ઑરી: '20થી 30 લાખ રૂપિયા આપીને' જેની સાથે લોકો ફોટો પડાવે છે એ સોશિયલ મીડિયા સ્ટાર કોણ છે?

ઑરી

ઇમેજ સ્રોત, orhan awatramani

ઇમેજ કૅપ્શન, ઓરહાન અવત્રામણિ
    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, મુંબઈથી

ડિરેક્ટર રાજમૌલીની ફિલ્મ બાહુબલી રિલીઝ થયા પછી ચારે બાજુ એક જ ચર્ચા હતી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

બસ આવી જ રીતે સોશિયલ મીડિયા પર આજકાલ એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે કેટલાય સેલિબ્રિટીઝ સાથે અલગ-અલગ પાર્ટીમાં નજરે પડતા ઑરી ઉર્ફે ઓરહાન અવત્રામણી કોણ છે?

બોલિવૂડ સ્ટાર્સની પાર્ટીની તસવીરો હંમેશાં સોશિયલ મીડિયા પર વાઇરલ થતી હોય છે. પાપારાઝીના કૅમેરા હંમેશા આ સ્ટાર્સની તસવીરો કેદ કરવા ઉત્સુક હોય છે. હવે તેમના કૅમેરા પર સૌથી વધારે આવતો ચહેરો ઑરીનો છે. હવે તેઓ ક્યારેક પાર્ટીમાં સ્ટાર્સને ભૂલી જશે પણ ઑરીને નથી ભૂલતા.

ઑરીનું મૂળ નામ ઓરહાન અવત્રામણી છે. તેઓ બિઝનેસમૅન સૂરજ અવત્રામણી અને શહનાઝ અવત્રામણીના પુત્ર છે.

તેઓ ન્યૂ યૉર્કની પાર્સન્સ સ્કૂલ ઑફ ડિઝાઇનમાંથી સ્નાતક થયા છે. નાનપણથી જ તે મોટા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડના સ્ટારનાં બાળકો સાથે પણ રહ્યા છે.

તેમની લિંક્ડઇન પ્રોફાઇલ પર તેઓ પોતાને એક સામાજિક કાર્યકર ગણાવે છે. તેઓ પોતાને ગીતકાર, ગાયક, ક્રિએટિવ ડિરેક્ટર, ફૅશન સ્ટાઇલિશ પણ ગણાવે છે.

સ્ટાર કિડ્ઝ સાથે મિત્રતા

નાઇસા દેવગણ, સારા અલી ખાનથી લઈને જ્હાનવી કપૂર સુધી કેટલાય સ્ટારકિડ્ઝ ઑરીને પોતાનો સૌથી સારો મિત્ર માને છે. તે આ બધા સાથે પાર્ટીઓમાં હોય છે.

ખુશી કપૂર, અનન્યા પાંડે, તારા સુતરિયા ઑરી સાથે તસવીરો શૅર કરતાં હોય છે.

ઑરી શાહરૂખ ખાનનાં પુત્રી સુહાનાના પણ સારા મિત્ર છે.

ઑરીની મિત્રતા માત્ર બોલિવૂડ સ્ટાર્સ સુધી જ સીમિત નથી. તેઓ અંબાણી પરિવારનાં પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે પણ જોવા મળ્યા હતા.

‘કૉફી વિથ કરન’ની આઠમી સિઝનમાં હોસ્ટ કરણ જૌહરે સારા અલી ખાન અને અનન્યા પાંડેને આ વિશે પૂછ્યું હતું.

‘કૉફી વિથ કરન’માં તેમના ઉલ્લેખ પછી ઑરી ‘બિગ બૉસ’ના ઘરમાં પહોંચ્યા હતા.

‘બિગ બૉસ’માં આવ્યા પછી સલમાન ખાને પણ તેમને પૂછ્યું હતું કે આખરે તમે કરો છો શું?

તેમણે જવાબ આપ્યો હતો કે હું પોતાના પર કામ કરું છું.

આ સિવાય તે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સ્પેશિયલ પ્રોજેક્ટ મૅનેજર તરીકે પણ કામ કરે છે.

જ્યારે ઑરીની 'એ' તસવીર વાઇરલ થઈ

ઑરી

ઇમેજ સ્રોત, orhan awatramani

ઇમેજ કૅપ્શન, સ્ટાર કિડ્ઝ સાથે ઑરી

ન્યૂ યૉર્કમાં રહેવાવાળા ઑરીની એ તસવીર વાઇરલ થઈ ગઈ જેમાં તેમની સાથે કાઇલી જેનર હતાં.

કાઇલી એક અમેરિકન રિયાલિટી શોનાં સ્ટાર અને બિઝનેસ વુમન છે. ઑરી તેમને મળવા તેમના ઘરે ગયા હતા.

એ તસવીર પછી ઑરીને એક ઓળખાણ મળી.

લોકો એ જાણવા આતુર હતા કે કાઇલી જેનર સાથે ફોટોમાં દેખાતો યુવક કોણ છે અને એ પછી આ સિલસિલો યથાવત રહ્યો છે.

ઑરીને પહેલીવાર પાપારાઝીએ જ્હાનવી કપૂર સાથે જોયા હતા. એ પછી જ્હાનવી કપૂરના ચાહકોને લાગ્યું કે તે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

પણ પછી કેટલાય લોકોએ તેમને નાઇસા દેવગણ એટલે કે કાજોલ અને અજય દેવગણનાં પુત્રી સાથે પણ જોયા.

તે પછી તેમની કેટલીયે તસવીરો અલગ અલગ સ્ટાર કિડ્ઝ સાથે સામે આવતી રહી. ઑરીની લોકપ્રિયતા ત્યારે વધારે વધી ગઈ જ્યારે તેમણે મેટ ગાલા ઇવેન્ટમાં મુકેશ અંબાણીનાં પુત્રી ઈશા અંબાણી સાથે પોઝ આપ્યો.

ત્યાંથી જ તેમની તસવીરો વધારે ચર્ચામાં આવી અને હવે ઑરીનું નામ મોટાભાગના લોકો જાણે છે.

અંબાણી પરિવાર સાથે પરિચય

ઑરી

ઇમેજ સ્રોત, orhan awatramani

ઇમેજ કૅપ્શન, નીતા અંબાણી સાથે ઓરહાન અવત્રામણિ

ઑરી ટૉમ ફોર્ડ અને પ્રાદા જેવી બ્રાન્ડ માટે કામ કરે છે. ઑરીના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સ્પેશિયલ પ્રોડક્ટ મૅનેજર છે.

આ પણ એક કારણ છે કે તેમના સંબંધ અંબાણી પરિવાર સાથે છે. એટલું જ નહીં ઑરીના પિતા પણ એક ઉદ્યોગપતિ છે.

ઑરીના પિતા શરાબ, હોટલ અને રિયલ ઍસ્ટેટ કંપનીના માલિક છે.

ઑરીનું બાળપણ ખૂબ ખુશખુશાલ રહ્યું છે. તેમનું બાળપણનું શિક્ષણ એક પ્રતિષ્ઠિત શાળામાં થયું જ્યાં અભિનેત્રી કિયારા અડવાણી જેવાં કેટલાંય સ્ટાર્સે અભ્યાસ કર્યો છે.

ઑરી પાસે ન્યૂયૉર્ક પાર્સન્સ સ્કૂલ ઑફ ડિઝાઇનમાંથી ફાઇન આર્ટ અને કમ્યુનિકેશન ડિઝાઇનમાં ડિગ્રી છે.

‘હું પોતાના પર કામ કરું છું’

જ્યારે ઑરીએ બિગ બૉસના ઘરમાં પ્રવેશ કર્યો તો શોના હોસ્ટ અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ઑરીને પૂછ્યું કે તેઓ આજીવિકા માટે શું કરે છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "હું ખૂબ મહેનત કરું છું."

જ્યારે સલમાન ખાને ફરી પૂછ્યું કે શું તે નવથી પાંચની સામાન્ય નોકરી છે?

તેમણે જવાબમાં કહ્યું કે તેઓ પોતાના પર ખૂબ મહેનત કરે છે.

"હું પોતાના પર કામ કરું છું. હું જીમ જઉં છું. પોતાને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરું છું. હું યોગ કરું છું. ક્યારેક ક્યારેક માલિશ કરાવવા જઉં છું. કસરત કરું છું પણ હું કામ પોતાના પર કરું છું."

તેમની સાથે ફોટો લેવાના 20 થી 30 લાખ રૂપિયા

ઑરી અને બોલીવૂડ સિંગર કણિકા કપૂર સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑરી અને બોલીવૂડ સિંગર કણિકા કપૂર સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑરીએ એકવાર સલમાન ખાનને જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે રૂપિયા કમાય છે.

તેમણે સેલેબ્રિટીઝની પાર્ટીમાં જવા પાછળનાં કારણનો પણ ખુલાસો કર્યો હતો.

તેમણે કહ્યું, "મારે પાર્ટીઓમાં જવા માટે રૂપિયા નથી ચૂકવવા પડતા. એના બદલે લોકો મને કહે છે કે મારા લગ્નમાં આવો અને મારી સાથે આવો પોઝ આપો, મારા પરિવાર સાથે આવા પોઝ આપો અને પછી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો."

"આના માટે મને પ્રતિ મુલાકાત 20 થી 30 લાખ રૂપિયા મળે છે."

ઑરી અનુસાર લોકો તેમને મળવા ઉત્સુક રહે છે. અને ઑરીને મળવાથી તેઓ યુવાન અનુભવે છે.

"જ્યારે હું તેમને સ્પર્શ કરું છું તો તેઓ યુવાન લાગવા લાગે છે." જો તમે 28 વર્ષના છો તો તમને એવું લાગે છે કે તમે 22 વર્ષના છો અને જો તમે 38 વર્ષના છો તો તમને 32 વર્ષના હોય એવું લાગે છે તેમ ઑરી જણાવે છે.

ઑરીનું એમ પણ કહેવું છે કે લોકોએ તેમને જણાવ્યું છે કે તેમની પાસે આવવાથી કેટલાય લોકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ ગઈ છે.

ઑરી સોશિયલ મીડિયા પર ઘણા ઍક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના લાખો પ્રશંસક છે. ઑરી તેમની ફૅશનની સમજને કારણે પણ ઓળખાય છે. તેઓ પોતાને ગાયક, ગીતકાર અને ફૅશન ડિઝાઇનર ગણાવે છે.

બીબીસી
બીબીસી