બૉબી ફિલ્મની કહાણી: જ્યારે ગામડાંથી શહેરોનાં થિયેટર સુધી ફિલ્મ જોવા ખાસ બસ ઊપડતી

બોબી

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA

    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ એડિટર, એશિયા

આ 1973ની વાત છે. ‘બૉબી’ નામની એક એવી ફિલ્મ પ્રદર્શિત થઈ હતી, જેમાં હીરો અને હીરોઇન બન્ને નવાંસવાં હતાં. હીરોઇન ડિમ્પલ કાપડિયાનું તો કોઈએ નામ સુધ્ધાં સાંભળ્યું ન હતું. ફિલ્મના દિગ્દર્શક રાજ કપૂરની આગલી ફિલ્મ જબરી ફ્લૉપ સાબિત થઈ હતી, પરંતુ આ રિલીઝ થઈ ત્યારે તેની લોકપ્રિયતા એટલી બધી હતી કે ગામડાં-ટાઉનથી શહેરોમાંનાં થિયેટર સુધી ખાસ બસસેવા ચાલતી હતી. તેને “બૉબી બસ” કહેવામાં આવતી હતી. લોકો ફિલ્મ જોઈ લે પછી એ બસ તેમને ગામમાં પાછા લાવતી હતી.

ડિમ્પલ કાપડિયાનો પોલકા ડોટવાળો ડ્રેસ ‘બૉબી ડ્રેસ’ નામે વિખ્યાત થયો હતો અને હીરો ઋષિ કપૂરની મોટરસાઇકલને લોકો ‘બૉબી મોટરસાઇકલ’ કહેતા હતા.

બૉબી 50 વર્ષ પહેલાં 1973ની 28 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. બૉબીની લોકપ્રિયતાનો વધુ એક દાખલો 1977માં જોવા મળ્યો હતો, જ્યારે બાબુ જગજીવનરામે દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણીસભા યોજવાનો નિર્ણય કર્યો હતો.

તેઓ ઇંદિરા ગાંધીથી અલગ થઈ ગયા હતા. કહેવાય છે કે એ સાંજે દૂરદર્શન પર ઇરાદાપૂર્વક બૉબી ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી, જેથી લોકો જાહેર સભામાં ન જાય, પરંતુ એવું થયું નહીં. બીજા દિવસે અખબારોમાં હેડલાઇન હતી : બાબુ બીટ્સ બૉબી.

એ સમય સુધી હિંદીમાં મેચ્યોર લવસ્ટોરી દર્શાવતી ફિલ્મો બનતી હતી, પરંતુ બૉબી કદાચ પહેલી ટીનેજ લવસ્ટોરી હતી. તેમાં યુવાનીનાં જોશ, વિદ્રોહ, માસૂમિયત અને નચિંત પ્રેમનો સમન્વય હતો.

સફળ ફિલ્મ બૉબી માટે જ્યારે વિતરકો મળતા નહોતા

બોબી

ઇમેજ સ્રોત, RK FILMS

અલબત્ત, બૉબીની સફળતા પાછળના સંઘર્ષની કથા અલગ છે. વિખ્યાત ફિલ્મ નિષ્ણાત રાજકુમાર ચૌકસે રાજ કપૂરની બહુ નજીક હતા અને થોડાં વર્ષ પહેલાં તેમણે મને બૉબીની કથા વિગતવાર જણાવી હતી.

જયપ્રકાશ ચૌકસેએ કહ્યું હતું, “રાજસાહેબની ઑફિસમાં આર્ચી કૉમિક્સ કાયમ જોવા મળતી હતી. તેમણે કૉમિક્સમાં એક કૅરેક્ટર વિશે વાંચ્યું હતું. એ પાત્રને પ્રેમ થઈ જાય છે ત્યારે તેના પિતા પૂછે છે કે આ તારી પ્રેમ કરવાની ઉંમર છે? યુ આર ટૂ યંગ ટુ ફોલ ઇન લવ. તેમાંથી રાજ કપૂરને આઇડિયા આવ્યો હતો કે એક એવી ફિલ્મ બનાવવી જોઈએ, જેના વિશે લોકો કહેતા હોય છે કે આ તે કંઈ પ્રેમ કરવાની ઉંમર છે?”

“રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર 1970માં ફ્લૉપ થઈ ગઈ હતી. તેના એક વર્ષ પછી રાજ કપૂર નિર્મિત ફિલ્મ કલ, આજ ઔર કલનું દિગ્દર્શન તેમના પુત્ર રણધીર કપૂરે કર્યું હતું. એ પણ ફ્લૉપ થઈ હતી. એ દરમિયાન રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરનું અવસાન થયું હતું. તેમનાં માતા મૃત્યુ પામ્યાં હતાં. રાજ કપૂર સાથે ગાઢ સંબંધ ધરાવતા સંગીતકાર જયકિશન પણ મૃત્યુ પામ્યા હતા.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તે એ સમયગાળો હતો, જ્યારે રાજ કપૂરે તમામ પડકારોની વચ્ચે એક યંગ લવસ્ટોરી બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ફિલ્મનિર્માણ માટે પૈસા જરૂરી હતા. એ માટે હિંદુજા પરિવાર આગળ આવ્યો હતો. હિંદુજા પરિવાર એ વખતે વિદેશમાં અને ખાસ કરીને ઈરાનમાં હિંદી ફિલ્મોના વિતરણનો પોતાનો બિઝનેસ આગળ ધપાવી રહ્યો હતો.

જયપ્રકાશ ચૌકસેના કહેવા મુજબ, “ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ હતી. રાજસાહેબ વધારે પૈસા માગી રહ્યા હતા. એ રાજેશ ખન્નાનો સમયગાળો હતો અને રાજ કપૂર રાજેશ ખન્નાની ફિલ્મ કરતાં રૂ. એક લાખ વધુ માગી રહ્યા હતા. શશિ કપૂર પહેલા વિતરક હતા, જેમણે દિલ્હી-ઉત્તર પ્રદેશ ટેરેટરી ખરીદી હતી અને એક વકીલે પંજાબના રાઇટ્સ ખરીદ્યા હતા. બીજી કોઈ ટેરેટરી માટે ફિલ્મ વેચાઈ જ ન હતી. ફિલ્મમાં પૈસા રોક્યા હતા તે હિંદુજા પરિવાર માટે કોર્ટ સુધી જવાની સ્થિતિ સર્જાઈ હતી.”

“રાજ કપૂરને એમ હતું કે ફિલ્મ હિટ થશે તો બાકીની ટેરેટરીના અધિકાર પણ વેચાઈ જશે, પરંતુ હિંદુજાને એમ હતું કે માત્ર બે ટેરેટરીના અધિકાર વેચાવાથી તેમનું રોકાણ કેવી રીતે પાછું આવશે. તેમણે રાજ કપૂર સામે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. રિલીઝ પહેલાં રાજ કપૂરે તેમના પૈસા પાછા આપી દીધા, પરંતુ ફિલ્મનો પહેલો શો હાઉસફુલ થઈ ગયો અને ફિલ્મ સફળતાના રસ્તે ચાલી નીકળી. ફિલ્મોદ્યોગમાં લોકો રાજ કપૂરને ફરીથી મહાન દિગ્દર્શક માનવા લાગ્યા. રાજ કપૂર દિગ્દર્શન કરવાનું ભૂલી ગયા છે, એવું જેમણે કહ્યું હતું એ લોકો પણ તેમની સાથે જોડાઈ ગયા હતા.”

બૉબી ફિલ્મનો હેતુ આર. કે. સ્ટુડિયોને ઉગારવાનો હતો

બોબી

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA

પોતાની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લા’માં ઋષિ કપૂર લખે છે, “સિનેમા બાબતે રાજ કપૂરની દીવાનગી એવી હતી કે ફિલ્મોમાંથી થતી તમામ કમાણીનું રોકાણ તેઓ ફિલ્મોમાં જ કરતા હતા. મેરા નામ જોકર ફિલ્મ બાદ તેમનો આર. કે. સ્ટુડિયો ગીરવી રાખવામાં આવ્યો હતો. રાજ કપૂર પાસે પોતાનું ઘર પણ ન હતું.”

“બૉબીની સફળતા પછી તેમણે પોતાનું ઘર ખરીદ્યું હતું. બૉબી ફિલ્મ આર. કે. બેનરને ઉગારવા માટે બનાવવામાં આવી હતી, મને લૉન્ચ કરવા માટે નહીં. એ ફિલ્મ હીરોઇન પર કેન્દ્રિત હતી. ડિમ્પલની શોધ પૂર્ણ થઈ ગઈ ત્યારે મારી પસંદગી બાય ડિફોલ્ટ હીરો તરીકે કરવામાં આવી હતી. બધું શ્રેય મને મળ્યું તે અલગ વાત છે, કારણ કે ડિમ્પલનાં લગ્ન થઈ ગયાં હતાં અને ફિલ્મ હિટ થવાથી મારાં વખાણ કરવામાં આવ્યાં હતાં.”

કહેવાય છે કે બૉબી બનાવતી વખતે ધર્મેન્દ્ર, પ્રાણસાહેબ, રાજેન્દ્રકુમાર જેવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા લોકોએ તેમને જણાવ્યું હતું કે આર. કે. બેનરને ફરી ઊભું કરવા માટે તેઓ પૈસા લીધા વિના કામ કરશે, પરંતુ રાજ કપૂરે બધાનો આભાર માનતાં કહ્યું હતું, “અત્યારે મારી ફિલ્મો ફ્લૉપ થઈ છે તેથી મારું લેવલ નીચે છે અને તમારું ઉપર. અમારું અને તમારું લેવલ બરાબર થઈ જાશે ત્યારે આપણે સાથે કામ કરીશું.” રાજ કપૂરે તે કરી દેખાડ્યું હતું.

બૉબીની રિલીઝ પછી ઋષિ કપૂર - ડિમ્પલની જોડીએ તરખાટ મચાવી દીધો હતો. બૉબી માત્ર એક ફિલ્મ નહીં, પણ ફૅશન સ્ટેટમેન્ટ પણ હતી. ડિમ્પલનાં મિની સ્કર્ટ, પોલકા ડોટવાળી શર્ટ, હોટ પેન્ટ્સ, મોટાં ચશ્માં અને પાર્ટીઓ...રાજ કપૂરે ભારતને એક નવી જીવનશૈલીની ઓળખ કરાવી હતી.

ફિલ્મ ઇતિહાસના જાણકાર અમૃત ગંગરે બીબીસીનાં સહયોગી પત્રકાર સુપ્રિયા સોગલે સાથે વાત કરતાં કહ્યું હતું, “બૉબી બ્રગેન્ઝા એટલે કે બૉબીનો ક્રેઝ 50 વર્ષ પછી પણ યથાવત્ છે. તે યુવા પેઢીના પ્રેમની કહાણી હતી, જે સમાજના અલગ-અલગ વર્ગના હતા. રાજા (ઋષિ કપૂર) એક હિંદુ પરિવારનો હતો, જ્યારે બૉબી માછીમારીનું કામ કરતા ખ્રિસ્તી પરિવારની હતી. એ સમયગાળામાં દેશ 1971ના યુદ્ધના માહોલમાંથી બહાર નીકળી રહ્યો હતો, મેરા નામ જોકર ફ્લૉપ થઈ હતી. એ પરિસ્થિતિમાં દેશના યુવાઓને તાજી હવા, એક પરિવર્તનની જરૂર હતી. તેમાં બૉબી આવી અને છવાઈ ગઈ. એ ફિલ્મની શૈલીમાં કહીએ તો યે કાલા કૌઆ આજ ભી કાટ રહા હૈ.”

‘બૉબી’ ડિમ્પલ માટે પોતે પઝેસિવ હોવાનું ઋષિએ સ્વીકાર્યું

બોબી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બૉબીનું શૂટિંગ છેલ્લા તબક્કામાં હતું ત્યારે ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધાં હતાં.

ડિમ્પલ કાપડિયાની ફિલ્મની હીરોઇન તરીકેની પસંદગીની કથા જયપ્રકાશ ચૌકસેએ આ રીતે કહી હતીઃ “કિશન ધવન ચરિત્ર કલાકાર હતા. તેમનાં પત્ની બુંદી ધવન, રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા કપૂરનાં સખી હતાં. તેમણે ડિમ્પલ કાપડિયાનું નામ સૂચવ્યું હતું. સ્ક્રિપ્ટ સાથે લેવામાં આવેલાં ડિમ્પલનાં કેટલાંક દૃશ્યો વર્ષો સુધી આર. કે. સ્ટુડિયોમાં ક્યાંક પડ્યાં હતાં. એ સીન જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે તે આ જ ડિમ્પલ હતી. એ સમયે તેની વય 15 કે 16 વર્ષની હશે.”

બૉબી ફિલ્મનું નિર્માણ 1973 એટલે કે વીસમી સદીમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ફિલ્મના એક દૃશ્યમાં ડિમ્પલ કહે છે, હું 21મી સદીની છોકરી છું. મને કોઈ હાથ સુધ્ધાં ન લગાડી શકે. એ વખતે ઋષિ કપૂર તેને અટકાવતાં કહે છે, અત્યારે તો વીસમી સદી ચાલી રહી છે. ડિમ્પલ તરત જ કહે છે કે વીસમી સદી વૃદ્ધ થઈ ગઈ છે અને મારું રક્ષણ કેવી રીતે કરવું તે હું જાણું છું. ડિમ્પલ વાસ્તવમાં આવી જિંદગી જીવ્યાં છે.

પોતાની આત્મકથામાં ઋષિ કપૂર લખે છે, “ડિમ્પલ અમારી પરિવારનો હિસ્સો બની ગઈ હતી. હું રાજ કપૂરને પાપા કહેતો હતો અને ડિમ્પલ પણ પાપા કહેતી હતી. બાદમાં મેં પિતાજીને રાજજી કહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ ડિમ્પલ તો છેલ્લે સુધી તેમને પાપા જ કહેતી હતી. બૉબીના નિર્માણ દરમિયાન હું યાસ્મિન સાથે રિલેશનશિપમાં હતો.”

“તેણે મને એક વીંટી આપી હતી, પરંતુ શૂટિંગ દરમિયાન ડિમ્પલ તે વીંટી મારા હાથમાંથી કાઢીને પહેરી લેતી હતી. રાજેશ ખન્નાએ ડિમ્પલને પ્રપોઝ કર્યું ત્યારે તેમણે ડિમ્પલના હાથમાંથી તે વીંટી કાઢીને દરિયામાં ફેંકી દીધી હતી. અખબારો-સામયિકોમાં એ વિશે ઘણી વાતો થઈ હતી. અમારા વિશે ઘણું છપાયું હતું, પરંતુ અમારી વચ્ચે એવું કશું જ ન હતું. હા, ડિમ્પલ હીરોઇન હતી એટલે હું તેના માટે પઝેસિવ જરૂર હતો.”

અમૃત ગંગર કહે છે, “રાજ કપૂરના વિઝનને ઋષિ અને ડિમ્પલે પડદા પર બખૂબી ઉતાર્યું હતું, પછી તે ફિલ્મનાં ગીતો હોય, ડાન્સ હોય કે ઍક્ટિંગ હોય. ફિલ્મમાં ઋષિ કપૂર અને ડિમ્પલની પહેલી મુલાકાત, એ પ્રસંગને દર્શાવે છે જ્યારે રાજ કપૂર અને નરગિસ પહેલી વાર મળ્યાં હતાં. ખ્વાજા અહમદ અબ્બાસે તો ફિલ્મનો ટ્રેજિક અંત લખ્યો હતો, જેને બાદમાં હેપ્પી એન્ડિંગમાં બદલવામાં આવ્યો હતો.”

‘બૉબી’ના રાજાનો અવાજ બન્યા શૈલેન્દ્રસિંહ

બોબી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બૉબીની સફળતામાં આનંદ બક્ષીનાં ગીતો અને લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતે મોટી ભૂમિકા ભજવી છે. રાજ કપૂર, ઋષિ કપૂર માટે શૈલેન્દ્રસિંહ નામના એક નવા ગાયકને લાવ્યા હતા.

શૈલેન્દ્રસિંહે બૉબીની સ્મૃતિ થોડા સમય પહેલાં ટેલિફોનિક વાતચીતમાં દુબઈથી શેર કરી હતી.

એ દિવસોને યાદ કરતાં શૈલેન્દ્રસિંહે કહ્યું હતું, “રાજ કપૂરસાહેબને એક નવો અવાજ જોઈતો હતો. તેઓ કહેતા કે હીરો 16 વર્ષનો છે. તેથી ગાયક પણ લગભગ એ જ વયનો હોવો જોઈએ. આ રીતે બૉબી સાથે મારી કારકિર્દી શરૂ થઈ હતી. બૉબી ફિલ્મનું મુહૂર્ત મારા ગીત મેં શાયર તો નહીં સાથે થયું હતું.”

તેમણે ઉમેર્યું હતું, “રાજ કપૂરને ગીત અને સંગીતની બહુ સારી સમજ હતી. એક ગીતના રેકૉર્ડિંગ દરમિયાન લતા મંગેશકર આવ્યાં ન હતાં. હું મારો હિસ્સો ગાઈ રહ્યો હતો અને રાજ કપૂર લતાજીનો હિસ્સો ગાઈ રહ્યા હતાં. તેમને આખું ગીત યાદ હતું.”

બૉબી માટે ઋષિને મળ્યો ફિલ્મફેર ઍવૉર્ડ

બોબી

બૉબીની યુવા પ્રેમકહાણી અને કથા કહેવાની રાજ કપૂરની શૈલી બંનેએ ફિલ્મની સફળતામાં મોટી ભૂમિકા ભજવી હતી. ફિલ્મનો પ્રાણ સહાયક પાત્રો પણ હતાં. ભલે તે દુર્ગા ખોટે હોય, માછીમારના રોલમાં જેક બ્રેગેન્ઝા ઉર્ફે પ્રેમનાથ હોય કે પછી ઋષિ કપૂરના પિતાના રોલમાં પ્રાણ કે ખલનાયક પ્રેમ ચોપડા હોય.

પ્રેમ ચોપડાનાં પત્ની અને રાજ કપૂરનાં પત્ની સગી બહેનો હતાં. તેથી પ્રેમ ચોપડાએ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. તેઓ ફિલ્મના અંતિમ હિસ્સામાં થોડી વાર માટે આવે છે, પરંતુ તેમનો એ સીન આજે પણ યાદ કરવામાં આવે છે, જેમાં ઘરેથી ભાગેલી બૉબીનો હાથ પકડીને તેઓ કહે છેઃ પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા.

સંજીવકુમાર (કોશિશ) અમિતાભ બચ્ચન (ઝંઝીર), ધર્મેન્દ્ર (યાદોં કી બારાત) અને રાજેશ ખન્ના (દાગ) સામે પોતાને બૉબી માટે ફિલ્મફેર બેસ્ટ ઍક્ટર ઍવૉર્ડ મળ્યો તે બાબતે ઋષિ કપૂરે પોતાની આત્મકથામાં લખ્યું છે, “કોઈએ મને પૈસાના બદલામાં એક પુરસ્કાર અપાવવાની ઑફર કરી હતી. મેં કહ્યું હતું, કેમ નહીં. મને એ વાતનો અફસોસ છે. હું માત્ર 20-21 વર્ષનો હતો. બૉબીની સફળતા સાથે હું અચાનક સ્ટાર બની ગયો હતો, પરંતુ એ પૈસા વાસ્તવમાં આયોજકો પાસે પહોંચ્યા હતા કે નહીં તે હું જાણતો નથી, પણ મેં તે વ્યક્તિને રૂ. 30,000 આપ્યા હતા.”

રસપ્રદ વાત એ છે કે શૈલેન્દ્રસિંહે પણ મને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આવી જ વાત જણાવી હતી.

તેમણે કહ્યું હતું, “બૉબી માટે મને બેસ્ટ સિંગરનો ઍવૉર્ડ ઑફર થયો હતો, પરંતુ મેં ના પાડી હતી. તેનું કારણ હું નહીં જણાવું. ભારતમાં ઍવૉર્ડનું કોઈ મહત્ત્વ નથી. સારાં ગીતોને ઍવૉર્ડ મળતા નથી.”

ગીતો સિવાય બૉબીની મજબૂત કડી તેની પટકથા છે, જે. પી. સાઠે અને ખ્વાજા અહમદ અબ્બાસે સાથે મળીને લખી હતી. અબ્બાસસાહેબ ત્યારે લગભગ 58 વર્ષના હતા. બૉબીની સ્મૃતિ આજે પણ યથાવત્ છે. તે ક્યાંકને ક્યાંક, કોઈને કોઈ સ્વરૂપે ઝળકતી જ રહે છે.

કાશ્મીરની જે હોટલની રૂમમાં ‘અંદર સે કોઈ બાહર ના આ સકે’ ગીત શૂટ થયું હતું, તે રૂમ આજે પણ બૉબી હટ નામે વિખ્યાત છે અને લોકો તેને જોવા આવે છે. બીજો એક પ્રસંગ ઋષિ કપૂર એક અમેરિકન સલૂનમાં વાળ કપાવતા હતા ત્યારનો છે. તેમાં એક રશિયન પ્રશંસકે ઋષિ કપૂરને ઓળખી લીધા હતા અને પોતાના ફોન પર મેં શાયર તો નહીં ગીત સંભળાવ્યું હતું.

સામાજિક બંધનોને તોડતી, અમીરી તથા ગરીબી વચ્ચે સેતુ બનતી અને ફૅશન સ્ટેટમેન્ટ રજૂ કરતી યુવા પ્રેમકહાણી બોબીને આજે પણ ઉત્તમ લવસ્ટોરી તરીકે યાદ કરવામાં આવે છે.

ફેક્ટ બૉક્સ બૉબી – 1973

  • ફિલ્મફેર ઍવૉર્ડ – પાંચ
  • ઋષિ કપૂર – બેસ્ટ ઍક્ટર
  • ડિમ્પલ કાપડિયા – બેસ્ટ ઍક્ટ્રેસ
  • નરેન્દ્ર ચંચલ – બેસ્ટ ગાયક
  • એ રંગરાજ – આર્ટ ડિરેક્શન
  • બેસ્ટ સાઉન્ડ
રેડ લાઇન
રેડ લાઇન