મ્યાનમારને કારણે ભારત ચીન સામે નવી મુશ્કેલીમાં ફસાશે?

ઇમેજ સ્રોત, MAXAR TECHNOLOGIES
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય નૌકાદળના તત્કાલીન વડા એડમિરલ અરુણ પ્રકાશ 2005માં આંદામાન-નિકોબાર દ્વીપસમૂહની મુલાકાતે ગયા હતા.
પૉર્ટ બ્લૅરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, "મ્યાનમાર સરકારના જણાવ્યા મુજબ કોકો દ્વીપમાં ચીનની કોઈ હાજરી નથી અને અમે તેમની વાત પર ભરોસો કરીએ છીએ."
તેમની સત્તાવાર મુલાકાતના થોડા મહિના પહેલાં મ્યાનમારના નૌકાદળના પ્રમુખ સો થેન દિલ્હી આવ્યા હતા અને તેમણે એડમિરલ પ્રકાશ સાથે લાંબી વાટાઘાટ કરી હતી.
મ્યાનમાર 1938માં આઝાદ થયું એ પહેલાં સુધી બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સૈન્ય કોકો દ્વીપનો ઉપયોગ પોતાના નૌકાદળના થાણા તરીકે કરતું હતું.
એ દ્વીપ મ્યાનમારનો હિસ્સો બન્યા પછી વીસમી સદીના અંત સુધી ત્યાં એક રડાર સ્ટેશન કાર્યરત હતું.
મહત્ત્વની વાત એ છે કે ગ્રેટ કોકો આઈલેન્ડ ભારતના આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના ઉત્તરે માત્ર 55 કિલોમિટર દૂર આવેલો છે.

ભારતની નવી ચિંતા

ઇમેજ સ્રોત, MAXAR TECHNOLOGIES
બ્રિટનની વિખ્યાત નીતિ વિષયક સંસ્થા ચેટમ હાઉસના એક નવા અહેવાલ અનુસાર કોકો દ્વીપ ફરીથી આંતરરાષ્ટ્રીય મુદ્દો બનવાની અણી પર છે.
એ અહેવાલમાં જણાવ્યા મુજબ, "નવીનતમ અને ભરોસાપાત્ર સેટેલાઇટ તસવીરો આ દ્વીપ પર વધેલી ગતિવિધિનો સંકેત આપે છે, જે ભારત માટે સારી વાત નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ તસવીરો એવો સંકેત આપે છે કે મ્યાનમાર એ દ્વીપ પરથી ટૂંક સમયમાં જ સમુદ્ર પર ગુપ્ત રીતે નજર રાખવાનું શરૂ કરી શકે છે.
કેટલાક જાણકારો માને છે કે મ્યાનમારના સૌથી મજબૂત પાડોશી દેશ ચીનને કોકો આઈલેન્ડમાં પોતાના માટે વ્યૂહાત્મક-આર્થિક આશા દેખાઈ રહી છે.
વાસ્તવમાં, મહિનાઓ સુધી સંશોધન કર્યા બાદ આ તસવીરો સેટેલાઇટ ઇમેજરીની દુનિયામાં અગ્રણી ગણાતી મૅક્સર ટેકનૉલૉજીએ બહાર પાડી છે.
તેમાં સ્પષ્ટ જોવા મળે છે કે બંગાળની ખાડીમાં વચ્ચે આવેલા કોકો દ્વીપમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.
ચેટમ હાઉસનો રિસર્ચ રિપોર્ટ ડેમિયન સાઈમન અને જોન પોલકે તૈયાર કર્યો છે.
તેમના કહેવા મુજબ, “વિમાનોની સલામતી માટેના બે હેંગર, આવાસ સ્થાન અને અગાઉથી નિર્મિત 1,300 મીટર લાંબી ઍરસ્ટ્રીપને વિસ્તારીને 2,300 મીટરની કરવામાં આવી છે.”
સંરક્ષણ સંબંધી બાબતોના સામયિક જેન્સ ડિફેન્સ વીકલીના જણાવ્યા મુજબ, “ફાઈટર જેટ્સ તથા મોટા માલવાહક લશ્કરી વિમાનોનાં ઉડ્ડયન તથા ઉતરાણ માટે 1,800 મીટરથી 2,400 મીટર લાંબી ઍરસ્ટ્રીપ જરૂરી હોય છે.”
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મુદ્દે પ્રતિભાવ આપતા તાજેતરમાં જણાવ્યું હતું કે “દેશની સલામતી સંબંધી તમામ પ્રકારની તમામ ગતિવિધિઓ પર ભારત સતત નજર રાખી રહ્યું છે.”
બીજી તરફ મ્યાનમારની લશ્કરી સરકારના પ્રવક્તા મેજર જનરલ ઝાવ મિન તુને આ પ્રકારના આરોપને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે, "મ્યાનમાર અન્ય કોઈ દેશની સરકારને પોતાની ધરતી પર સૈન્ય થાણું બનાવવાની પરવાનગી આપશે નહીં."
"ભારત સરકાર જાણે છે કે એ દ્વીપ પર મ્યાનમારના સલામતી દળો જ છે, જે મ્યાનમારનું રક્ષણ કરે છે."

મ્યાનમારમાં ચીનનો વધતો દબદબો

ઇમેજ સ્રોત, MAXAR TECHNOLOGIES
મ્યાનમારમાં સૈન્યના બળવા પછી ત્યાં વિદેશી હસ્તક્ષેપ વધી રહ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. તેને મ્યાનમારમાં ચીનની વધતી વગ માનવામાં આવે છે.
પોતાની આયાત-નિકાસ અને ઊર્જા સંબંધી જરૂરિયાતને સમુદ્રી કારોબાર મારફત સંતોષવા માટે ચીનની નજર મલક્કાની સામુદ્રધુની પર વર્ષોથી છે.
લગભગ 800 કિલોમિટર લાંબો એ સમુદ્રી માર્ગ ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુરની વચ્ચે આવે છે. એ માર્ગે ચીનના જહાજ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી મારફતે પશ્ચિમના દેશો સુધી પહોંચે છે.
આર્થિક પ્રતિબંધો અને આંતરિક રાજકીય કટોકટીનો સામનો કરી રહેલા મ્યાનમાર માટે ચીન યોગ્ય સહયોગી સાબિત થઈ શકે છે. મ્યાનમારને સંરક્ષણ સંબંધી સામગ્રીનું મુખ્ય સપ્લાયર ચીન છે અને બીજા ક્રમનું સૌથી મોટું રોકાણકાર પણ છે.
વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત પ્રોફેસર બ્રહ્મ ચેલાની માને છે કે, “પશ્ચિમી દેશોએ છેલ્લા કેટલાક દાયકાઓથી મ્યાનમારની ઘેરાબંધી કરી છે અને તેની સામે આકરું વલણ અપનાવ્યું છે. તેને લીધે ચીન અને મ્યાનમાર વચ્ચેનો સંબંધ ગાઢ બની રહ્યો છે. મ્યાનમારનું રાષ્ટ્રવાદી સૈન્ય ચીનની મહત્ત્વાકાંક્ષાઓથી ભલે પરિચિત હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા પડી ગયા પછી તેની પાસે બીજો વિકલ્પ પણ શું છે?”

ઇમેજ સ્રોત, MAXAR TECHNOLOGIES
રહી વાત ભારતની તો ભારત માટે મોટી ચિંતા એ છે કે દક્ષિણ-પૂર્વ એશિયાના લગભગ તમામ દેશ – કમ્બોડિયા, લાઓસ, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામમાં નિરંકુશ સરકારો છે.
તેમાં કમ્બોડિયા જેવા કેટલાક દેશ અલગ-અલગ પ્રકારના આર્થિક પ્રતિબંધો કે આંતરરાષ્ટ્રીય એકાકીપણાથી પોતે ચિંતિત હોવાનું જણાવી રહ્યા છે.
દાખલા તરીકે, 2021માં ફ્યુચર ઑફ એશિયાના એક સંમેલનમાં સંબોધન કરતાં કમ્બોડિયાના વડાપ્રધાન હુન સેને કહ્યું હતું કે “અમે ચીન પર ભરોસો ન કરીએ તો કોના પર કરીએ? ચીન પાસેથી કશું ન માગીએ તો કોની પાસેથી માગીએ?”
ક્યાંક મ્યાનમાર સરકાર તરફથી પણ આવાં નિવેદનો આવતાં ન થાય તેની જાણકારોને ચિંતા છે, કારણ કે તે ભારત માટે માઠા સમાચાર હોઈ શકે છે.
મ્યાનમારની એક સરહદ ભારતને અડીને અને બીજી થાઈલેન્ડ પાસે છે. મ્યાનમારમાં જે જાતિઓના લોકો વસે છે એ જાતિઓના લોકો ભારતના ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં પણ વસવાટ કરે છે.
‘મેકિંગ એનિમીઝઃ વોર એન્ડ સ્ટેટ બિલ્ડિંગ ઇન બર્મા’ નામના પુસ્તકનાં લેખિકા મેરી કેલાહન વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં વૈશ્વિક વિદેશ નીતિના પાઠ ભણાવે છે. તેઓ માને છે કે “મ્યાનમારની એકમાત્ર મુશ્કેલી ત્યાં સૈન્યનું શાસન જ છે.”
તેમના કહેવા મુજબ, “સૈન્ય ચૂંટણી કરાવશે તો પણ તેને બીજા દેશની મદદની જરૂર પડશે. તેમાં ચીન અને રશિયા મદદ કરી શકે છે. આ બન્ને દેશ મ્યાનમારને શસ્ત્રો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં પણ મદદ કરે છે. બીજું જૂથ ભારત અને થાઇલેન્ડનું છે. આ બન્નેનો પોતપોતાનો એજન્ડા છે. આ બધાની વચ્ચે અને ભારત તથા મ્યાનમાર વચ્ચે સૈન્યનો પ્રભાવ વધારવા અને ગુપ્તચર તંત્રને મજબૂત કરવા સ્પર્ધા થવી સ્વાભાવિક છે.”

ઇમેજ સ્રોત, Getty Images
કોકો દ્વીપ સંબંધે એવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે કે ત્યાં જે ગતિવિધિ ચાલી રહી છે તેની પાછળ ચીન તો નથીને?
ચીન ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને હિન્દ મહાસાગરમાં વગ વધારવા માટે કોકો દ્વીપના ઉપયોગને નજર સામે રાખીને તેના ‘મિત્ર’ને મદદ કરી રહ્યું હોય તે શક્ય છે, એવું કહેવાય છે.
બંગાળની ખાડીમાં સૈન્ય દેખરેખ વધારવાનું મ્યાનમાર માટે આસાન હશે તેમાં બેમત નથી.
મ્યાનમારની યાંગોન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધ વિષયના પ્રોફેસર સોન વિન માને છે કે “વિદેશ નીતિ હોય કે ગૃહ નીતિ, દરેક દેશે પોતાના અંગત હિત માટે સતત કામ કરવું પડે છે. મ્યાનમારે પણ એવું જ કરવું જોઈએ તે દેખીતું છે.”
તેમને કહેવા મુજબ, “મ્યાનમારની ભૌગોલિક પરિસ્થિતિ રસપ્રદ રહી છે. ઉત્તર અને પશ્ચિમમાં ચીન તથા ભારત જેવા શક્તિશાળી દેશ છે તો દક્ષિણ અને પૂર્વમાં તે એશિયા તથા પ્રશાંત ક્ષેત્રનો હિસ્સો છે. મ્યાનમારના માર્કેટ તથા અર્થતંત્રમાં હિસ્સેદારીના મામલે પાડોશી દેશોમાં સ્પર્ધા ચાલી રહી છે તેમાં કોઈ શંકા નથી. ભવિષ્યમાં પણ કશું બદલાવાનું નથી.”














