'પુષ્પા' ફિલ્મથી લોકોના દિલમાં છવાઈ જનાર અભિનેતા અલ્લુ અર્જુન ખરેખર કોણ છે?

ઇમેજ સ્રોત, TWITTER
- લેેખક, રવિ તુંગાળા
- પદ, બીબીસી માટે
દક્ષિણ ભારતીય ફિલ્મોના સ્ટાર અલ્લુ અર્જુનને હૈદરાબાદ પોલીસે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. એક સિનેમાહૉલમાં તેમની ફિલ્મ પુષ્પા-2ની સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું. બાદમાં તેમની સામે કેસ નોંધાયો હતો.
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત સમયે ખૂબ પ્રસિદ્ધિ પામેલી ફિલ્મ 'પુષ્પા: ધી રાઇઝ' માટે અભિનેતા અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો.
પોતાની પહેલી ફિલ્મ 'ગંગોત્રી'થી લઈને 'પુષ્પા' સુધી તેની સફર પણ વિશેષ રહી છે.
અલ્લુ અર્જુનને તેમના મિત્રો, ચાહકો અને પરિવારજનો પ્રેમથી 'બની' કહીને બોલાવે છે.
તેમની ફિલ્મી કારકિર્દી 19 વર્ષ લાંબી છે. દરમિયાન તેમણે 14 ડિરેક્ટરો સાથે કામ કર્યું છે અને કુલ 22 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી 19 ફિલ્મો બૉક્સ ઑફિસ પર હિટ થઈ છે.
હકીકતમાં આ આંકડાઓ ફિલ્મ 'ગંગોત્રી'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અલ્લુ અર્જુનના અભિનયમાં આવેલા બદલાવોની સાક્ષી આપે છે.
અલ્લુ અર્જુન એ જૂજ તેલુગુ અભિનેતાઓમાંના એક છે જેઓ તેમની ફિલ્મોથી દરેક ક્ષેત્રના લોકોને આકર્ષે છે. 'પુષ્પા' દ્વારા તેણે હિન્દી ફિલ્મોની ઑક્સ ઑફિસ પર પણ પોતાની સફળતાનો ઝંડો ફરકાવ્યો છે.

ઇમેજ સ્રોત, @ALLUARJUN
પહેલી ફિલ્મથી લઈને છેલ્લી ફિલ્મ સુધી અલ્લુ અર્જુન ઘણા બદલાઈ ગયા છે. તેમની પહેલી ફિલ્મ 'ગંગોત્રી' માર્ચ 2003માં રિલીઝ થઈ હતી, જેનું દિગ્દર્શન વરિષ્ઠ દિગ્દર્શક કે. રાઘવેન્દ્ર રાવે કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે સમયે અલ્લુ અર્જુન તેમની પ્રથમ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા તે સમયે તેમના પિતા અને જાણીતા નિર્માતા અલ્લુ અરવિંદ અને તેમના મામા ચિરંજીવી તેમને ફિલ્મી દુનિયામાં જોરદાર સહયોગ આપી રહ્યા હતા. જોકે, તે પછી અલ્લુ અર્જુનની સફળતામાં તેમની પોતાની મહેનત અને પ્રયત્નોનો પણ મોટો ફાળો છે.
અલ્લુ અર્જુને પહેલી ફિલ્મ ‘ગંગોત્રી’માં માસૂમ સિમ્હાદ્રીનો અભિનય કર્યો હતો. જ્યારે ‘પુષ્પા’માં તેણે એક રીઢા ચોરની ભૂમિકા ભજવી હતી.
જ્યારે ગંગોત્રી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અલ્લુ અર્જુનની ઉંમર માંડ 21 વર્ષની હશે. નવા કલાકારોમાં જે સ્વાભાવિક નિર્દોષતા અને ખચકાટ જોવા મળે છે તે અલ્લુ અર્જુનમાં વધુ સ્પષ્ટ દેખાતી હતી.
પ્રથમ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ ટીકા થઈ હતી. જોકે, એક વર્ષ પછી આવેલી તેમની ફિલ્મ 'આર્ય'એ તેના જૂના ટીકાકારોને પણ પ્રભાવિત કર્યા.
અલ્લુ અર્જુન દ્વારા ભજવવામાં આવેલાં મોટાં ભાગનાં પાત્રોને દર્શકોએ ખૂબ પસંદ કર્યાં છે.
'આર્યા', 'આર્યા 2', 'હેપ્પી' અને 'જુલાયી' ફિલ્મોમાં તેમણે એવાં પાત્રો ભજવ્યાં જે લોકોને હસાવતાં હતાં અને તેમના રોલથી દર્શકોના ચહેરા પર સ્મિત ફેલાયું હતું. બીજી તરફ, 'પરાગુ', 'વેદમ' અને 'વરુડુ'માં અલ્લુ અર્જુને પોતાના ગહન અભિનયથી દર્શકો પર એવી છાપ છોડી કે તેઓ તેમના દિલ પર બોજ લઈને થિયેટરોની બહાર નીકળ્યા હતા.

ઇમેજ સ્રોત, @ALLUARJUN
અલ્લુ અર્જુન તેમનાં પાત્રો દ્વારા દર્શકોના દિલોદિમાગ પર ઊંડી છાપ છોડવાનો પ્રયાસ કરે છે. આ સાથે તેમની એક વધુ ક્વોલિટી એ છે કે જ્યારે કોઈ ફિલ્મ સારો બિઝનેસ કરે છે ત્યારે તે ખુશીથી નાચવા લાગતા નથી.
અને જ્યારે કોઈ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલે તો તે દુઃખી થતા નથી. તેમણે પોતાની ફિલ્મ 'ના પેરુ સૂર્યા' (મારું નામ સૂર્યા)ની નિષ્ફળતાનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો.
તુલનાત્મક રીતે જોઈએ તો અલ્લુ અર્જુનની ફિલ્મોની ટીકા ખૂબ ઓછી થઈ છે. જોકે 2016માં હૈદરાબાદમાં થયેલા એક કાર્યક્રમમાં તેમણે આપેલી પ્રતિક્રિયાની ખૂબ ટીકા થઈ હતી.
જ્યારે ચાહકોએ તેમને મશહૂર કલાકાર અને મેગાસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણ વિશે બોલવા માટે મજબૂર કર્યા ત્યારે અલ્લુ અર્જુને ખૂબ ખરાબ રીતે આ વિષય પર બોલવાની ના પાડી હતી. પવન કલ્યાણના ચાહકોએ અલ્લુ અર્જુનના આ નિવેદનની ખૂબ ટીકા કરી હતી.

માઇકલ જૅક્સનના ચાહક છે અલ્લુ અર્જુન

ઇમેજ સ્રોત, @ALLUARJUN
જ્યારે આપણે અલ્લુ અર્જુન વિશે વાત કરીએ છીએ ત્યારે તેમની સૌથી મોટી કલા જે આપણા ધ્યાનમાં આવે છે તે છે ડાન્સ.
પુષ્પા ફિલ્મના ગીત 'શ્રીવલ્લી'માં ડાન્સ કરતી વખતે તેમની ચપ્પલ સરકાવતી તસવીર આખા દેશમાં વાઇરલ થઈ હતી. ફિલ્મ સ્ટાર્સથી લઈને બાળકોએ તેના આ અભિનયની નકલ કરવાનો પ્રયાસ કર્યો.
ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલો'ના ગીત 'બુટ્ટા બોમ્મા' દરમિયાનના તેમના ડાન્સ મૂવ્સ પણ વાઇરલ થયા હતા.
અલ્લુ અર્જુન દરેક ફિલ્મમાં કંઈક ખાસ કરે છે. દર્શકોને લાગે છે કે અલ્લુ અર્જુનના આ સ્ટેપ્સ માટે દિગ્દર્શક, સંગીત નિર્દેશક અને કોરિયોગ્રાફર ખાસ કરીને સખત મહેનત કરે છે.
અલ્લુ અર્જુનને બાળપણથી જ ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેના રૂમમાં માત્ર બે જ લોકોની તસવીરો હતી. એક માઈકલ જેક્સનની અને બીજી ચિરંજીવીની.
અલ્લુ અર્જુને કહ્યું હતું કે તેમને બંને લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તે માઈકલ જેક્સનનો મોટો ફેન છે. જ્યારે માઈકલ જેક્સનનું અવસાન થયું ત્યારે અલ્લુ અર્જુને તેમના સન્માનમાં સ્ટેજ પર્ફૉર્મન્સ આપ્યું હતું.
અલ્લુ અર્જુનને તેમના અભિનયની કેટલીક ખાસ ખૂબીઓ માટે અને તેના કેટલાક વનલાઇનર્સ માટે પણ ઓળખવામાં આવે છે. જેમ કે પુષ્પા ફિલ્મમાં તેનો ડાયલોગ- ‘મૈં ઝુકેગા નહીં સાલા’.

કેરળમાં અલ્લુ અર્જુનનો મોટો ચાહકવર્ગ

ઇમેજ સ્રોત, @ALLUARJUN
અલ્લુ અર્જુનને તેલુગુ ભાષીના એ મોટા કલાકારોમાં ગણવામાં આવે છે કે જેમને બીજી ભાષાઓના દર્શકો પણ ખૂબ પસંદ કરે છે. તેલુગુ પછી સૌથી વધુ મલયાલી ચાહકો તેમને પસંદ કરે છે. 2018માં કેરળમાં પૂર આવ્યું હતું ત્યારે અલ્લુ અર્જુને પૂરપીડિતોની મદદ માટે દાન કર્યું હતું.
પુષ્પા ફિલ્મની શૂટિંગ દરમિયાન કે રિલીઝ પછી પણ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ ફિલ્મ હિન્દી પટ્ટીમાં પણ હિટ જશે.
જોકે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધીમાં અલ્લુ અર્જુનને ડબ થયેલી ફિલ્મોને કારણે હિન્દી પ્રેક્ષકો પણ ઓળખવા લાગ્યા હતા.
તેમની ‘દુવડ્ડા જગન્નધામ’ અને ‘સરાઇનોડ્ડુ’ જેવી ફિલ્મોનાં ડબ થયેલાં સંસ્કરણને યૂ-ટ્યૂબ પર લાખો લોકોએ જોયાં હતાં.

પ્રયોગો અને અતિશય મહેનત
અલ્લુ અર્જુને હંમેશાં પોતાનાં પાત્રોમાં નવા પ્રયોગો કરવા તૈયાર રહે છે. જોકે, તેમના તમામ પ્રયોગો સફળ થયા નથી.
સુકુમાર, ત્રિવિક્રમ શ્રીનિવાસ અને પુરી જગન્નાથ જેવા લોકપ્રિય તેલુગુ ફિલ્મ નિર્દેશકોએ તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આજના યુગમાં 'બની' જેવા કલાકારો શોધવા ખૂબ મુશ્કેલ છે, જે સખત મહેનત કરે છે. ઉદાહરણ તરીકે, ફિલ્મ 'બદ્રીનાથ'માં તેમની ભૂમિકા માટે તેઓ તલવારબાજીની તાલીમ લેવા માટે મલેશિયા ગયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર 2.2 કરોડ ફૉલોઅર્સ

ઇમેજ સ્રોત, @ALLUARJUN
અલ્લુ અર્જુન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મોની અપડેટ્સ પોતાના ચાહકો સાથે શેર કરે છે.
ઇન્સ્ટાગ્રામ પર તેમના 2.2 કરોડથી વધુ ફૉલોઅર્સ છે. તે એકમાત્ર તેલુગુ કલાકાર છે કે જેમને ઇન્સ્ટાગ્રામ પર આટલા લોકો ફૉલો કરે છે.
ફેસબુક પર તેમના 2.1 કરોડ અને ટ્વિટર પર તેમના 78 લાખથી વધુ ફૉલોઅર્સ છે.
‘ફેમિલી મેન’ અલ્લુ અર્જુન
જો અલ્લુ અર્જુન ફિલ્મની શૂટિંગ ન કરતા હોય તો તે તેમનો બધો જ સમય પરિવારને આપે છે. તેમની દીકરી સાથે રમે છે. એ તસવીરો પણ એ સોશિયલ મીડિયા પર શેર કરે છે.
તેમની આગામી ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.














