આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ જેવાં બોલીવૂડ સ્ટાર્સ સ્ટાર્ટ અપ્સમાં કરોડોનું રોકાણ કરી કેવી રીતે કમાણી કરે છે?

સ્ટાર્ટ-અપ્સમાં સક્રિય રીતે રોકાણ કરી રહેલા સંખ્યાબંધ બોલીવૂડ સ્ટાર્સમાં દીપિકા પદુકોણ અને રણવીર સિંહનો સમાવેશ થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટાર્ટ-અપ્સમાં સક્રિય રીતે રોકાણ કરી રહેલા સંખ્યાબંધ બોલીવૂડ સ્ટાર્સમાં દીપિકા પદુકોણ અને રણવીર સિંહનો સમાવેશ થાય છે
    • લેેખક, નિખિલ ઇનામદારઅને શેર્લીન મોલાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

બોલીવૂડમાં ટોચની યુવા અભિનેત્રીઓ પૈકીનાં એક આલિયા ભટ્ટ પોતાની ક્લોથિંગ બ્રાન્ડ એડે મામા લૉન્ચ કર્યાના ત્રણ વર્ષ પછી તેને વેચી રહ્યાં છે.

અખબારી અહેવાલો અનુસાર, આલિયાની કંપનીને દેશના સૌથી મોટા ઉદ્યોગસમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ શાખા ત્રણ અબજ રૂપિયામાં હસ્તગત કરશે.

નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી ફિલ્મસ્ટાર્સ દ્વારા સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાને પ્રોત્સાહન મળશે.

પ્રારંભિક તબક્કાના રોકાણકાર ભાસ્કર મજુમદાર જણાવે છે તેમ, આ સોદો પાર પડશે તો ભારતીય ફિલ્મસ્ટાર્સ દ્વારા સ્ટાર્ટ-અપ્સમાં નાણા રોકવાના અને ગ્રાહકલક્ષી બ્રાન્ડની માલિકીના સ્થાપિત વલણને ‘ઉત્તેજન’ મળશે.

સ્ટાર્ટ-અપ્સમાં સક્રિય રીતે રોકાણ કરી રહેલા સંખ્યાબંધ બોલીવૂડ સ્ટાર્સમાં આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે. આલિયાનાં સમકાલીન અભિનેત્રી દીપિકા પદુકોણે તેમની સ્કિનકેર બ્રાન્ડ 82°E ગયા વર્ષે લૉન્ચ કરી હતી. એ જ સમયે દીપિકાના પતિ, અભિનેતા રણવીર સિંહે બ્યૂટી બ્રાન્ડ શુગર કૉસ્મેટિક્સમાં હિસ્સો ખરીદ્યો હતો.

ઉદ્યોગજગત પર નજર રાખતા લોકોના જણાવ્યા મુજબ, આ ટ્રેન્ડ નવો નથી. આ ટ્રેન્ડની શરૂઆત 2010ના દાયકાથી, ભારતના સ્ટાર્ટ-અપ્સે વેગ પકડ્યો ત્યારથી થઈ હતી. બોલીવૂડના સૌથી વધુ લોકપ્રિય સ્ટાર્સ પૈકીના એક અભિનેતા સલમાન ખાન આ દિશામાં સૌપ્રથમ આગળ વધેલા લોકો પૈકીના એક હતા. તેમણે ટ્રાવેલ પોર્ટલ યાત્રામાં 2012માં નાનકડો હિસ્સો ખરીદ્યો હતો.

જોકે, ભારત વિશ્વમાં સૌથી મોટા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ત્રીજા ક્રમે રહ્યું છે ત્યારથી આ વલણને વેગ મળ્યો છે.

માત્ર 2022માં 14 ભારતીય કલાકારોએ 18 સ્ટાર્ટ-અપ સાહસમાં નાણાં રોક્યાં હતાં. એ પૈકીનાં મોટાભાગનાં શરૂઆતના અથવા વૃદ્ધિના તબક્કામાં હતાં.

મોટાભાગનું રોકાણ ડિરેક્ટ ટુ કન્ઝ્યુમર (ડીટુસી) બ્રાન્ડ્ઝમાં કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીનું રોકાણ ઇડી ટેક, ઇ-કૉમર્સ અને ફૂડ ટેકનૉલૉજી સહિતની કંપનીઓમાં કરવામાં આવ્યું હતું.

ક્રિકેટર વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પ્લાન્ટ બેઝ્ડ મીટ કંપની બ્લુ ટ્રાઈબ ફૂડ્ઝમાં રોકાણ કર્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિકેટર વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પ્લાન્ટ બેઝ્ડ મીટ કંપની બ્લુ ટ્રાઈબ ફૂડ્ઝમાં રોકાણ કર્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વેલ્યૂએશન ઍડવાઈઝરી સર્વિસ પ્રેક્ટિસ ક્રોલના મૅનેજિંગ ડિરેક્ટર અવિરલ જૈન કહે છે, "સેલિબ્રિટીઝ ખુદને માત્ર મૂવી સ્ટાર્સ તરીકે જ નહીં, પરંતુ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ તરીકે પણ રજૂ કરવા ઇચ્છે છે."

"કોઈ સેલિબ્રિટી પોતાના સ્ટારડમ અને ફૅન ફૉલૉઇંગનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ, સ્વદેશી બ્રાન્ડને સફળ બિઝનેસમાં કેવી રીતે પરિવર્તિત કરી શકે તે આલિયા ભટ્ટે કરી દેખાડ્યું છે."

ભારતીય કલાકારોનાં નાણાં તથા રોકાણ પ્રત્યેના ભૂતકાળના વલણમાં આ નોંધપાત્ર પરિવર્તન છે.

ભૂતકાળમાં મોટાભાગના કલાકારો, તેમનું ફાઇનાન્સ મૅનેજમેન્ટ તેમના પરિવારજનો કરતા હોવાનું ખુશીથી જણાવતા હતા.

સ્પોર્ટ્સ સાહસો તથા રેસ્ટોરાંમાં રોકાણ કરીને શાહરૂખ ખાન જેવા કેટલાક સફળ બિઝનેસમૅન બન્યા હતા, જ્યારે અમિતાભ બચ્ચન અને જૅકી શ્રોફ જેવા સ્ટાર્સે નાદારીનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે ફિલ્મ નિર્માણ જેવા અત્યંત જોખમી બિઝનેસમાં બધું રોકાણ કર્યું હતું એ કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી.

ઍપિક કેપિટલનાં ઍસોસિએટ ડિરેક્ટર નવજોતકૌરના જણાવ્યા મુજબ, આજના ફિલ્મસ્ટાર્સ નાણાકીય બાબતોમાં વધુ સમજદાર છે. પબ્લિક માર્કેટ, રિઅલ ઍસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં પરંપરાગત ક્ષેત્રોમાં રોકાણ કરવાની સાથે તેઓ "રોકાણ પોર્ટફોલિયોના દૃષ્ટિકોણથી વૈવિધ્યકરણના સાધન તરીકે" સ્ટાર્ટ-અપ્સમાં પણ રોકાણ કરી રહ્યા છે.

નવજોત ઉમેરે છે, "ભારતીય ઉદ્યોગસાહસો સ્થાનિક અલ્ટ્રા-હાઈ નેટવર્થ વ્યક્તિઓ પાસેથી રોકાણ આકર્ષી રહ્યાં છે અને ઘણી સેલિબ્રિટીઝ તેનો હિસ્સો બની રહી છે."

ગ્રે લાઇન

કન્ઝ્યુમર બ્રાન્ડ્ઝમાં મોટું રોકાણ

આલિયા ભટ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આલિયા ભટ્ટ

અવિરલ જૈનના જણાવ્યા મુજબ, "પોતાના રોકાણના વ્યાવસાયિક રીતે વ્યવસ્થાપન માટે ઘણા સ્ટાર્સે પોતાની પારિવારિક ઑફિસો પણ સ્થાપી છે."

નિષ્ણાતો જણાવે છે કે સેલિબ્રિટી અને બ્રાન્ડ્ઝ વચ્ચેની ભાગીદારી પરસ્પર ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ સ્ટાર્ટ-અપમાં કોઈ સેલિબ્રિટી રોકાણ કરે તથા તેનું પ્રમોશન કરે ત્યારે સ્ટાર્ટ-અપને વિશ્વસનીયતા મળે છે અને તે લાખો ગ્રાહકો સુધી આસાનીથી પહોંચી શકે છે. "તેથી કંપનીમાં ભાગીદારી આપીને રોકડ હાથમાં રાખવી એ સ્માર્ટ અભિગમ ગણાય," એમ બ્રેથ કેપિટલના પાર્ટનર શૌર્ય ભુટાણી કહે છે.

રાય ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સનાં ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર બેનિફર માલંડકર કહે છે, "સ્ટાર્ટ-અપ્સને તેની બ્રાન્ડની પ્રસિદ્ધિ માટે પ્રસાર માધ્યમોમાં સેલિબ્રિટીના પ્રભાવનો લાભ પણ મળે છે."

એ ઉપરાંત વિખ્યાત સેલિબ્રિટી સાથેના જોડાણથી બ્રાન્ડને તત્કાળ ઓળખ મળે છે અને ગ્રાહકોને તે વધુ વિશ્વાસપાત્ર લાગે છે.

ક્રિકેટર વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ ધમધમતી પ્લાન્ટ બેઝ્ડ મીટ કંપની બ્લુ ટ્રાઇબ ફૂડ્ઝમાં રોકાણ કર્યું ત્યારે આવું થયું હતું.

કંપનીના ચીફ કોમર્શિયલ ઑફિસર સોહિલ વઝીરે બીબીસીને કહ્યું હતું, "અમે લોકોને વર્તમાન મીટ વેલ્યૂ ચેઈનની સમસ્યાથી વાકેફ કરવાની સાથે વિકલ્પ પણ પૂરો પાડવા ઇચ્છતા હતા."

"વિરાટ અને અનુષ્કાના ઍન્ડોર્સમેન્ટને કારણે, માત્ર બ્રાન્ડને પુશ મળવાને બદલે આ કેટેગરી સંબંધી જાગૃતિ દેશના લોકો સુધી પહોંચી છે."

રોકડા રૂપિયા લેવાને બદલે કંપનીમાં ભાગીદારી આપવાનો અર્થ એ થાય કે કંપની સારી કામગીરી કરતી હોય તો સ્ટાર્સ તેમાં હિસ્સેદાર બને છે અને પોતાની પ્રકૃતિને અનુકૂળ બિઝનેસમાં રોકાણ કરે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બન્ને શાકાહારી છે. તેઓ પ્રાણીઓના અધિકારના રક્ષણની વારંવાર હિમાયત કરે છે.

અલબત, ઉદ્યોગસાહસિક અને પ્રમોટર કે. ગણેશના જણાવ્યા મુજબ, માત્ર સેલિબ્રિટીની લોકપ્રિયતા પર આધાર રાખવો એ બ્રાન્ડની વૃદ્ધિ માટે પૂરતું નથી. સેલિબ્રિટીઝે સ્ટાર્ટ-અપ્સને ટેકો આપતા પહેલાં સાવધ રહેવું જોઈએ, એવી ચેતવણી આપતાં તેઓ ઉમેરે છે કે સ્ટાર્ટ-અપનું બિઝનેસ રિસ્ક જ નહીં, પરંતુ કંપની સાથે સંકળાયેલા પ્રતિષ્ઠાના જોખમને પણ તપાસવું જોઈએ.

ગ્રે લાઇન

શેર માર્કેટમાં પણ રોકાણ

 કેટરિના કૈફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટરિના કૈફ

તાજેતરમાં ઘણાં હાઇ-પ્રોફાઇલ ભારતીય સ્ટાર્ટ-અપ્સમાં વહીવટ સંબંધી ગોટાળા થયા છે અને રોકાણની ઓછપ વચ્ચે એ પૈકીના ઘણા સ્ટાર્ટ-અપના મૂલ્યમાં ઘટાડો થયો છે.

પીડબલ્યુસીના અહેવાલ મુજબ, આ વર્ષના જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતીય સ્ટાર્ટ-અપ્સ ઇકોસિસ્ટમને 298 સોદામાં, ચાર વર્ષમાં સૌથી ઓછું 3.8 અબજ ડોલરનું ભંડોળ મળ્યું હતું, જે 2022ના જુલાઈથી ડિસેમ્બરના સમયગાળાની સરખામણીએ 36 ટકા ઘટાડો દર્શાવે છે.

અલબત, આ બાબતને એક સમસ્યા ગણવાને બદલે તક ઝડપી લેવાનો ઉત્તમ સમય ગણવી જોઈએ, એમ એન્જલ ફંડ ફીસિસ કેપિટલના પાર્ટનર મિતેશ શાહ જણાવે છે.

મિતેશ શાહે બીબીસીને કહ્યું હતું, "આકર્ષક વેલ્યૂએશન સાથે આ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણકારો માટે લાંબા ગાળે નોંધપાત્ર સંપત્તિનું સર્જન કરવાની ક્ષમતા છે."

પશ્ચિમમાં જેયઝ અને એશ્ટન કુચેર જેવી સેલિબ્રિટીએ પોતાના રોકાણ પર સારું એવું વળતર મેળવ્યું છે. જેયઝે ઉબરમાં 20 લાખ ડોલરનું રોકાણ કર્યું હતું તથા સક્રિય રોકાણકાર એશ્ટન કુચરે સ્કાયપે જેવી કંપનીમાં રોકાણ કર્યું હતું. હવે તે વેન્ચર કેપિટાલિસ્ટ છે.

ભુટાણી કહે છે, "ભારતમાં પણ આગામી દાયકામાં ભારતીય સેલિબ્રિટીઝ દ્વારા નવીનતમ કન્ઝ્યુમર બ્રાન્ડ્ઝમાં થોડા અબજો ડૉલરનું રોકાણ કરવામાં આવે અથવા તેને સમર્થન આપવામાં આવે તેવી અપેક્ષા આપણે રાખી શકીએ."

શેર માર્કેટમાં લિસ્ટેડ યુનિકોર્ન નાયકામાં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ દ્વારા કરવામાં આવેલું પ્રારંભિક રોકાણ અમુક અંશે તે સફળતાને પ્રદર્શિત કરે છે.

રેડ લાઇન
રેડ લાઇન