આઇપીએલ 2023 : એ મૅચ, જેમાં રણનીતિ નહીં પણ કેએલ રાહુલનું 'નસીબ' ચમક્યું હોવાની ચર્ચા થઈ

લખનઉ સુપરજાયન્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

લખનૌ સુપરજાયન્ટ્સના કપ્તાન કેએલ રાહુલનો હાથમાં આવેલો કૅચ રાજસ્થાનના યશસ્વી જાયસવાલે છોડ્યો હતો.

આ લખનૌની ઇનિંગનો ચોથો જ બૉલ હતો અને રાહુલ ત્યારે માત્ર છ રન જ નોંધાવ્યા હતા.

જેવો કૅચ છૂટ્યો કે ઘણા લોકો કહેવા લાગ્યા, “આ રાહુલને બર્થડેની ગિફ્ટ છે. બિલેટેડ હૅપી બર્થડે” આવું કહેનારામાં મૅચમાં કૉમેન્ટરી આપી રહેલા પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ સામેલ હતા.

કેએલ રાહુલે લખનૌ અને રાજસ્થાનના ‘બહુચર્ચિત મુકાબલા’ના માત્ર એક દિવસ પહેલાં એટલે કે મંગળવારે જ પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ એક માત્ર ‘ગિફ્ટ’ નહોતી. આ જ ઑવરમાં જાયસવાલે તેમને રન-આઉટ કરવાનો અવસર પણ ગુમાવ્યો.

રાજસ્થાનની ટીમે તેમને એક વધારાનું જીવનદાન પણ આપ્યું. જોકે, કેએલ રાહુલ જ્યાં સુધી ક્રીઝ ઉપર રહ્યા, ત્યાં સુધી ક્રિકેટના ઘણા જાણકાર અને ધીમી બેટિંગ માટે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરનારા લખનૌના કપ્તાનને મળેલા અવસરને ‘ગિફ્ટ’ નહોતા માની રહ્યા, ઊલટાનું તેઓ આને રાજસ્થાન અને તેમના કપ્તાન સંજુ સૈમસનનું ‘સારું નસીબ’ ગણાવતા હતા.

Grey Line

રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ લખનૌ સુપરજાયન્ટ્સ

Red Line
  • લખનૌએ રાજસ્થાનને 10 રનથી હરાવ્યું
  • લખનૌ – 154/7 (20) કાઇલ માયર્સ 51 રન, આર અશ્વિન 2/23
  • રાજસ્થાન - 144/6 (20) યશસ્વી જાયસવાલ 44 રન, આવેશ ખાન 3/25
  • માર્કસ સ્ટોઇનિસ મેન ઑફ ધ મૅચ
Red Line

નંબર 1 વિરુદ્ધ નંબર 2

લખનઉ સુપરજાયન્ટ્સ

ઇમેજ સ્રોત, ANI

ટૉસના મોર્ચેથી પણ સંકેત મળી રહ્યા હતા કે ચાર વર્ષે પોતાના ઘરઆંગણે રમી રહેલી રાજસ્થાનની ટીમનું પલ્લું ભારે છે.

બુધવારે રમાયેલી મૅચનો આઇપીએલ 2023ની ટૉપની બે ટીમ (પૉઇન્ટ ટેબલમાં રાજસ્થાન પહેલાં જ્યારે લખનૌ બીજા નંબર પર છે)ની ટક્કરની રીતે પ્રચાર કરવામાં આવ્યો.

અને આ મૅચમાં ચાહકો રનનો વરસાદ જોવાની આશાએ બેઠા હતા. પરંતુ કેએલ રાહુલ અને તેમના સાથી ઓપનર કાઇલ માયર્સની બેટિંગનો અંદાજ જોઈ આવી આશા લગાવી રહેલા ઘણા લોકોને નિરાશ કરી દીધા.

તે ક્ષણે આને આઇપીએલના નવા ‘કૅપ્ટન કૂલ’ સંજુ સૈમસનની રણનીતિનો કમાલ અને ‘માસ્ટર ક્લાસ’ ગણાવવામાં આવી રહ્યો હતો. પણ જેમ જેમ મૅચ આગળ વધી તેમ સમજાવા લાગ્યું કે ‘ખેલ’ તો પીચ પણ કરી રહી છે.

કેએલ રાહુલ 11 ઓવર સુધી પીચ ઉપર ટકી રહ્યા અને માત્ર 39 રન જ બનાવી શક્યા. તેમના આઉટ થયા બાદ સંજુ અને તેમના બૉલર્સે પોતાની પકડ ઢીલી ન થવા દીધી.

લખનૌની ઇનિંગ 19મી ઓવરમાં હાથ ખોલીને રાજસ્થાનની ચિંતા વધારનાર નિકોલસ પૂરનને 20મી ઓવરમાં સંજુ સૈમસને જે અંદાજમાં રન આઉટ કર્યા કે તેમનો જલવો વધતો જોવા મળ્યો.

20મી ઓવરની છેલ્લી બૉલ પર યુદ્ધવીરસિંહને પણ સંજુએ રનઆઉટ કર્યા અને લખનૌની ટીમને 154 રન પર રોકવા માટેની સફળતા મેળવી.

પણ જેમ કહેવામાં આવે છે કે, ‘ક્રિકેટ અનિશ્ચિતતા ભરેલી રમત છે.’ અહીં નસીબ અને ચાહકો ગમે ત્યારે પક્ષ પલટો કરી શકે છે.

GREY LINE

કઈ રીતે મૅચે પાસું પલટી નાખ્યું?

રાજસ્થાન રૉયલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

રાજસ્થાનની ઓપનિંગ જોડી યશસ્વી જાયસવાલ અને જોસ બટલરે ટીમને મજબૂત, પણ ધીમી શરૂઆત આપી. બન્નેએ પહેલી વિકેટ માટે 11.3 ઓવરમાં 87 રન જોડ્યા.

જ્યાં સુધી ઓપનર મેદાન પર હતા, ત્યાં સુધી માનવામાં આવી રહ્યું હતું કે ધીમી પણ મજબૂત શરૂઆત ટીમની રણનીતિનો ભાગ છે.

રાજસ્થાન ટીમ પાસે મોટી હિટ લગાવનાર એવા બૅટ્સમૅનો છે જે જોતજોતામાં મૅચની બાજી પલટી શકે છે. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પાછલી મૅચમાં સંજુ સૈમસન અને શિમરૉન હેટમાયરે આ કમાલ કરી બતાવ્યો હતો.

પણ આ મૅચ અલગ હતી. 12મી ઓવરમાં જાયસવાલ આઉટ થયા અને તેમની જગ્યાએ સંજુ સૈમસન ઊતર્યા.

બીજી જ ઓવરમાં જોસ બટલરના ‘એક ખોટા કૉલ’ પર સંજુએ પોતાની વિકેટ ‘કુરબાન’ કરી દીધી અને તેઓ રન આઉટ થઈ ગયા.

ક્રિકેટ નિષ્ણાત હર્ષા ભોગલેનું માનીએ તો આ મૅચનો ‘ટર્નિંગ પૉઇન્ટ’ હતો.

GREY LINE

લખનૌનો નિર્ણાયક વાર

લખનઉ સુપરજાયન્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

આ એ ક્ષણ હતી જેણે લખનૌની ટીમ અને કપ્તાન કેએલ રાહુલ માટે જીત તરફ આગળ વધવાનો રસ્તો ખોલી દીધો.

100થી ઓછા સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહેલા બટલર પર સંજુની વિદાયે એવું દબાણ ઊભું કર્યું અને તેનો લાભ લખનૌના માર્કસ સ્ટોઇનિસે પૂરેપૂરો ઉઠાવ્યો.

પછી હેટમાયરની નિષ્ફળતાએ જણાવ્યું કે તેમની પાસેથી દરેક મૅચમાં સારા પ્રદર્શનની આશા રાખવી યોગ્ય નથી.

યુજવેન્દ્ર ચહલની જગ્યાએ ‘ઇમ્પેક્ટ’ ખેલાડીના રૂપમાં બેટિંગ કરવા ઊતર્યા દેવદત્ત પડ્ડિકલે સંઘર્ષ કર્યો પણ તે લખનૌના સ્કોરને ઓળંગવા માટે પૂરતો નહોતો.

રાજસ્થાનની ટીમ વીસમી ઓવર સુધી લડી પણ લખનૌના સ્કોરથી 10 રન પાછળ રહી ગઈ.

ચાહકો દાવો કરવા લાગ્યા કે જો કેએલ રાહુલ કપ્તાન હોય તો વિરોધી ટીમ માટે ‘લક્ષ્યનો પીછો કરવો સરળ નથી હોતો’

GREY LINE

શું બોલ્યા કપ્તાન?

લખનઉ સુપરજાયન્ટ્સ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પણ કેએલ રાહુલ માને છે કે મૅચમાં બધું જ ‘પરફેક્ટ’ નથી હોતું.

ફિલ્ડિંગ વખતે સાથી ખેલાડીનો એક થ્રો તેમને વાગ્યો હતો, એનો જ સંકેત આપીને રાહુલે કહ્યું, “મને એક સાથી ખેલાડીનો થ્રો વાગ્યો, એટલે મને લાગ્યું કે એક કપ્તાન તરીકે હું કશુંક ખોટું કરી રહ્યો છું”

ટીમને જીત મળી તેના લીધે કપ્તાન રાહુલની આ વાત મજાકમાં ફેરવાઈ ગઈ.

કેએલ રાહુલે પણ સ્વીકાર્યું કે સંજુના રન આઉટ થવાને લીધે મૅચ પલટી ગઈ.

તેમણે કહ્યું, “સૈમસનનું રન આઉટ થવું અને સતત બે વિકેટ મેળવતા અમે મૅચમાં પાછા ફર્યા.

રાજસ્થાનના શરૂઆતના ત્રણ ચાર બૅટ્સમૅન ઘણા મજબૂત છે અને અમારી યોજના તેમને જલદી આઉટ કરવાની હતી.”

રાહુલે બન્ને ટીમના બૉલર્સનાં વખાણ કર્યાં અને કહ્યું, “અમે વધારે સારી બૉલિંગ કરી.”

પાછલી મૅચમાં હારેલી બાજી જીતનાર સંજુ સૈમસન જીતેલી મૅચ હારી જતા બુધવારે જરાક નિરાશ દેખાયા.

સંજુ સૈમસને કહ્યું, “અમારે આ મૅચમાંથી પાઠ ભણી આગળ વધવું પડશે. અમારી જેવી બેટિંગ લાઇનઅપ છે, અમારે આ સ્કોર મેળવી લેવો જોઈતો હતો.”

સંજુએ કહ્યું, “અમારે સ્માર્ટ ક્રિકેટ રમવાની જરૂર છે. એમણે (લખનૌ) સારી બૉલિંગ નાખી અને જ્યારે અમે જોર લગાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ અમે વિકેટ ગુમાવી.”

મૅચે બાજી પલટી તો ‘ટ્રોલ્સ’ના સૂર પણ બદલાઈ ગયા. એમણે એક નવો વિલન ગોતી કાઢ્યો. આ હતા રાજસ્થાનના રિયાન પરાગ. 12 બૉલમાં 15 રન બનાવનાર પરાગ રાજસ્થાનની હારની સાથે ટ્વિટરના ટૉપ ટ્રેન્ડમાં આવી ગયા.

પણ 21 વર્ષીય બૅટ્સમૅન વિરોધી ટીમના કપ્તાન કેએલ રાહુલ પાસેથી પાઠ ભણી શકે છે કે આઇપીએલમાં એક ખેલાડીના નસીબ એમના વિશે લોકોની માન્યતા માત્ર 20 ઓવરમાં બદલી શકે છે.

RED LINE
RED LINE