મુનાફ પટેલ : ટીમ ઇન્ડિયાના ઇખર એક્સપ્રેસ જેમની કારકિર્દી રાતોરાત ચમકી પણ ‘શ્રેષ્ઠ’ બૉલરોમાં સ્થાન ન મેળવી શક્યા

ઇમેજ સ્રોત, Getty Images
1983માં કપિલ દેવની આગવાની હેઠળ ભારતે વર્લ્ડકપ જીત્યો તે બાદ ભારતીય ક્રિકેટમાં ઘણા પરિવર્તન આવ્યા અને ભારતીય ક્રિકેટ સમૃદ્ધ બનતું ગયું.
માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ ક્રિકેટની દૃષ્ટિએ પણ ભારતે ઘણી આગેકૂચ કરી.
એ અગાઉ ભારત પાસે આંગળીને વેઢે ગણી શકાય તેટલા ઝડપી બૉલર હતા, મધ્યમ ઝડપી બૉલરની વાત કરાય તો પણ ચાલે પરંતુ તે બાદ ભારતે સંખ્યાબંધ ઝડપી બૉલર આપ્યા અને જસપ્રીત બુમરાહ જેવા બૉલર તો અત્યારે વિશ્વના ટોચના બૉલરમાં સ્થાન પામે છે.
ભારતે 1983ની 25મી જૂને વર્લ્ડકપ જીત્યો તેના 15-17 દિવસ બાદ જન્મેલા મુનાફ પટેલને કદાચ એ વાતની ખબર પણ નહીં હોય કે ભારતની એ વખતની બૉલિંગની સ્થિતિ શું હતી પરંતુ એ ક્રિકેટ રમતા થયા ત્યારે તેમને ચોક્કસ ખ્યાલ આવ્યો હશે કે ભારતને ઝડપી બૉલરની ખરેખર જરૂર છે અને તેમણે ઝડપી બૉલિંગ પર હાથ અજમાવવાનો શરૂ કર્યો.
એ વખતે વડોદરામાં કિરણ મોરે એકૅડેમી અને ભારતના આ વિકેટકીપરના કોચિંગ સાથેસાથે ભરૂચમાં પણ વિવિધ એકૅડેમીમાં તાલીમ હાંસલ કરી રહેલા મુનાફ પટેલને ભારત માટે રમવાનું ઘેલું તો લાગ્યું હતું પરંતુ તેમને કદાચ એ વખતે કલ્પના નહીં હોય કે 1983ની સફળતાનું પુનરાવર્તન કરનારી ધોનીની 2011ની ભારતીય ટીમમાં તે રમતા પણ હશે.

રાતોરાત ચમક્યા મુનાફ
મુનાફ પટેલ મૂળ ભરૂચના અને તેઓ ગુજરાત માટે ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમવા માટે યોગ્યતા ધરાવતા હતા. તેઓ ગુજરાતની અંડર-25 ટીમમાંથી કિરાટ દામાણીની આગેવાની હેઠળ રમ્યા પણ હતા.
એ વખતે જ મુનાફની લોકપ્રિયતા વધી હતી અને તેમને ભવિષ્યના ભારતીય ઝડપી બૉલર તરીકે માનવામાં આવતા હતા તેમણે ગુજરાત બહારથી રમવાનો નિર્ણય લીધો.
એ વખતે મીડિયામાં પણ આ વિશે ઘણું લખાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન પાસેથી મંજૂરી માગી એ વખતે પણ શા માટે મંજૂરી આપવી જોઈએ તે અંગે ચર્ચા ચાલી હતી પરંતુ અંતે તેમને મંજૂરી મળી ગઈ અને મુનાફ મુંબઈ માટે રણજી ટ્રૉફી રમવા જતા રહ્યા.
અહીંથી તેમની કારકિર્દીને વેગ મળ્યો અને તેઓ છેક ભારતીય ટીમ અને વર્લ્ડકપ સુધી પહોંચી ગયા.
જોકે આ તો માર્ચ 2003ની વાત છે અને નવેમ્બરમાં તો તેઓ મુંબઈ માટે દિલ્હી સામે રણજી ટ્રૉફી પણ રમ્યા હતા પરંતુ એ દરમિયાન વચ્ચેના ગાળામાં તેઓ ચેન્નાઈમાં કેટલીક ટુર્નામેન્ટમાં રમ્યા અને રાતોરાત પ્રકાશમાં આવી ગયા.

ઇખર એક્સપ્રેસ મુનાફ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑક્ટોબર 2003માં ભારતના પ્રવાસે આવેલી ન્યૂઝીલૅન્ડની ટીમ રાજકોટમાં ભારત-એ ટીમ સામે ત્રણ દિવસની એક મૅચ રમી હતી જેમાં મુનાફે શાનદાર બૉલિંગ કરી જે તેમને ભારતીય ટીમમાં સ્થાન માટેનો દાવેદાર બનાવી ગઈ.
આ મૅચમાં મુનાફે એ સમયના ન્યૂઝીલૅન્ડના ત્રણ દિગ્ગજો સ્ટિફન ફ્લેમિંગ, સ્કૉટ સ્ટાયરિસ અને નાથાન ઍસ્ટલને આઉટ કર્યા.
આમ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની મુનાફનો ઘોડો દોડ્યો તે લગભગ એક દાયકા સુધી દોડતો જ રહ્યો.
આજે તો મુનાફને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને સાતેક વર્ષ થઈ ગયાં છે પરંતુ હજી પણ તેઓ રોડ સેફટી વર્લ્ડ સિરીઝ જેવી લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતા રહે છે.
મુનાફ ઇખર એક્સપ્રેસ તરીકે જાણીતા છે અને તેમણે આ બાબત ઘણી વાર તેમની કારકિર્દીમાં પુરવાર કરી દીધી છે.
ભરૂચની નજીકના ઇખર ગામના વતની મુનાફે ભારત માટે ઘણી ટેસ્ટ અને ઇન્ટરનેશનલ મૅચો રમી છે, તેઓ ભારતના ડોમૅસ્ટિક ક્રિકેટમાં પણ છવાયેલા રહ્યા હતા પરંતુ કોઈ અકળ કારણોસર તેમને એટલો યશ મળ્યો નથી.
મુનાફની સાથેના ઘણા બૉલર આજે પણ ભારતના શ્રેષ્ઠ બૉલરની હરોળમાં આવે છે અને તેમને આ યાદીમાં મૂકવામાં આવે છે પરંતુ મુનાફને હજી ભારતના શ્રેષ્ઠ ઝડપી બૉલરમાં માન્યતા મળી નથી.
જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આમ છતાં એટલું તો કબૂલવું જ પડશે કે તેમની પ્રતિભા અન્ય કરતાં જરા પણ ઊતરતી ન હતી.

પ્રદર્શનમાં સાતત્ય
મુંબઈ માટે રણજી કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ મુનાફ સતત રમતા જ રહ્યા અને એ વખતે તેઓ ભારતની પરંપરાગત રણજી ટ્રૉફી કે દુલીપ ટ્રૉફી કરતાં વધારે ભારત-એ અથવા તો પ્રવાસી ટીમ સામે રમનારી વિવિધ ટીમમાં વધારે પસંદ કરાતા હતા અને તેથી જ તેઓ અન્યની સરખામણીએ અથવા તો કોઈ નવોદિતની સરખામણીએ રણજી ટ્રૉફીમાં ઓછા જોવા મળતા હતા.
મુંબઈ માટે એકાદ બે સિઝન રમ્યા બાદ અને ન્યૂઝીલૅન્ડ સામેની રાજકોટ મૅચના પ્રદર્શન બાદ મુનાફની ગણતરી એ સમયના ભારતના ટોચના બૉલરમાં થવા લાગી અને તેનો લાભ એ થયો કે 2006માં ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લૅન્ડની ટીમમાં તેમને સ્થાન આપવામાં આવ્યું.
આ અગાઉ તેઓ મુંબઈથી નીકળીને મહારાષ્ટ્ર માટે રણજી ટ્રૉફીમાં રમવા લાગ્યા હતા જેમાં તેમણે રેલવેઝ સામે એક વાર ઇનિંગ્સમાં છ વિકેટ ખેરવી હતી તો પોતાની જૂની ટીમ મુંબઈ સામે પણ છ વિકેટ ઝડપી હતી.
2006ના ફેબ્રુઆરીમાં વડોદરામાં પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમ સામે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનમાં તેમને રમવાની તક મળી અને તે ઝડપી લેતાં તેમણે મૅચના બંને દાવમાં પાંચ-પાંચ વિકેટ આમ મૅચમાં દસ વિકેટ ખેરવીને આગામી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરી લીધું.
મોહાલી ખાતેની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મુનાફની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ બની રહી જેમાં તેમણે બંને દાવમાં મળીને સાત વિકેટ ખેરવી અને ઇખર એક્સપ્રેસની ગાડી પાટે ચડી ગઈ.
ત્યાર પછી તો તેમને 2006માં વેસ્ટ ઇન્ડિઝ ગયેલી ભારતીય ટીમમાં પણ સ્થાન મળી ગયું. અહીં પણ તેમને સફળતા મળી.
એકાદ ઇનિંગ્સને બાદ કરતાં તમામ ઇનિંગ્સમાં તેમણે વિકેટ ઝડપી અને ભારતને લગભગ દરેક ટેસ્ટમાં મજબૂત પ્રારંભ અપાવવામાં તેમનું યોગદાન રહ્યું.

ક્યારેય વનડે-ટેસ્ટમાં પાંચ વિકેટ ન લઈ શક્યા

2007ના વર્લ્ડકપમાં રમતા અગાઉ ફેબ્રુઆરીમાં રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે મૅચ રમાઈ હતી તેમાં તેમણે ચાર વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવ્યો હતો અને તેને પરિણામે જ તેમને વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળી ગચું.
વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા વર્લ્ડકપમાં ભારતને ખાસ સફળતા મળી ન હતી પરંતુ મુનાફે તેમની વિકેટ ખેરવવાની ઝડપ ઘટાડી ન હતી.
મુનાફની એક જ નબળાઈ રહી કે તેઓ મૅચના પ્રારંભે તો વિકેટો ખેરવતા અને ટીમને જરૂરી સફળ પ્રારંભ કરાવી આપતા હતા પરંતુ તેઓ લય જાળવી શકતા ન હતા અને એકાદ બે કે ક્યારેક ચાર વિકેટથી સંતુષ્ટ રહેતા હતા.
આ જ કારણે તેઓ ભારત માટે ટેસ્ટ કે વનડેમાં ક્યારેય પાંચ વિકેટ ઝડપી શક્યા નથી.
ટેસ્ટમાં તેમનો સર્વશ્રેષ્ઠ દેખાવ 25 રનમાં ચાર વિકેટનો રહ્યો છે જે તેમણે ઇંગ્લૅન્ડ સામે મોહાલીમાં ઝડપી હતી તો આવી જ રીતે જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે તથા મીરપુરમાં બાંગ્લાદેશ સામે પણ તેમણે ઇનિંગ્સમાં ચાર વિકેટ ખેરવી હતી.
જોકે રણજી ટ્રૉફી કે બોર્ડ પ્રૅસિડેન્ટ ઇલેવન અને ઇરાની કપમાં તેમણે ઘણી વાર પાંચ વિકેટ ઝડપી છે.
મુનાફે મુંબઈ અને મહારાષ્ટ્ર બાદ બરોડા માટે રમવાનું પસંદ કર્યું અને આ જ ટીમમાં તેઓ સૌથી સફળ રહ્યા હતા.
બરોડા માટે તેમણે 100 કરતાં વધારે વિકેટ ઝડપી હતી તો ભારતીય ટેસ્ટ ટીમ માટે 35 વિકેટ ઝડપી હતી પરંતુ ભારતની વિવિધ ટીમ ભારત-એ કે પ્રવાસી ભારતીય ટીમ કે વન-ડે ટીમની મળીને તેમણે 120 વિકેટ ઝડપી હતી જેમાં વન-ડે ઇન્ટરનેશનલમાં ભારત માટે તેમણે ઝડપેલી 86 વિકેટ ઉમેરી નથી.
મુનાફની કારકિર્દી લાંબી ચાલી પરંતુ કોઈ એક ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વધારે નહીં રમવાને કારણે અથવા તો મોટા ભાગે રણજી લેવલથી ઉપરના ક્રિકેટમાં રમવાને કારણે તેઓ માત્ર 69 ફર્સ્ટ ક્લાસ મૅચ રમી શક્યા છે.
2004ની આસપાસ કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ 2016-17 સુધીમાં માત્ર 69 ફર્સ્ટ ક્લાસ મૅચ મુનાફની એક ઝડપી બૉલરની પ્રતિષ્ઠાને ન્યાય કરતાં આંકડા નથી પરંતુ આ દરમિયાન તેઓ મોટા ભાગે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતો રહ્યો હતો તેમ છતાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 231 વિકેટ લખાયેલી છે.
હાલમાં આઇપીએલનું આકર્ષણ છે ત્યારે મુનાફ મુંબઈ ઇન્ડિયન્સના નિયમિત ખેલાડી હતા તે કહેવું યથાયોગ્ય લેખાશે કેમ કે ભારતની 2011ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો સદસ્ય મુંબઈ ઇન્ડિયન્સના આઇપીએલ ટાઇટલ જીતનારી ટીમનો પણ સદસ્ય રહી ચૂક્યા છે અને મુંબઈની ટીમ વતી જ તેઓ 2012-13માં સાઉથ આફ્રિકમાં યોજાયેલી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પણ રમ્યા હતા.














