જાને ભી દો યારો: 'શાંત ગદાધારી ભીમ શાંત', રૂપિયા 7 લાખથી ઓછા બજેટમાં બનેલી ફિલ્મની કહાણી

ઇમેજ સ્રોત, NFDC
- લેેખક, વંદના
- પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર, એશિયા ડિજિટલ
80ના દાયકો એવો સમય હતો જ્યારે શ્રીદેવીનો ઉદય થયો હતો અને જિતેન્દ્રની સાથે તેમની ફિલ્મનો લોકોમાં ક્રેઝ હતો. ફિલ્મ ‘તોહફા’ રિલીઝ થતાં પહેલાં જ હિટ માનવામાં આવી રહી હતી.
રંગબેરંગી માટલાં વચ્ચે નાચતાં શ્રીદેવી અને જિતેન્દ્રનું ગીત...'તોહફા'....'તોહફા' આવનારા કેટલાંય વર્ષો માટે મનોરંજક સિનેમાનું એક મૉડલ બની ગયું.
સંજોગો કંઈક એવા હતા કે એક નવા નિર્દેશક કુંદન શાહની ફિલ્મ ‘જાને ભી દો યારો’ પણ એ 'તોહફા'ની સાથે જ રિલીઝ થવાની હતી.
બજારમાં ન તો કુંદન શાહને કોઈ ઓળખતું હતું કે ન તો તેમની ફિલ્મના કલાકારોને કોઈ જાણતું હતું. માત્ર નસીરુદ્દીન શાહ અને કેટલીક હદે ઓમ પુરીને લોકો ઓળખતા હતા.
પણ જ્યારે 2022માં કુંદન શાહની 75મી વર્ષગાંઠ મનાવાઈ, તો એ માનવું મુશ્કેલ હતું કે 7 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં, એકદમ ઓછા જાણીતા કલાકારો સાથે બનેલી ફિલ્મ ‘જાને ભી દો યારો’ પોતાનામાં જ એક કલ્ટ બની ગઈ છે એટલે સુધી કે આજે પણ આ ફિલ્મનો મોટો ચાહકવર્ગ છે.
ફિલ્મમાં કામ કરનારી દરેક વ્યક્તિએ આગળ ભવિષ્યમાં તેમની કારકિર્દીમાં પોતાની પ્રતિભા ઝળકાવી. નસીરુદ્દીન હોય, ઓમ પુરી હોય કે સતીશ કૌશિક હોય કે સતીશ શાહ કે પછી પંકજ કપૂર હોય. તમામે એ સફળતા મેળવી.

ફિલ્મ ‘ગાંધી’ છોડીને ‘જાને ભી દો યારો’ શરૂ કરી

ઇમેજ સ્રોત, NFDC
ફિલ્મ બનવાની કહાણી પોતાનામાં જ એક લાંબો કિસ્સો છે. આ ફિલ્મમાં કોઈ હીરો નહોતો, તેમાં માત્ર વિલન જ વિલન છે અને તેનો શિકાર બનેલા લોકો છે.
કુંદન શાહ પુનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માંથી નીકળ્યા પછી ફિલ્મ બનાવવા માગતા હતા. આ કહાણી તેમના હાથે ત્યારે લાગી જ્યારે સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ હૈદરાબાદમાં સંઘર્ષ કરી રહેલા તેમના કેટલાક સાથીઓએ કુંદન શાહને પોતાના ફોટો સ્ટુડિયોના વિચિત્ર અનુભવો સંભળાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે કુંદન શાહને રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ માટે કામ કરવાની ઑફર મળી અને તેના માટે તેમને 1 લાખ રૂપિયા મળવાના હતા, જે મોટી રકમ હતી.
પરંતુ પોતાના મિત્ર સઇદ મિર્ઝાની સલાહ પર ચાલીને કુંદન શાહે એ ફિલ્મ છોડી દીધી અને પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ પર સમય લગાવવાનો નિર્ણય કર્યો. 1લી એપ્રિલ -1982ના રોજ એપ્રિલ ફૂલના દિવસે સ્ક્રિપ્ટ રજિસ્ટર કરાવી હતી.

7 લાખ રૂપિયાથી પણ ઓછું બજેટ

ઇમેજ સ્રોત, NFDC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ફિલ્મમાં સરકારી ભ્રષ્ટાચાર પર જ સવાલ ઉઠાવાયા છે પરંતુ તેમ છતાં નેશનલ ફિલ્મ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (એનએફડીસી)એ તેને ફાયનાન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આ રકમ 7 લાખ રૂપિયા કરતા પણ ઓછી હતી જેમાં માત્ર નસીરુદ્ધીન શાહને માત્ર 15 હજાર રૂપિયા મળ્યા અને બાકી બધાને 3થી 5 હજાર રૂપિયા સુધીની જ ફી મળી હતી.
દિલ્હીના એક થિયેટર દિગ્દર્શક રંજીત કપૂરે ફિલ્મ લખવાની જવાબદારી ઉઠાવી અને તેમના ઘરમાં રહેતા એક નવા કલાકાર સતીશ કૌશિકને પણ તેમણે તેમની સાથે રાખી લીધા.
નાણાંની ખૂબ જ અછત હોવાથી આ ફિલ્મના પ્રોડક્શનમાં કુંદનના મિત્ર સુધીર મિશ્રા, વિધુ વિનોદ ચોપડા અને તેમની દિવગંત પત્ની રેણૂ સલૂજા સંપૂર્ણપણે જોડાઈ ગયાં હતાં.
જો તમે ફિલ્મ નથી જોઈ તો આ ફિલ્મ બે આદર્શવાદી યુવા ફોટોગ્રાફર રવિ બાસવાની (સુધીર) અને નસીરુદ્ધીન શાહ (વિનોદ)ની કહાણી છે.
ફોટો ખેંચતા ખેંચતા તેમને શહેરના સરકારી અધિકારીઓ, બિલ્ડર માફિયા (બિલ્ડર પકંજ કપૂર અને શરાબી બિલ્ડર ઓમ પુરી) તથા મીડિયા (એડિટર શોભા) વચ્ચેની ભ્રષ્ટાચારની સાંઠગાંઠ વિશે માલૂમ થઈ જાય છે.
એમાં મુખ્ય પુરાવો છે ભ્રષ્ટ કમિશનર ડિમેલો (સતીશ શાહ)ની લાશ અને આ લાશ બધા જ શોધી રહ્યા હોય છે. અહીંથી જ શરૂ થાય છે કૉમેડી અને ભૂલોનો સિલસિલો.
ફિલ્મમાં નસીરુદ્દીન શાહના પાત્રનું નામ વિનોદ ચોપડાના નામ પર અને રવિ બાસવાનીનું નામ સુધીર મિશ્રાના નામ પર જ રાખવામાં આવ્યું હતું. આગળ જતાં આ બંને ખ્યાતનામ દિગ્દર્શક બન્યા.

સમાજ અને રાજનીતિ પર બનેલી કૉમેડી

ઇમેજ સ્રોત, NFDC
શરૂઆતથી અંત સુધી ‘જાને ભી દો યારો’માં વ્યંગ ભરેલો છે. ક્યાંક દબાયેલો, તો ક્યાંક ખુલ્લેઆમ. મજાની વાત એ છે કે એ વ્યંગ સરકારી તંત્ર અને બિલ્ડરો પર જ નહીં પણ ફિલ્મકાર કુંદન શાહ ખુદ પર પણ કરે છે.
ફિલ્મની શરૂઆતમાં જ જ્યારે નસીર અને રવિ બાસવાની પોતાના નવા બ્યૂટી ફોટો સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરે છે અને કોઈ ગ્રાહક નથી આવતો ત્યારે નસીર કહે છે, “કુંદન શાહ પાસેથી પણ અઢી હજાર રૂપિયા ઉધાર લીધા છે, એ કઈ રીતે ચૂકવીશું.”
ફિલ્મની એક ખાસ વાત એ છે કે તેમાંં ઘણાં દૃશ્યો એવાં છે જે ઘણાં નકામાં લાગે છે, પરંતુ જે રીતે તેને ફિલ્માવવામાં આવ્યાં છે, તે પાગલપન એક જબરજસ્ત સામાજિક હાસ્ય-વ્યંગનું રૂપ લઈ લે છે.

સતીશ શાહ બન્યા લાશ

ઇમેજ સ્રોત, DAVE M. BENETT/GETTY IMAGES
ફિલ્મમાં સતીશ શાહે (કમિશનર ડિમેલો) મોટાભાગનો સમય એક લાશનું પાત્ર ભજવ્યું છે. એક સામાન્ય ફિલ્મમાં આવા પાત્રની કોઈ ખાસ ભૂમિકા નથી હોતી પરંતુ દિગ્દર્શક અને ફિલ્મનાં એડિટર રેણૂ સલૂજાએ ઍડિટિંગની કમાલ એવી કરી કે લાશ પણ એક પ્રભાવક હાસ્ય પાત્ર બની જાય છે.
એક દૃશ્ય છે જેમાં પૈંડાવાળા તાબૂતમાં માર્ગ પર સતીશ શાહની લાશ પડી છે અને તેના પર ફૂલોનો એક ગોળ હાર રાખ્યો છે. તાબૂતને ઓમ પુરીની ઑસ્ટિન ગાડીથી ટક્કર લાગતા તે ગોળ હાર સતીશ શાહના હાથમાં આવીને ગાડીના સ્ટિયરિંગ વ્હીલ જેવું લાગવા લાગે છે, નશામાં ધૂત બિલ્ડર ઓમ પુરી પૈંડાવાળા તાબૂતને સ્પોર્ટ્સ કાર સમજીને તેની મરમ્મત કરવા લાગે છે.
ઍડિટિંગ દરમિયાન ઓમ પુરી અને સતીશ શાહના ક્લૉઝ-અપ વચ્ચે એ રીતે કનેક્શન બેસાડ્યું કે એવું લાગે કે જાણે બંને વચ્ચે વાતચીત થઈ રહી હોય.
કાગળ પર અથવા વાચવામાં આ દૃશ્ય મામૂલી લાગે છે, પરંતુ પડદા પર સતીશ શાહ અને ઓમ પુરીની કૉમિક ટાઇમિંગ ગજબની છે. સતીશ શાહને એ સમયે સૌથી કૉમેડી લાશ કહેવામાં આવ્યા હતા.

મહાભારતનું દૃશ્ય અને મીમ્સ

ઇમેજ સ્રોત, @NFDCINDIA
આજના સમયમાં પણ આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મનાં ‘મીમ્સ’ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતાં હોય છે. ખાસ કરીને મહાભારતવાળા દૃશ્ય સાથે જોડાયેલાં મીમ્સ.
મહાભારતવાળો ક્લાઇમૅક્સ આ ફિલ્મનો સૌથી શ્રેષ્ઠ ભાગ માનવામાં આવે છે. જ્યાં દરેક પાત્ર ડિમેલોની લાશ મેળવવા માગે છે, જે નસીર અને રવિ બાસવાની પાસે હોય છે.
દૃશ્ય એવું છે કે એકબીજાનો પીછો કરતાં કરતાં બધાં જ પાત્રો નાટકમાં પહોંચી જાય છે, જ્યાં મહાભારતમાં દ્રૌપદીના ચિરહરણનું દૃશ્ય ભજવાઈ રહ્યું હોય છે.
ગલફતપૂર્વક ડિમેલોની લાશને સાડી પહેરાવીને દ્રૌપદી બનાવી દેવાય છે અને નસીરુદ્દીન લાશને મંચ પરથી હઠાવવા માગે છે. તેઓ ખુદ દુર્યોધન બનીને આવીને મંચ પર બોલે છે કે દ્રૌપદી જેવી સતીને જોઈને તેમણે ચિરહરણનો આઇડિયા ડ્રોપ કરી દીધો છે. આથી મંચ પર અફરાતફરી મચી જાય છે.
ત્યારે ભીમ બનીને બિલ્ડર ઓમ પુરી પહોંચી જાય છે અને કહે છે કે ‘ઓ ધૃતરાષ્ટ્રના પુત્તર દ્રૌપદીને પરત કર, હવે એ મારી સાથે જશે. દ્રૌપદી માત્ર તારી નથી અમે બધા જ શેરહોલ્ડર છીએ.’
પરેશાન ધૃતરાષ્ટ્રનો સંવાદ કે ‘આ બધું શું થઈ રહ્યું છે’ અથવા યુધિષ્ઠિરનો સંવાદ કે ‘શાંત ગદાધારી ભીમ શાંત’ હવે મીમ બની ચૂક્યાં છે.
એ લેખકની એવી કેવી કલ્પના હશે કે મહાભારતની આ ધમાચકડી વચ્ચે અકબર અને સલીમ પણ મંચ પર આવી જાય છે અને ધૃતરાષ્ટ્ર બનેલું પાત્ર કહે છે કે ‘ધીસ ઇઝ ટુ મચ. હવે અકબર ક્યાંથી આવી ટપક્યા.’
‘અમે તેમની યાદમાં એક દિવસ માટે આ શહેરની તમામ ગટરો બંધ કરી દઈશું.’
ફિલ્મ દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને અમલદારશાહી પર વ્યંગ મારફતે પ્રહાર કરે છે, જેમ કે એક દૃશ્યમાં જ્યાં મુંબઈના કમિશનર ગટર પર અધ્યયન કરવા માટે સરકારી ખર્ચે મહિનાઓ માટે અમેરિકા જાય છે.
અને પછી તેમની હત્યા થઈ જાય છે, તો તેમની શ્રદ્ધાંજલિ સભામાં એક અધિકારીનું ભાષણ કંઈક આવું છે, “ડિમેલો સાહેબ કહેતા કે કોઈ પણ દેશની ઉન્નતિની ઓળખ કોઈ વસ્તુથી થાય છે, તો એ ગટર છે. અમે તેમની યાદમાં શહેરની ગટર એક દિવસ માટે બંધ કરી દઈશું. એટલે આપ લોકોને પ્રાર્થના છે કે તમે પીવાના પાણીનું પાણી એક દિવસ પહેલાં ભરી રાખજો.”
આ ઘટના પાછળ કુંદન શાહ સાથે થયેલો એક સાચો કિસ્સો કારણભૂત છે. તેનો ઉલ્લેખ ‘જાને ભી દો યારો’ સીરિયસલી ફની સીન્સ 1983’ નામની પુસ્તકમાં લેખક જય અર્જુન સિંહે કર્યો છે.
કુંદન શાહે અર્જુન સિંહને જણાવ્યું હતું, “અમારી બિલ્ડિંગમાં ગટરનું પાણી લીક થવાથી પીવાના પાણીની ટાંકીમાં આવી ગયું હતું. હું પરેશાન થઈને સરકારી કચેરી ગયો. બદલામાં અધિકારીએ મને કહ્યું, “તો શું થયું. ઘણા લોકો આવું જ પાણી પીવે છે?”
જોકે, ગટર શહેરની, દેશની નિષ્ફળ થઈ ચૂકેલી વ્યવસ્થાનું પ્રતીક છે, જેને ઘણી ચતુરાઈથી લેખકો, નિર્દેશકોએ આ ફિલ્મમાં વાપર્યું.

નસીર અને ઓમ પુરીની જોડી

ઇમેજ સ્રોત, JAANE BHI DO YAARO POSTER
ફિલ્મ એક કૉમેડી ફિલ્મ છે, પરંતુ તેમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા ઘણા ગંભીર છે. ફિલ્મ મનોરંજન કરે છે પરંતુ ઘણા જ તીખા વ્યંગ મારફતે.
તેમાં મુખ્ય પ્રવાહના સિનેમાની જેમ મોટા સ્ટાર અથવા બજેટ નથી ઉપરાંત એ આર્ટ ફિલ્મ પણ નથી. તેમાં નીમ્ન સ્તરની કૉમેડી નથી અને ન કોઈ જૅન્ડર અથવા શારીરિક બનાવટ પર તેમાં ટિપ્પણીઓ છે. આ બધું તેમાં નથી એ આ ફિલ્મની ખૂબી છે.
ફિલ્મનું એક દૃશ્ય છે, જે એક અલગ ઍન્ગલથી છે અને તેનો તર્ક સાથે કોઈ દૂર દૂરનો સંબંધ નથી. દૃશ્ય એ છે કે નસીરુદ્ધીન શાહ એક ડિટેક્ટિવ બનીને ભ્રષ્ટ બિલ્ડરોના રૂમમાં જાય છે, જ્યાં બિલ્ડર પંકજ કપૂરનો રાઇટ હેન્ડ વ્યક્તિ સતીશ કૌશિક પણ છે.
નસીર તેમને જણાવે છે કે તમારા માટે સિક્રેટ ફોન કૉલ છે અને કોડવર્ડ છે –‘અલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ’, આ નસીરુદ્દીનની કેટલાક વર્ષો પહેલાં રિલીઝ થયેલી ફિલ્મનું નામ હતું.
હવે સતીશ કૌશિક અને નસીરુદ્દીન શાહ એક જ રૂમમાં બે લૅન્ડલાઇન ફોનથી એક બીજા સાથે વાત કરે છે. એક વાર ફોન નીચે પડી જાય છે અને વાયરો ગૂંચવાય છે, તો બંને એક બીજા સાથે ફોનથી એક બીજા સાથે ફોન પીઠ ફેરવીને કરે છે.
સતીશ કૌશિક અરીસામાં નસીરને પોતાના જ રૂમમાં જોઈ પણ લે છે પણ વાતચીત ચાલુ રાખે છે. આ સામાન્ય દૃશ્યમાં પણ જબરજસ્ત કૉમેડી છે.
જોકે પડદા પાછળની કહાણી એ છે કે આ દૃશ્યને લઈને નસીર નારાજ થઈ ગયા હતા. નસીર જે મૅથડ ઍક્ટિંગ સ્કૂલમાંથી ભણ્યા છે ત્યાં આવી કલાકારીનો અવકાશ હતો જ નહીં.
આ ફિલ્મ પહેલાં નસીર આર્ટ સિનેમાના સ્ટાર બની ચૂક્યા હતા અને ઓમ પુરીની ફિલ્મ 'અર્ધ સત્ય' રિલીઝ નહોતી થઈ, પરંતુ કૉમેડીમાં બંનેની દખલ નહોતી. છતાં 'જાને ભી દો યારો'માં પહેલી વાર બંનેની એક નવી શૈલી જોવા મળી અને એ જ કારણ હતું કે બંનેએ આ ફિલ્મ કરવા માટે હા પાડી. જોકે ઓમ પુરીને છેલ્લે છેલ્લે લેવાયા હતા.

સરકારી સંસ્થાએ લગાવ્યા હતા નાણાં

આ ફિલ્મમાં લગભગ તમામ કલાકારો ત્યારે નવા હતા અથવા સંઘર્ષ કરી રહ્યા હતા. પણ તેમણે આ કૉમેડીને ઘણી ગંભીરતાથી નિભાવી. ફિલ્મમાં એનએફડીસીના પૈસા લાગ્યા હતા જે સરકાર સાથે જોડાયેલી સંસ્થા હતી. એ વિચારીને આશ્રર્ય જરૂર થાય કે તેમણે આને પાસ કઈ રીતે કરી.
‘જાને ભી દો યારો – સીરિયસલી ફની સીન્સ 1983’માં લખ્યું છે, “એનએફડીસીએ 6.84 લાખ રૂપિયા આપ્યા હતા. તેમની સમિતિને લાગ્યું કે આ ફિલ્મ સમાજ પર એક તીખી ટિપ્પણી છે. અમારા કામમાં કોઈ દખલ ન કરવામાં આવી. વળી હંમેશાં એવી જગ્યાઓ પર શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી જ્યાં શૂટિંગ કરવું મુશ્કેલ છે.”
ફિલ્મની મોટાભાગની કૉમેડી સ્ક્રિપ્ટમાં લખાયેલી હતી, પરંતુ ઘણી બધી બાબતો શૂટિંગના સેટ પર ઉમેરવામાં આવી હતી. જેમ કે, મહાભારતવાળા દૃશ્યમાં જ્યારે ઓમ પુરી એકાએક કપડા બદલીને ભીમ બનીને પહોંચી જાય છે, ત્યારે પણ તેમણે કાળા ચશ્મા તો પહેરેલાં જ હોય છે.
આ સ્ક્રિપ્ટમાં નહોતું, પરંતુ ઓમ પુરીએ જાતે ઉમેરો કર્યો હતો. ઓમ પુરીનો જે પંજાબી બોલીનો ટોન છે એ પણ તેમની જ સલાહ હતી, પરંતુ કુંદન શાહ તેની સાથે સમંત હતા. નાણાંની અછતના લીધે શૂટિંગ દરમિયાન અલગ જ રીતે કૉમેડી થતી હતી જેના કિસ્સા પ્રખ્યાત છે.
એક દૃશ્ય છે જ્યાં ઘણી મહિલાઓ બુરખો પહેરીને મજલિસમાં જઈ રહી છે. દૃશ્ય એવું છે કે ઓમ પુરીથી લઈને નસીરુદ્દીન સુધી તમામ કલાકારો એકબીજાથી બચવા માટે બુરખામાં છે, પરંતુ ધ્યાનથી જુઓ તો, દરેક મહિલાએ કાળા રંગના બુરખાની જગ્યાએ અલગ અલગ રંગના બુરખા પહેર્યાં છે.
કેમકે, થયું એવું હતું કે એ દૃશ્ય માટે ઘણા કલાકારોની જરૂર હતી, પણ પૈસા નહીં હતા, તો ફિલ્મ યુનિટના લોકોને જ બુરખો પહેરાવીને ઊભા રાખવા પડ્યા હતા અને સિનેમેટોગ્રાફર વિનોદ પ્રધાન શૂટિંગ કરવા લાગ્યા. પરંતુ જ્યારે તેમણે સહાયકોની જરૂર પડતી, તો એ ભીડમાંથી તેમને બોલાવી લેતા, પરંતુ ઓળખવામાં મુશ્કેલ થતાં બધાને અલગ અલગ રંગના બુરખા આપવામાં આવ્યા હતા.
ફિલ્મમાં જ્યારે બધું જ ઘનચક્કરની જેમ ચાલી રહ્યું હતું છતાં દર્શકો એને પચાવી ગયા અને ફિલ્મને પસંદ કરી.
ફિલ્મમાં યુવા પવન મલ્હોત્રાએ પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે, જેઓ બાદમાં ઘણા પ્રખ્યાત અભિનેતાના રૂપમાં ઓળખાયા. એક દૃશ્ય માટે કુંદન શાહને બે કબૂતરોની જરૂર હતી. પવને બે કબૂતરોની વ્યવસ્થા કરી, પરંતુ એ જગ્યા ઘણી દૂર હતી અને તેમની પાસે પિંજરાના પૈસા નહોતા કે ન તો ટૅક્સીના પૈસા હતા. તેથી તેઓ કબૂતરને થેલીમાં મૂકીને લોકલ બસમાં સેટ પર આવ્યા જેનો ઉલ્લેખ પુસ્તકમાં કરાયો છે. વળી ફિલ્મમાં જે કૅમેરો જોવા મળે છે તે નસીરુદ્દીન શાહનો ખુદનો નિકૉન કૅમેરો હતો જે શૂટિંગ દરમિયાન ગુમ થઈ ગયો હતો.
ફિલ્મમાં મૅગેઝીન ઍડિટરનું કામ મરાઠી અભિનેત્રી ભક્તિ બર્વેએ કર્યું હતું. આ પાત્ર પહેલાં અપર્ણા સેનને ઑફર કરાયું હતું. ફિલ્મી કિસ્સાની વાત કરીએ તો, તેઓ ફિલ્મની કહાણી સાંભળતી વખતે સૂઈ ગયાં અને પછી ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
મરાઠી થિયેટરમાં ભક્તિ બર્વે મોટું નામ નહોતું અને શફી ઇનામદાર તેમના પતિ હતા. પ્રારંભિક દિવસોમાં ભક્તિ બૉમ્બે દૂરદર્શનનાં જાણીતા ન્યૂઝરીડર હતાં. 1996માં શફી ઇનામદારના મોતના 5 વર્ષો બાદ એક માર્ગ અકસ્માતમાં 52 વર્ષનાં ભક્તિનું પણ નિધન થઈ ગયું હતું.

શું સમયની કસોટી પર ફિલ્મ ખરી ઊતરી?

ઇમેજ સ્રોત, HOTURE IMAGES
લગભગ 41 વર્ષો પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મને આજે કઈ રીતે યાદ કરવામાં આવે છે? ગત વર્ષની વાત છે જ્યારે નિર્દેશક સુધીર મિશ્રાએ એ સવાલ ટ્વિટર પર પૂછ્યો હતો કે જો આ ફિલ્મ આજે રિલીઝ થાય છે, તો વિવચકોએ તેને કેટલા સ્ટાર આપ્યા હોત?
દિવ્યા દત્તા સહિત આ ફિલ્મના ચાહકોએ તો ફિલ્મને 5માંથી 6 સ્ટાર આપ્યા, પરંતુ એવું નથી કે દરેક આ ફિલ્મને કલ્ટ માને છે.
સુધીર મિશ્રાના સવાલ પર ફિલ્મકાર મુનીષ ભારદ્વાજે લખ્યું હતું, “મને નથી લાગતું કે આ ફિલ્મ સમયની કસોટી પર ખરી ઊતરી છે. આ કોઈ સ્કૂલની સ્ક્રિપ્ટ જેવી લાગે છે. મેં તેને ફરી વાર જોવાની કોશિશ કરી અને 10 મિનિટમાં જ થાકી ગયો. ઍક્ટિંગ ઑવર ધ ટોપ છે. લેખન સાધારણ છે અને ક્રાફ્ટ પણ નબળી છે.”
એ વાત સાચી છે કે બજેટ ઓછું હોવાથી ફિલ્મ પ્રોડક્શનની વૅલ્યૂ પર અસર જોવા મળે છે. ક્યાંક ક્યાંક સાતત્યની ઉણપ છે તો મહાભારતવાળું એક દૃશ્ય ઝાંખુ લાગે છે. થયું એવું હતું કે નૅગેટિવ પ્રકાશના સંપર્કમાં આવી ગઈ જેથી એના પર ધૂળ જમા થઈ ગઈ પરંતુ એટલા પૈસા નહીં હતા કે તેને ફરીથી શૂટ કરવામાં આવે.
આ ફિલ્મમાં જે રીતે કૉમેડી અને કટાક્ષ કરાયો છે અને રચનાત્મક છૂટ લેવાઈ છે એ શું આજના સમયમાં કરવું શક્ય છે? લેખક સિદ્ધાર્થ ભાટિયાએ પણ ‘ધ વાયર’ના પોતાના લેખમાં એ સવાલ ઉઠાવ્યો છે.
વરિષ્ઠ પત્રકાર શ્રીનિવાસન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “આજનો રાજકીય માહોલ એવો છે કે 'જાને ભી દો યારો' જેવો વ્યંગ કરતા પહેલાં ફિલ્મકાર વિચાર કરશે. ઍમેઝોને પણ એક સટાયર કૉમેડી બનાવી હતી. જેને રિલિઝ કરવા મામલે ખચકાટ અનુભવ્યો હતો. કેમકે દેશમાં એવો માહોલ નહોતો. જ્યારે 'જાને ભી દો યારો' આવી હતી ત્યારે માહોલ અલગ હતો. જોકે ફિલ્મમાં રાજકીય એન્ગલ હતો. ફિલ્મમાં સતીશ શાહનું દૃશ્ય છે જેમાં તેઓ દ્રૌપદી બને છે. તમે વિચારો કે આજના સમયમાં તેઓ આવું દૃશ્ય કરે તો કેટલો વિરોધ થઈ શકે છે કેમકે ઘણા લોકો તો માત્ર વિરોધ કરવા માટે જ બેઠા હોય છે. આવી ફિલ્મ બનાવવી મુશ્કેલ છે.”
રામચંદ્રન શ્રીનિવાસન કહે છે કે એક અન્ય કારણ છે કે કેમ 'જાને ભી દો યારો' જેવી ફિલ્મ બીજી વખત સરળતાથી નથી બની શકતી અને તે એ કે આ ફિલ્મમાં કુશળ કલાકારોનો જમાવડો છે. નસીરથી લઈને સુધીર મિશ્રા સુધી એક એકથી ચઢિયાતા કલાકારોએ પડદા પર અને પડદા પાછળ કામ કર્યું છે. સૌએ મળીને આ ફિલ્મનો સફળ આકાર આપ્યો. આજના સમયમાં આટલા પ્રતિભાશાળી લોકોને એક સાથે કામ કરવા માટે ફિલ્મમાં લેવા મુશ્કેલ હશે કેમકે આવી ભાગીદારી ખૂબ જ મોંઘી રહેશે.
ફિલ્મનો અંત કંઈક એવો છે કે તમામ કોશિશો છતાં બંને આદર્શવાદી ફોટોગ્રાફર એટલે કે નસીરુદ્દીન શાહ અને રવિ બાસવાની તમામ પુરાવા પોલીસને આપે છે. તેઓ સન્માનિત થવાનું સપનું જુએ છે અને બાજુમાં જ સત્યમેવ જયતેનું બોર્ડ પણ લાગેલું હોય છે.
પરંતુ તમામ ભ્રષ્ટાચારીઓ મળીને એક થઈ જાય છે અને છેલ્લાં દૃશ્યમાં નસીરુદ્દીન અને રવિ કેદીઓનાં કપડાંમાં શહેરના માર્ગો પર જઈ રહ્યા છે. લોકોની ભીડથી કોઈ ફરક નથી પડી રહ્યો અને બંનેનું પસંદગીનું ગીત ‘હમ હોંગે કામયાબ’ વાગે છે અને બંને ગર્દન કપાવાનો ઇશારો કરે છે.
રાજ કપૂરે બાદમાં જ્યારે આ ફિલ્મ જોઈ તો તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમને ફિલ્મનો અંત પસંદ નહોતો આવ્યો. ઘણા લોકોને લાગ્યું કે આ કૉમેડી હોવા છતાં નિરાશાવાદી ફિલ્મ હતી. જ્યારે કેટલાકને એટલા માટે પસંદ આવી કે બંને યુવાઓએ પોતાના આદર્શો છોડ્યા નહીં.
રિલીઝ થયા બાદ આ ફિલ્મ ઘણી હિટ પુરવાર ન થઈ પરંતુ બાદમાં તેણે એક કલ્ટ ક્લાસિકની જગ્યા લીધી.
પત્રકાર રામચંદ્રન શ્રીનિવાસન કહે છે, “ફિલ્મ રિલીઝ થઈ હતી, તો ફ્લૉપ હતી. પરંતુ પછી ટીવી પર અને અન્ય માધ્યમો પર એટલી વખત જોવાઈ કે આ કલ્ટ ફિલ્મ બની ગઈ. ઘણી વાર કલ્ટ ફિલ્મો પહેલી વાર ફ્લૉપ થાય છે. પરંતુ બાદમાં લોકોના દિલમાં જગ્યા બનાવી લે છે. જેમ કે ‘મેરા નામ જોકર’. ઘણી વાર એવું થાય છે કે એ ફિલ્મો જે નવો રસ્તા બનાવે છે, તે ખુદ થાકી જાય છે અને બાદમાં તેઓ જે રસ્તા પર ચાલે છે તે હિટ થઈ જાય છે. 'જાને ભી દો યારો'ની ખૂબી એ છે કે તેમાં એક રીતની સાદગી હતી, રોજિંદા જીવનનાં પાત્રો હતાં.”
ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો અને રવિ બાસવાનીને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો. વિધુ વિનોધ ચોપડા ‘પરિંદા’ જેવી ફિલ્મ બનાવીને મોટા દિગ્દર્શક બન્યા. સુધીર મિશ્રાએ ‘ધારાવી’ અને ‘હઝારો ખ્વાઇશે ઐસી’ ફિલ્મ બનાવી.
પવન મલ્હોત્રા, સતીશ કૌશિક, પંકજ કપૂર અને નીના ગુપ્તાએ પછીનાં વર્ષોમાં તેમની જબરજસ્ત અભિનયક્ષમતા દર્શાવી. આ ફિલ્મમાં અનુપમ ખેરનું પણ પદાર્પણ થવાનું હતું. ડિસ્કો કિલરના રૂપમાં એ થવાનું હતું જેને દરેક વ્યક્તિ કરવા માગતી હતી, પરંતુ ઍડિટિંગ સમયે એ રોલ કાપી નંખાયો હતો.
રંજીત કપૂરે ફિલ્મનું એક ગીત લખ્યું હતું, એ ગીત ફિલ્મમાં નહોતું લેવાયું પણ આ ગીતના શબ્દો ચોરીને ફિલ્મનું નામ રાખી દેવાયું – ‘જાને ભી દો યારો’ જે આજે એક વાક્યપ્રયોગ બની ગયો છે.














