'હું તેની ચીસો ભૂલી શકતો નથી' - મ્યાનમારમાં લોકોને પ્રતાડિત કરનારા સૈનિકોનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ

મ્યાનમાર
    • લેેખક, ચાર્લોટ એટવુડ, કો કો આંગ અને રેબેકા હેન્સકે દ્વારા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

મ્યાનમારના સૈનિકોએ બીબીસી સાથે ઍક્ઝક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું છે કે તેમણે નાગરિકોની હત્યા કરી હતી, તેમને પ્રતાડિત કર્યા હતા અને સાથે જ તેમના પર બળાત્કાર પણ કર્યા હતા.

પહેલી વખત તેમણે માનવાધિકારના શોષણની એ વાત સ્વીકારી છે જે કરવા તેમને આદેશ આપવામાં આવ્યો હતો.

ચેતવણી : આ સ્ટોરીમાં જાતીય સતામણી અને પ્રતાડિત લોકોની કહાણી છે.

"તેમણે મને નિર્દોષ લોકોને પ્રતાડિત કરી તેમને લૂંટવા તેમજ તેમની હત્યા કરવાના આદેશ આપ્યા હતા."

માઉંગ ઓ કહે છે કે તેમને લાગ્યું હતું કે મિલિટરીમાં તેમની નોકરી એક ગાર્ડ તરીકે લાગી છે.

પરંતુ તેઓ એવી બટાલિયનનો ભાગ હતા જેમણે એક આશ્રમમાં સંતાયેલા નાગરિકોની મે 2022માં હત્યા કરી હતી.

તેઓ કહે છે, "અમને દરેક વ્યક્તિને મારી નાખવાના આદેશ મળ્યા હતા. દુ:ખદ વાત એ છે કે અમારે વૃદ્ધો અને મહિલાઓને પણ મારી નાખવાં પડ્યાં હતાં."

છ સૈનિકોનાં નિવેદનો અને સાથે જ તેમના દ્વારા થયેલી હિંસાનો ભોગ બનેલા પીડિતોનાં નિવેદનો દર્શાવે છે કે મિલિટરી સત્તા મેળવવા માટે કેટલી હદે જઈ શકતી હતી.

ઓળખ ગુપ્ત રાખવા માટે આ રિપોર્ટમાં નામો બદલી દેવામાં આવ્યાં છે.

કેટલાક સૈનિકો હવે સ્થાનિક યુનિટ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) ની સુરક્ષા હેઠળ છે. આ એ યુનિટ છે જે લોકતંત્રને ફરી જીવિત કરવા માટે લડી રહ્યું છે.

ગત વર્ષે મિલિટરી દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાઈને આવેલાં આંગ સાન સુને હઠાવાઈ સત્તાપલટો કરવામાં આવ્યો હતો. હવે તે હથિયારબદ્ધ નાગરિકોનો ખાતમો કરવા માગે છે.

line

ગામ આખુ બળીને ખાખ

મ્યાનમાર

ઇમેજ સ્રોત, Myanmar Witness

ગત વર્ષ 20 ડિસેમ્બરના રોજ, મધ્ય મ્યાનમારના યા મ્યેટ નામના ગામમાં 3 હેલિકૉપ્ટર ચક્કર લગાવી રહ્યાં હતાં. તે સૈનિકોને નીચે મોકલી રહ્યા હતા અને ગોળીબાર કરવા આદેશ અપાયા હતા.

એકબીજાથી અલગ એવા પાંચ જેટલા લોકોએ બીબીસીને જણાવ્યું કે તે દિવસે શું થયું હતું.

તેઓ કહે છે કે આર્મી ત્રણ અલગ અલગ ગ્રૂપમાં આવી હતી, તેમણે પુરુષ, મહિલા અને બાળકો પર સતત ગોળીબાર કર્યો હતો.

મ્યાનમારનાં જંગલમાં એક અજ્ઞાત સ્થળે રહેલા કોર્પોરલ આંગ કહે છે, "જોતાં જ ગોળી મારી દેવાનો આદેશ હતો."

તેઓ કહે છે કે લોકો એવી જગ્યાએ છુપાયા હતા જ્યાં તેમને સુરક્ષિત લાગતું હતું. પરંતુ સૈનિકોને ખબર પડતાં "તેઓ ભાગવા લાગ્યા અને તેમને ગોળી મારી દીધી હતી."

કૉર્પોરલ આંગ સ્વીકારે છે કે તેમણે પાંચ પુરુષોને ગોળી મારી તેમને દાટી દીધા હતા.

તેઓ કહે છે, "અમને મોટાં અને સારાં ઘરો જોઈને તેમને સળગાવી દેવાના પણ આદેશ હતા."

સૈનિકો ગામની અંદર પરેડ કરતા અને ઘર શોધતા. ઘર મળવા પર કહેતા "સળગાવી દો, સળગાવી દો."

કૉર્પોરલ આંગે ચાર ઇમારતોને આગ લગાવી હતી. જે લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યાં તેમણે કહ્યું કે આશરે 60 જેટલાં ઘર સળગાવી દેવાયાં હતાં અને મોટાભાગનું ગામ બળીને ખાખ થઈ ગયું હતું.

line

યાએ મ્યેટ ગામ, સેગેઇંગ વિસ્તાર મ્યાનમાર

નવેમ્બર 2021

વીડિયો કૅપ્શન, હવે ભારત સાથે કેવા રહેશે શ્રીલંકાના સંબંધો?

મોટાભાગના ગ્રામજનો નાસી છૂટ્યા હતા પરંતુ દરેક નહીં. મધ્યમાં આવેલા એક ઘરમાં લોકોનો વસવાટ હતો.

થિહા કહે છે કે તેઓ માત્ર પાંચ મહિના પહેલાં મિલિટરીમાં જોડાયા હતા. અન્ય લોકોની જેમ, તેમની ભરતી એક કૉમ્યુનિટીમાંથી થઈ હતી અને તેઓ કહે છે કે તેમની પાસે કોઈ તાલીમ ન હતી.

ભરતી પામેલા આ લોકોને સ્થાનિક લોકો અંઘાર-સીટ-થાર કહેવામાં આવે છે જેનો મતલબ હોય છે "ભાડે રાખેલા સૈનિકો"

એ સમયે તેમને બે લાખ મ્યાનમાર ખાતનો પગાર મળતો હતો જે અમેરિકી ડૉલર પ્રમાણે આશરે 100 ડૉલર પ્રતિમાસ છે. તેમને યાદ છે કે એ ઘરમાં શું થયું હતું.

તેમણે જોયું હતું કે એક સગીરા ઘરમાં લોખંડના સળીયાની પાછળ ફસાયેલી હતી અને તેઓ ઘરને સળગાવા જઈ રહ્યા હતા.

તેઓ કહે છે, "હું તેની ચીસો ભૂલી શકતો નથી. હું હજી પણ તેને મારા કાનોમાં સાંભળી શકું છું અને દિલમાં તે મને યાદ છે."

જ્યારે તેમણે તેમના કૅપ્ટનને કહ્યું તો તેમણે જવાબ આપ્યો, "મેં તમને જેને જુઓ તેને મારી નાખવા કહ્યું હતું."

તો થીહાએ રૂમમાં ફાયરિંગ કરી દીધું.

વીડિયો કૅપ્શન, વૃદ્ધ માતાપિતાને કાવડમાં ખભે ઊંચકીને યાત્રા કરાવનાર શ્રવણની કહાણી

કૉર્પોરલ આંગ પણ ત્યાં હતા અને જ્યારે તે સગીરાને જીવતી સળગાવી દેવાઈ હતી ત્યારે તેઓ તેની ચીસો સાંભળી રહ્યા હતા.

તેઓ યાદ કરતાં કહે છે, "તે સાંભળવું ખૂબ દર્દનાક હતું. જ્યારે ઘર સળગાવી દેવાયું હતું ત્યારે તે છોકરીની ચીસો અમે 15 મિનિટ સુધી સાંભળી હતી."

બીબીસીએ છોકરીના પરિવારને શોધ્યો, જેમણે તેમના બળી ગયેલા ઘરની સામે પોતાનું નિવેદન આપ્યું.

છોકરીના સંબંધી યુ મિન્ટ કહે છે કે તેમનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હતું. જ્યારે તેમનાં માતાપિતા કામ પર જતાં હતાં ત્યારે તેમને ઘરમાં મૂકીને જતાં હતાં.

તેઓ કહે છે, "તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સૈનિકોએ તેને રોકી દીધી હતી અને સળગાવી દીધી હતી."

line

ચૂપચાપ બળાત્કાર સહન કર્યો

મ્યાનમાર

સૈનિકોના અત્યાચાર સહન કરનારી તે એકમાત્ર છોકરી ન હતી.

થીહા કહે છે કે તેઓ પૈસા માટે મિલિટરીમાં જોડાયા હતા પરંતુ એ જોઈને તેમને આશ્ચર્ય થયું કે તેમની પાસે શું કામ કરાવવામાં આવી રહ્યું છે અને તેમણે કેવા કેવા અત્યાચાર જોવા પડ્યા છે.

તેઓ યાઈ મ્યેટમાં યુવા છોકરીઓના ગ્રૂપની ધરપકડ વિશે વાત કરે છે.

ઑફિસરે તે છોકરીઓને અન્ય સહકર્મીઓને આપી દીધી અને કહ્યું "તમે જે કરવા માગો તે કરો."

થીહા કહે છે કે સૈનિકોએ એ છોકરીઓ પર બળાત્કાર કર્યો હતો, જોકે તેમાં તેમની કોઈ સંડોવણી ન હતી. અમે બે છોકરીઓને શોધી કાઢી.

પા પા અને ખીન ત્વે કહે છે કે તેઓ રસ્તા પર સૈનિકોને મળ્યાં હતાં અને તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ યાએ મ્યેટથી ન હતાં. તેઓ ત્યાં એક દરજીને મળવા આવ્યાં હતાં. તેમણે ઘણી વખત કહ્યું કે તેમનો PDF સાથે કોઈ સંબંધ નથી અને તેઓ તે ગામનાં પણ નથી, તે છતાં તેમને એક સ્થાનિક સ્કૂલમાં ત્રણ રાત સુધી કેદ કરીને રાખવામાં આવ્યાં હતાં. દરરોજ રાત્રે વારંવાર તેમનું જાતીય શોષણ કરવામાં આવતું હતું.

પા પા કહે છે, "તેમણે અમારી આંખો પર પાટા બાંધી દીધા હતા અને મને નીચે ધક્કો માર્યો હતો. તેમણે મારા કપડાં ઉતારી મારા પર બળાત્કાર કર્યો હતો. તેમણે મારા પર બળાત્કાર કર્યો તો મેં ચીસો પાડી."

તેમણે સૈનિકો પાસે દયાની અરજ કરી પરંતુ તેઓ તેમને મારવા લાગ્યા અને બંદૂકની અણીએ ધમકી આપી હતી.

તેમનાં બહેન ખીન ત્વે ધ્રૂજતાં ધ્રૂજતાં કહે છે, "અમારે કોઈ પણ પ્રકારનો પ્રતિરોધ કર્યા વગર રહેવાનું હતું કેમ કે અમને ડર હતો કે તેઓ અમને મારી નાખશે."

છોકરીઓ તેમને પ્રતાડિત કરી ચૂકેલા લોકોનો ચહેરો પણ યાદ કરવાથી ડરતી હતી. તેમને એટલું યાદ છે કે કેટલાક લોકો સાદાં કપડાંમાં હતા જ્યારે કેટલાક લોકોએ મિલિટરીનો યુનિફૉર્મ પહેર્યો હતો.

સૈનિક થીહા કહે છે, "જ્યારે તેઓ કોઈ યુવાન મહિલાને પકડતાં ત્યારે તેઓ એ મહિલાઓનો બળાત્કાર કરતા અને કહેતા કે આવું એટલા માટે કરાયું કેમ કે તમે PDFને સમર્થન કરો છો."

યાએ મ્યેટમાં થયેલી હિંસામાં આશરે દસ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આઠ છોકરીઓનો ત્રણ દિવસ સુધી વારંવાર બળાત્કાર થયો હતો.

line

પુરાવાઓ વીડિયો સાથે મેળ ખાય છે

મ્યાનમાર

2 મે 2022ના રોજ સેગેઇંગ વિસ્તારના જ ઓહાકે ફો ગામમાં થયેલી નિર્મમ હત્યાઓમાં ભાડે રખાયેલા સૈનિક માઉંગ ઉએ પણ ભાગ લીધો હતો. તેમણે આશ્રમમાં લોકોની હત્યા કરી હતી અને તે સંદર્ભે તેમણે આપેલા નિવેદન બીબીસીએ હુમલા બાદ પ્રાપ્ત કરેલા કેટલાક વીડિયો સાથે મેળ ખાય છે.

વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા સહિત નવ લોકોના મૃતદેહ એક પંક્તિમાં ગોઠવાયેલા છે. તેમણે બધાએ સેરોંગ અને ટી-શર્ટ પહેર્યા હતા. વીડિયોમાં એવા સંકેત મળી રહ્યા છે કે તેમને પાછળથી અને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી હતી.

આ અત્યાચારના સાક્ષી બનેલા ગ્રામજનો સાથે પણ અમે વાત કરી હતી. તેમણે વીડિયોમાં જોવા મળતાં મહિલાની ઓળખ કરી હતી. તેમનું નામ મા મોએ મોએ હતું. તેઓ પોતાનાં બાળક અને એક થેલામાં સોનાના દાગીના લઈને જઈ રહ્યાં હતાં. તેમણે સૈનિકો પાસે દયાની ભીખ માગતાં કહ્યું કે તેઓ તેમની વસ્તુઓ ન લે.

ઘટનાસ્થળે હાજર રહેલા હ્લા હ્લા કહે છે, "તેમની પાસે બાળક હતું તે છતાં તેમણે તે મહિલાને લૂંટી અને તેમને ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી."

બાળકનો બચાવ થયો હતો અને તેનું ધ્યાન તેના સંબંધીઓ રાખી રહ્યા છે.

હ્લા હ્લા કહે છે કે તેમણે સૈનિકોને ફોન પર એ કહેતાં સાંભળ્યા હતા કે તેમણે આઠ કે નવ જેટલા લોકોને મારી નાખ્યા છે. તેઓ કહી રહ્યા હતા કે તેમને મારવું ખૂબ 'સંતોષજનક' હતું અને તેઓ એ દિવસને 'અત્યાર સુધીનો સૌથી સફળ દિવસ' ગણાવી રહ્યા હતા.

તેઓ કહે છે કે હત્યા બાદ સૈનિકો "સફળતા! સફળતા!"ના નારા લગાવતા ત્યાંથી નીકળી ગયા હતા.

વધુ એક મહિલાએ પોતાના પતિની હત્યા થતી જોઈ હતી.

તેઓ કહે છે, "તેમણે તેમને જાંઘના ભાગમાં ગોળી મારી અને પછી કહ્યું કે મોઢું નીચે કરીને તેઓ સુઈ જાય. પછી તેમણે તેમને નિતંબ પર ગોળી મારી હતી. અંતે માથામાં ગોળી મારી તેમની હત્યા કરી હતી."

એ મહિલા કહેતાં રહ્યાં કે તેઓ PDFનાં સભ્ય નથી.

તેઓ કહે છે, "તેઓ ખરેખર એક મજૂર હતા જેઓ તાડી તોડવાનું કામ કરતા હતા અને પારંપરિક રીતે પોતાની રોજી રોટી કમાતા હતા. અમારો એક દીકરો અને એક દીકરી છે. મને નથી ખબર કે હવે કેવી રીતે જીવવું."

માઉંગ ઓ કહે છે કે તેમને તેમના કાર્યનું દુ:ખ છે. તેઓ કહે છે, "હું તમને બધું જ જણાવીશ. હું ઇચ્છું છું કે બધા જ લોકો આ વિશે જાણે જેથી તેઓ આવી પરિસ્થિતિનો સામનો ન કરે."

બીબીસી સાથે જે છ સૈનિકોએ વાત કરી તેમણે ઘર અને મધ્ય મ્યાનમારના ગામોને સળગાવવાની વાત સ્વીકારી હતી. તે દર્શાવે છે કે કોઈ પણ પ્રકારના પ્રતિરોધની સામે યોજનાબદ્ધ રીતે કામ થતું હતું.

line

બિન ગામ, સેગેઇંગ વિસ્તાર, મ્યાનમાર

27 નવેમ્બર 2021

મ્યાનમારના સાક્ષી જે માનવાધિકારના ઉલ્લંઘન વિશે સંશોધન કરતું ગ્રૂપ છે તેમણે 200 જેટલા રિપોર્ટની પુષ્ટિ કરી છે જેમાં છેલ્લા દસ મહિનામાં ગામડાંને સળગાવી દેવાયાં છે.

તેઓ કહે છે કે આ પ્રકારના હુમલા તીવ્ર ગતિએ વધી રહ્યા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આશરે 40 જેટલા હુમલા થયા હતા. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં હુમલાની સંખ્યા 66 પર પહોંચી હતી.

આવું પહેલી વખત નથી થયું કે મ્યાનમારમાં સળગાવી દેવાની નીતિ પર મિલિટરીએ કામ કર્યું હોય. આ પહેલાં વર્ષ 2017માં રખાઈનમાં પણ રોહિંગ્યા લોકો વિરુદ્ધ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી.

દેશમાં ઘણા દાયકાઓથી આવી હિંસા જોવા મળી રહી છે. કેટલાક વંશીય લડવૈયાઓ PDFને તાલીમ આપી રહ્યા છે અને તેમને હથિયાર આપી રહ્યા છે.

હ્યુમન રાઇટ્સ વૉચની માહિતી પ્રમાણે મ્યાનમારમાં સૈનિકોની લૂંટવાની અને હત્યાઓ કરવાની જૂની ટેવ છે જે દાયકાઓથી ત્યાં જોવા મળી રહી છે.

મિલિટરી દ્વારા કરવામાં આવતા અત્યાચારોમાં ક્યારેક જ કોઈને સજા થઈ હશે.

line
લાઇન

સંક્ષિપ્તમાં: મ્યાનમારમાં લોકોને પ્રતાડિત કરનારા સૈનિકોનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ

લાઇન
  • 6 સૈનિકોનાં નિવેદનો અને સાથે જ તેમના દ્વારા થયેલી હિંસાનો ભોગ બનેલા પીડિતોના નિવેદનો દર્શાવે છે કે મિલિટરી સત્તા મેળવવા માટે કેટલી હદે જઈ શકતી હતી
  • કેટલાક સૈનિકો હવે લોકતંત્રને ફરી જીવિત કરવા માટે લડી રહેલા સ્થાનિક યુનિટ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF)ની સુરક્ષા હેઠળ છે
  • ગત વર્ષે મિલિટરી દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાઈને આવેલાં આંગ સાન સુને હઠાવી સત્તાપલટો કરવામાં આવ્યો હતો
  • હવે તે હથિયારબદ્ધ નાગરિકોનો ખાતમો કરવા માગે છે
  • કૉર્પોરલ આંગ સ્વીકારે છે કે તેમણે પાંચ પુરુષોને ગોળી મારી તેમને દાટી દીધા હતા
  • તેમણે કહ્યું કે આશરે 60 જેટલાં ઘર સળગાવી દેવાયાં હતાં અને મોટાભાગનું ગામ બળીને ખાખ થઈ ગયું હતું
  • યાએ મ્યેટમાં થયેલી હિંસામાં આશરે દસ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આઠ છોકરીઓનો ત્રણ દિવસ સુધી વારંવાર બળાત્કાર થયો હતો
  • ઘટનાસ્થળે હાજર રહેલાએ કહ્યું કે તેમની પાસે બાળક હતું તે છતાં તેમણે તે મહિલાને લૂંટ્યાં અને તેમને ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી
  • બીબીસી સાથે જે છ સૈનિકોએ વાત કરી તેમણે ઘર અને મધ્ય મ્યાનમારનાં ગામોને સળગાવવાની વાત સ્વીકારી હતી
  • તે દર્શાવે છે કે કોઈ પણ પ્રકારના પ્રતિરોધની સામે યોજનાબદ્ધ રીતે કામ થતું હતું
  • હ્યુમન રાઇટ્સ વૉચની માહિતી પ્રમાણે મ્યાનમારમાં સૈનિકોની લૂટવાની અને હત્યાઓ કરવાની જૂની ટેવ છે જે દાયકાઓથી ત્યાં જોવા મળી રહી છે

10,000 લોકો વિકલાંગ થયા

મ્યાનમાર

મ્યાનમારની મિલિટરીએ સતત સૈનિકો ભાડે લાવવા પડે છે કેમ કે ઘણા સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે અથવા તો PDFના હાથે મૃત્યુ પામ્યા છે.

પીપલ્સ એમ્બ્રેસ નામના ગ્રૂપની માહિતી પ્રમાણે 2021ના સત્તાપલટાથી અત્યાર સુધી આશરે દસ હજાર જેટલા લોકો આર્મી અથવા પોલીસ દ્વારા અપંગ થયા છે. પીપલ્સ એમ્બ્રેસ ગ્રૂપ પૂર્વ મિલિટરી અને પોલીસકર્મીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.

સેન્ટર ફૉર સ્ટ્રેટેજીક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ થિંક ટૅન્કના માઇકલ માર્ટીન કહે છે, "આ મિલિટરી જુદા જુદા સ્તરે યુદ્ધ કરવા પ્રયાસ કરી રહી છે. તેનાથી ઑફિસર રૅન્ક અને ભરતી થયેલી રૅન્ક માટે સમસ્યા ઊભી કરે છે. તેનાથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. ભરતીમાં સમસ્યાઓ આવી રહી છે. સાધનો મળવામાં મુશ્કેલી થઈ રહી છે અને તેનાથી લાગે છે કે તેઓ વિસ્તાર પર નિયંત્રણ ગુમાવી રહ્યા છે"

મેગવે અને સેગેઇંગ વિસ્તાર (જ્યાં ઉપર દર્શાવવામાં આવેલી ઘટનાઓ ઘટી) મ્યાનમારની મિલિટરીમાં ભરતી માટે ઐતિહાસિક જગ્યા હતી.

પરંતુ હવે યુવાનો PDFને વધારે પસંદ કરી રહ્યા છે.

કૉર્પોરલ આંગ જાણે છે કે તેઓ અપંગ શા માટે થયા અને તેઓ કહે છે, "જો મેં વિચાર્યું હોત કે મિલિટરી જીતશે, તો મેં પક્ષ બદલ્યો ન હોત."

તેઓ કહે છે કે સૈનિકો પોતાનો બેઝ એકલા છોડવાની હિંમત કરતા નથી કેમ કે તેમને ડર છે કે PDF દ્વારા તેમની હત્યા થઈ જશે.

તેઓ કહે છે, "અમે જ્યાં પણ જઈએ ત્યાં અમે મિલિટરી બનીને જઈએ છીએ. કોઈ કહી નથી શકતું કે અમે વર્ચસ્વ ધરાવીએ છીએ."

તપાસ મામલે અમે મ્યાનમાર મિલિટરીના પ્રવક્તા જનરલ ઝો મિન ટૂન પર આરોપ લગાવ્યો. એક નિવેદનમાં તેમણે એ વાત ફગાવી હતી કે સેના નાગરિકોને શિકાર બનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં રેડ કરવામાં આવી હતી તે કાયદેસર નિશાને હતા અને જે લોકોનાં મૃત્યુ થયાં તેઓ "આતંકવાદી" હતા.

તેમણે એ વાતને પણ નકારી કે આર્મી દ્વારા ગામડાં સળગાવી દેવાયાં હતાં અને કહે છે કે PDF દ્વારા આ હુમલા કરવામાં આવી રહ્યા છે.

એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે અને કેવી રીતે આ આંતરિક યુદ્ધનો અંત આવી શકે છે પરંતુ એવું લાગે છે કે મ્યાનમારના ઘણા નાગરિકો છે જે આઘાતગ્રસ્ત બનીને રહેશે.

શાંતિ શોધવામાં જેટલો લાંબો સમય લાગશે, એટલી જ વધારે ખિન ત્વે જેવી મહિલાઓ બળાત્કાર જેવી હિંસાનો ભોગ બનશે.

ખિન ત્વે કહે છે કે તેમની સાથે જે થયું ત્યાર બાદ હવે તેઓ જીવવા માગતાં નથી અને વિચારે છે કે તેઓ આત્મહત્યા કરી લે.

તેઓ પોતાના મંગેતરને પણ જણાવી શકતાં નથી કે તેમની સાથે શું થયું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન