'વસ્તીમાં આગળ' નીકળી ગયેલું ભારત શું ચીનને પાછળ છોડીને વૈશ્વિક મહાસત્તા બની શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રિકાર્ડો સેનરા
- પદ, વૈશ્વિક વસ્તી વિષયક સંવાદદાતા
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, ચીનને પાછળ છોડીને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે, પરંતુ વૈશ્વિક મહાસત્તા બનવાની બાબતમાં ભારત તેના શક્તિશાળી પાડોશીનું સમોવડિયું છે કે તેના પાછળ છોડી શકશે?
નિષ્ણાતો જણાવે છે કે અર્થતંત્રના કદ, ભૌગોલિક રાજકીય પ્રભાવ અને લશ્કરી શક્તિની બાબતમાં બેઇજિંગ હજુ પણ ઘણું આગળ છે, પરંતુ ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે.
2001ના અર્થશાસ્ત્ર માટેના નોબલ પુરસ્કારના વિજેતા માઈકલ સ્પેન્સ માને છે કે ભારત માટે એ ઘડી આવી પહોંચી છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ડીન અને પ્રોફેસર સ્પેન્સે બીબીસીને કહ્યું હતું કે, "ભારત ચીનની લગોલગ પહોંચી જશે. ચીનના અર્થતંત્રની ગતિ ધીમી પડશે, ભારતની નહીં."
અલબત, આગળ ઘણા પડકાર છે.
ચીનનું અર્થતંત્ર વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. તે ભારત કરતાં લગભગ પાંચ ગણું મોટું છે. અર્થતંત્રની બાબતમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ પાંચમો છે.
ભારતનો મધ્યમ વર્ગ પ્રમાણમાં નાનો હોવાથી હિંદુસ્તાને "ચીની શૈલી"ની તેજી જોવા માટે શિક્ષણ, જીવનધોરણ, લૈંગિક સમાનતા અને આર્થિક સુધારાક્ષેત્રે જંગી રોકાણ કરવું પડશે.
વૈશ્વિક મહાસત્તા બનવાનો અર્થ સૌથી વધુ વસ્તી અને તંદુરસ્ત અર્થતંત્ર પૂરતો મર્યાદિત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં ભૂરાજકીય અને લશ્કરી શક્તિનો પણ સમાવેશ થાય છે. આ ક્ષેત્રે ભારત ઘણું પાછળ છે.
સૉફ્ટ પાવર પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવા અને નેટફ્લિક્સ પર રેકૉર્ડ્ઝ તોડવામાં ભારતના ફિલ્મોદ્યોગની, બોલીવૂડની ભૂમિકા બહુ પ્રભાવશાળી છે, પરંતુ તેની સામે કથિત ચાઈનાવૂડ છે.
ચીનના ઝડપથી વિકસતા શક્તિશાળી ફિલ્મોદ્યોગે વિશ્વની સૌથી મોટી બૉક્સ ઑફિસ તરીકે 2020 અને 2021માં હૉલીવૂડના પાછળ છોડી દીધું હતું.

ભારતની આર્થિક ગતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે ભારતમાં રોજ 86,000 બાળકોનો જન્મ થાય છે, જ્યારે ચીનમાં તે પ્રમાણ 49,400નું છે. નીચા પ્રજનન દર સાથે ચીનની વસ્તી પહેલેથી જ ઘટી રહી છે અને આ સદીના અંત સુધીમાં તે ઘટીને એક અબજ લોકોથી ઓછી થઈ જશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા મુજબ, ભારતની વસ્તીમાં 2064 સુધી સતત વધારો થતો રહેશે અને તે આજના 1.4 અબજથી વધીને 2064 સુધીમાં 1.7 અબજ થઈ જશે. નોકરી-ધંધો કરીને રોજગારી મેળવવાની વયના લોકોની વધતી જતી વસ્તીને કારણે ઝડપી આર્થિક વૃદ્ધિ(ડેમોગ્રાફિક ડિવિડન્ડ)નો લાભ ભારતને મળશે.
ન્યૂ યૉર્કની ન્યૂ સ્કૂલ ખાતેની ઇન્ડિયા-ચાઈના ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રોફસર માર્ક ફ્રેઝિયરે કહ્યું હતું કે "ભારતમાં 1990ના દાયકાથી શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓનો લાભ હવે મળી રહ્યો છે, પરંતુ તેના કર્મચારીઓ કેટલી હદે શિક્ષિત, સ્વસ્થ્ય, કુશળ અને અર્થતંત્રમાં યોગદાન આપવા સક્ષમ હશે તેના પર બહુ મોટો આધાર છે."
ઍપલ અને ફૉક્સકૉન જેવી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓને તાજેતરમાં રોકાણ માટે આકર્ષવા છતાં ભારતની આંતરિક અમલદારશાહી અને વારંવાર કરવામાં આવતા નીતિગત ફેરફારોને પરિણામે આંતરરાષ્ટ્રીય રોકાણ માટે ભયનું વાતાવરણ સર્જાય છે.
પ્રોફેસર ફ્રેઝિયરે ઉમેર્યું હતું કે "જે દેશની વસ્તી વધારે હોય તે દેશ વધારે શક્તિશાળી હોય એવી માન્યતા 19મી સદીની છે. તેમાં બીજી પણ ઘણી બાબતોનો સમાવેશ થતો હોય છે."
વિશ્વ બૅન્કના જણાવ્યા અનુસાર, આજે કામકાજની ઉંમરના (14-46 વર્ષની વયના) કુલ પૈકીના 50 ટકા ભારતીયો જ કામ કરી રહ્યા છે અથવા નોકરી શોધી રહ્યા છે. મહિલાઓની વાત કરીએ તો ચીનના 60 ટકા અને યુરોપિયન સંઘના બાવન ટકાની સામે ભારતમાં તે 25 ટકા છે.
1980 અને1990ના દાયકામાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ આર્થિક સુધારાઓ પછી ચીનનું અર્થતંત્ર અન્ય કોઈ પણ અર્થતંત્ર કરતાં વધુ વિકાસ પામ્યું છે, પરંતુ કોવિડ મહામારી, વૃદ્ધોની વધતી જતી વસ્તી અને પશ્ચિમી દેશો સાથે વધતી તંગદિલીના મિશ્રણને કારણે ચીનની આર્થિક વૃદ્ધિ પર માઠી અસર થઈ છે.
ભારતનો જીડીપી પહેલેથી જ ચીન કરતાં વધુ ઝડપે વધી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળનો અંદાજ દર્શાવે છે કે તે વૃદ્ધિ ચાલુ રહેવાની આશા છે.
આ સંદર્ભમાં સવાલ એ છે કે ધીમા વિકાસદરનો અર્થ એ થાય કે ચીન સુસંગતતા ગૂમાવી બેસશે?
પ્રોફેસર સ્પેન્સે કહ્યું હતું કે "ચીન 2030 સુધી ચાર અથવા પાંચ ટકાના દરે વૃદ્ધિ પામશે તો એ પણ પ્રભાવશાળી સિદ્ધિ હશે. લોકો એવું માનતા હોય છે કે જે દેશ 8-9 ટકાના દરે વૃદ્ધિ સાધતો હોય તે મંદીની નિશાની છે, પરંતુ હકીકતમાં એવું નથી."
તેમણે ઉમેર્યું હતું કે, "ચીન હવે અમેરિકા જેવું બની ગયું છે. અમેરિકાએ 8,9 કે 10 ટકાને દરે ક્યારેય વિકાસ સાધ્યો નથી. તેમણે ઉત્પાદકતા વૃદ્ધિ પર આધાર રાખવો પડશે અને હું માનું છું કે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનૉલૉજી ક્ષેત્રે જંગી રોકાણ કરીને જંગી રોકાણ કરીને તેઓ ત્યાં સુધી પહોંચી શકશે."

ચીનનું લશ્કરી વિસ્તરણ

ઇમેજ સ્રોત, Getty Images
ચીન અને ભારત બન્ને પરમાણુ શક્તિ છે. એ બાબત તેમને વૈશ્વિક મંચ પર વ્યૂહાત્મક સ્થાન આપે છે.
ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના અંદાજ મુજબ, બેઇજિંગનું પરમાણુ શસ્ત્રાગાર નવી દિલ્હી કરતાં અઢી ગણું મોટું છે. ચીનની સશસ્ત્ર દળોમાં છ લાખથી વધારે સૈનિકો છે અને તે સંરક્ષણ ઉદ્યોગમાં ગંભીરતાપૂર્વક રોકાણ કરી રહ્યું છે.
પ્રોફેસર ફ્રેઝિયરે કહ્યું હતું કે "ભારત આયાતી ટેકનૉલૉજી, નિપુણતા અને રશિયા પર મોટા પાયે નિર્ભર છે, જ્યારે ચીન મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઘરઆંગણે જ વ્યાપક સંશોધન અને વિકાસ સાધી રહ્યું છે."
ચીન સંરક્ષણ ક્ષેત્રે સ્પષ્ટ રીતે આગળ છે, જ્યારે ભારતના યુરોપ તથા અમેરિકા સાથેના સારા સંબંધનો લાભ મળી રહ્યો છે. વિશ્વની મોટાભાગની લશ્કરી શક્તિ યુરોપ અને અમેરિકામાં છે.
પ્રોફસર ફ્રેઝિયરે ઉમેર્યું હતું કે "અમેરિકા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આસપાસ એક પ્રકારનું સુરક્ષા ક્ષેત્ર બનાવી રહ્યું છે. તેમાં માત્ર પૂર્વ એશિયા જ નહીં, પરંતુ દક્ષિણ એશિયા, પ્રશાંત પશ્ચિમ મહાસાગર અને હિંદ મહાસાગરનો પણ સમાવેશ થાય છે ત્યારે ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર બની શકે છે."

ભૂરાજકીય વિકલ્પો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત આ વર્ષે G20નું યજમાન છે.
જી20 દેશો વિશ્વની 85 ટકા સંપત્તિ ધરાવે છે, એવામાં જી 20નું યજમાન બનવું ભારત માટે પોતાને પ્રમોટ કરવાની તક છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા ત્યારથી વિશ્વના શક્તિશાળી દેશો સાથે ચીનના સંબંધ વધુને વધુ ખરાબ થઈ રહ્યા છે, પણ રશિયા અને દક્ષિણ આફ્રિકાથી માંડીને સાઉદી અરેબિયા તથા યુરોપિયન યુનિયન સુધીના 120થી વધુ દેશો સાથે ચીન મુખ્ય આર્થિક ભાગીદાર છે.
અબજો ડૉલરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધી બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટને લીધે વિદેશમાં ચીનની રાજકીય વગ વધી રહી છે.
પશ્ચિમના દેશો ભારતને મુખ્ય ભૂરાજકીય ભાગીદાર ગણે છે ત્યારે બેઇજિંગ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની પાંચ પૈકીની એક બેઠક પર બિરાજેલું છે.
તેનો અર્થ એ થાય કે આ સંસ્થા દ્વારા લેવામાં આવતા દરેક મોટા વૈશ્વિક નિર્ણયને મંજૂરી અથવા નામંજૂર કરવાની સત્તા તેની પાસે છે.
આ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ ભારત અને બીજા ઊભરતાં અર્થતંત્રો દાયકાઓથી કરી રહ્યાં છે, પરંતુ તેમને સફળતા મળી નથી.
પ્રોફેસર ફ્રેઝિયરે કહ્યું હતું કે "વૈશ્વિક સલામતી વ્યવસ્થાનો દોર, 1945માં સમાપ્ત થયેલા સંઘર્ષના વિજેતાઓના હાથમાં હોય તેનો કોઈ અર્થ નથી એ આપણે બધા જાણતા હોવા છતાં સલામતી પરિષદના કાયમી સભ્યોની નવી ધરી બાબતે હું કશું ખાતરીપૂર્વક કહી શકું નહીં."
આ વાત સાથે સહમત થતાં પ્રોફેસર માઇકલ સ્પેન્સે કહ્યુ હતું કે "મતદાનની સત્તાને હવે આર્થિક કદ કે પ્રભાવ સાથે દૂરદૂરથી પણ સંબંધ નથી. તેથી આ સંસ્થાઓમાં વિશ્વ કોઈક સમયે સુધારા તો કરશે જ. એવું નહીં થાય તો આ સંસ્થાઓનું મહત્ત્વ ઘટતું જશે, કારણ કે તેના વિકલ્પો જરૂર સર્જાશે."
હાલમાં એવો એક વિકલ્પ બ્રિક્સ છે. વિશ્વના ઉત્તરીય દેશોનો આર્થિક તથા ભૂરાજકીય પ્રભાવનો સામનો કરવા માટે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દ્વારા રચવામાં આવેલું સંગઠન છે બ્રિક્સ.

સૉફ્ટ પાવર

ઇમેજ સ્રોત, Getty Images
હોલીવૂડ સિનેમા એક સદીથી અમેરિકન મૂલ્યો અને પ્રભાવના પ્રસાર માટે અમેરિકાનું એક શક્તિશાળી સાધન બની રહ્યું છે.
ચીન અને ભારત પણ આ વ્યૂહરચનાને સફળતાપૂર્વક અનુસરી રહ્યાં છે.
ચીનમાં સિનેમાઘરોની સંખ્યામાં 2007 પછી 20 ગણો વધારો થયો છે. ચીનમાં 80,000થી વધારે સિનેમાઘરોની સામે અમેરિકામાં 41,000 અને ભારતમાં 9,300 સિનેમાઘર છે.
કેલિફૉર્નિયા યુનિવર્સિટીમાં મીડિયા તથા કલ્ચરલ સ્ટડીઝની ચાઈનીઝ પ્રોફેસર વેન્ડી સુએ કહ્યું હતું કે "કોવિડ રોગચાળા પહેલાં ચાઇનાવૂડે વૃદ્ધિની ગતિ એકધારી જાળવી રાખી હતી અને ફિલ્મોના સહ-નિર્માણ તથા હોલીવૂડ ફિલ્મ સ્ટુડિયોઝ ખરીદીને વૈશ્વિક સ્તરે પોતાના પ્રભાવ વિસ્તાર્યો હતો."
અલબત, 2020 અને 2021 એમ સતત બે વર્ષ સુધી અમેરિકન ફિલ્મ માર્કેટને પાછળ રાખ્યા બાદ, કોવિડને કારણે સિનેમાઘરો બંધ થવાને કારણે 2022માં ચીની બૉક્સ ઑફિસ પર 36 ટકા ઘટાડો નોંધાયો હતો.
હોલીવૂડના એશિયન સંસ્કરણ તરીકે બોલીવૂડ જાણીતું છે, પરંતુ ચાઈનાવુડ શબ્દ ઘણા માટે અજાણ્યો છે. બોલીવૂડે ભારતીય સિનેમાને વિશ્વભરમાં ગાજતું કર્યું છે.
"બોલીવૂડનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં વ્યાપક અને મજબૂત છે," એવું કહેતાં પ્રોફેસર સુએ ઉમેર્યું હતું કે "ચીનના દર્શકો પર પણ બોલીવૂડ ફિલ્મોએ મોટો પ્રભાવ દેખાય છે."
"(ભૂતપૂર્વ કુસ્તીબાજ મહાવીર સિંહ ફોગટ વિશેની 2016ની હિન્દી ફિલ્મ) ‘દંગલ’એ ચીનમાં હોલીવૂડની લગભગ તમામ ફિલ્મોથી વધુ કમાણી કરી હતી અને સતત 16 દિવસ સુધી ચાઇનીઝ બૉક્સ ઑફિસ પર નંબર વન ફિલ્મ બની રહી હતી."
"તે સતત 60 દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવી હતી, જે ફિલ્મોના વૈશ્વિક ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલેલી ફિલ્મો પૈકીની એક છે."

ઇમેજ સ્રોત, Getty Images














