‘જેસલ તોરલ’ કેવી રીતે ‘બાહુબલી’ કરતાં પણ મોટી હિટ ફિલ્મ છે?

જેસલ તોરલ ફિલ્મ

ઇમેજ સ્રોત, Subhash Chheda

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કેટલીક પ્રાદેશિક ફિલ્મો એવી હોય છે જે તે ભાષાની અને ત્યાંની ફિલ્મ પરંપરાની ઓળખ બની જાય છે. ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે 'કચ્છની ધરતીનો કાળો નાગ... જેસલ જાડેજો' ડાયલોગ અને 'પાપ તારું પરકાશ...' ગીત અને સરવાળે ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ 'જેસલ તોરલ' યાદ આવે જ.

1971માં રજૂ થયેલી 'જેસલ તોરલ' ગુજરાતી ભાષાની બીજી રંગીન ફિલ્મ હતી. 1968માં પ્રથમ ગુજરાતી રંગીન ચિત્રપટ 'લીલુડી ધરતી' રજૂ થયું હતું. ફિલ્મમાં જેમ જેસલ બહારવટીયો ગામમાં ફરી વળતો તેમ 'જેસલ તોરલ' ફિલ્મ ટિકિટબારી પર ફરી વળી હતી.

આ ફિલ્મે થીયેટરોમાં 'હાઉસફૂલ'નાં પાટીયાં ઝુલાવી દીધાં હતાં. ગામેગામથી થીયેટરોમાં મેળા ભરાતા હતા. ઉપેન્દ્ર ત્રિવેદીએ 1960-63માં કેટલીક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. એ પછી અંતર પડી ગયું હતું. ઍક્ટર તરીકે તેમની સુવાંગ કારકિર્દી 'જેસલ તોરલ'થી જ શરૂ થાય છે.

એ ફિલ્મે ઉપેન્દ્ર ત્રિવેદીને રાતોરાત ગુજરાતી ફિલ્મનાં સ્ટાર બનાવી દીધા હતા. 'પાપ તારું પરકાસ જાડેજા...' ગીત ઘેર-ઘેર અને રીક્ષાઓમાં ગુંજવા માંડ્યું હતું. ફિલ્મનાં અન્ય ગીતો જેમકે ભજન 'ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની...' પણ લોકહૈયે વસી ગયાં હતાં.

અમદાવાદ વસતા ફિલ્મ મર્મજ્ઞ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ કહે છે, “આ ફિલ્મની વ્યાવસાયિક સફળતાએ ગુજરાતી ફિલ્મોની દશા અને દીશા બદલી નાખી હતી. ફિલ્મ કથાનકોમાં લોકકથા આવી હતી. કુડીબંધ નિર્માતાઓ આવ્યા હતા. ગુજરાતનાં શહેરોમાં સિનેમાઘરો બંધાવાં લાગ્યાં હતાં.”

ફિલ્મનો આઇડિયા કેવી રીતે આવ્યો?

ગુજરાતી ફિલ્મ

ઇમેજ સ્રોત, Subhash Chheda (Datakino)

'જેસલ તોરલ'ના ડિરેક્ટર રવીન્દ્ર દવે હતા. તેઓ હિન્દી ફિલ્મ 'નગીના' બનાવી રહ્યા હતા. જેમાં સંજય ખાન અને લીના ચંદાવરકર મુખ્ય ભૂમિકા ભજવવાનાં હતાં. જે તેમણે જ 1951માં બનાવેલી 'નગીના' ફિલ્મની રિમેક હતી. એ રીમેક ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી ખલનાયકની ભૂમિકા ભજવવાનાં હતાં.

ફિલ્મની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. કોઈક કારણસર ફિલ્મનું કામ આગળ ન વધ્યું અને અટકી પડી. એ વખતે કોઈએ રવીન્દ્ર દવેને સૂચવ્યું કે કલાકારોનો કાફલો અને સેટસજ્જા વગેરે તો તૈયાર જ છે. તમે કોઈ ગુજરાતી ફિલ્મ બનાવી નાખો જે ઝડપથી આટોપી શકાય.

આ રીતે 'જેસલ તોરલ' ફિલ્મની શરૂઆત થઈ. એવું ઉપેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર દેવાંગ ભટ્ટને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. જોકે, ફિલ્મના સંશોધન સાથે સંકળાયેલા મુંબઈ રહેતા સુભાષ છેડા આ વાતને નકારે છે.

રવીન્દ્ર દવે વિશે સુભાષ છેડાએ ખૂબ સંશોધન કર્યું છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “રવીન્દ્ર દવેએ ૧૯૬૯માં 'નગીના' ફિલ્મ બનાવી જ હતી. તે સેન્સરમાં અટવાઈ હતી. તેની રીલીઝ ડેટની પણ સમસ્યા હતી. એ વખતે 'જેસલ તોરલ' નામનું એક નાટક આવ્યું હતું. એ નાટક પરથી પ્રેરાઈને રવીન્દ્ર દવેએ ફિલ્મ બનાવી હતી.”

હોજમાં ઊભો કર્યો દરિયો, હેલિકૉપ્ટરના પંખાથી તોફાન ઊભું કર્યું!

ગુજરાતી ફિલ્મ

ઇમેજ સ્રોત, Subhash Chheda (Datakino)

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'જેસલ તોરલ'નું જમાપાસું તેનું સંગીત પણ હતું. દિવાળીબહેન ભીલે ગાયેલું 'પાપ તારું પરકાશ જાડેજા...' તેમજ અન્ય ગીતો ઠેર ઠેર ગુંજી ઊઠ્યાં હતાં. સરવાળે દિવાળીબહેન ભીલ અને વેલજી ગજ્જરનું નામ વધુ ને વધુ ગુજરાતીઓ સુધી પહોંચ્યું. 'જેસલ તોરલ'નાં ગીતો આજે પણ ખૂબ સંભળાય છે.

આ ગીત જ્યારે જેસલ જાડેજો તોરલની સાથે નાવડીમાં બેસીને દરિયામાંથી પસાર થતો હોય છે અને દરિયામાં તોફાન ઊઠે છે, ત્યારે ઠંડે કલેજે લોકોનાં કાસળ કાઢી નાખતો બહારવટીયો જેસલ પોતાનું મોત ભાળીને કંપી જાય છે. એ વખતે તોરલના સંવાદ તરીકે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું.

જેમાં તોરલ 'તારી બેડલીને બૂડવા નહીં દઉં...' ફિલ્મમાં પડદા પર દરિયાનાં તોફાનનાં દૃશ્યો દર્શકોને પણ અચંબો પમાડતાં હતાં. એ ગીતમાં દરિયાનું જે દૃશ્ય છે તે ખરેખર તો હોજમાં ફિલ્માવાયું છે!

એના શૂટીંગની વાત કરતા ઉપેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર દેવાંગ ભટ્ટને આપેલી મુલાકાતમાં કહ્યું હતું, “દરિયાનું દૃશ્ય ઊભું કરવા માટે અમે મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં વીસ બાય પચ્ચીસ ફૂટનો એક હોજ તૈયાર કર્યો હતો. એની અંદર એક નાનકડી હોડી મૂકી હતી. હેલિકૉપ્ટરનો પંખો મગાવીને પાણીમાં તરંગો – મોજાં ઊભાં કર્યાં હતાં."

"બાલદી લઈને સહાયકો કૅમેરા પાસે પાણી છાંટતા હતા. હોડીમાં હું અને તોરલની ભૂમિકા ભજવતી અભિનેત્રી અનુપમા હતાં. નાવડી હાલકડોલક થાય એ માટે કેટલાંક સહાયકોને નાવડી હલાવવા માટે હોજમાં નાવડી નીચે બેસાડ્યા હતા."

જેસલ તોરલ ફિલ્મના શૂટીંગ વખતે કચ્છમાં એક ગાડામાં ઊંઘનું ઝોકું લઈ રહેલા અભિનેત્રી અનુપમા

ઇમેજ સ્રોત, Anil Veljibhai Gajjar

ઇમેજ કૅપ્શન, જેસલ તોરલ ફિલ્મના શૂટીંગ વખતે કચ્છમાં એક ગાડામાં ઊંઘનું ઝોકું લઈ રહેલા અભિનેત્રી અનુપમા

"હું અને અનુપમા પણ ક્યારેક પગેથી થોડી નાવડી હલાવતાં હતાં. આ ઉપરાંત, હોડીનું એક મિનિયેચર ટેબલ પર બનાવ્યું હતું અને તેનુ કેટલુંક અત્યંત નજીકથી શૂટીંગ કરીને એ ટુકડાઓ જોડીને આખું ગીત તૈયાર કરવામાં આવ્યું હતું.” ફિલ્મમાં એ ગીત પર દર્શકો ઓવારી જતા હતા.

કાર્તિકેટ ભટ્ટ વાત કરતા કહે છે, “થીયેટરનું માધ્યમ નવું હતું તેથી લોકો એ માધ્યમથી જ અચંબિત હતા. લોકોને એમ પણ થતું હતું કે દરિયા વચ્ચે નાવડી ગોથા ખાતી હોય તો કેવી લાગે? એ જોઈને જ અચંબિત થઈ જતા હતા. લોકોને એવી ખબર નહોતી પડતી કે આ ટ્રિક ફોટોગ્રાફી કે મિક્સિંગ છે."

"લોકો માટે થીયેટરમાં જઈને ફિલ્મ જોવી એ જ એક નોખો અને નવો અનુભવ હતો. જ્યારે ટીવી શરૂઆતમાં નવું નવું આવ્યું અને ખેડૂતલક્ષી કાર્યક્રમો આવે તો જેને ખેતી સાથે કંઈ લેવાદેવા ન હોય એ લોકો પણ કુતૂહલવશ એ કાર્યક્રમો જોવા બેસી જતા હતા. કારણકે, ટીવી પોતે જ તેમના માટે આશ્ચર્ય હતું."

"ગામડાંઓ માટે થીયેટર એ જ પ્રથમ આશ્ચર્ય હતું, એમાં 'જેસલ તોરલ' બીજું આશ્ચર્ય અને સંગીત એનું ત્રીજું આશ્ચર્ય હતું. એમાં ધર્મ અને આધ્યાત્મનું તત્ત્વ હતું જે લોકોને તરત અપીલ કરે છે. તેથી એ ફિલ્મે કમાણી ખૂબ કરી હતી. પછી એ ઢાળની જ ફિલ્મો વધારે બનવા લાગી. એ પણ ખૂબ ચાલી હતી.”

'જેસલ તોરલ' ફિલ્મે કેટલાંય થીયેટરોમાં સિલ્વર જ્યૂબિલી ઊજવીને નિર્માતા, ઍક્ઝિબિટરોની ચાંદી ચાંદી કરી દીધી હતી. એ પછી રવીન્દ્ર દવેએ બનાવેલી અન્ય ફિલ્મો જેવી કે 'શેતલને કાંઠે', 'રાજા ભરથરી', 'ભાદર તારા વહેતાં પાણી' પણ એવી લાગલગાટ ચાલી હતી અને થીયેટરોમાં રજત જયંતીનાં તોરણ ઝુલાવ્યાં હતાં.

કચ્છના અંજાર – ભુજમાં શૂટીંગ

જેસલ તોરલ

ઇમેજ સ્રોત, Subhash Chheda (Datakino)

'જેસલ તોરલ'ની કથા કચ્છની ધરતીની છે. ફિલ્મનું આઉટડોર શૂટીંગ અંજાર – ભુજમાં થયું હતું. જાણીતા લોકગાયક વેલજીભાઈ ગજ્જર તેમાં નિમિત્ત બન્યા હતા. કચ્છના શૂટીંગમાં તેમણે વ્યવસ્થા ગોઠવી હતી.

વેલજીભાઈના પુત્ર અનિલભાઈ અંજારથી બીબીસીને જણાવે છે, “એ વખતે મારી ઉંમર 10 વર્ષ હશે. શૂટીંગનો માહોલ એવો હતો જાણે અંજાર શહેરે લગન લીધાં હોય. લોકોનાં ટોળે ટોળાં શૂટીંગ જોવા વીંટળાઈ વળતાં હતાં. પિતાજી સાથે શૂટીંગના કાફલાને જોવાનો રોમાંચ અનેરો હતો.

"ઉપેન્દ્રભાઈ, અરવિંદભાઈ વગેરે કલાકારો બપોરે અમારા ઘરે આરામ કરવા માટે આવતા હતા. તેમણે શૂટીંગમાં જે બહારવટિયાનાં કપડાં પહેર્યાં હોય એ જ કપડાં પહેરીને જ સૂઈ જતા અને પછી ઊઠીને ફરી શૂટીંગમાં જોતરાઈ જતા હતા.”

"ઘોડેસવારીનાં દૃશ્યોનાં શૂટીંગમાં અંજારના સ્થાનિક લોકોના ઘોડાનો ઉપયોગ કરાયો હતો. કેટલાંક ઘોડા ઉપેન્દ્ર ત્રિવેદીના ઘોડા કરતાં આગળ નીકળી જતા તો ડિરેક્ટર ગામનાં ઘોડેસવારોને સમજાવતા કે જેસલ જાડેજો ફિલ્મનો હીરો છે, સૌથી આગળ તો તેમનો જ ઘોડો રાખવો પડશે. બાકીના ઘોડા તેમની આગળ ન નીકળી જાય એનું ધ્યાન રાખજો."

'બાહુબલી' કરતાં પણ હિટ 'જેસલ તોરલ'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SUBHASH CHHEDA (DATAKINO)

ભારતની ભરપૂર કમાણી કરનારી ફિલ્મોમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'નો સમાવેશ થાય છે. કમાણીનો રેશીયો જોઈએ તો 'જેસલ તોરલ' 'બાહુબલી' કરતાં વધારે કમાણી કરનારી ફિલ્મ કહેવાય એવું સુભાષ છેડા કહે છે.

તેઓ આનું ગણિત સમજાવતા કહે છે, "'બાહુબલી' કરતાં 'જેસલ તોરલ' મોટી હિટ કહેવાય. 'જેસલ તોરલ' દોઢ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી. બે વર્ષમાં ફિલ્મે પાંત્રીસ લાખ રૂપિયાની કમાણી કરી હતી. તમે 5૦૦ કરોડ રૂપિયાની ફિલ્મ બનાવો અને બે હજાર કરોડ રૂપિયાની કમાણી કરે તો ચાર ગણી કમાણી કહેવાય. આમાં તો દોઢ લાખ રૂપિયાનાં રોકાણમાં 35 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું હતું. તેથી કમાણી 20ગણી કહેવાય. એ રીતે 'બાહુબલી' કરતાં કમાણીમાં વધારે હિટ 'જેસલ તોરલ' કહેવાય."

તેમણે ઉમેર્યું, "એ તબક્કામાં ગુજરાતી સિનેમા મરવાના વાંકે જીવી રહ્યું હતું. 1970માં ગુજરાતીમાં બે ત્રણ ગણતરીની ફિલ્મો બની હતી. જેમાંની એક એક 'જેસલ તોરલ' હતી. જેણે ફિલ્મઉદ્યોગના ચૂલે ફરી લાપસી રંધાવી."

ગુજરાતી ફિલ્મોની ઓળખ 'ગામ, ગોકીરો અને ગરબા'ની ઇમેજ 'જેસલ તોરલ'ને કારણે બની?

જેસલ તોરલ ફિલ્મ

ઇમેજ સ્રોત, Subhash Chheda

'ગામ, ગોકીરો ને ગરબાવાળી કે પાઘડીવાળી' ગુજરાતી ફિલ્મોની જે ઓળખ છે તેના મૂળમાં પણ 'જેસલ તોરલ' છે. આ ફિલ્મની અપાર સફળતા પછી જ એવી લોક કથાનકવાળી ફિલ્મોનો દોર શરૂ થયો હતો. જે બે દાયકા સુધી ચાલ્યો હતો.

કાર્તિકેય ભટ્ટ કહે છે કે, “ગુજરાતી ભાષામાં આજકાલ અર્બન ફિલ્મનો વાયરો ફૂંકાયો છે, પણ 'જેસલ તોરલ' અગાઉ ફિલ્મો અર્બન ઢબની જ હતી. 1971 પહેલાં જે ગુજરાતી ફિલ્મો બનતી તેની ભાષા જ માત્ર ગુજરાતી હતી, એ સિવાય તેનું પ્રોડક્શન, સિસ્ટમ બધું જ મુંબઈનું હતું. એટલે તમે હિન્દી ફિલ્મ જ ગુજરાતીમાં જોતા હો એવું લાગે."

"તમે 'અખંડ સૌભાગ્યવતી' કે 'મહેંદી રંગ લાગ્યો' જેવી ફિલ્મો જુઓ તો તમને એ વર્તાઈ જશે. શરૂઆતમાં ધાર્મિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળી ફિલ્મો બનતી હતી. સંજીવકુમાર ('જીગર અને અમી') જેવા કલાકાર આવ્યા પછી જેને અર્બન કહેવાય તેવી ફિલ્મ એ વખતે ગુજરાતીમાં બનવા માંડી હતી."

"એનું કારણ એ છે કે તે વખતે થીયેટર શહેરોમાં જ હતાં અને હિન્દી ફિલ્મો જે લોકો જોવા જતાં એ જ લોકો ગુજરાતી પણ ફિલ્મો જોતા હતા. જે પ્રમાણમાં ભણેલાગણેલા દર્શકો હતા. તેથી તમે જુઓ કે 'રમત રમાડે રામ' કે 'જેવી છું તેવી' ફિલ્મો એ અર્બન એટલે કે શહેરી માળખાંની હતી. એ અર્બન હોવા કરતાં પણ સામાજિક કથાનકની ફિલ્મો વધારે હતી.”

ફિલ્મોનું જે શહેરી વાતાવરણ હતું તેના પર 'જેસલ તોરલ'થી બ્રૅક લાગે છે. એ વખતે ઘણી ઘટનાઓ એક સાથે બને છે.

કાર્તિકેય ભટ્ટ કહે છે, “'જેસલ તોરલ'ની વાર્તા લોકકથા હતી. એ જ ગાળામાં ગુજરાતમાં ધીમે ધીમે વિકાસ થયો અને નાનાં શહેરોમાં થીયેટર બંધાવાં માંડ્યાં હતાં. ગ્રામીણ લોકોમાં 'જેસલ તોરલ'ની વાર્તા અને લોકગીતો તો જાણીતાં જ હતાં. જે કથા લોકોના મનમાં હોય છે એ જ્યારે અન્ય કે નવા માધ્યમ દ્વારા પ્રજાની વચ્ચે આવે છે ત્યારે પ્રજાને પોતાની તરફ ખેંચી લે છે.”

ડિરેક્ટર રવીન્દ્ર દવે કેવી રીતે ફિલ્મ નિર્માણમાં આવ્યા?

જેસલ તોરલ ફિલ્મના સંગીત રૅકોર્ડીંગ વખતે સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે મહેન્દ્ર કપૂર, ઉપેન્દ્ર ત્રિવેદી, વેલજીભાઈ ગજ્જર, સંગીતકાર ગૌરાગ વ્યાસ વગેરે.

ઇમેજ સ્રોત, Anil Veljibhai Gajjar

ઇમેજ કૅપ્શન, જેસલ તોરલ ફિલ્મના સંગીત રેકૉર્ડિંગ વખતે સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે મહેન્દ્ર કપૂર, ઉપેન્દ્ર ત્રિવેદી, વેલજીભાઈ ગજ્જર, સંગીતકાર ગૌરાગ વ્યાસ વગેરે.

'જેસલ તોરલ'ના ડિરેક્ટર રવીન્દ્ર દવેની કહાણી પણ રસપ્રદ છે. ગુજરાતી ફિલ્મઉદ્યોગમાં તેઓ બાપાના હુલામણા નામે જાણીતા હતા.16.04.1919ના રોજ તેમનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના પરિવારના મૂળીયા હળવદમાં હતા.

14 વર્ષની વયે મામા દલસુખ પંચોલીના લાહોરમાં આવેલા સ્ટુડિયોમાં કામ વળગી ગયા હતા. શરૂઆત તેમણે પંજાબી ફિલ્મોના પ્રૉડક્શન મેનેજર તરીકે કરી હતી. લાહોરના સ્ટુડિયોમાં ફિલ્મ બનાવવાની તમામ પ્રક્રિયા જોઈ જોઈને કેળવાયા હતા. 23 વર્ષની વયે તેમણે પ્રથમ ફિલ્મ 'પૂંજી' (હિન્દી - 1943) ડિરેક્ટ કરી હતી.

અભિનેત્રી નૂતનની પ્રથમ ફિલ્મ 'નગીના' (1951) હતી. જે રવીન્દ્ર દવેએ ડિરેક્ટ કરી હતી. રાજેશ ખન્ના અને બબીતાએ જે ફિલ્મનું શૂટીંગ પ્રથમ શરૂ કર્યું હતું તે 'રાઝ' (1967) હતી. જોકે, તેનું પ્રૉડક્શનનું કામ લંબાતા રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ 'આખરી ખત' (1966) અને બબીતાની પ્રથમ ફિલ્મ 'દશ લાખ' (1966) રજૂ થઈ હતી.

1971માં 'જેસલ તોરલ'થી તેમણે ગુજરાતી સિનેમામાં ડિરેક્ટર તરીકે પદાર્પણ કર્યું હતું. સુભાષ છેડા નોંધે છે કે, તેમણે ગુજરાતીમાં 26 ફિલ્મો બનાવી હતી. જેમાંની 16 ફિલ્મો ઉપેન્દ્ર ત્રિવેદી સાથે હતી. તેમની છેલ્લી ગુજરાતી ફિલ્મ 'માલો નાગદે' (1985)માં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરુણા ઇરાની હતા. તેમની 20 ફિલ્મોમાં સંગીત અવિનાશ વ્યાસનું હતું.

તેમણે 20થી વધુ હિન્દી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. જેમાં ‘પુંજી’, ‘ફરિશ્તા’, ‘સીઆઇડી ગર્લ’, ‘સાવનભાદો’, ‘દુલ્હા-દુલ્હન’, ‘પોસ્ટ બૉક્સ 999’, ‘નગીના’, ‘નામ’, ‘મોતી મહલ’, ‘મીનાબાઝાર’, ‘લુટેરા’, ‘આગ્રા રોડ’, ‘ઘર ઘર કી બાત’, ‘સટ્ટા બાઝાર’, ‘રાઝ’ વગેરેનો સમાવેશ થાય છે.

ઉપેન્દ્ર ત્રિવેદીએ ગાડીમાંથી ઊતરીને હળવદની માટી માથે લગાવી

જેસલ તોરલ ફિલ્મના શૂટિંગ વખતે ઉપેન્દ્ર ત્રિવેદી અને વેલજીભાઈ ગજ્જર

ઇમેજ સ્રોત, Anil Veljibhai Gajjar

ઇમેજ કૅપ્શન, જેસલ તોરલ ફિલ્મના શૂટિંગ વખતે ઉપેન્દ્ર ત્રિવેદી અને વેલજીભાઈ ગજ્જર

ઉપેન્દ્ર ત્રિવેદી અને વેલજીભાઈ ગજ્જરનાં ઘર વચ્ચે ખૂબ ઘનિષ્ઠ સંબંધો હતા. એક પ્રસંગ યાદ કરતા અનિલભાઈ ગજ્જર કહે છે કે, “એક વખત હું અને ઉપેન્દ્રભાઈ અમદાવાદથી કચ્છ તરફ જતા હતા. વચ્ચે તેમણે ગાડી રોકાવી. મેં જોયું તો હળવદ હતું. ઉપેન્દ્રભાઈ ગાડીમાંથી ઊતર્યા અને ધૂળ લઈને માથા પર તિલક કર્યું. પછી મને કહે કે 'રવીન્દ્ર દવેનું ગામ છે. મારા માટે તો આ માટીનું મૂલ્ય અદકેરું છે.'”

'જેસલ તોરલ'ના શીર્ષક સાથે ગુજરાતીમાં બે વખત ફિલ્મો બની છે. 1948માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું હતું. વિશ્વકોશ વેબસાઈટ પર આ વિગતો હરીશ રઘુવંશીએ નોંધી છે. રઘુવંશી ફિલ્મોની ઝીણામાં ઝીણી નોંધ રાખતા ફિલ્મરસિક છે. રસપ્રદ વાત એ પણ છે કે બંને 'જેસલ તોરલ' ફિલ્મોમાં સંગીત અવિનાશ વ્યાસે આપ્યું હતું.

ફિલ્મનો ટૂંકસાર જોઈએ તો :

ખૂંખાર બહારવટીયા જેસલ અને દેવી જેવું વ્યક્તિત્વ ધરાવતી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. જેસલ ખૂબ લાડકોડમાં ઉછેર્યો છે. મોટો થઈને તે સ્વચ્છંદી થઈ જાય છે.

ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરી નાખે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે.

ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ જાય છે. સતી તોરલ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કરે છે. પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળે છે.

જેસલનું વહાણ તેના પાપનાં ભારે મધદરિયે ડૂબવા લાગે છે ત્યારે તોરલના બોધથી તે પસ્તાવો પ્રગટ કરે છે. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ જાય છે. સતી તોરલ અને જેસલ પ્રભુભક્તિમાં શેષ જીવન વિતાવે છે.