શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચનના પાડોશી કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈથી
‘મન્નત’ બહાર એકઠી થયેલી ભીડ “શાહરુખ, શાહરુખ” પોકારી રહી છે. પોલીસ લાકડીથી ડરાવીને ચાહકોને પાછળ હટાવવાના પ્રયાસ કરે છે.
શાહરુખ ખાન થોડી મિનિટ પહેલાં જ મુંબઈના બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાંના તેમના ‘મન્નત’ બંગલાની બહારની દીવાલ પાસેના કઠોડામાં ઊભા હતા, જેથી ચાહકો તેમને ગમતા સ્ટારને નિહાળી શકે.
શાહરુખ ક્યારેક બન્ને હાથ ફેલાવીને પોઝ આપીને, ક્યારેક ફ્લાઈંગ કિસ આપીને તો ક્યારેક સલામ કરીને ચાહકોને ખાસ હોવાની અનુભૂતિ કરાવતા હતા.
રસ્તો જામ થઈ ગયો છે, ફોનના કૅમેરા ચાલુ છે. ચાહકોની ખુશી મોટા અવાજ સ્વરૂપે સંભળાઈ રહી છે.
થોડી મિનિટો પછી શાહરુખ ચાહકોને આવજો કહીને બંગલાની અંદર ચાલ્યા જાય છે.
હવે શાહરુખની પીઠ ચાહકો તરફ છે અને ચાહકોની પીઠ જેમના તરફ છે, એ લોકોની આ કહાણી છે. એ લોકો, જેમના પાડોશીનું ઘર જોવા દર વર્ષે લાખો લોકો આવી છે. ફોટોગ્રાફ્સ ક્લિક કરે છે.
શાહરુખ ખાન સહિતની વિખ્યાત હસ્તીઓના બંગલાઓને આશાભરી નજરે નિહાળવા ચાહકોની પીઠ જેમના ઘર તરફ હોય છે એ લોકોનાં ચહેરા તથા ઘર કેવાં છે?
મુંબઈના લગભગ દરેક વિસ્તારમાં કોઈને કોઈ કલાકાર રહે છે. ભલે તે સરનામાની જગ્યાએ માત્ર ‘અમિતાભ બચ્ચન, જુહૂ’ લખેલા પત્રો મેળવતા અમિતાભ બચ્ચન હોય કે પછી સાંતાક્રુઝની સાંકડી ગલીઓમાં પ્રતિ એપિસોડ રૂ. 500થી 1,000માં કામ કરતા કોઈ જુનિયર આર્ટિસ્ટ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કહાણીમાં આપણે એવી કેટલીક હસ્તીના ઘરની આસપાસના માહોલ તથા તેમના પાડોશીઓને જાણવાનો પ્રયાસ કરીશું, જેમના ઘર વિશે વધુ ચર્ચા થતી હોય છે અને જેમનાં ઘર માત્ર બહારથી જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. જેમ કે શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી.

શાહરુખ ખાનના પાડોશીઓ

ઇમેજ સ્રોત, SRK/SM
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈદ, જન્મદિવસ અને ફિલ્મ રિલીઝ વખતે. મોટા ભાગે બપોરે ચાર વાગ્યે. ઘણી વાર રાતે પણ. આ બધા પ્રસંગે શાહરુખ ‘મન્નત’ની બહાર ઊભેલા પ્રશંસકોને પોતાનો દીદાર કરાવે છે.
શાહરુખના ઘરની સામે જે વિસ્તાર છે તેનું નામ ગણેશનગર છે. ઝળહળાટની નીચે વસેલો આ વિસ્તાર પોતાની જિંદગી થોડા અંધકારમાં પસાર કરે છે. ગણેશનગરમાં આશરે 100 ઘર છે. કોઈ ફિલ્મસ્ટાર કે શ્રીમંતની એક કારના પાર્કિંગ માટે જેટલી જગ્યા હોય એવડું જ કદ આ ઘરોનું છે. શેરીઓ એટલી સાંકડી છે કે બે લોકો સાથે ચાલી પણ ન શકે.
એ ગલીમાં રહેતા કેટલાક લોકો, શાહરુખને જોવા આવતા પ્રશંસકોને ખાવાપીવાની ચીજો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
‘મન્નત’ના દરવાજાની સામે સમુદ્રની તરફ 10-12 વર્ષની એક છોકરી પાર્વતી મકાઈના ડોડા વેચે છે. બાજુમાં જ વ્હીલચૅર પર પાર્વતીનો ભાઈ પ્રેમ બેઠો છે. પ્રેમ ચાલી કે બોલી શકતો નથી.
સૂરજ મુંબઈના અરબી સમુદ્રમાં ડૂબીને અંધારું છોડી જાય છે ત્યારે પ્રેમ વ્હીલચૅર પર બેઠા-બેઠા મોબાઇલની ટોર્ચ વડે, ડોડા વેચતી પાર્વતીને રોશની આપે છે.
ઝારખંડથી મુંબઈ આવીને વસેલો પાર્વતીનો પરિવાર છેલ્લાં 20-22 વર્ષથી ગણેશનગરમાં રહે છે. પાર્વતી પાસે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલથી પાછા ફર્યા બાદ મન્નતની બહાર મકાઈના ડોડા વેચે છે.
પ્રેમને પૂછો તો એ આંખો અને ઇશારા વડે સસ્મિત જવાબ આપે છે, પરંતુ પ્રેમ વ્હીલચૅરને આધીન કેમ છે?
પાર્વતીનાં માતા નીરજા દેવી કહે છે, “દિવાળી હતી. ઘરમાં લગાવવાનો રંગ લેવા ગયો હતો. બન્ને ભાઈ પાછા આવી રહ્યા હતા ત્યારે એક મોટી મોટરકારે તેમને પાછળથી ટક્કર મારી હતી. એક ભાઈનો હાથ કપાઈ ગયો અને બીજાનો પગ કામ કરતો બંધ થઈ ગયો. કમર પણ નકામી થઈ ગઈ. ત્રણ વર્ષ થઈ ગયાં. હજુ પણ વ્હીલચૅર પર જ છે.”
શાહરુખ ખાન તમારી વાત સાંભળતા હોય તો તમે તેને શું કહેશો, એવા સવાલના જવાબમાં નીરજા દેવી કહે છે, “થોડી મદદ મળે તો સારું. આટલો મોટો છોકરો લઈને અહીંતહીં દોડી રહ્યા છીએ. ખાવાપીવાનું કોઈ ઠેકાણું નથી. પાથરણા પર વેપાર કરીએ તો બધા પરેશાન કરે છે.”
શાહરુખ રહે છે એ જ લાઇનમાં અનેક બીજા મોટા સ્ટાર્સ પણ રહે છે.
તહેવાર વગેરે હોય ત્યારે શાહરુખના ઘરેથી કશું મોકલવામાં આવે છે, એવો સવાલ મેં પૂછ્યો ત્યારે નીરજા દેવી મારી સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યાં.
જોકે, મન્નતની બરાબર બાજુમાં આવેલા બંગલા તરફ ઇશારો કરીને તેઓ કહે છે, “એક્સિડેન્ટ થયો ત્યારે એ બંગલામાં રહેતા એક ભાઈએ બહુ મદદ કરી હતી.”

મોંઘી હોટલ અને ઝૂંપડીનું ભાડું

ઇમેજ સ્રોત, BBC/VIKAS TRIVEDI
એક તરફ ઊંચી બિલ્ડિંગ અને બીજી તરફ કાચાં મકાન. કોળી, માછીમાર અને વારલી સમુદાયના લોકોનું મુંબઈ ઝડપભેર બીજા કોઈનું થતું જાય છે. બરાબરી શબ્દની મજાક ઉડાવતા નજારા મુંબઈમાં લગભગ તમામ સ્થળે જોવા મળે છે.
તેમાંથી શ્રીમંતોનાં ઘર પણ બાકાત નથી. પ્રિયંકા ચોપડાએ ખરીદેલો મોંઘો બંગલો હોય કે પછી શાહરુખ, સલમાનનું ઘર.
એક હાઉસિંગ પ્રોપર્ટી વેબસાઇટનું અનુમાન છે કે શાહરુખના બંગલો લગભગ રૂ. 200 કરોડનો હશે. તેનાથી થોડા આગળ જાઓ તો ત્યાં એક મોંઘી ફાઈવ સ્ટાર હોટલ છે. તેમાં એક રાત રોકાવાનું ભાડું રૂ. 25,000 હશે.
રસ્તાની સામેની બાજુએ જે ઘરનું ભાડું લગભગ બે લાખ રૂપિયા હશે, એટલી જ જગ્યામાં અહીં ત્રણ પરિવાર રૂ. 5,000-5000 માસિક ભાડું આપીને રહે છે. કેટલાક લોકો પાસે પોતાની માલિકીનાં ઘર છે. શાહરુખ ખાન મુંબઈ આવ્યા ન હતા ત્યારથી આ લોકો અહીં વસે છે.
ગંગાસિંહ છત્તીસગઢના દંતેવાડામાં આવેલું પોતાનું પિયર છોડીને પતિ સાથે 1986થી ગણેશનગરમાં રહે છે.
ગંગાસિંહ કહે છે, “આ અગાઉ એક પારસીનો બંગલો હતો. આખો ખુલ્લો હતો. પછી તે શાહરુખે ખરીદ્યો. બંગલામાં રિપેરિંગ થતું હતું ત્યારે હું અહીં જ હતી. એક ભાઈ બંગલામાં સમારકામ કરાવી રહ્યા હતા. અમારી વડા-પાવ, રાઈસ પ્લેટની હોટલ હતી. તેમના બધા સ્ટાફ માટે અમારે ત્યાંથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી.”
ગંગાસિંહ દાવો કરે છે, “દર મહિને ચેક આપવામાં આવતો હતો. ચેક પર શાહરુખની સહી હોય. એ પૈસાથી મેં મારું ઘર બનાવ્યું. પહેલાં પ્લાસ્ટિકની ખોલીમાં રહેતા હતા. આ ઘર શાહરુખની દેન છે. શાહરુખે મોટો બંગલો બનાવ્યો, અમે અમારું નાનું મકાન બનાવ્યું.”
ગણેશનગરમાં રહેતા મોહમ્મદ ઇબ્રાહીમ કહે છે, “સામે મન્નત છે, આગળ ગેલેક્સી પણ છે. લોકો 24 કલાક આવતા રહે છે. અમારું ઘર સી ફેસિંગ છે, પણ સમુદ્રનું પાણી આવે છે ત્યારે પાણી પણ ફેસ કરવું પડે છે. બધો સામાન હટાવવો પડે. બીજી જગ્યાએ જવું પડે. આ જગ્યા એટલી મોકળી છે કે અહીં રહેતી વ્યક્તિ બીજે ક્યાંય રહી ન શકે. અહીં શ્રીમંતો જેવી ફીલિંગ થાય છે. અહીં જે અનુભૂતિ થાય છે, તે બિલ્ડિંગમાં રહેતા લોકોને પણ નહીં થતી હોય.”

શાહરુખના પાડોશી હોવાનું સુખ

ઇમેજ સ્રોત, SUMER SINGH RATHOR
શાહરુખના પાડોશી હોવાનું સગાં-સંબંધીઓને જણાવતાં આનંદ થાય? ગણેશનગરના મોટા ભાગના રહેવાસીઓ આ વાત સાથે સહમત છે. આ સવાલ પૂછો તો રાજી થઈ જાય છે.
ગણેશનગરના એક નાના ઘરની બહાર આઈબ્રો કરી રહેલાં પ્રેમલતા કહે છે, “હું શેઠ લોકોના કામ કરું છું. સાથે મૅક-અપ કરતા પણ શીખી છું. કોઈ પૂછે તો શાહરુખના ઘરની બાજુમાં રહીએ છીએ, એવું કહેતાં આનંદ થાય છે. તેની ફિલ્મો પણ ગમે છે.”
મોહમ્મદ ઇબ્રાહીમ કહે છે, “મને ફિલ્મલાઇનમાં રસ નથી. કોઈને પસંદ જ કરવાના હોય તો શાહરુખ, સલમાનને પસંદ કરીશ. તેઓ અમારા પાડોશી છે, અમે તેમના. પાડોશીની ફરજ છે.”
સાઇકલ પર સવારી કરતા સલમાન ઘણી વાર બેન્ડ સ્ટેન્ડ પર જોવા મળે છે, પણ શાહરુખ સાથે તેના પાડોશીઓની મુલાકાત થાય છે?
મોહમ્મદ ઇબ્રાહીમ કહે છે, “મતદાન વખતે મારાં આન્ટીની મુલાકાત શાહરુખ અને અબરામ સાથે થઈ હતી. આન્ટીએ અબરામને જબરામ કહીને બોલાવ્યો ત્યારે શાહરુખે અબરામને કહ્યું હતું કે બેટા, આન્ટી કો બોલો, મેરા નામ જબરામ નહીં, અબરામ હૈ.”

ઇમેજ સ્રોત, BBC/VIKAS TRIVEDI
ગંગાસિંહ કહે છે, “ગયા મહિને મારા દીકરાનાં લગ્ન હતાં. વતનમાં હતા. હું તો બધાને ગર્વથી કહું છું કે શાહરુખ મારા પાડોશી છે. અમે મોબાઇલમાં દેખાડીએ છીએ. લોકો પૂછે છે, શાહરુખ કો દેખા હૈ ક્યા. હું જવાબ આપું છું કે અમે તો રોજ જોઈએ છીએ. અમને તો બહુ ગર્વ થાય છે.”
મુશ્કેલીમાં પાડોશી જ પહેલા કામ આવે છે, એવી કહેવત છે. બેન્ડ સ્ટેન્ડના કિસ્સામાં પણ એવું જ છે?
ગંગાસિંહ કહે છે, “કોરોનાકાળમાં બે વર્ષ સુધી શેઠ લોકોએ બહુ મદદ કરી હતી. શાહરુખ, સલમાન જાતે આવીને દાન કરતા નથી. પોતાનું નામ કહેતા નથી. તેમણે લોકોને ચુપચાપ મદદ કરી હોય તે શક્ય છે.”

ઇમેજ સ્રોત, BBC/VIKAS TRIVEDI
શાહરુખ માટે તેના પુત્ર આર્યન ખાનનો જેલવાસ ઘણો મુશ્કેલ દૌર હતો. એ પછી લતા મંગેશકરના અંતિમસંસ્કાર વખતે દુઆ પઢ્યા બાદ થૂંકવા બાબતે પણ તેનું જોરદાર ટ્રોલિંગ થયું હતું.
એ ઘટનાઓને યાદ કરતાં ગંગાસિંહ કહે છે, “આર્યન સાથે થયું તે યોગ્ય ન હતું. મારો દીકરો પણ યુવાન છે. મને પણ ડર લાગે છે કે આટલી મોટી હસ્તીને છોડતા નથી તો ગરીબનો કોઈ છોકરો આવી મેટરમાં ફસાઈ જશે તો જેલની બહાર કેવી રીતે આવશે? આર્યન જલદી જેલની બહાર આવી જાય એટલા માટે કુળદેવીને પ્રાર્થના કરી હતી. શાહરુખ દિલ્હીનો છે એટલે ભારતીય જ છે, પરંતુ લોકો કેવું-કેવું બોલે છે. અમારે ત્યાં કોમવાદ જેવું કશું નથી. અમે પ્રેમથી હળીમળીને રહીએ છીએ.”

સલમાનનું ઘર, ગેલેક્સી એપાર્ટમેન્ટ

ઇમેજ સ્રોત, BBC/VIKAS TRIVEDI
શાહરુખના ઘરથી થોડે દૂર રસ્તામાં સલમાનનું ઘર આવેલું છે. સલમાનનુ ઘર બહારથી એટલું સાધારણ લાગે છે કે ત્યાં આવતા તેના પ્રશંસકોને વિશ્વાસ નથી આવતો કે આ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન પણ રહે છે.
આ સંદર્ભમાં સલમાન ખાનનો એક ડાયલૉગ બહુ સટિક લાગે છેઃ મેરે બારે મેં ઇતના મત સોચના. મેં દિલ મેં આતા હૂં, સમજ મેં નહીં.
સલમાનના ઘરની સામે કેટલાંક કાચાં-પાકાં નાનાં ઘર છે. સામેની બાજુએ લગભગ 15-20 ઘર છે. અહીં કૅથલિક લોકો રહે છે. ઘરની બહાર ક્રોસ જેવા મળે છે. બાજુમાં જ સેન્ટ એન્ડ્ર્યુઝ ચર્ચ છે.
એક ઘરની બાલ્કનીમાં એક વૃદ્ધા બેઠેલાં દેખાય છે. તેમનું નામ રોઝી છે. તેઓ 80 વર્ષનાં છે. તેઓ તેમના ઘરના પહેલા માળની બાલ્કનીમાં બેઠાં છે. સામે સલમાન ખાનના ઘરની બારી દેખાય છે.
રોઝી કહે છે, “સલમાન નાનો હતો ત્યારે અમારા ઘરે પણ આવતો હતો. હવે મોટો હીરો થઈ ગયો છે. ઘણાં વર્ષોથી આવ્યો નથી. ગેલેક્સી તો બહુ પાછળથી થયું. અમે તો એ બન્યું તે પહેલાંથી અહીં રહીએ છીએ. ગેલેક્સી બિલ્ડિંગ પણ અમારી નજર સામે બની છે. સલમાનનાં મમ્મી-પપ્પા સાથે પહેલાં મુલાકાત થતી હતી.”

સલમાનના પાડોશી હોવાનું સુખ

ઇમેજ સ્રોત, BBC/VIKAS TRIVEDI
સલમાનના પાડોશીઓની જિંદગી અલગ હોય છે?
બાળકોને ફૂટબૉલ કોચિંગ આપતા સેબી કહે છે, “હું અહીં મારાં માસીને ત્યાં રહું છું. એટલા બધા લોકો આવે છે કે બહુ મુશ્કેલી થાય છે. સલમાનના બર્થડે કે ઇદના દિવસે ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી થાય છે.”
પોતાનું ઘર ક્યાં આવેલું છે એવું કોઈને કહેવું હોય ત્યારે તમે શું કહો છો?
સેબી કહે છે, “સલમાન સાઇકલિંગ કરતો હોય ત્યારે જોવા મળે છે. સલમાન નાનો હતો ત્યારે અહીંના લોકોને હળતોમળતો હતો. હવે મોટો સ્ટાર થઈ ગયો છે તેથી મુલાકાત થતી નથી. સલમાનના ઘરની સામે જ રહીએ છીએ, એવું કોઈને કહીએ ત્યારે બહુ આનંદ થાય છે. તે અલગ જ ફીલિંગ હોય છે.”

ઇમેજ સ્રોત, SUMER SINGH RATHORE
સેબીના મનપસંદ અભિનેતા આમિર ખાન છે. સેબી કહે છે, “જેને મદદની જરૂર હોય તો તે મદદ માગવા જાય છે. સલમાન ખાનનું ફાઉન્ડેશન પણ છે. તેથી લોકો મદદ માગવા જાય છે.”
ખુદને સલમાન ખાનના પાડોશી કહો છો કે બીજું કંઈ, એવા સવાલના જવાબમાં રોઝી કહે છે, “ચર્ચ પાસે રહીએ છીએ એવું કહીએ છીએ. સલમાન વગેરે તો અહીં બાદમાં રહેવા આવ્યા.”
સેન્ટ એન્ડ્ર્યુઝ ચર્ચ પાસે રહેતા આ કૅથલિક લોકોને અજાણ્યા માણસોને જોવાની એટલી આદત પડી ગઈ છે કે તેઓ હવે કોઈની એવું વિચારીને નજર નથી મેળવતા કે તેમને ફરી પુરાણો સવાલ પૂછવામાં આવશેઃ આ સલમાનનું ઘર છે?
સલમાનના ઘર સામે નારિયેળ વેચતો શખસ કહે છે, “અખ્ખા દિન લોક ખાલી એક હી સવાલ પૂછતા હૈ.”

અમિતાભ બચ્ચનનું ઘર અને તેની બહારનો માહોલ

ઇમેજ સ્રોત, Getty Images
પાડોશીઓની બાબતમાં અમિતાભ બચ્ચન એકલા હોય તેવું લાગે છે. અમિતાભના જુહૂસ્થિત બંગલા ‘જલસા’ની બાજુમાં એક બૅન્ક છે. જલસાની દીવાલો પર પૅન્ટિંગ છે.
બંગલાની સામે પાણી ભરેલું માટલું રાખ્યું છે. ચાહકો તેમાંથી પાણી પીએ છે અને તેમના સગાં-સંબંધીઓને વીડિયો કોલ કરીને જણાવે છે કે તેઓ અમિતાભના ઘરનું પાણી પી રહ્યા છે.
અમિતાભના બંગલાની બહાર ભીડમાં પણ “પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન” જોવા મળે છે. શાહરુખ, સલમાનના ઘરની બહાર અને બીજી જગ્યાએ ભીડમાં સંભળાતો કોલાહલ અમિતાભના ઘરની બહાર ઓછો જોવા મળે છે.
જુહૂમાં અમિતાભના બીજા બે બંગલા પણ છે. જનક અને પ્રતીક્ષા, પરંતુ સૌથી વધુ લોકો જલસા પાસે એકઠા થાય છે. અહીં અમિતાભ રવિવારે સાંજે પ્રશંસકોની સામે આવે છે. અભિવાદન કરે છે.
એ સિવાય જલસાની બહાર મોટરકારો થંભે છે. લોકો સિક્યૉરિટી ગાર્ડ્ઝને સવાલ પૂછે છે, ફોટોગ્રાફ્સ ક્લિક કરે છે. માટલામાંથી થોડું પાણી પી, તરસ છીપાવીને ચાલ્યા જાય છે.
અમિતાભના ઘરના સલામતી રક્ષકો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, “લોકો આવે છે અને પૂછે છેઃ અમિતાભ સાહબ કહાં સોતે હૈં? સામે જે રૂમ દેખાય છે તેમાં ઊંઘે છે? બાલ્કનીમાં આવે છે? હું બૂમ પાડીશ તો અમિતાભજીને તે સંભળાશે? આખો દિવસ બસ આવા જ સવાલ લોકો પૂછે છે.”
ફિલ્મ સ્ટારના ઘર પાસે સવાલ પૂછી શકાય છે, પણ બીજી જગ્યાએ આવું શક્ય છે?

મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રાફિકજામ અને ફિલ્મસ્ટાર્સથી ભરપૂર બાંદ્રા ઉપનગરથી હાજી અલી થઈને દક્ષિણ મુંબઈ તરફ પ્રયાણ કરવા માટે સી લિંક એટલે કે સમુદ્ર પર બનેલા પુલ પરથી જવું પડે.
સી લિંક પર પ્રવાસ કરવાથી સમય બચે છે અને મુંબઈની જમીન પર ઊગેલી ગગનચુંબી ઇમારતોનો નજારો પણ જોવા મળે છે.
એવી જ એક ઊંચી ઇમારત છેલ્લા એક દાયકાથી ચર્ચામાં છે. વિશ્વના મોટા ભાગના શ્રીમંતો તે ઇમારતમાં મહેમાન બને છે. આ ઇમારતમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે મોટા ફિલ્મસ્ટાર્સ પણ હસતાં-હસતાં ભોજન પીરસતા જોવા મળે છે.
એ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર છે.

ઇમેજ સ્રોત, SUMER SINGH RATHORE
27 માળની આ બિલ્ડિંગ મુખ્યત્વે માત્ર છ લોકો માટે બનાવવામાં આવી છે. નવા સભ્યોની સંખ્યા ગણીએ તો હવે વધુમાં વધુ આઠ લોકો આ ઘરમાં રહે છે.
જોકે, આ ઘર સેંકડો લોકો માટે ગુજરાન ચલાવવાનું, ઘર ચલાવવાનું એક માધ્યમ પણ છે.
કોઈ સામાન્ય માણસ થોડી મિનિટ રોકાઈને એન્ટિલિયાને નિહાળે તો સલામતી રક્ષકો તેને ત્યાંથી હટાવી દે છે. એન્ટિલિયાની બહાર મોટા પ્રમાણમાં સલામતી રક્ષકો તહેનાત હોય છે.
તેનો ફોટોગ્રાફ ક્લિક કરવાની મનાઈ છે. હા, કેટલીક વખત ઇમારતના દરવાજા ખૂલે અને કોઈ મોટો માણસ તેમાંથી બહાર નીકળે ત્યારે કેટલાક પાપારાત્ઝી તેના ફોટા ક્લિક કરતા જરૂર જોવા મળે છે.
મુકેશ અંબાણીના ઘરની આસપાસ અનેક શ્રીમંત લોકો રહે છે. સામાન્ય લોકો આ વિસ્તારમાં નોકરી કરી શકે, પરંતુ ઘર ખરીદી શકતા નથી.

આશ્ચર્યજનક વાત એ છે કે મુકેશ અંબાણીના ઘરના દરવાજાની બાજુમાં બે ખાણી-પીણીની અને એક ભંગારવાળાની નાનકડી દુકાન છે.
મુકેશ અંબાણીના ઘરની બાજુમાં જ આવેલી એક નાનકડી દુકાનનું નામ છેઃ લકી સ્ટોર. વિશ્વના ટોચના શ્રીમંતો પૈકીના એકના ઘરની બહાર દુકાન હોય તે ખરેખર લકી ગણાતું હશે.
એ દુકાનના માલિક અને મુકેશ અંબાણીના લકી હોવામાં એક સમાનતા છે. એ બન્ને ગુજરાતી છે. લકી સ્ટોરના માલિક ગુજરાતના કચ્છના છે.
એ ત્રણેય દુકાનમાં કામ કરતા લોકો પણ સારી રીતે વાત કરતા નથી. એક વ્યક્તિએ કહ્યું હતું, અરે સાહેબ, અહીં ધંધો કરવાનો છે. સવાલો પૂછવા હોય તો શેઠને પૂછજો.
મુકેશ અંબાણીના ઘરની પાસે આવેલી ભંગારની દુકાનમાં અખબારોની પસ્તીનો ઢગલો પડ્યો છે.
આ ઘરની બહારનો માહોલ છે, પરંતુ એન્ટિલિયાની અંદર જતા લોકોને શું જોવા મળે છે?
હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક મોટી હસ્તી મુકેશ અંબાણીને ત્યાં પાર્ટીમાં ગઈ હતી.
તેઓ કહે છે, “અમે ફિલ્મવાળા ત્યાં જઈએ ત્યારે અમને એક ખૂણામાં બેસાડી દેવામાં આવે છે. અંદર પૂછપરછ ન કરવાની હોય. અંદર બીજા શ્રીમંતો પણ રહે છે. તમે વિચારો કે એ લોકો પાસે કેટલા પૈસા છે. તેમની સરખામણીએ અમે તો કશું જ નથી.”
આ વાત એ વ્યક્તિએ કહી હતી, જેની ફિલ્મો રૂ. 100 કરોડથી વધુ કમાણી કરે છે.
સલમાન ખાન જે મુકેશ અંબાણીની પાછળ સ્ટેજ પર બૅક ડાન્સરનું કામ કરતા હોય ત્યાં જઈને કોઈ કરોડપતિ, વિખ્યાત હસ્તી માટે આવું વિચારવું પણ અશક્ય છે.

સાત દ્વીપનું શહેર

ઇમેજ સ્રોત, MAHENDRA PARIKHA/GETTY IMAGES
સાત દ્વીપના બનેલા મુંબઈ મહાનગરમાં વરસાદ થાય છે ત્યારે અનેક દિવસો સુધી અટકતો નથી. આંખોમાં સપનાં લઈને લાખો લોકો આકાશ તરફ આશાભરી નજરે જોતા હોય એ આસમાન માટે મુશળધાર વરસવું કોઈ આશ્ચર્યની વાત નથી.
લગભગ ત્રીજી દરેક કાર મોંઘા વીઆઈપી નંબરવાળી હોય એવું મુંબઈમાં જ બને. મુંબઈ બહારથી આવતા લોકો કાળા કાચવાળી આવી કારને જુએ ત્યારે વિચારે છે કે કદાચ કોઈ સ્ટાર ગાડીમાં જતો હશે.
અહીં એટલા શ્રીમંતો છે કે મુંબઈની જમીન પણ અગણિત તારાવાળું આકાશ હોય તેવું લાગે છે.
કાળી-પીળી ટેક્સના ડ્રાઇવર સી લિંક પાર કરતાં કહે છે, “બૉમ્બેના ઓરિજિનલ લોકો માત્ર સોનાની ચેન પહેરે છે. ઊંઘે છે. બહારના લોકો આવે છે, અહીં પૈસા બનાવે છે અને ઊંચી ઊંચી ઇમારતો બનાવીને ચાલ્યા જાય છે.”
ટેક્સી ડ્રાઇવરે જે બહારના લોકોની વાત કરી એ તો મુંબઈનો એક અલગ ઐતિહાસિક, રાજકીય અને સામાજિક મુદ્દો છે, પરંતુ બહારના કેટલાક લોકો મુકેશ અંબાણી જેવા પણ હોય છે, જેમના ઘરની બહાર કોઈ રોકાઈ શકતું નથી.

ઇમેજ સ્રોત, BBC/VIKAS TRIVEDI
કેટલાક શાહરુખ જેવા બહારના લોકો હોય છે, જેમના ઘરની બહાર આવીને સમુદ્ર રોકાય છે અને પછી મોજાંના સહારે આવતો-જતો રહે છે. સમુદ્રનાં એ મોજાં વેગીલાં હોય છે ત્યારે શાહરુખના ઘરની બહાર મકાઈના ડોડા વેચતી પાર્વતીનો નાનો સ્ટૉલ પણ હટાવી દે છે.
ઇદ પછીના દિવસે સમુદ્રના મોજાં રસ્તા સુધી આવી રહ્યાં હતાં. પાર્વતી તેમનાં માતા સાથે ઊભાં છે. તેમનો સ્ટૉલ સમુદ્રનાં મોજાં અને પછી મુંબઈ મહાનગરપાલિકાના ડરથી હટી ગયો છે.
પાર્વતીનો ભાઈ વ્હીલચૅર પર ઘરે છે. તેનું કારણ પૂછ્યું તો પાર્વતીએ કહ્યું, આટલા પાણીમાં એ કેવી રીતે આવી શકે?
બહેનને મોબાઇલ ફોનની ટોર્ચથી પ્રકાશ આપવા સક્ષમ ભાઈ સમુદ્રના જોરદાર મોજાંને કારણે આવી શક્યો નહીં.
પ્રેમ અને પાર્વતીનો બીજો ભાઈ તેનો હાથ કાયમ માટે ગુમાવી ચૂક્યો છે. પાર્વતીના બન્ને ભાઈના હાથની કહાણીથી થોડા મિટર દૂર શાહરુખ ખાન પોતાના બન્ને હાથ ફેલાવે છે કે તરત જ ભીડ મન્નત તરફ જોવા લાગે છે.
“બડે-બડે શહરો મેં... ઐસી છોટી બાતેં હોતી રહતી હૈ.”














