શમ્મી કપૂર: ભારતને રોમાન્સનો નવો અંદાજ શિખવાડનારા સ્ટાર અભિનેતા

શમ્મી કપૂર

ઇમેજ સ્રોત, YOUTUBE GRAB

    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના ફિલ્મ ઇતિહાસમાં 1957નું વર્ષ સૌથી શાનદાર ગણાય છે. ખાતરી ના હોય તો એ વર્ષે રજૂ થયેલી ફિલ્મોની યાદી જોઈ લો. એ જ વર્ષ આવેલી 'મધર ઈન્ડિયા' આજે પણ સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે. એ જ વર્ષ દિલીપકુમારનો જાદુ 'નયા દૌર'માં જોવા મળ્યો. ગુરુદત્તની ક્લાસિક ગણાતી ફિલ્મ 'પ્યાસા' પણ એ જ વર્ષ આવી હતી.

આ ત્રણ સદાબહાર હિટ ફિલ્મોની વચ્ચેની ભારતીય સિનેમાને એક નવો સ્ટાર પણ એ વર્ષ મળ્યો હતો. ચાર વર્ષ સુધી સંઘર્ષ અને 19 નિષ્ફળ ફિલ્મો પછી શમ્મી કપૂરને પ્રથમ વાર આ વર્ષે સફળતા મળી. આમીર ખાનના કાકા નાસિર હુસૈને ડિરેક્ટર કરેલી ફિલ્મ 'તુમસા નહીં દેખા'માં શમ્મી કપૂરે ધમાલ મચાવી દીધી હતી.

શા માટે શમ્મી કપૂરે ધમાલ મચાવી તેની વાત કરતાં પહેલાં, એ જાણી લેવું જોઈએ કે આ ફિલ્મ જો નિષ્ફળ જાય તો પછી ફિલ્મદુનિયાને અલવિદા કરીને આસામ જવાનું અને ત્યાંના ચાના બગીચામાં મૅનેજર બનવાનું તેમણે નક્કી પણ કરી નાખ્યું હતું.

એવું થવા પાછળનું કારણ પણ હતું. કહેવાય છેને કે વડના ઝાડ નીચે બીજું કશું ઊગે નહીં. શમ્મી કપૂરે તો ત્રણ ત્રણ વડલાનાં ઝાડ નીચે ઉછરવાનું હતું - પરિવારની અંદર અને બહાર બંને બાજુ વડ ઊગેલા હતા.

પરિવારમાં હતા પિતા પૃથ્વીરાજ કપૂર, જે બહુ મોટા કલાકાર પણ હતા. તેમને થિયેટર તરફ વધારે લગાવ હતો. પૃથ્વીરાજ કપૂર સામે પોતાને સાબિત કરવાનો પડકાર બીજા પુત્ર રાજ કપૂર સામે પણ હતો. પરંતુ રાજ કપૂરે કલાત્મકતા અને ક્રિએટિવીટી સાથે પોતાને બહુ નાની ઉંમરમાં જ સાબિત કરી લીધા હતા.

શમ્મી કપૂરને 1951માં 'જીવનજ્યોતિ' ફિલ્મ મળી હતી. આ ફિલ્મ દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત થઈ રહી હતી, જ્યારે રાજ કપૂરની 'આવારા' છવાઈ ગઈ હતી અને દુનિયાભરમાં તે ફિલ્મ વખણાઈ રહી હતી. શમ્મી કપૂરની પહેલી ફિલ્મ 1953માં પ્રદર્શિત થઈ અને તે પછીનાં ચાર વર્ષ સુધી નિષ્ફળતા વચ્ચે જ તેમને પસાર થવું પડ્યું. આ સમયગાળામાં જ 1955માં તેનાથી ઉંમરમાં અને સફળતામાં બંનેમાં સિનિયર એવાં ગીતા બાલી સાથે શમ્મી કપૂરે લગ્ન કરી લીધાં હતાં.

એ વખતે બ્રિટિશ 'ચેનલ ફોર'ના કાર્યક્રમ 'મૂવી મહલ'માં નસરીન મુન્ની કબીરે શમ્મી કપૂરનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. 'શમ્મી કપૂર, ઑલવેઝ ઇન ટાઇમ' એવા આ કાર્યક્રમમાં શમ્મીએ કહ્યું કે કે, "લોકો મારી સરખામણી રાજ સાથે કરવા લાગ્યા હતા. સ્ટેજ પર તેનાથી કામ ચાલી ગયું હતું, પણ ફિલ્મોમાં મુશ્કેલી થવા લાગી હતી. તે પછી ગીતા બાલી સાથે મારાં લગ્ન થયાં ત્યારે મુશ્કેલીઓ વધી ગઈ. હું માત્ર પૃથ્વીરાજ કપૂરનો પુત્ર અને રાજ કપૂરનો ભાઈ ના રહ્યો, પણ હવે ગીતા બાલીનો પતિ પણ થઈ ગયો હતો."

શમ્મી કપૂર

સ્થાન જમાવવું આસાન નહોતું

શમ્મી કપૂર

ઇમેજ સ્રોત, RAJSHRI

એ જમાનામાં ભારતીય ફિલ્મ દુનિયામાં રાજ કપૂર, દિલીપકુમાર અને દેવ આનંદની ત્રિપૂટી છવાઈ ગઈ હતી. આ ત્રણ જણને ધ્યાનમાં રાખીને જ ભૂમિકાઓ લખવામાં આવી રહી હતી. તેના કારણે શમ્મી કપૂરને કોઈ રોલ મળતા નહોતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવા સમયે શમ્મી કપૂરને 'તુમસા નહીં દેખા' ફિલ્મ મળી. એ ફિલ્મમાં પણ પહેલાં તેમને લેવા માટે નાસીર હુસૈન તૈયાર નહોતા. આ ફિલ્મ પણ પહેલાં તો દેવ આનંદને જ ઑફર કરવામાં આવી હતી. તેમની પાસે સમય નહોતો એટલે નાસીર સુનીલ દત્તને લેવા માગતા હતા. તેમની પાસે પણ શૂટિંગને ડેટ્સ નહોતી.

'બોલીવૂડ ટોપ 20 સુપરસ્ટાર્સ ઑફ ઈન્ડિયન સીનેમા' નામના પુસ્તકમાં શમ્મી કપૂર વિશે પણ લખવામાં આવ્યું હતું. 'ધ સ્ટાર લાઈક નો અધર' એવા આ લેખમાં જણાવ્યા અનુસાર શશીધર મુખરજીએ નાસીર હુસૈને ભલામણ કરી હતી કે 'તમારે શમ્મીને લેવો જોઈએ. મને તેમાં શક્યતા દેખાઈ રહી છે. '

આ ફિલ્મ મળી અને તેનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જ શમ્મીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડી દેવાનું નક્કી કરી નાખ્યું હતું. પોતાના વિશેની એક ડૉક્યુમેન્ટ્રીમાં શમ્મી કપૂરે કહ્યું છે કે "હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને બીજું કશુંક કરવા માટે વિચારવા લાગ્યો હતો. એ દિવસોમાં ગીતા બાલીએ મને કહ્યું હતું કે શમ્મી તું એક દિવસ મોટો સ્ટાર બનવાનો છે. મારી પત્નીની એ વાત સાચી ઠરી."

'તુમસા નહીં દેખા' ફિલ્મમાં આખરે એવું શું હતું કે શમ્મી કપૂર અગાઉની ફિલ્મોમાં નહોતા કરી શક્યા? હકીકતમાં આ ફિલ્મ સાથે જ શમ્મી કપૂરની આગવી સ્ટાઇલ અને અંદાજનો એક સમો શરૂ થયો હતો, જેના કારણે તે આગલા એક દાયકા સુધી સફળતા તેઓ મેળવતા રહ્યા.

આ ફિલ્મ આવી તે પહેલાંની મોટા ભાગની ફિલ્મોમાં હિરો ગીતો ગાતા જણાતા હતા, પણ ભાગ્યે જ કોઈ ડાન્સ કરતું હતું. ઊભા ઊભા હાથ પગ થોડા હલાવીને કે ટહેલતા ટહેલતા ગીતો ગાતા હોય તેવું થતું હતું. તે આખા માહોલને શમ્મી કપૂરે હચમચાવી નાખ્યો. 'તુમસા નહીં દેખા'માં શમ્મી એવા હિરો તરીકે આવ્યા હતા, જેને ખરેખર લોકોએ અગાઉ ક્યારેય જોયો નહોતો. હાથ અને પગમાં વીજળી આવી હોય તે રીતે થરકતા હતા અને સ્ટારની જેમ અકડ થઈને ચાલતા હતા અને ડાન્સ સાથે ચહેરાથી અનેરા હાવભાવ પણ વ્યક્ત કરી રહ્યા હતા. ડાન્સ ભલે ઉછળ કુદ જેવો લાગે પણ જોશભર્યો લાગતો હતો. તેમના ડાયલૉગમાં પણ એક રિધમ આવી હતી. એટલું જ નહીં, વાળ અને કપડાં સુધીની દરેક બાબતમાં એક અલગ શૈલી માટે શમ્મીએ બહુ મહેનત કરી હતી.

મધુ જૈને 'કપૂર્સ: ધ ફર્સ્ટ ફેમિલી ઑફ ઈન્ડિયન સીનેમા' પુસ્તક લખ્યું છે. તેમાં મુંબઈના સાઈકૉલોજિસ્ટ ઉદયન પટેલનો ક્વૉટ લીધો છે. તેઓ કહે છે કે, “તે પહેલા એવા અભિનેતા હતા, જેમણે ભારતીય ફિલ્મના પરદા પર યુવા દિલોના પ્રેમને મુક્ત રીતે વ્યક્ત કર્યો.” તુમસા નહીં દેખા ફિલ્મનું ગીત હતું - જવાનિયાં યહ મસ્ત મસ્ત બિન પીયે, જલાતી જા રહી હૈ રાહ મેં દીયે. આ ગીતે યુવા પેઢીની ઈચ્છાઓને એક નવો આયામ આપ્યો હતો. બૉક્સ ઓફિસ પણ પર ફિલ્મનો જાદુ ચાલી ગયો અને આ ફિલ્મથી શમ્મી કપૂર સ્ટાર બની ગયા.

આ પુસ્તકમાં નિર્માતા અને પછી શમ્મી કપૂરના વેવાઈ બનેલા મનમોહન દેસાઈને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, “શમ્મીને પરદા પર જોઈએ ત્યારે હંમેશાં રોદડાં રોતાં દેવદાસ-પારો જેવાં પાત્રોને પણ છેડછાડ કરવાની ગુંજાઈશ ઊભી થઈ જાય.”

શમ્મી કપૂર

અનોખા સ્ટાર

શમ્મી કપૂર

ઇમેજ સ્રોત, YOUTUBE GRAB

'ધ સ્ટાર લાઈક નો અધર' લેખમાં નસરીન મુન્ની કબીરે લખ્યું છે કે, “શમ્મી કપૂર પહેલાં ભારતીય હીરો પરદા પર એક પુરુષ જેવા જ દેખાતા હતા. ઘરની જવાબદારી ઉપાડી રહ્યા હોય કે પછી સંસ્કારોથી બંધાયેલા હોય. શમ્મી કપૂરે એવાં બંધનો તોડી નાખ્યાં. શમ્મી કપૂરને પરદા પર જોવા એટલે એક જુવાનને જોવો. એક ફિલ્મથી તેણે આ શક્ય બનાવી દીધું.”

આ ફિલ્મની સફળતા મળી તે પછી તેમના ઘરની બહાર ફિલ્મનિર્માતાઓની કતાર લાગી ગઈ. શમ્મી કપૂરની જીવનકથા રઉફ અહમદે લખી છે - 'શમ્મી કપૂર: ધ ગેમ ચેન્જર.' તેમાં રઉફે લખ્યું છે કે, “તુમસા નહીં દેખાની સફળતાનો લાભ લેવા માટે સૌ કોઈ તેને સાઈન કરવા માગતા હતા, પણ ગીતા બાલીએ સલાહ આપેલી કે સમજી વિચારીને ફિલ્મો સાઈન કરજે. તે માટેનો એક સરળ રસ્તો પણ તેમણે બતાવ્યો. એક લાખ રૂપિયાથી ઓછામાં કોઈ પણ ફિલ્મ માટે હા પાડવી નહીં.”

એક લાખ રૂપિયાવાળી વાત શમ્મીએ એવી રીતે ગાંઠે બાંધી લીધી કે પોતાના મિત્ર બપ્પી સોનીએ 90 હજાર રૂપિયા આપવા માટે કહ્યું તો તેમને પણ ના પાડી દીધી. શમ્મી કપૂરને એક લાખ રૂપિયા આપી દેવા માટે પણ નિર્માતાઓ તૈયાર થવા લાગ્યા. જોકે તે પછીય છ મહિના સુધી શમ્મીએ કોઈ ફિલ્મ સાઈન કરી નહોતી. તેના સ્ટારડમને પાકું કરવાનું કામ નાસીર હુસૈનની જ બીજી ફિલ્મ 'દિલ દેકે દેખો'એ કરી આપ્યું. 1959માં આવેલી આ ફિલ્મે સાબિત કર્યું કે 'તુમસા નહીં દેખા' ફિલ્મની સફળતા એ તુક્કો નથી, અને શમ્મી કપૂરનો સ્વૅગ સાબિત થઈ ગયો હતો.

આ સ્વેગ કેવો હતો કે વિશે ઋષિ કપૂરે પોતાની આત્મકથામાં લખ્યું છે, “શમ્મી અંકલ અમારા બધાના ફેવરિટ હતા. પાપા તો પાપાની જેમ હતા, અમે તેમને સ્ટાર તરીકે નહોતા જોઈ શકતા હતા, પણ શમ્મી અંકલને જોઈએ ત્યારે સ્ટારને જોયા હોય એવું લાગતું હતું. એકદમ ફેશનેબલ અંદાજ હતો. જો મને બરાબર યાદ હોય તો એ વખતે તેમણે બે વાઘના બચ્ચા પાળ્યા હતા. મોટા થયા પછી તેને ઝૂમાં આપી દીધા હતા. અમારી બાજુના બંગલામાં જ તેઓ રહેતા હતા. તેમના ઘરે જઈએ ત્યારે મજા પડી જતી. એક મોટા પ્રોજેક્ટર પર તેઓ અમને ફિલ્મો દેખાડતા હતા.”

શમ્મી કપૂરના અંદાજ વિશે ઋષિ કપૂરે લખ્યું છે કે, “તેઓ શિકાર કરવા જતા અને અમે પણ ક્યારેક તેમની સાથે જતા. તેઓ બંને હાથોમાં બીયરની બૉટલ રાખીને જીપ ચલાવતા." શમ્મી કપૂર ખાવાપીવાના શોખીન હતા અને થોડા વખતમાં જાડા થઈ ગયા હતા. ઋષિ કપૂર યાદ કરતા કહે છે કે ચાલીસ વર્ષની ઉંમર સુધીમાં શમ્મી અંકલે લીડ રૉલ કરવાનું બંધ કરી દીધું હતું. આવું કરનારા પણ તેઓ એક માત્ર સ્ટાર હતા.

હિરો તરીકે ભૂમિકા બંધ કરી દીધી, પણ તે પહેલાં તેમણે વિવેકી અને સંસ્કારી હિરોની દુનિયાને બદલી નાખી હતી. મધુ જૈને કપૂર પરિવારના લોકોને ટાંકીને લખ્યું છે કે શમ્મી કપૂર અમેરિકાના કલાકાર ઍરલ ફ્લિનથી બહુ પ્રભાવિત હતા. ફ્લિનની આત્મકથા 'માય વિકેડ વિકેટ થિંગ'થી પણ પ્રભાવિત હતા. તેઓ પ્રચાર માટેની કોઈ તક જવા દેતા નહોતા.

શમ્મી કપૂર

બે લગ્ન અને બે લફરાં

શમ્મી કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

ફિલ્મોમાં સફળતા પહેલાં તેમના અંગત જીવને પણ હલચલ મચાવી દીધી હતી. નૂતન અને તેના વચ્ચે પ્રેમની વાતો ચગી એટલે નૂતનનાં માતા શોભના સમર્થે નૂતનને યુરોપ ભણવા માટે મોકલી દીધાં હતાં. શમ્મી હંમેશાં નુતનને પોતાની બચપણની પ્રેમિકા કહેતા રહ્યા હતા. બાદમાં મધુબાલા પર પણ લટ્ટુ થયા હતા અને તેમની સાથે લગ્ન કરવાનું વિચારવા લાગ્યા હતા. તે વખતે મધુબાલા દિલીપકુમારના પ્રેમમાં હતાં.

ગીતા બાલી સાથે તેમણે અચાનક લગ્ન કરી લીધાં હતાં. ઘરના લોકો તૈયાર થાય તે પહેલાં જ તેમણે મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં હતાં. તે વખતે કપૂર પરિવારમાં ગૃહિણીને ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી નહોતી. તેના કારણે આ લગ્નથી લોકો ખુશ નહોતા. રાજકપૂરના લગ્ન ઍરેન્જ મૅરેજની રીતે થયા હતા. રઉફ અહમદના પુસ્તકમાં રાજ કપૂરના સહાયક લેખ ટંડને કહ્યું છે કે, “રાજ કપૂર કદાચ સૌથી વધારે રૂઢિચૂસ્ત કપૂર હતા. હું તેમની સાથે આર.કે. કૉટેજમાં હતો ત્યારે ઘરેથી ફોન આવ્યો કે જલદી ઘરે આવો શમ્મી કપૂર દુલ્હન લઈને આવી રહ્યા છે. રાજ કપૂરે કહ્યું કે પોતે નહીં આવી શકે બહુ કામ છે. જોકે બાદમાં મન બદલાયું અને પાર્ટીમાં પહોંચ્યા હતા. કદાચ તેમને થયું હતું કે હવે માતાપિતાએ શમ્મીને આશીર્વાદ આપી દીધા છે, તો પછી હવે આને મુદ્દો બનાવવાનો અર્થ નથી.”

જોકે આ પુસ્તકમાં જણાવાયું છે કે શમ્મી કપૂર અને ગીતા બાલીનાં લગ્ન થયાં એ પછી રાજકપૂર પરિવાર સાથે બીજા ઘરમાં રહેવા જતા રહ્યા હતા. જોકે મધુ જૈને કપૂર પરિવાર વિશે પુસ્તક લખ્યું છે, તેમાં જણાવ્યા અનુસાર આવો ધારો પૃથ્વીરાજ કપૂરે પાડ્યો હતો. પોતાના પુત્રો લગ્ન કરીને પિતા બને પછી તેમણે પોતાના ઘરમાં રહેવા જતા રહેવાનું.

એક નોંધપાત્ર બાબત એ છે કે શમ્મી કપૂર સ્ટાર તરીકે ટૉપ પર રહ્યા તે દરમિયાન રાજ કપૂરે તેમની સાથે કામ કર્યું નહોતું. જોકે શમ્મી કપૂરનાં પ્રથમ પત્નીનું અવસાન થયું તે પછી તેઓ રાજ કપૂર સાથે રહેવા જતા રહ્યા હતા. તેમનાં સંતાનોનો ઉછેર પણ રાજ કપૂરનાં પત્નીએ કર્યો હતો અને તેમને ફરીથી પરણાવ્યા પણ હતા. શમ્મી કપૂરના કરિયરના આ બીજા દોરમાં રાજ કપૂર સાથે તેમણે કામ પણ કર્યું.

દરમિયાન 1961માં શમ્મી કપૂરની ફિલ્મ 'જંગલી' આવી અને તે સુપર હિટ સાબિત થઈ. 'યાહૂ... કોઈ મુઝે જંગલી કહે, કહેતા રહે...' એવું ગીત ગાનારા શમ્મીની સામે સાયરાબાનુ હિરોઈન તરીકે હતી. સાયરાબાનુ યુકેમાં ભણેલાં હતાં અને આ તેની પહેલી ફિલ્મ હતી.

બીજી એક રસપ્રદ વાત એ છે કે શમ્મી કપૂરની કરિયરની બીજી ઈનિંગ શરૂ થઈ ત્યારે 1975માં ફિલ્મ 'જમીર'માં સાયરાબાનુના પિતાનો રૉલ કર્યો હતો. એ પહેલાં 1961થી 1971 સુધી તેમણે સતત હિટ ફિલ્મો આપી હતી. 'પ્રોફેસર', 'બ્લફ માસ્ટર', 'કશ્મીર કી કલી', 'રાજકુમાર', 'જાનવર', 'તીસરી મંઝીલ', 'એન ઇવનિંગ ઇન પેરીસ', 'બ્રહ્મચારી', 'પ્રિન્સ', 'તુમસે અચ્છા કૌન હૈ' અને 'અંદાજ' જેવી સફળ ફિલ્મો તેમણે એક પછી એક આપી.

શમ્મી કપૂર

નવી અભિનેત્રિઓ સાથે ફિલ્મો

શમ્મી કપૂર

ઇમેજ સ્રોત, MOHAN CHURIWALA

ઇમેજ કૅપ્શન, ગીતા બાલી અને શમ્મી કપૂર

આ ફિલ્મોમાં અભિનેત્રીઓ સાથે રૉમાન્સની તેમની અદા વિશે રણવીર કપૂરે શમ્મી કપૂર વિશેની ડૉક્યુમેન્ટ્રીમાં કહ્યું છે કે, “મારા પિતા ઋષિ કપૂર કહેતા કે રૉમાન્સ કરવાનું શીખવું હોય તો શમ્મી કપૂરમાંથી શીખો. ખરેખર પોતાની અભિનેત્રીઓની સામે તેઓ ઊભા હોય ત્યારે તેમની આંખોમાં દેખાય કે તેઓ તેમને પ્રેમ કરે છે.”

આ જ ડૉક્યુમેન્ટ્રીમાં આમીર ખાન કહે છે કે 'શમ્મી અંકલે અમને બધાને રોમાન્સ કરતા શીખવ્યું છે. શમ્મી કપૂરના રોમાન્સનો અંદાજ જોવો હોય તો જાનવર ફિલ્મનું ગીત લાલ છડી મેદાન ખડી જુઓ. થોડી વાર એવું જ લાગે કે તેઓ જાણે લાલ છડીને પ્રેમનો એકરાર કરી રહ્યા છે. પછી ખબર પડે કે લાલ છડી ઉપરાંત શિફોનની સાડીમાં રાજશ્રી પણ છે. '

ભારતીય ફિલ્મના પરદા પર શમ્મી જ એવા અભિનેતા હતા, જેમની સામે હિરોઇન પણ બરાબર ગીતો ગાવામાં ખુલતી હતી અને કહેતી કે 'ઓ મેરે સોના રે સોના, દે દુંગા જાન જુદા મત હોના રે, મૈંને તુઝે જરા દેર સે જાના, હુઆ કસૂર ખફા મત હોના રે.'

શમ્મી કપૂર એ જમાનામાં નવી અભિનેત્રીઓ સાથે કામ કરવા માટે મશહુર થયા હતા. 'તુમસા નહીં દેખા'માં અમિતા, 'મુજરિમ'માં રાગિણી, 'દિલ દેકે દેખો'માં આશા પારેખ, 'કશ્મીર કી કલી'માં શર્મિલા ટાગોર અને 'પ્રોફેસર'માં કલ્પના. આ બધી હિરોઈનોએ પોતાની કરિયરની શરૂઆત શમ્મી સાથે કરી હતી.

આ સફળતાના સમયગાળા વચ્ચે 1965ના વર્ષમાં એક મુશ્કેલી આવી અને તેમનાં પત્ની ગીતા બાલી બીમાર પડી ગયાં. ગીતા બાલીને શિતળા થયાો અને તેમનું મૃત્યુ થયું, જેનો શમ્મીને ભારે આઘાત લાગ્યો હતો. પત્નીની બીમારીના ખબર આવ્યા ત્યારે નાસિર હુસૈન અને વિજય આનંદ ફિલ્મ 'તીસરી મંઝીલ'

માટેનું ગીત 'તુમને મુઝે દેખા' એવું શુટિંગ કરી રહ્યા હતા. ત્રણ જ અઠવાડિયાંમાં ગીતા બાલીનું મૃત્યુ થયું. તે વખતે શિતળાની બીક એવી રહેતી કે પરિવારના લોકો સિવાય કોઈ શમ્મીની પાસે જતું નહોતું. એટલું જ નહીં ડૉક્ટર પણ જલદી મળતા નહોતા. પૃથ્વીરાજ કપૂરની દોસ્તીને કારણે જ એક ડૉક્ટરે સારવાર માટે ઘરે આવવા તૈયારી બતાવી હતી.

શમ્મી કપૂરે ઘણી વાર કહ્યું કે તેઓ સફળતાના આકાશમાં હતા ત્યારે ઉપરવાળાએ તેમને બ્રેક મારી. ગીતા બાલીના અવસાન પછી મુમતાઝ સાથે તેમનું અફેર ચગ્યું હતું. મુમતાઝે વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શમ્મી તેમની સાથે લગ્ન કરવા માગતા હતા. તેને કારણે એવું થયું કે 'મેરા નામ જોકર' ફિલ્મમાં રાજ કપૂરે તેને ભૂમિકા ના આપી. તે વખતે કપૂર પરિવારમાં મહિલાઓને ફિલ્મ કરવા દેવામાં આવતી નહોતી. મુમતાઝ ફિલ્મ કરિયર છોડવા માગતાં નહોતાં, કેમ કે બહુ મહેતનથી સફળતા મેળવી હતી. બીજી બાજુ શમ્મી કપૂર પોતાનાં બે બાળકોની સંભાળ માટે પત્ની ઈચ્છતા હતા.

શમ્મી કપૂર

બીજા લગ્ન

શમ્મી કપૂર

ઇમેજ સ્રોત, MOHAN CHURIWALA

ઇમેજ કૅપ્શન, ગીતા બાલી અને શમ્મી કપૂર

તે પછી બીના રામાણી સાથે પણ શમ્મીના અફેરની વાત ચાલી હતી. બીના રામાણી યુકેમાં ભણતાં હતાં અને શમ્મી કપૂરે તેને સ્પોર્ટ્સ કાર ભેંટમાં આપી હતી. જોકે આ સંબંધ પણ લાંબો ના ચાલ્યો, કેમ કે બીના રામાણીની ઉંમર બહુ ઓછી હતી. આ દરમિયાન રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા કપૂરે ભાવનગરના રાજવી પરિવારનાં નીલા વી સાથે શમ્મી કપૂરનાં લગ્ન માટેની વાત ચલાવી.

ભાવનગરના રાજ પરિવારની મિત્રતા રાજ કપૂર સાથે હતી અને તેઓ થિયેટરના માલિક હતા એટલે શમ્મી કપૂર પણ પરિવારમાં આવતા જતા હતા. જોકે લગ્નની વાત આવી ત્યારે નીલાદેવીએ પોતાની રીતે શમ્મી કપૂર સાથે વાત કરી હતી. નીલા દેવીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “તેમનો ફોન મોડી રાત્રે આ્વ્યો હતો. તે વખતે લૅન્ડ લાઈનનો જમાનો હતો. મારા ઘરના લોકોએ કહ્યું કે રાત પડી ગઈ છે, પણ તેમણે ફરીથી ફોન કર્યો. પોતાના વિશે વાત કરી, પોતાના અફેરની પણ વાતો કરી અને કહ્યું કે તમારા પરિવારના લોકો સાથે વાત કરી લો. તે પછી સવારે નાસ્તા માટે આવો. અને હંમેશાં મારી સાથે રહી જજો. આ રીતે સવારના પાંચ વાગ્યા સુધી વાત ચાલી હતી. અમે લોકો તેમના ઘરે નાસ્તો કરવા માટે ગયાં અને ત્યાં જ ફેરા લઈ લીધા."

1969માં બીજાં લગ્ન પછી શમ્મી કપૂરે પોતાના કરિયર પર ફરી ધ્યાન આપવા લાગે તે પહેલાં એક મોટી દુર્ઘટના થઈ. રાજકુમાર ફિલ્મની શૂટિંગ વખતે દુર્ઘટના થઈ હતી. 'યહા કે હમ રાજકુમાર' એ ગીત શમ્મી કપૂરે હાથી પર બેસીને ગાવાનું હતું. હાથી પરથી પડી ના જવાય એટલે તેના પગ સાથે સાંકળ બાંધીને તેને હાથીના ગળે વીંટાળી દેવામાં આવી હતી. થયું એવું કે હાથીએ હવે ચાલતા ચાલતા પાછળ જોયું અને તેના કારણે સાંકળ બાંધેલી હતી એટલે ઘૂંટણના હાડકાને ઈજા થઈ હતી. જોકે શૂટિગ વખતે ચહેરા પર જરાય ભાવ બદલ્યા વિના શમ્મીએ દબાતા ઘૂંટણની પીડા સહન કરી લીધી હતી.

ઉછળકુદ કરવાને કારણે અગાઉ પણ શમ્મી કપૂરને ઘણી ઈજા થઈ હતી. આ વખતે વધારે ઈજા થઈ હતી અને કેટલાય મહિના સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેના કારણે શરીર વધારે સ્થૂળકાય થઈ ગયું. પગ હવે એટલા મજબૂત નહોતા રહ્યા એટલે પહેલાંની જેમ ડાન્સ કરવાનું મુશ્કેલ હતું. એટલે તેમણે જાતે જ 1971માં ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો. 'અંદાજ' ફિલ્મ તેમની છેલ્લી સોલો હિટ ફિલ્મ હતી.

શમ્મી કપૂર માટે બ્રેક લીધા પછી પણ શાંતિ નહોતી. માતા-પિતા બંને કૅન્સરનો સામનો કરી રહ્યાં હતાં. રાજ કપૂર 'મેરા નામ જોકર' ફિલ્મ ફ્લોપ જવાને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમાંથી બહાર આવવા તેઓ ફાંફા મારી રહ્યા હતા. શશી કપૂર ચારચાર પાંચપાંચ શિફ્ટોમાં કામ કરી રહ્યા હતા. એ બંને ભાઈઓ પાસે સમય નહોતો. એટલે શમ્મી કપૂરે પોતાનાં માતા-પિતાની સતત સેવા કરી. પૃથ્વીરાજ કપૂરના અવસાન પછી માત્ર 16 દિવસમાં માતાનું પણ નિધન થયું.

1975થી શમ્મી કપૂરે કૅરેક્ટર રૉલ કરવાનું શરૂ કર્યું અને તેની ફિલ્મોમાં બીજી ઈનિંગ શરૂ થઈ બી. આર. ફિલ્મ્સની 'જમીર' ફિલ્મથી. તે પછી 'પ્રેમ રોગ', 'પરવરિશ', 'હીરો' અને 'વિધાતા' જેની ફિલ્મોમાં પણ શાનદાર ભૂમિકાઓ કરી.

મજાની વાત એ છે કે સફળતાના દૌરમાં શમ્મીએ ક્યારેય બી.આર. ચોપરા સાથે કામ કર્યું નહોતું. રઉફ અહમદે એક રસપ્રદ કિસ્સો લખ્યો છે, જે શમ્મી કપૂરે જ તેમને કહ્યો હતો.

રઉફ અહમદે લખ્યું છે કે, “બી.આર. ચોપરા 'ગુમરાહ' ફિલ્મમાં તેમને લેવા માગતા હતા. આ ફિલ્મમાં એવી કથા હતી કે શમ્મી કપૂરનાં પત્ની માલા સિન્હા સુનીલ દત્તના પ્રેમમાં પડે છે. આ વાર્તા સાંભળીને શમ્મીએ બી.આર. ચોપડાને કહ્યું કે 'અરે શું વાત કરો છો, મારા જેવો પતિ હોય ત્યારે શું પત્ની કોઈ બીજાના પ્રેમમાં પડે?' બી.આર. ચોપડાને આ વાતથી બહુ લાગી આવ્યું હતું."

શમ્મી કપૂરે આવી રીતે માત્ર બી.આર. ચોપરાને સંભળાવ્યું હોય તેવું નથી. તેમની કરિયરને નવી દિશા આપનારા નાસિર હુસૈન સાથે પણ આવું જ થયું હતું. રઉફ અહેમદે લખ્યું છે કે 'નાસિર હુસૈને ફિલ્મ 'દિલ દેકે દેખો'ની સફળતા પછી પોતાની પ્રૉડક્શન કંપની બનાવી હતી. 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' ફિલ્મ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ફિલ્મમાં તેઓ આશા પારેખને જ ફરીથી લેવા માગતા હતા. ફિલ્મના સંગીત માટે શમ્મી કપૂર જ તેમને શંકર જયકિશન પાસે લઈ ગયા હતા. એવામાં એક દિવસ શમ્મીએ ફોન કરીને નાસિર હુસૈનને પૂછ્યું કે "આશા પારેખ અને શંકર જયકિશન તો મારી સાથે છે, પણ તમે મારી સાથે છો કે નહીં?"

આવો પ્રશ્ન સાંભળીને શમ્મી કપૂરને બહુ ગુસ્સો આવ્યો. આ ફિલ્મ પોતે કરવાના જ એમ માનીને જ શમ્મી કપૂર ચાલી રહ્યા હતા, પરંતુ આવી રીતે ફિલ્મ ઑફર કરવાની નાસિર હુસૈનની શૈલી તેમને ગમી નહીં. 'ના હું તમારી સાથે નથી' એવું શમ્મીએ કહી દીધું. હવે થયું એવું કે આ પછી નાસિરે ફરી તેમની સાથે વાત કરવાની કોશિશ ના કરી અને શમ્મીને પણ પોતે ભૂલ કરી તેનો ખ્યાલ ના આવ્યો.

આ ફિલ્મમાં નાસિર હુસૈને દેવ આનંદને સાઈન કર્યા. જોકે બાદમાં 1965માં 'તીસરી મંઝીલ' ફિલ્મમાં નાસિર અને શમ્મીએ ફરીથી સાથે કામ કર્યું. બીજી બાજુ દેવ આનંદે ફિલ્મ સાઈન કર્યા પછી છોડી દીધી હતી.

શમ્મી કપૂર

ભારતમાં ઈન્ટરનેટ લાવનારામાં એક

શમ્મી કપૂર

ઇમેજ સ્રોત, RAJSHRI

શમ્મી કપૂર તે પછી અધ્યાત્મ તરફ વળી ગયા હતા અને ઉત્તરાખંડમાં એક ગુરુ પાસે ઘણો સમય રહ્યા હતા. જોકે તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું 1988માં ઈન્ટરનેટના આગમન સાથે. ભારતમાં એપલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા શરૂઆતના લોકોમાં તેમનો પણ સમાવેશ થતો હતો.

શમ્મી કપૂર હવે ગંભીર બીમારીઓમાં ઘેરાઈ ગયા હતા. ઉછળકૂદ સાથે નાચગાન કરનારા અભિનેતાએ પોતાના જીવનનાં છેલ્લાં આઠ વર્ષ વ્હિલચેરમાં કાઢ્યાં હતાં. દર અઠવાડિયે ત્રણ દિવસ માટે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં જવું પડતું હતું. તેમ છતાં તેમનો ઉત્સાહ ઘટ્યો નહોતો. અવસાનના થોડા દિવસ પહેલાં જ ઇમ્ચિયાઝ અલીની ફિલ્મ 'રૉકસ્ટાર' રણબીર કપૂર કરી રહ્યો હતો ત્યારે તેમને ગુરુમંત્ર આપતા જોવા મળ્યા હતા.

શરાબ અને સિગારેટ ઉપરાંત શમ્મીને ફાસ્ટ ડ્રાઇવિંગ કરવાનું બહુ ગમતું હતું. નીલાદેવીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બીમારી હતી ત્યારે તેઓ ઘણી વાર કહેતા કે આવી રીતે જીવવાનો શો અર્થ કે ડ્રાઇવિંગ પણ ના કરી શકીએ. 14 ઑગસ્ટ, 2011માં તેમનું અવસાન થયું હતું.

શમ્મી કપૂરને તેની કારકિર્દી દરમિયાન ડાન્સિંગ સ્ટાર, બળવાખોર અભિનેતા, ભારતીય ફિલ્મોના ઍલ્વિસ પ્રિસલે, યાહૂ સ્ટાર અને ધ ગેમ ચેંજર એવાં વિશેષણો મળતાં રહ્યાં હતાં. જોકે એક અભિનેતા તરીકે તેમનાં બહુ વખાણ થયાં નહોતાં. તેમને પ્રથમ વાર ફિલ્મ 'પ્રોફેસર' માટે 1963માં ફિલ્મફેર અવૉર્ડમાં નામાંકન મળ્યું હતું, પણ પુરસ્કાર તો 1968માં 'બ્રહ્મચારી' ફિલ્મ માટે જ મળ્યો હતો. 'વિધાતા'માં સપોર્ટિંગ ઍકટર તરીકે બીજી વાર ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. તેમને ગંભીર અભિનેતા તરીકે ભાગ્યે જ જોવામાં આવ્યા હતા. જોકે ફિલ્મ 'પગલા કહીં કા' અને 'બ્રહ્મચારી'માં તેમની ગંભીર ભૂમિકાઓ હતી. તેમને હંમેશાં એક લાઉડ ઍક્ટર તરીકે જોવામાં આવ્યા હતા.

ઋષિ કપૂરે પોતાની આત્મકથામાં અને ઘણાં ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે કે 'શમ્મી કપૂરને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મળવો જોઈતો હતો. પણ ક્યારેય તેમને એ મળ્યો નહોતો. જોકે શમ્મી કપૂરની એક ફિલ્મનું ગીત છે તે પ્રમાણે 'તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે, સુનોગે જબ ભી ગીત મેરે, મેરે સંગ તુમ ભી ગુનગુનાઓગે. આ' ગીત પ્રમાણે જ ભારતની ફિલ્મ પ્રેમીઓ ક્યારેય શમ્મી કપૂરને ભૂલી શકશે નહીં.

શમ્મી કપૂર
શમ્મી કપૂર