બિઝનેસ કરવા મહિલાને સરકારની 10 લાખથી 1 કરોડ રૂપિયાની લોનની યોજના શું છે? SC, STને કેવી રીતે મળે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એ. કિશોર બાબુ
- પદ, બીબીસી માટે
કેન્દ્ર સરકાર બિઝનેસ શરૂ કરી પોતાનું નસીબ ચમકાવવા માગતી મહિલાઓ માટે દસ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધીની લોન આપે છે.
આ યોજનાનું નામ છે ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા.’
આ યોજના મારફતે માત્ર મહિલાઓ જ નહીં પરંતુ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પણ બિઝનેસ માટે લોન મેળવી શકે છે.
પરંતુ શું આ યોજના અંતર્ગત લોન મેળવવા માટેની જરૂરિયાતો વિશે જાણો છો? એના માટે કેવી રીતે અરજી કરવી?

‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાનો હેતુ ઉદ્યોગસાહસિક બનવા માગતાં મહિલા, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને નાણાકીય સંસાધનો પૂરાં પાડવાનો છે.
કેન્દ્ર સરકાર દ્વારા 15 ઑગસ્ટ 2015ના રોજ આ યોજના શરૂ કરાઈ હતી.
આ યોજના અતંર્ગત કેન્દ્ર સરકાર નાના બિઝનેસોની વૃદ્ધિ માટે અને ઉદ્યોગસાહસિકતાને પ્રેરણા આપવા માટે બૅન્કો મારફતે દસ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધીની લોન અપાવે છે.
અત્યાર સુધી આ યોજના અંતર્ગત 2,11,925 લોકોએ આ યોજના અંતર્ગત લોન માટે અરજી કરી છે. જે પૈકી 1,91,052ને લોન આપી દેવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ અત્યાર સુધી યોજના હેઠળ 43,046 કરોડ રૂપિયાની લોન અપાઈ છે.

શું બૅન્કો લોન ચોક્કસ આપે છે ખરી?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ઘણી વાર આપણને આવી યોજનાઓને લઈને બૅન્કો લોન આપશે કે કેમ એ અંગે પ્રશ્નો હોવા સ્વાભાવિક છે.
પરંતુ આ યોજનામાં એવું નથી. લોનની રકમ આપવા માટે કેન્દ્ર સરકારે બૅન્કો પર કેટલાંક નિયંત્રણો મૂક્યાં છે.
દેશમાં બૅન્કની 1.25 લાખ શાખા છે. કેન્દ્ર સરકારે બૅન્કની દરેક શાખાદીઠ એક અનુસૂચિત જાતિ કે જનજાતિની વ્યક્તિને અને એક મહિલાને આ યોજના અંતર્ગત દરે વર્ષે લોન આપવાનું ફરજિયાત બનાવાયું છે.

લાભાર્થીએ કેટલું રોકાણ કરવાનું?
આ યોજના અંતર્ગત લાભાર્થીએ જરૂરી મૂડીના 10-15 ટકા જેટલી રકમ જાતે ભોગવવાની હોય છે.
અગાઉ આ પ્રમાણ 25 ટકા હતું. પરંતુ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ તેમાં ઘટાડો કર્યો છે.
માત્ર મહિલાઓ જ નહીં પરંતુ અન્ય વ્યક્તિઓ પણ આ લોન મેળવી શકે છે, પરંતુ આના માટે અમુક શરતોનું પાલન કરવાનું હોય છે.
પોતાના ચાલુ ધંધાના વિસ્તરણ માટે તેમજ કોઈ નવો ધંધો શરૂ કરવા માટે અન્ય લાભાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
પરંતુ આ માટે મહિલા કે અનુસૂચિત જાતિ-જનજાતિની વ્યક્તિઓ પાસે ધંધામાં 51 ટકા ભાગીદારી હોવી જોઈએ.
આ સિવાય લોન ચૂકવવા માટે સાત વર્ષની સમયમર્યાદા આપવામાં આવે છે. તેમજ લોન મળ્યા બાદ 18 માસ સુધી મોરેટોરિયમ પિરિયડ હોય છે. એટલે કે સમયગાળા દરમિયાન લોન લેનારે લોનની ચુકવણી કરવાની હોતી નથી.
આ યોજના અંતર્ગત ખૂબ ઓછા વ્યાજે લોન મળી જાય છે, એ આ યોજનાની ખાસિયત છે.

લોન મેળવવા માટેની લાયકાત

ઇમેજ સ્રોત, Getty Images
અરજદાર મહિલા, અનુસૂચિત જાતિ કે જનજાતિની વ્યક્તિ હોવી જોઈએ.
તેમની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
તેમજ લેણદારે ભૂતકાળમાં અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન મેળવીને તેની ભરપાઈમાં ડિફોલ્ટ ન કર્યું હોવું જોઈએ.
જો તમે પણ આ લોન મેળવવા માગતા હો તો તમારે નિકટની બૅન્ક શાખાએ જઈને ત્યાંના અધિકારીનો સંપર્ક કરવો પડશે.
આ સિવાય જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મૅનેજર આ હેતુ માટે તમને મદદરૂપ થઈ શકે.

શું લોન માટે આપણે ઑનલાઇન અરજી કરી શકીએ?

ઇમેજ સ્રોત, Getty Images
લોન માટે ઓનલાઇન અરજી કરી શકાય પરંતુ એ પહેલાં તમારે https://www.standupmitra.in/
પોર્ટલ પર રજિસ્ટર કરવું પડે.
અહીં તમે આપેલી માહિતી આધારે બે પૈકી એક કૅટગરીમાં તમને મૂકવામાં આવશે.
આ સ્ટેજમાં નક્કી કરાશે કે તમે ટ્રેની લેણદાર છો કે રેડી લેણદાર.
લોગીન કમ્પ્લીટ કર્યા બાદ તમને તમારી અરજીની માન્યતાને લઈને ફીડબૅક અપાશે.

ટ્રેની લેણદાર એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
જો તમને તમારા ધંધા માટે માર્જિન મનીની જરૂરિયાત હોય તો તમને ટ્રેની લેણદારની કૅટગરીમાં મૂકવામાં આવશે.
માર્જિન મની એટલે એવું રોકાણ જેની તમને બૅન્ક પાસેથી લોન મેળવતા પહેલાં તમને જરૂર છે.
તે બાદ અરજદારને લીડ ડિસ્ટ્રિક્ટ મૅનેજર કે નાબાર્ડ/SIDBની ઑફિસના સંપર્કમાં મૂકવામાં આવશે.
લેણદારોને ફાઇનાન્સિયલ લિટરસી સેન્ટરો થકી તાલીમ અપાય છે.
તેમજ કૌશલ્ય હાંસલ કરવા માટે તાલીમ સેન્ટરો દ્વારા ટ્રેનિંગ અપાય છે.
આ સિવાય મહિલા સંગઠનો, ટ્રેડ ઍસોસિયેશનો અને અન્ય ચૅરિટેબલ ઑર્ગેનાઇઝેશન થકી મોટા બિઝનેસમૅન પાસેથી સહાય મેળવાય છે.
તેમજ પ્રોજેક્ટ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની તાલીમ અપાય છે.

રેડી લેણદાર એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે ઉદ્યોગસાહસિકોને સરકારી માર્ગદર્શનની જરૂરિયાત નથી હોતી તેઓ આ કૅટગરીમાં આવે છે, અને તેમને રેડી લેણદાર કહે છે.
તેમની અરજીઓ સંબંધિત જિલ્લાની બૅન્કોને મોકલી અપાય છે.
આનાથી અરજદારો સંબંધિત બૅન્કમાંથી સીધા જ લોન મેળવી શકે છે.
તમારી અરજી પોર્ટલ પર ટ્રેક પણ કરી શકાય છે.
શું ઓફલાઇન અરજી કરી શકાય ખરી?
આના માટે તમે જે-તે બૅન્કની જાતે જઈને મુલાકાત લઈ શકો અને ત્યાંના અધિકારીઓ સાથે પ્રત્યક્ષપણે વાત કરી શકો. જોકે, સત્તાધીશોને ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ આપવો જરૂરી છે.
તેમજ જે-તે બૅન્કના અધિકારીઓને પણ આ રિપોર્ટ આપવો પડે છે.
બૅન્કનાં ધારાધોરણો મુજબ અરજદારે ગૅરંટી આપવી પડે.
ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ શું છે?
ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એ એવા પ્રોજેક્ટ છે જેમાં વણવપરાયેલ જમીન પર નવું માળખું ઊભું કરીને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન અપાય છે.
તેનો અર્થ એ થયો કે આવી જમીન પર પહેલાંથી રહેલાં માળખાંને તોડી નહીં પડાય. ખાલી જમીન પર નવું માળખું તૈયાર કરીને ઉદ્યોગ માટે અપાશે.
શું જિલ્લા સ્તરે અરજીઓ રિવ્યૂ થાય છે?
તમારી અરજીની જિલ્લા સ્તરે ચકાસણી કરાશે. આ હેતુ માટે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની આગેવાનીમાં ડિસ્ટ્રિક્ટ લેવલ ક્રેડિટ કમિટી બનાવાય છે.
કમિટી આ અરજદારોનાં કામની દર ત્રણ મહિને ચકાસણી પણ કરે છે.

‘કેટલીક તકલીફો પણ’
વિજયવાડાથી એક MSME ઉદ્યોગસાહસિક ચેરુકુરી ચામુંડેશ્વરી જણાવે છે કે આ યોજનાના અમલીકરણમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે.
તેમણે કહ્યું, “અમારા જેવા ઉદ્યોગસાહસિકોને ધંધો શરૂ કરવા કે ધંધાનું વિસ્તરણ કરવા માટે બૅન્કો પાસેથી લોન મેળવવામાં ઘણાં નિયંત્રણોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં સિબિલ સ્કોર સૌથી મોટું પાસું છે. કોરોના વાઇરસના કારણે ધંધા પર કેટલીક માઠી અસરો પડી છે. તેના કારણે લોન પરત ભરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે. જે લોકો યોગ્ય રીતે લોન ભરી રહ્યા છે તેમને પણ કોવિડના કારણે સિબિલ સ્કોર ઘટવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.”
ચામુંડેશ્વરીના મતે MSME અને ઉત્પાદન સૅક્ટરને કેન્દ્ર સરકારની આકાંક્ષા પ્રમાણે ઔદ્યોગિક વિકાસનાં લક્ષ્યો પૂરાં કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી નક્કર પરિણામ આવી શકે.

“ખાનગી બૅન્કો આગળ નથી આવતી”
આંધ્ર પ્રદેશ સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટીના કન્વીનર અને યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાના જનરલ મૅનેજર નવનીતકુમારના મતે સ્ટેન્ડ અપ ઇન્ડિયાએ ખૂબ સારી યોજના છે.
તેમણે કહ્યું, “ઉદ્યોગસાહસિક બનવાની આકાંક્ષા ધરાવનાર મહિલાઓએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. અમે ખૂબ ઓછા દરે લોન પૂરી પાડીએ છીએ. જાહેર ક્ષેત્રની બૅન્કો આ લોન આપી રહી છે અને તેના માટે પ્રેરણા પણ પૂરી પાડી રહી છે. પરંતુ ખાનગી બૅન્કો આ યોજના અંતર્ગત લોન નથી આપી રહી. એ મુશ્કેલી છે.”
તેમણે કહ્યું, “સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટી આ અંગે ધ્યાન આપી રહી છે. આંધ્ર પ્રદેશની વાત કરીએ તો ઘણી મહિલા ઉદ્યોગસાહસિકો આ યોજના અંતર્ગત નવા ઉદ્યોગની શરૂઆત માટે આગળ આવી રહી છે. અમુક લોકોએ ઉદ્યોગ સ્થાપી પણ લીધા છે. તેમજ અન્ય કેટલીક અરજીઓ હાલ વિચારણા હેઠળ છે.”
જિલ્લામાં કોનો સંપર્ક કરવો?
અરજદારોને આ યોજના અંગે સરળતાપૂર્વક સર્વિસ મળી રહે એ હેતુથી કેન્દ્ર સરકારે જુદાં જુદાં રાજ્યોના જિલ્લામાં કેન્દ્રો શરૂ કર્યાં છે.
અરજી કરવા માટે મદદ મેળવવા અરજદારો જિલ્લાના સ્થાનિક લોકલ કનેક્ટ સેન્ટરનો સંપર્ક સાધી શકે છે.
આ સિવાય અરજદારો માટે કેન્દ્ર સરકારે ટોલ ફ્રી નંબર અને ઇમેઇલ પણ જાહેર કર્યા છે. જે નીચે મુજબ છે.
ટોલ ફ્રી નંબર : : 1800-180-1111
Email: [email protected]














