'મારી માતા એક તવાયફ હતી અને મને એ કહેવામાં કોઈ શરમ નથી'

રેખાબાઈ

ઇમેજ સ્રોત, MANISH GAEKWAD

ઇમેજ કૅપ્શન, 1990માં કોલકાતામાં લેવાયલ રેખાબાઈની તસવીર
    • લેેખક, શેરલાન મોલાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

“હું અંધારામાં નૃત્ય કરતી. હું રૂમમાં મીણબત્તી સળગાવીને નાચતી અને પર્ફૉર્મ કરતી. અંધારામાં મારું નસીબ ચમકવાનું હતું.”

1962ના વર્ષની વાત છે. ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, વિવાદ હતો સરહદનો. ભારત સરકારે રાષ્ટ્રીય સ્તરે ઇમર્જન્સી જાહેર કરેલી હતી. અંધારપટ અને સાયરનોના અવાજ લોકોના રોજિંદા જીવનનો ભાગ બની જતાં લોકો ગભરાયેલા હતા. ભાવિ અનિશ્ચિત લાગી રહ્યું હતું.

જોકે, રેખાબાઈએ ક્યારેય પોતાના ડરને તેમના નસીબ પર હાવી ન થવા દીધો. તેમણે અન્ય ગણિકાઓ (જેમણે કોઠા બંધ કરી દીધા હતા) જેવું ન કર્યું અને કામ ચાલુ રાખ્યું. તેઓ રાત્રે સુંદર સાડી પહેરી, શણગાર સજીને તેમના કોઠા પર આવતા પુરુષોનું મનોરંજન કરતાં.

તેમના જીવને તેમને એક વાત શીખવી હતી કે મહેનત એ મોટા ભાગે નવી તક અથવા અસ્તિત્વ ટકાવી રાખવાનું દ્વાર હોય છે. રેખાબાઈની જીવનકથા હવે એક પુસ્તકમાં કંડારવામાં આવી છે. પુસ્તકનું નામ છે – ‘ધી લાસ્ટ કૉર્ટિઝન્સ મેમોયર’ – જે તેમના જ પુત્ર મનીષ ગાયકવાડે લખ્યું છે.

મનીષ ગાયકવાડ કહે છે કે, “મારાં માતા હંમેશાં તેમની કહાણી કહેવા ઇચ્છતાં હતાં.” ગાયકવાડ ઉમેરે છે કે, તેમની કહાણી કહેવામાં તેમને કોઈ ભોઠપ કે શરમ નથી. તેઓ તેમનાં માતા સાથે તરુણાવસ્થા સુધી કોઠામાં રહ્યા હતા અને એટલે તેમનું જીવન એમના માટે કોઈ નવી વાત નહોતું.

ગાયકવાડ વધુમાં કહે છે, “કોઠામાં ઉછરવું એનો અર્થ કે બાળકે જેટલું જોવાનું હોય એનાથી વધુ એ જોઈ લે છે. મારાં માતા આ જાણતાં હતાં અને તેમણે ક્યારેય એને છુપાવવાની કોશિશ ન કરી.”

રેખાબાઈએ મનીષ ગાયકવાડને વર્ણવેલાં સ્મરણો પુસ્તકમાં આલેખાયાં, જે ઘણી વાર વાચકોને ચોંકાવે છે અને ભારતમાં 90ના દશકના મધ્યમાં ગણિકાઓના જીવનમાં ઈમાનદારીની ઝલક દર્શાવે છે.

‘કૉર્ટિંગ હિંદુસ્તાન : ધી કન્ઝ્યૂમિંગ પેશન્સ ઑફ આઇકૉનિક વિમેન પર્ફૉર્મર્સ ઑફ ઇન્ડિયા’ના લેખક અને ઓડિશી નૃત્યકાર મધુર ગુપ્તા કહે છે કે, તવાયફ ભારતીય ઉપમહાદ્વીપમાં ઈસવીસન પૂર્વેની બીજી સદીથી છે.

મધુર ગુપ્તા વધુમાં જણાવે છે, “તેઓ મનોરંજન પૂરી પાડતી મહિલાઓ હતી, જેમનું કામ રાજાશાહી વ્યક્તિઓ તથા દેવતાઓનું મનોરંજન કરવાનું હતું. ભારત બ્રિટિશ શાસન હેઠળ આવ્યું એ પહેલાં ગણિકાઓને એક સન્માનજનક પર્ફૉર્મર ગણવામાં આવતાં. તેઓ કળાના ક્ષેત્રમાં તાલીમબદ્ધ હતાં. શ્રીમંત હતાં અને એ સમયના કેટલાક શક્તિશાળી પુરુષો સાથે તેમનો ઘરોબો હતો.”

મધુર ગુપ્તા કહે છે, “પણ પુરુષો અને સમાજે તેમનું શોષણ પણ કર્યું છે.”

ગ્રે લાઇન

સાસરાપક્ષે કોઠામાં વેચી દીધાં

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના એક દૃશ્યની તસવીર

ઇમેજ સ્રોત, BHANSALI PRODUCTION

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટિશ શાસન પછી ભારતમાં આ ગણિકાઓનું ચલણ ઘટવાનું શરૂ થયું, કેમ કે બ્રિટિશરાજ તેમને માત્ર ‘નાચણો’ અથવા દેહવ્યાપાર કરતી મહિલાઓ જ ગણતું અને આ પ્રવૃત્તિને ઓછી કરવા તેઓ કાયદાઓ લાવ્યા.

1947માં ભારતે જ્યારે આઝાદી મેળવી લીધી પછી તેમનો દરજ્જો પણ ઘટવા લાગ્યો અને ઘણી ગણિકાઓને વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલાવું પડ્યું, કેમ કે તેમના માટે અસ્તિત્વનો સવાલ હતો. હવે આજે તો આ પ્રવૃત્તિ તદ્દન બંધ થઈ ગઈ છે પણ ગણિકાઓની કહાણી પુસ્તકો અને ફિલ્મોમાં જીવિત છે.

આવી જ એક કહાણી રેખાબાઈની છે.

તેઓ પુના શહેરમાં એક ગરીબ પરિવારમાં જન્મ્યાં હતાં. 10 ભાઈ-બહેનોમાં તેમનો ક્રમ છઠ્ઠો હતો. રેખાબાઈને જન્મની ચોક્કસ તારીખ કે સમય યાદ નથી, એ સમયની યાદો ધૂંધળી છે.

પાંચ દીકરીના ભરણપોષણથી કંટાળેલા તેમના પિતાએ (જેમને દારૂનું વ્યસન હતું) કથિત રીતે રેખાબાઈને જન્મતાંની સાથે જ તળાવમાં ડુબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.

નવ કે 10 વર્ષની વયે પરિવારનું દેવું ચૂકતે કરવા માટે તેમનાં લગ્ન કરી દેવાયાં અને પછી તેમના સાસરાપક્ષે તેમને કોલકાતાના પૂર્વમાં આવેલા બૉબજાર વિસ્તારના કોઠામાં વેચી દીધાં હતાં.

તવાયફ તરીકે તેમણે તાલીમ શરૂ કરી ત્યારે તેઓ તરુણાવસ્થામાં પણ નહોતાં પહોંચ્યાં. તેમણે ગીત ગાવાનું અને નૃત્ય કરવાનું શીખ્યું પણ તેમનું જીવન અને નાણાકીય આવક પર તેમના સંબંધીનું નિયંત્રણ હતું. જે ખુદ એક મહિલા હતાં અને કોઠા પર તેઓ પણ એક ગણિકા હતાં.

બોલીવૂડ ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત-ચીન વચ્ચેના યુદ્ધ વખતે એ સંબંધી જતાં રહ્યાં અને રેખાબાઈને પોતાના જીવનનું નિયંત્રણ ખુદના હાથમાં લેવાની તક મળી.

તેમના કૅન્ડલ લાઇટ (મીણબત્તીના પ્રકાશમાં કરેલા પર્ફૉર્મન્સ)થી તેઓ સ્વતંત્ર બન્યાં અને તેમને અનુભવ થયો કે જો તેઓ ખુદ હિંમત દાખવે તો પોતાના જીવનનાં ખુદ માલિક બની શકે છે.

આજીવન તેમના જીવનનો આ જ મંત્ર રહ્યો. રેખાબાઈ ફિલ્મોમાં બતાવાયેલાં પ્રખ્યાત ગણિકા ઉમરાવજાન અને પાકીઝાની જેમ ક્યારેય પુરુષ સાથે જોડાયાં નહીં. તેમના કોઠા પર નાના ગુનેગારો, પૈસાદાર શેખો અને જાણીતા સંગીતકારો પણ આવતા હતા. પણ તેમની સાથે જોડાવાનો અર્થ હતો કે તેમણે તવાયફ તરીકેનું જીવન અને કોઠો બંને છોડવાં પડશે.

તેઓ જે કોઠામાં કામ કરતાં એ નાનકડી જગ્યામાં જ તેઓ પર્ફૉર્મ કરતાં, રહેતાં અને તેમના બાળકનો ઉછેર કરતાં હતાં અને સમયાંતરે તેમના પરિવારના સભ્યોને ત્યાં આશ્રય મળ્યો. આ જ જગ્યા તેમના માટે આઝાદી અને શક્તિનું પ્રતીક બની ગઈ. જોકે, આ જગ્યા હિંસા અને કઠોરતાથી ભરેલી હતી, જ્યાં સંજોગ નિર્દોષ વ્યક્તિને ઘેરી લેતા અને માનવતા મરી પરવારતી તથા રોષ, ડર અને દુખની લાગણીઓનો પ્રવાહ વહેતો.

પુસ્તકમાં ગાયકવાડ કેટલાક દુખદ અને તણાવગ્રસ્ત સ્મરણોનું વર્ણન કરે છે, જેને તેમનાં માતા યાદ કરતાં. તેમાંથી એક સ્મરણ વિશે તેઓ લખે છે કે એક સમયે એક ઠગ વ્યક્તિએ તેમનાં માતા સામે બંદૂક તાણી દીધી હતી, કેમ કે તેમણે એ ઠગ સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

રેખાબાઈનાં સ્મરણો વિશે તેઓ વધુમાં લખે છે કે અન્ય ગણિકાઓ (જે તેમનાં માતાની સફળતાની ઈર્ષ્યા કરતાં) તરફથી અપમાન અને અત્યાચાર પણ સહન કરવા પડતાં. કેટલાક ગૅંગસ્ટરોને રાખીને તેમનાં માતાના રૂમ બહાર ધમકાવવાની કોશિશ થઈ હતી અને કેટલાકે તેમને દેહ વ્યાપાર કરતી વ્યક્તિ કહી હતી, જ્યારે ખરેખર તેઓ એવાં નહોતાં.

ગ્રે લાઇન

એક મજબૂત માતા

રેખાબાઈ

ઇમેજ સ્રોત, MANISH GAEKWAD

ઇમેજ કૅપ્શન, 1980માં બોમ્બેના કૉંગ્રેસ હાઉસ કોઠામાં લેવાયેલ તસવીર

પણ કોઠાએ જ તેમને એક સશક્ત મહિલા બનાવામાં મદદ કરી અને આખરે તેઓ બની પણ ગયાં. અહીં જ તેમની નૃત્યની પ્રતિભાનો ઉદયનો થયો અને તેના થકી પુરુષો પોતાનું દુખ ભૂલી જતા, જ્યારે તેઓ તેમનું પર્ફૉર્મન્સ નિહાળતા. અહીં તેમણે પુરુષોની તેમના પ્રત્યેના વર્તનથી સમજણ વિકસાવી અને જરૂર પડ્યે જો કોઈએ ગેરવર્તન કર્યું તો તેમનો ઘમંડ પણ ઉતારી દીધો હતો.

તેઓ કહેતાં, “મેં કોઠાની ભાષામાં પારંગતતા મેળવી લીધી છે. જરૂર પડ્યે હું એ રીતે વર્તીશ પણ.” પરંતુ આ કુશળતાની સાથે તેઓ કોઠાનાં એક ગણિકામાંથી મજબૂત માતા પણ બની ગયાં, જેમણે પુત્રના જીવનને બહેતર બનાવવા માટે જરૂરી બધું જ કર્યું.

તેમણે ગાયકવાડને કોઠામાં પોતાની નજીક રાખ્યા. તેઓ યાદ કરે છે કે પર્ફૉર્મન્સ દરમિયાન તેઓ રડતા તો તેમનાં માતા તેમની પાસે પહોંચી જતાં. પછી રેખાબાઈએ તેમના પુત્રને બૉર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધો અને ત્યાર બાદ એક ઘર ખરીદ્યું, જેથી તેઓ તેના મિત્રોને શરમ અનુભવ્યા વગર ત્યાં બોલાવી શકે.

તેમને તેમના મોટા થતા બાળક પર ગર્વ હતો. ભલે અંગ્રેજી માધ્યમના શિક્ષણની સાથેસાથે બૉર્ડિંગ સ્કૂલના ઉછેરને લીધે તેમનો પુત્ર એકદમ અલગ હતો. પુસ્તકમાં એક હૃદયસ્પર્શી કિસ્સો છે કે એક સમયે પુત્ર વૅકેશનમાં ઘરે આવ્યો ત્યારે ખાવા માટે કાંટા ચમચી અને ચમચી માગતો હતો.

પુસ્તકમાં તેઓ કહે છે, “હું હિંદીમાં તો એને કાંટા ચમચી કહેવાય એ જાણતી હતી પણ અંગ્રેજીમાં એને શું કહેવાય એ મને નહોતી ખબર.” જ્યારે પુત્રે સમાજાવ્યું ત્યારે તેઓ બજારમાં ખરીદવા ગયાં.

2000ની સદીના અંતમાં કોઠાનું કલ્ચર સંપૂર્ણ ગાયબ થઈ ગયું અને રેખાબાઈ કોઠો છોડીને કોલકાતામાં તેમના ઘરે જતાં રહ્યાં. મુંબઈમાં તેમનું ફેબ્રુઆરીમાં નિધન થયું. ગાયકવાડ કહે છે કે તેમને હંમેશાં તેમનાં માતાની આભા, મજબૂતી અને પ્રતિભા યાદ રહેશે.

તેઓ ઉમેરે છે, “મને આશા છે કે પુરુષો આ પુસ્તક વાંચશે. ભારતીય પુરુષોમાં માન્યતા છે કે માતૃત્વનું વ્યક્તિત્વ શુદ્ધતાનું પ્રતીક હોવું જોઈએ. પણ આ પુસ્તકથી તેમને તેમની માતાઓની વ્યક્તિગત સમજ કેળવવામાં મદદ મળશે અને તેઓ તેમને તેઓ જેવા છે તેવા સ્વીકારશે. જે તેમની સાથેના સંબંધના આધારે નહીં હોય.”

રેડ લાઇન
રેડ લાઇન