દેશના પ્રથમ બૅરોનેટ, ઉદ્યોગસાહસિક અને સમાજસેવક જમશેદજી જીજીભોય

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઈરાનમાં વિધર્મીઓના ત્રાસથી બચી પોતાના ધર્મનું રક્ષણ કરવા આશરે 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌપ્રથમ દીવ બંદરે ઊતર્યા અને ત્યાંથી સંજાણ બંદરે પહોંચ્યા.

તે વખતે ત્યાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજા પાસે જઈ રાજ્યાશ્રય માગ્યો ત્યારે રાણાએ દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ વાત પરથી રાજા એવું કહેવા માંગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે તમને વસાવી શકીએ તેમ નથી.

રાજાએ મોકલેલો દૂધનો પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ ફરીથી રાજા પાસે પહોંરયું. તેઓએ આ પ્યાલામાં રાજાની સામે સાકર ભેળવી અને તે ઓગળી ગઈ અને સંદેશો આપ્યો કે જેમ દૂધમાં સાકર ભળે તેમ અમે તમારી આ પ્રજામાં ભળી જઈશું.

રાજાએ આ જોઈ પારસીઓને વસવાટની છૂટ આપી. તેઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્થાપી, જે 'આતશ બહેરામ'થી ઓળખવામાં આવે છે. આ અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.

આજે દેશમાં કોઈ પણ ક્ષેત્ર હોય પારસીઓ આગળ રહ્યા છે.

ઉદ્યોગપતિઓમાં જેઆરડી ટાટા, રતન ટાટા, ગોદરેજ, વાડિયા તો હોમીભાભા જેવા અણુ વૈજ્ઞાનિકથી માંડી મિલિટરી ક્ષેત્રે પૂર્વે લેફ્ટનન્ટ જનરલ એફ. એલ બીલીમોરિયાથી માંડી ફિલ્ડમાર્સલ સામ માણેકશૉ હોય કે મેજર પિઠાવાળા, સ્વતંત્રતા સંગ્રામમાં આગેવાની લેનાર ભીકાજી કામા હોય કે ફિરોજશા મહેતા, કાયદાકીય ક્ષેત્રે કામ કરનાર ફલી નરીમાન હોય કે સોલી સોરાબજી, જુદાંજુદાં ક્ષેત્રોમાં કામ કરતા નરીમાન કૉન્ટ્રેક્ટરથી માંડીને જુબીન મહેતા હોય - આવાં અનેક નામ ભારતની વિકાસગાથા સાથે જોડાયેલાં છે.

આમાં અંગ્રેજોએ જે લોકોને તેમના પ્રદાન બદલ તે જમાનાની શ્રેષ્ઠ પદવી કહી શકાય તે આપી નવાજયા હતા તેમાં છ માંથી ત્રણ પારસી હતા.

અંગ્રેજો બૅરોનેટની પદવી ભારતમાં વ્યાપારીઓને તેમની સમાજસેવા અને વ્યાપારમાં પ્રદાનને ધ્યાનમાં રાખી આપતા.

line

બૅરોનેટ જમશેદજી જીજીભોય

જમશેદજી જીજીભોય

ઇમેજ સ્રોત, Ranmal Sindhav

સર જમશેદજી જીજીભોય પારસી બિઝનેસમૅન હતા. 1857 માં તેમના સમાજકાર્યને ધ્યાનમાં રાખી બૅરોનેટની પદવી આપી હતી. અત્યારે આઠમા બૅરોનેટ તરીકે સર જમશેતજી જીજીભોય છે.

ત્યાર બાદ દિનશા માણેકજી પેટીટ - પારસી વ્યાપારી, કોવસજી જેહાંગીર - પારસી ઉદ્યોગપતિ, કરીમભોય ઇબ્રાહિમ - મુસ્લિમ બિઝનેસમૅન, રણછોડલાલ છોટાલાલ - પ્રથમ ગુજરાતી વ્યાપારી, જૅકૉબ ઇલિયાસ સસુન - જ્યુઈસ બૅન્કર હતા. આમ બૅરોનેટની પદવી મેળવનાર કુલ છ ગૃહસ્થોમાંથી ત્રણ પારસી હતા.

જમશેદજી જીજીભોયનો જન્મ 15મી જુલાઈ 1783ના રોજ પારસી કુટુંબમાં થયો. તેમના પિતાનું નામ મેરવાનજી મેકજી જીજીભોય અને માતાનું નામ જીવીબાઈ હતું.

જમશેદજી પાંચ વરસના હતા ત્યારે તેમના પિતા મુંબઈથી નવસારી, ઓલપાડમાં આવી વસ્યા. ત્યાં તેઓ હાથવણાટનું કાપડ બનાવવાનો ધંધો કરતા.

જમશેદજીએ પ્રાથમિક શિક્ષણ નવસારીમાં લીધું, ત્યારબાદ તેઓ 1795માં મુંબઈ રહેતા તેમના માસા ફરામજી નસરવાનજી બાટલીવાળાને ત્યાં રહેવા ગયા.

મુંબઈમાં તેમના માસા જૂની વસ્તુ વેચવાનો ધંધો કરતા.

તેમણે જમશેદજીને પણ પોતાના ધંધામાં પળોટ્યા. જમશેદજીની ઉંમર માંડ 16 વરસની હતા ત્યારે 1799માં તેમનાં માતાપિતાનું અવસાન થતાં તેમના ઉપર આભ તૂટી પડ્યું.

તેમનાં માતા જીવીબાઈએ તેમની અંતિમક્ષણો નજીક આવતાં તેમના નાના પુત્રને આ શબ્દોમાં શિખામણ આપી હતી જે જીતેન્દ્ર પટેલ દ્વારા લિખિત પુસ્તક "51 જીવનઝરમર"ના પાનાં નંબર 50 ઉપર વર્ણવી છે - "દીકરા તું વયમાં નાનો છે પણ બુદ્ધિમાં પરિપક્વ છે માટે મારી શિખામણ હાથ ધરજે."

"આ દુનિયા દોરંગી છે. આપત્તિ વેળાએ એ ક્યારેય તારી પડખે ઊભી નહીં રહે."

"બીજાઓનું ભલું કરવા એ તને ક્યારેય નહીં કહે. તેને બદલે તને અસત્યને પંથે દોરી જવા પ્રયત્ન કરશે. પરંતુ વાદળમાં છુપાયેલો ચંદ્ર વાદળોમાંથી બહાર આવીને જગત પર પ્રકાશે છે તેમ જે ગુણીજન છે તે પણ સત્કર્મો દ્વારા જગતને પ્રકાશે છે. અંતે તું એવાં બી વાવજે જે જેનાં ફળ મીઠાં હોય. ગરીબોને સદાય મદદ કરજે અને કુટુંબને સાંભળજે."

line
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, HISTORICA GRAPHICA COLLECTION

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જમશેદજીનાં માતા-પિતાનાં મૃત્યુ પછી તેમના પિતરાઈ ભાઈ મેરવાનજી તેમને કલકત્તા લઈ ગયા. ત્યાં તેઓ તેમના કાપડ અને અફીણના વ્યવસાયમાં જોડાયા અને અહીં તેમણે શરૂઆત નામું લખવાથી કરી.

ઘીરેધીરે જમશેદજીને પિતરાઈ ભાઈએ ધંધામાં પળોટવાનું શરૂ કર્યું.

તેઓ જમશેદજીને વેપારની આંટીઘૂંટીઓથી માહિતગાર કરવા ચીન લઈ ગયા. જમશેદજીએ કાપડ અને અફીણના વ્યવસાયમાં ભાગ્ય અજમાવ્યું પરંતુ તેમને ધંધામાં ઝાઝી સફળતા ન મળી ઊલટાનું તેમની પાસે જે 180 રૂપિયાની મૂડી ભેગી થઈ હતી તેમાંથી માત્ર 150 જ બચ્યા. પણ તેમના આ પ્રથમ અનુભવમાંથી તેઓ ઘણું શીખ્યા.

બીજાં વરસે તેઓ વ્યાપાર કરવા ચીન જવા નીકળ્યા પરંતુ દરિયાઈ તોફાનને કારણે મહામુસીબતે ચીન પહોચ્યા.

ત્યાંથી માલ ખરીદી જ્યારે તેઓ પાછા ફરતા હતા તે દરમ્યાન ફ્રાંસ અને બ્રિટન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું.

જમશેદજી જે વહાણમાં બેઠા હતા તે વહાણ ઉપર ફ્રાન્સના સૈનિકોએ હુમલો કર્યો પરંતુ અંતે સમયસર બ્રિટીશ સૈનિકોની મદદ આવી પહોચતાં વહાણ બચી ગયું અને છેવટે તેઓ મદ્રાસ બંદરે પહોચ્યા. આ વખતે ચીનથી લાવેલા માલના વેચાણમાંથી તેઓ સારું એવું કમાયા.

બુદ્ધિજીવી અને સાહસિકવૃત્તિવાળા જમશેદજીને ધંધામાં સારી કમાણી થતાં તેમણે ચીન ઉપરાંત સિંગાપોર, સુમાત્રા, ઇંગ્લૅન્ડ અને સિયામ જેવા દેશો સુધી પોતાનો વ્યવસાય વિકસાવ્યો.

જોકે વચ્ચે એવો સમય પણ આવ્યો કે મુંબઈમાં ગોદામમાં રાખેલ તેમનો માલસામાન આગથી બળીને ખાખ થઈ ગયો અને મોટું નુકશાન થયું, છતાં જમશેદજી હિંમત હાર્યા નહીં.

આ સમયે ફારમજી નામના પારસી ગૃહસ્થે જમશેદજીની હિંમત જોઈ પોતાની દીકરી આવાંબાઈનું લગ્ન જમશેદજી સાથે કર્યું. જમશેદજીની ઉમર તે સમયે માત્ર 20 વરસની હતી જ્યારે તેમનાં પત્ની આવાંબાઈની ઉમર માત્ર 10 વરસની હતી.

લગ્ન જીવન શાંતિ પૂર્ણ રીતે શરૂ થયું. એકવાર વ્યાપારાર્થે જમશેદજીને ચીન જવાનું થયું.

તેઓ જે બોટમાં બેઠા હતા તે બોટ પર ફાંસના સૈનિકોએ હુમલો કરી માલસમાન અને યાત્રીઓને પોતાની ફ્લેગશિપમાં ચઢાવી દીધા અને તે બધાને છેક દક્ષિણ આફ્રિકાના છેડે આવેલા કૅપ ઑફ ગુડ હોપ લઈ જઈ ઉતારી દીધા.

આ સમય જમશેદજી માટે કપરો પુરવાર થયો. તેમનો બધો માલ તો લૂંટાયો પણ તેમની પાસે જે પૈસા હતા તે પણ ફ્રાન્સના સૈનિકોએ લઈ લીધા અને પહેરે લૂગડે તેઓ કૅપ ઑફ ગુડ હોપમાં ભૂખ્યા અને તરસ્યા દિવસો વિતાવવા લાગ્યા. નસીબ જોગે અંગ્રેજો એક ડૅનિશ બોટ લઈને કલકત્તા જઈ રહ્યા હતા

તેમાં જમશેદજીને બેસાડી કલકત્તા પહોચાડ્યા. ત્યાંથી તેઓ મુંબઈ પરત ફર્યા. લોકોમાં આશ્ચર્ય સાથે હરખની લાગણી વ્યાપી કારણ કે કેટલાય દિવસો સુધી જમશેદજીનો કોઈ પત્તો નહોતો.

દરિયાઈ સફરોમાં આટઆટલી તકલીફ પડતી હોવા છતાંય તેઓ હિંમત હાર્યા નહી. દરમ્યાનમાં તેમના માસા ફરામજીનું અવસાન થતાં તેમની પેઢીની બધી જ જવાબદારી જમશેદજીના માથે આવી પડી જેને તેમણે સુપેરે નિભાવી.

પારસી

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના વ્યવસાયને આગળ ધપાવવા તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે હાથ મિલાવ્યા તેમજ એક જૈન વેપારી મોતીચંદ અમીચંદ તેમજ એક મુસ્લિમ વેપારી મહંમદ હુસેનને પોતાની પેઢીમાં ભાગીદાર તરીકે સામેલ કર્યા.

"ગુડ સક્સેસ" નામે એક બોટ ખરીદી અને રૉબ નામના એક અંગ્રેજ કમાન્ડરને કપ્તાન તરીકે નિમ્યા. જેમજેમ બિઝનેસ વધતો ગયો તેમતેમ તેમનાં વહાણોનો કાફલો વધતો ગયો.

એ જમાનામાં જમશેદજી જીજીભોય ઍન્ડ કંપની પાસે છ વહાણો હતાં. 1842માં તેમની અંગત મિલકત બે કરોડ રૂપિયા જેટલી હતી.

ત્યાર બાદ તેમણે એક યુરોપીયન દ્વારા સ્થાપિત ચીનની કંપની "જરદીન માથેસોન ઍન્ડ કંપની" સાથે હાથ મિલાવી પોતાના વ્યાપારને વિશ્વસ્તરે વિકસાવ્યો.

હૉંગકૉંગના મુખ્યાલયમાં બસો વરસ થયાં છતાં જમશેદજી જીજીભોયનું તૈલચિત્ર આજે પણ શોભી રહ્યું છે.

જમશેદજી એક કુશળ વ્યાપારી જ નહોતા પણ એક ઉદાર દિલવાળા મહાજન તરીકે પણ તેમની નામના હતી. તેમની માએ આપેલી શિખામણ તેમણે તેમના મગજમાં સંગ્રહી રાખી હતી.

તેઓ તેમની પાસે આવતા જરૂરિયાત મંદોને અને ગરીબોને તો મદદ કરતા. તે સમયે માહીમ અને બાંદરા વચ્ચે અવર-જવર કરવા માટે ખાડી ઉપર કોઈ પુલ ન હતો ત્યારે તેમણે 1,55,800 જેટલો ખર્ચ કરીને પુલ બંધાવ્યો.

8મી એપ્રિલ 1845ના દિવસે ગવર્નર જ્યૉર્જ આર્થર જોડે આ પૂલ (માહીમ કૉઝવે)ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગવર્નરે આવાંબાઈને સલામી દેવડાવી ખૂબ માનપાન આપ્યું હતું. માહીમમાં પણ લૅડી જમશેદજી રોડ માટે તેમણે રૂ. 22,000 જેટલો ફાળો આપ્યો હતો.

1845માં મુંબઈ ખાતે પ્રથમ મેડિકલ કૉલેજ શરૂ કરવામાં આવી તેમાં જમશેદજીએ રસ લઈ આ મેડિકલ કૉલેજની સંલગ્ન હૉસ્પિટલ ઊભી કરવા બે લાખ રૂપિયાનું દાન આપ્યું. જેને કારણે સર જે. જે. હોસ્પિટલ શરૂ થઈ.

તેમણે ફાઇન આર્ટસના વિકાસ માટે વર્ષ 1857માં રૂપિયા એક લાખનું દાન આપી 'સર જમશેદજી જીજીભાઈ સ્કૂલ ઑફ આર્ટ' શરૂ કરી.

મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી 'સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ'એ આજે સારી નામના પ્રાપ્ત કરી છે અને એક વટવૃક્ષ સમાન બનીને વિકસી છે. તેને સલગ્ન 'જે. જે. સ્કૂલ ઑફ આર્કિટેક્ચર' અને 'જે. જે. સ્કૂલ ઑફ ઍપ્લાઇડ આર્ટ' જેવી સંસ્થાઓએ પણ સારી નામના મેળવી છે. આ જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી શ્રી રવિશંકર રાવળ જેવા ઉમદા ચિત્રકાર ગુજરાતને મળ્યા.

સૌથી પ્રખ્યાત સર 'જે. જે. હૉસ્પિટલ', 'સર જે. જે સ્કૂલ ઑફ આર્ટ્સ' ઉપરાંત બૉમ્બે સમાચાર, જે. જે. કોર્ટ બૉઈઝ સ્કૂલ, પૂણેનો બંડ ગાર્ડન અને સુધરાઈને પુણેમાં પાણીના વિતરણ માટે સહાય આપી હતી.

મુંબઈ, પૂણે, નવસારી ઉપરાંત સુરત જેવાં ઘણાં શહેરોમાં સર જમશેદજીએ દાન કરી જરૂરિયાત મુજબ શાળાઓ, હૉસ્પિટલ, ધર્મશાળા, કૂવા, કે પાણીની ટાંકી બનાવડાવ્યાં હતાં. બૉમ્બે સૅન્ટ્રલ સ્ટેશન નજીક એક ધર્મશાળા ઊભી કરી.

ભાયખલાસ્થિત આ 'સર જે. જે. ધર્મશાળા' ગરીબો માટે નિવાસ, ભોજન, વસ્ત્રો તેમજ દવાઓ પણ મફતમાં આપતી.

અગાઉ જણાવ્યુ તેમ જમશેદજીએ અનેક સંસ્થાઓમાં સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ અને શહેર સુધારાઈમાં મદદ કરી જેને ધ્યાનમાં રાખી તે વખતે અંગ્રેજ સરકારે 1927માં જમશેદજીને જયુરી તરીકે પસંદ કર્યા.

આ પદ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ત્યાર બાદ તેમને ગ્રાન્ડ જયુરી તરીકે નિમ્યા હતા અને 1834માં "જસ્ટિસ ઑફ પીસ" બનાવ્યા, જેઓ આ પદ માટે પ્રથમ ભારતીય હતા.

આ ઉપરાંત તેમને સરકારે "નાઈટ હૂડ"નો ખિતાબ પણ આપ્યો.ઇંગ્લૅન્ડની સરકારે તેમનું "ફ્રીડમ ઑફ સિટી ઑફ લંડન" નામથી સન્માન કર્યું હતું.

1840૦ દરમ્યાન ઇસ્ટ ઇંડિયા કંપનીએ મુંબઈમાં બૅન્ફ ઑફ બૉમ્બે શરૂ કરી જેમાં જમશેદજી જીજીભોય એક માત્ર ભારતીય ડાયરેક્ટર હતા.

1853માં હિંદુસ્તાનની પ્રથમ રેલવેસેવા મુંબઈના બોરી બંદરથી થાણે સુધી શરૂ થઈ આમાં પણ જમશેદજી ડાયરેક્ટર પદે હતા.

૧૮૭૪માં જમશેદજીને બૅરોનેટની પદવી આપવામાં આવી હતી. આ પદવીને આધારે તેમના પુત્ર ખુરદેશજી બીજા બૅરોનેટ કહેવાયા.

આમ તેમના વારસો આગળ સર નામ લખાતું. 15મી એપ્રિલ 1959ના રોજ આ મહાન ઉદ્યોગપતિ, દાનવીર શેઠ જમશેદજી જીજીભોયનું અવસાન થયું.

સ્વર્ગવાસ પછી તેમની પુણ્ય શતાબ્દીની ઉજવણી નિમિત્તે 15મી એપ્રિલે ભારતીય ટપાલ વિભાગે તેમના સ્મરણમાં એક સુંદર કૉમોમોરેટીવ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

આજે તેમના વારસદાર બૅરોનેટમાં સર જમશેદજી જીજીભોય 8મા બૅરોનેટ છે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

લાઇન

સંદર્ભ :

૧. ૫૧ જીવન ઝરમર લેખક : જીતેન્દ્ર પટેલ,પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, બીજી આવૃત્તિ : ૨૦૧૮

૨. સપનાનાં સોદાગર, લેખક : ઉષા ભાલ મલજી, પ્રકાશક : ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ 2013 પાન :25-26

૩. Digital Book: History of the Parsis - Including their manners, customs, religion and present position Author : Dosabhai Framjee Karaka, Published by Macmillan & Co., London - 1884. Volumes I & II

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો