબરી કરી શકી નથી.

સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે સેક્સ રૉબોટના નિર્માતાઓએ, કંટાળાજનક ન લાગે તેવી ડિઝાઈન બનાવવી પડશે અને રૉબોટ્સ હજુ એ સ્તરે પહોંચ્યા નથી.

વિજ્ઞાન કથાઓનાં લેખિકા મેડલિન એશ્બીના મતાનુસાર, સેક્સ રૉબોટ્સ હજુ સુધી તો માનવી જેવા દેખાતા નથી અને નજીકના ભવિષ્યમાં એવા રૉબોટના નિર્માણની શક્યતા ઓછી છે. એ માટે આપણે રાહ જોવી પડશે.

મેડલિન એશ્બી કહે છે, “સેક્સ રૉબોટ્સ પહેલી નજરે તો કાર્ટૂન કે વીડિયો ગેમનાં પાત્ર જેવા લાગે છે.”

રેડ લાઇન
રેડ લાઇન