ઍર ઇન્ડિયા : જેઆરડી તાતાના 'પ્રથમ પ્રેમ' અને ‘મહારાજા’ની કહાણી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'એક સુવાક્ય યાદ રાખજો: જો તમારે મિલિયોનેર બનવું હોય તો, અબજ ડૉલર સાથે શરૂઆત કરો અને ઍરલાઇન શરૂ (ખરીદો) કરો.' બેએક વર્ષ પહેલાં ઉદ્યોગપતિ આનંદ મહિંદ્રાએ સંકટગ્રસ્ત જેટ ઍરવેઝને ખરીદવી જોઈએ, તેવી સલાહ એક ટ્વિટરાઇટે આપતા મહિંદ્રાએ આ જવાબ આપ્યો હતો.
ભારતમાં અનેક ઍરલાઇન્સ કંપનીના હાલ જોતા મહિંદ્રાનું સુવાક્ય ખરું લાગે, છતાં જ્યારે તાતા જૂથની ઍર ઇંડિયા માટેની બોલી મંજૂર થઈ ત્યારે લગભગ કોઈને આશ્ચર્ય ન થયું.

ઇમેજ સ્રોત, Getty Images
હાલ ખોટ કરતી આ સરકારી વિમાન કંપની અગાઉ તાતા જૂથની માલિકીની જ હતી, પરંતુ જવાહરલાલ નહેરુની સરકારમાં તેનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું હતું.
JRDનો 'પ્રથમ પ્રેમ' ઍર ઇંડિયા ફરી તાતા જૂથના ખોળામાં આવી ગયો છે. તાતા જૂથ દ્વારા અગાઉથી ભારતમાં બે ઍરલાઇન્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં તાતા જૂથ તથા સિંગાપુર ઍરલાઇન્સના સંયુક્ત ઉપક્રમ 'વિસ્તારા' તથા 'ઍર એશિયા'માં 83 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે.

જેહને મળ્યો છેહ

ઇમેજ સ્રોત, Tata Memorial Archives
બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1932માં જેઆરડી તાતાએ પ્રથમ ભારતીય વિમાન કંપની તાતા ઍરલાઇન્સની સ્થાપના કરી હતી, જેઓ કંપનીના પાઇલટ પણ હતા. કંપનીની સ્થાપના પાછળ રૂ. બે લાખનો ખર્ચ થયો હતો. જેઆરડીને લોકો જેહના હુલામણા નામથી ઓળખતા.
કરાચીથી તેઓ પહેલી ઉડ્ડાણમાં 27 કિલોગ્રામ જેટલી ટપાલ લઈને બૉમ્બે પહોંચ્યા હતા. રસ્તામાં તેમણે અમદાવાદમાં ઉતરાણ કર્યું હતું અને બૉમ્બેથી ચેન્નાઈની ઉડ્ડાણ ભરી હતી.
તાતા ઍરલાઇન્સ જુલાઈ-1946માં પબ્લિક લિમિટેડ કંપની બની અને તેનું નામ ઍર ઇન્ડિયા લિમિટેડ રાખવામાં આવ્યું. 1949માં સરકારે કંપનીમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો તથા 1953માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
આ જાહેરાત પછી જેઆરડીએ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત કરી હતી. નહેરુએ તેમને કહ્યું કે 'તમામ પ્રકારની પરિવહનની વ્યવસ્થાનું રાષ્ટ્રીયકરણ કરવાનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો છે.' આથી તાતા સમસમી ગયા. બાદમાં નહેરુએ તેમને કંપનીના ચૅરમૅનપદે બહાલ રાખ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાજિક રીતે નહેરુ-ગાંધી પરિવાર સાથે તાતાને નિકટતા હતી, પરંતુ તેમને સમાજવાદી આર્થિક મોડલ પસંદ ન હતું એટલે તેમની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. જોકે, ઇંદિરા ગાંધીએ પણ તેમને ઍર ઇંડિયાના ચૅરમૅનપદે બહાલ રાખ્યા હતા.
જેહ પણ વિમાનની સીટ, પડદા, ઇન્ટિરિયર, કટલરી સહિતની બાબતોમાં વ્યક્તિગત રસ લેતા હતા. તેઓ જાણતા હતા કે મોટું નાણાંકીય ભંડોળ ધરાવતી આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીઓ સામે ટકવું ઍર ઇન્ડિયા માટે મુશ્કેલ હશે. એટલે તેમણે સેવા તથા સમયપાલન ઉપર ભાર મૂક્યો હતો.
1978માં જેઆરડીને ઍર ઇન્ડિયાના બોર્ડમાંથી પડતા મૂકવામાં આવ્યા. તેમના સ્થાને જેની નિમણૂક કરવામાં આવી હતી, તેણે જેહને આ આ માહિતી આપી હતી. આથી, જેહ ખૂબ જ નારાજ થયા હતા. જે કંપનીની તેમણે 46 વર્ષ સુધી માવજત કરી હતી તેનાથી અચાનક જ અળગા કરી દેવામાં આવ્યા હોવાથી તેમને લાગ્યું કે છેહ મળ્યો છે.
જેઆરડી તાતાએ તેમને હઠાવવા માટે સીધી જાણ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી. એ સમયે જક્કી સ્વભાવના મનાતા મોરારાજી દેસાઈએ આ વિશે જેઆરડી તાતાની માફી માગી હતી. આ અંગે પત્રાચાર લંબાતા દેસાઈએ કહ્યું કે નવા લોકો તૈયાર થાય તે માટે આમ કરવું જરૂરી હતું.
1986માં તત્કાલીન રાજીવ ગાંધી સરકાર દ્વારા ઍર ઇન્ડિયાના બૉર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું. આ સમયે 82 વર્ષની જૈફવયે જેઆરડીનું નામ પડતું મૂકવામાં આવ્યું. આમ છતાં તેઓ ખુશ હતા, કારણ કે નવા ચૅરમૅન તાતાનું જ 'રતન' હતા. જેઓ અત્યારે તાતા જૂથના ચૅરમૅન એમેરિટસ છે અને હવે તેમના નેતૃત્વમાં જ ઍર ઇંડિયાનું ચક્ર પૂર્ણ થવામાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રતન તાતાએ ઍર ઇન્ડિયાના ટેકઓવરની જાહેરાતમાં સૂચક રીતે જેઆરડીનો ઇતિહાસ યાદ કર્યો હતો.

'મહારાજા' ગુલામ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
હરીશ ભટ્ટના પુસ્તક 'તાતા સ્ટોરીઝ 40 ટાઇમલેસ ટેલ ટુ ઇન્સ્પાયર યુ'માં 35મી કહાણી 'ધ મહારાજા મૅન'ના નામે ઍર ઇન્ડિયાના મૅસ્કોટ વિશે હતી. તેની પાછળ જેઆરડી તાતાના મિત્ર સોરાબ કાકીખુશરો કોકા ઉર્ફે બૉબી કોકા હતા, જેમની ગણતરી ભારતના માર્કેટિંગ દિગ્ગજોમાં થાય છે.
તાતા ઍરલાઇન્સના સૅક્રેટરી તરીકે અમુક વર્ષ પસાર કર્યા બાદ બૉબી કોકાને લાગ્યું કે જેમાં ભારતીય મોહકતા તથા આકર્ષણ હોય એવો એક માનવીય ચહેરો ઍર ઇન્ડિયાને આપવાની જરૂર છે.
તેમણે તત્કાલીન બૉમ્બેની ચર્ચગૅટ બુકિંગ ઑફિસ ખાતે આ અંગે પ્રયાસો શરૂ કર્યા. જ્યાં તેમણે એવા રાજવીના પ્રતીકને મૂક્યા જે જાદુઈ ચટ્ટાઈ ઉપર બેઠા છે અને હુક્કો ગગડાવી રહ્યાં છે. આ 'મહારાજા'નું પ્રારંભિક સ્વરૂપ હતું. આગળ જતાં ભારતના આ ઍડ્વર્ટાઇઝિંગ મૅસ્કોટે પોતાના પ્રચારઅભિયાન દ્વારા લાખો કરોડો ભારતીયોનું હૃદય જીત્યું.
કોકાએ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી વૉલ્ટર થૉમસનના ઉમેશ રાવ સાથે મળીને વર્ષ 1946માં તેનું સર્જન કર્યું હતું. જેનો ચહેરો ગોળ હતો, મૂંછો મોટી હતી, માથા પર પાઘડી હતી અને નાક લાંબુ હતું.
આજે ગુગલ દ્વારા ડૂડલ મારફત લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ થાય છે પરંતુ મહારાજા આવું કંઇક લગભગ 75 વર્ષ પહેલાં કરવામાં આવતું. જે પેરિસમાં લવરબૉય બને છે, જાપાનમાં સુમો, રોમમાં રોમિયો તો ઋષિકેશમાં ગુરૂ. બની જાય છે.
હાલમાં જેમ અમુલની જાહેરાતો દ્વારા સાંપ્રત રાજકીય સામાજિક પરિસ્થિતિ ઉપર કટાક્ષ કરવામાં આવે છે, એવું જ કંઇક અગાઉ મહારાજા દ્વારા કરવામાં આવતું અને JRDએ તેના માટે પ્રધાનો, સંસદસભ્યો તથા અધિકારીઓની માફી માગવી પડતી. છતાં કોકાની કટાક્ષયાત્રા ચાલુ રહેવા પામી હતી. કોકાએ તાતા ઍરલાઇન્સની આંતરરાષ્ટ્રીય ઓફિસોમાં તસવીરો, પેઇન્ટિંગ, ડાન્સ તથા સ્થાપત્યો દ્વારા 'ભારતીયતા' લાવવાનો પ્રયાસ કર્યો.
જોકે, કેટલાક ટીકાકારોનું કહેવું છે કે મહારાજાએ સંસ્થાનવાદી માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. જેવી રીતે અંગ્રેજો દ્વારા તેમના વેઇટરોને પાઘડી તથા રાજવી જેવા કપડાં પહેરાવીને તત્કાલીન રાજવીઓને ઊતરતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવતો. અધૂરામાં પૂરું તેનું નામ પણ મહારાજા રાખવામાં આવ્યું હતું. જોકે કોકાએ મહારાજાને લૉન્ચ કરતી વખતે કહ્યું હતું :
'અમે સારું વિવરણ ઇચ્છતા હતા એટલે તેને મહારાજા નામ આપ્યું હતું, પરંતુ તે રાજવી નથી. તેનામાં રાજવી ભવ્યતા છે, પરંતુ તે રજવાડી નથી.'

ઍર ઇન્ડિયાના સ્મૃતિસ્તંભો

ઇમેજ સ્રોત, Tata Memorial Archives
15 ઑક્ટોબર 1932ના દિવસે જેઆરડી તાતાએ કરાચીથી મુંબઈની પહેલી ઉડ્ડાણ ભરી હતી. ત્યારબાદ તેની 30મી તથા 50મી વર્ષગાંઠે પણ જેઆરડીએ અગાઉ જેવા જ જોશ સાથે તેનું પુનરાવર્તન કર્યું હતું.
ફેબ્રુઆરી-2020માં કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી હતી. ત્યારે કોરોનાના ઉદ્દભવબિંદુ એવા ચીનના વુહાન શહેરમાંથી ઍર ઇન્ડિયા ભારતીયોને સલામત રીતે પરત લાવ્યું હતું. લૉકડાઉન દરમિયાન દવા તથા તબીબી સામગ્રીની હેરફેર કરી હતી.
'વંદે ભારત મિશન' હેઠળ વિદેશમાં ફસાયેલા લાખો ભારતીયોને વતન પરત લાવવા માટે ઍર ઇન્ડિયાના સ્ટાફે દિવસરાત જોયા વગર અનેક વિશેષ ઉડ્ડાણ ભરી હતી.
1985માં ભારતની સરકારી ઍરલાઇન કંપનીના 'કનિષ્ક' વિમાનને ખાલિસ્તાની ઉગ્રાવાદીઓ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું, જેમાં 300થી વધુ લોકોનાં મૃત્યુ થયા.
આ ઘટનાએ દુનિયાભરની ઍરલાઇન્સ કંપનીઓને સુરક્ષાસંબંધિત વધુ પગલાં લેવા માટે મજબૂર કરી. ઉગ્રવાદીઓએ 9/11ના વિમાનોનું અપહરણ કરીને તેને વર્લ્ડ ટ્રૅડ સેન્ટર, પેન્ટાગોન સાથે ટકરાવીને મૃત્યુ માટે કારણ બન્યા, તે પહેલાં કનિષ્ક હવાઈ ઇતિહાસની સૌથી મોટી ઉગ્રવાદી દુર્ઘટના હતી.
1999માં ઍર ઇન્ડિયાના ઘટક એવા ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાન આઈસી-814નું અપહરણ કરીને તેને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું હતું.
બહુ થોડા લોકોને યાદ હશે કે 1999 આસપાસ ઍર ઇન્ડિયા દ્વારા દિલ્હી અને મુંબઈ વચ્ચે મેટ્રો શટલની યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં દર એક કલાકે ફ્લાઇટ ઉપડતી હતી.
1990માં ઇરાક દ્વારા કુવૈત ઉપર હુમલો કરવામાં આવ્યો. ત્યારે ખાડી દેશોમાં ફસાયેલા લગભગ દોઢ લાખ લોકોને 59 દિવસમાં વતન પરત લાવવામાં આવ્યા હતા. આ માટે રાષ્ટ્રીયકૃત ઍરલાઇન્સના સ્ટાફે દિવસરાત મહેનત કરી હતી. આ અભિયાનને વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું હતું.
આજે ખાનગીક્ષેત્રની અનેક વિમાનન કંપનીના વરિષ્ઠપદ પર બેઠેલા લોકોની પૃષ્ઠભૂમિ ઍર ઇન્ડિયાની છે. જેનો કંપની ગર્વ પણ લઈ શકે છે. જોકે, કંપનીના ગુણદોષ જાણતા લોકોને કારણે સરકારી કંપનીના ભોગે ખાનગી ઍરલાઇન્સ કંપનીઓનો વિકાસ શક્ય બન્યો.

ઍર ઇન્ડિયાનું તાતા માટે 'નમસ્તે'

ઇમેજ સ્રોત, Twitter/@Ratan Tata
ઍર ઇન્ડિયાના પૂર્વ મૅનેજિંગ ડાયરેક્ટર તથા 'ડિસ્સેંટ ઑફ ઍર ઇન્ડિયા' નામનું પુસ્તક લખનારા જિતેન્દ્ર ભાર્ગવે અગાઉ બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું હતું, "જો થોડા સમય માટે ઍર ઇન્ડિયાના દેવાને અવગણીને વિચારવામાં આવે તો ઍર ઇન્ડિયાની અનેક સબળ બાબતો છે. તેની પાસે ખૂબ જ સબળ ઍરોનોટિકલ ઍસેટ્સ છે."
"જેમાં વરિષ્ઠ અને અનુભવી પાઇલોટ, એંજિનિયર અને પ્રશિક્ષિત સ્ટાફનો સમાવેશ થાય છે. કંપની પાસે સારા વિમાન છે અને દુનિયાના અનેક શહેરમાં તેના સ્લૉટ છે એટલે તાતા જૂથ માટે તે ફાયદાનો સોદો બની રહે તેમ છે."
જોકે, ઍર ઇન્ડિયાના કર્મચારીઓને આશંકા છે કે ખાનગી કંપની દ્વારા અધિગ્રહણથી તેમની કામ કરવાની સ્થિતિ ઉપર માઠી અસર પડશે. પાઇલટ તથા અન્ય કર્મચારી સંગઠનો દ્વારા તેની સામે કડક વલણ અપનાવવામાં આવી શકે છે.
બીજી બાજુ, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે યુનિયનો અગાઉ જેટલા પ્રાસંગિક નથી રહ્યા. ખાનગી કંપનીને પણ ઍર ઇન્ડિયા ચલાવવા માટે કૉન્ટ્રૅક્ટ ઉપર કર્મચારીઓની જરૂર રહેશે જ.
ઍર ઇન્ડિયા ફરી તાતાના ખોળામાં છે પણ પડકારો પણ અનેક છે. છેલ્લા કેટલાક સમયથી હવાઈ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે, ડૉલરની સામે રૂપિયો નબળો પડવાથી ઑપરેશનલ લૉસ વધી ગયો છે, વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પ્રવર્તમાન છે. કોવિડ-19ની વચ્ચે મુસાફરોને ફરી હવાઈ મુસાફરી તરફ વાળવા પડે તેમ છે.
તાતા ગ્રૂપ સારી શાખ ધરાવનાર મોટું બિઝનેસ ગ્રૂપ છે પણ સરકારી ઍરલાઇન્સને ખરીદવા માટે ચૂકવવાની જંગી રકમનો આંકડો પણ કંઈ નાનો નથી, ખોટ કરતી ઍરલાઇન્સ પાછળ રોકવાની જંગી રકમ પણ મોટો પડકાર બની રહેશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












