વાઇબ્રન્ટ ગુજરાત 2019 : '2002ના હુલ્લડથી ખરડાયેલી છાપ સુધારવા વાઇબ્રન્ટ સમિટ્સ યોજવામાં આવી'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાજીવ શાહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે 9મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019નો 18 જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે.
સમિટનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. વડા પ્રધાન મોદી આ માટે ગુજરાતના પ્રવાસે છે.
ગુજરાતના ઉદ્યોગ જગતને એક મંચ પર લાવવા માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવતા સમિટની કથિત સફળતાઓ મામલે વિવિધ સવાલો ઊઠતા રહ્યા છે.
છેલ્લે વર્ષ 2017માં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ સમિટનો પ્રોજેક્ટ તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હોવાનું કહેવાય છે.
જેને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આગળ વધારતાં રહ્યાં છે.
18-20 જાન્યુઆરી દરમિયાન આ ગ્લોબલ સમિટ યોજાશે.
વાઇબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ અનુસાર 9મી સમિટ માટે અત્યાર સુધી 186થી વધુ ડેલિગેટ્સ, 26 હજારથી વધુ કંપનીઓએ નોંધણી કરાવી ભાગ લીધો હોવાનું કહેવાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
અત્રે નોંધવું કે વર્ષ 2003માં વાઇબ્રન્ટ સમિટની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નરેન્દ્ર મોદીએ 'વિકાસ'નું સૂત્ર વહેતું મૂક્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ અત્યાર સુધી કુલ 8 સમિટ થઈ ચૂકી છે. તેમાં હજારો કરોડોના એમઓયુ (મૅમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) અને રોકાણની ઘોષણાઓ ચર્ચાનો વિષય બનતી રહી છે.
ગુજરાતમાં ઉદ્યોગ જગત (કૉર્પોરેટ ક્ષેત્ર) અને રાજકારણ વચ્ચેના તાલમેલ તરીકે સમિટની ગણના નિષ્ણાતો કરતા આવ્યા છે.
આમ વાઇબ્રન્ટ સમિટની સફળતા પર ઊઠતા સવાલ અને ગુજરાતને એક વિકાસનું મૉડલ રજૂ કરવામાં તેની શું ભૂમિકા રહી છે.
ઉપરાંત નરેન્દ્ર મોદીની છબી બનાવવામાં તે કઈ રીતે મહત્ત્વપૂર્ણ રહી એ મુદ્દે વાત કરવી પણ જરૂરી છે.
વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહ અનુસાર વર્ષ 2002ના રમખાણો બાદ ગુજરાતની છબી ખરડાઈ હતી અને ઇમેજ મેકઓવરની જરૂર જણાતા મોદી 'વાઇબ્રન્ટ'નો આઇડિયા લઈ આવ્યા.
બીબીસી સંવાદદાતા શૈલી ભટ્ટ સાથે રાજીવ શાહે આ મામલે વાતચીત કરી હતી વાંચો તેમો દૃષ્ટિકોણ.

તમે આ વાંચ્યું કે નહીં?

2011ની વાઇબ્રન્ટ સમિટને સૌથી સફળ પ્રતિસાદ

ઇમેજ સ્રોત, Getty Images
2002માં રમખાણો બાદ મોદી માટે ઉદ્યોગ જગતનો અભિપ્રયા ક્રિટિકલ હતો.
અગ્રણી કંપનીઓ સહિતના કૉર્પોરેટ સેક્ટર્સે આ મામલે નિવેદનો પણ આપ્યાં હતાં.
ઉપરાંત આંતરાષ્ટ્રીય સૂર પણ વિરોધમાં હતો. આમ આર્થિક બાબતોમા પ્રગતિશીલ ગણાતા ગુજરાતમાં બિઝનેસ સૅક્ટર્સના માહોલને ખલેલ પહોંચી હતી.
એમ તો 2003 પહેલાં બ્રિટન સાથેની પાર્ટનરશિપ દ્વારા આવી સમિટ કરવાની કોશિશ થઈ હતી, જોકે તેને વધુ સફળતા નહોતી મળી.
આ સમિટ્સ મામલે મેં નરેન્દ્ર મોદીને પૂછ્યું પણ હતું કે શું તમે લોકોને રમખાણોની યાદ ભૂલાવવા માટે સમિટ યોજવાની કોશિશ કરી? પરંતુ મને કોઈ જવાબ નહોતા મળ્યા.
2002ની આ સમિટમાં ગોબર ગૅસ પ્લાન્ટ-સોલર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટ માટેના એમઓયુ થયા હતા.
આમ વર્ષ 2003ની પ્રથમ સત્તાવાર વાઇબ્રન્ટ સમિટનું આ બેકગ્રાઉન્ડ છે.
2005ની સમિટમાં સરેરાશ પ્રતિસાદ મળ્યો પરંતુ 2009 પછી સારો પ્રતિસાદ મળવાનો શરૂ થયો.
2011ની વાઇબ્રન્ટ સમિટને સૌથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
સમિટમાં અંબાણી-અદાણી જૂથે ભાગ લીધો હતો. તેમાં નિવેદનો પણ થયાં હતાં, જેમાં ઉદ્યોગ જગત દ્વારા મોદીની પ્રશંસા કરવામાં આવી હતી.
એક વિખ્યાત બિઝનેસમૅને ટિપ્પણી કરી હતી કે 'ઘર કી મુરઘી દાલ બરાબર ન સમજવી જોઈએ' આ ટિપ્પણી બાદ તેમને ઘણું વેઠવું પડ્યું હતું.
સમિટનો પહેલો પ્રયોગ રમખાણો પહેલાં થઈ ચૂક્યો હતો.


કૉર્પોરેટ સેક્ટર અને રાજકારણનો તાલમેલ
એવું નથી કે મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા પછી જ બધું શરૂ થયું. એવું નથી કે ત્યાર બાદ જ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવવાની શરૂ થઈ.
પીપાવાવ પૉર્ટ સહિતના કામ અન્ય મુખ્ય પ્રધાનના કાર્યકાળમાં પણ થયા હતા અને ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવી રહી હતી.
જોકે, પર્યાવરણની સુરક્ષા સામેના મુદ્દાઓ ત્યારે પણ હતા અને આજે પણ છે. તેમાં કોઈ ઘટાડો નથી થયો. જેટલા મુદ્દા હતા તેટલા આજે પણ છે.
વાઇબ્રન્ટ સમિટના કારણે પર્યાવરણ જાળવણીની સ્થિતિમાં સુધારો થયો એવું નથી થયું.

2014 બાદ ચિત્ર બદલાયું

ઇમેજ સ્રોત, Getty Images
વળી 11 વર્ષ બાદ વર્ષ 2014 કઈ રીતે ચિત્ર બદલાયું તે પણ મહત્ત્વની બાબત છે. કેમ કે ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમત સાથે જીત્યો હતો અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.
2014 ચૂંટણીમાં મોદીએ ગુજરાતને વિકાસનું મૉડલ તરીકે રજૂ કર્યું હતું, જોકે હાલની વાત કરીએ તો એ સમયે તે જેટલું લોકપ્રિય હતું, એટલું હવે લોકપ્રિય નથી રહ્યું.
પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. સમિટની જ વાત લઈએ તો 2013મા રાજ્ય સરકારે ખુદ એવી જાહેરાત કરી હતી કે સમિટના એમઓયુની સંખ્યા જાહેર કરવામાં આવશે નહીં.
ખરેખર 2011 કરતાં અડધા જ એમઓયુ થયા હોવાથી આવું કરવામાં આવ્યું હતું, જેનો અર્થ કે 2013થી સ્થિતિ કથળવાની શરૂ થઈ ગઈ હતી.
આ મામલે શાહને વળતો એક સવાલ કર્યો કે 'શા માટે વર્ષ 2011ની સમિટને સૌથી સારો પ્રતિસાદ મળ્યો?
અંબાણી જૂથ તેમાં સામેલ હતું. તેમાં નિવેદનો આપ્યા હતા કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનવા જોઈએ. આ બ્રેક-થ્રૂ હતો.
કેમ કે, એક તરફ કૉંગ્રેસ નબળી પડી રહી હતી અને બિઝનેસ ક્ષેત્ર તરફથી મોદીને આમ સમર્થન મળવું નિર્ણાયક હતું.


'મોદી માર્કેટિંગમાં કુશળ'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના કાર્યકાળમાં યોજાયેલી સમિટની સફળતા મોદીના આયોજન અને આઇડિયાને આભારી છે. મોદી પોતે માર્કેટિંગમાં કુશળ છે.
જોકે, રૂપાણી પણ સારા સંચાલક છે. તેમની પકડ મજબૂત છે પણ મોદી જેવી ઇમેજ રૂપાણીની નથી.
ગુજરાત તો પહેલાંથી જ ઉદ્યોગસાહસિક સ્ટેટ રહ્યું છે, પરંતુ રમખાણોના કારણે તેની આ છબીને નુકસાન થયું.
આથી ઇન્સ્ટિટ્યૂશનલ હિંદુત્ત્વ શરૂ કર્યું. આ બાબતને મોદીએ એ રીતે દર્શાવવાની કોશિશ કરી કે ગુજરાત ઇકૉનોમિક સુપરપાવર છે.
તેમણે બન્ને પાસાની મદદથી પોતાની એક લોકપ્રિય છબી બનાવી.
ઉપરાંત વાઇબ્રન્ટ સમિટ થકી લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગને મદદ પૂરી પાડવાનું લક્ષ્ય પણ હતું, પરંતુ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ)ના કારણે વેપારીઓને ફટકો પડ્યો છે. જેમાંથી તેઓ ઊભરી નથી શક્યા.
ધોલેરા સ્પેશિયલ રિજન માટે કરોડોના એમએયુ થયા હતા પણ આજે તેમાં કંઈ રોકાણ નથી દેખાતું.
પહેલાં સી-પોર્ટ પછી કલ્પસરની વાત આવી. સરવાળે ધોલેરાનું કંઈ થયું નહીં.
ધોલેરાની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝને બધું ખબર છે. તેના ફિઝિબ્લિટી રિપોર્ટમાં 7-8 આઠ મીટર માટી પૂરવાની વાતનો ઉલ્લેખ છે. આથી કોઈ ઉદ્યોગે રસ ન દાખવ્યો.
જોકે, સમિટનું માર્કેટિંગ સારુ થયું. અને આ વાત વાસ્તવિકતા છે, પરંતુ નાના ઉદ્યોગોને તેમા આશાનું કિરણ નથી દેખાતું એ પણ એક વાત હોઈ શકે છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














