'મોદીરાજમાં ભારત પર લાખો કરોડોનું દેવું ચડી ગયું', કૉંગ્રેસના આ દાવામાં કેટલું સત્ય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અંશુલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપશાસિત સરકારનાં માત્ર નવ વર્ષના શાસનમાં ભારત પર ત્રણ ગણું દેવું વધી ગયું છે.
મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થવાનો જશ્ન ભાજપ મનાવી રહ્યો છે. આ પ્રસંગે ભાજપે મહાસંપર્ક અભિયાન શરૂ કર્યું છે.
આ અંતર્ગત મોદી સરકારના કૅબિનેટ મંત્રી, ભાજપશાસિત રાજ્યના મુખ્ય મંત્રી અને પાર્ટી કાર્યકર્તા દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારની ઉપલબ્ધિ વિશે માહિતી આપી રહ્યા છે.
ગયા અઠવાડિયે શનિવારે આ મુદ્દા પર કૉંગ્રેસ તરફથી પ્રેસ-કૉન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ દરમિયાન કૉંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આરોપ લગાવ્યો હતો કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ માટે મોદી સરકારની 'આર્થિક અવ્યવસ્થા' જવાબદાર છે.

કૉંગ્રેસે શું આરોપો લગાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, “મોદી સરકાર નવ વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે તેની હકીકત બતાવવી પણ જરૂરી છે. નરેન્દ્ર મોદીજીએ એ રેકૉર્ડ સ્થાપિત કર્યો છે, જે તેમના પહેલાં આ દેશના 14 વડા પ્રધાન કરી શક્યા નથી.”
“આ દેશના 14 વડા પ્રધાનોએ કુલ મળીને માત્ર 55 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. 67 વર્ષમાં 14 વડા પ્રધાનોએ કુલ 55 લાખ કરોડ રૂપિયાની લોન લીધી અને દરેક વખતે રેસમાં આગળ રહેવા માગતા નરેન્દ્ર મોદીજીએ છેલ્લાં નવ વર્ષમાં ભારતનું દેવું ત્રણ ગણું વધારી દીધું છે. 100 લાખ કરોડથી વધુની લોન માત્ર તેમણે નવ વર્ષમાં લીધી છે.”

ઇમેજ સ્રોત, @INCIndia
સુપ્રિયાનો દાવો છે કે 2014 સુધી ભારત પર 55 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, જે હવે 155 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભાજપનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના આરોપો પર ભાજપનું કહેવું છે કે આ દેવાને જીડીપીના સંદર્ભમાં જોવું જોઈએ.
ભાજપે આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ટ્વીટ કરીને લખ્યું છે કે, “અર્થવ્યવ્સ્થાની સમસ્યાને રાજકોષીય નુકસાનના સંદર્ભમાં માપવામાં આવે છે, જે હંમેશાં જીડીપીની ટકાવારીને દેવા તરીકે જોવામાં આવે છે. જ્યાં સુધી તેને જીડીપીના સંદર્ભે ન જોઈએ, ત્યાં સુધી તે પર્યાપ્ત નથી.”
અમિત માલવીય લખે છે કે, “2013-14થી 2022-23 સુધીમાં ભારતનો જીડીપી 113.45 લાખ કરોડ રૂપિયાથી વધીને 272 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તે 139 ટકાનો વધારો થયો છે. આટલું દેવું હોવા છતાં મોદી સરકારે 2014થી અત્યાર સુધી નાણાકીય નુકસાન ઓછું કર્યું છે.”

ઇમેજ સ્રોત, @amitmalviya
“જોકે 2020-21માં કોવિડ-19ને કારણે લેવામાં આવેલા નાણાકીય નિર્ણયોના લીધે ટૂંક સમય માટે તેમાં વધારો થયો હતો. હવે તે ફરી નીચે આવી ગયું છે અને નાણાકીય વર્ષ 2023માં સરકારનો ટાર્ગેટ તેને (જીડીપીના) 6.4 ટકા સુધી રાખવાનો છે.”

2014 સુધી કેન્દ્ર સરકાર પર દેવું

ઇમેજ સ્રોત, INDIABUDGET.GOV.IN
કેન્દ્રીય બજેટની સત્તાવાર વેબસાઇટ પર ભારત સરકારે લોન અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
સત્તાવાર વેબસાઇટ પર 2014 સુધી ‘ભારત સરકારની દેવાની સ્થિતિ’ અંગેના બજેટ દસ્તાવેજો મૂકવામાં આવ્યા છે.
દસ્તાવેજ અનુસાર, 31 માર્ચ 2014 સુધી ભારત સરકાર પર 55.87 લાખ કરોડ રૂપિયાની દેવાદારી હતી.
તેમાંથી 54.04 લાખ કરોડ રૂપિયા આંતરિક દેવું અને 1.82 લાખ કરોડ રૂપિયા વિદેશી દેવું હતું.
આંતરિક દેવા અંતર્ગત ખુલ્લા બજારમાં ઊભી કરાયેલી લોન, રિઝર્વ બૅંન્કને જારી કરાયેલા શેર, અન્ય બૉન્ડનો સમાવેશ થાય છે.
વિદેશી દેવું એ દેવું છે જે વ્યાપારી બૅંન્કો, અન્યો દેશોની સરકાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનો સહિત વિદેશી ધિરાણકર્તાઓ પાસે ઉધાર લેવામાં આવે છે.

2023 સુધી કેન્દ્ર સરકાર પર દેવું

ઇમેજ સ્રોત, INDIABUDGET.GOV.IN
આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ બજેટમાં નાણાકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં લોનની રકમ 152.61 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો.
જેમાં આંતરિક દેવું લગભગ 148 લાખ કરોડ રૂપિયા અને વિદેશી દેવું લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા છે.
જો તેમાં વધારાના ઈબીઆર અને રોકડ બૅલેન્સ સામેલ કરવામાં આવે, તો અંદાજે કુલ દેવું 155.77 લાખ કરોડ થશે.
સરકાર બજેટમાં લખેલી જરૂરિયાતો સિવાયની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઈબીઆર રાખે છે અને રોકડ બેલેન્સ વધારાના નાણા છે, જેનો ઉપયોગ કટોકટી સમયે થઈ શકે છે.

દેવા અંગે નાણામંત્રીનું સત્તાવાર નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં સરકાર પરના દેવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.
આ સવાલ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના સાંસદ નામા નાગેશ્વર રાવે લેખિતમાં નાણા મંત્રાલયને પૂછ્યો હતો.
ત્યારબાદ 20 માર્ચ, 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે લેખિતમાં સાંસદ નાગેશ્વર રાવના સવાલનો જવાબ આપ્યો હતો.
નાણામંત્રીએ કહ્યું હતું, “31 માર્ચ 2023 સુધીની સ્થિતિ અનુસાર કેન્દ્ર સરકારનું દેવું/ દેવાદારીઓની કુલ રાશિ લગભગ 155.8 લાખ કરોડ રૂપિયા (જીડીપીના 57.3 ટકા) છે.”
“તેમાંથી વર્તમાન વિનિમય દર પર વિદેશી દેવું અંદાજે 7.03 લાખ કરોડ રૂપિયા (જીડીપીના 2.6 ટકા) છે.”

શું મોદી સરકાર સમયે દેવું ઝડપથી વધ્યું છે?

ઇમેજ સ્રોત, SANSAD.IN
સવાલ એ થાય છે કે શું કૉંગ્રેસ સરકારના દાવા મુજબ મોદી સરકારના સમયમાં દેવામાં અતિ વધારો નોંધાયો છે.
બીબીસીએ છેલ્લી પાંચ સરકાર દ્વારા તેમના કાર્યકાળના અંતિમ વર્ષમાં જાહેર કરાયેલા બજેટ દરમિયાન આપવામાં આવેલી લોનના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે.
તે મુજબ દર પાંચ વર્ષે સરકાર પરના દેવામાં લગભગ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે.
અર્થશાસ્ત્રી અરુણકુમાર તેનું કારણ દર્શાવતા કહે છે કે, “સરકારનું દેવું તેની આવક અને ખર્ચ પર નિર્ભર છે. જો ખર્ચ આવક કરતા વધારે થાય તો સરકારને ઉધાર અથવા લોન લેવી પડે છે. તેની સીધી અસર સરકારના રાજકોષીય નુકસાન પર પડે છે.”
“1980 પછી અમને બજેટમાં રાજસ્વ નુકસાન થઈ રહ્યું છે. રાજસ્વ નુકસાનનો અર્થ એ છે કે જે તમારો વર્તમાન ખર્ચ છે, તે તમારા રાજસ્વથી વધારે છે. તેથી વર્તમાન ખર્ચ ચલાવવા માટે લોન લેવી પડે છે. રાજસ્વ નુકસાનનો અર્થ એ છે કે જેના માટે તમે ઉધાર લઈ રહ્યા છો, તેનું વળતર નહીં મળે. જેવી રીતે સબસીડી અથવા ડિફેન્સ પર થતા ખર્ચ. બજેટનો એક મોટો ભાગ તેના પર ખર્ચ થાય છે અને ત્યારબાદ આપણું દેવું વધતું જ જાય છે.”

સરકાર લોનનો ઉપયોગ ક્યાં કરે છે?
જોકે સવાલ એ છે કે સરકાર શા માટે લોન લે છે અને લોન પર લીધેલા રૂપિયા ક્યાં ખર્ચવામાં આવે છે.
આ સવાલોના જવાબ જાણવા માટે અમે આર્થિક વિશ્લેષક પરંજૉય ગુહા ઠાકુરતા અને દક્ષિણપંથી આર્થિક વિશ્લેષક ડૉ. સુવ્રોકમલ દત્તા સાથે વાત કરી છે.

પરંજૉય ગુહા ઠાકુરતા શું કહે છે

ઇમેજ સ્રોત, Getty Images
આર્થિક વિશ્લેષક પરંજૉય ગુહા ઠાકુરતા આ વધેલા દેવાને સરકારની મજબૂરી ગણાવે છે.
પરંજૉય કહે છે કે, “મોદી સરકાર પાસે લોન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમે (મોદી સરકાર) અન્ય લોકોને કહો છો કે તમે (મફત વસ્તુઓ) આપો છો, પરંતુ મોદી સરકાર તો પોતે જ મફતમાં આપે છે. આ રૂપિયા લોન લેવાથી જ આવશે.”
“આજે જે લોન લેવામાં આવી રહી છે તેની બોજો માત્ર મારા અને તમારા પર નહીં પડે. ભવિષ્યમાં તેનો બોજો આપણા સંતાનો પર પણ આવશે.”
“જો અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધશે નહીં, રોજગારી નહીં વધે અને આપણા દેશમાં અમીર-ગરીબ વચ્ચેની અસમાનતા ઓછી નહીં થાય, તો તમારે લોન લેવી જ પડશે. દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર લોન પર ચાલી રહી છે.”

અમીરો વધુ અમીર બન્યા
જીડીપી વધારવાના સવાલ પર પરંજૉય ગુહા ઠાકુરતાનું કહેવું છે કે જીડીપીની ફાળવણીની પદ્ધતિ યોગ્ય નથી.
પરંજૉય કહે છે કે, “સરકાર જીડીપીની ફાળવણી અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપતી નથી. માત્ર જીડીપીના આંકડા જોઈને તમને સમગ્ર કહાણીની સમજ નહીં પડે.”
“શું જીડીપી વધ્યો છે કારણ કે દેશના કેટલાક ઉદ્યોગપતિઓની સંપત્તિની કિંમત વધી છે કે પછી ગરીબી રેખાથી નીચે આવતા લોકોની સંપત્તિ વધી છે? તેથી અર્થવ્યવસ્થા પાછળ અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા જીડીપીના આંકડા દ્વારા ખબર નહીં પડે. સરકાર જીડીપી વિશે તો વાત કરે છે, પરંતુ આ વિષયે મૌન રહે છે.”

લોનના પૈસા ક્યાં જાય છે?
પરંજૉય ગુહા ઠાકુરતા અનુસાર, સરકાર મફતની યોજનાઓથી લઈને નવી સંસદ જેવી ચીજો પર લોનનાં નાણા ખર્ચ કરે છે.
તેઓ કહે છે કે, “સરકાર કહે છે કે અમે મફત ઘઉં-ચોખા આપીએ છીએ, મફત સિલિન્ડર આપીએ છીએ, કિસાન સમ્માન નિધિ આપીએ છીએ, આ તમામ વસ્તુઓ પર લોનની રકમ ખર્ચવામાં આવે છે. તે સિવાય નવી સંસદ બનાવવામાં પણ સરકારી લોનનો ઉપયોગ થઈ રહ્યો છે.”

‘હિટ ઍન્ડ રન’ કૉંગ્રેસની આદત

ઇમેજ સ્રોત, DR. SUVROKAMAL DUTTA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. સુવ્રોકમલ દત્તા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે આરોપ લગાવીને ભાગી જવું કૉંગ્રેસની જૂની આદત છે.
ડૉ. દત્તા કહે છે કે, “કૉંગ્રેસે દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં તેમણે ડેટાનો સોર્સ જણાવ્યો નથી. આજકાલ કૉંગ્રેસ ક્યાંકને ક્યાંક ‘હિટ ઍન્ડ રન’ની રાજનીતિ પર ઊતરી આવી છે. એનો અર્થ એ કે આરોપો લગાવીને ભાગી જવું. 2014ની ચૂંટણી પછી કૉંગ્રેસની આ રણનીતિ રહી છે.”
“ભારત સરકાર કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આવા કોઈ પણ ડેટા જાહેર કર્યા નથી, જેમાં સત્તાવાર રીતે દેવું બે કે ત્રણ ગણું બતાવવામાં આવ્યું હોય.”
“જ્યાં સુધી વાત નિર્મલા સીતારમણના નિવેદનની છે, ત્યારે તેમણે ક્યારેય પણ 2014થી લઈને અત્યાર સુધીના દેવાનો કોઈ આંકડો આપ્યો નથી. તેમણે 2023 સુધીનું કુલ દેવું 155 લાખ કરોડ ગણાવ્યું છે. જેમાં કૉંગ્રેસની જૂની સરકારોનું દેવું પણ સામેલ છે. કૉગ્રેસે લગભગ 60 વર્ષો સુધી દેશમાં શાસન કર્યું છે, તેથી તે સમયનું પણ દેવું ઉમેરવામાં આવશે..”
“હું કૉગ્રેસને પ્રશ્ન પૂછું છું કે જ્યારે કૉંગ્રેસની સરકાર હતી, ત્યારે વ્યક્તિદીઠ દેવું 17 હજાર રૂપિયા હતું. આ વાતની પુષ્ટિ તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કરી છે, પછી તે આઈએમએફ હોય કે વર્લ્ડ બૅંન્ક હોય. એ સમયે આપણા દેશમાં ઓછામાં ઓછા 115થી લઈને 120 કરોડની વસતી હતી. હવે આ દેવાનો જવાબ કોણ આપશે?”

અર્થવ્યવસ્થાની સરખામણીએ દેવું ઘણું ઓછું
ડૉ.સુર્વોકમલ કહે છે કે અર્થતંત્રની સરખામણીએ સરકાર પરનું દેવું ઘણું ઓછું છે.
ડૉ. દત્તાનું કહેવું છે કે, “આજે ભારત પર કુલ દેવું 155 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે ઇકોનૉમી પણ 3.35 ટ્રિલિયન અમેરિકન ડૉલરની થઈ છે. આજે ભારતની ઇકોનૉમી દુનિયાભરમાં પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે અને 2028 સુધી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 3.35 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમીની સરખામણીએ દેવાનો ગુણોત્તર ઘણો ઓછો છે.”
“આજે ભારતમાં રેલવે સ્ટેશન, ઍરપૉર્ટ અને અન્ય ચીજો બની રહી છે, તેના માટે પૈસાની જરૂર પડે છે. કૉંગ્રેસનાં 60 વર્ષના શાસનમાં 15 કે 20 ઍરપૉર્ટ હતાં, આજે મોદી સરકારના શાસનમાં નાનાં-મોટાં મળીને 200 ઍરપૉર્ટ બન્યાં છે. રેલ નેટવર્કનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મોદી સરકાર દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી.”
“ઉદાહરણ તરીકે કૉંગ્રેસના સમયે દરરોજ 11 કિમીની નજીકમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આજે માર્ગ નિર્માણની ઝડપ બમણી થઈ ગઈ છે. આટલો વિકાસ થશે, તો ખર્ચ પણ એ પ્રમાણે વધશે.”

‘જીડીપી વિના સરકારી લોનનું આકલન અધૂરુ’
ડૉ. સુર્વોકમલ દત્તા જીડીપીના સંદર્ભમાં ભાજપ સરકારના દેવાને જોવાની વાતને યોગ્ય ઠેરવે છે.
તેમનું કહેવું છે કે, “આપણે જ્યારે કોઈ પણ દેશના દેવાનું મૂલ્યાંકન કરીએ છીએ, ત્યારે તેની સાથે દેશનો વર્તમાન જીડીપી પણ જોવામાં આવે છે. ભાજપે જે પણ કહ્યું, તે સચોટ છે અને એજ પ્રકારે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.”
“આપણે આજે જોઈએ તો છેલ્લા બે વર્ષમાં ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણ (એફઆઈઆઈ) અને વિદેશી ડાયરેક્ટ રોકાણ (એફડીઆઈ) રેકૉર્ડ સ્તરે જોવા મળ્યું છે. એફડીઆઈના કેસમાં ભારત છેલ્લા એક વર્ષમાં ચીનથી આગળ છે. ચીનમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ ધરાવતી તમામ મોટી કંપનીઓ હવે ભારત તરફ વળી રહી છે. ”
“કોરોનાકાળમાં સરકારે લોકોને 220 કરોડ રસી આપી અને મફત રાશનનું વિતરણ કર્યું છે. આ બધું લોકોને ભલે મફત મળ્યું હશે, પરંતુ સરકારે તેના માટે ચૂકવણી કરી છે.”
સરકારની નીતિઓની ટીકા કરનારા પરંજૉય ગુહા ઠાકુરતા અને સરકારની નીતિઓનું સમર્થન કરનારા ડૉ. સુર્વોકમલ દત્તા એ વાત પર સહમત મત જણાય છે કે સરકાર દ્વારા સામાજિક કલ્યાણ ક્ષેત્રમાં કરવામાં આવતા ખર્ચને કારણે સરકારના દેવા પર અસર થાય છે.














