ભારતનો એ પડોશી દેશ, જ્યાં દારૂમાં સોનું ભેળવીને પીએ છે લોકો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, VIVIEN CUMMING

    • લેેખક, વિવિયન કમિંગ
    • પદ, બીબીસી ટ્રાવેલ

આપણો પૂર્વનો પડોશી દેશ મ્યાનમાર એક જમાનામાં બર્મા તરીકે ઓળખાતો હતો. પૂર્વ એશિયામાં આ દેશ સુવર્ણભૂમિ તરીકે પણ જાણીતો છે.

મ્યાનમારના શહેરોને ઉપરથી જોઈએ તો નીચે સોનેરી ચાદર ફેલાવેલી હોય તેવું લાગે.

ચારે બાજુ સોનેરી સ્તૂપ, મંદિર અને પેગોડા દેખાતાં હોય. શહેરોના ભીડવાળા રસ્તા પર કે શાંત ગાવ પરથી પણ આવો જ નજારો જોવા મળે છે.

આકાશમાંથી નીચે જમીન પર આવીએ તો ઠેર-ઠેર બૌદ્ધ મંદિરોમાં પણ તમને સોને મઢેલાં જોવાં મળે. મોટાંમોટાં મંદિરો અહીં પર્વતો પર બનેલાં હોય છે.

નાનાં મંદિરો જૂનાં વૃક્ષોની નીચે કે લોકોના મકાનોની સામે આવેલાં છે. એટલે એવું કહી શકાય કે અહીં ચારે બાજું સોનું જ સોનું જોવાં મળે.

આ સુવર્ણભૂમિની મધ્યમાંથી ઇરાવદી નદી વહે છે. તેના કિનારે જ અસલી મ્યાનમાર વસેલું છે.

અહીં પર્વતો પર બનેલાં વિશાળ બૌદ્ધ મંદિરો, તેને સ્પર્શીને પસાર થતાં વાદળો, દૂર સુધી ફેલાયેલાં જંગલો અને નદી કિનારે બનેલાં નાનાં મકાનો જોઈને એમ લાગે કે જાણે કોઈ કલાકારે સુંદર કલાકૃત્તિની રચના કરી હોય.

line

700થી વધુ સુવર્ણમંદિર

બૈદ્ધ મંદિર

ઇમેજ સ્રોત, VIVIEN CUMMING

માંડલે બિઝનેસ ફોરમના જણાવ્યા અનુસાર માંડલેની આસપાસના પહાડોમાં જ 700થી વધુ સોનેથી મઢેલાં મંદિરો છે.

ઇરાવદી નદી ઉપર વિહાર કરતાંકરતાં તેને જોઈ શકાય છે.

અહીંના બગાન નામના શહેરની આસપાસ તો 1200થી વધુ મંદિરો અને પેગોડાના ખંઢેરો આવેલા છે.

11થી 13 સદી દરમિયાન પગાન સામ્રાજ્યના શાસન વખતે 10 હજારથી વધુ મંદિરો બનાવાયાં હતાં.

તે ગાળામાં સમગ્ર દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો હતો. બર્મામાં બે હજાર વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મ પ્રવેશ્યો હતો.

માંડલના ગાઈડ સિથુ હતુન કહે છે કે બર્માની સંસ્કૃત્તિમાં સોનું બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આજે પણ દેશમાં પરંપરાગત રીતે જુદાં-જુદાં સ્વરૂપે સોનાનો ઉપયોગ થાય છે.

એ વાતની ખાસ કાળજી લેવાય છે કે સોનું બિલકુલ શુદ્ધ હોય. 24 કૅરેટના ગોલ્ડનો જ આગ્રહ રખાય છે.

વાંસની પટ્ટીઓ વચ્ચે સોનું રાખીને સોથી 200 જેટલા સોનાનાં સ્તર તૈયાર કરવામાં આવે છે.

ત્યારબાદ અઢી કિલોના પથ્થરથી 6 કલાક સુધી તેને ટીપવામાં આવે છે, જેથી તે યોગ્ય આકારનું બની જાય.

ત્યારપછી તેને એકદમ પાતળા અને નાના એક એક ઇંચના ટુકડામાં કાપી લેવામાં આવે છે.

સોનાના આવા પાતળાં સ્તરને મંદિરોમાં ચઢાવવામાં આવે છે. અહીં સોનાનો ઉપયોગ પરંપરાગત ઔષધીઓમાં પણ થાય છે.

line

શરાબમાં પણ સોનું

બૌદ્ધ મંદિર

ઇમેજ સ્રોત, VIVIEN CUMMING

એટલું જ નહીં, સ્થાનિક ધોરણે તૈયાર થતાં દારૂમાં પણ સોનાનો અમુક ભાગ ઉમેરવામાં આવે છે. આ દેશી શરાબને 'વ્હાઇટ વ્કિસ્કી' કહેવામાં આવે છે.

તેની બૉટલોમાં સોનાનાં પાતળા સ્તરને નાખીને હલાવવામાં આવે છે.

આ રીતે સોનું ભેળવીને પછી લોકો તેનો સ્વાદ માણે છે.

મ્યાનમારમાં સોનાને બહુ પવિત્ર માનવામાં આવે છે. દેશની 90 ટકા વસતિ બૌદ્ધ છે અને બૌદ્ધ ધર્મમાં સોનાને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

સોનાને સૂરજનું પ્રતીક ગણવામાં આવે છે, જ્યારે સૂરજને જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

બર્માના લોકો મંદિરોને સોનાથી મઢીને બુદ્ધ પ્રતિ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.

સિથુ હતુન કહે છે કે વિશેષ પ્રસંગોએ તૈયાર થતાં ભાત અને શાકમાં પણ સોનાના ટુકડા નાખવામાં આવે છે.

યુવતીઓ સોનાના ઘરેણાં પહેરવાં ઉપરાંત કેળા અને સોનાનું બનેલું ફેસ માસ્ક લગાવીને ચહેરાને ચમકાવે છે.

એવું પણ માનવામાં આવે છે કે ચામડીની અંદર સોનું ઊતરી જાય એટલે હાસ્ય ખીલી ઊઠે.

મ્યાનમારમાં પુષ્કળ પ્રમાણમાં સોનું મળે છે. માંડલેની આસપાસ સોનાની ઘણી ખાણો આવેલી છે.

આ ઉપરાંત ઇરાવદી અને ચિંદવિન નદીના તળિયેથી પણ સોનું મળે છે.

કાચી માટીમાંથી સોનાને અલગ તારવવા માટે અહીં પારાનો ઉપયોગ થાય છે. જેને લીધે માછલીઓ મરી જાય છે.

નદીના તળિયેથી ગેરકાયદે માટી કાઢવાને કારણે ઇરાવદી નદીને ભારે નુકસાન થયું છે.

જોકે સ્થાનિક ધોરણે નદી, તળિયાની માટી તથા જંગલોને બચાવવાં માટે પ્રયાસો પણ ચાલતા રહે છે.

line

સોની વસતિ

બૌદ્ધ મંદિર

ઇમેજ સ્રોત, VIVIEN CUMMING

જૂના માંડલે શહેરમાં સોનીઓની વસતિ આવેલી છે.

આ વિસ્તારમાં દિવસભર સોનાને ટીપવાનું કામ ચાલતું રહે છે.

ભારે ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પણ કામ અટકતું નથી. મોટા ભાગના લોકો પેઢી દર પેઢી આ જ કામ કરે છે.

અહીં સોનાને ટીપવાનું કામ પુરુષો કરે છે, જ્યારે સ્ત્રીઓ સોનાની પરત તૈયાર થાય તેના ટુકડા કાપવાનું કરે છે.

સોનાના આ નાના ટુકડાને વાંસના કાગળમાં લપેટીને વેચવામાં આવે છે. લાકડા પર નકશીકામ કરવામાં પણ સોનાની પરતોનો ઉપયોગ થાય છે.

મ્યાનમારમાં રાજકીય અસ્થિરતાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તેના કારણે અહીં સોનાનું કામ ચલણ તરીકે પણ લેવાયું છે.

હાલમાં રોહિંગ્યાના કારણે કટોકટી ઊભી થઈ છે ત્યારે સોનાનું મહત્ત્વ ફરી વધી ગયું છે.

બર્માના લોકો બેન્કોમાં બચત ખાતું રાખવાના બદલે સોનું ખરીદી લેવાનું વધારે પસંદ કરે છે. અહીં નાનાં નાનાં ગામોમાં પણ સોનીની દુકાન હોય છે.

મ્યાનમાર

ઇમેજ સ્રોત, VIVIEN CUMMING

1948માં અંગ્રેજ શાસનમાંથી આઝાદી મળ્યા પછી દેશનું અર્થતંત્ર અસ્થિરતામાં સરી ગયું હતું.

બર્મા દુનિયાના બાકીના દેશોથી કપાઈ ગયું હતું. તેના કારણે પણ લોકો આજે પણ સોનામાં રોકાણને સૌથી સુરક્ષિત માને છે.

સેનાના શાસન વખતે બર્માએ દુનિયા સાથે વ્યવહાર ઓછો કરી નાખ્યો હતો.

તેના પરથી હાલમાં જ કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો દૂર થયા છે.

દેશમાં બૌદ્ધ ધર્મની બોલબાલા છે. સવારથી બૌદ્ધ ભિક્ષુઓ હાથમાં દાનપાત્ર સાથે ભોજન એકઠું કરવા માટે શેરીઓમાં ફરતા જોવા મળતા હોય છે.

ભારતની જેમ બર્મામાં પણ દાનનું આગવું મહત્ત્વન છે. લોકો અજાણ્યા લોકોને પણ ભોજન કરાવવામાં માને છે.

ચા-પાણી પીવડાવ્યા પછી ભોજન લઈને જ જવાનો આગ્રહ થતો હોય છે. બર્માના લોકો આપવામાં માને છે, કશું લેવામાં નહીં.

માંડલે શહેરમાં બર્માનું સૌથી પવિત્ર મંદિર મહામુનિ પાયા આવેલું છે. ત્યાં સવારે ચાર વાગ્યાથી જ ભક્તોની ભીડ જામતી હોય છે.

મંદિરમાં સોનાની બૌદ્ધપ્રતિમા આવેલી છે. લોકો સ્થાનિક બજારમાં સોનાની પરત ખરીદીને બુદ્ધને અર્પણ કરે છે.

સિથુ કહે છે, "અમે ભગવાન બુદ્ધને વધુમાં વધુ સોનું અર્પણ કરવા માગીએ છીએ. તેમના ઘણાં બધાં મંદિર અને પેગોડા બનાવવા માગીએ છીએ. ત્યારબાદ આ મંદિરોને અમારી પવિત્ર ભૂમિમાંથી મળતા સોનાથી સજાવવા માગીએ છીએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન