જ્યારે ભારતનાં પ્રથમ મહિલા પહેલવાન હમીદાબાનુએ જાહેર કર્યું ‘મને દંગલમાં હરાવશે એની સાથે જ પરણીશ’

ઇમેજ સ્રોત, FEROZ SHAIKH
- લેેખક, નિયાઝ ફારુકી
- પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી

ભારતમાં 1950ના દાયકામાં મહિલા કુસ્તી દુર્લભ હતી. એ વખતે 32 વર્ષનાં હમીદાબાનુએ પહેલવાનો સામે દિલચસ્પ પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે “મને દંગલમાં હરાવી શકે તે મારી સાથે પરણી શકે.”
આ પડકાર પછી તેમણે ફેબ્રુઆરી 1954માં બે પુરુષ કુસ્તી ચૅમ્પિયનને હરાવ્યા હતા. એ પૈકીના એક પટિયાલાના હતા અને બીજા કલકત્તાના હતા. એ જ વર્ષે મેમાં તેઓ ત્રીજો કુસ્તીજંગ લડવા વડોદરા પણ ગયાં હતાં.
તેમની એ મુલાકાતને કારણે શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. વડોદરાના મૂળ રહેવાસી અને પુરસ્કાર વિજેતા ખોખો ખેલાડી સુધીર પ્રભા એ વખતે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. હાલ 80 વર્ષના સુધીર પ્રભા તે પ્રસંગને યાદ કરતાં કહે છે, “કુસ્તી લડતા લોકો માટે હમીદા બહુ આકર્ષક હતાં. તેમના વિશે લોકોએ ખાસ કશું સાંભળ્યું ન હતું.”
કુસ્તીજંગ નિહાળવાની વ્યવસ્થા પ્રાચીન યુનાની શૈલીમાં કરવામાં આવી હતી, પરંતુ પ્રશંસકોની ઉત્સુકતા શાંત કરવામાં હમીદા બાનુને થોડી સેકન્ડ જ થઈ હતી.
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, “તે કુસ્તી માત્ર એક મિનિટ અને 34 સેકન્ડ જ ચાલી હતી. હમીદાએ તેમના પ્રતિસ્પર્ધીને ધૂળ ચાટતા કરી દીધા હતા અને રેફરીએ તે પુરુષ કુસ્તીબાજને હમીદા સાથે લગ્ન કરવા માટે ગેરલાયક જાહેર કર્યા હતા.”
હમીદા બાનો એ પછી ભારતનાં સૌપ્રથમ પ્રોફેશનલ મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં. કુસ્તી પુરુષોની જ રમત છે એવી પરંપરાગત ધારણાને તેમણે તોડી પાડી હતી.

‘અલીગઢનાં એમેઝોન’

ઇમેજ સ્રોત, FEROZ SHEIKH
હમીદાબાનુ સામાન્ય લોકોમાં એટલી હદે લોકપ્રિય બન્યાં હતાં કે તેમનું વજન, કદ અને ખાનપાન સમાચારોનો વિષય બન્યું હતું.
એ સમયના અહેવાલો મુજબ, હમીદા બાનુનું વજન 237 પાઉન્ડ હતું. તેમની ઉંચાઈ પાંચ ફૂટ, ત્રણ ઇંચ હતી. તેઓ દૈનિક આહારમાં 12 પાઉન્ડ દૂધ, 6 પાઉન્ડ સૂપ, 4 પિંટ ફળોનો રસ, એક ચિકન, બે પાઉન્ડ મટન, એક પાઉન્ડ માખણ, 6 ઇંડા, બે પાઉન્ડ બદામ, બે મોટી રોટલી અને બે પ્લેટ બિરયાની લેતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચારમાં જણાવ્યા મુજબ, તેઓ નવ કલાકની ઊંઘ લેતાં હતાં અને છ કલાક વ્યાયામ કરતાં હતાં.
તેઓ ‘અલીગઢનાં એમેઝોન’ તરીકે ઓળખાવા લાગ્યાં હતાં. તેઓ તેમના વતન મિર્ઝાપુરથી સલામ નામના એક પહેલવાન પાસે કુસ્તીની તાલીમ લેવા અલીગઢ ગયાં હતાં.
એક કોલમ લેખકે તેમને વખાણતાં 50ના દાયકામાં લખ્યું હતું કે અલીગઢનાં એમેઝોનની એક ઝલક તમારું કાળજું કંપાવવા માટે પૂરતી છે.
હમીદાબાનુના સંબંધીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે પ્રતિસ્પર્ધીઓની કમી ઉપરાંત સમાજની રૂઢિચુસ્તતાથી મજબૂર થઈને તેમણે અલીગઢ જવું પડ્યું હતું.

પુરુષ સાથે મહિલાની ટક્કર

ઇમેજ સ્રોત, SCREENGRAB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1950ના દાયકા સુધીમાં તેમની લોકપ્રિયતા ચરમ પર પહોંચી ગઈ હતી. 1954ની શરૂઆતમાં તેમણે, ત્યાં સુધીમાં રમેલી બધી 320 કુસ્તી જીતવાનો દાવો કર્યો હતો.
એ સમયના લખાણોમાં હમીદાબાનુની પ્રસિદ્ધિનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. પોતાનાં પાત્રોને શક્તિશાળી દર્શાવવા ઘણા લેખકોએ તેનો ઉપયોગ પ્રતીક તરીકે પણ કર્યો હતો.
વડોદરાના લોકો માટે આ બધુ ઉત્સુકતાભર્યું હતું. સુધીર પ્રભાના જણાવ્યા મુજબ, ભારતમાં કોઈ મહિલા પુરુષ સાથે સૌપ્રથમ વખત કુસ્તી લડવાની હતી અને એ વિશિષ્ટ બાબત હતી.
સુધીર પ્રભા કહે છે, “1954માં લોકો વધારે રૂઢિચુસ્ત હતા. જેના શહેરમાં આવવાની જાહેરાત ટ્રકો પર બેનર લગાવીને, મોટી ફિલ્મોની જાહેરાતની માફક કરવામાં આવે એવી કોઈ એવી કુસ્તીબાજ મહિલા હશે, એ માનવા જ લોકો તૈયાર ન હતા.”
એ સમયના અખબારી અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે કે હમીદાબાનુએ બાબા પહેલવાનને હરાવ્યા હતા. સુધીર પ્રભા કહે છે, “હમીદાબાનુ શરૂઆતમાં નાના ગામા પહેલવાન સાથે કુસ્તી લડવાનાં હતાં, એ મને બરાબર યાદ છે. તે પહેલવાનનું નામ લાહોરના પ્રસિદ્ધ ગામા પહેલવાનના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને છોટે ગામાને વડોદરાના મહારાજાના આશ્રિત હતા.”
જોકે, “હું કોઈ સ્ત્રી સાથે કુસ્તી નહીં લડું,” એમ કહીને છોટે ગામા પહેલવાને હમીદાબાનુ સાથે કુસ્તી લડવાનો છેલ્લી ઘડીએ ઇનકાર કર્યો હતો.
કેટલાક લોકો મહિલા સાથે કુસ્તી લડવાનું શરમજનક ગણતા હતા, જ્યારે બીજા કેટલાક માટે તે એક મહિલાને જાહેરમાં પડકારવાનું જ નહીં, પરંતુ તેને નિર્ણાયક રીતે હરાવવાનું સાહસ હતું.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, પૂણેમાં રામચંદ્ર સાળુંખે સાથેનો કુસ્તીજંગ સ્થાનિક લોકોના વિરોધને કારણે રદ્દ કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હમીદાબાનુએ સોમાસિંહ પંજાબી નામના એક પુરુષ પ્રતિસ્પર્ધીને હરાવ્યા ત્યારે કુસ્તી પ્રશંસકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ પણ બોલાવવી પડી હતી. લોકોએ તે કુસ્તીજંગને બનાવટી ગણાવ્યો હતો.
રણંજય સેને તેમના પુસ્તક ‘નેશન ઍટ પ્લેઃ એ હિસ્ટ્રી ઑફ સ્પૉર્ટ ઇન ઇન્ડિયા’માં લખ્યું છે કે “આવા કાર્યક્રમોમાં ખેલ અને મનોરંજન વચ્ચે સમાનતા હોવાનું એ હકીકત પરથી જાણવા મળે છે કે હમીદાબાનુની મૅચ પછી બે પુરુષ પહેલવાનો વચ્ચે કુસ્તી લડાઈ હતી. એ પૈકીનો એક લંગડો હતો અને બીજો અંધ હતો.”
જોકે, એ મૅચને મનોરંજન કે કદાચ મજાક ગણીને અટકાવવામાં આવી હતી, કારણ કે નેત્રહીન પહેલવાને દાંતમાં પીડા થતી હોવાની ફરિયાદ કરી હતી. તેને લીધે પ્રતિસ્પર્ધી ખેલાડી વિજેતા બન્યો હતો.
રણંજય સેનના જણાવ્યા મુજબ, પોતાના દંગલ પરના ‘પ્રતિબંધ’ સામે હમીદાબાનુએ આખરે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન મોરારજી દેસાઈને ફરિયાદ કરવી પડી હતી. અલબત, મોરારજી દેસાઈએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે “મૅચ પરનો પ્રતિબંધ જાતિ આધારિત ન હતો, પરંતુ આયોજકો વિરુદ્ધ અનેક ફરિયાદ મળવાને કારણે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.” એ ફરિયાદો હમીદાબાનુના કથિત પહેલવાન પ્રતિસ્પર્ધીઓ દ્વારા કરવામાં આવી હતી.

‘આ વાઘણને કોઈ પુરુષ પરાજિત નહીં કરી શકે’

ઇમેજ સ્રોત, SCREEN SHORT
હમીદાબાનુ સામે કુસ્તીમાં ડમી પહેલવાનો કે નબળા પ્રતિસ્પર્ધીનો ઉપયોગ કરવામાં આવે છે એવું ત્યારે વ્યાપકપણે માનવામાં આવતું હતું.
હમીદાબાનુની પ્રસિદ્ધિ વિશે વાત કરતા મહેશ્વર દયાલે તેમના 1987માં પ્રકાશિત પુસ્તક ‘આલમ મેં એકતા - દિલ્હી’માં લખ્યું હતું કે હમીદાબાનુ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પણ અનેક કુસ્તીજંગ લડ્યાં હતાં. એ મેચ નિહાળવા માટે અનેક લોકો દૂરદૂરથી આવતા હતા.
મહેશ્વર દયાલ લખે છે, “હમીદાબાનુ એકદમ પુરુષ કુસ્તીબાજોની જેમ જ લડતાં હતાં. જોકે, કેટલાક લોકો એવું કહેતા હતા કે પુરુષ પહેલવાન અને હમીદાબાનુ વચ્ચે ગુપ્ત ગોઠવણ કરવામાં આવતી હતી. તેથી પુરુષ પહેલવાનો તેમની સામે જાણી જોઈને હારી જતા હતા.”
જોકે, અનેક પુરુષ લેખકોએ હમીદાબાનુની સિદ્ધિની મજાક ઉડાવી છે અથવા તેની સામે સવાલ કર્યા છે.
નારીવાદી લેખિકા કુર્તુલ એન હૈદરે પોતાની આત્મકથા ‘ડાલનવાલા’માં હમીદાબાનુનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે 1954માં મુંબઈમાં એક ભવ્ય અખિલ ભારતીય દંગલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હમીદાબાનુએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કુર્તુલ એન હૈદર લખે છે, “ફકીરા (તેમના કર્મચારી)ના જણાવ્યા મુજબ, આ વાઘણને કોઈ પુરુષ હરાવી શકે તેમ ન હતો. એ દંગલમાં પ્રોફેસર તારાબાઈ પણ જોરદાર કુસ્તી લડ્યાં હતાં. જાહેરાતમાં બન્ને કુસ્તીબાજ મહિલાઓના ફોટોગ્રાફ્સ છાપવામાં આવ્યા હતા. તેમણે ગંજી તથા ચડ્ડી પહેર્યાં હતાં અને ગળામાં અનેક મેડલ લટકાવીને કેમેરા સામે તાકતા હતાં.”
જોકે, આટલા વિખ્યાત દંગલ પછી હમીદાબાનુ અચાનક ગાયબ થઈ ગયાં હતાં. એ પછી તેમના નામનો ઉલ્લેખ માત્ર ઇતિહાસમાં જોવા મળે છે.

‘તેમને રોકવા માટે સલામ પહેલવાને લાકડીથી ફટકાર્યાં’

ઇમેજ સ્રોત, SCREEN SHORT
હમીદાબાનુ વિશે વધુ માહિતી મેળવવા મેં તેમના સગાં-સંબંધીની ભાળ મેળવી હતી, જેઓ હાલ દેશ તથા દુનિયાના વિવિધ ખૂણે વસે છે. તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે યુરોપ જવાની જાહેરાત હમીદાબાનુની કુસ્તી કારકિર્દીના પતનનું કારણ બની હતી.
હાલ સાઉદી અરેબિયામાં રહેતા તેમના પૌત્ર ફિરોઝ શેખ કહે છે, “મુંબઈમાં એક વિદેશી મહિલા તેમની સાથે કુસ્તી લડવા આવ્યાં હતાં. તેઓ મારાં દાદી સામે પરાજિત થયાં હતાં. એ મહિલા મારા દાદીને યુરોપ લઈ જવા ઇચ્છતાં હતાં, પરંતુ દાદીના કોચ સલામ પહેલવાનને તે વિચાર અસ્વીકાર્ય હતો.”
ફિરોઝ શેખના કહેવા મુજબ, “હમીદાબાનુને યુરોપ જતાં રોકવા માટે સલામ પહેલવાને લાકડીના ફટકા વડે તેમનો હાથ ભાંગી નાખ્યો હતો.”
ત્યાં સુધી એ બન્ને અલીગઢથી મુંબઈ અને કલ્યાણ વચ્ચે આવતાં-જતાં હતાં. ત્યાં તેમનો દૂધનો બિઝનેસ હતો.
કલ્યાણમાં એ વખતે રાહિલ ખાન હમીદાબાનુના પાડોશી હતા. હાલ ઑસ્ટ્રેલિયામાં રહેતા રાહિલ ખાનને પણ હમીદાબાનુ સાથે કરવામાં આવેલી હિંસાની ઘટના યાદ છે.
તેમના જણાવ્યા મુજબ, “સલામ પહેલવાને વાસ્તવમાં હમીદાબાનુના પગ ભાંગી નાખ્યા હતા. મને બહુ સારી રીતે યાદ છે કે હમીદાબાનુ ઊભા રહી શકતાં ન હતાં. પગ સાજા થઈ ગયા પછી પણ તેઓ વર્ષો સુધી લાકડીના સહારે જ ચાલતાં હતાં.”
બન્ને વચ્ચેના ઝઘડા સામાન્ય બાબત બની ગયા હતા. સલામ પહેલવાન અલીગઢ પાછા ચાલ્યા ગયા હતા, પરંતુ હમીદાબાનુ કલ્યાણમાં જ રોકાઈ ગયાં હતાં.
રાહિલ કહે છે, “1977માં સલામ પહેલવાન કલ્યાણમાં યોજાયેલા હમીદાબાનુના પૌત્રનાં લગ્નમાં આવ્યા ત્યારે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. બન્ને પક્ષના લોકો લાકડીઓ લઈને નીકળી પડ્યા હતા.”
સલામ પહેલવાનનો ઘણો પ્રભાવ હતો. તેમના સંબંધીઓના જણાવ્યા મુજબ, સલામને રાજકીય નેતાઓ તથા ફિલ્મસ્ટાર્સ સાથે ગાઢ સંબંધ હતો અને તેઓ પોતે નવાબની જેમ રહેતા હતા.
ફિરોઝના જણાવ્યા મુજબ, સલામ પહેલવાને હમીદા બાનોના મેડલ્સ તથા અન્ય સામાન વેચી માર્યો હતો. તેને લીધે હમીદાબાનુનો આવકનો સ્રોત બંધ થતા તેમની પરિસ્થિતિ વિકટ બની હતી.

હમીદાબાનુએ કોઈની સાથે લગ્ન કર્યાં કે નહીં?
હમીદાબાનુ કલ્યાણમાં જે વિસ્તારમાં રહેતાં હતાં એ બહુ મોટો હતો. તેમાં મોટો ઢોરવાડો અને ગેરકાયદે બાંધવામાં આવેલી અનેક ઇમારતો હતી. એ તેમણે ભાડે આપી હતી, પરંતુ ભાડાંમાં લાંબો સમય વધારો ન થવાને કારણે ભાડાંની નાની આવક અર્થહીન બની ગઈ હતી.
રાહિલના જણાવ્યા મુજબ, તેમના માતા-પિતા ભણેલાં-ગણેલાં હતાં. તેથી હમીદા તેમને મળવા વારંવાર આવતાં હતાં. રાહિલના અમ્મી ફિરોઝ તથા તેમના ભાઈ-બહેનોને અંગ્રેજી ભણાવતાં હતાં.
રાહિલ કહે છે, “સલામ સાથે ઝઘડો થાય ત્યારે સલામત રહેવા હમીદાબાનુ મારી અમ્મી પાસે આવી જતાં હતાં.”
રાહિલના કહેવા મુજબ, હમીદાબાનુના જીવનના અંતિમ દિવસો બહુ મુશ્કેલીભર્યા હતા. તેઓ કલ્યાણમાં તેમના ઘરની સામેના ખુલ્લા મેદાનમાં બુંદી વેચતાં હતાં.
હમીદાબાનુએ તેમનાં સંતાનોને અલીગઢ કે મિર્ઝાપુર જવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ અલીગઢમાં રહેતા સલામ પહેલવાનની પુત્રી સહારાએ મને જણાવ્યું હતું કે મારા પિતા મૃત્યુશૈયા પર હતા ત્યારે હમીદાબાનુ તેમને મળવા આવ્યાં હતાં. એ પછી તેઓ અલીગઢ પાછા ફર્યાં હતાં.
જોકે, મિર્ઝાપુરમાં હમીદાના સંબંધીઓ આ બાબતે વાત કરતા શરમાતા હતા, પરંતુ અલીગઢમાં સલામ પહેલવાનના સંબંધીઓ સાથે વાતચીત દરમિયાન એક મહત્ત્વપૂર્ણ માહિતી મળી હતી. તેમણે દાવો કર્યો છે કે હમીદાબાનુએ આઝાદી પહેલાં સલામ પહેલવાન સાથે ખરેખર લગ્ન કર્યાં હતાં.
પરંતુ હમીદાબાનુના વિષય પર જ્યારે સલામ પહેલવાનનાં પુત્રી સહારાએ ફોન પર વાત કરી, ત્યારે તેઓ હમીદાબાનુને પોતાનાં માતા કહેતાં શરમાતાં હતાં.
આ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હમીદા તેમનાં સાવકી માતા છે. તેમનો દાવો છે કે હમીદાબાનુ અને સલામ પહેલવાનનાં લગ્ન થયાં હતાં.
સહારાએ જણાવ્યું હતું કે, હમીદાબાનુનાં માતા-પિતા તેમના પુરુષોની રમત એટલે કે કુસ્તી રમવાની વિરુદ્ધ હતાં. એ દરમિયાન સલામ પહેલવાન તેમના શહેરના પ્રવાસે ગયા હતા, જેના કારણે તેને બહાર નીકળવાની તક મળી હતી.
સહારા કહે છે કે, “વાલિદસાહેબ કુસ્તી માટે મિર્ઝાપુર ગયા હતા. ત્યાં તેમની મુલાકાત હમીદા સાથે થઈ અને તેઓ તેમને અહીં અલીગઢ લઈ આવ્યા હતા.”
“તેમને મદદ જોઈતી હતી. તેઓ મારા પિતાની મદદથી કુસ્તી કરતાં હતાં અને તેઓ તેમની સાથે રહેતા હતા.”
જોકે, હમીદાબાનુ અને સલામ પહેલવાન પોતે તેમના સંબંધોનું સત્ય વધુ સારી રીતે કહી શકત, પરંતુ હમીદાના પૌત્ર ફિરોઝ સહારા અને અન્ય સંબંધીઓ સાથે સહમત નથી. ફિરોઝ હમીદાબાનુના અંતિમ દિવસો સુધી તેમની સાથે હતા. ફિરોઝ કહે છે, “તેઓ ચોક્કસપણે સલામ પહેલવાન સાથે રહેતાં હતાં, પરંતુ તેમની સાથે લગ્ન કર્યાં ન હતાં.”
તેઓ તેમનાં દાદી હમીદાબાનુના સંબંધ વિશે જણાવે છે, “ખરેખર દાદીએ મારા પિતાને દત્તક લીધા હતા, પરંતુ મારા માટે તો તેઓ મારાં દાદી છે.” હમીદાબાનુ અને સલામ પહેલવાનના પરિવારના સભ્યોના અલગ-અલગ દાવાઓ છતાં તેમના અંગત સંબંધોની વિગતો આજે મહત્ત્વની નથી, પરંતુ એ વાત લગભગ નિશ્ચિત છે કે ‘કોઈ માઈનો લાલ પેદા’ થયો નથી, જે ‘એ સિંહની બાળકી’ ને જીવનભર કુસ્તીમાં હરાવી શકે.














