રાશિદ ખાન : ગાયકીથી હજારોની મેદનીને ડોલાવતા શાસ્ત્રીય સંગીતની દુનિયાના બાદશાહ

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇકબાલ પરવેઝ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ફિલ્મ નિર્દેશક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'માં 'આઓગે જબ તુમ, ઓ સાજના...' ગીત ગાઈને પ્રખ્યાત થયેલા શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશિદ ખાનનું મંગળવારે કોલકાતામાં 55 વર્ષની વયે અવસાન થયું હતું.

ઉસ્તાદ રાશિદના નિધનના સમાચાર સાંભળીને બોલીવૂડ અને શાસ્ત્રીય સંગીતની દુનિયામાં શોકનો માહોલ છે.

રાશિદ ખાનના મિત્ર અને શાસ્ત્રીય સંગીતના જાણીતી હસ્તી ડૉ. સોમા ઘોષે જણાવ્યું હતું કે, "આ ઉંમર વૃદ્ધ થવાની નથી. સંગીત આ ઉંમરે યુવાન બની જાય છે. રાશિદનું સંગીત પણ યુવાન બની રહ્યું હતું."

તેમજ બોલીવૂડ અને ક્લાસિકલ સિંગર કવિતા શેઠે કહ્યું કે, “જ્યારથી તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે, ત્યારથી કંઈ સારું નથી લાગતું. આ અચાનક સમાચારે અમને બધાને હચમચાવી દીધા છે."

પાછલા કેટલાક દિવસથી કોલકાતાની પીયરલેસ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગયા મહિને જ તેમની તબિયત બગડી હોવાના અહેવાલો આવ્યા હતા, ત્યાર બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ પાછલા કેટલાક દિવસથી આઇસીયુમાં વૅન્ટિલેટર પર હતા.

અગાઉ તેમની સારવાર મુંબઈની ટાટા મૅમોરિયલ કૅન્સર હૉસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ બાદમાં તે કોલકાતા પરત ફર્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું.

બોલીવૂડના પ્રખ્યાત ગીતકાર ફૈઝ અનવરે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, "શાસ્ત્રીય સંગીત માટે આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે કે તેમણે આટલી જલદી વિદાય લીધી."

ઉપરાંત પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને તેમના અકાળ અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ઉસ્તાદ રાશિદ ખાન દુનિયાભરમાં પ્રખ્યાત

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉસ્તાદ રાશિદ ખાનને શાસ્ત્રીય સંગીતની દુનિયાના બાદશાહ કહેવામાં આવે છે. પોતાના બુલંદ અવાજથી તેમણે માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી હતી.

તે જ સમયે બોલીવૂડમાં તેમણે શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ 'જબ વી મેટ' માટે 'આઓગે જબ તુમ' ગીત ગાયું.

આ સાથે તેમણે શાહરુખ ખાનની 'માય નેમ ઇઝ ખાન', 'રાઝ 3', 'મંટો' અને 'શાદી મેં જરૂર આના' જેવી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો.

ડૉ. સોમા ઘોષે કહ્યું, "રાશિદે ફિલ્મોમાં બહુ ઓછાં ગીતો ગાયાં છે, પરંતુ તેમણે ગાયેલાં ગીતો આત્માને સ્પર્શી જાય છે. 'આઓગે જબ તુમ સાજના' ગીતને કોઈ કેવી રીતે ભૂલી શકે? આ ગીત પોતાનામાં જ એક એન્થમ જેવું છે."

આ ગીત ફૈઝ અનવરે લખ્યું હતું. તેમણે આ ગીત ઉસ્તાદ રાશિદ ખાન સુધી કેવી રીતે પહોંચ્યું તેની કહાણી બીબીસીને સંભળાવી.

ફૈઝ અનવર કહે છે, "આઓગે જબ તુમ સાજના આટલાં વર્ષો પછી પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. આ કોઈ ગીત નથી, આ એક એન્થમ છે, જે જ્યાં સુધી સંગીત રહેશે ત્યાં સુધી જીવંત રહેશે."

પ્રીતમે ફિલ્મ નિર્દેશક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'નું સંગીત આપ્યું હતું. પરંતુ 'આઓગે જબ તુમ' ગીતના સંગીતકાર સંદેશ શાંડિલ્ય હતા.

આ ગીતને યાદ કરતાં ફૈઝ અનવરે કહ્યું કે, "ફિલ્મના નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ આ ગીત ગાવા માટે ઉસ્તાદ રાશિદને પસંદ કર્યા હતા. જ્યારે આ ગીત બની રહ્યું હતું ત્યારે લાગતું હતું કે આ ગીત ખૂબ જ અદ્ભુત છે અને લોકોને તે ગમશે. પણ મને કે રાશિદ ખાનસાહબને આશા નહોતી કે આ ગીત આટલું મોટું હિટ થશે.

ફૈઝ અનવર કહે છે, "આઓગે જબ તુમ સાજના અગાઉ લગભગ 15 વર્ષ પહેલાં ક્લાસિકલ ગીતો ફિલ્મોમાં લેવાનું બંધ કરી દેવાયું હતું અને જ્યારે આ ગીત આવ્યું ત્યારે તે લોકોનાં દિલદિમાગમાં વસી ગયું."

આ ગીતને યાદ કરતાં કવિતા શેઠ કહે છે, "આપણે ફિલ્મોમાં ઘણાં ક્લાસિકલ ગીતો સાંભળ્યાં છે, પરંતુ તેમાંથી આ ગીત એક અલગ સ્થાને છે."

રાશિદ ખાન હતા પાર્ટીઓના શોખીન

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ગાયન સિવાય રાશિદ ખાન પોતાના અંગત જીવનમાં પણ સામાન્ય માણસ હતા. તે મિત્રોના મિત્ર હતા. જુનિયર ગાયકોને સાચો રસ્તો બતાવતા. તે પાર્ટીઓના પણ શોખીન હતા. જ્યાં તે ઘણી વાર મિત્રો સાથે ફરતા.

ડૉ.સોમા ઘોષ કહે છે, "રાશિદને પાર્ટીઓ ખૂબ જ પસંદ હતી. તે ખૂબ પાર્ટી કરતા હતા. તે મિત્રો સાથે મળતા. એટલું જ નહીં તે ઘણી વાર અમને પોતાના હાથે ભીંડી મટન ખવડાવતા."

તેમને યાદ કરતાં કવિતા શેઠ કહે છે, “હું તેમને ઘણી વાર મળી. તે તેમનાં નાનાં બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. સંગીત વિશે વાત કરતા હતા."

ફૈઝ અનવરે બીબીસીને જણાવ્યું કે "તે ખૂબ જ પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ હતા."

ગુલામ મુસ્તફા ખાન પાસેથી તાલીમ મેળવી

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઉસ્તાદ રાશિદ ખાનનો જન્મ 1 જુલાઈ 1968ના રોજ ઉત્તર પ્રદેશના બદાયૂંના સહસવાનમાં થયો હતો. તેમણે તેમની પ્રારંભિક તાલીમ તેમના દાદા ઉસ્તાદ નિસાર હુસૈન ખાન પાસેથી લીધી હતી.

જોકે, તેમને બાળપણમાં ગાયનમાં બહુ રસ ન હતો, પરંતુ તેમના મામા ગુલામ મુસ્તફા ખાને તેમની પ્રતિભાને ઓળખી અને પછીથી તેમને તાલીમ આપીને તેમાં સુધારો કર્યો.

રાશિદ ખાનનું પહેલું સ્ટેજ પર્ફૉર્મન્સ 11 વર્ષની ઉંમરે હતું. તેઓ રામપુર-સહસવાનના ઘરાનાના ગાયક હતા.

ડૉ. સોમા ઘોષે બીબીસીને કહ્યું, "રાશિદે તેની સફરમાં ખૂબ જ મહેનત કરી. તેમણે મુસ્તફા ખાન પાસેથી ઘણું શીખ્યું અને ઘણી પ્રૅક્ટિસ કરી. ઘણી મહેનતને કારણે જ રાશિદ અન્ય લોકોથી અલગ છે અને તેમણે વિશ્વભરમાં ઘણું સન્માન મેળવ્યું છે. "

તેઓ ઉસ્તાદ અમીર ખાં અને પંડિત ભીમસેન જોશીની ગાયકીથી ખૂબ પ્રભાવિત હતા. રાશિદ ખાને વોકલ મેડિટેશન કર્યું હતું. તે દરેક નોંધ માટે કલાકો કે આખો દિવસ પ્રૅક્ટિસ કરતા હતા.

ફૈઝ અનવરના કહેવા પ્રમાણે, "હજારો શાસ્ત્રીય ગાયકો આ દેશમાં થયા છે અને આજે પણ હજારો ગાયકો છે. પરંતુ રાશિદ ખાન બધા કરતા અલગ હતા. શાસ્ત્રીય ગાયકીમાં તેમની એક અલગ ઓળખ હતી. તેમનો એક અલગ દરજ્જો હતો. તેમનો અવાજ અને તેની શૈલી તેને બધાથી અલગ બનાવે છે. રાશિદ ખાનની તૈયારી પરફેક્ટ હતી. તે કોઈ પણ ગીતને ખૂબ જ શાનદાર રીતે રજૂ કરતા હતા."

કવિતા શેઠ કહે છે, "જ્યાં પણ તેમનો કાર્યક્રમ થતો હતો, ત્યાં હું જતી હતી. હું તેમની ગાયકીમાંથી શીખતી હતી. તેમની ગાવાની એક અલગ શૈલી હતી જે બહુ ઓછા લોકો પાસે હોય છે."

ઉસ્તાદ રાશિદ ખાનને વર્ષ 2006માં પદ્મશ્રી અને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

વર્ષ 2012માં તેમને બંગભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને વર્ષ 2010માં રાશિદ ખાનને ગ્લોબલ ઇન્ડિયન મ્યુઝિકલ ઍકૅડમી ઍવૉર્ડ (GIMA) પણ મળ્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન