'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિલીપ જોશી તો જેઠાલાલ નહીં, ચંપકલાલ બન્યા હોત...

દિલીપ જોશી

ઇમેજ સ્રોત, MADHU PAL

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ધારાવાહિક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું નામ આવે ત્યારે તમને સૌથી પહેલાં કયુ પાત્ર યાદ આવે?

દયાબહેન? ચંપકલાલ? બબીતાજી? કે પછી જેઠાલાલ?

તમને જે પણ પાત્ર યાદ આવે, આજે આપણે વાત કરીશું જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની, કારણ કે આજે (26 મે) તેમનો જન્મદિવસ છે.

આ લોકપ્રિય ધારાવાહિકે ઘરેઘરે એટલું નામ કર્યું છે કે તેનાં પાત્રો ભજવતા કલાકારોને લોકો એ નામથી જ યાદ કરે છે.

આ ધારાવાહિકની એક રસપ્રદ બાબત એ છે કે ચિત્રલેખા સામયિકથી જાણીતી થયેલી લેખક તારક મહેતા લેખિત શ્રેણી 'દુનિયાને ઊંધા ચશ્મા'માં જેઠાલાલનું જે નિરુપણ હતું, સિરિયલના જેઠાલાલ જરા પણ એવા નથી.

એ જેઠાલાલ દેખાવમાં એકદમ પાતળા હતા.

જોકે, દિલીપ જોશીના અભિનયે આ પાત્રને એ સ્તરે પહોંચાડ્યું કે આજે પણ તેમને ઘણા ચાહકો જેઠાલાલ કહીને જ બોલાવે છે.

અન્ય એક રસપ્રદ વાત એ છે કે દિલીપ જોશીને ચંપકલાલનું પાત્ર પણ ઑફર થયું હતું. સિરિયલના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ બીબીસી સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું, "દિલીપભાઈને મેં જેઠાલાલ અથવા તો તેના બાપુજી ચંપકલાલ, બેમાંથી કોઈ એક પાત્ર ભજવવા માટે ઑફર આપી હતી. મને ભરોસો હતો કે તેઓ કોઈ પણ ભૂમિકા ભજવશે, તેને સો ટકા ન્યાય આપશે."

અસિત મોદીએ આગળ જણાવ્યું, "આ બેમાંથી તેમણે જેઠાલાલનું પાત્ર પસંદ કર્યું અને સાથે સવાલ પણ કર્યો કે ચિત્રલેખાની લેખમાળામાં જે જેઠાલાલ છે, એ તો પાતળા છે અને હું એવો નથી. ત્યારે મેં કહ્યું હતું કે 'તમે જે પણ ભૂમિકા ભજવશો, દર્શકોને મજા કરાવશો.' તેમણે જેઠાલાલ બનવાનું પસંદ કર્યું અને લોકોએ જેઠાલાલને વધાવી લીધા."

ગ્રે લાઇન

દિલીપ જોશી : એક પારંગત અભિનેતા

બીબીસી ગુજરાતી

કૉમેડીએ અભિનયની રોકડી બાબત છે. દરેક કલાકાર કૉમેડીને ન્યાય આપી શકતા નથી. કૉમેડી કરતા શીખવું પણ અઘરું છે.

દિલીપ જોશી એક અભિનેતા તરીકે કૉમેડીમાં પારંગત રહી ચૂક્યા છે. ગુજરાતી નાટકો અને અન્ય સિરિયલોમાં પણ તેમણે પોતાના અભિનયથી લોકોને પેટ પકડીને હસાવ્યા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના 500 જેટલા ઍપિસોડ ડિરેક્ટ કરનારા ધર્મેશ મહેતા બીબીસીને જણાવે છે, "દિલીપ જોશીનું કૉમિક ટાઇમિંગ ગજબનું છે. તેઓ સતત પ્રયાસ કરતા હોય છે કે પોતાના દરેક સીનને કૉમિક ટાઇમિંગ અને રમૂજી લાક્ષણિકતા સાથે એક નવી જ ઊંચાઈ પર લઈ જાય. આ રાઇટર્સ અને ડિરેક્ટરની કલ્પનાથી પણ એક ડગલું આગળ હોય છે."

ધર્મેશ મહેતાએ જે વાત કહીં, તે વિશે દિલીપ જોશીએ પૂર્વ રેડિયો જૉકી ધ્વનિત સાથેની એક મુલાકાતમાં વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "અસિતભાઈએ જેઠાલાલના પાત્રમાં મને કેટલીક છૂટછાટ આપી છે. હું મારામાં રહેલાં હાસ્યના તરંગો એમાં ભરૂં છું અને લાગે ત્યાં પાત્રને ઇમ્પ્રોવાઇઝ કરું છું."

"ઘણી વખત હું મારા પાત્રને મારા વ્યક્તિત્વમાં રહેલી લાક્ષણિકતાઓ સાથે પણ જોડું છું."

ગ્રે લાઇન

પૈસાની જરૂર હોવા છતાં 'ડબલ મિનિંગ કૉમેડી શો' માટે ના પાડી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MADHU PAL

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલીપ જોશીએ 'બાપુ તમે તો કમાલ કરી', 'ખેલૈયા', 'ચિત્કાર', 'કાયાકલ્પ' જેવાં ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો છે. આ સિવાય 'મૈને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન' સહિત પંદરેક ફિલ્મોમાં નાનાંમોટાં પાત્રો ભજવ્યાં છે. તેમણે પોતાની કારકિર્દીમાં વીસેક સિરિયલોમાં પણ જુદીજુદી ભૂમિકાઓ ભજવી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી તો તેઓ ઘરેઘરે જાણીતા થઈ ગયા હતા, પરંતુ એ પહેલાં પણ તેઓ એક સારા કલાકાર તરીકે નામના ધરાવતા હતા. તેમણે એવા દિવસો પણ જોયા છે જ્યારે તેમની પાસે કોઈ કામ નહોતું.

એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું, "વર્ષ 1994માં 'હમ આપકે હૈં કૌન' કર્યા બાદ મને થયું કે જીવનમાં આટલી મોટી ફિલ્મનો ભાગ બન્યા બાદ હવે લાઇફ સૅટ થઈ ગઈ છે. હવે કામની કોઈ અછત નહીં રહે, પણ એનાથી સાવ વિપરીત થયું. ફિલ્મ બંપર હિટ થઈ હોવા છતાં તેના પછી મારી પાસે કામ જ ન હતું."

"આ જીવનની વાસ્તવિક્તા છે."

આવો જ એક તબક્કો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલાં પણ આવ્યો હતો. આ વિશે તેમણે કહ્યું, "મારી પાસે જ્યારે તેની ઑફર આવી એના પહેલાં દોઢ વર્ષ સુધી કોઈ કામ નહોતું. મને પૈસાની સખત જરૂરત હતી."

તેમણે આગળ કહ્યું, "આ દરમિયાન મને એક સ્ટૅન્ડઅપ કૉમેડી જેવી સિરિયલની ઑફર મળી હતી. તેમાં પૈસા પણ પુષ્કળ હતા અને પબ્લિસિટી પણ સારી થાય એમ હતી. પણ જ્યારે મેં વધુ માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે તેમાં જે કૉમેડી કરવાની હતી એ થોડીક 'બિલો ધ બૅલ્ટ' એટલે કે ડબલ મિનિંગ તરફ ઝૂકેલી હતી. તેથી મેં ના પાડી દીધી."

"કસોટીના સમયમાં હું ખરો ઊતર્યો કારણ કે તેના થોડા જ સમયમાં મને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ઑફર મળી. એ દિવસ અને આજનો દિવસ. મેં ક્યારેય પાછું વળીને જોયું જ નથી."

બીબીસી ગુજરાતી

નાટકો, ફિલ્મો અને સિરિયલો

દિલીપ જોશીને ભલે દર્શકો સિરિયલ અને ફિલ્મોમાં તેમની ભૂમિકાથી ઓળખતા થયા હોય, પણ તેમનો પાયો રંગમંચ સાથે જોડાયેલો છે. તેઓ 12 વર્ષની ઉંમરથી નાટકોમાં અભિનય કરતા આવ્યા છે.

તેમણે બાળનાટક, રેડિયો નાટક ભજવવાની સાથેસાથે મુંબઈમાં ગુજરાતી નાટકોના મહારથી એવા કાંતિ મડિયા, મહેન્દ્ર જોશી, પરેશ રાવલ સાથે પણ કામ કર્યું છે.

તેઓ મરાઠી નાટ્યકાર નામદેવ લહુટેને પોતાના નાટ્યગુરુ માને છે. લહુટે લીટલ થિયેટર એકૅડેમી ચલાવતા હતા. દિલીપ જોશી બાળપણથી તેની સાથે જોડાયેલા હતા.

નાટકમાં તેમણે બૅકસ્ટેજનાં કામો એટલે કે સૅટ ગોઠવવાનું, નાટક પૂર્ણ થયા બાદ તેને સમેટવાનું, કલાકારોના કૉશ્ચ્યુમ્સ સંભાળવાનું, લાઇટ્સ ગોઠવવાં જેવાં નાનાંથી નાનાં કામ કર્યાં છે.

હુંશીલાલથી જેઠાલાલ સુધીની યાત્રા

દિલીપ જોશીનું હાલ જે નામ બન્યું છે, તેની પાછળ ચોક્કસપણે તેમના જેઠાલાલના પાત્રનો મોટો ભાગ છે, પણ માત્ર એક હાસ્યકલાકાર તરીકે જ નહીં, તેમની અભિનયક્ષમતા તેનાથી ઘણી વધારે છે.

તેમણે ગંભીર પાત્રો પણ ભજવ્યાં છે જેમકે રાજકીય કટાક્ષ એવી ગુજરાતી ફિલ્મ 'હું હુંશી હુંશીલાલ.'

1992માં રજૂ થયેલી આ ફિલ્મ સંજીવ શાહે ડિરેક્ટ કરી હતી. જેમાં દિલીપ જોશીની સામે અભિનેત્રી તરીકે રેણુકા શહાણે હતાં.

આ ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં વખણાઈ હતી. એ ફિલ્મમાં દિલીપ જોશીને જોઈએ તો તેમનો એક અલગ જ રંગ દેખાશે.

'હું હુંશી હુંશીલાલ' ફિલ્મમાં દિલીપ જોશીની પસંદગી શા માટે?

આ પ્રશ્નના જવાબમાં ડિરેક્ટર સંજીવ શાહ કહે છે, "મેં તેમનાં એકાદ-બે નાટકો જોયાં હતાં અને મને તેમનો અભિનય ગમી ગયો હતો. હુંશીલાલની ભૂમિકા માટે મેં તેમના સિવાય પણ અન્ય ઍક્ટર્સ જોયા હતા પણ મારું મન તેમના પર જ અટકી ગયું હતું."

જોકે, તે સમય અલગ હતો અને હાલનો સમય અલગ છે. હાલ દિલીપ જોશી જેઠાલાલની હાસ્યરસથી ભરપૂર ભૂમિકા માટે જાણીતા છે.

તો શું હવે 'હું હુંશી હુંશીલાલ'ની રિમેક કે સિક્વલમાં ફરીથી દિલીપ જોશી ગંભીર ભૂમિકામાં લો?

આ પ્રશ્નના જવાબમાં સંજીવ શાહે કહ્યું, "હા, બિલકુલ. હું તેમને જ લઉં. મેં એ વખતે પણ જો તેના પછી બીજી કોઈ ફિલ્મ બનાવી હોત તો તેમની જ પસંદગી કરતો. કારણ કે તેમનામાં અભિનેતા તરીકે વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવાની ક્ષમતા છે."

બીબીસી ગુજરાતી

પાત્રો ભજવવામાં પડકાર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તારક મહેતા સાથે સિરિયલના નિર્માતા અસિત મોદી અને દિલીપ જોશી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં જે પાત્રો છે, તેનાથી લોકો અગાઉથી વાકેફ હતા. આ કારણથી જ કલાકારો માટે તેની ભજવણી એ મોટો પડકાર હતો.

ટેલિવિઝન પર 2008થી શરૂ થયેલી આ સિરિયલના હજારો ઍપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે અને તે હજુ પણ ચાલુ છે. તેને બાળકોથી લઈને વડીલો સુધીનો દર્શકવર્ગ મળ્યો છે.

આ સિરિયલ જેના પરથી બની એ ચિત્રલેખા સામયિકની 'દુનિયાને ઊંધા ચશ્મા' કૉલમ અત્યંત પ્રખ્યાત હતી. તારક મહેતાએ લખેલાં એ પાત્રો દરેક વાચક માટે પોતાના પરિવારનાં પાત્રો જેવાં બની ગયાં હતાં.

લેખિત સાહિત્યની એક સારી બાબત એ છે કે લેખકે કરેલા પાત્રાલેખન પરથી લોકો પોતાપોતાની કલ્પના અનુસાર પાત્રની છબિ ઊભી કરી લેતા હતા. એવું જ કંઇક હતું 'દુનિયાને ઊંધા ચશ્મા'નાં પાત્રો સાથે. આ પાત્રોને ન્યાય આપવો અને લોકોને ગમે એ રીતે રજૂ કરવા સિરિયલના નિર્માતા અસિત મોદી માટે પણ પડકાર હતો.

આ પડકાર વિશે તેઓ કહે છે, "તારક મહેતાની જે લેખમાળા હતી, તેમાં ચંપકલાલ, જેઠાલાલ, ડૉ. હાથી વગેરે પાત્રો હતાં. પાત્રો સાથે ઘટનાઓ પણ હતી. એમાં કોઈ વાર્તા નહોતી. અમે એમાં ફેરફાર કર્યો કે એ પાત્રોને વાર્તાના મણકામાં પરોવી દીધાં. તેથી સિરિયલ ચાલવા લાગી."

તેઓ એમ પણ કહે છે, "જેઠાલાલના પાત્રમાં દિલીપ જોશી દીપી ઊઠશે, એ વાતમાં મને શરૂઆતથી જ કોઈ શંકા નહોતી. મેં અગાઉ પણ તેમની સાથે બે સિરિયલો કરી હતી, તેમનાં ગુજરાતી નાટકો પણ જોયાં હતાં. મને તેમનો અભિનય અને કૉમેડીનો અંદાજ ખૂબ પસંદ છે. તેથી જ મેં જેટલી પણ કૉમેડી સિરિયલો બનાવી છે, એમાં દિલીપભાઈ રહ્યા જ છે."

રેડ લાઇન
રેડ લાઇન