સલિલ દલાલ : લાખો ગુજરાતીઓને બોલીવૂડની વિસ્મયજનક કથાઓ કહેનારા લેખકની કહાણી

- લેેખક, બીરેન કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

એક જ વ્યક્તિની બે ઓળખ, છતાં એ ‘ડૉ. જેકિલ એન્ડ મિ.હાઈડ’ જેવી વિરોધાભાસી નહીં, પણ ‘શોલે’માં બતાવાતા સિક્કા જેવી, જેની બન્ને બાજુ એકસમાન છાપ હતી. એમને એચ. બી. ઠક્કર તરીકે મળીએ કે સલિલ દલાલ તરીકે, એ જ આત્મીયતા અને ઉષ્મા અનુભવાય. તેઓ એવા સૌજન્યશીલ, સર્વમિત્ર, છતાં અનેક બાબતે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય ધરાવનારા હતા કે તેમને જાણનારા સૌ કોઈ પાસે પોતપોતાની સ્મૃતિઓ હશે. 1 ડિસેમ્બર, 1950ના રોજ જન્મીને, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ તેમણે વિદાય લીધી. આ 72 વર્ષની જીવનસફર કેવી રોમાંચક હતી!
ખેડા જિલ્લાના નાનકડા ગામ કઠાણામાં પિતા ભોગીલાલ અને માતા કમળાબહેનને ત્યાં જન્મેલા હસમુખને વાંચવાનો શોખ બાળપણથી જ વળગેલો. પિતાજીની ફરસાણની દુકાન હતી. તેમાં પડીકાં વાળવાં માટે પસ્તી આવતી. એમાંથી બાળસામયિકો પણ નીકળતાં. પડીકાં વળી જતાં પહેલાં હસમુખ એ સામયિકો ધરાઈને વાંચી લેતો.
કઠાણામાં ચાર ધોરણ સુધીની જ શાળા હતી. આથી આગળ ભણવા માટે વડોદરા ગયા. ત્યાં જ્ઞાતિની હૉસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા થઈ. આર્થિક સ્થિતિ એવી નહોતી કે હૉસ્ટેલની ફી ભરી શકાય. પણ કિશોરાવસ્થાના આવા અભાવોની સમાંતરે એક જુદું જ અનુભવવિશ્વ તેમની સમક્ષ ખૂલતું ગયું. શબ્દની સંગત તેમને અહીં બરાબરની થઈ. સાહિત્ય અને સિનેમા બન્નેનો નાદ તેમને લાગ્યો.
સિનેમાનો શોખ ઘેલછાની હદે પહોંચી ગયો. તેમના સહાધ્યાયીઓમાંથી કોઈને ફિલ્મ વિશે કશી પૃચ્છા હોય તો સૌનો એક જ જવાબ, ‘પૂછો એચ.બી.ને.’ ફિલ્મ જોઈને આવ્યા પછી ફિલ્મની સ્ટોરી મિત્રોને કહેવાની સાથોસાથ પોતાની ટિપ્પણી પણ રહેતી. બૉર્ડિંગના મિત્રોમાં તેઓ ‘એચ.બી.’ તરીકે જાણીતા બન્યા.
1967ની ચૂંટણીઓમાં તેમણે સનત મહેતાના સ્વયંસેવક તરીકે કામ કર્યું. મુદ્દાસર, અભ્યાસપૂર્ણ રીતે વાતની રજૂઆત કરતા સનતભાઈની શૈલીએ તેમને ઘણા પ્રભાવિત કર્યા. એ વખતે વડોદરામાં આવતા અનેક રાજકીય અગ્રણીઓનાં વક્તવ્ય સાંભળવાનો પણ લહાવો તેમને મળતો. આ બધું મનમાં સંઘરાતું જતું હતું.

'આણંદમાં હરતા ફરતા' શરૂ થઈ લેખનયાત્રા

ઇમેજ સ્રોત, Biren Kothari
શાળાકીય શિક્ષણ પછી વાણિજ્ય શાખામાં તેઓ દાખલ થયા, ત્યારે સુરેશ જોશીના ગુજરાતી વિષયના પિરિયડ તેઓ ભરતા. આમ, ભાષાપ્રેમ સિંચાતો ગયો. વાંચનનો વ્યાપ પણ વિસ્તરતો ગયો. ફિલ્મકલાકારોની માહિતી મળે ત્યાંથી મેળવીને વાંચવાનું તેમને રીતસર વ્યસન થઈ ગયું.
આ જ અરસામાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં વિવિધ મુદ્દે પત્ર લખવાનો પણ તેમણે આરંભ કર્યો. આવા અગ્રણી અંગ્રેજી દૈનિકમાં લખાયેલા પત્રો કશા સુધારાવધારા વિના પ્રકાશિત થતા એ જોઈને મિત્રો પ્રોત્સાહન આપતા. બીજાં અખબારોમાં પણ ‘મંતવ્ય’ કે ‘વાચકોના પત્રો’ વિભાગમાં તેમના પત્રો છપાતા.
આને કારણે તેમને લેખન અને પ્રકાશન માટે એક જાતનો ભાવ પેદા થતો રહ્યો. ક્યારેક એમ પણ થતું કે અખબારોમાં વાચકોનાં મંતવ્યોને પૂરતું સ્થાન મળતું નથી. મિત્રો સાથેની ચર્ચામાં એવો સૂર નીકળતો કે ‘હું જો છાપું ચલાવતો હોઉં તો રોજનું અડધું પાનું વાચકોના પત્રોને આપું.’ ત્યારે નહોતો તેમના મનમાં કોઈ અખબાર કાઢવાનો વિચાર કે નહોતું કોઈ અખબારમાં લખવાનું આયોજન.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી જ ચર્ચામાં એક વાર તેમણે મિત્રો સમક્ષ કહેલું, ‘હું પેપર (અખબાર) કાઢીશ તો એનું નામ ‘આનંદ’ હશે.’ આમ કહેવા પાછળ એક કારણ હતું. 1970માં રજૂઆત પામેલી ઋષિકેશ મુખરજીની ‘આનંદ’ ફિલ્મે એચ.બી. પર ઘેરી અસર છોડી. એ દિવસોમાં તેઓ ‘આનંદ’મય થઈ ગયા હતા એમ કહીએ તો ખોટું નહીં.
ફિલ્મમાં આનંદનું મુખ્ય પાત્ર ભજવતા રાજેશ ખન્નાની લાક્ષણિકતાઓ, ફિલ્મના સંવાદો, તેનાં ગીતો! આ બધાની વાતો ખૂટતી જ નહીં. આ ફિલ્મે તેમની ચેતના પર એવો ઊંડો પ્રભાવ પાડેલો કે તેમણે આમ વિચારેલું. ત્યારે સપનેય ખ્યાલ નહોતો કે આ વાત નજીકના ભવિષ્યમાં સાચી પડવાની છે.
1973માં તેમને ‘અમૂલ ડેરી’માં નોકરી મળી અને આણંદ તેમની કર્મભૂમિ બની. અહીં આવ્યાના બીજા જ વરસે મોટાભાઈ મફતભાઈ, પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા હસમુખ પટેલ અને વિતરક હરમાનજીએ સાપ્તાહિક શરૂ કરવાનું વિચાર્યું ત્યારે ‘એચ.બી.’ શરૂઆતથી જ તેની સાથે સંકળાયા.
સલિલ દલાલ બનતા પહેલાં જ શરૂ હતી કૉલમ 'ફિલમની ચિલમ'

ઇમેજ સ્રોત, Biren Kothari
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સાપ્તાહિકમાં સામગ્રી પૂરી પાડવાની જવાબદારી બન્ને ભાઈઓ- મફતભાઈ અને એચ.બી.એ સંભાળી. પોતે વિચાર્યા મુજબ તેનું નામ ‘આનંદ’ રાખ્યું, પણ પછી દિલ્હીની રજિસ્ટ્રાર ઑફ ન્યૂઝ પેપર્સમાં અરજી કરતા ખ્યાલ આવ્યો કે આ નામનું અન્ય અખબાર અસ્તિત્વમાં છે. આથી તેમણે નામ રાખ્યું ‘આનંદ એક્સપ્રેસ.’
આ સાપ્તાહિકમાં ‘એચ.બી.’ની સર્જનાત્મકતાને મોકળું મેદાન મળ્યું. વડોદરાના મુક્ત વાતાવરણમાં જે ઘડતર પરોક્ષપણે થયું હતું તે અહીં બરાબર કામમાં આવ્યું. આ સાપ્તાહિકે જોતજોતાંમાં એક આગવી ઓળખ ઊભી કરી અને તેની નોંધ લેવાતી થઈ.
સ્થાનિક સમાચારોને પ્રાધાન્ય આપતા આ પ્રકાશનમાં સાંપ્રત પ્રવાહોનું આલેખન, સંપાદકીય, અહેવાલ, મુલાકાતો સહિત અનેક વિવિધતા હતી. આમાં બે પાત્રોના કાલ્પનિક સંવાદવાળી કટાર ‘આણંદમાં હરતાં ફરતાં’ વિશેષ ઉલ્લેખનીય કહી શકાય.
તેમાં હળવાશ સાથે સ્થાનિક તંત્રને ટકોર પણ કરવામાં આવતી. એમાં છેલ્લે ‘ચલતે ચલાતે’ શિર્ષકથી ‘ટેઇલ પીસ’ મુકાતો, જેમાં સ્થાનિક કક્ષાની કોઈક રમૂજ લખાતી. આ ‘ટેઇલ પીસ’ આગળ જતાં, ‘એચ.બી.’માંથી ‘સલિલ દલાલ’ બનીને તેમણે મુખ્ય ધારાના અખબારમાં કટારલેખન આરંભ્યું ત્યારે તેમની આગવી ઓળખ બની રહ્યો.
‘ફિલમની ચિલમ’ નામની કટાર ‘આનંદ એક્સપ્રેસ’માં તેમણે શરૂ કરી, પણ તે લેખકના નામ વિના છપાતી. ‘બિન્દાસ’ના નામે હાસ્યલેખન તેમણે કરવા માંડ્યું. ગુજરાતના જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટ તેમને પત્ર લખીને પ્રોત્સાહન આપતા. બીજા અનેક સર્જકોના પણ પ્રશંસા કરતા પત્રો મળતા.
‘આનંદ એક્સપ્રેસ’ની પચાસેક નકલો દર સપ્તાહે વિવિધ સાહિત્યકારોને મોકલવામાં આવતી હતી. આને કારણે એક તાલુકા-જિલ્લા કક્ષાનું અખબાર સાહિત્યજગતના ધુરંધરો સુધી પહોંચતું. દિવાળી અંકોમાં જાણીતા સાહિત્યકારોની કૃતિઓ મંગાવીને પ્રકાશિત કરાતી. એક વિશિષ્ટ અનુબંધ આવા અનેક સાહિત્યકારો સાથે રચાતો ગયો.

જીવનમાં આવ્યો વળાંક અને એચ.બી. બન્યા સલિલ દલાલ

ઇમેજ સ્રોત, Facebook Salil Dalal
આ યાત્રામાં એક નાનકડો વળાંક આવ્યો 1976માં. એચ.બી.ના પરમ મિત્ર રમેશ ચંડીએ તેમની પાસે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની નાયબ મામલતદારની સીધી ભરતીનું ફોર્મ ભરાવ્યું, એટલું જ નહીં, તેમને પરીક્ષા આપવા માટે રીતસર ધકેલ્યા. સાવ છેલ્લી ઘડીએ પરીક્ષા આપવા છતાં તેમને રાજ્યભરના ઉમેદવારોના મેરિટ લિસ્ટમાં બીજું સ્થાન મળ્યું. એ પછી 1977માં તેઓ નાયબ મામલતદાર તરીકે સરકારી નોકરીમાં જોડાયા. અલબત્ત, આ સલામત અને મોભાદાર નોકરીને કારણે લેખન-પ્રકાશનના તેમના જુસ્સા પર કશી અસર ન પડી.
જોકે, આનાથી મોટો અને પ્રભાવક વળાંક એ પછીના વર્ષે એટલે કે 1978માં આવ્યો. વિનોદ ભટ્ટે ‘એચ.બી.’ને ટપાલ લખીને અમદાવાદ બોલાવ્યા. ‘સંદેશ’માં ‘ઈદમ તૃતીયમ’ કટાર લખતા વિનોદભાઈએ ‘એચ.બી.’નો પરિચય ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલ સાથે કરાવ્યો. ચીમનભાઈએ ‘એચ.બી.’ને પોતાના અખબારમાં ફિલ્મ વિશેની કટાર લખવાનું આમંત્રણ આપ્યું.
આમ, ‘આનંદ એક્સપ્રેસ’માં આરંભાયેલી ‘ફિલમની ચિલમ’ હવે ‘સંદેશ’માં પ્રકાશિત થવાની હતી. ‘ફિલમની ચિલમ’ કટાર ‘એચ.બી.’એ બદલે હવે ‘સલિલ દલાલ’ના નામે ‘સંદેશ’માં આરંભાઈ ત્યારે મુખ્ય ધારાનાં ગુજરાતી અખબારોમાં સિનેમા અંગેના સમાચારોની શી સ્થિતિ હતી?
સિનેમાનું લખાણ અસ્પૃશ્યની જેમ પાનાંના કોક ખૂણે ‘નાખવામાં’ આવતું. સમાચારની દસ-પંદર નાનીમોટી આઇટમો સ્ટૉકમાં રખાતી અને ખાલી જગ્યાને ભરવા માટે ‘ફીલર્સ’ની જેમ એ વપરાતી.
ફિલ્મને લગતા ગમે એવા મહત્ત્વના સમાચાર હોય તો પણ એ સાતમા પાને એક ચોકઠાથી વધુ જગ્યામાં ન છપાતા. ક્યારેક એમ કરવા બદલ સંપાદકે અપરાધભાવ અનુભવવો પડે એવી ટીકા પણ થતી. પણ ‘ફિલમની ચિલમ’ આરંભાઈ અને આખું ચિત્ર બદલાયું.
સિનેમાને જ કેન્દ્રમાં રાખીને લખાતી આ કૉલમ ખરા અર્થમાં ઇતિહાસ સર્જવાની હતી. અત્યાર સુધી તાલુકા-જિલ્લા કક્ષાએ ઊભી થયેલી ‘એચ.બી.’ની ઓળખ હવે ‘સલિલ દલાલ’ના નવા અવતારમાં રાજ્યવ્યાપી, ખરું જોતાં, ગુજરાતી વાંચી શકતા દરેક જણ સુધી પહોંચવાની હતી.

ઇમેજ સ્રોત, Biren Kothari
આ કૉલમની વિશિષ્ટતા શી હતી? સિનેમા જેવા લપસણા માધ્યમમાં ગલગલિયાં કરાવતા લખાણમાં સરી પડવું સહેલું હોય છે. તેને બદલે સલિલભાઈ તેને એક ઊંચાઈ પર લઈ ગયા. જે તે સપ્તાહના પંદર-વીસ સમાચારોના ટુકડાને તે એવી રીતે લેખમાં પરોવતા કે ક્યાંય સાંધો કે રેણ ન જણાય.
સાથોસાથ તેમની ઊંચી કક્ષાની રમૂજ, નિરીક્ષણો, તળપદા શબ્દપ્રયોગોની સાથેસાથે અંગ્રેજી ભાષાના પ્રયોગોનો આસ્વાદ વગેરે આ કૉલમની ઓળખ બની રહ્યા. એપ્રિલ ફૂલ વિશેષ લેખ એટલી સલૂકાઈથી લખાતા કે એ સાચા હોવાનું લાગે. એ પરંપરા પણ તેમણે શરૂ કરી. આવા એક લેખમાં તેમણે એવી ગોઠવણ કરેલી કે દરેક ફકરાના પ્રથમ અક્ષરો મેળવો તો ‘એપ્રિલ ફૂલ’ વંચાય.
જો કે, એનો ખુલાસો તેઓ પછીના સપ્તાહે કરતા. લેખમાં છેલ્લે આવતો ‘ટેઇલ પીસ’ હવે ‘તિખારો’ શિર્ષકથી લખાતો થયો. એ કદાચ ગુજરાતી કટારલેખનમાં સાવ આરંભિક પ્રયોગમાંનો એક કહી શકાય. તેની કક્ષા સાવ અલગ જ હતી. એકાદ ઉદાહરણથી તેનો અંદાજ મળી શકશે. 1980માં બે સંગીતપ્રધાન ફિલ્મો ‘કર્ઝ’ અને ‘કુરબાની’ રજૂઆત પામેલી. ‘કુરબાની’નું અતિ પ્રસિદ્ધ ગીત 'આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે...' લંડનસ્થિત ગાયિકા નાઝિયા હસને ગાયેલું, જેનું ફિલ્માંકન ઝીનત અમાન પર કરાયું હતું. નાઝિયાની ઉંમર ત્યારે ફક્ત ચૌદ વર્ષની હતી.
‘કર્ઝ’માં તમામ લોકપ્રિય ગીતોમાં એક ગીત ‘તૂ સોલહ બરસ કી, મૈં સતરા બરસ કા’ કિશોરકુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયું હતું, જેનું ફિલ્માંકન ઋષિ કપૂર અને ટીના મુનિમ પર કરાયેલું. આ સંદર્ભે સલિલભાઈએ ‘તિખારો’માં રમૂજ કરતાં લખેલું: ચૌદ વરસની નાઝિયા ત્રીસ વર્ષની ઝીનત માટે ગાય એ બરાબર, પણ પચાસ-એકાવન વર્ષનાં કિશોરકુમાર અને લતા મંગેશકર એકબીજાને ‘તૂ સોલહ બરસ કી, મૈં સતરા બરસ કા’ કહે એ કેવું લાગે?’ આવી તો અનેક યાદગાર રમૂજો ‘તિખારો’માં આવતી.
પોતાની કૉલમમાં વાચકોના પત્રોને તેઓ અચૂક સ્થાન આપતા. મારા ભાઈ ઉર્વીશ કોઠારીનો અને મારો સલિલભાઈ સાથે પરિચય તેમને લખેલા પત્રો થકી જ થયો હતો. પત્ર દ્વારા અમે કોઈક બાબત પ્રત્યે તેમનું ધ્યાન દોરીએ કે તેમની કૉલમમાં અમારા નામનો અને મુદ્દાનો ઉલ્લેખ હોય જ. એક વાચક તરીકે લેખકની આ ચેષ્ટાનું ઘણું મૂલ્ય હતું.

પત્રકારત્વના ‘ગ્રાન્ડ ઑલ્ડ મૅન’ રુસી કરંજિયાએ સલિલભાઈના લેખ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Biren Kothari
દૂરદર્શનનો યુગ શરૂ થયો ત્યારે દર બુધવારે ‘ટાઇમ પ્લીઝ’ કટારનો આરંભ તેમણે કર્યો અને વિવિધ ટી.વી.શ્રેણીઓ, તેના કલાકારો, કથાવસ્તુ વગેરે વિશે લખવા માંડ્યું. તેમાં ‘ટેઇલ પીસ’નું શિર્ષક હતું ‘લાસ્ટીક’.
પછીનાં વરસોમાં પહેલાં ઉર્વીશે (1995માં) અને પછી મારે (2007માં) લેખનના ક્ષેત્રમાં પ્રવેશવાનું થયું ત્યારે સલિલભાઈ સાથે બંધાયેલો વાચક-લેખકનો સંબંધ ગાઢ મિત્રતામાં પરિણમ્યો. ખાસ કરીને ઉર્વીશને અને તેમને ટ્રેનમાં સાથે અમદાવાદ જવાનું થતું. એ પછી તેઓ વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ જેવા આત્મીય બની ગયેલા ગુરુજનોને ત્યાં મળવા જતા અને બેઠક કરતા.
આ બધા વચ્ચે તેમનો વાચનપ્રેમ એમનો એમ રહેલો. વિવિધ સામયિકો તેઓ નિયમિતપણે મંગાવતા અને રસપૂર્વક વાંચતા. ખ્યાતનામ સિનેસામયિક ‘સિનેબ્લિટ્ઝ’માં યોજાયેલી એક સ્પર્ધા અંતર્ગત સલિલભાઈ વિજેતા બન્યા. તેમાં ઈનામરૂપે તેમણે કોઈક ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર હીરો અનિલ કપૂર સાથે ભોજન કરવાનું હતું.
સલિલભાઈ ગયા તો ખરા, પણ અનિલ કપૂરે સાવ મોળો પ્રતિભાવ આપ્યો. તેમને બદલે એ જ સેટ પર હાજર રહેલા નસીરૂદ્દીન શાહે તેમની સાથે સામે ચાલીને વાત કરી. આનાથી વ્યથિત થયા વિના, પોતાને મળેલી તકનો લાભ લઈને સલિલભાઈએ પત્રકારત્વના ‘ગ્રાન્ડ ઑલ્ડ મૅન’ રુસી કરંજિયાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. કેમ કે, ‘સિનેબ્લિટ્ઝ’નાં સંપાદિકા રીટા મહેતા રુસીનાં દીકરી હતાં. દરમિયાન સલિલભાઈએ પોતાની મુંબઈ મુલાકાતનો અહેવાલ અંગ્રેજીમાં લખ્યો હતો. રુસીસાહેબ સાથેની તેમની મુલાકાત જાણે કે એક ન જોયેલા સ્વપ્નની પરિપૂર્તિ સમાન હતી. વાતવાતમાં સલિલભાઈએ પોતે એક અહેવાલ લખ્યો હોવાનું જણાવ્યું.
રુસીએ એ માંગ્યો અને તેમની સામે જ વાંચવા લાગ્યા. વાંચતા વાંચતા તેઓ ઉદ્ગાર કાઢતા જાય- ‘વન્ડરફુલ! સી ધ લ્યુસિડીટી ઑફ ધ લૅન્ગ્વેજ!’ (અદ્ભુત! ભાષાની પ્રવાહિતા તો જુઓ!) જેમનાં લખાણો વાંચીને પોતાની ચેતના ઘડાઈ હોય એવા રુસી સલિલભાઈનું લખાણ વાંચે (અને વખાણે) એ સલિલભાઈને મન સૌથી મોટો પુરસ્કાર હતો.
'સલિલભાઈની મુગ્ધતા તેમની ખાસિયત'

ઇમેજ સ્રોત, Biren Kothari
સલિલભાઈ સાથે અમારી મિત્રતા થઈ, અને અનેક વિષય પર વાત થતી એમાં સૌથી પહેલો વિરોધાભાસ એ નજરે પડ્યો કે ફિલ્મસંગીતની તેમની રુચિ મુખ્યત્વે 1965 પછીના સમયગાળાની, એટલે કે તેમની યુવાનીના અરસાની હતી. લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ તેમના આરાધ્ય કહી શકાય એવા પ્રિય સંગીતકાર. ઉર્વીશની અને મારી રુચિ મુખ્યત્વે 1965 સુધીના સમયગાળાના ફિલ્મસંગીતની.
અમારા પ્રિય સંગીતકારોની સૂચિમાં લક્ષ્મીકાન્ત– પ્યારેલાલનું આમ પ્રતીક્ષા યાદીમાં હતું. આથી ઉર્વીશ તેમને ઘણી વાર કહેતો, ‘આપણી વચ્ચે ‘ઇન્વર્સ(વ્યસ્ત) જનરેશન ગૅપ’ છે.’ મતલબ કે જે જમાનાનાં ગીતો અમને ગમવાં જોઈએ એના તમે ચાહક છો, અને તમને ગમવાં જોઈએ એ યુગનાં ગીતના અમે ચાહક છીએ. જોકે, રૂબરૂ મળીએ ત્યારે અમારી વાતોના વિષય ફિલ્મકેન્દ્રી બની રહેવાને બદલે અનેકવિધ વિષયોને આવરી લેતા.
અમારા વચ્ચેની ‘ઇન્વર્સ જનરેશન ગૅપ’ કેવળ ફિલ્મસંગીતની પસંદ પૂરતી જ મર્યાદિત નહોતી. સલિલભાઈથી હું પંદરેક વર્ષ નાનો, અને ઉર્વીશ તો એકવીસ વર્ષ નાનો, છતાં અનેક બાબતોમાં સલિલભાઈની મુગ્ધતા તેમની ખાસિયત હતી. અમારી વયનો તફાવત જોતાં ખરેખર તો એ અમારામાં હોવી જોઈતી હતી. પોતાનામાં આ ગુણ હોવાનું કબૂલવા જેટલી તેમની પ્રામાણિકતા હતી.
છેલ્લાં વરસોમાં તેમણે ફેસબુકની એકાદ બે રાજકીય પોસ્ટમાં કોઈ બાબતે પોતે ‘મુગ્ધ’ થયાનું સ્ટેટ્સ મૂક્યું ત્યારે તેમને ઠીકઠીક ટ્રોલિંગનો સામનો કરવો પડેલો. એમ થવાથી તેઓ વ્યથિત પણ થયેલા. તેઓ સંવેદનશીલ ઘણા. વિચારશીલ પણ એટલા. સામાવાળાથી વિરોધી વિચારો પ્રગટ કરવામાં શાલીનતા એટલી જ જાળવે. તેમની આ શાલીનતાને ઘણા તેમની નબળાઈ માની બેસે એમ પણ બનતું. નવું જાણવા કે શીખવા માટેની તેમની જિજ્ઞાસા છેક સુધી અકબંધ રહેલી.

ઇમેજ સ્રોત, Biren Kothari
ડેપ્યુટી કલેક્ટર તરીકે રિટાયર્ડ થયા અને કૅનેડામાં શરૂ કરી બીજી ઇનિંગ
ડેપ્યુટી કલેક્ટરના પદેથી નિવૃત્ત થયા પછી જીવનના ઉત્તરાર્ધમાં તેમણે કૅનેડા સ્થાયી થવાનું બન્યું ત્યારે ત્યાં ગયા પછી જાણે કે તેમણે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી. લેખન ચાલુ રાખવા ઉપરાંત વ્યાવસાયિક સજ્જતા કેળવવા લાગ્યા. દુભાષિયા તરીકેના કામની તાલીમ લીધી, કાનૂની અભ્યાસ કર્યો. નવા નવા પરિચયો કેળવ્યા. ઠેઠ ચરોતરીથી લઈને શુદ્ધ અંગ્રેજી બોલીમાં તેઓ આ અનુભવો સંભળાવતા ત્યારે તેમનાં લખાણો જેટલી જ મજા આવતી.
તેમનું સૌ પ્રથમ પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ પ્રકાશિત થયું, જે હિન્દી ફિલ્મના નવ લોકપ્રિય ગીતકારો પર આધારિત હતું. એ પુસ્તકના નિર્માણમાં તેમના દૃઢાગ્રહોનો પરિચય થયો અને ખ્યાલ આવ્યો કે પુસ્તક સુશોભન બાબતે તેમના અને અમારા વિચારો સાવ સામા છેડાના છે.
પુસ્તક તેમના આગ્રહ અનુસાર થયું, પણ એ પ્રક્રિયામાં મૈત્રીનો સ્વાદ મોળો ન પડ્યો. એક તરફ તેમના પુસ્તકની તૈયારી, અમુક કારણોસર થતો વિલંબ અને વિમોચન માટે અગાઉથી બુક કરાવી રાખેલા હૉલને કારણે જે દબાણયુક્ત પરિસ્થિતિ ઊભી થયેલી તેમાંથી અમારા સૌના મિત્ર બિનીત મોદીએ એક અમર સુવાક્યને જન્મ આપતાં કહેલું, ‘મા કોઈની મરશો નહીં અને હૉલ કોઈ (અગાઉથી) બુક કરાવશો નહીં.’ સલિલભાઈ આ રમૂજને ભરપૂર માણતા. એ સમય વીતી ગયા પછી પણ તેને અવારનવાર યાદ કરતા.
એ પછી તેમનું બીજું પુસ્તક ‘સૂરસાગર કી લહરેં’ હિન્દીમાં હતું. અનેક મિત્રોને તેમણે એ પોતાના હસ્તાક્ષર સાથે ભેટ આપ્યું હશે.
સલિલભાઈને મળતી અને તેમને ન જાણતી હોય એવી વ્યક્તિને તેઓ લેખક છે, અને એ પણ આટલી લોકપ્રિયતા ધરાવતા લેખક- એનો ભાગ્યે જ અંદાજ આવી શકે. કેમકે, તેમની પ્રકૃતિનું એવું જ અભિન્ન પાસું સામાજિકપણાનું હતું. કોઈના પ્રસંગે હાજરી આપવી, જરૂરી ‘વ્યવહાર’ કરવો, મળવા ગયા હોય એ યજમાનના તમામ કુટુંબીજનો સાથે વાતચીત કરવી- આ બધું તેમને ગમતું. કશા આડંબર વિના તેઓ આ કરી શકતા.
કૅનેડામાં સ્થાયી થયા પછી પણ 'એનઆરઆઈ' જેવા નહોતા લાગતા

ઇમેજ સ્રોત, Facebook.com/salil.dalal.7
કૅનેડા ગયા પછી તેઓ સ્વદેશ આવે ત્યારે સ્થાનિક પરિવહનનાં સાધનોનો જ મોટા ભાગે ઉપયોગ કરતા. આ બધાને કારણે કૅનેડા ગયા પછી પણ તેઓ ‘એનઆરઆઈ’ જેવા ન લાગતા. જાન્યુઆરી, 2020માં મારી દીકરીનું લગ્ન હતું ત્યારે યોગાનુયોગે તેઓ ભારતમાં હતા. પણ એ જ દિવસે તેમણે કોઈ અન્ય પ્રસંગે હાજરી આપવાની હતી. આથી તેઓ અને તેમનાં પત્ની હર્ષાબહેન લગ્નના બે દિવસ અગાઉ મળવા માટે ખાસ ઘેર આવ્યાં અને નિરાંતે બેઠાં.
દોઢેક વર્ષ અગાઉ તેમણે પોતાની સ્મરણકથા મારી પાસે લખાવવાની ઇચ્છા પ્રગટ કરી હતી. એના માટે જરૂરી માળખાની ચર્ચા અમે કરી. તેમણે પોતે ભારત આવે એ અગાઉ કેટલાક લોકોને હું મળું એવું સૂચન કર્યું. એ બાબતે આગળ કશું થઈ શકે એ પહેલાં જ તેમનો સંદેશો આવ્યો અને મને હમણાં આગળ વધવાની ના પાડી.
એ પછી 2022ની દિવાળીમાં તેઓ આવ્યા અને અમે સપરિવાર તેમની મુલાકાત લીધી. એ સમયે તેમણે પોતાને લાગુ પડેલી બીમારી અંગે વિગતે વાત કરી. કૅન્સર થયા પહેલાંનો એ તબક્કો હોવાનું અમે જાણ્યું. સલિલભાઈ અને હર્ષાબહેન સાથે રાબેતા મુજબની ગપસપ કરીને અમે છૂટા પડ્યા.
તેઓ કૅનેડા ગયા એ પછી કદાચ એપ્રિલ-મે, 2023માં ભારત આવ્યા. એ વખતે તેમણે ‘બ્લડ ટ્રાન્સફ્યુઝન’ કરાવવાનું હતું. એ પ્રક્રિયા માટે તેમણે રોજ અમુક સમય પૂરતું હૉસ્પિટલ આવવું પડતું. અગાઉથી નક્કી કરીને અમે હૉસ્પિટલે તેમને મળવા ગયા ત્યારે પણ રાબેતા મુજબની હસીમજાક ચાલી. ત્યારે અમને સહેજે અણસાર નહોતો કે અમારી એ મુલાકાત આખરી બની રહેશે.
17 સપ્ટેમ્બર, 2023ના રોજ તેમણે ‘સંદેશ’ની પોતાની કટારની કાયમી વિદાય નોંધ ફેસબુક પર પણ મૂકી. એ પછી 26 સપ્ટેમ્બરે તેમણે વધુ એક સ્ટેટસ મૂક્યું, જેમાં પોતાના પુસ્તક ‘સૂરસાગર કી લહરેં’ના અમીન સાયાની તેમજ અમિતાભ બચ્ચને પાઠવેલા હૂંફાળા પ્રતિભાવ હતા. એમાં પણ સલિલભાઈની ગુણગ્રાહિતા ઝળકતી હતી. બસ, એ તેમના દ્વારા ફેસબુક પર મુકાયેલું છેલ્લું સ્ટેટસ!
એ પછી તેમની વિદાયના સમાચાર આવ્યા ત્યારે તેમણે પોતાની કટાર માટે લખેલી વિદાયનોંધ તેમની પોતાની વિદાયનોંધ બની રહી હોવાનો ખ્યાલ તેમના વાચકો-ચાહકોને આવ્યો. તેમનાં પત્ની હર્ષાબહેન, પુત્રો સની અને સ્વપ્નિલ તેમજ સૌ પરિવારજનોને તેમની ખોટ સાલશે, સાથોસાથ તેમના અસંખ્ય ચાહકોને પણ એ ખોટ સાલતી રહેશે.
શબ્દપ્રેમી, સાહિત્યપ્રેમી, સિનેમાપ્રેમી, મિત્રપ્રેમી, વાતપ્રેમી, ચર્ચાપ્રેમી, સંબંધપ્રેમી એવા સલિલ દલાલની સ્મૃતિ આ તમામ બાબત પ્રત્યેનો પ્રેમ રહેશે ત્યાં સુધી જીવંત રહેશે.














