'તેઓ ઘરમાં હતાં તો લાગતું કે તારક મહેતા ઘરમાં છે'

ઇમેજ સ્રોત, BINIT MODI
'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'ના સર્જક અને ગુજરાતી ભાષાના લોકપ્રિય હાસ્યકાર-નાટ્યકાર તારક મહેતાના પત્ની ઇન્દુ તારક મહેતાનું 74 વર્ષની જૈફ વયે અમદાવાદ ખાતે અવસાન થયું છે.
દિવસ અગાઉ એમને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
સ્થિતિ વધારે વણસતા તેઓ કોમામાં સરી પડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 1 માર્ચના રોજ પ્રસિદ્ધ હાસ્યલેખક અને નાટ્યકાર તારક મહેતાનું અવસાન થયું હતું.
લાંબી બીમારી પછી 88 વર્ષની વયે તારક મહેતાએ વર્ષ 2017માં દુનિયાની વિદાય લીધી હતી. દોઢ વર્ષ બાદ તેમના પત્ની ઇન્દુ મહેતાએ પણ દુનિયાને અલવિદા કર્યું છે.
તાજેતરમાં જ તેમણે 'તારક મહેતા: સ્મૃતિ વિશેષ' પુસ્તકનું વિમોચન કર્યું હતું.
તેમના દીકરી ઈશાની શાહના શબ્દોમાં કહીએ તો તારક મહેતાની સફળતામાં ઇન્દુબહેનનો સિંહ ફાળો રહ્યો છે. તેઓ તેમનું પીઠબળ હતાં.
ઇન્દુબહેન તારક મહેતાના બીજા પત્ની હતાં. તારક મહેતાને છેલ્લે દૃષ્ટિની તકલીફ હોવાથી તેમને તેઓ લેખન કાર્ય વાંચીને સંભળાવતા અને તેમના કામકાજમાં મદદરૂપ થતા હતા.
તેમના પરિવારમાં પ્રથમ પત્નીથી જન્મેલા એક દીકરી ઈશાની શાહ છે. જેઓ અમેરિકામાં સ્થાયી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મેં જ પપ્પાને કહ્યું હતું કે મમ્મી (ઇન્દુ મહેતા) પસંદ હોય તો લગ્ન કરી લો'

ઇમેજ સ્રોત, SAnjay Vaidhya
ઈશાની શાહે બીબીસી સાથેની વાતચીતમાં ઈન્દુબહેન મહેતા વિશે વાત કરતા જણાવ્યું કે પિતાનું અવસાન થયું ત્યારથી તેઓ પિતાને જે પસંદ હતું તે ખાતા અને તેજ જોવાનું પણ પસંદ કરતા હતા.
તેમણે કહ્યું,"હું છેલ્લા ઘણાં વર્ષોથી અમેરિકામાં રહું છું. પિતાના કામકાજમાં તેમણે ઘણી મદદ કરી. મમ્મી સાથે હું 9 વર્ષ રહી છું."
"તેમણે મારા જોડિયાં બાળકોને 6 વર્ષ સાથે રાખ્યા હતા. આથી મારા બાળકોને પણ તેમની સાથે લગાવ છે. મારા (પહેલાં) મમ્મી સાથે પિતાએ ડાઇવોર્સ લીધા હતા. ત્યાર બાદ તેમણે એમની(ઈન્દુ તારક મહેતા) સાથે લગ્ન કર્યા હતા."
"મેં જ એકવાર મારા પિતાને કહ્યું હતું કે તેમને મમ્મી(ઈન્દુબહેન) પસંદ હોય તો તેઓ તેમની સાથે લગ્ન કરી લે."
"મને તેમના પિયર પક્ષ વિશે વધુ નથી ખબર પરંતુ તેઓ અમારા પરિવારનો એક પ્રકારે પાયો હતા. તેમને હરવા-ફરવાનો શોખ હતો."
દુ:ખની લાગણી વ્યક્ત કરતાં તેમનાં દીકરી ઈશાની કહે છે,"તેઓ મારાં અઢી મહિનાનાં બાળકને પોતાની પાસે લઈ આવ્યા હતાં. ત્યારથી છ વર્ષ સુધી તેને ઉછેર્યો છે. "
"પિતાના ડાઇવોર્સ બાદ તેઓ અન્ય મિત્રો સાથે ઘરે આવતા હતા. અમને ઘરમાં પણ કામકાજમાં મદદ કરતા હતાં."

તમે આ વાંચ્યું કે નહીં?

'તેઓ ઘરમાં હતાં તો લાગતું કે તારક મહેતા ઘરમાં છે'

ઇમેજ સ્રોત, Pragnesh Vyas
દરમિયાન બીજીતરફ ઘરમાં ઈન્દુબહેનની અંતિમક્રિયાની તૈયારીઓ ચાલી રહી હોવાથી ઈશાની વધુ વાતચીત ન કરી શક્યાં પરંતુ તેમના જમાઈ ચંદુ શાહ, જેઓ પણ એક કવિ-નાટ્યકાર છે તેમણે બીબીસી સાથે વાતચીત કરી.
તેમણે તેમના અનુભવ શેર કરતા કહ્યું,"તારક મહેતના સ્વપ્નો પૂરા કરવાની તેમણે છેલ્લે સુધી કોશિશ કરી. તેમના સ્મૃતિ વિશેષનું પુસ્તક પણ તેમાંનું એક હતું."
"તારક મહેતાના અવસાન બાદ તે ઘરમાં હતાં તો એવું લાગતું કે તારક મહેતા જ ઘરમાં છે. પણ હવે આ ખાલીપો ખૂબ જ દુ:ખદ બાબત છે."
તદુપરાંત તારક-ઇન્દુ મહેતા સાથે ભરત ઘેલાણી છેલ્લા 45 વર્ષોથી પરિચયમાં છે. તેમના ઘણા નિકટમત સંબંધો રહ્યાં છે.

પ્રેમાળ-માયાળુ અને મૃદુભાષી

ઇમેજ સ્રોત, ISHAN BHAVSAR
ચિત્રલેખાના એડિટક ભરત ઘેલાણીએ બીબીસી સાથેની વાતચીતમાં ઈન્દુ મહેતાનાં વ્યક્તિત્વ વિશે કહ્યું,"ઇન્દુમહેતા એકમદ પ્રેમાળ-માયાળુ અને મૃદુભાષી હતા. ગત સપ્તાહે જ તેઓ મુંબઈ આવ્યા હતાં."
"જૈફ વયના કારણે સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાની હતી. પરંતુ ખાસ કોઈ મેજર સમસ્યા નહોતી. જોકે, આજે તેમનાં નિધનનાં દુ:ખદ સમાચાર આવ્યા. આવતીકાલે તેમની પ્રાર્થના સભા છે. હું તેમાં જઈ રહ્યો છું."
"'દુનિયાને ઊંધા ચશ્મા' શ્રેણીનું એક પાત્ર શ્રીમતી હતું જે ખૂબ જ મૃદુભાષી હતું. તારકભાઈના ઘરપરિવારનું તે પીઠબળ હતાં. મોટાભાગની જગ્યાએ હંમેશાં તેઓ બન્ને સાથે જ જતા."
"જોકે તેમના પિયર વિશે તેઓ વધુ વાતચીત ન કરતા. હંમેશાં તેઓ સાસરીપક્ષ વિશે વધુ વાતો કરતા. તેઓ નાટકની દુનિયામાંથી બધાના પરિચયમાં આવ્યા."
"કુંભમેળામાં જવાનું હોય તો તેઓ બન્ને જતા. અમે તારક મહેતાના વર્ષોથી દૈનિક અખબારો અહીં મુંબઈથી મોકલતા."
"તારક મહેતા શ્રેણીનું બેકગ્રાઉન્ડ મુંબઈનું એટલે તેની બાબતો અને માહિતીની તેમને જરૂર પડતી. તે બધું તેમને ઈન્દુ મહેતા બોલીને સંભળાવતા કેમ કે તારક મહેતાની આંખની દૃષ્ટિ છેલ્લે છેલ્લે નબળી થઈ ગઈ હતી."

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'ના નિર્માતા આસીતકુમાર મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વધુમાં 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' ટેલિવિઝન શ્રેણીના નિર્માતા આસીતકુમાર મોદી તારક મહેતા-ઈન્દુ મહેતાના ખૂબ જ નિકટ રહ્યા છે.
તારેક મહેતા બાદ હવે ઈન્દુ મહેતા પણ નથી રહ્યા તે અંગે દુઃખ વ્યક્ત કરતા આસીતકુમારે કહ્યું,"દંપતિ મને પરિવારની વ્યક્તિની જેમ જ ગણતું હતું. તે મારો પરિવાર હતો."
"2008થી સિરિયલ ચાલુ થઈ ત્યારથી મને માનસિક બળ આપતાં રહ્યાં અને પ્રોત્સાહન આપ્યું છે. મેં ઈન્દુ મહેતા સાથે પ્રવાસ કર્યો છે. તેમને આગતા-સ્વાગતા માણી છે."
છેલ્લી મુલાકાતનું સંસ્મરણ યાદ કરતા આસિત મોદી કહે છે,"મુંબઈમાં પુસ્તકના વિમોચન વેળા સાથે ડિનર લીધું હતું. સામાન્યપણે સપ્તાહમાં એકાદ વાર વાતચીત થતી. પણ મળ્યા બાદ કોઈ વાતચીત ન થઈ તેનો રંજ રહેશે."
"હું 18-19 તારીખે અમદાવાદ આવવાનો જ હતો. અને મને આ દુઃખદ સમાચાર મળ્યા. અમારે છેલ્લા 10 વર્ષથી પરિવાર જેવા જ સંબંધો હતા."
"2001માં સિરિયલ માટે રાઇટ્સ લીધા ત્યારથી હું તેમના પરિચયમાં હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













