લક્ષ્મી નામની એક યુવતીને બ્રિટિશ અધિકારી સાથે પ્રેમ થયો અને 'લૅક્મે'નો જન્મ થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
છેલ્લા કેટલાક દિવસોથી હિંસક વિરોધ પ્રદર્શનોના સાક્ષી બનેલા પેરિસની ગલીઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે ઐતિહાસિક અને યાદગાર ક્ષણોની પણ સાક્ષી છે. આવી જ એક ક્ષણ છે, ભારતની સ્વદેશી કૉસ્મેટિક બ્રાન્ડ 'લૅક્મે'ના જન્મની.
હાલમાં લૅક્મેની માલિકી યુકેસ્થિત 'હિંદુસ્તાન યુનિલિવર કંપની'ની છે અને તે ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની ગઈ છે. જોકે, મૂળતઃ તેની સ્થાપના એક ભારતીય ઉદ્યોગપતિએ તત્કાલીન વડા પ્રધાનના આગ્રહથી કરી હતી. કહેવાય છે કે એ પીએમ પર તેમનાં પુત્રીનું દબાણ હતું.
એ સમયે ઉદ્યોગપતિ અને વડા પ્રધાનની વચ્ચે અમુક મુદ્દે વૈચારિક મતભેદ ચાલી રહ્યા હતા, છતાં ઉદ્યોગપતિએ કૉસ્મેટિક્સના ઉત્પાદન ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. નવીન બ્રાન્ડને તેનું નામ પેરિસની ગલીઓમાં એક ઑપેરા પરથી મળ્યું હતું, જે હિંદુ દેવીના નામ પર આધારિત છે.
આગળ જતાં ઉદ્યોગપતિના વારસદારે વિશ્વની સૌથી જૂની કૉસ્મેટિક બ્રાન્ડમાંથી એકને વેચી નાખી. આજે જે વિચાર સાથે લૅક્મેનો જન્મ થયો હતો, તે વિચાર સાથે ફરી બજારમાં વહેતો થયો છે અને ઉદ્યોગગૃહ પણ ફરી તેના ઉપર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલ છે.

નહેરુ, ઇંદિરા અને તાતા

ઇમેજ સ્રોત, Getty Images
સ્વતંત્રતા પછી તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સામ્યવાદી છાંટવાળું સમાજવાદી મૉડલ અપનાવ્યું હતું, જેમાં વીમા, બૅન્ક, ખાણ, નાગરિક ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું હતું.
1949માં સરકારે તાતા જૂથની ઍર ઇન્ડિયા કંપનીમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી હતી. જેઆરડી ટાટાને વિમાનનક્ષેત્ર સાથે પ્રેમ હતો અને તેઓ પોતે પાઇલટ તરીકેનું લાઇસન્સ ધરાવતા હતા. સરકારની આવી દખલગીરીથી તેઓ નારાજ હતા.
જેઆરડી તાતા ઍર ઇન્ડિયાને ભારતની આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ બ્રાન્ડ બનાવવા માગતા હતા, જે સરકારી વહીવટીતંત્રમાં શક્ય ન હતું. તેમને લાગતું હતું કે કંપનીના શૅરધારકો તથા અન્ય લાભધારકોને તેનાથી નુકસાન થયું છે. છેવટે 1953માં ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. આનાથી જેઆરડીને ખૂબ જ આંચકો લાગ્યો હતો.
જ્યારે જેઆરડી અને નહેરુ વચ્ચે આ મુદ્દે મતભેદ ચાલી રહ્યા હતા, બેઠક અને પત્રાચાર થઈ રહ્યા હતા, ત્યારે નહેરુ સરકાર તરફથી તાતા જૂથને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો. ગિરિશ કુબેરે તેમના પુસ્તક 'ધ તાતાસ'ના 11મા પ્રકરણમાં સમગ્ર ઘટનાક્રમ અંગે એક ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે ભારતમાં સૌંદર્યપ્રસાધનો એટલે કે કૉસ્મેટિક્સની આયાત કરવી પડતી હતી, બીજા વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય ફલક પર અમેરિકાનું કદ વધ્યું હતું અને ડૉલરના ભાવ પણ વધ્યા હતા. આથી, વિદેશી હુંડિયામણની બચત કરવા માટે સરકાર દ્વારા કૉસ્મેટિક્સ ચીજવસ્તુઓની આયાત ઉપર નિયંત્રણો લાદ્યાં હતાં, જેની સૌથી વધુ અસર મહિલાઓ પર થઈ હતી. જે તેનો સૌથી મોટો વપરાશકર્તા સમૂહ હતો.
મહિલા સંગઠનોએ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને આ મુદ્દે રજૂઆતો કરી હતી, જ્યાં નહેરુનાં દીકરી ઇંદિરાએ તેમની રજૂઆતો સાંભળી હતી. વાતમાં વજૂદ જણાતા આ મુદ્દે કંઇક કરવા માટે પુત્રીએ પિતાને રજૂઆત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક વખત નહેરુ વડા પ્રધાન કાર્યાલયે જઈ રહ્યા હતા, ત્યારે નિવાસસ્થાન બહાર મહિલાઓના એક સમૂહે તેમને અટકાવી દીધા અને કૉસ્મેટિક્સના આયાતી સામાન વગર કેવા પ્રકારની તકલીફો પડી રહી છે, તે મુદ્દે રજૂઆત કરી હતી.
નહેરુએ પોતાની સાથે રહેલા તેમના અંગત સહાયક એમ. ઓ. મથાઈને આ મુદ્દે ધ્યાન આપવા કહ્યું. મથાઈએ આ વાતને હળવાશથી લીધી હતી. જોકે, ઇંદિરાએ આ મુદ્દે ભારપૂર્વક પૃચ્છા કરી, ત્યારે મથાઈએ પૂછ્યું કે, 'તેમાં એટલું બધું શું મહત્ત્વપૂર્ણ છે?', ત્યારે ઇંદિરાએ જણાવ્યું કે કોઈપણ ભારતીય કંપની આ પ્રકારની પ્રૉડક્ટ્સ બનાવતી નથી.
મથાઈએ દિલ્હી ખાતે તાતાના પ્રતિનિધિ એ.ડી. નૌરોજીનો સંપર્ક કર્યો અને તાતા જૂથને કૉસ્મેટિક્સની કંપની સ્થાપવા માટે વિચાર કરવા માટે કહ્યું. એટલું જ નહીં, આ માટે કોઈપણ સહયોગની જરૂર હોય તો તે પૂરો પાડવાની ખાતરી પણ આપવામાં આવી.
આ વાત જાણીને જેઆરડી તાતાને આશ્ચર્ય થયું, કારણ કે એક તરફ ઍર ઇન્ડિયાને હસ્તગત કરવા નહેરુ સરકાર તજવીજ હાથ ધરી રહી હતી, તો બીજી તરફ નવા ઉદ્યમને પ્રસ્થાપિત કરવા માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી રહી હતી.
આગળ જતાં નહેરુ સરકાર દ્વારા ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું અને જેઆરડીને તેના ચૅરમૅન બનાવવામાં આવ્યા. વર્ષો બાદ ઇંદિરા ગાંધી દેશનાં વડાં પ્રધાન બન્યાં, ત્યારે તેમણે પણ જેઆરડીને ઍર ઇન્ડિયાના ચૅરમૅનપદે યથાવત્ રાખ્યા હતા.
ઇંદિરાના દીકરા રાજીવ ગાંધીએ જેઆરડીને જૈફવયે ચૅરમૅનપદેથી હઠાવ્યા, પરંતુ તેમના સ્થાને રતન તાતાને ચૅરમૅન બનાવ્યા હતા, એટલે 'જેહ' માટે નારાજ થવાને કોઈ કારણ ન હતું.

તેલ સાથે મેલ

ઇમેજ સ્રોત, TWITTER
તાતાએ ભારતીય વાતાવરણ અને ચામડીને અનુરૂપ હોય તેવી કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સ તૈયાર કરવાનું બીડું ઝડપી લીધું. એ સમયે તાતા જૂથ મુંબઈમાં હોટલ, બિહારમાં સ્ટીલ, ગુજરાતમાં કેમિકલ એમ દેશના અલગ-અલગ ભાગોમાં ઔદ્યોગિક એકમો ધરાવતું હતું. આવું જ એક એકમ કોચ્ચીન (હાલનું કોચ્ચી) ખાતે કાર્યરત હતું. આ એકમનું નામ તાતા ઑઈલ મિલ્સ કંપની હતું.
આ કંપની 1920થી કાર્યરત હતી. તે મુખ્યત્વે કોપરામાંથી તેલ કાઢીને તેના નિકાસનું કામ કરતી. આગળ જતાં કંપનીએ સાબુ, ડિટર્જન્ટ, શૅમ્પૂ, ખાદ્યતેલ, સુગંધી તેલ વગેરે ચીજોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. હમામ, 501, OK અને મૅજિક આ કંપનીની ફ્લૅગશિપ બ્રાન્ડો હતી. તેના ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ઉત્પાદનએકમો હતાં.
એટલે ટોમકોના પેટા એકમ તરીકે તા. 5 ડિસેમ્બર 1952ના રોજ 'લૅક્મે'ની સ્થાપના કરવામાં આવી. કંપનીએ રૉબર્ટ પિગટ અને રેનોર જેવી ફ્રૅન્ચ તથા કોલમાર જેવી અમેરિકન કંપની પાસેથી ફૉર્મ્યુલા મેળવી. આ માટે વિદેશી કંપનીઓને તાતાના એકમમાં કોઈ ઇક્વિટી આપવામાં નહોતી આવી, પરંતુ તેમને ફૉર્મ્યુલાની સાટે ફી ચૂકવવામાં આવી હતી.
1961માં સિમોન તાતા (રતન તાતાનાં સાવકા માતા) કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટર બન્યાં. તેમનો જન્મ ફ્રાન્સમાં થયો હતો અને સ્વિટ્ઝરલૅન્ડમાં અભ્યાસ કર્યો હતો એટલે તેઓ 'લૅક્મે'ની પ્રોડક્ટ વિશે ઊંડી સૂઝ ધરાવતાં હતાં. 1982માં ચૅરપર્સનનાં પદ સુધી પહોંચ્યાં, બાદમાં તેમને તાતા ઇન્ડસ્ટ્રીઝમાં સમાવી લેવામાં આવ્યાં.
તત્કાલીન બોમ્બેમાં પૅડર રોડ ખાતે ભાડાની જગ્યાએથી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. આ દાયકામાં કંપનીની પ્રોડક્ટ્સનો વ્યાપ પણ વધ્યો અને ઉત્પાદન પણ વધ્યું.

ઇમેજ સ્રોત, Getty Images
એ પછી મુંબઈ નજીક શેવાડી ખાતે ઉત્પાદન એકમને ખસેડવામાં આવ્યું. જે પૅડર રોડ કરતાં ત્રણ ગણી મોટી જગ્યા હતી. માગને પહોંચી વળવા માટે વધારાની જગ્યા મેળવવામાં આવી તથા બે શિફ્ટમાં કામ શરૂ કરવામાં આવ્યું.
આકર્ષક પેકિંગ, ગુણવત્તાનાં ઉચ્ચ ધોરણો, વ્યાપક પ્રચારઅભિયાન, સમયાંતરે માર્કેટ સરવેએ પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડી. બાકીનું કામ કંપનીની સેલ્સ ઑફિસ, સેલ્સપર્સન, ડિલર અને એજન્ટ કરતાં. દેશભરમાં 20 હજારથી વધુ લોકોની વસતિ ધરાવતા શહેર-નગરોને આવરી લેવામાં આવ્યાં હતા.
આધુનિક લૅબોરેટરીમાં ભારતીયોને અનુરૂપ અવનવી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી અને તેનું પરીક્ષણ થતું. મહિલાઓની સ્કિનકૅર, મેકઅપ અને ટૉઇલેટરીઝમાં સફળતા મેળવ્યા બાદ લૅક્મેએ પુરૂષો માટે પણ પ્રોડક્ટ લોન્ચ કરી હતી.
બ્રાન્ડ સફળ થાય એટલે તેને અંકે કરવા માટે એજ નામથી આનુષંગિક પ્રોડ્ક્ટ લૉન્ચ કરવામાં આવે, જેમકે, નહાવાના સાબુની બ્રાન્ડ સફળ થાય એટલે તેના નામથી ડિયોડરન્ટ લૉન્ચ કરવામાં આવે, એટલે લૅક્મે દ્વારા તાર્કિક વિસ્તરણ કરવું સાહજિક પણ હતું.
1980માં લૅક્મેના બ્યૂટી સલૂન લૉન્ચ કર્યા. આ સિવાય લૅક્મેની બ્યૂટી સ્કૂલ પણ હતી, જ્યાં છ મહિના સુધી બ્યુટિશિયનોને થિયરી અને પ્રૅક્ટિકલ તાલીમ આપવામાં આવતી. એ પછી તેમને ડિપ્લૉમા પણ આપવામાં આવતો.
જોકે, ભારતની પ્રસિદ્ધ કૉસ્મેટિક્સ બ્રાન્ડ લૅક્મેને તેનું નામ પેરિસની ગલીઓમાં મળ્યું હતું અને તેની પાછળ પણ એક રસપ્રદ ઘટના રહેલી છે.

લક્ષ્મીમાંથી લૅક્મે

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે તાતાના પ્રતિનિધિઓ ફ્રાન્સમાં હતા, ત્યારે તેમણે નવી બ્રાન્ડ માટે શું નામ રાખવું જોઈએ, તેના માટે સૂચનો માગ્યાં. એ સમયે ફ્રાન્સમાં 'લૅક્મે' નામથી ઑપેરા ખૂબજ ચર્ચિત હતું, જે લક્ષ્મી નામનું ફ્રૅન્ચ સ્વરૂપ હતું. તેમાં ફ્રૅન્ચ ઢોળવાળી ભારતીયતા હતી.
આ ફ્રૅન્ચ ઑપેરા 19મી સદીમાં આકાર લે છે. જેની વાર્તા નિલકંઠ નામના પૂજારી, તેમનાં દીકરી લક્ષ્મી, દાસી મલ્લિકા અને ફૅડરિક તથા ગૅરાલ્ડ નામના બે અંગ્રેજ સૈન્યઅધિકારીઓની આસપાસ આકાર લે છે.
એક વખત લક્ષ્મી અને તેની દાસી મલ્લિકા ફૂલ ચૂંટવા માટે નદીકિનારે જાય છે. લક્ષ્મી નહાવા માટે પાણીમાં ઊતરે છે, તે પહેલાં એક જગ્યાએ પોતાનાં ઘરેણાં ઊતારે છે. એ સમયે બે બ્રિટિશ સૈન્યઅધિકારી અને બે અંગ્રેજ યુવતીઓ ત્યાં પહોંચે છે.
લક્ષ્મીનાં ઘરેણાં જોઈને બ્રિટિશ યુવતીઓ તેના પર મોહિત થઈ જાય છે. આવા સમયે સૈન્યઅધિકારી ગૅરાલ્ડ એ ઘરેણાંના સ્કૅચ બનાવવા લાગે છે. એવા સમયે લક્ષ્મી અને મલ્લિકા પરત ફરે છે.
અચાનક જ એક અંગ્રેજને જોઈને લક્ષ્મીની ચીસ નીકળી જાય છે. ગૅરાલ્ડ જેમ-તેમ કરીને લક્ષ્મીને સમજાવી લે છે. એટલે જે લોકો બચાવ માટે આગળ આવ્યા હોય છે, તેમને લક્ષ્મી પરત મોકલી દે છે. બંને એકબીજાનાં પ્રેમમાં પડે છે.
દરમિયાન નિલકંઠને માલૂમ પડે છે કે એક અંગ્રેજઅધિકારી તેની દીકરીની નજીક પહોંચી ગયો હતો, ત્યારે તે વેર લેવાનું નક્કી કરે છે.
નિલકંઠ બજારમાં લક્ષ્મીને ગીત ગાવા કહે છે, જેને સાંભળીને ગૅરાલ્ડ આગળ આવે છે, તેને જોઈને લક્ષ્મી બેભાન થઈ જાય છે. એટલે નીલકંઠ ભેદ પામી જાય છે. તે અંગ્રેજ સૈન્યઅધિકારી ઉપર હુમલો કરી તેને ઘાયલ કરી દે છે.
લક્ષ્મી તેને જંગલમાં ગુપ્ત ઠેકાણે લઈ જાય છે અને તેની સારવાર કરે છે. ગૅરાલ્ડ ફરી સ્વસ્થ થાય છે. એક વખત લક્ષ્મી પવિત્રજળ લેવા જાય છે, જેથી કરીને બંને પ્રેમી વચ્ચેના જન્મજન્માંતરના કોલ મજબૂત થઈ જાય.
એવા સમયે અંગ્રેજ સૈન્યઅધિકારી ફૅડરિકનું પુનરાગમન થાય છે અને તે પોતાના સાથી ગૅરાલ્ડને તેની ફરજનું ભાન કરાવે છે. ગૅરાલ્ડ પણ તેની વાત સાથે સહમત થાય છે. પરત આવીને ગૅરાલ્ડના વર્તનમાં આવેલો ફેરફાર લક્ષ્મી અનુભવે છે.તે જાણી જાય છે કે તે પોતાના પ્રેમને ગુમાવી ચૂકી છે.
બદનામી સાથે જીવવા કરતાં મૃત્યુ સારું એમ વિચારી લક્ષ્મી ધતૂરો ખાઈને પોતાના પ્રાણ ત્યજી દે છે. આમ એક અંગ્રેજ સૈન્યઅધિકારી અને એ યુવતીના પ્રેમનો કરૂણ અંત આવે છે.
ઑપેરા ઉપરાંત લક્ષ્મીએ સમૃદ્ધિ અને સુંદરતાના પણ દેવી હોવાથી આ નામનું ફ્રૅન્ચ સ્વરૂપ 'લૅક્મે' બ્રાન્ડનેમ તરીકે સ્વીકારવામાં આવ્યું.

ટોમકોને રતનનું 'ટાટા'

ઇમેજ સ્રોત, Getty Images
આગળ જતાં દરબારી શેઠ નામના તાતા જૂથના શક્તિશાળી અધિકારીએ ટોમકોની કમાન સંભાળી. તેઓ તાતા કેમિકલ સાથે પણ સંકળાયેલા હતા એટલે એક રીતે જૂથમાં પરસ્પર સંકલનને વધુ સુગમ બનાવવાનો પણ પ્રયાસ હતો.
1980ના દાયકાની શરૂઆતમાં જ્યારે વૈજ્ઞાનિક હોમી શેઠના ઍટમિક ઍનર્જી કમિશનના વડાપદેથી નિવૃત્ત થયા, ત્યારે તેમના માટે ટોમકોનું અધ્યક્ષપદ છોડવા માટે દરબારી શેઠને કહેવામાં આવ્યું, ત્યારે તેમણે રાજીખુશીથી છોડી દીધું.
1991માં રતન તાતાએ તેમના પૂરોગામી જેઆરડી પાસેથી જૂથની કમાન સંભાળી. યુવાન રતન જૂથમાં વ્યાપક પરિવર્તન લાવવા માગતા હતા. એટલે તેમણે બોર્ડ ઑફ ડાયરેક્ટરમાં નિવૃત્તિની ઉંમરમર્યાદા લાગુ કરી. દરબારી શેઠ, અજીત કેરકર (તાતાનો હોટલ ઉદ્યોગ), રૂસી મોદી (તાતાનો સ્ટીલ ઉદ્યોગ) અને નાની પાલખીવાલા (સિમેન્ટ) જેવા વરિષ્ઠોએ તેની સામે બળવો પોકાર્યો.
જેઆરડીના સમયમાં તાતાની કંપનીઓ એકબીજાથી સ્વતંત્ર ઓળખ ધરાવતી હતી, અને જેહ તેમને કામ કરવાનો છૂટો દોર આપતા, જ્યારે રતન તાતા ઇચ્છતા હતા કે તમામ કંપનીઓ તાતા બ્રાન્ડ સાથે જોડાયેલી હોવી જોઈએ અને તેમની 'એકીકૃત ઓળખ' હોવી જોઈએ. આ સિવાય તેઓ કંપનીઓની માલિકીમાં તાતા સન્સનું પ્રભુત્વ વધારવા ઇચ્છતા હતા.
કંપનીનો શરાબનો ધંધો વેચી દેવામાં આવ્યો હતો. એ અરસામાં ટોમકોએ માર્ચ-1992માં 13 કરોડ રૂપિયા જેટલું નુકસાન નોંધાવ્યું હતું. રતન તાતાને લાગતું હતું કે ટોમકો સમય સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ રહી છે અને કમ્પ્યૂટરીકરણ, વિતરણવ્યવસ્થામાં આધુનિકીકરણ નથી લાવી તે સમય કરતાં 10 વર્ષ પાછળ છે.
આગળ જતાં રતન તાતા ટેટલી, જેગ્યુઆર, લૅન્ડ રોવર, દેવૂ અને કોરસ જેવા મહત્ત્વપૂર્ણ વિદેશી અધિગ્રહણ કરવાના હતા.
1993માં ટોમકોને તેની હરીફ કંપની હિંદુસ્તાન લિવર (હાલનું હિંદુસ્તાન યુનિલિવર) સાથે રૂ. 400 કરોડની અવેજમાં મર્જ કરી દેવામાં આવી. ટોમકોના શૅરધારકોને પોતાના હિસ્સાની સાટે એચયુએલના લગભગ એક ટકા જેટલા શૅર મળ્યા હતા.
1996માં લૅક્મે અને હિંદુસ્તાન લિવરની વચ્ચે 50 : 50 ભાગીદારીથી સંયુક્ત સાહસ સ્થાપવામાં આવ્યું. એ પછી 1998માં આ એકમ હિંદુસ્તાન લિવરને વેંચી દેવામાં આવ્યું. અગાઉ પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલ તથા અન્ય એક પારસી ઉદ્યોગગૃહ ગોદરેજે પણ આવું જ કંઇક કર્યું હોવાથી બજારને આ મુદ્દે આશ્ચર્ય થયું ન હતું.
વેચાણમાંથી આવેલા પૈસા રિટેઇલિંગ એકમ ટ્રૅન્ટમાં લગાડવામાં આવ્યા. જે આજે સ્ટાર બજાર, વેસ્ટસાઇડ અને ઝુડિયો જેવી શ્રૃંખલાઓનું સંચાલન કરે છે. જેના નૉન-ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન રતનના સાવકા ભાઈ નોએલ છે.
આજે લૅક્મે હિંદુસ્તાન યુનિલિવરની એક હજાર કરોડ કરતાં વધુની બ્રાન્ડ્સમાં સામેલ છે. કંપની લિપસ્ટિક, કાજલ, આઈ શૅડો, મેકઅપ, નેલ કલર, ફૅસમાસ્ક, સનસ્ક્રીન લૉશન સહિતની પ્રૉડક્ટ્સ બનાવે છે. દરવર્ષે ફૅશન વિક સ્પૉન્સર કરે છે, જે તેની આગવી ઓળખ છે.
સ્યુગર કૉસ્મેટિક્સનાં વિનિતા સિંહનું કહેવું છે કે, ભારતીય મહિલાઓને તેમના સ્કિનટૉન અને વાતાવરણને અનુરૂપ લિપસ્ટિક અને મેકઅપ મળે એ કંપનીની સ્થાપના પાછળનો તેમનો હેતુ હતો.
વેસ્ટસાઇડના નોએલ સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે, કંપની ભવિષ્યમાં કૉસ્મેટિક્સનાં ક્ષેત્રમાં ઝંપલાવશે અને ફૂટવૅરથી લઈને અંડરવૅર પર ધ્યાન કેન્દ્રિત કરશે. માતા સિમોનની જેમ નોએલ આ બ્રાન્ડને સફળતાના શિખરો સુધી લઈ જઈ શકે છે કે કેમ તેના ઉપર બજારનિષ્ણાતોની મીટ રહેશે.














