મેઘજી પેથરાજ : પગપાળા ચાલતા એ ગુજરાતી 'ભામાશા', જેમણે કરોડોનાં દાન કર્યાં

મેઘજી પેથરાજ શાહ
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 1919ના એક દિવસે મુંબઈ બંદરેથી કેન્યા માટે ઊપડી રહેલા એક જહાજમાં એક 15 વર્ષીય મહત્ત્વકાંક્ષી કિશોર પ્રવાસ કરવાનો હતો.

કિશોરના ગરીબ પરિવારે નાનકડા ગામડામાં દીકરાની પ્રતિભા એળે ન જાય એ હેતુથી પ્રવાસ માટે જરૂરી ભાડાની રકમ પણ મહામહેનતે ભેગી કરી લીધી.

પરંતુ કરમની કઠણાઈને કારણે કિશોર પરિવારની અપેક્ષા પૂરી કરવા માટે ઇસ્ટ આફ્રિકા જવા માટેનો તેનો પ્રવાસ શરૂ કરે એ પહેલાં જ સ્ટીમશિપની ટિકિટ, પાસપોર્ટ અને પેટી ચોરાઈ ગયાં.

કેન્યા જઈને પરિવારની ગરીબાઈ દૂર કરવાની આ કિશોરના સપનાની ઉડાણ શરૂ થતાં પહેલાં જ થંભી ગઈ.

અણધારી આ વિપત્તીને કારણે નિરાશ થયેલા કિશોરને પોતાના પરિવાર પાસે પરત જવા કરતાં મુંબઈમાં જ ભૂલા પડી જવાનો પણ વિચાર આવી ગયો.

એ સમયે એ વાતનો વિચાર સુધ્ધાં ન આવી શકે કે કિશોરાવસ્થામાં આવી પડેલી વિપત્તી અને વિદેશ જઈ પરિવારને ગરીબાઈમાંથી ઉગારવાનું સપનું ભાંગી જવાથી થોડા સમય માટે હિંમત ગુમાવી બેસેલ આ કિશોર એક દિવસ ‘સૌરાષ્ટ્રના ભામાશા’ કહેવાશે.

15 સપ્ટેમ્બર 1904ના રોજ જામનગરના ડબાસંગ ગામમાં એક ગરીબ જૈન પરિવારમાં મેઘજી પેથરાજ શાહનો જન્મ થયો હતો.

ચાર ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના સંતાન મેઘજીએ પોતાની સાહસવૃત્તિ વડે ધંધા-વ્યવસાયમાં સફળતા મેળવી પોતાના જીવનકાળ દરમિયાન એવી તો દાન સરવાણી રેલાવી હતી કે સૌરાષ્ટ્ર, તેની આસપાસના વિસ્તારો તેમજ ઇસ્ટ આફ્રિકામાં સંખ્યાબંધ શાળા, હૉસ્ટેલ, હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજો સ્થાપી માનવસેવાનું અદ્વિતીય ઉદાહરણ રજૂ કરી દીધું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આજ દિન સુધી તેમના દાનકર્મના બળે સ્થપાયેલી સંસ્થાઓ સેવાપ્રવૃત્તિ થકી અસંખ્ય લોકોનાં જીવનમાં બદલાવ લાવી રહી છે.

એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે જો મેઘજીભાઈએ મુક્ત મને પોતાની સંપત્તિના ભંડાર જન્મભૂમિ અને કર્મભૂમિની સેવા માટે ખુલ્લા ન મૂક્યા હોત તો આ ક્ષેત્રોના લાખો લોકોનાં જીવનમાં આમૂલ પરિવર્તન ન આવી શક્યું હોત.

30 જુલાઈ 1964ના રોજ લંડન ખાતે તેમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા પહેલાં પોતાના જીવનકાળ દરમિયાન ભારત અને ઇસ્ટ આફ્રિકામાં હૉસ્પિટલો-સ્કૂલોની સ્થાપના અને અન્ય દાનકર્મ માટે તેમના ટ્રસ્ટ થકી મેઘજીભાઈએ એ સમયે દસ લાખ પાઉન્ડ કરતાં પણ વધુ રકમ ખર્ચી નાખી હતી.

સૌરાષ્ટ્રની પ્રથમ મેડિકલ કૉલેજથી માંડીને સૌરાષ્ટ્રમાં કૉમર્સ અને કાયદાના અભ્યાસ માટે કૉલેજ સ્થાપવા માટે પણ તેમણે ખુલ્લા મને દાન કર્યું હતું.

પોતાના દાનકર્મથી આમ-ખાસ સૌને આંજી નાખનારા સૌરાષ્ટ્રના આ ‘પનોતા પુત્ર’નું જીવન એક ગરીબ પરિવારમાંથી આવતી વ્યક્તિના નિર્ધાર થકી સફળતાની ઊંચાઈઓ આંબવાની સફર બયાન કરે છે.

પોતાના વતન અને અન્યત્રે લોકોનાં જીવનમાં પરિવર્તન લાવવાના એકલ ઉદ્દેશ સાથે મેઘજીભાઈએ નિ:સ્વાર્થભાવે કરેલ દાનકર્મની કદર કરતાં જામનગરના જામ સાહેબ અને સૌરાષ્ટ્રના તત્કાલીન રાજપ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ તેમને ‘જગડુશા’ તરીકે બિરદાવ્યા હતા.

તેમજ મેઘજીભાઈની સમાજકાર્યની ભાવનાથી પ્રભાવિત સામાન્ય લોકો તેમને ‘ભામાશા’ તરીકે પણ ઓળખાવતા.

ગ્રે લાઇન

‘અસાધારણ પ્રતિભાના ધરાવતા મેઘજી માત્ર 11 વર્ષે બન્યા શિક્ષક’

મેઘજીભાઈની જીવનકથા ‘મેઘજી પેથરાજ શાહ હિસ લાઇફ ઍન્ડ અચિવમૅન્ટ્સ’માં નોંધાયા અનુસાર તેમના પરિવાર પાસે ડબાસંગ ગામે થોડી જમીન અને એક નાનકડી દુકાન હતી.

ગરીબાઈ છતાં પિતા પેથરાજ જેઠા અને માતા રાણીબાઈ તેમનાં બાળકોને તેમની શક્તિ પ્રમાણે શિક્ષણ અપાવવા માટે તત્પર હતાં.

શિક્ષણ ઉપરાંત માતાપિતા વેપાર-ધંધાક્ષેત્રે પણ તેમને તૈયાર કરવાની ઇચ્છા ધરાવતાં હતાં.

ગામની નાનકડી શાળામાં પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ મેઘજી કુટુંબની આર્થિક સ્થિતિને કારણે આગળ ભણી શક્યા નહીં.

પરંતુ શાળાભ્યાસ દરમિયાન તેમણે તેમની અસાધારણ પ્રતિભાનો પરચો આપ્યો.

તેમની ગજબ યાદશક્તિ અને ગાણિતિક કોયડા ઉકેલવાની તેમની કાબેલિયત તેમને કારકિર્દીમાં આગળ ખૂબ જ મદદરૂપ થવાની હતી.

અભ્યાસ અધવચ્ચે છૂટી ગયા બાદ ગામની એ જ શાળામાં એક શિક્ષકનું પદ ખાલી પડ્યું.

મેઘજીભાઈ સૌથી પ્રતિભાવાન વિદ્યાર્થી હોઈ શિક્ષકોએ શિક્ષકની ખાલી પડેલી જગ્યા માટે તેમનું નામ સૂચવ્યું.

ગામના વડીલોએ પણ આ વાતને ટેકો આપ્યો અને માત્ર 11 વર્ષની ઉંમરે મેઘજીભાઈએ આઠ રૂપિયાના માસિક પગારે શિક્ષક તરીકે પોતાની પહેલી નોકરીની શરૂઆત કરી.

અત્યારે અજુગતી લાગતી આ વાત મેઘજીભાઈ અને તેમના પરિવાર માટે એક અસાધારણ સિદ્ધિ સમાન હતી.

ઉપરાંત એ સમયે ગામમાં અને સમાજમાં શિક્ષકને ખૂબ માનપાન મળતાં. નોકરી લાગ્યા બાદ મેઘજીભાઈનું ભવિષ્ય સ્થિર લાગી રહ્યું હતું.

પરંતુ મેઘજીભાઈની પ્રતિભા તેમને નોકરી સુધી સીમિત રહેવા દેવાની નહોતી.

આ જ અરસામાં એ સમયના સામાન્ય રિવાજો અનુસાર 1918માં 14 વર્ષની ઉંમરે મોંઘીબાઈ સાથે તેમનાં લગ્ન થયાં.

આગળ જણાવ્યું એમ મેઘજીભાઈની મહત્ત્વકાંક્ષા તેમને એક સ્કૂલમાસ્તર બનીને જીવન પસાર કરવા સુધી સીમિત નહોતી રહેવા દેવાની. આ હોદ્દા સાથે માનમોભો જોડાયેલાં હોવા છતાં તેમની મહેચ્છા તો પુસ્તકોમાં વાંચેલા વિશ્વને નજરોનજર જોવાની હતી.

પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે પરિશ્રમ કરવાનું ઠરાવ્યું હતું અને તેઓ જાણતા હતા કે આ બધી તકો તેમની ડબાસંગમાં નહીં મળે.

બીજા વિશ્વયુદ્ધના અંત બાદ સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાંથી ઘણા ઉદ્યોગસાહસિકો અને ધંધાર્થીઓએ સારી તકની આશામાં ઇસ્ટ આફ્રિકા તરફ પ્રયાણ કરવાની શરૂઆત કરી હતી.

આ પૈકી ઘણા લોકો સમૃદ્ધ પણ થયા હતા.

આ તક જોઈ મેઘજીભાઈએ પણ પોતાનાં માતાપિતા સમક્ષ કારકિર્દી ઘડવા ઇસ્ટ આફ્રિકા જવાની વાત મૂકી.

કોઈ પણ 15 વર્ષીય કિશોરનાં માતાપિતાની જેમ શરૂઆતમાં મેઘજીભાઈનાં માતાપિતાને પણ શરૂઆતમાં સંકોચ થયો.

પરંતુ તેમને એ વાતનો પણ ખ્યાલ હતો કે તેમના પુત્રની પ્રતિભા સાથે ગામડાનું વાતાવરણ તો ન્યાય નહીં જ કરી શકે.

પાછળથી તેમને પણ પરદેશ જઈને પુત્રની કાબેલિયત મુજબ કારકિર્દી ઘડવાની તક અંગે સમજાયું અને પરિવારે તેમને આફ્રિકા જવાની પરવાનગી આપી દીધી.

કેન્યા જવાના પ્રથમ પ્રયાસમાં નસીબ આડું આવતાં બીજા પ્રયાસે મેઘજીભાઈ સફળ થઈ શક્યા.

અને શરૂઆત મહેનતથી સિંચાયેલી સફળતાની કહાણીની.

ગ્રે લાઇન

કેન્યામાં વેપારક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા

મેઘજી પેથરાજ શાહ

કેન્યા પહોંચતાં જ મેઘજીભાઈને નોકરી મળી જશે એવું વચન અપાયું હતું.

તેમના એક સંબંધીએ મોમ્બાસાની કાનજી મેપા ઍન્ડ કંપનીમાં તેમની નોકરી પહેલાંથી જ પાકી કરાવી દીધી હતી.

તેમણે રહેવા-જમવાની સુવિધા સાથે 250 રૂપિયા પ્રતિ વર્ષના પગારે ઍકાઉન્ટન્ટ તરીકે નોકરીની શરૂઆત કરી.

મેઘજીભાઈ પાસે આ કામનો કોઈ અનુભવ નહોતો પરંતુ તેઓ મહેનતુ અને કાબેલ હતા.

સામાન્ય કરતાં વધુ કલાકો સુધી કામ માગી લેનાર આ નોકરીમાં તેમણે ખંતપૂર્વક કામ કર્યું. થોડા સમયમાં તો તેઓ પોતાના કામમાં પારંગત બની ગયા.

તેમના કામથી કંપનીના માલિકો ઘણા રાજી હતા. મેઘજીભાઈની પ્રામાણિકતા જોઈને કંપનીના માલિકોએ માત્ર બે જ વર્ષમાં તેમનો પગાર વધારીને વાર્ષિક 1,500 રૂપિયા કરી દીધો.

મેઘજીભાઈ જે પેઢી સાથે જોડાયેલા હતા તેની સ્થાનિક સ્તરે સારી શાખ હતી. તેઓ પોતાના કામથી અને પોતાના માલિકોની દરિયાદિલીથી ખૂબ જ ખુશ હતા.

તેમ છતાં મેઘજીભાઈ તો ધંધાર્થી તરીકે પોતાનું નામ કાઢવાના ઉદ્દેશને લઈને આગળ વધી રહ્યા હતા.

આ દરમિયાન તેમને લાગ્યું કે આ પેઢી સાથે અઢી વર્ષનો અનુભવ પોતાનું સાહસ શરૂ કરવા માટે પૂરતો હતો.

વર્ષ 1922માં તેઓ નૈરોબી સ્થાયી થયા.

ત્યાં તેમણે પ્રેમચંદ દોશી સાથે મળીને સ્વતંત્ર વેપારની શરૂઆત કરી. તેઓ મોમ્બાસાથી બાસ્કેટ અને અન્ય વસ્તુઓ મગાવી અને નૈરોબીમાં ખૂબ જ નજીવા નફા સાથે વેચતા.

થોડા સમય બાદ મેઘજીભાઈની યોજના અનુસરીને ત્રણેય ભાઈઓ, રાયચંદભાઈ, મેઘજીભાઈ અને વાઘજીભાઈએ એક સાથે તારીખ એક સપ્ટેમ્બર 1922ના રોજ રાયચંદ બ્રધર્સ નામે એક નવા સ્વતંત્ર બિઝનેસની શરૂઆત કરી.

આ બિઝનેસ શરૂ કરવા માટે મેઘજીભાઈની શાખ પર સ્થાનિક સ્તરેથી 185 રૂપિયાની મૂડી એકત્રિત કરાઈ હતી.

આ પેઢી ઘરગથ્થુ વસ્તુઓ જથ્થાબંધ ભાવે ખરીદીને વેચાણનું કામ કરતી. આના માટે પગપાળા મેઘજીભાઈ ઘરે ઘરે ફરતા.

જોકે, બાદમાં તેઓ ડૉર ટુ ડૉર વેચાણ માટે સાઇકલનો ઉપયોગ કરતા.

મેઘજીભાઈ પાસે ધંધા અને નોકરી બંનેનો અનુભવ હતો, તેથી તેમની યોજના અનુસાર આ પેઢીએ સ્થાનિક જૂના બજાર ખાતે એક દુકાન ખોલી.

પતરાંની આ દુકાનમાં પાછળની બાજુએ રહેવા માટેની બૅઝિક સુવિધાઓ પણ રખાઈ હતી.

અહીં તેઓ જાતભાતની વસ્તુઓ વેચતા પરંતુ તેમનું સૌથી સફળ સાહસ એ હેર ઑઇલના ઉત્પાદનનું સાબિત થયેલું.

હેર ઑઇલના ઉત્પાદન માટેની પ્રક્રિયા તેમની દુકાનના પાછળના ભાગે જ હાથ ધરાતી.

‘દુનિયા’ બ્રાન્ડ નેમ હેઠળ માત્ર 50 સેન્ટ કિંમતે હેર ઑઇલની બૉટલોનું વેચાણ શરૂ કરાયું.

વેચાણની સાથોસાથ પેઢી અન્ય વેપારીઓને પણ પોતાની પેદાશ સપ્લાય કરતી.

આ ધંધા સાથે તેમના વેપારી સામ્રાજ્યનો પાયો નખાયો.

વર્ષ 1926માં રાયચંદ બ્રધર્સે ટ્રાન્સપૉર્ટ બિઝનેસમાં પણ ઝંપલાવ્યું.

ભાઈઓની એકતા સાથે મેઘજીભાઈનું કૌશલ્ય અને મહેનત સોનામાં સુગંધ સમાન સાબિત થઈ રહ્યું હતું, તેમની શાખમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હતો.

બિઝનેસમાં સ્થિરતા હાંસલ કર્યા બાદ મેઘજીભાઈ તેમનાં પત્નીને પણ કેન્યા લઈ આવ્યાં.

પરંતુ 1930માં માંદગીને કારણે મોંઘીબાઈનું અવસાન થયું. હવે મેઘજીભાઈ પાસે મોંઘીબાઈની યાદ સ્વરૂપે દીકરી સુશીલા જ હતી.

વ્યક્તિગત જીવનમાં ખોટ છતાં ટોચના ધંધાર્થી બનવાના સ્વપ્ન સાથે મેઘજીભાઈએ શરૂ કરેલી સફર અવિરત આગળ વધતી રહી.

વર્ષ 1929માં તેમણે કેટલાક અન્ય પાર્ટનરો સાથે મળીને દસ હજાર પાઉન્ડની મસમોટી મૂડી સાથે પ્રેમચંદ રાયચંદ ઍન્ડ કંપનીની શરૂઆત કરી.

મેઘજીભાઈ ખૂબ નાની ઉંમરે ઘણા બધા ઉદ્યોગો અને સાહસોમાં સંકળાયેલા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 50 કરતાં વધુ કંપનીઓ સ્થાપી હતી.

વર્ષ 1930માં પ્રેમચંદ રાયચંદ ઍન્ડ કંપનીના નેજા હેઠળ મેઘજીભાઈની યોજના અનુસાર કેન્યા ઍલ્યુમિનિયમ વર્ક્સ લિમિટેડની સ્થાપના કરાઈ.

અમુક સમય સુધી તેમની પેઢી પેટ્રોલિયમ પેદાશોની આયાત અને રૂના ઉત્પાદન સાથે પણ સંકળાઈ, જેમાં પેઢીને સારો એવો લાભ પણ થયો હતો.

પ્રેમચંદ રાયચંદની પેઢી દ્વારા કેન્યાના થિકા ગામ બહાર સ્થાનિક ઝાડની છાલના નિકાસનું કામ શરૂ કરાયું હતું.

મેઘજીભાઈને આ કામમાં નફાની વધુ શક્યતા દેખાઈ અને તેમણે સ્થાનિક સ્તરે જ ઝાડની છાલમાંથી ટેનિન કાઢવા માટેની ફેકટરી નાખવાનું વિચાર્યું. નોંધનીય છે કે એ સમયે ટેનિનની સારી એવી માગ હતી.

1932માં આ યોજનાનું અમલીકરણ શરૂ કરાયું. 1934માં ફેકટરીમાં ટેનિન ઉત્પાદનનું કામ પણ શરૂ થઈ ગયું. આ ઉદ્યોગ મેઘજીભાઈની કારકિર્દીમાં સૌથી સફળ સાહસ માનવામાં આવે છે.

મેઘજીભાઈ અને તેમના પાર્ટનરોએ સાથે મળીને આ ઉદ્યોગની સ્થાપના માટે 50 લાખ શિલિંગનું રોકાણ કર્યું હતું. જે તેમને ફળ્યું પણ ખરૂં.

થિકા ખાતેથી જ મેઘજી પેથરાજ શાહના દાનકર્મની પણ શરૂઆત થઈ હતી. અહીં વર્ષ 1923માં તેમણે સ્થાનિક લોકો માટે એક પ્રાથમિક શાળાનું નિર્માણ કરાવ્યું હતું.

આ દરમિયાન વર્ષ 1931માં તેમણે મણિબહેન સાથે બીજાં લગ્ન કર્યાં. દંપતી ચાર દીકરી અને બે દીકરાનાં માતાપિતા બન્યાં હતાં.

વર્ષ 1936માં તેમના ગૃહનગર જામનગર ખાતે ભયાનક દુષ્કાળ પડ્યો. એ સમયે તેમણે અસરગ્રસ્તોને મદદ માટે દાન એકઠું કરવાના આશયથી ફાળો એકઠો કરવાનું શરૂ કર્યું. તેમણે જાતે પણ આ ફંડમાં માતબર રકમનું દાન કર્યું.

1943ના બંગાળના દુષ્કાળ વખતે તેઓ નૈરૌબી ખાતે દુષ્કાળ રિલીફ ફંડના ટ્રેઝરર રહ્યા.

આ દરમિયાન તેઓ સક્રિયપણે ફંડ એકઠું કરવા માટે લોકોનો સંપર્ક કરતા અને તેમને પ્રેરિત કરતા. મેઘજીભાઈએ ઉદાહરણ પૂરું પાડવા જાતે આ હેતુ માટે બીજા નંબરનું સૌથી મોટું દાન આપ્યું.

વર્ષ 1953ના અંત ભાગ સુધી તેમણે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. માત્ર 49 વર્ષની ઉંમરે તેમની કંપનીઓનું કુલ મૂલ્ય એ સમયે 25 લાખ પાઉન્ડ જેટલું હતું.

પરંતુ પ્રગતિ સાધી રહેલા વેપારમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર મેઘજીભાઈને અચાનક નહોતો આવ્યો.

તેઓ ઘણા સમયથી આ દિશામાં વિચારી રહ્યા હતા. પરંતુ તેમના જીવનમાં બનેલી એક ઘટનાએ આ નિર્ણયને વધુ નક્કર બનાવી દીધો.

વર્ષ 1948માં જ્યારે તેઓ બિઝનેસના કામથી બૉમ્બે જઈ રહ્યા હતા, એ સમયે તેમને તેમની ફ્લાઇટ દરમિયાન તેમણે અચાનક ટર્બ્યુલન્સની સ્થિતિનો સામનો કરવો પડ્યો.

વિમાનમાં સવાર અન્ય મુસાફરોની માફક તેઓ પણ ગભરાઈ ગયા. જોકે, આ ઘટના દુર્ઘટનામાં ન પરિણમી હોવા છતાં મેઘજીભાઈ આ અનુભવથી હચમચી ગયા હતા.

આ જ એ સમય હતો જ્યારે તેમના મનમાં જીવનમાં ખરા અર્થમાં પરિવર્તનને પ્રેરતાં કામ કરવા માટે વધુ ને વધુ દાનકર્મ કરવાનો વિચાર આવ્યો અને અંતિમ શ્વાસ સુધી તેઓ પોતાની જાત સાથે કરેલા વાયદાને નિભાવતા રહ્યા.

આ ઘટના બાદ તેમણે પોતાના પરિવારજનો સાથે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ સમાજકાર્યમાં સક્રિયપણે ભૂમિકા ભજવવા અંગેની પોતાની યોજનાની ચર્ચા કરી અને તેને અમલમાં પણ મૂકી.

બીબીસી ગુજરાતી

કેન્યાથી માંડીને ભારત સુધી રેલાવી દાન સરવાણી

મેઘજી પેથરાજ શાહ

કહેવાય છે કે એક સમયે કેન્યામાં એવી કોઈ જાહેર શાળા કે હૉસ્પિટલ નહોતી કે જેમાં મેઘજીભાઈએ દાન નહોતું કર્યું.

તેમની સંપત્તિની સાથોસાથ તેમનું દાનકર્મ પણ સતત વધતું ગયું.

વર્ષ 1949થી 1959 દરમિયાન તેમણે કેન્યાના યુવાનોને ભારતમાં શિક્ષણ હાંસલ કરવા માટે સ્કૉલરશિપો આપી. જેની પાછળ એ સમયે કુલ ચાર લાખ શિલિંગનો ખર્ચ થયો હતો.

નૈરોબી ખાતે તેમણે વર્ષ 1949માં મેઘજીભાઈ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ઉપરાંત મેઘજીભાઈએ કેન્યામાં 100 બેડની હૉસ્પિટલ બનાવવા માટે પણ દાન કર્યું હતું.

એમ. પી. શાહ હૉસ્પિટલની સ્થાપનાની સાથોસાથ તેમણે અન્ય પણ સામાજસેવા અને શિક્ષણને લગતા પ્રોજેક્ટો માટે કેન્યામાં દાન કર્યું.

જે દેશે તેમને અઢળક તકો, માન-સન્માન અને સંપત્તિ આપ્યાં એ ધરતીનું કરજ તેઓ ક્યારેય ન ભૂલ્યા. સાથે જ તેમણે પોતાની માતૃભૂમિની સેવા કરવામાં પણ બાકી ન રાખ્યું.

31 ડિસેમ્બર, 1948ના રોજ મેઘજીભાઈએ જામગર ખાતે મેઘજી પેથરાજ શાહ ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.

કાઠિયાવાડ (બાદમાં સૌરાષ્ટ્ર) એ સમયે ખેતી, ઉદ્યોગ અને શિક્ષણ એમ ઘણાં ક્ષેત્રે પડકારોનો સામનો કરી રહ્યું હતું. મેઘજીભાઈના ટ્રસ્ટે આ ક્ષેત્રમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સુવિધાઓ ઉપલબ્ધ કરવાના હેતુ સાથે કામ શરૂ કર્યું.

સૌરાષ્ટ્રના વિકાસ માટે મેઘજીભાઈએ આર્થિક મદદ કરવા એક નિયમ પાળ્યો હતો. તેમના નિયમ મુજબ આર્થિક મદદ મેળવનાર દરેક પ્રોજેક્ટમાં તેમની અને જાહેર તંત્રની ભાગીદારી હોવું જરૂરી હતું. કોઈ પણ સામાજિક કલ્યાણ માટેના કામ માટે તેમની ફૉર્મ્યુલા અનુસાર રાજ્ય અને તેઓ પોતે ખર્ચ ભોગવવાના હતા. ઉપરાંત તેમના ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટને સક્રિય રાખવા માટે સરકારી બાંયધરીનો પણ આગ્રહ રખાતો.

મેઘજીભાઈના ટ્રસ્ટે સૌરાષ્ટ્રની પ્રથમ મેડિકલ કૉલેજની સ્થાપના માટે 15 લાખ રૂપિયાની માતબર રકમનું દાન કર્યું હતું.

એ સમયે જામનગરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રહેલા જે. કે. ગોહેલે આ ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે,"ચર્ચા બાદ જ્યારે દાનની રકમ નક્કી થઈ એ પહેલાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ભારતમાં કોઈ વેપારી પોતાના મતલબ વગર એક પૈસાનો પણ દાન આપી શકે. પરંતુ આ બનાવ બાદ વેપારી સમાજ માટે મારા મનમાં માન જાગ્યું."

"મેઘજીભાઈએ જે વચનો આપ્યાં એ પાળ્યાં."

બાદમાં વર્ષ 1954માં મેઘજીભાઈના ટ્રસ્ટ દ્વારા 37 પ્રાથમિક શાળાઓ બાંધીને સરકારને સોંપવામાં આવી હતી.

આગામી સમયમાં છાત્રાલય, ટેકનિકલ સ્કૂલ, વધુ પ્રાથમિક શાળાઓ, હૉસ્પિટલો અને મૅટરનિટીહોમનું કામ શરૂ કરાયું.

વર્ષ 1955માં શ્રી એમ. પી. શાહ મેડિકલ કૉલેજના નિર્માણની શરૂઆત વખતે આપેલા પ્રવચનમાં મેઘજીભાઈની સાદગી અને સમાજસેવાની સાચી ભાવના પ્રકટ થાય છે.

તેમણે કહ્યું હતું, “રાષ્ટ્રના મૉડર્નાઇઝેશન માટે પ્રયત્ન કરવા એ સરકારની ફરજ છે. પરંતુ આ હેતુ જ્યાં સુધી બધા એક સાથે આ દિશામાં કામ નહીં કરે ત્યાં સુધી હાંસલ નહીં કરી શકાય. આ દાન એ દિશામાં મારી ફરજ બજાવવાનો એક પ્રયાસ છે. હું આ દાન આપીને કોઈના પર અહેસાન નથી કરી રહ્યો, હું માત્ર મારી ફરજ બજાવી રહ્યો છું.”

બાદમાં તેમણે જામનગરમાં ટ્યુબરક્યુલોસિસ ઍન્ડ ચેસ્ટ ડિસીઝ હૉસ્પિટલના નિર્માણ માટે ચાર લાખ રૂપિયાનું દાન કર્યું.

મેઘજીભાઈએ એ સમયે પોતાના દાનકર્મથી એવું તો ઉદાહરણ રજૂ કર્યું હતું કે બાદમાં ઘણી ખાનગી વ્યક્તિઓએ પણ આ સક્રિયપણે દાન કરીને સમાજસેવામાં ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું હતું.

વર્ષ 1961માં મેઘજીભાઈના દાનના બળે જામનગરમાં એમ. પી. શાહ મ્યુનિસિપલ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ લૉની સ્થાપના કરાઈ હતી. જે આજ દિન સુધી અસંખ્ય યુવાનોને શિક્ષણ થકી સ્વનિર્ભર બનાવવાની દિશામાં ભૂમિકા ભજવી ચૂકી છે.

ભાવનગર ખાતે મેઘજીભાઈના ચાર લાખ રૂપિયાની માતબર રકમના દાનથી શ્રી મેઘજી પેથરાજ શાહ લેપ્રસી સૅનેટોરિયમની સ્થાપના કરાઈ હતી.

ઉપરાંત જામનગર ખાતે 2,94,000 રૂપિયાના દાન વડે જરૂરિયાતમંદ સ્ત્રીઓ માટે કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહનું નિર્માણ કરાયું.

કડી ખાતે શ્રી એમ. પી. શાહ ઍજ્યુકેશન સોસાયટીની સ્થાપના માટે તેમણે સવા લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

જામનગર અને હાલાર પંથકમાં તેમણે આગળ પણ દાન કરવાનું ચાલુ રાખ્યું.

આ સિવાય મેઘજીભાઈએ રાજકોટ, સુરેન્દ્રનગરમાં શૈક્ષણિક અને આરોગ્ય સંબંધિત સંસ્થાઓ સ્થાપવા માટે મુક્ત મને પોતાના ભંડાર ખુલ્લા મૂકી દીધા.

માત્ર સૌરાષ્ટ્ર જ નહીં મેઘજીભાઈ ગુજરાતનાં અન્ય સ્થળોએ પણ પોતાની સમાજને પરત આપવાની ભાવના થકી જાહેર કલ્યાણ માટેની સંસ્થાઓના નિર્માણમાં મદદરૂપ થયા.

તેમના ટ્રસ્ટના દાન થકી અમદાવાદ ખાતે એમ. પી. શાહ કૅન્સર હૉસ્પિટલની સ્થાપના કરાઈ.

આમ માત્ર મેઘજીભાઈના જીવનકાળ દરમિયાન જ ટ્રસ્ટ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શૈક્ષણિક અને સામાજિક કાર્યો હાથ ધરવા એ સમયે એક કરોડ રૂપિયા કરતાં વધુ રકમ વાપરવામાં આવી હતી.

ઉપરાંત ઇસ્ટ આફ્રિકામાં પણ 50 લાખ રૂપિયાનું દાન કરાયું હતું. વર્ષ 1955માં મેઘજીભાઈની સમાજસેવાની ભાવનાની કદરરૂપે તેમની ગૃહરાજ્યમાંથી ભારતીય સંસદની રાજ્યસભામાં નિમણૂક કરાઈ હતી.

વર્ષ 1957માં તેઓ સહપરિવાર ઇંગ્લૅન્ડ સ્થાયી થઈ ગયા, જ્યાં જ થોડાં વર્ષો બાદ તેમનું નિધન થયું હતું.

જોકે, મેઘજીભાઈના નિધન બાદ પણ મેઘજી પેથરાજ પરિવારે સ્વદેશ અને અન્યત્રે સમાજસેવા કાજે પોતાના પરિવારની પરંપરા જાળવી દાનકર્મ ચાલુ રાખ્યું.

રેડ લાઇન
રેડ લાઇન