ઉત્તરાયણમાં અમદાવાદના યુવતીએ પક્ષીઓને તો બચાવ્યાં પણ પોતે ન બચી શક્યાં

ડાબેથી બીજા ક્રમાંકે રાહિલા ઉસ્માન

ઇમેજ સ્રોત, Krina Vyas

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં હાલમાં જ આપણે ઉત્તરાયણનો તહેવાર ઊજવ્યો. કેટલાક લોકોએ તેને પતંગ ઉડાવીને ઊજવ્યો તો કેટલાક લોકો પક્ષીઓને બચાવવાના કાર્યમાં સામેલ થયા હતા.

દર વર્ષે ગુજરાતમાં પક્ષીઓની સાથેસાથે પતંગની દોરી અનેક માણસોનો પણ ભોગ લે છે.

અમદાવાદનાં રહેવાસી રાહિલા ઉસ્માન પણ ઉત્તરાયણના દિવસે ગાંધીનગરમાં વન વિભાગના પક્ષી બચાઓ અભિયાનમાં ભાગ લેવા ગયાં હતાં.

ત્યાંથી પરત આવતાં સરખેજ-અમદાવાદ હાઈવે પર કે. ડી. હૉસ્પિટલ નજીક પતંગની દોરી રાહિલાના ગળામાં ફસાઈ ગઈ હતી.

રાહિલા ઉસ્માનનો પરિવાર હજીયે આઘાતમાં છે અને વાત કરી શકવાની સ્થિતિમાં નથી.

બીબીસીએ રાહિલાના માસા ડૉ ઇફ્તિખાર મલેક સાથે વાત કરવાની કોશિશ કરી

તેમણે બીબીસીને કહ્યું કે રાહિલાનો પરિવાર અમદાવાદમાં રહે છે તથા રાહિલા ગાંધીનગરમાં એમબીએનો અભ્યાસ કરતાં હતાં.

તેમણે આગળ જણાવ્યું કે ઉત્તરાયણના દિવસે રાહિલા વન વિભાગના પક્ષી બચાઓ અભિયાનમાં ભાગ લેવા માટે ગાંધીનગર ગયાં હતાં.

તેમણે આ ઝુંબેશમાં સ્વયંસેવી તરીકે ભાગ લીધો હતો.

line

પશું-પંખીઓ પર ખૂબ પ્રેમ હતો

પક્ષી

ઇમેજ સ્રોત, Sherwin Everett

રાહિલાની સહપાઠી નેહા જેશવાનીએ બીબીસીને કહ્યું કે "અમે બન્ને પક્ષી બચાઓ અભિયાનમાં ભાગ લેવા માટે ગાંધીનગર આવ્યા હતાં."

"તે અમદાવાદ રહે છે એટલે મેં તેને કહ્યું હતું કે ગાંધીનગર આવવું તારા માટે બહુ દૂર પડશે પરંતુ તેને પશુ-પક્ષીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો" તેણે મને કહ્યું કે તે પક્ષીઓ માટે જેટલુ બને તેટલુ કરવા ઇચ્છે છે.

"અમે બધાં સ્તબ્ધ છીએ કારણકે 14 તારીખે અમે પક્ષી બચાઓ અભિયાનમાં ભાગ લેવા સાથે ગયા હતાં અને બપોરે તે ત્યાંથી નિકળી પછી આવું ઘટી ગયું."

નેહાએ કહ્યું કે જ્યારે હું તેમનાં માતાને મળવા ગઈ તો તેઓ બહુ ભાવુક થયાં કે પક્ષીઓ બચાઓ અભિયાનમાં તેનો અનુભવ કેવો રહ્યો તે જાણવાનો મોકો પણ અમને ના મળ્યો.

રાહિલા સાથે અભ્યાસ કરતા ક્રિના વ્યાસે કહ્યું કે "તેઓ બહુ જ પ્રતિભાશાળી હતાં. તેઓ કહેતાં કે તેમને પોતાનો એક ઑનલાઇન બિઝનેસ શરૂ કરવો છે."

"રાહિલાએ ભવિષ્ય માટે યોજના બનાવી રાખી હતી. તેઓ એક પુસ્તક લખવા માગતાં હતાં."

તેઓ હંમેશા તેમના પારંપારિક કપડાંમાં અબાયા અને બુરખો પહેરીને આવતાં.

અમે તેને કહેતા કે "તેઓ હંમેશા કેમ આવાં જ કપડાંમાં આવે છે? પરંતુ તેઓ કહેતી કે મને મારો પહેરવેશ ગમે છે."

line

રાહિલા ઉસ્માન કવિતાઓ પણ લખતાં

રાહિલા ઉસ્માનની એક કવિતા

ઇમેજ સ્રોત, Rahila Usman Instragram via Krina vyas

રાહલા ઉસ્માન કવિતાઓ પણ લખતા હતાં. તેઓ અંગ્રેજીમાં કવિતાઓ લખતાં. એમનાં મિત્ર ક્રિના વ્યાસ દ્વારા અમને ઉપર જેની તસવીર છે એ સબ્ર નામની એક કવિતા મળી.

આ કવિતામાં તેઓ લખે છે કે,

જ્યારે એવું લાગે કે જગતનો ભાર

તમારા ખભા પર ચૂર ચૂર થઈને પડે છે

ત્યારે ધીરજ ન માગો,

મારી મા મને કહે છે

હિંમત માગો

વિવેક માગો

ભ્રૂકૃટિ તાણીને હું એકીટસે એને જોઉ છું

એ કહે છે

ધીરજ શું છે એ સમજવા માટે તમે હજી પૂરતાં દર્દમાંથી પસાર થયાં નથી,

જો કોઈ અણધાર્યો આઘાત

તમારાં ઇમાનની કસોટી કરશે તો શું થશે?

જયારે તમે સમસ્યા અનુભવો છો

ત્યારે સઘળું અડચણ બની જાય છે,

કેમ કે એ તમે છો, જે એનો સામનો કરવા

શકિત અને વિવેક હજી ખોળી નથી શક્યાં.

( આ અંગ્રેજી કવિતાનો પ્રાથમિક ભાવાનુવાદ છે અને તે અનુવાદ નિષ્ણાત દ્વારા કરવામાં આવેલો નથી. અસલ કવિતા ઉપર તસવીરમાં વાંચી શકાય છે.)

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

આ કાર્યક્રમ વન વિભાગના કરુણા અભિયાન-2019માં હેઠળ રાખવામાં આવ્યો હતો.

ડૉ મલેકે બીબીસીને જણાવ્યું કે તેઓ સ્કૂટી પર ગાંધીનગરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી.

તેમણે કહ્યું, "ત્યારબાદ ત્યાં હાજર લોકો તેમને લોહી લોહાણ હાલતમાં હૉસ્પિટલ લઈ ગયાં હતાં પરંતુ તેમનું મૃત્યુ થયું હતું."

ડૉ મલેકે, રાહિલાને તાત્કાલિક મદદ કરનારા લોકોની સાંપ્રદાયિક સદ્ભાવના બદલ આભાર પણ વ્યકત કર્યો હતો.

રાહિલા ઉસ્માનના નાના મોહમ્મદ શફી મદની શેઠે કહ્યું કે રાહિલા બહુજ સારા કામ માટે ગઈ હતી પણ જે થયું તે બહુ જ દુખદ છે. પરિવારે બહુ જ સારી દીકરી ખોઈ દીધી.

line

પતંગબાજોની મજા-પક્ષીઓની સજા

રાહિલા

ઇમેજ સ્રોત, Amaar Sheth

ઉત્તરાયણમાં બે દિવસ પતંગબાજીની મજા હજારો પક્ષીઓ માટે સજા બની જતી હોય છે.

પતંગના માંજા પર ગુંદરથી કાચ અથવા ધાતુનું આવરણ ચઢાવવામાં આવે છે જે હરિફના માંજાને કાપી શકાય.

પતંગબાજોએ નાયલોનના માંજા વાપરવાનું પણ શરૂ કર્યું છે જેના પર કાચનું આવરણ હોય છે.

તે સામાન્ય માંજા કરતાં મજબૂત અને ઘાતક હોય છે. આ માંજા આસાનીથી નથી તૂટતા અને તેને પક્ષીઓ અને માનવને થતી ઇજા માટે જવાબદાર ગણાય છે.

ગુજરાતમાં પતંગની દોરીથી પક્ષીઓને થતી ઇજાને લઈને સરકાર તથા અનેક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પક્ષી બચાઓ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં 11 જાન્યુઆરીએ કરૂણા અભિયાન લૉન્ચ કર્યું હતું જે 10- 20 જાન્યુઆરી વચ્ચે ચલાવવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં કરૂણા અભિયાન હેઠળ દર વર્ષે 20 હજાર જેટલા પક્ષીઓનો જીવ બચાવાયા છે, આ રીતે છેલ્લાં બે વર્ષના અભિયાન દ્વારા 40,000 પક્ષીઓને બચાવી શકાયાં છે.

આઈ કાર્ડ

ઇમેજ સ્રોત, Iftikhar Malek

એ સિવાય ઘણી સ્વયંસેવી સંસ્થાઓ પણ પક્ષીઓને બચાવવાના અભિયાન ચલાવી રહી છે.

જીવદયા ચૅરિટેબલ ટ્રસ્ટમા ક્યૂરૅટર તરીકે જોડાએલા શેરવિને ઍવરેટ કહ્યું કે આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યા ઘટી છે પરંતુ શિયાળામાં પક્ષીઓ સ્થાળંતર કરતાં હોય જેને કારણે ચકલી, કબૂતર સિવાય સારસ, હંસ જેવાં મોટાં પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થાય છે.

લાઇન
લાઇન

તેમણે જણાવ્યું કે આ પક્ષીઓ જ્યારે ઊડતાં હોય ત્યારે પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થઈને જમીન પર પછડાય છે અને તેનાથી તેમને વધુ નુકસાન થાય છે.

તેમણે જણાવ્યું કે 14 જાન્યુઆરીએ 475 પક્ષીઓ તથા 666 પક્ષીઓની સારવાર માટે અમારી પાસે કૉલ્સ આવ્યા છે.

શેરવિને જણાવ્યું કે જાન્યુઆરી મહીનામાં અત્યાર સુધી ઇજાગ્રસ્ત 2275 પક્ષીઓ અમારી પાસે લાવવામાં આવ્યાં છે જેને અમે સારવાર આપીએ છીએ.

line

મનુષ્યો પણ માંજાના શિકાર

પતંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં પતંગની દોરીથી લોકોને ઇજાના અહેવાલો મીડિયામાં જોવા મળે છે.

આ વર્ષે પણ અનેક લોકોને પતંગની દોરી વળે ઈજા, ગળા કપાવાં તથા મૃત્યુ થવાના સમાચાર ઘણાં શહેરોમાંથી આવ્યાં છે.

સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલો મુજબ ગુજરાતમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતાં 3 લોકોનાં મોત થયાં છે.

વડોદરામાં એક 4 વર્ષની બાળકીનું ગળું કપાતા તેનું મૃત્યુ થયું હતું તો મહુવામાં પણ એક પાંચ વર્ષની બાળકીએ પણ આ જ રીતે જીવ ગુમાવ્યો હતો.

એ સિવાય વડોદરામાં એક ડિલીવરી બૉયના ગળામાં પતંગની દોરી લપેટાતા તેમને ઇજા થઈ હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો